Slave - 3 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 3

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ગુલામ – 3

ગુલામ – 3

( પિતાનો ત્રાંસ )

પોતાનાં પિતા પાસેથી કડવા વચનો સાંભળી, બધાની વચ્ચે બેઇજત થઈને અભય કાઉન્ટર પાસે જઈને ઉભો રહ્યો. વડીલોએ મહેમાનોને જમવા માટે હાંકલ મારી એટલે મહેમાનો ભૂખ્યા શિયાળનાં ઝુંડની જેમ કાઉન્ટર પર ઢગલો થઈ ગયાં. અભયે પોતાનું ધ્યાન જમવાનું પીરસવા પર કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી ઉદય કાઉન્ટર પર આવી, અભય પાસે ઉભો રહી ગયો. અભયનો બેજાન ચહેરો જોઈ તેનાં પપ્પા ખિજાણાં હશે એ વાત ઉદય સમજી ગયો. તેણે અત્યારે મૌન રહેવાનું જ મુનાસિફ સમજ્યું.

જમણવાર પત્યું એટલે ધીમે ધીમે મહેમાનો વિદાય લેવાં લાગ્યાં. કાઉન્ટર પર રહેલાં છોકરાઓએ પણ જમી લીધું. ત્યારબાદ બે કલાક સુધી બધાં છોકરીઓને આરામ કરવાનો સમય મળતો. ઉદયે આ સમયે અભય સાથે વાત કરવાનું વિચાર્યું. જમીને બંને પાણી પી રહ્યાં હતાં ત્યારે ઉદયે ધીમે કહ્યું, “નદીએ બેસવા જવું છે ?”

અભયે ઊડતી નજર ઉદય પર ફેરવી, ઉદય શું કહી રહ્યો હતો એ અભય બખૂબી સમજી રહ્યો હતો. જ્યારે પણ અભય બેચેન થતો અથવા કોઈ મુસીબતમાં ફસાતો ત્યારે ઉદય અભયનો ચહેરો જોઈને કળી જતો હતો. બંને બાળપણનાં મિત્રો હતાં એટલે એકબીજાની રજે-રજથી વાકેફ હતાં.

અભયે માત્ર હકારમાં માથું ધુણાવ્યું.

પંદર મિનિટમાં બંને નદી કિનારે આવેલી ઓરડીનાં ઓટલે બેઠાં હતાં. રસ્તામાં બંને મૌન જ રહ્યાં હતાં. ઉદયે મોટરસાઇકલ સ્ટેન્ડ કરી ત્યાં સુધીમાં અભય ઓટલા પર બેસીને બે પગ વચ્ચે માથું દબાવીને બેસી ગયો હતો.

“શું થયું અલા ?, કેમ એમ બેસી ગયો ?” અભય પાસે જઈને બેઠક લેતાં ઉદયે પુછ્યું, “રડતો તો નથીને ?”

“જાણે તને ખબર જ નહીં હોય.!!” અભયે માથું ઊંચું કરીને કહ્યું, “કોઈ દિવસ રડતાં જોયો છે તે મને ?”

“ફરી બાપાએ કંઈ કીધું ?”

“મારાં બાપા કંઈ માટીનાં બન્યા છે એ ખબર નથી પડતી !!, આટલો સિતમ કોઈ બાપ એની છોકરી પર પણ નહીં ગુઝારતો હોય. તને ખબર છે, બારમાં પછી હું શું કામ રાતે બેસવા ના આવતો ?, નવ વાગ્યાં પછી મને ઘરેથી નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કૉલેજમાં એકવાર મેં મૂછ કઢાવી હતી યાદ છે ?, એક દોસ્તે કહ્યું કે મૂછ પર અસ્ત્રો લગાવ તો રૂંવાટીની જગ્યાએ વાળ આવવા લાગશે. મૂછ કઢાવીને ઘરે આવ્યો તો બાપાએ વધામણાં કરતાં જ કહ્યું, ‘હિજડા(ટ્રાન્સઝેન્ડર) જેવો લાગે છે તું’, કોઈ બાપ એનાં છોકરાને હિજડા જેવો કહે ? અને મુદ્દાની વાત તો એ છે કે ભલે મનમાં આવે એ કહે પણ લોકો સામે અને હું જમવા બેસું ત્યારે જ કેમ તેને આ બધું યાદ આવે છે ?, જ્યારે મારાં બાપાને મને કંઈક કહેવું ત્યારે મોકો વર્તે છે. આજે સવારે જેન્તીકાકાએ આપણને મરચાં સુધારવા કહ્યું હતુંને !, એ મરચાંમાંથી બીબડા પણ કાઢવાના હતાં. આપણે ના કાઢ્યા તો બધાની સામે હાંકી નાંખ્યો મને”

“પેટમાં આ વાતનું દુઃખે છે એમ બોલને” ઉદયે હસીને કહ્યું, “મેં તને શું કહ્યું હતું, તારાં બાપાનાં વિચાર જુદાં છે અને તારાં વિચારો પણ જુદાં છે. તેઓ જ્યારે તારી ઉંમરનાં હશે ત્યારે આવા માહોલમાં મોટાં થયાં હશે એટલે તારી સાથે આવું વર્તન કરે છે”

“હું બધું જ સમજુ છું, પણ કંઈક હદ હોયને ?, છોકરો સામે નથી બોલતો એનો મતલબ એમ તો નથી કે તેને ચૂંસી લેવો. સહનશક્તિની પણ એક હદ હોય છે ને !!!”

“બધું સમુનમુ થઈ જશે, તું ચિંતા ના કર” ઉદયે ધરપત આપી અને પછી વાતોનો દોર બદલતાં કહ્યું, “ થોડાં દિવસમાં જન્માષ્ટમી આવે છે, તું ભાગ લેવાનો છે કે નહીં ?”

“ ઈચ્છા તો છે પણ બાપા પગ આડો નો કરે તો…” અક્ષયે ‘તો’ પર વધુ ભાર આપ્યો.

“તારાં બાપાને ખબર પણ નો પડે અને તું ફાળો ઉઘરાવવા પણ આવી શકે એ માટે મારી પાસે જબરદસ્ત પ્લાન છે” ઉદયે કહ્યું, “હું M.A. કરું છું એ તારાં બાપાને ખબર છે અને તું ભણવામાં હોશિયાર છે એ વાત જગજાહેર છે. જો હું તારી પાસે શીખવાનાં બહાને તને તરપાળા બોલવું તો તારાં બાપા કોઈ દિવસ ના નહિ કહે”

“આઈડિયા તો સારો છે પણ જો બાપાને ખબર પડી જશે તો મારું આવ્યું જ બનશે” અભયે હસીને કહ્યું.

“તું ક્યાં તારાં બાપા જેમ નકારાત્મક વિચારો લાવે છે” ઉદય હસવા લાગ્યો, “એનો દીકરો છે તો લક્ષણ તો દેખાય જ ને !!!’

“તારે મારા મોંની સાંભળવી લાગે” અભય ઉભો થયો, “ચાલ હવે નહીંતર કાલની જેમ ગબ્બરનો ફોન આવશે અને મૂડની પથારી ફરી જશે”

“હાહા, ચાલ ચાલ. તારાં બાપાને ખબર પડશે કે હું તને અહીં લઈ આવ્યો હતો તો મારી પણ ખેર નહિ”

*

“કાકા, ગયા વર્ષની જેમ અમે આ વર્ષે પણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ” ઉદયે કહ્યું, “ યથા શક્તિ મુજબ ફાળો લખાવશો”

રાતનાં આઠ થયાં હતાં, તરપાળા ગામમાં દસ વાગ્યે રાતનાં ત્રણ વાગ્યાં જેવું વાતાવરણ થઈ જતું. પૂરું તરપાળા ગાઢ નિંદ્રામાં સરી જતું એટલે બધાં દોસ્તોએ સાત વાગ્યાથી ફાળો ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. ઉદયે યુક્તિ મુજબ ભુપતભાઇને ફોન કરીને અભયને તરપાળા મોકલવાની મંજૂરી મેળવી લીધી હતી.

“કાલે આવજો” કાકાએ કહ્યું, “આજે વ્યવસ્થા નથી”

બધાં મિત્રોએ કાકા તરફ અણગમા સાથે સ્મિત કર્યું. ઘરની ખડકી બંધ થઈ ગઈ.

“આ કાકો છેલ્લે સુધી વ્યવસ્થા નથી, વ્યવસ્થા નથી એમ કહેશે અને છેલ્લે તિડી બતાવી દેશે. દારૂ અને જુગાર માટે વ્યવસ્થા થઈ જાય છે. ભગવાનનાં કામ માટે જ વ્યવસ્થા નથી થતી” ઉદયે બીજાં ઘર તરફ આગળ વધતાં કહ્યું. એ ઘર પર ઉદયે પહેલાની જેમ જ સ્પીચ આપી. કાકાએ પચાસ રૂપિયા ફાળો આપ્યો. ઉદયે બદલામાં પચાસ રૂપિયાની પહોંચ આપીને આભાર વ્યક્ત કર્યો.

“દુનિયા જાલીમ છે મારાં ભાઈ” જીગાએ ઉદયનાં ખભા પર હાથ રાખીને કહ્યું, “પોતાનાં મતલબ માટે બધું કરી છૂટશે પણ સેવાની વાત આવશે ત્યારે અંગૂઠો દેખાડશે”

“એમાં પાછા ભગવાન સાથે સોદેબાજી કરે છે. મારું આ કામ થઈ જશે તો આ માનતા પુરી કરીશ, પેલું કામ થઈ જશે તો પેલી માનતા પુરી કરીશ. ભગવાન કંઈ ઑફર આપીને બેઠાં છે ?” સંદીપે જીગાની વાતમાં સુર પરોવ્યો.

“ભગવાન તો કર્મોનાં હિસાબનો ચોપડો લઈને બેઠાં છે ભાઈ, એ કાંઈ રૂપિયા બુપિયા નથી જોતો અને નથી કોઈની મદદે આવતો. એ તો બસ સારાં કર્મો કરો તો જમા બાજુ લખે છે અને ખરાબ કર્મો કરો તો ઉધાર બાજુ. પછી એ ચોપડો યમરાજનાં હાથમાં આવે છે. યમરાજ એ હિસાબ તપાસીને સ્વર્ગમાં મોકલવા કે નર્કમાં એ નક્કી કરે છે” તુષારે ભારીભરખમ જ્ઞાન આપી દીધું.

“તને મજા આવે છે ને અભય ?” ઉદયે પુછ્યું.

“મજા તો આવે છે” અભયે બંને ખભા ઉછાળીને કહ્યું, “પણ બાપાને ખબર પડશે તો મારો વારો પડી જવાનો છે”

“એવું કંઈ નહીં થાય” ઉદયે કહ્યું, “તું મજા લે અત્યારે”

“તમારી વાત થઈ ગઈ હોય તો આગળ વધીએ હવે ?” એક દોસ્તે કહ્યું.

“હા..હા..ખુશી ખુશી આગળ વધો” ઉદયે અભયનાં ખભા પર હાથ રાખીને કહ્યું.

(ક્રમશઃ)