Aukaat - 29 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 29

Featured Books
  • नज़र से दिल तक - 14

    अगली सुबह hospital के atmosphere में वही usual hustle था, ले...

  • Shadows Of Love - 2

     Secrets of the Night – झील के भीतरझील की सतह पर उभरा वह चमक...

  • अंतिम प्रतिबिंब

    कहानी का शीर्षक: अंतिम प्रतिबिंब ️ लेखक: विजय शर्मा एरी---रव...

  • जीवन का विज्ञान - 1

    जीवन का विज्ञान देह, मन, आत्मा और मृत्यु का संतुलित रहस्य —...

  • Saza e Ishq - 1

    एक बड़े से महल जैसे घर में एक बड़े से कमरे में एक बड़े से मि...

Categories
Share

ઔકાત – 29

ઔકાત – 29

લેખક – મેર મેહુલ

“આ તો બળવંતરાયનો દીકરો જયુ છે” કેશવનાં કાને અવાજ પડ્યો. કેશવે ફરી ટોળું ચીરીને લાશ પાસે આવ્યો.

“કોણ છે આ ?” કેશવે મોટા અવાજે પૂછ્યું.

“બળવંતરાયનો દીકરો જસવંતરાય” એક માણસે કહ્યું. કેશવે તાબડતોબ મોબાઈલ હાથમાં લીધો અને બળવંતરાયને ફોન જોડ્યો. ટેકરી પર નેટવર્ક ન હોવાને કારણે કૉલ કનેક્ટ જ ના થયો.

“અહીં નેટવર્ક નહિ આવે ભાઈ, મંદિર પાસે આવશે” એક વ્યક્તિએ કહ્યું. કેશવ મંદિર તરફ ચાલ્યો. મંદિરે મીરા તેની રાહ જોઇને ઉભી હતી.

“મંગુભાઇ નથીને ?” કેશવ નજીક આવ્યો એટલે મીરાએ પૂછ્યું.

“ના, પણ આ જયુ અથવા જસવંતરાય કોણ છે ?” કેશવે મોબાઈલ કાઢીને પૂછ્યું.

“શ્વેતાનો ભાઈ” મીરાએ કહ્યું, “આપણી કોલેજ શરૂ થઈ એ પહેલાં જ એને અન્ડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો હતો”

“એની લાશ મળી છે” કેશવે કહ્યું અને નેટવર્ક તપાસ્યું. નેટવર્કનાં બે પોઇન્ટ આવતાં હતાં. કેશવે બળવંતરાયને ફોન જોડ્યો.

“કેશવ બોલું દાદા” કૉલ રિસીવ થયો એટલે કેશવે કહ્યું.

“કોણ બોલે ?”

“દાદા, કેશવ બોલું” કેશવે ઊંચા અવાજે કહ્યું.

“ઓહ કેશવ, બોલ” બળવંતરાયે કહ્યું.

“શિવ ટેકરી પાસે આવી શકશો ?” કેશવે પૂર્વવત ઊંચા અવાજે કહ્યું.

“ક્યાં ?” બળવંતરાયે પૂછ્યું, “શિવ ટેકરીએ ?”

“હા” કેશવે કહ્યું.

“તું ત્યાં શું કરે છે ?” બળવંતરાયનો ડરેલો અવાજ કેશવનાં કાને પડ્યો.

“તમે પહેલા અહીં આવી જાઓ, પછી વિગતવાર માહિતી આપીશ” કહેતાં કેશવે કૉલ કટ કરી દીધો.

“ચાલો મેડમ તમને ઘરે ઉતારી આવું, તમારું અહીં રહેવું સેફ નથી”

કેશવ અને મીરા ઝડપથી પગથિયાં ઉતર્યા. કેશવે પુરવેગે બાઇક ચલાવી, મીરાને એનાં ઘરે ઉતારીને કેશવ પોલીસ ચોકી તરફ ચાલ્યો.

કેશવ જ્યારે ચોકીએ પહોંચ્યો ત્યારે મનોજ બહાર ઉભો હતો.

“રાવત સાહેબ છે ?” કેશવે એક હવલદાર પાસે જઈને પૂછ્યું.

“કામથી બહાર ગયા છે” હવલદારે કહ્યું, “કોઈ સંદેશો હોય તો કહી દો, એ આવશે એટલે આપી દઈશ”

“શિવ ટેકરી પર એક લાશ મળી છે” કેશવે કહ્યું, “એને ફોન જોડીને જણાવી દો”

કેશવની વાત સાંભળીને મનોજ કેશવ પાસે આવ્યો.

“શું કહ્યું સાહેબ ?” મનોજે પૂછ્યું, “કોની લાશ મળી છે ?”

“લોકો કહે છે એ બળવંતરાયનો દીકરો જયુ છે” કેશવે કહ્યું.

“રણજિત સાહેબ હાજર છે” મનોજે કહ્યું, “ઉભા રહો હું બોલાવી આવું”

મનોજ જઈને રણજિતને બોલાવી આવ્યો. રણજિત કેશવને જોઈને સહેજ ચોંક્યો.

“શું વાત છે કેશવ, કેમ આજે સામેથી પોલીસ સ્ટેશન તરફ આવવું પડ્યું ?”

કેશવે શિવ ટેકરીએ બનેલી ઘટનાની વિગતવાર માહિતી આપી. રણજિતે જીપ કાઢવા કહ્યું. રણજિત, મનોજ અને કેશવ સાથે બે હવલદાર શિવ ટેકરી તરફ નીકળી ગયાં.

*

બળવંતરાયને જ્યારે કેશવનો ફોન આવ્યો ત્યારે રાવત તેની બાજુમાં બેઠો હતો. બળવંતરાયનાં ચહેરા પર ડર જોઈને રાવતને કંઈ ખોટું થયાનો અંદેશો આવી ગયો હતો.

“શું થયું દાદા, કેશવ શું કહેતો હતો ?” રાવતે પૂછ્યું.

“મને શિવ ટેકરી પાસે બોલાવ્યો છે” બળવંતરાયે ઉભા થઈને કહ્યું.

“શિવ ટેકરીના પાછળવાળા ફાર્મ હાઉસમાં જ જયુભાઈને રાખવામાં આવ્યાં હતાં ને ?” રાવતે પૂછ્યું.

“હા, મને એ જ વાતનો ડર છે” બળવંતરાયે કહ્યું, “તેને કંઈ ના થયું હોય તો સારું”

સહસા રાવતનો મોબાઈલ રણક્યો.

“બોલ દિપક” રાવતે ફોન રિસીવ કરીને કહ્યું.

સામે દીપક કશું બોલ્યો એટલે રાવત ઉભો થઇ ગયો. તેણે ફોન કટ કરીને ગજવામાં સરકાવી દીધો.

“હવે તને શું થયું ?” બળવંતરાયે પૂછ્યું.

“શિવ ટેકરી પર જયુભાઈની લાશ મળી છે” રાવતે કહ્યું, “મનોજ અને રણજિત કેશવને લઈને ત્યાં જવા નીકળી ગયા છે”

“હે ભગવાન !” બળવંતરાય આઘાતમાં સરી પડ્યા, “શું થઈ રહ્યું છે આ બધું ?”

“હિંમતથી કામ લો દાદા” રાવત ઉભો થયો, “ચાલો આપણે શિવ ટેકરીએ જવાનું છે”

*

“આ ત્રણ લાખ જયુની જાણકારી આપવા માટે અને આ બે લાખ શ્વેતાની માહિતી માટે” બદરુદ્દીને પાંચ લાખ ગણીને ટેબલ પર રાખ્યાં.

સામે બેઠેલાં વ્યક્તિએ લુચ્ચું સ્મિત વેર્યું, બધાં બંડલ લઈને તેણે પોતાની બ્રિફકેસમાં રાખી દીધાં.

“આપણી ડિલ યાદ છે ને માલિક” એ વ્યક્તિ બોલ્યો, “બળવંતરાયનાં માથાનાં પાંચ લાખ રૂપિયા આપવાનાં છે”

“એકવાર શિવગંજ મારા હાથમાં આવવા દે, તું ગણીગણીને થાકી જઈશ એટલા રૂપિયા આપીશ તને. તારા કારણે જ શિવગંજ મેળવવાનું મારું સપનું પુરૂ થવાનું છે. જો તે શ્વેતા પ્રેગ્નન્ટ છે એમ ના જણાવ્યું હોત અને એને મારવાનો પ્લાન ના બતાવ્યો હોત તો બળવંતરાયને બરબાદ કરવા વિશે હું કોઈ દિવસ વિચારેત જ નહિ”

“રૂપિયા માટે તો મેં સગા બાપને પણ મારી નાંખ્યો હતો, બળવંતરાય તો મારો માલિક છે” સામે બેઠેલાં વ્યક્તિએ કહ્યું.

“જયુ શિવ ટેકરીનાં ફાર્મ હાઉસ પાછળ છે એવી તને કેવી રીતે ખબર પડી ?” બદરુદ્દીને કહ્યું.

“બળવંતરાયની હવેલીનો નોકર છું, હવેલીમાં શું શું થાય છે એની બધી જાણકારી રાખું છું”

“એ વાત સાચી કહી ગોપાલ” બદરુદ્દીન લુચ્ચું હસ્યો.

“તમે આ કામ કોની પાસે કરાવ્યું એ ના જણાવ્યું” ગોપાલે પૂછ્યું.

“તું કેરી ખાવાથી મતલબ રાખીને ભાઈ, ગોટલા ગણવાથી શું મળશે તને ?” બદરુદ્દીને કહ્યું, “હવેલીમાં શું શું ચાલે છે એની જાણકારી આપતો રહે એટલે તને રૂપિયા મળતાં રહેશે”

“ચાલો તો હું રજા લઉં, દાદા ગમે ત્યારે હવેલીએ આવી ચડશે” કહેતાં ગોપાલ ઉભો થયો. બ્રિફકેસ ઊંચક્યું અને બહાર નીકળી ગયો. ગોપાલનાં ગયા પછી રૂમમાં બેસેલો લાંબી દાઢી અને નાના વાળ વાળો એક વ્યક્તિ બહાર આવ્યો અને બદરુદ્દીનની બાજુમાં સોફા પર બેસી ગયો.

“શું દિમાગ ચલાવ્યું છે ભાઈ તે, પહેલાં મારાં માણસો પર હુમલો કરાવ્યો જેથી કોઈને મારાં પર શંકા ના જાય. પછી શશીકાંતનાં ખાસ માણસને ખતમ કરી દીધો અને હવે બળવંતરાયનાં દીકરા-દીકરીને મારીને પુત્રો વિહોણો કરી દીધો. ગોપાલ તારું નામ પૂછતો હતો. મને પણ તારું નામ નથી ખબર તો એને ક્યાંથી જણાવું ?”

“મારું નામ જાણીને તમે શું કરશો ?”

“મારે તો કામથી મતલબ છે તો પણ તું કારણ વિના મારી આટલી મદદ કરે છે તો જણાવી દે”

“કારણ વિના કોઈ મદદ નથી કરતું, તમારાં લાભમાં મારો પણ લાભ છુપાયેલો છે. સમય આવશે ત્યારે હું મારી ઓળખાણ ચોક્કસ આપી દઈશ”

“જેવી તારી ઈચ્છા” બદરુદ્દીને કહ્યું.

*

એક જ અઠવાડિયામાં બળવંતરાય પોતાની દીકરી અને દીકરાને ગુમાવી ચુક્યા હતા. જ્યારે તેણે પોતાનાં દીકરા જસવંતરાયની લાશ જોઈ ત્યારે એ લગભગ બેભાન જ થઈ ગયા હતાં.

‘હે ભગવાન !, એક સાથે તે મારાં બે જીગરનાં ટુકડા છીનવી લીધાં, મારાં સંતાનોની જગ્યાએ તે મને કેમ ના બોલાવી લીધો’ માથાં પર હાથ રાખીને બળવંતરાય ત્યાં જ બેસી ગયાં.

“દાદા હિંમતથી કામ લો” રાવત સાંત્વના આપી, “આ કામ ભગવાનનું નથી, તમારા દુશ્મનનું છે અને આજથી દસ દિવસમાં એને તમારી સમક્ષ હાજર કરવાની હું બાંહેધરી આપું છું”

“બળવંતરાયને લઈ જાઓ અહીંથી અને લાશને નીચે લઈ જવાની વ્યવસ્થા કરો” મનોજે હુકમ કર્યો.

“હું એમ્બ્યુલન્સને કૉલ કરું છું” રણજિતે મોબાઈલ હાથમાં લઈને કહ્યું.

બળવંતરાયને સ્પોર્ટથી દૂર લઈ જવામાં આવ્યાં. અત્યારે મનોજ, રાવત અને કેશવ ઘટના સ્થળે હાજર હતા.

“કોઈએ બહેરહમીથી મોઢા પર પથ્થર મારીને બદલો લીધેલો છે” મનોજે જયુનાં ચહેરા પર નજર ફેરવી.

“જયુનાં હાથમાં શું છે ?” રાવતે પૂછ્યું. મનોજે જયુનાં હાથ પર નજર કરી, તેનાં હાથમાં એક દોરો હતો, બાજુમાં થોડાં રુદ્રાક્ષનાં મણકા પડ્યા હતાં.

“હતાપાઈમાં સામેનાં વ્યક્તિનાં ગળામાં આ માળા હશે અને તૂટીને જયુનાં હાથમાં આવી ગઈ હશે” મનોજે અનુમાન લગાવ્યું.

“હું કંઈ બોલું સર” કેશવ વચ્ચે પડ્યો. મનોજે આંખ વડે ઈશારો કરીને પરમિશન આપી.

“શ્વેતા મેડમ અને જયુભાઈનાં મર્ડર પાછળ કોણ છે એ હું જાણું છું” કેશવે કહ્યું, “જયુભાઈની હત્યા થઈ એ પહેલાં એક વ્યક્તિને મેં આ તરફ આવતાં જોયો હતો અને જોગાનુજોગ એ જ વ્યક્તિને મેં શ્વેતા મેડમનાં મર્ડર પહેલાં પણ જોયો હતો”

“આટલી મોટી વાત તું છુપાવી કેમ શકે ?” રાવત બરાડ્યો.

“પહેલીવાર મેં તેને જોયો ત્યારે મને તેનાં પર શંકા નહોતી ગઈ પણ અત્યારે બીજીવાર મેં તેને જોયો ત્યારે મને શંકા નહિ વિશ્વાસ છે, બંને હત્યા પાછળ આ જ વ્યક્તિનો હાથ છે”

“એનો ચહેરો યાદ છે તને ?” મનોજે પૂછ્યું.

“જી બિલકુલ સર”

“ગુડ, રાવત સ્કેચ આર્ટિસ્ટને બોલાવી લે” મનોજે કહ્યું.

“જી સર” રાવતે કહ્યું.

“અને શ્વેતાનાં મોબાઇલમાંથી જે નંબર મળ્યો હતો તેનું શું થયું ?”

“આવતી કાલે એ છોકરાને પણ પૂછપરછ માટે બોલાવી લઈશ” રાવતે કહ્યું.

“હવે દર્શક બનીને બેસી રહેવાનો સમય નીકળી ગયો છે, એક વ્યક્તિ ખુલ્લેઆમ હત્યા કરે છે અને આપણે હાથ પર હાથ રાખીને બેઠા છીએ. થોડું મગજ ચાલવો, તપાસ કરો અને હત્યારાને શોધો” મનોજે કડક અવાજે કહ્યું.

“જી સર” રાવતે પૂર્વવત અવાજે કહ્યું. મનોજ અને રાવતની વાતો બાજુમાં ઉભેલો કેશવ શાંતચિત્તે સાંભળી રહ્યો હતો. મનોજની નજર કેશવ પર પડી.

“તું કંઈ મદદ કરી શકે છે ?” મનોજે એ જ કડક અને તીખાં અવાજે પૂછ્યું. કેશવે ખભા ઉછાળ્યા.

“તો અહીં શા માટે ઉભો છો ?, આર્ટિસ્ટ આવશે એટલે તને બોલાવી લેવામાં આવશે”

કેશવે નતમસ્તક થઈને માથું ધુણાવ્યું અને ત્યાંથી નીકળી ગયો.

*

શિવગંજની મધ્યમાં એક પુરાણી, ખંડેર, જર્જરિત હાલતમાં હવેલી હતી. વર્ષોથી આ હવેલી બંધ હાલતમાં હશે તેનું અનુમાન તેનાં ઢાંચા અને પરસાળમાં ઉગેલા ઘાસ પરથી લગાવી શકાતું હતું. હવેલીનાં પાછળનાં ભાગમાં ગેરેજ જેવો એક રૂમ હતો, જેમાં એક પુરાણી ફિયાટ અને એક બુલેટ પાર્ક કરેલું હતું.

હવેલીનાં મુખ્ય ખંડમાં હાલ બે માનવઆકૃતિ ઉપસ્થિત હતી. બંને વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ રહી હતી.

“અજિત, હવે કેટલો સમય બાકી છે ?” રોનકે પૂછ્યું.

“બસ થોડા દિવસો જ” અજિતે કહ્યું, “હવે એ દિવસ દૂર નથી”

“તો પણ, આટલાં કાંડ કરી લીધા છે આપણે. શિવજીની મહેરબાની છે કે આપણે કોઈની નજરે નથી ચડ્યા, જો આમ જ ચાલતું રહેશે તો જરૂર પોલિસની નજરે ચડી જઈશું” રોનકે ભયમિશ્રિત અવાજે કહ્યું.

“આપણે જ્યારે આ કામ હાથમાં લીધું હતું ત્યારે ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી, યાદ છે” અજિતે મક્કમ અને ઉસ્તાહિત થઈને કહ્યું, “આપણે જીવ હથેળીમાં લઈને ચાલવાનું છે. જો આપણામાંથી કોઈ એક ઓછો થઈ જાય તો પણ આપણાં લક્ષ્યને અંજામ સુધી પહોંચાડવાનું છે”

“એ તો ઠીક છે પણ તું શેવિંગનો સમાન કેમ લઈ આવ્યો ?” રોનકે પૂછ્યું. અજિતની બાજુમાં એક નાનું બોક્સ હતું જેમાં શેવિંગનો સમાન હતો.

“મારો લાંબી દાઢીવાળો ચહેરો હવે ઘણા લોકોએ જોઈ લીધો છે, બનવાજોગ છે કોઈને શંકા પણ ગઈ હોય એટલે હવે હું મારો લિબાસ બદલું છું”

“તો તું દાઢી નહિ રાખે હવે ?” રોનકે આશ્ચર્ય વચ્ચે પૂછ્યું.

“દાઢી-મુચ્છ બંને” અજિતે કહ્યું, “હજી આપણે અડધી સફર જ કાપી છે, મુખ્ય મંજિલ સુધી પહોંચતા મારો સાથ છૂટી જાય એવું હું નથી ઇચ્છતો”

“તો આગળનો ટાર્ગેટ કોણ છે ?” રોનકે પૂછ્યું.

અજિતે મોબાઈલ હાથમાં લીધો, મોબાઈલમાં એક વ્યક્તિનો મૅસેજ આવેલો હતો. તેમાં જે નામ લખ્યું હતું એ અજિતે મોટેથી વાંચ્યું,

“મનોજ, નવો આવેલો IPS અધિકારી”

“મનોજ” રોનકને ફરી આશ્ચર્ય થયું, “એ તો આપણાં લિસ્ટમાં નહોતો”

“લિસ્ટમાં નહોતો પણ આ કેસ એનાં હાથમાં છે. જો એને અત્યારે અટકાવવામાં નહિ આવે તો એ આપણી કબર ખોદી નાંખશે, માટે પહેલાં એને અટકાવવો જરૂરી છે”

“કંઈ વિચાર્યું છે ?” રોનકે પૂછ્યું, “ કેવી રીતે આને અટકાવીશું ?”

અજિતે ફરી મોબાઈલ હાથમાં લીધો અને મનોજનો નંબર ડાયલ કર્યો.

“હેલ્લો….” કૉલ રિસીવ થયો એટલે સામે છેડેથી અવાજ આવ્યો.

અજિતે મોબાઈલ પાસે રૂમાલ રાખ્યો,

“મનોજ સર ?” અજિતે ઘેરા અવાજે પૂછ્યું.

“હાંજી, મનોજ બોલું”

“તમારો શુભચિંતક, તમારાં માટે એક ખબર છે”

“કોણ બોલો છો તમે ?” મનોજે પૂછ્યું.

“નામ નહિ જણાવી શકું, શુભચિંતક સમજો” અજિતે કહ્યું, “કાલે આ સમયે શિવગંજની ઉત્તરે આવેલાં પાર્વતી મંદિર પાસે આવી જજો, હું તમને બધી માહિતી આપીશ” કહીને અજિતે ફોન કાપી નાંખ્યો. થોડીવાર પછી મનોજનાં ઘણાબધાં કૉલ આવ્યાં પણ અજિતે કોઈ રિસીવ ન કર્યા અને ફોન સ્વીચ ઓફ કરી દીધો.

“હવે આગળ ?” રોનકે પૂછ્યું.

“ભૂખ લાગી છે તને ?”

“હા, કકડીને !”

“ચાલ જમી આવીએ” અજિતે કહ્યું.

*

“કેશવ” મીરાએ ચિંતાયુક્ત સ્વરે કહ્યું, “તું કારણ વગર ફસાઈ રહ્યો છે”

“મેડમ તમે મારી ચિંતા ના કરો, હું સુરક્ષિત છું” કેશવે મૃદુતાથી કહ્યું.

“તને શિવગંજ વિશે નથી ખબર, અહીં કોઈનું સારું ઇચ્છીએ તો એ અપરાધ ગણવામાં આવે છે. આગળ જતાં તું મુસીબતમાં ફસાય એવું હું નથી ઇચ્છતી” મીરાએ પૂર્વવત ચિંતાયુક્ત સ્વરે કહ્યું.

“શું શિવગંજ શિવગંજ કહો છો મેડમ, એવું તો શું છે શિવગંજમાં જે મને નથી ખબર” કેશવ ગરમ થઇ ગયો, “મને શિવગંજ વિશે બધી જ ખબર છે”

કેશવની વાત સાંભળીને મીરા ચૂપ થઈ ગઈ.

“સૉરી મેડમ” થોડીવારની ચુપકીદી પછી કેશવે કહ્યું, “હું શ્વેતા મેડમનાં કાતિલને શોધવામાં મદદ કરવા ઈચ્છું છું. મેડમની હત્યા કરનારો ઝડપાઇ એવું તમે નથી ઇચ્છતા ?”

“શ્વેતાને હું ગુમાવી ચુકી છું, હવે તને…..” મીરાનાં શબ્દો અધૂરા રહી ગયાં, એ પહેલાં એ હેતબાઈ ગઈ.

“મેડમ, તમે નાહકની ચિંતા કરો છો” કેશવે કહ્યું, “જમ્યા તમે ?”

“ના…”

“તૈયાર થઈ જાઓ, આપણે ડિનર માટે મળીએ છીએ” કેશવે કહ્યું.

“અત્યારે ?” મીરાએ કહ્યું, “નવ વાગ્યા”

“આવો છો કે નહીં ?” કેશવે પૂછ્યું.

“હા બાબા, દસ મિનિટમાં શિવાજી સર્કલ પાસે મળીશ તને” મીરાએ હળવું હસીને કહ્યું.

“અને સાંભળો….” કેશવે લાંબો લહેકો લીધો, “આઈ લવ યુ”

કેશવનાં આ શબ્દો સાંભળીને મીરાનાં ચહેરા પર આપમેળે સ્મિત રમવા લાગ્યું.

“લવ યુ ઓલવેઝ” કહેતાં મીરાએ આંખો બંધ કરી અને ફોન પર એક કિસ કરીને ફોન કટ કરી દીધો.

બંને ડિનર માટે તો મળવાના હતાં પણ આગળ જતાં જે સંજોગો ઉભા થવાનાં હતાં તેનાથી બંને બેખબર હતાં.

(ક્રમશઃ)