Ability - 26 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 26

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ઔકાત – 26

ઔકાત – 26

લેખક – મેર મેહુલ

“તું પણ કોલેજ નથી ગયો ?” મીરાએ ફોનમાં કહ્યું. સામે કેશવ હતો. કેશવે ‘ના’ માં જવાબ આપ્યો એટલે મીરાએ ઉદાસ થતા કહ્યું, “શ્વેતાને ગયાને આજે અઠવાડિયું થઈ ગયું પણ હજી હું એ વાતને સ્વીકારી નથી શકતી. હમણાં જ શ્વેતા દોડીને આવશે અને મને ગળે વળગી પડશે એવો ભાસ થાય છે. કોલેજ જવાનું પણ મન નથી થતું. ત્યાં પણ શ્વેતાનો ચહેરો મારી નજર સામે આવે છે”

“મારી હાલત પણ તમારાં જેવી જ છે, રોજ સવારે મેડમને કોલેજ લઈ જવા માટે હું હવેલીએ જતો, તેઓનાં ગયા પછી પણ સવારે હવેલીએ જવાનો જ વિચાર આવે પણ પછી મેડમ હવે નથી રહ્યા એ યાદ આવતાં હું ધ્રુજી ઊઠું છું” કેશવે ઉદાસ અવાજે કહ્યું, “કદાચ એ દિવસે મેં મેડમ સાથે વધુ સમય વિતાવ્યો હોત તો મેડમ આજે આપણી વચ્ચે હોત”

“એવું ના વિચાર, જે થવાનું હતું એ થઈ ગયું. આપણે એને બદલી નથી શકવાના” મીરાએ દિલાસો આપતાં કહ્યું, “કામ ના હોય તો ચાલ બહાર નીકળીએ, ઘરે બેઠા બેઠા એ જ વિચારો આવશે બંનેને”

“અડધી કલાકમાં હું તમને લેવા આવું છું મેડમ” કેશવે કહ્યું. મીરાએ ‘બાય’ કહીને ફોન રાખી દીધો.

શિવગંજની પૂર્વ ભાગોળમાં શિવ ટેકરીની ઉપર ભોળાનાથની શિવલિંગ હતી. આ મંદિરનાં પગથિયાં વધુ પડતાં કરાળ અને થકવી નાંખરા હતાં. કેશવ અને મીરા જ્યારે ટેકરી પર ચડ્યા ત્યારે બંને થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. બંને ટેકરીનાં છેલ્લા પગથિયાં પર બેઠાં.

“આ શિવલિંગની સ્થાપના મોહનલાલે કરી હતી” મીરાએ કહ્યું, “અહીં એક પથ્થર એવો છે જેને ટકોરા મારતા નગારા જેવો અવાજ આવે છે”

“થોડીવાર આરામ કરી લઈએ, પછી જઈશું આપણે” કેશવે હાંફતા હાંફતા કહ્યું.

“આટલા પગથિયાંમાં થાકી ગયો ?” મીરા હળવું હસી, “શ્રાવણમાસમાં દરરોજ આ ટેકરીએ આવીને હું શિવલિંગ પર પાણી ચડાવું છું”

“તમે ચડી શકો, મારાં માટે તો આ કપરો અનુભવ છે” કેશવે કહ્યું.

“આ લે પાણી પી લે” મીરાએ બેગમાંથી પાણીની બોટલ કાઢીને કેશવનાં હાથમાં આપી.

“તમારો આ સ્વભાવ જ મને તમારાં તરફ આકર્ષે છે” કેશવે મીરા સાથે આંખો મેળવીને કહ્યું, “તમે નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખો છો”

“અચ્છા” મીરાએ સણકો કર્યો, “બીજું શું શું ગમે છે તને ?”

“તમારી આંખો” કેશવે મીરાની આંખોમાં જોઈને કહ્યું, “માણસ ખોટું બોલી શકે પણ આંખો કોઈ દિવસ ખોટું નથી બોલતી, તમારી આંખો જ તમારી સચ્ચાઈ બયાન કરે છે. તમે નિસ્વાર્થી છો, તમારા સ્વભાવમાં કરૂણતા અને દયાનું મિશ્રણ છે”

મીરા થોડી ગંભીર બની, તેણે કેશવનાં હાથમાં પોતાનો હાથ પરોવ્યો.

“બીજું શું પસંદ છે ?” સ્મિત સાથે મીરાએ પૂછ્યું.

“તમારાં હોઠ” કેશવે મીરનાં હોઠ પર નજર કરી, “તમે જ્યારે કોઈ વાત કહો ત્યારે મારુ ધ્યાન તમારાં હોઠ પર જ હોય છે, એ હોઠ પોતાની જ ધૂનમાં નાચતાં હોય અને સ્વંય આનંદિત થતાં હોય એવું તેને જોઈને અનુમાન લગાવી શકાય”

“આગળ ?” મીરાએ કેશવ તરફ જોઈને પૂછ્યું.

“તમારી આ પાતળી કમર” કેશવ હળવું હસ્યો, “કોઈ શિલ્પકારે નવરાશનાં પળોમાં કંડારી હોય એવી રીતે તમારી કમરનાં વળાંકો છે”

“ક્યાં લેખકની નવલકથામાં આવું બધું લખ્યું છે ?” મીરા હસી, “મને પણ આપજે વાંચવા”

કેશવ પણ હસી પડ્યો.

“આગળ તો સાંભળો મેડમ” કેશવે કહ્યું.

“આજે બસ કમર સુધી જ” મીરાએ હસતા હસતા કહ્યું, “ આનાથી નીચે આપણે પછી જઈશું”

“જેમ તમે કહો” કેશવે ખભા ઉછાળ્યા, “મારા વિશે તો કહો, શું શું પસંદ છે તમને ?”

“હું તારી જેમ નવલકથા નથી વાંચતી, પણ હા એટલું જરૂર કહીશ” મીરાએ કહ્યું, “પહેલા દિવસથી જ તારો સ્વભાવ મને પસંદ આવી ગયો હતો. તું બધાની ઈજ્જત કરે છે ઇવન અત્યારે પણ તું જે મને મેડમ કહીને બોલાવે છે એ મને ખુબ જ ગમે છે”

કેશવે સ્મિત કર્યું,

“રૂપ અને રૂપિયો તો સમયનું મહોતાજ છે, આજે કમાયેલી ઈજ્જત મરતીવેળા સુધી સાથે રહેશે”

“બસ હવે, મારે આ ડાયલોગબાજીમાં નથી પડવું” મીરાએ કેશવનાં ખભે માથું રાખ્યું, “મારે મારો કેશવ જોઈએ છે, ફિલોસોફર નહિ”

કેશવ હળવું હસ્યો, મીરાનાં માથે હાથ રાખી તેને મસ્તક પર ચુંબન કર્યું અને કહ્યું,

“હું એ જ છું મેડમ”

*

રાવત ચાની લારી પર ઉભો હતો, તેની બાજુમાં રણજિત ઉભો હતો. બંનેનાં હાથમાં ચાનાં કપ હતાં.

“કાલે સવારે નવા IPS આવશે, પછી તો એ જ બધુ હેન્ડલ કરશે” રાવતે કહ્યું, “મારે પણ એની નીચે જ કામ કરવું પડશે”

“બાળક છે એ તો” રણજિત હસ્યો, “જેમ પઢાવીએ એમ બોલશે એ તો”

“તારી વાત સાચી રણજિત પણ IPS અને સુપ્રીડન્ટ ઇન્સપેક્ટરનાં હોદ્દાનું શું ?” રાવતે નેણ નચાવ્યા.

બંને વાતો કરી રહ્યા હતાં એ દરમિયાન યુવાન દેખાતો એક ભિખારી છોકરો રણજિત પાસે આવીને ઊભો રહ્યો.

“દસ રૂપિયા આપોને સાહેબ” એ યુવાને હાથ ફેલાવીને કહ્યું.

“પોલીસ પાસે ભીખ માંગતા શરમ નથી આવતી ?” રણજિતે તિરસ્કાર સાથે કહ્યું, “અમારું કામ માત્ર રૂપિયા લેવાનું છે, આપવાનું નથી”

“દસ રૂપિયા ક્યાં મોટી રકમ છે સાહેબ” એ યુવાને કહ્યું, “રૂપિયા ના આપો તો ચા પીવરાવી દો, બે દિવસથી ભૂખ્યો છું”

“રણજિત, ચા અને નાસ્તો કરાવ એને” રાવતે કહ્યું, “આટલાં પાપ કરીએ છીએ તો થોડું પુણ્ય મળશે”

“હા સાહેબ, ભગવાન તમારું ભલું કરશે” પેલાં યુવાને પ્રાર્થના કરતાં કહ્યું.

“યુવાન દેખાય છે તું” રાવતે એ યુવાન તરફ જોઈને કહ્યું, “મહેનત કરીને કમાતા શીખ, અત્યારે તો હાથપગ ચાલે તારાં”

“કોઈ કામે નથી રાખતું સાહેબ” પેલાં યુવાને કહ્યું, “તમે કોઈ કામ આપો તો થાય”

રાવત વિચારે ચડ્યો.

“પહેલાં કોઈ દિવસ નથી જોયો તને, ક્યાંથી આવે છે ?” રાવતે પૂછ્યું.

“આજે સવારની ટ્રેનમાં જ ઉતર્યો છું”

“એક કામ છે તારાં માટે, બોલ કરીશ” રાવતે રહસ્યમય રીતે હસીને કહ્યું.

“કરીશ જ ને સાહેબ, પાપી પેટ માટે કંઈ પણ કરીશ”

“મારો ખબરી બનીશ બોલ ?” રાવતે તેની નજીક જઈને કહ્યું, “એક વ્યક્તિની માહિતી મેળવવાની છે, તને કોઈ ઓળખતું નથી અને તારા પહેરવેશ પરથી કોઈને તારા પર શંકા પણ નહીં જાય”

“કોની માહિતી મેળવવાની છે ?”

“કેશવ મહેતા” રાવતે કહ્યું, “કાલે સવારે ચોકીએ આવી જજે, તને બધું સમજાવી દઈશ”

“ચોક્કસ સાહેબ” એ યુવાને કહ્યું. રણજિત એનાં માટે ચા-નાસ્તો લઈ આવ્યો.

“આ બળવંતરાય કોણ છે સાહેબ ?” પેલાં ભિખારી યુવાને પૂછ્યું, “આ શહેરમાં વારંવાર તેનું નામ સાંભળવા મળે છે”

“આ શહેરનો હાથી છે એ, તેનાં ઈશારા પર જ પૂરું શહેર ચાલે છે. અમે પણ” રાવતે કહ્યું.

“પોલીસને પણ એ પોતાનાં ગજવામાં રાખે છે !’ યુવાને આશ્ચર્ય સાથે કહ્યું, “એટલો મોટો હાથી છે ?”

“તું કાલે ચોકીએ આવજે ને, તને બધી ખબર પડી જશે” રાવતે કહ્યું.

“કાલે સવારે નવા અધિકારી પણ આવવાનાં છે સર” રણજિતે યાદ અપાવતાં કહ્યું.

“અરે એ તો ભુલાય જ ગયું” રાવતે કહ્યું, “એક કામ કરજે, કાલે સવારે નહિ બપોરે આવજે, તને બધું શાંતિથી સમજાવીશ”

“આભાર સાહેબ” પેલો યુવાન ઉભો થયો, “નાસ્તા માટે પણ અમે કામ આપવા માટે પણ”

રાવતે માત્ર ગરદન ઝુકાવીને તેનું અભીવાદન કર્યું.

“રણજિત !” રાવતે મોટા અવાજે કહ્યું, “પાકિટ લાવ્યો છે ?”

“રહેવા દો સાહેબ” ચાની લારીવાળાએ કહ્યું, “પછી ક્યારેક આપી દેજો”

રાવત હસીને ઉભો થયો.

“સાંજ સુધીમાં કેશવની માહિતી મેળવવાની છે, યાદ છે ને ?” રણજિત તરફ જોઈને તેણે કહ્યું.

“મળી જશે સર” રણજિતે કહ્યું.

(ક્રમશઃ)