Ability - 23 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 23

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ઔકાત – 23

ઔકાત – 23

લેખક – મેર મેહુલ

સવારનાં દસ થયાં હતાં. રાવત પોતાની ખુરશી પર બેઠો હતો. તેની સામે ટેબલ પર ત્રણ ફાઈલો પડી હતી. રાવતે બ્લડ રિપોર્ટવાળી ફાઇલ હાથમાં લીધી. એ ફાઈલમાં બે કાગળ પંચ કરેલાં હતાં. રાવતે વારાફરતી બંને કાગળ તપાસ્યા. એકમાં શ્વેતાની પાસે ફર્શ પર બ્લડ હતું તેનાં રિપોર્ટ હતા અને બીજામાં સ્કેલ પર જે બ્લડ હતું તેનાં રિપોર્ટ હતાં. બંને રિપોર્ટમાં બ્લડ ગ્રૂપ જુદું હતું. રાવત મુસ્કુરાયો. તેણે એ ફાઇલ ટેબલ પર રાખીને બીજી ફાઇલ હાથમાં લીધી જે ફિંગરપ્રિન્ટસનાં રિપોર્ટ હતાં.

એ ફાઈલમાં જુદી જુદી ફિંગરપ્રિન્ટસનાં ફોટા હતાં. રાવતે એ ફાઈલને પણ બાજુમાં રાખી અને પોસ્ટમોર્ટમની ફાઇલ હાથમાં લીધી.

પોસ્ટમોર્ટમની ફાઈલમાં સાત-આઠ કાગળ પંચ કરેલાં હતાં. રાવતે વારાફરતી બધાં કાગળ પર નજર ફેરવી. પહેલાં કાગળ પર શ્વેતાનાં ચહેરાનાં રિપોર્ટ હતાં, બીજા કાગળમાં શ્વેતાની છાતીનાં. ત્રીજા કાગળ પર જ્યારે રાવતની નજર પડી ત્યારે તેની નજર એ કાગળ પર જ ખોડાય ગઈ. એ રિપોર્ટ શ્વેતાનાં પેટનાં હતાં અને કહેવાની જરૂર નથી કે એ રિપોર્ટમાં શ્વેતા ગર્ભવતી હોવાનાં પુરાવા રહેલાં હતાં. શ્વેતાનાં પેટમાં બે મહિનાનો ગર્ભ સ્થાપિત થયેલો હતો. રાવતે બાકીનાં રિપોર્ટને પડતા મુક્યા અને ઉભો થઈને બહાર આવ્યો.

બહાર રણજિત ઉભો હતો.

“કેટલીવારમાં આવશે બધા ?” રાવતે ઘડિયાળ પર નજર કરીને પુછ્યું.

“દસ વાગ્યાનો સમય આપ્યો હતો, બસ પહોંચવામાં જ હશે” રણજિતે જવાબ આપ્યો.

“સાગરને ફોન કર્યો હતો ?” રાવતે પૂછ્યું, “રિપોર્ટ તો પહોંચી ગયા છે, એ ક્યાં અટવાઈ ગયો ?”

“એ પણ રસ્તામાં જ છે” રણજિતે કહ્યું.

સહસા એક સાથે ત્રણ કાર ચોકીની બહાર આવીને ઉભી રહી. પહેલી કારમાંથી બળવંતરાય, મંગુ અને ગોપાલ ઉતર્યા. બીજી કારમાંથી ક્રમશઃ કેશવ, મીરા, રીટા અને સાધના ઉતર્યા. ત્રીજી કાર સાગરની હતી. બધાને એક સાથે જોઈને રાવતનાં ચહેરા પર સ્મિત આવી ગયું.

રાવતે બધાને અંદર આવી જવા કહ્યું. રાવતનાં રૂમમાં ખુરશીઓ ગોઠવીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા જઈને ત્યાં બેઠા. સાગરે રાવત નજીક આવીને શેકહેન્ડ કર્યો.

“તમે ફિંગરપ્રિન્ટસ લેવા તૈયાર છો ને ?” રાવતે પુછ્યું.

“જી બિલકુલ” સાગરે કહ્યું.

“તમે અત્યારે જે ફિંગરપ્રિન્ટસ એકઠી કરો છો તેને પેલા રૂમમાં મળેલી પ્રિન્ટસ સાથે મેચ કરવાની છે” રાવતે કહ્યું.

“એનાં માટે મારે એક ખાલી રૂમ અને એક ટેબલની જરૂર પડશે”

“બાજુનાં રૂમમાં વ્યવસ્થા થઈ જશે” રાવતે કહ્યું અને રણજિત તરફ ફર્યો, “સાહેબને બાજુનાં રૂમમાં લઈ જાઓ”

રણજિત સાગરને બાજુનાં રૂમમાં લઈ ગયો. સાગરે કારમાંથી જરૂરી સમાન મંગાવ્યો અને ફિંગરપ્રિન્ટ લેવાની વ્યવસ્થા કરી આપી.

“વારાફરતી એક-એક વ્યક્તિને મોકલો” સાગરે રાવતને ઉદ્દેશીને કહ્યું.

રાવત પોતાનાં રૂમમાં ગયો.

“બાજુનાં રૂમમાં બધાની ફિંગરપ્રિન્ટ લેવાની છે, ત્યાં જઈને પોતાનું નામ આપવાનું છે અને ફિંગરપ્રિન્ટપેડ પર પોતાનાં બંને હાથ રાખવાના છે” રાવતે સૂચના આપતાં કહ્યું. બધાએ સહમતી દર્શાવી એટલે વારાફરતી બધાને બાજુનાં રૂમમાં મોકલવામાં આવ્યાં. દસ મિનિટમાં બધાની ફિંગરપ્રિન્ટસ લેવાઈ ગઈ.

“રિપોર્ટ બનતાં કેટલીવાર લાગશે ?” રાવતે સાગરને ઉદ્દેશીને પુછ્યું.

“રિપોર્ટ તો તાત્કાલિક બની જશે પણ મેચ કરવામાં થોડો સમય લાગશે, અડધી કલાક જેટલો” સાગરે કહ્યું.

“શક્ય હોય એટલું જલ્દી કરજો” રાવતે કહ્યું. પછી એ પોતાનાં રૂમમાં ગયો જ્યાં બધા બેઠા હતાં.

“અડધી કલાકમાં દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે” રાવતે મોટેથી કહ્યું, “ત્યાં સુધી હું જેને પૂછું એ જ જવાબ આપશે”

“ઉતાવળ રાખો ઇન્સ્પેકટર, અમારે બીજી વિધિઓ પણ પુરી કરવાની છે” બળવંતરાયે ચીડ ભર્યા અવાજે કહ્યું.

“માફ કરશો દાદા, તમારી દીકરીનો હત્યારો તમારી વચ્ચે છે તો તમે અડધી કલાક રાહ જોઈ જ શકો છો” રાવતે નરમાશથી કહ્યું.

“આ બધા જ મારાં અંગત છે, આમાંથી કોઈ પણ મારી દીકરીની હત્યા ના કરી શકે” બળવંતરાયે બધા તરફ ઊડતી નજરે ફેરવીને કહ્યું.

“તમારી જાણકારી માટે કહી દઉં દાદા, 90% હત્યાનાં કેસમાં ખૂની કોઈ અંગત જ હોય છે” રાવતે કહ્યું.

“તમારે જે કરવું હોય એ જલ્દી કરો” બળવંતરાયે શાંત થતાં કહ્યું.

રાવતે પહેલી નજરે ગોપાલ પર કરી,

“શ્વેતાનું મૃત્યુ થયું એ પહેલા તું તેનાં રૂમની બાજુમાં પાણીનો ગ્લાસ લઈને શું કરતો હતો ?”

“મેડમને પાણી આપવા ગયો હતો, પહેલીવાર કેશવભાઈ મારી સાથે અથડાયા એટલે બીજો ગ્લાસ ભરીને હું રૂમ તરફ જતો હતો. એટલામાં જ આ મેડમે રાડ પાડી” ગોપાલે રીટા તરફ આંગળી ચીંધીને કહ્યું, “હું ત્યાં પહોંચ્યો તો શ્વેતા મેડમ ચત્તા-પાટ પડ્યા હતા”

“શ્વેતાએ પાણી મંગાવ્યું હતું કે પછી તું જાતે જ ગયો હતો ?” રાવતે પૂછ્યું.

“દાદાએ કહ્યું હતું” ગોપાલે બળવંતરાય તરફ જોઈને કહ્યું.

“હા ઇન્સ્પેકટર, મેં જ પાણીનો ગ્લાસ લઈને તેને મોકલ્યો હતો” બળવંતરાયે કહ્યું, “સાથે જલ્દી તૈયાર થઈને નિચે આવવા સંદેશો પણ મોકલ્યો હતો. અફસોસ મારો સંદેશો પહોંચે એ પહેલાં…” કહેતાં કહેતાં બળવંતરાયે એક ડૂસકું ભર્યું.

“તે લોબીમાં કોઈને જોયા હતાં ?” રાવતે બળવંતરાયને ઇગ્નોર કરીને પોતાની પૂછપરછ આગળ ધપાવી, “કોઈ મહેમાન કે બીજું કોઈ ?”

“હું કેશવભાઈ સાથે અથડાયો પછી મેં કોઈને નથી જોયા” ગોપાલે કહ્યું.

“તું બીજીવાર પાણી ભરવા ગયો અને ફરીવાર લોબીમાં આવ્યો, એ દરમિયાન કેટલો સમય લાગ્યો હતો ?”

“અંદાજે બે મિનિટ” ગોપાલે કહ્યું.

“મતલબ ક્યાં તો આ સ્યુસાઇડ છે અને જો ખૂન થયું છે તો ગોપાલ અથવા કેશવ બંને શંકાનાં દાયરામાં આવે છે, કારણ કે શ્વેતાનાં મૃત્યુની દસ મિનિટ પહેલા તમે બંને જ તેની નજીક હતાં”

“પણ મેં ખૂન નથી કર્યું” ગોપાલે કહ્યું.

“એવું તું કહે છે” રાવતે કહ્યું, “જ્યાં સુધી અપરાધી ના મળી જ્યાં સુધી તું પણ સ્પેકટર કહેવાય”

સહસા રણજિત રૂમમાં પ્રવેશ્યો.

“રિપોર્ટ તૈયાર થઈ ગયાં છે” રણજિતે કહ્યું.

“કોઈને પોતાનો અપરાધ કબૂલ કરવો હોય તો કરી લેજો” રાવતે ચેતવણી આપી, “પાછળથી ખબર પડશે તો પરિણામ માઠાં આવશે”

રાવતે બધાનાં ચહેરા પર ઊડતી નજરે ફેરવી. કોઈ બોલવા તૈયાર નહોતું એટલે રાવત ઘુરકાઈને બીજા રૂમમાં આવ્યો.

“શું આવ્યું રિપોર્ટમાં ?” રાવતે પૂછ્યું, “કોઈની ફિંગરપ્રિન્ટ મેચ થાય છે કે નહીં ?”

“થઈ ગઈ મેચ” સાગરે કહ્યું, “કાચ પર હતી એ પ્રિન્ટ અને ડ્રોવરનાં હેન્ડલ તથા સ્કેલ પર હતી એ પ્રિન્ટ પણ મેચ થઈ ગઈ છે”

“કાચ પર તો.કેશવની ફિંગરપ્રિન્ટ હશે” રાવતે અનુમાન લગાવ્યું, “તેણે જ શ્વેતાને તમાચો માર્યો હતો”

“હા સર, કાચ પર કેશવ નામનાં વ્યક્તિની જ ફિંગરપ્રિન્ટ છે” સાગરે કહ્યું.

“ડ્રોવરનાં હેન્ડલ અને સ્કેલ પર કોનાં ફિંગરપ્રિન્ટસ મેચ થાય છે ?” રાવતે ઉત્સુકતાથી પુછ્યું.

“તમે જાતે જ જોઈ લો” કહેતાં સાગરે ફિંગરપ્રિન્ટપેડ તરફ ઈશારો કર્યો. પેડ પર આંગળીઓની છાપ હતી અને બાજુમાં એક નામ લખ્યું હતું.

“ઓહ !” રાવતનાં મોઢામાંથી ઉદગાર નિકળ્યો, “આ ઘટનાં કેવી રીતે બની એ હવે સમજાય ગયું મને. થેંક્યું સો મચ મી. સાગર. તમારાં કારણે એક જ દિવસમાં પૂરો કેસ સોલ્વ થઈ ગયો”

સાગરે રાવત સાથે શેકહેન્ડ કર્યો.

“હું રજા લઉં તો હવે” સાગરે કહ્યું. રાવતની મંજૂરી મળતાં તેણે પોતાનો સમાન સમેટયો, રિપોટના કાગળ રાવતને સોંપ્યા અને નીકળી ગયો. રાવત મુસ્કુરાતો મુસ્કુરાતો પોતાનાં રૂમ તરફ ચાલ્યો.

“સાંભળો બધા” રાવતે દરવાજા પર ઉભા રહીને ચપટી વગાડી, “ખૂની આ જ રૂમમાં છે અને એ વ્યક્તિનું નામ…..”

(ક્રમશઃ)