Ability - 17 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 17

Featured Books
  • THIEF BECOME A PRESEDENT - PART 5

    भाग 5 (मजेदार मोड़): एक सनकी हसीना का आगमन टिमडेबिट ने सब सच...

  • बेवफा - 44

    ### एपिसोड 44: नई सुबह की ओरसमीरा की ज़िन्दगी में सबकुछ बदल...

  • सर्वथा मौलिक चिंतन

    भूमिका मित्रों उपनिषद कहता है सर्व खल्विदं बृम्ह,सबकुछ परमात...

  • Zom-Bai - 1

    EPISODE #1Episode#1 First Blood"लेफ्ट राईट, लेफ्ट राईट लेफ्ट...

  • शोहरत का घमंड - 155

    सोमवार का दिन........अरुण वकील को जेल ले कर आ जाता है और सार...

Categories
Share

ઔકાત – 17

ઔકાત – 17

લેખક – મેર મેહુલ

બહાર આવીને મીરા સીધી સ્ટેજ પાસે પહોંચી. કેશવ ત્યાં તેની રાહ જોઇને ઉભો હતો. મીરાએ કેશવને ઈશારો કરીને બહાર આવવા કહ્યું અને પોતે દરવાજા બહાર નીકળી ગઈ. કેશવ પણ મીરાની પાછળ પાછળ બહાર નીકળી ગયો. મીરા કેશવને હવેલીથી થોડે દુર જ્યાં અંધારું હતું ત્યાં લઈ આવી.

“બોલો મેડમ, શું કામ હતું ?” કેશવે પુછ્યું.

“તું શ્વેતાને પસંદ કરે છે ?” મીરાએ સપાટ ભાવે પૂછ્યું.

“એકની એક વાત વારંવાર કેમ દહોરાવો છો ?” કેશવે કંટાળાજનક અવાજે કહ્યું, “કાલે જ કહ્યું હતુંને, મેં શ્વેતા મેડમ વિશે કોઈ દિવસ નથી વિચાર્યું”

“એ તારાં સપનાં જુવે છે” મીરાએ પૂર્વવત સપાટ ભાવે કહ્યું, “અત્યારે તને પ્રપોઝ કરવા જ બોલાવ્યો છે”

“હા તો એમાં શું થઈ ગયું !” કેશવે શાંત સ્વરે કહ્યું, “મેં જે જવાબ તમને આપ્યો છે એ જ જવાબ શ્વેતા મેડમને પણ આપી દઈશ”

“શ્વેતા જિદ્દી છે, અને આજે એનો જન્મદિવસ છે” મીરાએ કેશવને સમજાવ્યો, “આજે એનો મૂડ ખરાબ થાય એવું હું નથી ઇચ્છતી”

“જુઓ મેડમ, મને ખોટું બોલતાં નથી આવડતું. કોઈને ભ્રમમાં રાખીને મને એક પળ પણ ચેન નથી પડતું અને આમ પણ…..” કેશવ અટકી ગયો.

“શું આમ પણ….!” મીરાએ પુછ્યું.

કેશવ થોડીવાર મૌન રહ્યો, તેણે વિચારવા માટે થોડી સેકેન્ડ લીધી ત્યારબાદ શબ્દોને ગોઠવીને તેણે કહ્યું, “તમે મારી પસંદ પૂછી જ લીધી છે તો હું તમને જણાવી દઉં, મેં જ્યારે પહેલીવાર તમને જોયા હતાં ત્યારથી હું તમને પસંદ કરું છું. હું તમને પ્રેમ કરું છું એમ તો ના કહી શકું પણ તમારો સ્વભાવ, તમારું નિખાલસપણું અને મારી સાથેનું વર્તન મને તમારાં તરફ આકર્ષે છે”

મીરા ચૂપ થઈ ગઈ. એ પણ કેશવને પસંદ તો કરતી જ હતી પણ કેશવ અણધાર્યો પ્રપોઝ કરશે એવું તેણે સ્વપ્નેય નહોતું વિચાર્યું.

“કેશવ…” મીરા ધીમેથી બોલી.

“મેં તમારી પાસે જવાબ નથી માંગ્યો” કેશવે મીરાને અટકાવીને કહ્યું, “મેં માત્ર મારી લાગણી તમને કહી છે, તમે શું અનુભવો છો એ હું નથી જાણતો પણ તમે આ વિષય પર વિચારો એવી મારી ઈચ્છા છે”

“અત્યારે વાત આપણી બંનેની નથી કેશવ” મીરાએ ઉદાસીનતા સાથે કહ્યું, “વાત શ્વેતાની છે. જો એને તું સીધું ના કહી દઈશ તો તેનાં પર શું વીતશે ?”

“એ જ જો અત્યારે તમે ના કહો તો મારા પર વિતે” કેશવે કહ્યું.

“કેશવ…!” મીરાએ લાંબો લહેકો લીધો, “તું મારી વાત સમજતો કેમ નથી”

કેશવે મીરાની બંને બાજુ કસીને પકડી લીધી અને મીરાને પોતાનાં તરફ ખેંચીને કહ્યું, “તમે સમજો મેડમ, પ્રેમ કોઈ વ્યવહાર નથી. જેમાં સોદો નક્કી કરીને લાગણીની આપ-લે કરી શકાય. બંને પાત્ર એકબીજા માટે લાગણી અનુભવે તો જ આ વ્યવહારની શરૂઆત થઈ શકે છે. તમે મારા માટે કશું અનુભવો છો ?”

“કેશવ….!” મીરાએ ફરી લાંબો લહેકો લીધો. અત્યારે આ વાતો કરવાનો સમય નથી, મીરા કેશવને આ વાત સમજાવવા માંગતી હતી પણ કેશવનાં હાથમાં રહેલી તેની બાજુઓ તેને અટકાવી રહી હતી.

“જો તમે અત્યારે જવાબ નથી આપી શકતા તો હું કેમ આપી શકું ?” કેશવે હળવું હસીને કહ્યું.

“હા, હું તારા માટે ઘણુંબધું અનુભવું છું” આખરે મીરાએ પણ પોતાની લાગણીનો બંધ તોડી નાંખ્યો, “મેં તને પહેલીવાર જોયો ત્યારથી તું મારા દિલો-દિમાગમાં ઘૂમે છે પણ અત્યારે એ વાત કરવાનો સમય નથી કેશવ….!”

કેશવે મીરાનાં હોઠ પર આંગળી રાખીને મીરાને ચૂપ કરાવી દીધી. મીરા પણ આગળ એકપણ શબ્દ ના બોલી શકી. હવે બધું સમયનાં હાથમાં હતું અને સમય જાણે એ નજારો જોવા થંભી ગયો હતો. કેશવે મીરાની હડપચીને પકડીને તેણીનો ચહેરા ઊંચો કર્યો, કેશવ સહેજ નીચે ઝુક્યો અમે પોતાની આંખો બંધ કરીને પહેલ કરી. જવાબમાં મીરા પણ આંખો બંધ કરી અને કેશવને આવકારી લીધો. આખરે બંનેના અધર ચાર થઈ ગયાં.

સમય હવે એક જગ્યાએ આસન પાથરીને બેસી ગયો હતો. આજુબાજુમાં શું બની રહ્યું છે, શ્વેતા શું વિચારશે, કોઈ આવી જશે એની ચિંતા છોડીને બંને એકબીજામાં વ્યસ્ત થઈ ગયાં. કેશવ મીરાનાં હોઠોને મૃદુતાથી ચૂમી રહ્યો હતો જ્યારે મીરા તેનું અભિવાદન કરી રહી હતી.

એક કાર પુરવેગે બંનેની બાજુમાંથી પસાર થઈ ત્યારે બંનેને સમય અને સ્થળનું ભાન થયું.

“કેશવ…!” મીરાએ કેશવને ધક્કો માર્યો, “આ ખોટું થઈ રહ્યું છે”

“મીરા…” કેશવે મીરાની નજીક આવવાની કોશિશ કરી પણ મીરાએ હાથ વડે ઈશારો કરીને કેશવને અટકાવી દીધો.

“શ્વેતા મારી બાળપણની સહેલી છે, હું તેની સાથે દગાબાજી નહિ કરી શકું” મીરા પોતાને જ કહેતી હોય તેવા ભાવે કહ્યું.

“કોણ દગાબાજી કરે છે ?” કેશવ ભડક્યો, “શ્વેતા મેડમ એકતરફી આકર્ષણ અનુભવે છે. અમારી બંને વચ્ચે એવી કોઈ વાતચીત નથી થઈ તો કેવી રીતે દગાબાજી કહેવાય ?”

“એ બધી વાતની મને નથી ખબર” મીરાએ કહ્યું, “તું અત્યારે શ્વેતા પાસે જઈશ અને તેને દુઃખી નહિ કરે. કાલે તારે ના કહેવી હોય તો કહી દેજે પણ આજે તો તું એને દુઃખી નહિ જ કરે” કહેતા મીરા હવેલી તરફ ચાલવા લાગી.

“હું ખોટું નહિ બોલી શકું મીરા” કેશવે મોટા અવાજે કહ્યું પણ ત્યાં સુધીમાં મીરા દૂર નીકળી ગઈ હતી.

*

બીજી તરફ રાવત અને રણજિત આજે બ્લેક સ્યુટમાં સજ્જ થઈને તેનાં કાફેલા સાથે હવેલીએ પહોંચી ગયાં. મીરા જ્યારે પગ પછાડતી અંદર પ્રવેશી ત્યારે રણજિત જીપમાંથી ઉતરતો હતો, સહસા તેનું ધ્યાન મીરા પર પડ્યું.

“રાવત સાહેબ” રણજિતે રાવતનું ધ્યાન દોર્યું, “પેલી શ્વેતાની ફ્રેન્ડ હતીને, આજે એનો જ ખેલ ખતમ નથી થવાનો ને ?”

“શું ભાઈ તું પણ ઢંગ-ધડા વિનાની વાત કરે છે” રાવતે હસીને કહ્યું, “કંઈક વાજબી અનુમાન લગાવ તો પણ યોગ્ય લાગે”

“અનુમાનનું શું છે ?, એ તો ગમેતેવું લગાવી શકાય” કહેતા રણજિત પણ હસવા લાગ્યો. બંને મોટા, ડેકોરેટ કરેલા દરવાજા પાસે પહોંચ્યા. એક માણસે તેઓને તપસ્યા, બંનેની કમરે પિસ્તોલ હતી એટલે તેને રોકવામાં આવ્યાં.

“અરે ભાઈ, અમે પોલીસ છીએ. આ અમારું અભિન્ન અંગ કહેવાય” રાવત મજાકનાં મૂડમાં હતો.

“માફ કરશો સાહેબ” પેલાં માણસે કહ્યું, “દાદાનો હુકમ છે, અંદર કોઈને પણ હથિયાર લઈ જવાની પરવાનગી નથી”

“દાદા પણ ખરા છે” રાવતે હસીને કહ્યું અને કમરેથી પિસ્તોલ કાઢીને પેલાં માણસને સોંપી દીધી. રણજિતે પણ રાવતનું અનુકરણ કર્યું.

“આભાર સાહેબ” પેલાં માણસે કહ્યું, “જતાં સમયે લેતા જજો”

“અમારા હાથ કાપી લીધા તે ભાઈ, લઈ જ જવી પડશે” રાવતે હસીને કહ્યું અને આગળ ચાલ્યા. આગળ જતાં તેનાં કપડાં પર અત્તર છાંટવામાં આવ્યું. રણજિત અને પૂરો કાફલો પણ રાવત પાછળ પાછળ અંદર પ્રવેશ્યાં.

અંદરનો નજારો કંઈક આવો હતો, હવેલીનાં પરસાળમાં અંજાય જવાય એવી લાઈટો થતી હતી. સ્ટેજ પર હજી કામકાજ શરૂ જ હતું, શરબત અને ઠંડાપીણાંનાં કાઉન્ટર પર લોકોનો જમાવડો થયો હતો. ખૂણામાં ડી.જે. પર ધીમા અવાજે બર્થડે વિશનાં ગીતો વાગતાં હતાં. આઠ દસ લોકોનું ટોળું મળીને ગપ્પા મારતું હતું, પરસાળમાં આવા આઠ-દસ ટોળાં નજરે ચડતાં હતાં. બળવંતરાય પણ એક ટોળામાં હસી-હસીને વાતો કરી રહ્યા હતાં.

રાવત સીધો બળવંતરાય પાસે ગયો, બળવંતરાય હંમેશાની જેમ કાળા કુર્તામાં જ હતાં.

“જય મહાકાલ દાદા” રાવતે નીચે ઝુકીને બળવંતરાયનાં ચરણ સ્પર્શતાં કહ્યું.

“જય મહાકાલ” બળવંતરાયે હસીને અભિવાદન કર્યું, “મારી દીકરીની બર્થડે પાર્ટીમાં પોલીસ કાફલાની હાજરીએ મારું માન વધારી દીધું”

“અમારી ખુશ નસીબી છે દાદા” રાવતે હળવું હસીને કહ્યું, “નહીંતર અમને મળવાનો સમય તમને મળતો જ નથી”

“હાહા, અત્યારે નવો બિઝનેસ સેટ-અપ કર્યો છે એટલે તેમાં વ્યસ્ત રહું છું” બળવંતરાયે કહ્યું.

“મંગુભાઈ ક્યાંય નથી દેખાતા” રાવતે આજુબાજુ નજર ફેરવીને કહ્યું.

“કામથી બહાર ગયો હશે” બળવંતરાયે કહ્યું, “થોડીવારમાં આવી જશે, ત્યાં સુધીમાં તમે અમારી મહેમાન નવાજીનો આનંદ ઉઠાવો”

બળવંતરાયે કાઉન્ટર તરફ ઈશારો કર્યો એટલે ‘આભાર’ કહીને રાવત કાઉન્ટર તરફ ગયો. પૂરો કાફલો પણ તેની પાછળ કાઉન્ટર પર પહોંચી ગયો. બધાએ જ્યુસનાં ગ્લાસ હાથમાં લીધાં અને એકબાજુ ટોળું વળીને ઊભા રહી ગયાં.

(ક્રમશઃ)