નમસ્કાર મિત્રો, આશા રાખું છું બધા મજામાં હશો. કોરોના ને લઈને ઘણા બધા સમાચાર અને અફવાઓ દરરોજ સાંભળતા જ હશો. આપણી પાસે ખરેખર એક સારી તક અને તાકાત છે આ લોકડાઉન ના સમય માં સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને લોકો માં જાગરૂકતા ફેલાવવાની. પણ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ?
થોડાક સમય થી એક વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે મને પણ મારા એક દોસ્ત એ 'ફોરવર્ડ' (જાણ્યા સમજ્યા વગર) કરેલ હતો. એ વિડિઓ કલીપ છે, નેટફ્લિક્સ પર 2018 ની સાલ માં આવેલી સાઉથ કોરિયન ટેલિવિઝન સિરિઝ, My Secret Terrius ની. આ સિરીઝ ની વાર્તા શું છે એ 'ફોરવર્ડ' કરનારાઓ ને શાયદ ખબર ભી નહીં હોઇ અને હોઈ તો એ લોકો ને ધન્યવાદ. પણ આપણે એ ચર્ચા માં ના પડતા એ વિડિઓ ની વાત કરીએ તો એમાં એક સીન માં કોરોના વાયરસ નો ઉલ્લેખ થાય છે. જેણે જેણે આ વીડિયો જોયો એ લોકો ને તરત મન માં શંકા ગઈ કે કોરોના તો 2019 માં ચીન ના વુહાન શહેર માં આવ્યો તો આ 2018 ની સાલ માં આ લોકો ને આ વાયરસ ની કેમ ખબર? જરૂર આમાં ચીન વાળા કંઈક રાજનીતિ રમી રહ્યા છે. આટલે થી અટકતું હોઈ ત્યાં સુધી વાંધો નહોતો પણ ત્યારબાદ ઘણા એવા મેસેજ એક પછી એક આવવાના ચાલુ થઈ ગયા અને બધા મેસેજ નો તાત્પર્ય એટલો જ હતો કે ચીન ના લોકો એ જાણી જોઈને આ કોરોના વાયરસ વિશ્વભર માં ફેલાવેલ છે. એમાંથી એક મેસેજ એવો પણ હતો કે ચીન ના વુહાન ની નજીક ના શહેર શાંઘાઈ માં આ રોગચાળો એટલો નથી વકર્યો જેટલો બીજા દેશો માં ફેલાઈ ગયો. પરિણામે બધા લોકો ચીન ના લોકો નો તેમજ ચીન ની બધી ચીજ વસ્તુઓ નો બહિષ્કાર કરે. એક ઘડી માટે આ વાત માની ભી લઈએ અને સ્વીકાર કરી લઈએ કે આ પાછળ ચીન દેશ ની રાજનીતિ હોઈ શકે. આ બાબત માં ઘણા લોકો વચ્ચે તર્ક-વિતર્ક હોઈ શકે, પણ મુદ્દા ની વાત એ છે કે આપણે શું કામ આટલી ઝડપ થી નિર્ણાયક બની જઈએ છીએ? અને પલભર નો વિચાર કર્યા વગર બીજા લોકો વચ્ચે પણ આવા મેસેજ ફરતા કરી દઈએ છીએ? અને પોતાની વિચારધારા બીજા લોકો પર થોપવા લાગીએ છીએ? શું આપણી પાસે સત્ય ચકાસવાનો સમય નથી?
મને મેસેજ મળતા જ મેં એ વિડિઓ જોયો અને મને ભી પહેલો વિચાર એ જ આવ્યો કે શું ચીન ના લોકો એ જાણી જોઈને આવું કર્યું હશે? ચાલો, માની લઈએ કે ચીન ના લોકો એ આ જાણીને કર્યું હશે તો શું એ લોકો આ સિરીઝ ને નેટફ્લિક્સ પર રજૂ કરે કે જેથી બધા ને ખબર પડે? મેં તરત 'ગૂગલ' કર્યું કે આ કોરોના વાયરસ છે શું અને ક્યારથી એની ઉત્પત્તિ થઈ. ઘણા પરિણામો જોવા કરતા એક પરિણામ માં જ તથ્ય સામે આવી ગયું કે, કોરોના વાયરસ ની શોધ 1960 ના દશક માં થયેલી હતી. આ વાયરસ ના ઘણા બધા સમૂહ છે. એમાંનો એક જે પાછલા વર્ષે વૈજ્ઞાનિકો ના ધ્યાન માં આવ્યો એ Covid-19. વૈજ્ઞાનિક વાતો કરવાનો અહીં કોઈ મતલબ નથી. કેમકે જે મિત્રે મને આ મેસેજ ફોરવર્ડ કર્યો એણે જીવવિજ્ઞાન માં સૂક્ષ્મ જીવ વિશે ભણીને સ્નાતક ની ડિગ્રી હાંસલ કરી છે. એને આ બાબત માં મારા કરતાં વધુ જાણકારી હોવી જોઈએ એવું માની લઈએ. પણ વાત એટલી જ કે કોરોના શબ્દ કે કોરોના વાયરસ આજ કાલ નો નથી.
હવે વાત કરીએ ચીન ના વુહાન શહેર માં ઉદ્દભવેલ અને ચીન માં બીજા શહેર માં સંક્રમણ ના ફેલાવા વાળા મેસેજ ની, તો આ તર્ક થી તો એવું પણ લોકો વિચારી શકે કે ભારત માં આ લખાય છે ત્યાં સુધી માં સૌથી વધુ કોરોના ગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે અને આ રાજ્ય ને અડીને આવેલ મધ્ય પ્રદેશ માં સ્થિતિ એટલી વકરી નથી. તો શું આની પાછળ પણ કોઈ રાજનીતિ હોઈ શકે? અહીં કોઈ પણ રાજ્ય, કે શહેર ના કોઈ પણ લોકો ને ખરાબ લગાવવાનો તાત્પર્ય નથી પણ આ મેસેજ પાછળ ના તથ્ય અને તર્ક વિશે જાણવા અને સમજવા ની વાત છે. આ રોગ કેવી રીતના ફેલાય છે તે વિશે જાણકારી લેવાની વાત છે, અને તેને કેમ રોકી શકાય અને તેની સામે કેમ લડી શકાય તેની વાત છે. ભારત દેશ માં આ લખાય છે ત્યાં સુધી માં સ્થિતિ વધુ ને વધુ ગંભીર થઈ રહી છે, જ્યારે ચીન માં હવે સ્થિતિ થોડી હળવી થઈ રહી છે, તો આ બરાબરી માં ના ઉતરીએ એ જ બધા માટે સારું છે. તમે વિચારશો કે હું ચીન નો પક્ષ લઈ રહ્યો છું. હકીકત એ છે કે મને ચીન નો પક્ષ લઈને કોઈ એવોર્ડ નથી મળી જવાનો. બની શકે આ પાછળ ચીન ની રાજનીતિ હોઈ પણ આ સમયે આપણે એ વિશે વિચારવું જોઈએ?
હવે મુદ્દા ની વાત પર આવીએ તો ઉપર જણાવ્યા એવા મેસેજ નો ધોધમાર પ્રવાહ સોશિયલ મીડિયા પર વહેવા લાગ્યો અને પરિણામે લોકો એ ઘર બેઠા એક ચળવળ શરૂ કરી. 'Boycott Chinese Product'. લોકો એ ચાઇના ના લોકો અને ચાઈનીઝ પ્રોડક્ટ નો બહિષ્કાર કરવાના મેસેજ ફરતા કર્યા. એવા જ એક મારા મિત્રે મને આવો જ મેસેજ વોટ્સઅપ કર્યો અને મને મજાક સૂઝી. મેં એને મજાક માં જ પૂછી લીધું, તારી પાસે મોબાઈલ કંઈ કંપની નો છે? તો સામે એણે જવાબ આપ્યો, Xiaomi નો. આ જવાબ સાંભળ્યા પછી હું પોતાનું હસવાનું ના રોકી શક્યો અને પછી એને પૂછી લીધું, આ ચાઈનીઝ પ્રોડક્ટ નો બહિષ્કાર ક્યારે કરીશ? બીજા એક મિત્રે ફેસબૂક માં આવી પોસ્ટ શેર કરી અને હંમેશ ની જેમ મને એની સળી કરવાનું સુજ્યું. મેં એને ફેસબૂક માં તો નહીં પણ પર્સનલ મેસેજ માં કીધું, જે ફેસબૂક માં તું પોસ્ટ શેર કરી રહ્યો છે એ ફેસબૂક ના માલિક Mark Zuckerburg ની પત્ની Priscilla Chan પણ ચાઈનીઝ છે તો આજ પછી ફેસબુક નો ઉપયોગ પણ બહિષ્કાર કરજે. હકીકત એ છે દોસ્તો આપણને ખબર પણ નથી હોતી કે રોજબરોજ ની ઝીંદગી માં આપણે કેટલી ચાઈનીઝ પ્રોડક્ટ નો ઉપયોગ કરતાં હોઈએ છીએ. સમય હોઈ તો 'ગૂગલ' કરીને જોઈ શકો છો કે આપણી પાસે કેટલી ચાઈનીઝ પ્રોડક્ટ છે. કેટલી બધી પ્રોડક્ટ ચીન માં 'Assemble' થાય છે એ ભી 'ગૂગલ' ને પૂછી લેજો. અગેઇન અહીંયા પણ ચાઈનીઝ લોકો અને ચાઈનીઝ પ્રોડક્ટ નો લુલો બચાવ નથી કરી રહ્યો, પણ સમાજ માં અત્યારે આવી ચળવળ કરવા કરતાં તથ્ય અને તર્ક પર વધુ વિચાર કરવાની જરૂર છે. ખાસ કરીને કોરોના ના સકંજા માંથી બહાર આવવું હોઈ તો વગર વિચાર્યે કંઈ પણ ના કરો એવી મારી મિત્રતા ભરી સલાહ છે.
હા અંત માં એક હળવી વાત સાથે આ લેખ પૂરો કરીશ, એક મિત્ર કે જે ચાઈનીઝ વાનગીઓ ખાવા નો શોખીન છે એણે પણ મને એવો મેસેજ કર્યો કે, યાર હવે તો મારે ચાઈનીઝ ખાવાનું પણ બંધ કરવું પડશે. આજીવન ચાઈનીઝ વાનગી નહીં ખાઈશ. મેં એને કીધું ભાઈ, જ્યાં તું આ વાનગીઓ ખાવા જાય છે, ત્યાં એ ચાઈનીઝ વાનગીઓ બનાવવા વાળા ભારત ના લોકો છે અને એ વાનગી માં વપરાતી ચીજ વસ્તુઓ પણ ભારતની જ છે. આવી હાલત છે અત્યારે લોકો ની, તો આશા રાખીશ કે લોકો પોતપોતાના તર્ક પોતાની સાથે રાખે અને આવી ચળવળ કરવા કરતાં કોરોના વિશે સાચી માહિતી એકત્ર કરીએ અને લોકો માં તેના વિશે જાગરૂકતા ફેલાવીએ. આ લેખ વાંચ્યા બાદ, લેખ ના શીર્ષક નો જવાબ પણ તમારી જ પાસે હશે એવી આશા રાખું છું.
✍️ Anil Patel (Bunny)