kidi ni jem in Gujarati Adventure Stories by SUNIL ANJARIA books and stories PDF | કીડીની જેમ

Featured Books
Categories
Share

કીડીની જેમ

હું મારા દસ વર્ષના પ્રપૌત્ર, ગ્રેટ ગ્રાન્ડ સન સાથે 'આંટ મેન' ફિલ્મ જોઈ રહ્યો હતો. તે બોલી ઉઠ્યો- "મોટા દાદા, માણસ પાસે કીડી જેવડો કરી ગુનાયે કરાવ્યા અને સારું પણ કરાવ્યું. કીડી કેવી નાનકડી હોય છે, કેવી ધીમી ચાલે છે બિચારી! ફૂંક મારો તો ક્યાંય ઉડી જાય."

"અરે મોટાદાદા, કીડી સાવ કેવું નાજુકડું, લાચાર જંતુ છે, નહીં! કોઈ નાની વસ્તુ અડે તો પણ ચગદાઈ જાય." પ્રપૌત્રી બોલી.

"સાવ ધીમેથી કામ કરે તેને 'કીડીની જેમ' કહેવાય છે ને!" પપૌત્ર એ ટાપસી પુરી.

"હા, બેટા. પણ કીડી તેનાં ઝીણાં શરીરનાં પ્રમાણમાં કેવાં જબરાં કામ કરે છે એ ખબર છે? એની ઝડપ જો. એના પગનાં માપ પ્રમાણે એ જેટલી ઝડપે જાય છે એની સાથે માણસની પગની લંબાઈ અને ઝડપ તો ઠીક, કોઈ ટ્રકનાં ટાયરની લંબાઈ અને સામે ઝડપ જો. કોણ જીતે?" મેં પૂછ્યું.

"શું વાત છે દાદા! ત્યારે તો કીડી કોઈ માર્વેલસ જીવ છે." પ્રપૌત્રએ કહ્યું.

મારા મગજમાં કોઈ ઝબકારો થયો. મેં કહ્યું, "બેટા, આપણી વાત પરથી યાદ આવ્યું. અમે તારા દાદા જન્મ્યા એ પહેલાં 'કીડીની જેમ' કામ કરીને જીવતા અહીં આવેલા, બોલ." મેં મારી ધોળી મૂછો આમળતાં કહ્યું.

"ઓહ, મોટાદાદા, તો એની તો વાત સાંભળવી જ પડશે. એ બધું શું હતું?" બેય ટાબરીયાં મને લપાતાં બોલ્યાં.

મેં ઇતિહાસ ઉખેળવો શરૂ કર્યો.

"બેટા, એક તરફ આઝાદીની લડત ચાલી રહી હતી અને બીજી તરફ મારા મનમાં મથામણ ચાલતી હતી. ગમે ત્યારે ઉચાળા ભરવાનો વખત આવે એમ હતું. ત્યાં કરાંચીમાં મારો, મારા બાપે ઉભો કરેલો મરીમસાલાનો ધીકતો ધંધો ચાલતો હતો, આપણી ખૂબ મોટી હવેલી હતી અહીં રહી 'પડશે એવા દેવાશે' કરી રહી જવું. એ વખતે વીસ લાખ એટલે આજના પાંત્રીસ ચાલીસ કરોડ રૂપિયા થાય, એવી હવેલી અને કારોબાર વેંચીસાટીને ભારતમાં અજાણ્યા શહેરમાં જઈ એકડેએકથી નવું શરૂ કરવું મને વ્યાજબી ન લાગ્યું. મારા ઘણાખરા ગ્રાહકો અને અફઘાનથી સૂકોમેવો સપ્લાય કરનારા મુસલમાન જ હતા. તેઓ મારો વાળ વાંકો નહીં કરે એમ હું માનતો હતો.

એની સામે હવે ગમે તેને લૂંટી, મારી, કાઢી મુકી એની મિલ્કત હડપ કરી લેવાના બનાવો પણ વધી રહેલા. ભારત જવા નીકળો તો રસ્તામાં મારી પણ નાખે અને લૂંટી તો લે જ. શું કરવું એની સતત મથામણ મને થયા કરતી હતી.

એમાં આપણી પેઢીની બાજુની મોટી શોરૂમ જેવડી કાપડની દુકાન સળગાવી એના આપણા સાખપાડોશી વાણિયા માલિકને કાઢી મુક્યો. ઉપરથી કહ્યું કે તમારી સાથે ધંધાના સંબંધ છે એટલે તમારી વહુ અને દીકરીઓને અડતા નથી.

મને હું શું કરું તે સમજાતું ન હતું. મારા મેઈન સપ્લાયરે તો કહેલું જ કે તમારો ખ્યાલ રાખશું પણ ટોળાંનું કાંઈ કહેવાય નહીં.

મેં આપણી હવેલી આવે એના કરતાં દસમા ભાગની કિંમતે એક જાણીતા સોની અને જ્વેલર મુસ્લિમને વેંચી દીધી. ઊભાઊભ દસ્તાવેજ પર સહી કરી આપી. હીરા અને સોનામાં થોડા પૈસા રોકી એ સાથે લેવું અને થોડા રોકડા સાથે રાખવા એમ વિચારી જે હતું તે લગભગ લઈ જ લીધું. હવે શું કરવું એનો વિચાર કરતાં હું અને તમારી મોટીદાદી અમારી હવેલી છોડી જતા પહેલાં શહેરમાં ફરી આવી, પરિસ્થિતિ જોઈ આવી એક બાગના બાંકડે બેઠાં.

ત્યારે હું હતો પચીસ વરસનો ને તમારાં મોટાં દાદી ત્રેવીસનાં. એકદમ જુવાન અને દેખાવડાં. બુદ્ધિ પણ વાણીયણની. મુશ્કેલીમાં રસ્તો કાઢી જ લે.

અહીં રહેવામાં જોખમ હતું તો ભારત જવામાં પણ જરાય સલામતી નહોતી.

અમે ઊંડા વિચારમાં હતાં.

મારી નજર એક કીડીઓનાં દર પર ગઈ. કીડીઓ સામસામેની દિશાએથી એક હારમાં આવતી હતી. એ હાર એટલે લાઈનની સહુથી પહેલી કીડી સામેથી આવતી કીડીઓની હારમાં પહેલી કીડીને મોં ચાટતી હોય તેમ કરતી જોઈ. પછી દરમાં જઈ એક સાથે બહાર ભાગતી જોઈ.

એમાં મારો પગ એ હાર પર પડ્યો. એક કીડીએ મોં ઊંચું કરી, પગથી જાણે પ્રહાર કરી મને એવો તો ડંખ માર્યો કે મને ખુબ બળતરા ઉપડી. એ સાથે બધી કીડીઓ મને ડંખ મારવા ધસી. પહેલી કીડી તેના શરીરનાં પ્રમાણમાં ખૂબ ઝડપે મારાથી દૂર ભાગી. પાછળ આખી હાર.

એકદમ એ ડંખ સાથે મને વિચારો આવવા લાગ્યા.


એક તો, એકલી કીડી હિંમતથી એવો તો પ્રહાર કરે છે કે તેની પર હુમલો કરનાર થંભી જાય. ભય લાગે તો એવો એટેક કરવો કે સામેનાને બળે. હા. બળવું એટલે પીડા ઉપરાંત એને આગ લગાવવી પણ કહેવાય. મારે આગ લગાડવી નહોતી, મારી પર હુમલો થાય તો વિશાળ રાક્ષસી કદનાં પ્રાણી ઉપર એ ઝીણીએવી કીડી જેમ ત્રાટકે છે એમ હું એ તોફાની, લૂંટફાટ મચાવતાં ટોળાંનાં વિશાળ કદ સામે કીડી જેવો નાનો, એકલો હોઉં તો પણ આ કીડીની જેમ ડંખ મારી શકું. એને ડર નથી. કાં તો એ કચરાઈ જાય ને કાં તો ડંખીને ઝડપથી નાસી છૂટે. મારે પણ ડર વગર આ પાર કે પેલે પાર કરવું રહ્યું.


બીજું મેં એ જોયું કે કીડીઓ વચ્ચે ટીમવર્ક કેવું જબરું હતું! બધી સાથે મળીને એક પાછળ બીજી જતી હતી.


ત્રીજું મેં એ જોયું કે પહેલી કીડી સામેથી આવતી હારની કીડીને સંદેશ આપવાનું ચૂકતી ન હતી.


ક્યાંક ગોળની ગાંગડી પડી હતી તો જોતજોતામાં બધી કીડી ત્યાં એકઠી થઈ જતી.


મેં તમારાં મોટાંદાદીને કહ્યું, "ચાલો ત્યારે, કીડીની જેમ દર છોડીએ, નવા દરની શોધમાં સાથે નીકળી સાથે જ રહીએ અને વખત આવ્યે ડંખ રૂપી એટેકની તૈયારી પણ રાખીએ. એટેકને ગુજરાતીમાં શું કહેવાય બેટા?" મેં વચ્ચેથી પૂછ્યું.

થોડું વિચારી બેબલી કહે 'આક્રમણ'.

બાબલો કહે "અહીં ત્રાટકવું, ના. એ..ને.. પ્રહાર."

"શાબાશ." કહી મેં તેની પીઠ થાબડી.

"હા, તો પછી શું થયું મોટા દાદા?" બેબલી મારા સોફાના હાથા પર બેસી મારી મૂછ ખોતરતાં પૂછી રહી. બાબો એની કાળી દ્રાક્ષ જેવી આંખે ટગરટગર જોઈ રહ્યો.

"મેં એ બાગમાંથી એકદમ ઉભા થઇ તમારી દાદીને શેરીનાં અમુક ઘરોમાં કહેવા મોકલી, અમુકમાં હું આપણે ઘેર આમ તો નોકર માટે રાખેલી સાઇકલ લઈ શહેરના થોડા નજીક રહેતા હિંદુ ભારતીયોને કહેવા દોડ્યો કે પ્રોપર્ટી મારી તો વેંચાઈ ગઈ છે, તમે તમારી પ્રોપર્ટીનાં કાગળિયાં સંતાડીને લઈ લો. કપડાં લત્તાં જે લઈ શકો તે લઈ આજે રાત્રે ચાલી નીકળો.

કલાક પછી આપણા ઘેર હું પહોંચું ત્યાં તમારી દાદી દોડતી આવીને કહે કે અમુક હિંદુ વેપારીઓની ઘરવાળીઓ અને દીકરીઓને ઉપાડી જવા માંડ્યા છે. લૂંટફાટ ચાલે છે. તેણે બધાને જે થોડુંઘણું ખવાય તે ખાઈને અંધારું થતાં જ આપણી હવેલીની પાછળ જે લેવાય તે લઈ આવી જવા કહ્યું.

થોડા વેપારીઓ, એક બે ડોક્ટરો, થોડા સારી નોકરીવાળા સાહેબો, એક અખાડો ચલાવતા પહેલવાન, એક દૂર સુધી જોઈ શકતી દાદીની બહેનપણી, બધાં એકઠાં થઈ ગયાં.

મેં કહ્યું કે આપણે કીડીઓની જેમ જવાનું છે. એક સાથે, એક લાઈનમાં, કીડીઓ દીવાલની બોર્ડરને અડીને જાય તેમ શહેરની બોર્ડર, ભાગોળ સુધી પહોંચી એક સાથે રહી કીડીઓ જેમ પગનાં પ્રમાણમાં ખૂબ ઝડપથી દોડતી જાય છે તેમ ભાગવાનું છે.

મોખરે એ પહેલવાન અને હું તથા મારા લડી શકે તેવા મિત્રો રહ્યા અને સહુથી પાછળ દાદીની એ બહેનપણી ચારે તરફ નજર રાખતી ચાલી. સહેજ પણ ભય જેવું લાગે એટલે એ પૂજાની ઘંટડી વગાડે. આગળ જતી ટુકડીમાં દાદી એ સાંભળે એટલે એની બંગડી ખણકાવે. એ આગળ અમને નિશાની કરે.

અમારા એ આશરે દોઢસો બસો ખાતાંપીતાં એટલે કે સમૃદ્ધ કુટુંબો એમ ચાલી નીકળ્યાં. કરાંચીની ભાગોળેથી એક લાઈનમાં.

કેટલાક પુરુષો કહે નજીકનાં સ્ટેશનેથી ટ્રેઇન પકડી લઈએ. મેં અને એક પ્રોફેસર સાહેબે ના પાડી કે અત્યારે સમૂહમાં ટ્રેઇન મળશે પણ નહીં ને મળે તો બોર્ડર ક્રોસ કરવી જોખમી છે. અમે સાચા હતા. જેઓ ટ્રેનમાં ગયા તેમની લાશો જ પહોંચી.

અમે નજીક પડે એટલે લાહોરથી અમૃતસર પાસેથી ભારતમાં જવાનું નક્કી કરેલું.

રસ્તામાં સાચે જ એક જગ્યાએ અમે સ્ત્રો અને બાળકો સહિત વધુમાં વધુ બસો લોકો હશું, હજાર જેવા તોફાનીઓનું ટોળું ચિચીયારીઓ પાડતું અમને ઘેરી લેવા આવ્યું. મેં કીડીઓ કરે તેમ જ આદેશ આપ્યો- "થોડા મોટી ઉંમરના પુરુષો પાછળ આવી જાય. સ્ત્રીઓ વચ્ચે રહે.

આગળ ચાલતા આપણે યુવાનો કીડીઓની જેમ ડંખ મારી રસ્તો બદલવા તૈયાર રહો."

ટોળું મશાલો અને સળગતા કાકડા ફેંકતું ધસ્યું. ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય. એટલે કે ખૂબ ડરી જાય. બોલો, કીડીઓને કોઈ પાંદડાં જેવી વસ્તુ પર ઊંચકી ફેંકી દેવા જાય તો કીડીઓ શું કરે?"

"મોટા દાદા, એ પાંદડાં પર એકવાર બધી ચડી જાય. તેના ઉપરથી જ પેલાના હાથ પર ચડી ડંખ મારી એનાં શરીર પરથી જ ઉતરી જાય. એની ઊંચાઈનો જ ઉપયોગ કરી નીચે ઉતરે." ચબરાક બેબલી બોલી.

"શાબાશ. અમે એ જ કર્યું. એનાં જ ટોળાં વચ્ચે ઘુસી એમના જ માણસો હોઈએ એમ. બેટા, પુરા કોન્ફિડન્સથી આગળ ધપતાં રહ્યાં. અમુક લોકો તો એ ઘેરામાંથી બહાર નીકળી પણ ગયા. કોઈને સ્ત્રીઓના પહેરવેશ અને વચ્ચે કોઈનાં સામાનનાં પોટલાં જોઈ શંકા ગઈ. તેઓએ ચારે બાજુથી સળગતી મશાલો સાથે હુમલો કર્યો. અમે એમની જ મશાલો ચૂકાવી અમારી પર પડે તે નીચે પડવા દઈ ફરી ઊંચકી. ધૂમાડા નીકળતા હોય ત્યાંથી ફરી સળગાવી એમની ઉપર ફેંકવાને બદલે નજીક હોય એના શરીરનો કપડાંવાળો જે ભાગ સાવ નજીક હોય ત્યાં અડાડી. એ કપડું સળગ્યું. તેઓ ભાગવા કે સામો હુમલો કરવા ધસ્યા તો તેમનાં જ સળગતાં કપડાંઓથી તેમની બાજુવાળાઓ સળગ્યા.

અમે આમ બરાબરનો ડંખ મારી એમનાં જ શરીર પરથી ઉતરી ભાગ્યાં.

હવે કીડીઓ જ્યાં ભય જેવું હોય ત્યાંથી ફંટાઈ જાય. એટલે એમ જ અમે કચ્છ તરફનો રસ્તો પકડ્યો. બીજી કીડીઓની હાર કહો, કોઈ શહેરમાંથી અમારી જેવા આઠદસ કાફલાઓ સાથે થઈ ગયા. એમાંના જ કોઈએ કહ્યું કે જેઓ ટ્રેઇન પકડી કલ્પના બહારની ગિરદીમાં ભીંસાતા ગયેલા તેની આખીને આખી ટ્રેઇનમાં સામુહિક કત્લેઆમ થયેલી.

અમે બચી ગયેલાં. બધાનો સામાન ખૂબ વધી ગયેલો. મેં ચાલતાં ચાલતાં જ કીડીઓને યાદ કરી. પોતાનાથી અનેક ગણો ભાર તેઓ અમુક આગલી કીડીઓ ઊંઘી ફરી ખેંચે અને પાછલી કીડીઓ ધક્કો મારતી જાય. એમ આગળ પાછળ કીડીઓ રહે, વચ્ચે સામાન. મેં બધાને સુચવ્યું કે બધા જ લોકો પોતાના કાફલાઓનો સામાન વચ્ચે રાખે. હવે બહુ લાંબી અને વજનવાળી માલગાડીમાં પણ આગલું એન્જીન ઊંધું રહી ખેંચે છે. બધા ઊંધા તો કઈ રીતે ચાલે? પણ વચ્ચે બધો જ સામાન કોઈ ઊંટગાડીઓ અને બળદગાડાંઓમાં રાખ્યો. એ અમે ખેંચતા ગયા. એ જ રીતે, ભીંતને અડીને હોય એમ શહેરોથી દૂર બોર્ડરને અડીને.

એમ લપાતા છુપાતા ત્રણેક દિવસે રાજસ્થાન પાસે ભારતની સરહદ નજીક આવી. કચ્છ દૂર પડે તેમ હતું અને વચ્ચે રણ આવતું હતું. અહીં તો ખાસ એ લોકોના થઈ બેઠેલા સૈનિકો એટલે કે ખુલ્લી તલવારો સાથે ઝનૂની પઠાણો ઉભા હોય. કીડીઓ કાણું મળતાં ત્યાં દર ખોદીને અંદર જાય એમ અમે એક નાનાં ગામની ભાગોળે ટમટમતા દીવાઓ જોઈ એમાં ઘુસ્યા. ગામનાં ખેતરોમાં સાવ નાની કેડી થોરની વાડ વચ્ચે થઈને જતી હતી. પછી નદી હતી. પછી સામે કાંઠે રણ જેવું દેખાયું જ્યાં ભારતની બોર્ડર શરૂ થતી હતી. કીડીઓ ગોળ કેવી રીતે ઉપાડે? પોતાનાથી અનેક ગણો મોટો ગાંગડો પીઠ ઉપર. અલબત્ત, અમે અમારાથી વીસપચીસ ગણું વજન કીડીની જેમ ન ઉપાડી શકીએ પણ બધો સામાન ફરી ઉખેળી દરેક વ્યક્તિ ઊંચકાય એટલો પીઠ પર ઊંચકી એ દર એટલે કે સાંકડી, થોરની વાડ વચ્ચેની કેડીએથી નીકળવા માંડ્યા. અમારા સામાન ઉપર પેલા પહેલવાન અને એક તલવારધારી ગરાસીયાઓના સંઘે થોર અને ઝાડપાન કાપી મૂકી દીધાં. અમે કીડીઓ ખાંડનો દાણો ઊંચકીને જાય એમ પીઠ ઉપર સામાન લાદી, ચાર પગે કે ઝુકીને, સામાન ઉપર થોર કે ઝાડનાં ડાળ પાંદડાંઓ મૂકી આગળ વધ્યા. અંધારામાં સરહદે એ ગામ પાસે ઉભેલાઓને ઝાડપાન દેખાયાં પણ નીચે માણસો છે એ ખ્યાલ ન આવ્યો. ઝાડપાન એક જ દિશામાં જતાં જોઈ કોઈ ટોળાંને પહેલાં લાગ્યું હશે કે નદીમાં તણાય છે પણ પછી એની એક સરખી ગતિ જોઈ તેઓ પ્રહાર કરતા ખુલ્લી તલવારો સાથે કૂદતા આવ્યા.

રહીરહીને અમારાં બૈરાં છોકરાં અને સામાન લૂંટાશે? આ પરિસ્થિતિમાં પણ કીડીઓ ઉપર સાપ કે કોઈ પ્રાણી હુમલો કરે તો એ શું કરે એ વિચાર કર્યો. કીડીઓ પહેલાં થોભી જાય. એને ઘેરી વળી એક સાથે ચટકા ભરે. મેં ફટાફટ મારી નક્કી કરેલી રીતે સંદેશ પહોંચાડ્યો કે થંભી જઈએ. તેઓ અમે બીજી બાજુ ગયા હશું એમ માની ત્યાં ગયા. અમને એથી તો જાણ થઈ કે ત્યાંથી સીધો રસ્તો છે. અહીં અમે પુરુષો ધરાર ઉભા થયા. અમને જોઈ તેઓ ધસી આવ્યા. તેમની પાસે તલવારો હતી તો અમારી પાસે ઝાડની ડાળીઓ અને કોઈના સામાનમાં આવેલા ખાટલાઓના પાયા. એ ધીંગાણામાં અમારા થોડા કપાઈ ગયા. હું થોરની વાડમાં નીચે સુઈ લપાઈ ગયો. તેઓમાંના એકને પહેલવાનથી પગની આંટી વાગી અને તે પડ્યો. તેની તલવાર મારા હાથમાં આવી ગઈ.

બેટા, ત્રાજવું તોળતા આ તમારા દાદાના હાથ એ તલવાર સાથે ઊંચકાયા. શ્રીનાથજી માફ કરે. આ વાણિયાએ ટોળાંને મોખરે રહેલા એક દુશ્મનનું ડોકું ગોળની ભીલી કાપે એમ ઉડાવી દીધું. મેં ઝનૂની બની તલવાર આમ તેમ વીંઝી. બીજા બે ચાર નાં હાથપગ કપાયાં હશે તેનું લોહી ગુણીમાં હુક ભરાવું ને ઘઉં સરકે એમ ઉડયું. મારાં બાવડાં અને કપાળ પર લોહીના છાંટા ઉડયા. ત્યાં તેની ટુકડીના લોકો મારી ઉપર ધસ્યા. અમારી સાથેના બે ચાર જુવાનોએ તેઓને પકડી ગળું દબાવી દીધું કે ખાટલાના પાયા જેવાં હથિયારથી તેમને મારી પડ્યા તેમની ઉપરથી જ ચાલતા નદીએ પહોંચી ગયા. તેઓ તો પચીસ ત્રીસ જ હતા. બાકીના તો પેલા નવા રસ્તે અમને પકડવા ગયેલા. તેમણે તેમના સાથીઓની મરણચીસો સાંભળી અને અમારી તરફ દોડ્યા. અમારા બાકીના લોકો તેઓ ગયા એટલે હળવેહળવે છુપાઈને નદીએ પહોંચી ગયા.

આ તો રાજસ્થાનની નદી. ખાસ ઊંડી ન હતી. હવે પીઠને બદલે માથે સામાન મૂકી ભારતમાં આવી ગયા. એ ગામનાં થાણામાં જાણ કરી. અમને નિરાશ્રિત કેમ્પમાં લઈ જવાયા.

એક અઠવાડિયામાં 15 ઓગસ્ટ 1947 આવી. ભારત આઝાદ થયું અને અમે આઝાદ ભારતના નાગરિકો.

હજી કીડીઓ શું કરે એના પરથી એક પ્રેરણા બાકી હતી. કીડીઓ એક સાથે તેમની વસાહત જેને રાફડો કહે છે, તેમાં રહે છે. . બેટા, તે ખૂબ ઓર્ગેનાઇઝડ હોય છે. સારી વ્યવસ્થા વાળો. અમે એક સાથે રહ્યાં. ત્યાં શું હતાએ ભૂલી જઈને. નિરાશ્રિત કેમ્પમાં પણ સાથે રહી અમારી રજુઆત કરી. એક સાથે. અમે ગુજરાતી, કાઠિયાવાડી હોઈ અમને એક સાથે રાજકોટ, જામનગર, પોરબંદર આસપાસ ઘર અને નાના પાયે ધંધાની વ્યવસ્થા કરી અપાઈ. અમે એ રાફડાની કીડીઓની જેમ બધા સાથે સંપર્કમાં રહ્યા. મેં એ જ કાબુલથી સૂકો મેવો અને દિલ્હીની અને પંજાબની માર્કેટોમાંથી મને ખબર હતી તે માલ મંગાવવા માંડ્યો.

કીડીઓ ગોળ જોતાં જ એકઠી થઈ જાય એમ અમે અમારા એ વિસ્થાપિતોને લાભ હોય ત્યાં એક થઈ જઈએ છીએ. કીડી કણકણ રાફડામાં સંઘરે એમ મેં આ મોટો બંગલો અને આ ધંધામાંથી થતો નફો બચાવ્યો છે. બધું એ ઝીણકી કીડીની જેમ."

મેં બોલવાનું પૂરું કર્યું. એક ખોંખારો ખાઉં તે પહેલાં મારાં પ્રપોતરાંઓએ તાળીઓ પાડી. એક એક ગાલે બેય જણે બચી કરી લીધી. હું બાણું વર્ષનો તેમના દાદાનો યે બાપ એ વ્હાલ માણી રહ્યો.

રૂમમાં તડકો આવતો હતો ત્યાં કીડીઓની હાર એક ખાંડનો દાણો લઈ જતી હું જોઈ રહ્યો.

***