Pranaybhang - 23 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 23

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

પ્રણયભંગ ભાગ – 23

પ્રણયભંગ ભાગ – 23

લેખક - મેર મેહુલ

ગોવાથી બંને વડોદરા આવ્યા એને અઠવાડિયું થઈ ગયું હતું. આ અઠવાડિયામાં ઘણુંબધું બદલાય ગયું હતું. માત્ર એક ઘટનાએ બંનેને એકબીજાથી દુર કરી નાંખ્યા હતાં. એ ઘટના ગોવામાં બની હતી. એ દિવસે રાત્રે અખિલ ગુસ્સામાં આવીને સુઈ ગયો હતો, હકીકતમાં એ સુવાનું નાટક કરતો હતો. મોડી રાત્રે જ્યારે સિયા સુઈ ગઇ પછી અખિલે સિયાનો મોબાઈલ ચૅક કર્યો હતો. મોબાઈલમાં જે માહિતી હતી એ જોઈ અખિલને આંચકો લાગ્યો હતો.

સિયા કોઈ પેશન્ટ સાથે વાત નહોતી કરતી. વોટ્સએપમાં વારંવાર સંપર્ક કરાયો હોય એવાં વ્યક્તિમાં ચિરાગનું નામ હતું. બીજો કોન્ટેકટ કોઈ ડોક્ટરનો હતો.બંનેના ચેટ ક્લિયર હતા. અખિલે કૉલ લિસ્ટ ચૅક કર્યું તો તેમાં પણ બંનેને વારંવાર કૉલ કરેલાં હતા. સિયા શા માટે આ બધું છુપાવી રહી હતી એ અખિલને સમજાતું નહોતું. અખિલે સિયાનાં મોબાઈલમાં કૉલ લોગનો સ્ક્રીનશોટ પાડ્યો અને પોતાનાં વોટ્સએપમાં લઇ સિયાનાં મોબાઈલમાંથી એ સ્ક્રીનશોટ ડીલીટ કરી દીધો.

અખિલે બીજા દિવસે જ ગોવાથી વડોદરા આવવાનું નક્કી કરી લીધું અને સવારે બેગ પેક કરવા લાગ્યો હતો. સિયા જે રીતે અખિલને સમજાવતી હતી એ જોઈ અખિલ એટલું તો સમજી જ ગયો હતો કે સિયા તેનાથી કોઈ વાત છુપાવી રહી છે.

સાત દિવસ પછી બંને વચ્ચે વાતો પણ ઓછી થવા લાગી. સિયા પોતાનાં ક્લિનિકમાં વ્યસ્ત રહેતી અને અખિલ વાંચવામાં. એ રાત્રે ચિરાગ સિયાનાં ઘરે બેસવા આવ્યો. અખિલનાં મગજમાં ઘણાબધાં વિચારો દોડી રહ્યા હતા. ચિરાગ જ્યારે પણ તેની સામે આવતો ત્યારે અખિલનું લોહી ઉકળી જતું જેને કારણે તે વાંચવામાં ધ્યાન ન આપી શકતો.

“સિયા મારે તને એક વાત કહેવી હતી” અખિલે બંને હથેળીને ઘસીને કહ્યું. સિયા, અખિલ અને ચિરાગની સામે બેઠી હતી. છેલ્લી દસ મિનિટથી ચિરાગ અને સિયા એની કોલેજની વાતો કરી રહ્યા હતા.

“બોલને શું કહેવું છે તારે ?” સિયાએ પુછ્યું.

“પંદર દિવસ પછી મારી એક્ઝામ છે અને અહીં મને વાંચવાની મજા નથી આવતી, તો મેં વિચાર્યું છે હું પંદર દિવસ માટે ગાંધીનગર ચાલ્યો જાઉં”

“એ તો સારી વાત કહેવાય” સિયાએ કહ્યું, “પંદર દિવસની જ વાત છે ને”

“હા, એક્ઝામ પુરી થશે એટલે હું પાછો આવી જઈશ”

“ક્યારે નીકળવાનો છો ?” સિયાએ પુછ્યું.

“કાલે સવારે” અખિલે કહ્યું.

“ઠીક છે, હું તારો સમાન પેક કરી દઉં” સિયાએ કહ્યું.

“જરૂર નથી, મેં કરી લીધો છે”

સિયાએ અખિલ સામે બનાવટી સ્મિત કર્યું.અખિલે પણ એવો જ પ્રત્યુત્તર આપ્યો અને પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.

જયારે બે વ્યક્તિ વચ્ચે ગેરસમજની દરાર પડે છે ત્યારે શબ્દો નથી બોલતાં. ભૂતકાળમાં ગમેતેવા સંબંધ રહ્યા હોય, એક મિસ્-અન્ડરસ્ટેન્ડિંગ બધું ભુલાવી દે છે. અખિલે પણ સિયા સાથે વાત કર્યા વિના નિર્ણય લઈ લીધો હતો.

બીજા દિવસે સવારે ફોર્મલિટી પુરી કરી અખિલ ઘરેથી નીકળી ગયો.અખિલ અત્યારે ગાંધીનગર નહોતો જતો.નિયતીએ અખિલને મળવા બોલાવ્યો હતો.અખિલ નિયતીને મળીને ગાંધીનગર જવાનો હતો.

અખિલ દસ વાગ્યે સેન્ટર સ્કવેર મૉલની નજીકનાં શિમલા કેફેમાં પહોંચી ગયો. નિયતી તેની રાહ જોતી ઉભી હતી.

“યુ લૂક, “અખિલે કહ્યું અને ઉમેર્યું, “વન્ડરફુલ”

“થેંક્યું” નિયતીએ કહ્યું.

“યોર ડ્રેસ ઇઝ લવલી ટુ….”

“અહીં જ બધુ બોલી દઈશ ?” નિયતીએ હસીને કહ્યું. અખિલ પણ હસ્યો.બંને કેફેમાં પ્રવેશ્યાં. અખિલે મેનુમાંથી પસંદ કરીને બે કૉફીનો ઓર્ડર આપ્યો.

“નાઇસ પ્લેસ” અખિલે કહ્યું.

“તું આજે કેમ અંગ્રેજીમાં વાત કરે છે?” નિયતીએ પુછ્યું.

“નથિંગ, જસ્ટ……” અખિલે હસવાની કોશિશ કરી.

“ઑલ ઑકે?” નિયતીએ પુછ્યું.

“યપ…ઑલ ઑકે…તને મળીને ગાંધીનગર જાઉં છું” અખિલે કહ્યું, “જો મેં ગુજરાતીમાં વાત કરી”

“હાહા, મારી સામે ગુજરાતીમાં જ વાત કરવાની”

અખિલે હકારમાં માથું ધુણાવ્યું. થોડીવારમાં કૉફી આવી ગઈ એટલે બંનેએ કૉફીને ન્યાય આપ્યો.

“છેલ્લાં પંદર દિવસથી ક્યાં હતો?” નિયતીએ પૂછ્યું, “કૉલ પણ રિસીવ નહોતો કરતો”

અખિલને યાદ આવ્યું, નિયતીના રોજ કૉલ આવતાં હતાં ત્યારે અખિલ એને ઇગ્નોર કરતો અને સિયા….

“સવારથી વાંચવા બેસી જતો એટલે મોબાઈલ ડ્રોવરમાં રાખી દેતો” અખિલે બહાનું બનાવ્યું.

“હું તારાં ઘરે આવી હતી, સિયાનો દોસ્ત મળ્યો હતો એક દિવસ.તેને પણ તું ક્યાં ગયો એની ખબર નહોતી”

અખિલ ફરી વિચારમાં પડી ગયો.સિયા રોજ ચિરાગ સાથે વાતો કરતી, સિયાએ એનાં વિશે ચિરાગને નહિ કહ્યું હોય?

“મેં ઘર શિફ્ટ કરી લીધું હતું” અખિલ ફરી ખોટું બોલ્યો.

“મારે તને એક વાત કહેવી હતી” નિયતીએ અચકાતાં અચકાતાં કહ્યું.

“બોલને શું વાત હતી ?” અખિલે પુછ્યું.

“તું મને પસંદ કરે છે ?” નિયતીએ સીધું પુછી લીધું.

“મતલબ ?”

“મતલબ હું તને પસંદ કરું છું” નિયતીએ કહ્યું, “તું જે દિવસથી મારી લાઈફમાં આવ્યો એ દિવસથી”

“નિયતી….” અખિલે લાંબો લહેકો લીધો.

“હું જાણું છું અખિલ, તારાં મગજમાં એવો વિચાર નહિ હોય” નિયતીએ કહ્યું, “પણ હું ઈચ્છું છું, તું વિચાર. આપણે ઉતાવળ નથી. તું નિરાંતે જવાબ આપજે”

“હું ના કહું તો દુઃખી ના થતી” અખિલે સંકોચ સાથે કહ્યું.

“અરે, તું તો ગભરાઈ ગયો. મેં જવાબ આપવા કહ્યું, હા જ કહેજે એવું નથી કહ્યું” નિયતીએ હસીને કહ્યું.

“થેંક્યું, તું સારી દોસ્ત છે” અખિલે કહ્યું

“મારે બસ આઆટલું જ કહેવાનું હતું” નિયતીએ કહ્યું.

“સારું તો હવે હું નીકળું” અખિલે ઉભા થતાં કહ્યું, “બિલ ચૂકવી આપજે”

“સારું” નિયતીએ કહ્યું.

“ મજાક કરું છું” અખિલે હસીને કહ્યું અને વૉલેટ કાઢી બિલ ચૂકવ્યું.

*

અખિલ ગાંધીનગર આવી ગયો હતો.અહીં તેનો એક દોસ્ત જે GPSC ની જ તૈયારી કરતો હતો એનાં રૂમે સામાન રાખી અખિલ લાઈબ્રેરીમાં વાંચવા ચાલ્યો ગયો.દિવસો પસાર થતાં ગયાં.અખિલ અને સિયા વચ્ચે વાતો પણ ઓછી થવા લાગી હતી.અખિલ જ્યારે સિયાને ફોન કરતો ત્યારે માત્ર હાલચાલ પૂછતો. સામે સિયા પણ એવું જ વર્તન કરતી. સિયાના આવા વર્તનથી અખિલને દુઃખ થતું. અખિલ એ આશાએ સિયા સાથે વાતો કરતો કે સિયા કોઈ દિવસ તો તેને એ વાત જણાવશે જે એ છુપાવે છે.

સિયાએ કોઈ દિવસ એ વાત ના કહી જે અખિલ જાણવા ઇચ્છતો હતો.સિયા અખિલને વાંચવા પર ધ્યાન આપવાની સલાહ આપતી.અખિલ એ એક બહાનું સમજતો.અખિલ ઘણીવાર કટાક્ષમાં સિયાને ચિરાગ વિશે કહેતો પણ સિયા વાત હસીમાં ઉડાવી દેતી.

આખરે અખિલની એક્ઝામનો દિવસ આવ્યો.સિયાએ ઘણાં દિવસ પછી અખિલ સાથે વ્યવસ્થિત વાત કરી.પેપર હાથમાં આવે એટલે ગભરાઈ ન જવા કહ્યું. અખિલે પણ ત્યારે બધું ભૂલીને સિયાને વ્યવસ્થિત જવાબ આપ્યાં.

એક્ઝામ થઈ એટલે અખિલ ખુશ થઈને બહાર આવ્યો.તેનું પેપર સારું ગયું હતું.બહાર આવી તેણે આ ખુશખબર સિયાને આપવા કૉલ લગાવ્યો.સિયાનો ફોન બંધ આવતો હતો.બેટરી ઉતરી ગઈ હશે એમ વિચારી અખિલે અડધી કલાક પછી ફરી કૉલ લગાવ્યો પણ ફરી સિયાનો ફોન બંધ આવ્યો.

અખિલને સિયાની ચિંતા થવા લાગી.એ રાતે અખિલ વડોદરા જવા નીકળી ગયો.અખિલ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ઘરે તાળું માર્યું હતું.અખિલે ચિરાગના ઘરે તપાસ કરી તો તેનાં ઘરે પણ તાળું હતું.

અખિલનું માથું ચકરાય ગયું.વાળ પકડીને અખિલ ઘરનાં દરવાજે બેસી ગયો.થોડીવારમાં વિજય તેની પાસે આવ્યો.વિજયના હાથમાં ઘરની ચાવી હતી.

“અખિલભાઈ, તમને આ ચાવી આપવા કહ્યું છે” વિજયે ચાવી અખિલ તરફ ધરીને કહ્યું.

“કોણે આપી આ ચાવી ?” અખિલે પુછ્યું.

“એણે ચિરાગ નામ આપ્યું હતું” વિજયે કહ્યું.

અખિલ ધ્રુજી ઉઠ્યો. સિયાનો ફોન કેમ બંધ આવતો હતો એ અખિલ સમજી ગયો હતો.

‘સિયા અને ચિરાગ વચ્ચે….’ અખિલને વિચાર આવ્યો.ગુસ્સામાં તેણે મુઠીવાળી અને બારણે જોરથી મુક્કો માર્યો.

“શું થયું અખિલભાઈ ?” વિજય ગભરાઈને બે કદમ પાછળ ખસી ગયો.

“ચિરાગે બીજું કંઈ કહ્યું તને ?” અખિલે શાંત પડતાં પુછ્યું.

“તમે એને જે મદદ કરી એનાં માટે થેન્ક્યું કહેવા કહ્યું”

‘મેં શું મદદ કરી એને’ અખિલ વિચારમાં પડી ગયો.

“તારી પાસે સિગરેટ છે ?” અખિલે પુછ્યું.

“તમે બેસો હું લઈ આવું” વિજયે કહ્યું.

“ના, કદાચ રૂમમાં પડી હશે” કહેતા અખિલ ઉભો થયો.સિયા અને અખિલ જે ઘરમાં રહેતાં હતાં એ ઘરનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ્યો.

માણસ જ્યારે પ્રેમમાં નિષ્ફળ જાય છે ત્યારે પોતાને એક બોક્સમાં કેદ કરી લે છે, પોતાનાં પ્રિય પાત્રની યાદોના બોક્સમાં.

અખિલે દરવાજો ખોલ્યો એટલે તેની સમક્ષ સિયાનો ચહેરો આવી ગયો.જ્યારે આ ઘરનો દરવાજો ખૂલતો ત્યારે સામે સિયા રહેતી, અત્યારે નહોતી. અખિલે અંદર પ્રવેશી બારણું વાસી દીધું અને લાઈટો શરૂ કરી. અખિલની સામે જે જે વસ્તુઓ હતી એમાં સિયાનું અસ્તિત્વ સમાયેલું હતું. અજાણતાં જ સિયા અખિલનો અભિન્ન હિસ્સો બની ગઈ હતી એ અખિલને હવે સમજાય રહ્યું હતું.

અખિલે આંખો બંધ કરી, પોતાનાં વિચારોને પર કાબુ મેળવ્યો અને ઝડપથી અગાસી પર આવી ગયો.અગાસી પર એક બખોલમાં અખિલ સિગરેટનું પેકેટ રાખતો જે હજી અકબંધ હતું. અખિલે સિગરેટ સળગાવી અને ઊંડા કશ ખેંચવા લાગ્યો.જેમ જેમ એ સિગરેટનાં કશ ખેંચતો જતો તેમ તેમ સિયા તેનાં વિચારોમાં પ્રવેશતી જતી હતી.

‘તે આવું કેમ કર્યું ?’ જોરથી બરાડી અખિલ રડવા લાગ્યો.

( ક્રમશઃ )