સાંજના લગભગ સાડા છ થવા આવ્યા હતા. ગ્રાન્ટ રોડ પર આવેલી મારા ધારાશાસ્ત્રી મિત્રની ઓફિસે પહોંચ્યો ત્યારે કેબિનમાં કોઈક બેઠેલું હતું. મને થયું કે હવે એ ભાઈ એમની વાત પૂરી કરી લે ત્યાં સુધી બહાર બેસી રહેવું પડશે. પરંતુ ધારાશાસ્ત્રી બી. ટી. પવારને અર્ધપારદર્શક કાચમાંથી અણસાર આવી ગયો અને એમણે મને અંદર બોલાવ્યો. સામેની ખુરશીમાં પાંત્રીસેક વર્ષની ઉંમરનાં એક ભાઈ બેઠેલા હતા. પવારે કહ્યું, “હું તારી જ રાહ જોતો હતો. એટલામાં આ ભાઈ આવ્યા. તું કહેતો હતો ને કે અમારા વકીલાતના ધંધામાં માણસાઈ જેવું ઓછું હોય છે. અમારી પાસે તો ગુનેગારો જ આવે! આ ભાઈની વાત સાંભળવા જેવી છે. કદાચ ગુનો કોને કહેવાય એની વ્યાખ્યા કરવા બેસીએ તો ગુનાશાસ્ત્ર અને વાસ્તવશાસ્ત્ર વચ્ચે બહુ અંતર પડી જાય.”
“કોઈક અપવાદ પણ નીકળે…” મેં હળવેથી કહ્યું.
“હોય… પણ ક્યારેક અપવાદ એવો જડબેસલાક હોય છે કે એ ચુસ્ત નિયમોને પણ કોરાણે મૂકી દે… ના માનતો હોય તો આ ભાઈનો કિસ્સો સાંભળ…” પવાર એક એક શબ્દ પર વજન આપતા હોય એમ લાગતું હતું.
“ખેર ! માનવું કે ના માનવું એ તો પછીની વાત છે પહેલાં આ ભાઈની વાત તો સાંભળીએ.!”
“આ ભાઈ છે મિસ્ટર બૈજનાથ પુરોહિત. બેંકમાં ઓફિસર છે. પૈસે ટકે સુખી છે અને સમાજમાં એમની પ્રતિષ્ઠા પણ છે. એમનાં પત્ની સ્થાનિક સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. ખોટ હોય તો માત્ર સંતાનની છે. એમના લગ્નને બારેક વર્ષ થયાં. ડોક્ટરો કહે છે કે સંતાન થવાની કોઈ આશા નથી…”
“તો એમાં વકીલ શું કરી શકે?”
“તું પૂરી વાત તો સાંભળ, યાર!” પવારે સહેજ ખિજાઈને કહ્યું. પછી આગળ ચલાવ્યું, “મિસ્ટર પુરોહિત દાદર વેસ્ટમાં એમના નવા ફ્લેટમાં રહેવા ગયા એ વાતને લગભગ છ-સાત વર્ષ થયા…”
“એક્ઝેટલી છ વર્ષ આઠ મહિના…” મિસ્ટર પુરોહિતે જાણે બેંકના હિસાબી અધિકારી હોવાનો પુરાવો આપ્યો.
“એ વખતે એમની પડોશમાં મિસ્ટર કે. સી. રાજુ નામના એક વેપારી રહેતા હતા, હજુ પણ રહે છે. મિસ્ટર રાજુ એક ખ્રિસ્તી યુવતીને પરણ્યા હતા અને બન્ને દેખીતી રીતે ખૂબ સુખી હતાં. એમને સવા વર્ષનો એક બાબો પણ હતો. મિસ્ટર અને મિસીસ પુરોહિતને આ બાળક સાથે મમતા બંધાઈ ગઈ. એ બાળકને પણ એમની સાથે ગોઠી ગયું હતું. મિસ્ટર કે. સી. રાજુ સવારે આઠ વાગતામાં નીકળી જાય અને છેક રાત્રે નવ કે દસ વાગ્યે આવે. મિસ્ટર રાજુ અને મિસીસ રાજુ વચ્ચે ખરેખર કઈ વાતે અંટસ પડ્યું એની તો ખબર નથી. પરંતુ થોડા સમય પછી એમની વચ્ચેના ઝઘડા વધવા લાગ્યા. ઊંચા અવાજે બોલવું, ગાળાગાળી કરવી અને વસ્તુઓની ફેંકાફેંકમાંથી ક્યારેક મારઝૂડ સુધી વાત પહોંચી જતી…”
“કદાચ મિસ્ટર રાજુ વધુ સમય બહાર રહેતા હોય એ કારણે પણ…” મેં વચ્ચે કારણ શોધવાની કોશિશ કરી.
“એ જે કારણ હોય તે! આપણી વાતનો મૂળ વિષય એ નથી. એ બન્ને વચ્ચેના ઝઘડા વધતા ગયા અને એને પરિણામે મિસ્ટર રાજુ વધુને વધુ સમય ઘરથી દૂર રહેવા લાગ્યા. રાત્રે નવ – દસ ને બદલે બાર કે બે વાગ્યે પણ આવતા અને ક્યારેક તો આખી રાત બહાર રહેતા…” એમની ગેરહાજરીમાં મિસિસ રાજુ એકલાં એકલાં કંટાળી જતાં. પરંતુ ખાસ કોઈને ત્યાં જતાં નહીં. એમનું બાળક મોટે ભાગે તો મિસ્ટર પુરોહિતને ત્યાં જ રહેતું, માત્ર રાત્રે સૂવા માટે મિસીસ રાજુ પાસે જતું…” પવારે સિગારેટ સળગાવવા માટે વાત અટકાવી.
“એ બાળકનું કંઈક નામ તો પાડ્યું હશે ને!” મેં કહ્યું.
“સની… અમે બધા એને સની કહીને જ બોલાવીએ છીએ,” મિસ્ટર પૂરોહિતે જવાબ આપ્યો.
“મિસ્ટર રાજુ વધુને વધુ સમય ઘરથી દૂર રહેતા થયા એ કારણે કે અન્ય કોઈ કારણે મિસીસ રાજુને શરાબની લત લાગી ગઈ. થોડા સમયમાં તો પતિ-પત્ની વચ્ચે બોલચાલનો વહેવાર પણ લગભગ સમાપ્ત થઈ ગયો. મિસિસ રાજુ ધીમે ધીમે ચોવીસે કલાક પીધેલી હાલતમાં રહેવા લાગ્યાં. પુરોહિત દંપતીનું મન સની માટે બહુ ખેંચાતું હતું, પરંતુ તેઓ કંઈજ કરી શકે તેમ નહોતાં. બને ત્યાં સુધી તેઓ સનીને પોતાને ત્યાં જ રાખતાં હતાં. બન્નેને નોકરી હતી. એટલે સની ત્રણ વર્ષનો થયો કે તરત મિસીસ પુરોહિતે એને પોતાની જ સ્કૂલમાં દાખલ કરાવી દીધો, જેથી વધુમાં વધુ સમય તેઓ સનીનો ખ્યાલ રાખી શકે.”
“બરાબર! પછી?”
“મિસ્ટર અને મિસીસ રાજુ વચ્ચે સમાધાન કરાવવાની પુરોહિત દંપતીએ એક-બે વખત કોશિશો કરી જોઈ. પરંતુ એમનું કંઈ ઉપજ્યું નહીં. મિસ્ટર પુરોહિતને લાગ્યું કે બહુ માથાકૂટ કરવા જતાં એ લોકો એમની સાથેનો નામ માત્રનો સંબંધ પણ કાપી નાખશે અને સની એમની પાસેથી ખૂંચવાઈ જશે.”
“થોડા દિવસ થયા અને એક રાત્રે મિસ્ટર અને મિસીસ રાજુ વચ્ચે સખત ઝઘડો થયો. એ બન્ને એટલી હદે વકર્યા હતાં કે નાનકડો સની પણ ડરીને જાગી ગયો તથા રડવા લાગ્યો. મિસીસ પુરોહિત જઈને સનીને લઈ આવ્યાં. સવારે મિસ્ટર રાજુ આવીને કહી ગયા કે આજે અમે બન્ને બહાર જઈએ છીએ અને તમે સનીને સાચવજો.
“થોડા દિવસ પછી પુરોહિત દંપતીને ખબર પડી કે મિસ્ટર અને મિસીસ રાજુએ છૂટાછેડા લઈ લીધા છે. અને કોર્ટે બાળકનો હવાલો મિસ્ટર રાજુને સોપ્યોં છે. આમ છતાં મિસીસ રાજુ એ જ ઘરમાં રહેતાં હતાં. કોણ કોના ઘરમાં મહેમાન હતું એની તો કદાચ એમને ખુદને પણ સમજણ નહોતી. પરંતુ બન્ને અજનબીની જેમ સાથે રહેતાં હતાં. મિસીસ રાજુનું શરાબ પીવાનું વધી ગયું હતું. અને મિસ્ટર રાજુ માત્ર સનીની ખબર કાઢવા જ ઘરે આવતા હતા.”
“પછી તો બન્ને વચ્ચે ઝઘડવાની કોઈ ભૂમિકા નહીં રહી હોય, ખરું ને ?”
“ના, એ શાંતિ તો થોડા દિવસ પૂરતી જ હતી. ફરી પાછું ઝઘડવાનું તો ચાલુ જ હતું. હવે તો ઝઘડો થાય ત્યારે મિસીસ રાજુ એમ પણ કહેતાં હતાં કે હવે મારા પર હાથ ઉપાડવાનો તને કોઈ અધિકાર નથી… આ ફ્લેટ મારા નામે છે અને હું આ ઘરમાં મહેમાન નથી. તો જવાબમાં મિસ્ટર રાજુ કહેતા કે જો તું બહુ માથાકૂટ કરીશ તો હું સનીને લઈને ક્યાંક ચાલ્યો જઈશ. મિસ્ટર રાજુની આ ધમકી કામ કરી જતી અને મિસીસ રાજુ ચૂપ થઈ જતાં. છૂટાછેડા લીધા પછી પણ બન્નેનું આમ સાથે એક ઘરમાં જ રહેવુ, ઝઘડવાનું ચાલુ રાખવું અને એકબીજાને દબડાવ્યા કરવું એ બધું રહસ્યમય હતું અને હજુ છે. એમની વચ્ચે કયા પ્રકારનો ઝઘડો છે અને કયા પ્રકારની સમજૂતી છે એ જ સમજાતું નથી. બન્ને એકબીજાથી સ્વતંત્ર રહીને એકબીજા સાથે શા માટે અને કઈ રીતે બંધાયેલાં રહેવા માગે છે એ રહસ્ય છે.”
વાત ખરેખર બહુ વિચિત્ર રીતે આગળ વધતી જતી હતી. માનવીય સંબંધોનાં સમિકરણો બીજગણિતના નિયમો પ્રમાણે નથી ચાલતાં હોતાં.
પવારે આગળ ચલાવ્યું, “એક દિવસ મિસ્ટર પુરોહિતે મિસ્ટર રાજુને બોલાવીને કહ્યું કે તમે લોકો ઝઘડો એથી અમને કોઈ મતલબ નથી. અમે તમારા સનીને અમારો સની ગણીએ છીએ. બીજું કંઈ નહીં તો આ કુમળા બાળકના કોરા કાગળ જેવા માનસ પર તમારા બન્નેના વર્તનની કેવી અસરો છપાતી હશે એનો કદી તમે ખ્યાલ કર્યો છે, ખરો? એના મનમાં કેટકેટલા સવાલો ઊભા થયા હશે એની તમને કલ્પના છે ખરી? આ બાળક મોટું થશે ત્યારે એ તમને કઈ રીતે માફ કરશે? આવું બધું કહેતાં કહેતાં મિસ્ટર પુરોહિત થોડા ઉશ્કેરાઈ ગયા. મિસ્ટર રાજુથી આ સહન ન થયું એટલે એ તાડૂકી ઊઠ્યા. એમણે કહી દીધું કે, “મારો છોકરો મોટો થઈને મને જે કહેશે તે – તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું કામ કરો એટલું જ બસ છે. તમને અમારું અંગત જીવન પસંદ ન હોય તો તમારે એમાં માથું મારવું જોઈએ નહીં. સનીનો બાપ હું છું, તમે નથી. બહુ એવું લાગતું હોય તો સનીને તમારે ઘરે ન આવવા દેશો!”
“વેરી બેડ! આ કંઈ ઠીક ન કહેવાય. મિસ્ટર પુરોહિત, તમારે દુઃખી થયા વિના માયા ત્યાગવી જોઈએ…” મેં વ્યવહારુ ઉકેલ સૂચવ્યો.
“ના, એ તો છટકવાની વાત થઈ, આપણે કોઈને સાચા દિલથી ચાહતા હોઈએ તો છટકવાની વાત વાજબી ન ગણાય. સનીને અમે અમારા પોતાના બાળકની જેમ જ ચાહીએ છીએ અને પ્રેમ કંઈ લોહીની સગાઈથી જ થાય એવું કોણે કહ્યું? ભલે એને અમે જન્મ નથી આપ્યો, પરંતુ અમે એનાં મા-બાપ બનીને એને પૂરેપૂરો પ્રેમ, હૂંફ અને કેળવણી શા માટે આપી શકીએ નહીં? હું પવાર સાહેબ પાસે એની જ સલાહ લેવા આવ્યો છું!” મિસ્ટર પુરોહિતના અવાજમાં લાગણીભરી મક્કમતા સ્પષ્ટ વરતાતી હતી.
“તમારી વાત સાચી છે… પરંતુ…” મેં એમની લાગણીવશતા તરફ તીર તાકવાની કોશિશ કરી. પરંતુ એ મને વચ્ચે જ અટકાવીને બોલ્યા, “જુઓ સાહેબ, મારી વાત સાચી હોય તો પછી એમાં ‘પણ’ અને ‘પરંતુ’ જેવા શબ્દો કેવી રીતે આવે? મારે તો પવાર સાહેબ પાસેથી પ્રશ્નનો ઉકેલ જોઈએ…કાનૂની ઉકેલ!”
પવારે એશટ્રેમાં સિગારેટ બૂઝાવતાં કહ્યું, “મિસ્ટર પુરોહિત… તમારા પ્રત્યે મને પૂરેપૂરી લાગણી અને હમદર્દી છે. તમારી સમસ્યાનો કાનૂની ઉકેલ અવશ્ય મળી શકે તેમ છે. જો માતા-પિતા કોઈ પણ કારણસર બાળકનો યોગ્ય ઉછેર કરી શકે તેમ નથી એવું સાબિત કરી શકાય તો કોર્ટ બાળકના વાલી તરીકે અન્ય વ્યક્તિની નિયુક્તિ કરી શકે છે.
“તો સાહેબ, એના માતા-પિતા એનો યોગ્ય ઉછેર કરી શકે એમ નથી એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. પછી બીજો સવાલ જ ક્યાં આવે છે?” મિસ્ટર પુરોહિત જાણે ઉતાવળા બની ગયા હતા.
“તમારી વાત સાચી છે, પરંતુ કોર્ટને તો પુરાવા જોઈએ. તમારે આ વાત સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવા પડે. મિસ્ટર અને મિસીસ રાજુ સનીનો ઉછેર કરી શકે તેમ નથી એવું સાબિત કરવા માટે સાક્ષીઓ જોઈએ…”
“સાહેબ, એવા પુરાવા અને સાક્ષીઓ આપણે ક્યાંથી લાવીએ? બાળક પોતે કહે તો એ પૂરતું નથી?”
“કદાચ છે અને કદાચ નથી. કોર્ટ બાળકની વાત માને પણ ખરી અને ન પણ માને! નક્કર પુરાવા વિના કોર્ટ કદી માને નહીં…”
મિસ્ટર પુરોહિત આટલું સાંભળ્યા પછી પણ નિરાશ થયા હોય એવું લાગતું નહોતું. આમ છતાં એમની આંખોમાં જાણે એક પ્રશ્ન વંચાતો હતો. કોઈના પર પિતા સહજ પ્રેમ વરસાવવા માટે પણ પુરાવા જોઈએ…?