VAHUE VAGOVYA MOTA KHORDA - 13 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૩

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૩

સુલતાનપુરના પાદરે ઊભેલો એ ગોઝારો બંધિયાર કૂવો મીઠા પાણીથી તો ભરેલો હતો જ પણ સાથે-સાથે અનેક કડવા અનુભવોનો સાક્ષી પણ હતો. એ એના પેટાળમાં ઘણા રાઝ છુપાવીને બેઠો હતો. ચૂના અને પથ્થરથી બાંધેલા એ કૂવાની સમકાલીન ત્રણ કાટ ખાઈ ગયેલી ગરેડી હતી; જેનાથી પાણી સિંચવામાં આવતું હતું. એ લોખંડની ગરેડી તો ગમે એમ તોય સ્ત્રીલિંગ છે ને !.... એ તો સાવ ઘસાઈ ગઈ હતી કદાચ બધી પનિહારીઓની હૈયાવરાળ સાંભળીને જ હશે, જેને સીંચણીયા સાથે પ્રેમ થઇ ગયો હતો, એ પથ્થર પણ ઘસાઈ ચુક્યા હતા. જ્યારે ઝમકુને બેડા વગર આવતી જોઈ ત્યારે પથ્થર, ગરેડી, અને ઘરનો મોભી એવો કૂવો ત્રણેય ધ્રૂજી ગયા હતા. ઝમકુના ચહેરાને જોઈને જ એને અપજશ મળવાના સંકેત મળી ગયા હતા. ગામ માટે બનેલા ગોઝારો કૂવાનું તળ અચાનક જ ઊંચું આવવા લાગ્યું હતું. પેટાળમાં પાણીના સરણાની ધારા વધી ગઈ હતી. ફરીવાર એક સ્ત્રીના જીવને ભરખવાનો સમય થઇ ગયો હતો.

થોડો વિચાર કરી ઝમકુએ કૂવામાં છલાંગ લગાવી પણ ત્યાં તો પેલી ગરેડીથી સહન ના થયું એણે ઝમકુની સાડીનો પાલવ પકડી લીધો. પાલવ ખેંચાતા જ કૂદી પડેલી ઝમકુ પણ ખેંચાઈ. ઝમકુના દેહને આંચકો લાગતા જ એનું કપાળ કૂવાની અંદરની દીવાલ સાથે અથડાયું. એ જર્જરિત સાડી પણ કેટલુ વજન ખમી શકે ?? એક જ આંચકે તૂટી ગઈ અને ઝમકુનું શરીર કૂવાના પેટાળમાં ખેંચાયું. એને એના છેલ્લા શ્વાસ પાણી સાથે લેવાનું ચાલુ થઈ ગયું હતું. ઘડીના છઠ્ઠા ભાગ જેટલા મળેલા સમયમાં એને પોતાના જીવનની અનેક ઘટનાઓ યાદ આવી ગઈ. હરેક સુખ અને દુઃખ યાદ આવી ગયા. ધીમે ધીમે છાતીમાં શ્વાસની ધમણ ઘૂંટાવા લાગી. એના આ થોડા વધેલા શ્વાસને લોકો દ્વારા કહેવાયેલા શબ્દોરૂપી બાણ ઠંડો પાડી રહ્યા હતા. એના આંસુઓની વરાળ જાણે કૂવાના પાણીને ગરમ કરી રહી હતી. થોડીવારમાં તો એ આંખો સામે ઘનઘોર અંધકાર છવાઈ ગયો. એ સમાજે ફરી એક સ્ત્રીની અને એના અભરખાની હત્યા કરી હતી.

વિષ્ણુરામ જેના ઘેર જમવા ગયા હતા ત્યાં ઠાકોરજીની આરતી કરતા હતા પણ એમનું ધ્યાન આરતીમાં નહોતું. એમનું મન તો ઝમકુ પાસે હતું. એ તો વિચારતા હતા કે ક્યારે અહીંથી નીકળું અને ઝમકુને ખવડાવીને દિલાસો આપું ?? બીજી બાજુ થોડી બીક પણ હતી કે ગુસ્સામાં એ છોકરી કોઈ અવળું પગલું ના ભરી લે !! એમને ફટાફટ ઠાકોર જમાડીને ઘરધણીને કહ્યું.
" જજમાન, મને કોઈ સારા પાત્રમાં ખાવાનું ભરી દો ને ! "
" જી.. જરૂર મા'રાજ. "
એ સમયે મોટા ભાગે માટીના વાસણનો ઉપયોગ થતો. ઘર વપરાશના દરેક વાસણ માટીના આવતા હતા. એનો મતલબ એવો નહોતો કે બીજા ધાતુના વાસણ નહોતા. તાંબા-પિતળના વાસણ હતા પણ એ ઘરને સુશોભિત કરવામાં જ કામ આવતા. એક ગરણામાં બાજરીના બે રોટલા બાંધી એના પર શાકનું રામૈયુ મૂક્યું. એક હાંડલીમાં ખીચડી ભરી એના પર ઢાંકણી દઈ દીધી, એક લોટકામાં છાસ ભરી દીધી. આટલું વ્યાળું લઈને વિષ્ણુરામ ઉતાવળા ચોરા તરફ ચાલવા લાગ્યા. પણ એ ચોરે પહોંચ્યા તો એમને ઝમકુને ના જોઈ. થોડીવાર માટે તો મનમાં ઘણા વિચાર આવી ગયા પણ પછી એ ઘેર ગઈ હશે એમ માની એ એના ઘર તરફ રવાના થયા.

પણ આજે વિષ્ણુરામને સુલતાનપુરનું વાતાવરણ વિચિત્ર લાગ્યું. જે લોકો મહારાજને જોઈને સીતારામ કરતા હતા એ લોકો આજે એક અલગ જ નજરથી જોતા હતા. કરણુભા સાથે થયેલો વિવાદ ચોરે-ચૌટે સમાચાર પત્રની જેમ ફેલાઈ ગયો હતો. ઘણા બધા લોકો મહારાજને ગામ બહાર કાઢવાની વાતો કરતા હતા. તો વળી જે ઝમકુને જાણતા હતા એ વિષ્ણુરામને સાચા માની એમનો પક્ષ લેતા હતા. ઘણા વર્ષો બાદ આજે વિષ્ણુરામને પણ સુલતાનપુરમાં ગૂંગળામણ થવા લાગી. એ તો બસ સવાર પડવાની રાહ જોતા હતા. અને એ હવે ઝમકુને પણ આ ગામમાં નહોતા રાખવા માંગતા. એટલે જ એ એના ઘર તરફ જતા હતા. અમુક વાતો સાંભળી એમના પગલાં ઉતાવળા થઈ ગયા હતા કદાચ કાન આવી વાતો સાંભળવા તૈયાર નહોતા. આવો ઉતાવળો મહારાજ ઝમકુના ઘેર પહોંચી તો ગયો પણ વિઠલ તો બારણું બંધ કરીને નશામાં ચૂર થઈને સૂઈ ગયો હતો. બારણું બહુ ખખડાવ્યું પણ ઝમકુનું ઘર ના ખુલ્યું.

આજુબાજુના લોકો એકઠા થવા લાગ્યા હતા. એમાંથી અમુક લોકોને આ વાતનો ખ્યાલ હતો જ્યારે અમુક તો સાવ અજાણ હતા. મહારાજને બધી બાજુથી મીઠા આવકાર મળવા લાગ્યા હતા. જે લોકો જાણતા હતા એ ઝમકુ વિશે પૂછતા હતા. પણ આ ઘણા બધા અવાજમાં કોઈ વાત સ્પષ્ટ સમજાતી નહોતી. મહારાજે બધાને શાંત કરીને પૂરી વાત કરી અને ઝમકુ વિશે પૂછ્યું. પણ આ નાના માણસોમાં કોઈએ ઝમકુને ઘર તરફ આવતા જોઈ નહોતી. હવે બધાના જીવ તાળવે ચોંટેલા હતા. હરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ રમતો હતો કે ' ઝમકુ ક્યાં ગઈ હશે ? ' કોઈ યુવાનોએ બારણું તોડી પાડ્યું અને જોયું તો વિઠલ નશાની હાલતમાં ફળિયામાં જ ખાટલો પાથરી ગાંડાની જેમ સૂતો હતો. ગામલોકો એને જગાડવાની કોશિશ કરતા હતા. જ્યારે વિષ્ણુરામ તો ઘરમાં બધે ઝમકુને શોધતા હતા. પણ બધા નાકામિયાબ રહ્યા. ના તો વિઠલ જાગ્યો કે ના ઘરમાં ઝમકુ મળી. લોકો તરત જ ઘરની બહાર નીકળી હાથમાં નાની-નાની લાકડીઓ લઈને ઝમકુને શોધવા માટે વિષ્ણુરામ સાથે નીકળી ગયા. બધા લોકોમાં સૌથી વધુ ઉચાટ વિષ્ણુરામના મનમાં હતો.

એ સેજકપરનો ગોર ઊંચા શ્વાસ અને ઉતાવળા પગલે જાણે ગાંડો થવાની તૈયારીમાં હોય એમ દોડતો દેખાતો હતો. મનમાં પુષ્કળ પ્રમાણમાં વિચારો ચાલુ હતા. ઝમકુને ચોરે બેસવાનું કહેવાના પોતાના નિર્ણય પર પસ્તાવો કરતો હતો. તો વળી બીજો વિચાર એ આવતો કે કદાચ ઝમકુને કશું થઈ ગયું તો હું સેજકપરમાં બધાને શું જવાબ દઈશ ? આ વિચાર તો એનું કાળજું કંપાવી દેતો હતો. ઝમકુના કસબાની વસતિ તો મહારાજ પાછળ હો.... હા કરી ખેંચાતી જતી હતી. એમાંથી ઘણા લોકો તો ખાલી જાણવા જ આવ્યા હતા. સૌથી વધુ દુઃખ એ મહારાજના હૃદયમાં હતું અને એટલે જ એ જે કોઇ સામું મળે એને ઝમકુ વિશે પૂછી લેતા.

એવામાં કોઈ વ્યક્તિએ જાણ કરી કે ઝમકુને પોતે કૂવા તરફ જતી જોઈ હતી. આ વાત સાંભળતા જ વિષ્ણુરામને તો જાણે જીવ અને શિવને થોડું છેટું રહ્યું હોય એવું લાગ્યું. શ્વાસની ધમણ વધુ ઝડપથી ચાલવા લાગી. બે ઘડી તો એવું લાગ્યું કે જાણે બધા શ્વાસ અત્યારે લેવાઈ જશે. એમના ડગલાં કૂવા તરફ બેવડી ઝડપથી ચાલવા લાગ્યા. હવે તો ગામલોકોને પણ મોટો ધ્રાસકો લાગ્યો હતો. એ પણ મનોમન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આવું કશું ના બન્યું હોય તો સારું ! વિષ્ણુરામ તો કૂવાની નજીક પહોંચતા જ ધીમા પડી ગયા. આંખોમાં રહેલો વહેમ સાચો ના પડે તો સારું એવું વિચારતા હશે. અથવા તો આવા માઠા સમાચાર થોડા મોડા મળે તો સારું. કાં તો પછી પોતે આવો આઘાત સહન કરી શકશે કે કેમ ? આવા અનેક વિચાર એ બ્રાહ્મણના મનમાં આવ્યા હશે. એ માણસના મનમાં શું ચાલતું હતું એ તો ખ્યાલ નહોતો આવતો પણ એના મુખમાંથી સીતારામ..... સીતારામ નામના શબ્દોનો અવાજ વધુને વધુ ઊંચો થતો જતો હતો.

એ અજવાળી અગિયારસની રાતના નવેક વાગ્યા હશે. ભલે પૂનમ જેવું અજવાળું નહોતું પણ ચાંદની સારી એવી ખીલી હતી. કૂવા પરથી વાતો વા શીતળ હોવા છતાં વિષ્ણુરામને લૂ જેવો લાગતો હતો. વિષ્ણુરામ કૂવાને કાંઠે પહોંચ્યા અને આમતેમ જોવા લાગ્યા. કૂવા અંદર જોયું પણ અંધકારને કારણે કશું દેખાયું નહિ. એટલામાં એમની નજર પાણી સીંચવાની ગરેડી પર પડી અને એ જોતાં જ એમનું હ્ર્દય ભાંગી પડ્યું. એ રાતના અંધારામાં ઝમકુએ પહેરેલી જૂની સાડીનો એક લીરો ગરેડી સાથે હવામાં ફરકતો હતો. હવે વિષ્ણુરામ તો બોલવાની અવસ્થામાં હતા જ નહીં. એ તો કૂવાની દીવાલને ટેકો દઈને બેસી ગયા. જ્યારે ગામલોકો હવે સક્રિય થયા હતા. બે પાંચ લોકો ગામ તરફ દોડ્યા. કોઈ ગામને સમાચાર દેવા નીકળી ગયા, કોઈ ગામમાંથી બિલાડી, ધોહરુ, દોરડું આવી અનેક વસ્તુઓ જેનાથી લાશને કાઢી શકાય એ લેવા માટે નીકળી ગયા. કોઈ વિઠલ અને કરણુભાને બોલાવવા માટે નીકળી ગયા. વિષ્ણુરામ તો બેભાન જેવી હાલતમાં જ હતા.

ક્રમશ: .............

માટીના વાસણો
રામૈયુ અથવા રામપાત્ર - જેને આપણે અત્યારની ભાષામાં વાટકા કહીએ છીએ. એવા જ માટીના વાટકા.
હાંડલી - માટીની બનાવેલી કુલડી જેવી મોટી તપેલી જેમાં ખીચડી, ભાત, શાક બનાવવામાં આવતા.
ઢાંકણી - જેનો ઉપયોગ છીબા તરીકે હાંડલીને ઢાંકવા માટે થતો હતો.
લોટકો - લોટકો એટલે ટૂંકમાં લોટો જ કહેવાય જેનો ઉપયોગ પાણી પીવા માટે થતો હતો. પણ એનું તળિયું એક ઢાંકણ આકારનું હોય છે. જેને મોરિયા પર રાખવામાં આવતો.
મોરિયો - પાણી ભરવાનું માટલું. જેને ઢાંકવા માટે લોટકો રાખવામાં આવતો અને એ મોરિયા પર એવી રીતે ગોઠવાય જતો કે નાનો મકોડો પણ પાણીમાં દાખલ ના થઇ શકે. એટલે લોટકો પાણી પીવા અને ઢાંકવા બેય કામમાં આવતો.
બતક - એ પણ એક પાણી ભરવાનું સાધન છે. અને એનો ઉપયોગ ખેતરે પાણી લઈ જવા માટે થતો. જેમ અત્યારે બોટલો લઈ જવાય છે એમ બતક લઈ જતા.
મને જેટલા નામ યાદ આવ્યાં એટલા લખ્યા છે. આશા રાખું આપ સૌ સમજી ગયા હશો.

લેખક : અરવિંદ ગોહિલ