મનસ્વી શાંતિથી આરામ કરીને વહેલી સવારનું સ્વાગત કરવા ઉઠી હતી પણ આ સવાર એના માટે અજુગતી નીકળી......
આજે આકાશ આવવાનો હતો. એરપોર્ટથી શરૂ કરી ઘર સુધી મનસ્વીને લગભગ પાંત્રીસ એક જેટલા ફોન કરેલો આકાશ એ જ મૂંઝવણમાં હતો કે મનસ્વી ફોન કેમ નથી ઉપાડતી....? સાંજના પાંચ વાગ્યા હતા એટલે મનસ્વી સૂતી તો ન જ હોય ને આટલી રિંગ વાગ્યા પછી તો સૂતી હોય તો પણ ઉઠી જ ગઈ હોય ને.....હે ભગવાન માનું..... મનસ્વી ઠીક તો હશે ને એકલા રહીને વળી કઈ કરી લીધું હશે તો.....?
ગભરાયેલો આકાશ જેમ બને એમ જલ્દી ઘરે પોહચવા માંગતો હતો. લાંબો સમય અસમંજસમાં રહ્યા પછી ટેક્સીવાળાએ સીધી જ ગાડી ઘરના દરવાજે ઉભી રાખીને સામાન ઉતર્યો. અત્યારે આકાશ ને સામાનની કઈ જ પડી નહતી એટલે સામાન અંદર વાડામાં જ રહ્યો ને પોતે સીધો જ અંદર ગયો. કાકા કાકીને બહાર બેઠેલા જોઈ આકાશના પગ આગળ ઉઠતા અટક્યા. કાકી એકદમ જ શિસ્તબદ્ધ રીતે બહાર ગોઠવાયને મોટા મોટા ચશ્માં ચડાવી છાપું વાંચતા હતા. વાંચતા વાંચતા ચશ્માં નીચે કરી એક તીખી નજર આકાશ તરફ કરી ને આ બાજુ હંમેશા મનમસ્ત રહેતા કાકા કોઈ પરેશાનીમાં હોય એમ હીંચકે મોઢું નીચું કરી બેઠા હતા. આંખો સામે આવું દ્રશ્ય જોઈને આકાશને પરિસ્થિતિનો આછો આછો ચિત્તાર આવી રહ્યો હતો છતાં પણ પોતે વિચારે છે એવું કઈ જ નહીં થયું હોય એ આશ્વાસન સાથે આકાશ ઝડપભેર સીડી ચડીને ઉપર પોહચ્યો. દરવાજાને ફક્ત બારેથી કડી મારવામાં આવી હતી એટલે આકાશ વધુ કઈ ન વિચારતા ઉતાવળે અંદર પોહચ્યો. મનસ્વી ત્યાં નહતી. અંદર બાથરૂમમાં પણ કોઈ નહતું તેજ ધબકારા અને મુંજાતા શ્વાસે આકાશ અગાસી તપાસવા ગયો ત્યાં પણ મનસ્વી ન જ મળી. ફરી પાછો પોતાના રૂમમાં આવ્યો ત્યારે ધ્યાન પડ્યું કે બિસ્તર પર એક શીટ પડી હતી ને એની પર આકાશે જે ફોન મનસ્વીને આપ્યો હતો એ હતો. આકાશ એ શીટ જોઈ તો એમાં મનસ્વીએ દોરેલું એક સુંદર ચિત્ર હતું જે એને આકાશને ભેટમાં આપ્યું હતું પણ અત્યારે આકાશને મનસ્વી સિવાય બીજા કોઈ પણ વિષયની પડી નહતી. પરસેવે રેબઝેબ થયેલા આકાશ એ મનસ્વીનો સામાન તપાસ્યો બધું એના ઠેકાણે જ હતું તો મનસ્વી ક્યાં ગઈ હશે ? હવે આકાશ વધુ મૂંઝાયો. અનાયાસે એનું ધ્યાન નાઈટલેમ્પ પર પડ્યું પોતે ચિઠ્ઠી મૂકી જતો હતો કદાચ મનસ્વીએ પણ મૂકી હોય....! આકાશનું મન સાચું નીકળ્યું ત્યાં લેમ્પ નીચે એક કાગળ દબાયેલો હતો......
" ઘણું કેહવું છે પણ શરૂઆત ક્યાંથી કરું એ સમજાતું નથી. આકાશ મેં ખરેખર ક્યારે કલ્પના જ નહતી કરી કે મારા જીવનમાં આટલા સુંદર દિવસો પણ ક્યારેય આવશે જે મેં તારી સાથે વિતાવેલા. માણસ માણસાઈ ભુલ્યો છે એ દુનિયામાં તારા જેવા લોકો હજુ વિશાળ હ્ર્દય સાથે જીવતા હશે એનો મને ખ્યાલ જ નહતો. મારે તને કહ્યા વગર આમ ન જવું જોઈએ પણ બીજો કોઈ રસ્તો જ નહતો. આકાશ પ્લીઝ ગુસ્સે નહીં થતો કાકીને જાણ થઈ ગઈ કે હું અહી રહું છું એટલે મારે અહીંથી નીકળવું જ રહ્યું. મારી જિંદગી તો આમ પણ વ્યર્થ થઈ હતી. મારી સાથે હું તને લઈ ડૂબવા નથી માંગતી એટલે નીકળી ગઈ. ના ના ચિંતા નહીં કરતો હું એવું કોઈ પગલું નહીં ભરું. ખબર નહિ શુ કરીશ ને કઈ રીતે કરીશ પણ કંઈક તો કરી જ લઈશ. એકાંતમાં સમય પસાર કરવા તારા માટે એક વસ્તુ બનાવી હતી જે તને રૂબરૂ આપવા ઇચ્છતી હતી પણ એ શક્ય ન બનતા ત્યાં જ મૂકી ગઈ છું. જીવવા માટે તારા લખેલા પત્રો પૂરતા રહેશે એટલે એના સિવાય કશું જ નથી લઈ ગઈ. ઠીક છે. ગુડ બાય આકાશ. હેવ અ ગ્રેટ લાઈફ. તારા જેવા મિત્ર સાથે વિતાવેલી ક્ષણો કાયમ યાદ રહેશે......"
મનસ્વીનો પત્ર વાંચતા જ આકાશ એક જાટકે જમીન પર ઢળી પડ્યો. મનસ્વીની કરુણ કથા સાંભળીને પણ પુરુષ સહજ સ્વાભવ ને કારણે આકાશની અંતરમાં ધરબાયેલા અશ્રુ નો હવે વરસાદ થયો.....આકાશનું મન માનવા ઇચ્છતું જ નહતું કે મનસ્વી જતી રહી છે...... ધીમે ધીમે આંખો લાલ થઈ, એક હાથમાં ચિઠ્ઠી પકડેલા આકાશના બીજા હાથની મજબૂત મુઠ્ઠી વળતી જતી હતી પોતે મનસ્વીને એકલી છોડીને જ કેમ ગયો એ અફસોસ નો ઉકળાટ બહાર નીકળવા મથતો હતો આ સમયે મનસ્વીનું પ્લીઝ ગુસ્સે નહિ થતો આકાશ....એ વાક્ય ગૌણ બન્યું હતું ને ક્રોધની પૂર્વ તૈયારીઓ થઇ ચૂકી હતી. પાસે પડેલી ખુરશીના પગ હવે જાણે આકાશને નડતા હોય એમ એને ધક્કો મારીને જોરથી ખુરશી પછાડી પોતે ઉભો થયો.... મનસ્વીની ચીઠ્ઠી પેન્ટની પોકેટમાં મૂકી પોતે જંગ લડવા જઇ રહ્યો હોય એમ માથે હાથ ફેરવી સીધો બહાર નીકળ્યો.......
ઘરમાં પ્રવેશતા તુફાનના સ્પષ્ટ ડગલાં સાંભળીને હીંચકે હજુ એ જ મુદ્રામાં બેઠેલા કાકા વધુ ચિંતિત થયા.....કોઈ પણ પરિસ્થિતિમાં વડીલોનું સન્માન રાખી પૂછ્યા વગર ઘરની અંદર ન પ્રવેશતો આકાશ આજે સીધો જ રસોડામાં ધસી ગયો. રસોઈ કરતા કાકી આકાશનું આવું સ્વરૂપ જોઈને અવાચક થઈ ગયા.....
" તમને મારા જીવનમાં દખલગીરી કરવાનો અધિકાર કોણે આપ્યો ? હું અહીંયા રહું છું એના પૈસા ચૂકવું છું મફતમાં અડ્ડો જમાવીને નથી રહેતો કે તમે મારા અંગત જીવનમાં શું શું ચાલે છે એની જાણકારી મેળવતા રહો. એક હદ સુધી નિતિનિયમોનું પાલન કર્યા પછી જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ માણસે નિયમ વિરુદ્ધ કોઈ કદમ લીધો હોય....એક યુવાન છોકરીને આમ રઝળતી કરી મુકતા તમને એક સ્ત્રી તરીકે એની જરા પણ ફિકર ન થઈ.....એનો પક્ષ સાંભળવો પણ જરૂરી ન સમજ્યો.....! તમે કઠોર હ્ર્દયના છો એ ખ્યાલ હતું પણ આટલી હદ સુધી હશો એની કલ્પના નહતી...." કેહતા કેહતા આકાશના ગુસ્સાની ગરમાહટથી ધીમે ધીમે પીગળતા આંસુ આંખે ડોક્યુ કરી ગયા હતા.....
" મહેરબાની કરીને હવે મારા અંગત જીવનમાં દખલગીરી કરશો નહિ.......તમને ન પોસાતું હોય તો હું ટૂંક સમયમાં તમારું ઘર ખાલી કરી આપીશ. " છેલ્લે આકાશે હાથ જોડીને પોતાની વાત પૂર્ણ કરી. સીધા જ અંદર ધસી આવેલા આકાશની પાછળ અંદર આવેલા કાકા એની જ પાછળ બહાર નીકળી ગયા. બહાર આવીને આકાશ વધુ ને વધુ ચિંતાતુર થયો હતો.....હવે આકાશ મુંબઇ જેવા શહેરમાં મનસ્વીને ક્યાં શોધે ? મનસ્વી ફરી પાછી એજ પીડાદાયક પરિસ્થિતિમાં ધકેલાઈ ગઇ તો ? કોઈએ એની સાથે જબરદસ્તી તો નહીં કરી હોય ને ? આવા ઘણા પ્રશ્નો સાથે આકાશનું મનોબળ તૂટતું જતું હતું આકાશ સર્વસ્વ લૂંટાઈ ગયાની સ્થિતિમાં બે પગના ટેકે માથે હાથ રાખી નીચે બેસી ગયો હતો.
" મને માફ કરી દે બેટા...." પાછળથી કાકા અફસોસ ના સ્વરે બોલ્યા...આકાશે એમની તરફ જોયુંને સાહજિક રીતે ઉભો થયો.
" હા બેટા.... તારી કાકીને તું પહેલી વખત જ્યારે હોટલમાંથી જમવાનું ઘરે લાવ્યો હતો ત્યારથી જ શંકા ગઈ હતી. મારા લાખ સમજાવ્યા પછી પણ એક દિવસ એ તારા રૂમની તપાસમાં પણ આવી હતી. કઈ જડ્યું નહતું પણ એને શાંતિ ન થઈ. તું અહીંયા નથી એનો ફાયદો ઉઠાવા માટે એ તો પેહલા જ છાનબીન માટે જવાની હતી પણ મારા ઘણા રોકવાના આગ્રહ અને પ્રયાસો પછી એ રોકાઈ હતી. આજે મને ખબર જ નહીં ને વેહલી સવારે કોણ જાણે કેવી રીતે એ ચાવી લઈને નીકળી પડી. ખખડાવી નાખી બિચારી દીકરીને......એ ચુપચાપ તારી કાકીની વાત માનીને નીકળી ગઈ. માંડ કરીને છુપાયને હું એને બે ચાર પૈસા આપવા ગયો તો એને ન જ લીધા ને કહે કે આશીર્વાદ જ ઘણો થઈ રહેશે.... એમ પગે લાગી ને જતી રહી. તારી કાકી ને બહુ સમજાવ્યા કે આકાશ ની રાહ જોઈ લઈએ....દીકરી એકલી ક્યાં જશે ? પણ એ ન જ માની. તારી કાકી સાથે વધુ લપ કરીએ તો એની તબિયત ખરાબ થઈ જાય છે એટલે મારી મજબૂરી સહજ હું કઈ જ ન કરી શક્યો મને માફ કરજે બેટા......" કાકાએ આકાશની હાથ જોડીને માફી માંગી. આકાશ એ દ્રશ્ય જોઈ ન શક્યો અને કાકાને હાથ ન જોડવા કહ્યું. આખરે મૂળથી તો નમ્ર સ્વભાવ નો જ હતો.....
" વધુ વાર ન લગાડ બેટા...સવારની નીકળી ગઈ છે બિચારી કોણ જાણે કેવી હાલતમાં હશે જા બેટા શોધ એને.....અને પાછી લઈ આવ અહીં...." કાકાએ આકાશને સૂચન કર્યું.
મજબૂત મન સાથે આકાશ ઊઠ્યો ને નીકળી પડ્યો મનસ્વીની શોધમાં....અહીં થી તહીં ભટક્યો પણ કોઈ દિશા વગર કઈ રીતે કોઈને આવડા મોટા શહેરમાં શોધી કાઢવું....? મનસ્વી ક્યાં ગઈ હશે એવો અંદાજ પણ નહતો આવતો આકાશને.....વળી મનસ્વી માટે પણ મુંબઇ નવું જ હતું એટલે પોતાને પણ ખ્યાલ નહતો કે કયા જવું....? રાતના 12 વાગ્યા.... આકાશ થાક્યો માત્ર શરીરથી નહિ મન થી પણ.....પેન્ટમાં ખોસેલી રેહતી શર્ટ અડધી બહાર આવી હતી, વાળ અસ્તવ્યસ્ત ઠંડા પવનના વાયરમાં આમ થી તેમ પોતાની જ મોજમાં હતા, આકાશની દરિયા જેવી આંખો વધુ ભારે થઈ હતી, પેન્ટ પણ અસ્તવ્યસ્ત થયું હતું આવી પરિસ્થિતિમાં પોતે ફૂટપાથ પર બેઠો હતો. આવતા જતા લોકો જાણે એને ફકીર સમજતા હતા પણ પગમાં પહેરેલા બ્રાન્ડેડ શૂઝ એ વાતની જાણે મનાઈ કરતા હોય એમ દેખાઈ આવતા લોકો રૂપિયો આપ્યા વગર જ ત્યાંથી જતા રહેતા.....આકાશ બેઠા બેઠા પોતે હવે શુ કરે એ વિચારમાં મગ્ન હતો.....
અચાનક એને કઈક યાદ આવ્યું ને આકાશની આંખો ચમકી......મનસ્વીએ બનાવેલું ચિત્ર.....એ ચિત્રમાં એક છોકરો અને એક છોકરી પીઠ દઈને ઉભા હતા, બાજુમાં દરિયો હતો ને છોકરી એની પારી પર ચાલતી હતી ને છોકરાએ નીચે ઉભા રહી એનો હાથ પકડ્યો હતો......એ દ્રશ્ય બરાબર એવું જ હતું જાણે મનસ્વી જ્યારે આકાશને પહેલીવાર મળી હતી એ દિવસનું પુનરાવર્તન હોય.......આકાશને મનસ્વી ત્યાં જ મળશે એ ઉમ્મીદ સાથે પોતે સીધો જ એ ચોપાટી પર ગયો જ્યાં મનસ્વી એને પહેલી વખત મળી હતી......
પૂનમની રાતે ઘૂઘવતો દરિયા ની સામે જુદા જુદા પ્રકારના એક સાથે પડેલા પત્થરમાંના એક પત્થર પર મનસ્વી દરિયાને તાકતી બેઠી હતી એની ચૂંદડી જાણે દરિયાના ઉછળતા મોજા સાથે મળવા મથતી હોય એમ ચંદ્રની રોશનીમાં તરવરતી હતી.....આકાશ ત્યાં પોહચ્યો. દૂરથી જોતા આકાશને મનસ્વીને ઓળખતા જરા પણ વાર ન લાગી. પોતે એકદમ નિશ્ચિત હતો કે એ મનસ્વી જ છે......
" મનસ્વી " આકાશે પાસે જઇ પાછળથી એના ખભા પર હાથ મૂક્યો.....
To be Continued