Kalakar - 9 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | કલાકાર - 9

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

કલાકાર - 9

કલાકાર ભાગ – 9

લેખક – મેર મેહુલ

રાતના દસ થયાં હતાં. ભાગ્યોદય હોટેલ નજીકની ચાની લારી પર અવરજવર સામાન્ય હતી. હોટેલ નજીક હતી એટલે લારી મોડે સુધી ખુલ્લી રહેતી, લોકો રાતનાં સમયે પણ અહીં લટાર મારવા આવી પહોંચતા. અહીંની સ્પેશ્યલ ચા પૂરાં એરિયામાં પ્રખ્યાત હતી. ઘણીવાર તો ચા માટે લાઈનમાં ઉભું રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાતી. રાતના સમયે ઘણાં દોસ્તારોની આ બેઠક હતી. પૂરો દિવસ કામમાં વ્યસ્ત રહી લોકો થોડો ટાઈમ પોતાનાં દોસ્તોને આપી માઈન્ડ ફ્રેશ કરતા.

આજે ગણ્યાગાંઠ્યા લોકો જ લારી પર બેઠાં હતાં. સાડા નવ થયાં એટલે એક વ્યક્તિ લારી પાસે આવીને ઉભો રહ્યો.

“એક કટિંગ આલો કાકા” અમદાવાદી ભાષામાં એ વ્યક્તિએ કહ્યું. લારી પર ઊભેલાં પિસ્તાલિસેક વર્ષનાં કાકાએ એક કપ ભરીને એ વ્યક્તિના હાથમાં આપ્યો.

“કોઈ હલચલ નહિ થઈ ?” પેલાં વ્યક્તિએ પુછ્યું.

કાકાએ નકારમાં ડોકું ધુણાવ્યું.

“ધ્યાન રાખજો, હમણાં જ એ લોકો આવતાં હશે”

ચાનો કપ લારી પર રાખી એ વ્યક્તિ ચાલવા લાગ્યો. છેલ્લી એક કલાકમાં આ વ્યક્તિ લારી પર ચોથીવાર લારી પર આવ્યો હતો અને બસ આ એક જ સવાલ પૂછતો હતો.

સાડા દસ થયાં એટલે એક ટોળું લારી પાસે આવીને ઉભું રહ્યું, બધા વાતોમાં મશગુલ હતાં. તેમાંથી એક વ્યક્તિએ ચાનો ઓર્ડર આપ્યો એટલે કાકા બધાને ચા આપવા આવ્યા.

“કોઈ હલચલ ?” તેમાં રહેલા એક વ્યક્તિએ એ જ સવાલ કર્યો. કાકાએ નકારમાં માથું ધુણાવ્યું.

“ધ્યાન રાખજો, હવે તૈયારી જ છે”

કાકાનાં પગ ધ્રુજવા લાગ્યાં. લારી પાસે જઈ તેણે એક ખૂણો શોધી લીધો અને આમતેમ જોવા લાગ્યાં.

અગિયાર વાગવામાં દસ મિનિટની વાર હતી. એક બીજું ટોળું ગપ્પા મારતું મારતું ચાની લારી પાસે આવ્યું. તેઓની નજર પેલાં ટોળા પર હતી. એ ટોળામાં બધાં હસી મજાક કરી રહ્યા હતાં.

“એ જ છે” એક વ્યક્તિએ કોણી મારીને ઈશારો કર્યો.

“તૈયાર થઈ જાઓ” બીજા વ્યક્તિએ હુકમ કર્યો એટલે બધાએ કમરેથી હથિયાર કાઢ્યા. કોઈકના હાથમાં હોકી સ્ટીક હતી તો કોઈકના હાથમાં મોટાં છરા હતાં. એ ટોળાંમાં બે વ્યક્તિ એવા હતાં જેનાં હાથમાં પિસ્તોલ હતી. ધીમે ધીમે બધાં પેલાં ટોળાં તરફ આગળ વધ્યા. સામેનું ટોળું પોતાની ધૂનમાં મસ્ત હતું. કોઈ તેનાં પર હુમલો કરવા આવે છે એ વાતથી બેખબર બધાં હસી મજાક કરી રહ્યા હતાં.

મોકો વર્તી આ ટોળાએ પેલાં ટોળા પર હુમલો કર્યો પણ એ પહેલાં જ….

*

પાંચ વાગ્યે ક્લાસિસેથી છૂટીને ગોપી લાઈબ્રેરીએ વાંચવા આવી ગઈ હતી. આજે એનો પહેલો દિવસ હતો એટલે એ બધાથી દૂર ખૂણામાં ટેબલનાં છેડે બેસીને વાંચતી હતી. ગોપીએ વાંચવાનું શરૂ કર્યું એને અડધી કલાક થઈ હશે ત્યાં તેનાં કાને કોઈનો ગણગણવાનો ધીમો અવાજ કાને પડ્યો. પહેલાં ગોપીએ ધ્યાન ન આપ્યું પણ સતત અવાજ આવતો હતો એટલે વાંચવામાં તેનું ધ્યાન નહોતું પરોવતું.

ગોપી ઉભી થઇ જે તરફથી અવાજ આવતો હતો એ બાજુ ગઈ. અવાજ ખૂણામાં પડતા શેલ્ફની પાછળથી આવતો હતો. બે છોકરાં ગુસપુસ કરતાં હતાં. ગોપી ધીમેથી શેલ્ફ પાછળ સરકી. આમ તો ગોપીને તેઓની વાત સાંભળવામાં કોઈ રસ નહોતો પણ એક છોકરાના હાથમાં પિસ્તોલ જોઈ મામલો ગંભીર છે એ વાત ગોપી સમજી ગઈ હતી.

“આજે CIDનાં ખબરીઓને મારવાનો હવાલો આવ્યો છે” એક છોકરાએ કહ્યું.

“મને ડર લાગે છે, કોઈને ખબર પડી જશે તો”

“આ છેલ્લીવાર છે, પછી આપણે તેઓને સાથ નહીં આપીએ”

“તું દર વખતે આવું જ કહે છે”

“આ વખતે સાચું કહું છું, હવે મને પણ ડર લાગે છે. કોઈ અક્ષય કરીને ઑફિસર આવ્યો છે. સાંભળ્યું છે એ ખૂંખાર છે. મડદાને ઉઠાવીને સવાલ પૂછે એવો છે”

“ક્યારે કરવાનું છે આ કામ ?”

“આજે રાતે અગિયાર વાગ્યે, ભાગ્યોદય હોટેલની બાજુમાં ચાની લારીએ”

“હું પહોંચી જઈશ”

“આ પિસ્તોલ રાખ તું, મારે ઘરે પ્રોબ્લેમ થશે”

“ઠીક છે, ચાલ હવે કોઈ જોઈ જશે તો આપણા પર શંકા જશે”

બંને વાત પૂરી કરી પોતાની જગ્યાએ જઈને બેસી ગયાં. ગોપીનાં હાથપગ ધ્રુજવા લાગ્યાં, તેનું મગજ સુન્ન પડી ગયું હતું. તેણે કદાચ ન સાંભળવાનું સાંભળી લીધું હતું. તેને પોતાની જગ્યાએ જવું હતું પણ પહેલીવાર આવી વાત સાંભળેલી ગોપીનાં પગ ઉપડતાં નહોતાં, પરસેવો પાણીની જેમ વહેતો હતો.

‘મારે આ વાત કોઈને કહેવી જોઈએ ?’ ગોપીએ પોતાની જાતને પૂછ્યું.

‘ના, હું અહીં UPSC ક્રેક કરવા આવી છું, કારણ વિના કેસ-કબાડામાં ફસાઈ અને કોઈકની નજરે ચડીશ. આમ પણ માસીએ ધ્યાન રાખવા કહ્યું હતું. હું કોઈને આ વાત નહિ કહું’

ગોપીએ નિર્ણય કર્યો, બે-ત્રણ શેલ્ફમાં ફરીને ટાઇટલ વાંચ્યા વિના એક બુક લઈ ગોપી પોતાની જગ્યા પર આવીને બેસી ગઈ.

*

“અક્ષય, તને શું થયું છે ?” મેહુલ ગુસ્સામાં હતાં. સાઈઠ વર્ષે પણ તેનો અવાજ કોઈ ત્રીસ વર્ષનાં યુવાન જેમ કડક હતો.વનરાજને પોલીસ સ્ટેશનમાં છોડી સાંજે જ્યારે પલ્લવીએ મેહુલને પુરા દિવસનો રિપોર્ટ આપ્યો ત્યારે મેહુલનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો. અક્ષયે પૂરો દિવસ સાઈડ રોલ જ નિભાવ્યો હતો એ જાણી પલ્લવીની સામે એ અક્ષયને ખીજાય રહ્યા હતા. અક્ષય નીચું જોઈને ઉભો હતો.

“મુસીબત કેટલી મોટી છે એ તું સમજતો જ નથી, તારે તારાં ભૂતકાળમાં જ ડૂબેલું રહેવું હોય તો મિશન અધૂરું છોડીને જઈ શકે છે. આમ સમય બરબાદ કરવા કરતા હું બીજા ઓફિસરને આ કેસ સોંપી દઉં”

મેહુલનો ગુસ્સો જોઈ પલ્લવી વચ્ચે પડી, “સર તમે એમને ના ખિજાઓ પ્લીઝ, ભૂલ મારી પણ છે. લીડર અક્ષયસર છે ને બધું હેન્ડલ હું કરતી હતી”

“અક્ષય છે તો તને કોને લીડરનું કામ કરવા કહ્યું હતું ?, અક્ષયને અહીં તમાશો જોવા નથી બોલાવ્યો” અક્ષયને છોડી મેહુલ પલ્લવીને ખીજવા લાગ્યાં.

“સૉરી સર, હવે ભૂલ નહિ થાય” પલ્લવીએ પણ પગનાં અંગૂઠે નજર સ્થિર કરી.

“મોઢું લટકાવીને ના ઉભા રહો, જાઓ અને કેસને આગળ વધારો” મેહુલે સ્યુટ વ્યવસ્થિત કર્યો અને બહાર નીકળી ગયા.

અક્ષય પણ મેહુલની પાછળ બહાર જતો એટલામાં પલ્લવીએ તેને રોક્યો, “આજે તમારે સર્કિટ હાઉસ નથી જવાનું સર” પલ્લવીનો અવાજ મક્કમ હતો, તેનાં મગજમાં વિચારોનું વંટોળ હતું, “મારી સાથે ડિનર કરશો તો મને ગમશે, જુનિયરનું આટલું માન રાખજો”

અક્ષયે પલ્લવીની આંખોમાં જોઈ સ્મિત કર્યું.

“મારું આમંત્રણ તમે સ્વીકાર કર્યું એમ સમજુ છું”

“હા” અક્ષયે હળવું સ્મિત કર્યું.

*

“પેલાં લોકોને પણ બોલાવી લીધાં હોત તો વધુ મજા આવેત” અક્ષયે કહ્યું. તેની સામે અનેક જાતની ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવી હતી. ઓળો, સેવટામેટાનું શાક,ચણાનો લોટ ભરીને વઘાર કરેલાં મરચા, છાશ, દાળ- ભાત સાથે રોટલો, માખણ લગાવેલી રોટલી. અક્ષયએ બધી વાનગીઓ પર નજર ફેરવી લીધી.

“તેઓનો સાઈડ રોલ છે, જરૂર પડે ત્યાં જ તેઓની મદદ લેવાની છે” પલ્લવીએ ઓળો પીરસતા કહ્યું, “આમ પણ એ લોકો એક જ મિશન માટે છે, પછી પોતાનાં કામમાં તેઓ પરત ફરશે”

“હું પણ આ એક જ મિશન માટે અહીં છું” અક્ષયે બનાવટી સ્મિત કરતાં કહ્યું.

“તમે મને કહેશો તો હું એમ જ કહીશ કે તમને હવે જવા જ નથી દેવાના” પલ્લવી હળવું હસી, “મેહુલસર પાસેથી તમારી એટલી વાતો સાંભળી છે કે મને એવું લાગે છે, આપણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ”

“હમ્મ” અક્ષયે ટૂંકમાં પતાવ્યું.

“શરૂ કરો, રસોઈ ઠંડી થઈ જશે” પલ્લવીએ કહ્યું. બંનેએ ભોજનને ન્યાય આપ્યો. અડધું જમવાનું પત્યું ત્યાં સુધી બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહિ. આખરે અક્ષયે ચુપકીદી તોડતાં પુછ્યું, “મેહુલસરે ડિનરનો પ્લાન આપ્યો હતો ?”

“ના, મને જ વિચાર આવ્યો હતો. પૂરો દિવસ આપણે સાથે હતા પણ તમે ત્યાં હાજર નહોતાં એવું લાગ્યું, સો મેં વિચાર્યું ડિનરના બહાને થોડીઘણી વાતો પણ થશે અને તમારાં વિશે જાણવા પણ મળશે” પલ્લવીએ કોળિયો ચાવતાં ચાવતાં જ જવાબ આપ્યો.

“મારાં વિશે મેહુલસરે બધી જ વાતો કરી છે” અક્ષયે કહ્યું, “હવે શું જાણવું છે તારે ?”

“જે મેહુલસર નથી કહેતાં એ” પલ્લવી અક્ષયનાં ચહેરા પર નજર સ્થિર કરી, “તમે શા માટે એજન્સી છોડી હતી ?”

“લાંબી સ્ટૉરી છે, પછી કહીશ” અક્ષયે વાત ટાળતાં કહ્યું.

“મેહુલસર પણ આમ જ ચોકલેટ આપે છે” પલ્લવીએ ચિડાઈને ખુરશીને ટેકો આપતાં કહ્યું, “પુરી રાત છે આપણી પાસે, તમે ઈચ્છો તો મને જણાવી શકો છો”

“જણાવવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એનાં માટે આપણાં વચ્ચે એવું બોન્ડીંગ હોવું જોઈએ અને અત્યારે એ વાત કરવી મને યોગ્ય નથી લાગતી” અક્ષયે છેલ્લો કોળિયો મોંમાં મુકતાં પહેલાં કહ્યું.

“ભાત” પલ્લવીએ ભાતનું બાઉલ અક્ષય તરફ ધકેલ્યું, “હું એ યોગ્ય સમયની રાહ જોઇશ”

“તારાં વિશે જણાવ” અક્ષયે કહ્યું, “વોટ્સ યોર સ્ટૉરી ?”

“મારી સ્ટૉરીને, મારી સ્ટૉરી તમારી સ્ટૉરી જેટલી રસપ્રદ અને રહસ્યમય નથી” પલ્લવીએ હળવું હસીને કહ્યું, “ CID ઑફિસર બનવું મારું ડ્રિમ હતું, એકેડમી જોઈન કરી મહેનત કરી અને ઑફિસર બની ગઈ. મેહુલસરે મારી આવડત જોઈને મને તેઓની સલાહકાર બનાવી લીધી અને ક્યારેક મિશન પણ સોંપે છે. પરિવારથી દૂર રહેવું પડે છે પણ દેશની સેવા કરવાનું જુનૂન અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખી એજન્સીએ આપેલા મકાનમાં ફાવી ગયું છે. ધેટ્સ ઓલ”

“કેટલાં મિશન કર્યા છે ?”

“ આ મારું સાતમું મિશન છે, મર્ડર અને લૂંટનાં ચાર કેસ હતાં, એક રેપીસ્ટ ગેંગને એક્પોઝ કરી હતી અને એક માફિયાને તેનાં બિલમાં જઈને માર્યો હતો”

“તને શું લાગે છે, આ મિશનમાં આગળ શું કરવું જોઈએ ?” જમવાનું પતાવી બંને ગેસ્ટરૂમમાં આવ્યા.

“આ કેસ પેચીદો છે, ચાર છોકરાં મળીને CIDનો ડેટા ચોરે છે અને કોઈને આપે છે, એક પછી એક CID નાં ઓફિસરોની હત્યા થાય છે. એક રેકોર્ડિંગ મળે છે જેમાં ડેટા ચોરી કરનાર છોકરાઓને મારવાની વાત થાય છે અને આ વનરાજ. મને એમ લાગે છે કે વનરાજ આપણને ગુમરાહ કરે છે. તેને બધી વાતની ખબર છે પણ બોલતો નથી”

“આપણે કડીથી કડી મેળવીએ” અક્ષયે કહ્યું “ રેકોર્ડિંગમાં જે સ્ત્રી વાત કરતી હતી તેણે કોઈ કિરણ અથવા સાવંત જવેરી નામનાં વ્યક્તિને ડેટા ચોરી કરવાનો હવાલો આપ્યો, એ વ્યક્તિએ આવાં કામમાં નિષ્ણાત હતાં એવાં ચાર છોકરાને લાલચ આપીને ડેટા ચોરી કરાવ્યો. ઓફિસરોની માહિતી લઈને એક પછી એક ઓફિસરોને ખતમ કરી દેવામાં આવ્યાં. પેલાં ચારેય છોકરીઓને મારી સબુત નાશ કરવાનો પ્રયત્ન થયો પણ વનરાજ બચી ગયો. હવે મુદ્દાની વાત એ છે કે જો ઓફિસરોની હત્યા જ કરવાનો પ્લાન હતો તો એની પાછળ કોઈ ઠોસ કારણ હોવું જોઈએ અને મારું દિમાગ એમ કહે છે કે આ કાવતરું કોઈ એક કારણને માટે નથી ઘડવામાં આવ્યું. કાવતરા પાછળ ઘણાં લોકોનાં હાથ છે અને આમ કરવાથી ઘણાં લોકોને ફાયદો થવાનો છે” અક્ષય શ્વાસ લેવા અટક્યો, “જો કોઈ બદલો લઈ રહ્યું છે તો આગળનો ટાર્ગેટ હું અથવા અભિષેક બનીશું”

“કાલે આપણે વનરાજને પૂછપરછ માટે બોલાવીશું, મને લાગે છે આગળની કડી ત્યાંથી જ મળશે”

“તે પેલાં ખબરીઓને રેકોર્ડિંગ મોકલ્યું હતુંને, કોઈનો જવાબ આવ્યો ?” અક્ષયે પૂછ્યું, “જો એ વ્યક્તિ મળી જશે તો અડધો કેસ આપમેળે સોલ્વ થઈ જશે”

“હજી તો કોઈનો જવાબ નથી આવ્યો પણ જલ્દી જ કોઈ સારા સમાચાર મળશે” પલ્લવીએ કહ્યું.

અક્ષય ઉભો થયો, સ્યુટને વ્યવસ્થિત કરતાં તેણે કહ્યું, “ડિનર માટે થેંક્સ, મજા આવી તારી સાથે વાત કરવાની”

“મેહુલસરનું ખોટું ના લગાવતાં, તેઓ અત્યારે ટેન્સ છે એટલે વધુ બોલી જાય છે” પલ્લવીએ કહ્યું.

“તારાં કરતાં હું વધુ જાણું છું તેઓને” અક્ષયે હળવું હસીને કહ્યું.

“ઑપ્સ, સૉરી !!!” પલ્લવીએ જીભ કચડી, “ભૂલી કેમ જાઉં છું”

“ઇટ્સ ચોકે, આપણે કાલે મળીશું”

“ગુડ નાઈટ સર” પલ્લવીએ શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો.

“ગુડ નાઈટ” અક્ષયે શેકહેન્ડ કર્યો અને દરવાજા તરફ ચાલ્યો. પલ્લવી કાર સુધી અક્ષયને છોડવા આવી. અક્ષય ગયાં પછી ચહેરા પર મોટી સ્માઈલ સાથે રૂમમાં પ્રવેશી.

“ઓહહ નૉ” પલ્લવની નજર સોફા પર પડી એટલે તેનાં મોઢામાંથી શબ્દો સરી પડ્યા.

(ક્રમશઃ)

પલ્લવી સોફા પર શું જોઈ ગઈ હતી ?, ભાગ્યોદય હોટેલ પાસે ચાની લારી પર શું સીન ચાલી રહ્યો છે?, ગોપીએ જે છોકરાંઓની વાતો સાંભળી હતી એ કોણ હતાં ?, શું ગોપી પણ આ કેસમાં ઇનવોલ્વ થશે ?, કેવી રીતે અક્ષય એન્ડ કંપની દુશ્મનો સુધી પહોંચી શકશે ?,

તૈયાર થઈ જાઓ દોસ્તો, અક્ષયની એક ધમાકેદાર એન્ટ્રી માટે, આગળનો ભાગ વાંચવાનું ભૂલતાં નહિ.

સ્ટૉરી ગમે તો રિવ્યુ ચોક્કસ આપજો, મિત્રો સાથે શેર કરજો અને મારી અન્ય નૉવેલ મારી પ્રોફાઇલમાં છે જ. એકવાર ચૅક કરી લેજો.

-મેર મેહુલ

Contact info. - 9624755226