Humanity amidst the turbulent flow of Narmada in Gujarati Moral Stories by Dr Tarun Banker books and stories PDF | નર્મદાના ધસમસતા પ્રવાહ વચ્ચે માનવતાની મહેંક

Featured Books
Categories
Share

નર્મદાના ધસમસતા પ્રવાહ વચ્ચે માનવતાની મહેંક

મૃત્યુ મારી ગયું રે લોલ. આ ઉક્તિ મેં ક્યાંક વાંચી હતી. ક્યાં તે યાદ નથી. કદાચ કોઈ મોટા ગજાના સાહિત્યકારની ઉક્તિ પણ હોય. જો કે આ ઉક્તિ આજે એટલે યાદ આવી કે એક તરફ કોરોનનો કહેર અને બીજી તરફ ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકેલ મા નર્મદા. નદીના પ્રવાહનો વેગ એવો કે ભલભલા તરવૈયાને પણ માત આપી દે. આવા સમયે સાત યુવાનો માથે કફન બાંધી મૃતકને અંતિમ સંસ્કાર આપવા ધસમસતા જળમાં ઉતાર્યા

આપણે સૌ જાણીયે છીએ કે કોરોનનો ભરડો ઢીલો થવાનું નામ નથી લેતો. ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો 37 લાખને પર પહોંચી ગયો છે. અને મૃતકોની સંખ્યા 65 હજારથી પણ વધુ. પરિસ્થિતિ એવી પણ બની છે કે કોરોના દર્દીઓએ પોતાનો વિસ્તાર, ઘર કે સ્વજનોનો સામનો કરવો પડ્યો છે. અનેક એવાં કિસ્સા પ્રકાશમાં આવ્યાં કે કોરોના વોરિયર જવાબદારી નિભાવી પોતાના ઘેર કે વિસ્તારમાં ગયાં તમ લોકોએ તેમને પ્રવેશ ન આપ્યો. ક્યાંક તો તેમના પર હુમલો થયો કે લોકો તેમને મારવા દોડ્યા ને દર્દીઓના જીવ બચાવનાર પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા..!

આવા સમયે કોરોનને કારણે માર્યા ગયેલાં હતભાગીઓના અંતિમ સંસ્કાર પણ વિવાદનો ભોગ બન્યાં..! સ્મશાનગૃહની આસપાસ વસતા લોકોએ કોરોનને કારણે માર્યા ગયેલાંનો અંતિમ સંસ્કાર ત્યાં કરાય તો આસપાસ રહેતાં હજારો લોકોના આરોગ્ય સામે ખતરો હોવાનું કહી વિરોધ કર્યો. આમ જોવા જઇયે તો તેમનો વિરોધ સાચો પણ લાગતો હતો. પરિણામ એ આવ્યું કે કોરોનના કારણે માર્યા ગયેલાં લોકોની અંતિમ વિધિ માટે અલગ જગ્યા (સ્મશાન) ઉભું કરવામાં આવ્યું. જ્યાં કોરોનના મૃતકની અંતિમવિધિ કરવામાં આવી રહી છે. આવા મૃતદેહને હોસ્પિટલમાંથી સીધા જ સ્મશાનભૂમિ લઇ જવાય છે. જો કોઈ પરિજન આ વિધિમાં ભાગ લેવા માંગતો હોય તો તેને સ્મશાનભૂમિથી નિયત અંતરે ઉભા રહી માત્ર અંતિમવિધિના દર્શન કરવાની પરવાનગી અપાય છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે આ અંતિમવિધિ કરે છે કોણ..?

આ અંતિમવિધીની જવાબદારી કોરોના વોરિયર્સ અદા કરે છે. દરેક શહેર કે વિસ્તારમાં આવા કોરોના વોરિયર્સ આવેલાં છે. જો કે તેમનાં નામ-ઠામ કોઈ નથી જાણતું. ને આ કોરોના વોરિયર્સને પણ તેની તમા નથી. ઈશ્વર ના દૂત બની તેઓ તેમની ફરજ અદા કરતા રહે છે. આમ કરવામાં તેઓ બધી જ તકેદારી રાખે છે, તોય તેમનાં જીવ સામે જોખમ તો ખરું જ. પણ મોતને મુઠ્ઠીમાં રાખી કાર્યરત આવા મહાનુભાવોએ એક એવાં મૃતદેહની અંતિમવિધિ કરી જ્યાં સ્મશાનભૂમિની આસપાસ પણ કુદરતનું રૌદ્ર સ્વરૂપ મોં ફાડીને ઉભું હતું..!

વાત છે ભરૂચ નગરની. આમ તો ભરૂચનો દશાશ્વમેઘ ઘાટ મૃતકની અંતિમ વિધિ માટે સર્વોત્તમ ગણાય છે. પણ તેની આસપાસ રહેતા લોકોના આરોગ્યની ચિંતાને કારણે કોરોનના કારણે મૃત્યુ પામેલના અંતિમ સંસ્કાર માટે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડે હંગામી સ્મશાનભૂમિ ઉભી કરવામાં આવી છે. જ્યાં કોરોનાના કારણે અવસાન પામેલા લોકોનો અંતિમ સંસ્કાર કરાય છે. નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ આ સ્મશાનભૂમિ મા નર્મદાના રૌદ્ર સ્વરૂપને કારણે પૂરના પાણીને ચપેટમાં આવી છે. સ્મશાનભૂમિ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં..! હવે..? મૃતકના અંતિમ સંસ્કારનું શું..? તેવાં સમયે કોરોનના કારણે બે મહાનુભાવ મૃત્યુ પામ્યા. (આ બંને મહાનુભાવોના નામ-ઠામ મોતનો મલાજો પાળવા છુપાવ્યા છે)

સરદાર સરોવરમાંથી દસ લાખ ક્યુસેક પાણી છોડતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ આગળ નર્મદાનું જળસ્તર ભયજનક સપાટી કરતાં પંદરેક ફુટ વધુ થઈ ચૂક્યું હતું. બ્રિજના સામ કાંઠે હંગામી ધોરણે બનાવાયેલ સ્મશાનભૂમિ પણ પાણીમાં..! ને ચોતરફ ધસમસતો નદીનો પ્રવાહ. આવા વિકટ સમયે સાત કોરોના વોરિયર્સે એ બે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યાં. ઘૂંટણથી પણ વધુ પાણી અને પગ તળે ચીકણી માટી. એકબીજાના સહારે સંભળતા-સંભાળતા મૃતકને ખભે ઉપાડી અંતિમવિધિ સ્થાન સુધી લઇ જઈ અંતિમ સંસ્કાર કર્યો. ત્યારે કદાચ મા નર્મદાએ પણ ખળભળાટરૂપી તાળીઓથી તેમનું અભિવાદન કર્યું હશે. આ સાત વીરો એટલે ઇરફાન મલેક, દીપક સોલંકી, ધર્મેશ સોલંકી, કલ્પેશ બારીયા, અલ્પેશ સોલંકી, રાજેશ સરવૈયા અને જીતેશ સોલંકી.

મા નર્મદાના વિકરાળ સ્વરૂપ અને ધસમસતા જળ વચ્ચે ખભે કોરોના કારણે મૃત્યુ પામેલની લાશ. પગની આસપાસ વહેતુ જળ. અને પગ તળે ચીકણી માટી. કુદરતના રૌદ્ર સ્વરૂપ વચ્ચે પણ અડીખમ ઉભેલ માનવતાની મહેંક ચોતરફ પ્રસરી રહી છે. ત્યારે પેલી ઉક્તિ યાદ આવે જ ને..? મૃત્યુ મારી ગયું રે લોલ.