can and aeble in Gujarati Book Reviews by Kiran oza books and stories PDF | કેન એન્ડ એબલ - જેફ્રી આર્ચર - પુસ્તક પરિચય

Featured Books
Categories
Share

કેન એન્ડ એબલ - જેફ્રી આર્ચર - પુસ્તક પરિચય

કેન એન્ડ એબેલ - જેફ્રી આર્ચર
અનુવાદ - જતિન વોરા

એક જ સમયે જન્મેલી બે વ્યક્તિની દુશ્મનાવટ વર્ણવતી એક ક્લાસિક નવલકથા એટલે 'કેન એન્ડ એબલ'. 1906 થી 1967 ના સમય પટલમાં વૈશ્વિક પરિસ્થિતિ સાથે ઘટતી ઘટનાઓના અનુસંધાને ચાલતી રોચક દળદાર નવલકથામાં માનવિય આવેગો અને પરિસ્થિતિ સામે માણસના ટકરાવાની એક અદ્ભુત કથા વર્ણવવામાં આવી છે. માણસ પોતાના આત્મબળથી શુન્યમાંથી સર્જન કરી એક નવી ઓળખ ઊભી કરી શકે છે, વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની જિજીવિષાના જોરે બહાર આવી શકે છે. સાથે સાથે માણસ સફળતાની ટોચે પહોંચી 'ઘમંડ' નામના વમળમાં ફસાયા વિના રહી શક્તો નથી. અને એક વાર ફસાયા પછી ઘણું ગુમાવે છે. દુશ્મની અને ગર્વથી માણસ પોતાના પગ પર જ કુહાડી મારે છે.
આ નવલકથા શરુઆતમાં સ્વતંત્ર રીતે બે કથા આગળ વધે છે. બન્ને કથામાં કશું સામ્ય નથી. 1906 ની 18 એપ્રિલે યુરોપના પોલેન્ડમાં એક તેજસ્વી બાળકનો (વ્લાડેક/ એબેલ) જન્મ થાય છે. એ પણ જંગલમાં, કે જ્યાં જન્મ સાથે જ તેની માતા મૃત્યુ પામે છે. એક શિકારી બાળકને બચાવે છે અને શરુ થાય છે તેની જીવન સફર. એક ગરિબ શિકારીના ઘરથી શરુ થયેલું જીવન ધીરે ધીરે અનેક પરિસ્થિતિનો સામનો કરતા એ બાળક સફળતા મેળવો જાય છે. પ્રથમ વિશ્વ યુદ્ધની આગમાં એ બાળક પણ આવે છે. પહેલા જર્મન સૈન્યની કૃરતાનો શિકાર બને છે, પછી રશિયન સૈન્યની પકડમાં આવે છે. તે એક એવી કેદમાં આવે છે જ્યાથી આજ સુધી કોઈ બહાર નિકળી શક્યું નથી. પણ પરિસ્થિતિ સાથે હારવા એ બાળકનો જન્મ થયો ન હતો. તે એ કેદથી તો ભાગે છે, પણ બીજી અનેક મુશ્કેલીનો સામનો કરતા પોતાની યુવાની આવતા સુધીમાં પહોંચે છે નવી દુનિયા અમેરિકા.
બીજી તરફ 1906 ના એ જ દિવસે એક ધનવાન અમેરિકન પરિવારમાં પણ એક તેજસ્વી બાળકનો (વિલિયમ કેન) જન્મ થાય છે. અને તે પોતાના તેજ દિમાગ અને વારસાગત સંપત્તિના જોરે બેંકનો ચેરમેન બને છે.
અમેરિકા આવ્યા પછી એબેલ એક વેઈટરની નોકરીથી શરુ કરી અને એક હોટેલ બિઝનેસમેન બનવા સુધીનો સંઘર્ષ પૂર્વ માર્ગથી અદ્વિતીય સફળતા મેળવે છે. પણ એક દુર્ઘટના ઘટે છે. એબેલનો પાર્ટનર અને મિત્ર દેવું થઈ જતા આત્મહત્યા કરે છે. એબેલ આના માટે વિલિયમને દોષી માની દુશ્મની કરે છે. પછી તો તેમનો પણ પરિવાર આગળ વધે છે. બન્નેના શિત યુધ્ધની સાથે સાથે વ્યવસાયિક, પારિવારિક અને રાજકીય ઘટનાઓ પણ ઘટતી જાય છે. બન્ને કથા નાયકમાં કોઈ વધારે ચડિયાતું કે ઉતરતું નથી. બન્નેની એક આગવી ઓળખ છે.
પ્રથમ વિશ્વ યુધ્ધ, 1930 ની અમેરિકાની આર્થિક કટોકટી, બીજુ વિશ્વ યુદ્ધ, અમેરિકનું રાજકારણ વગેરે સાંપ્રત ઘટનાઓ સાથે કથા આગળ ચાલે છે, જેનાથી ઐતિહાસિક પરિસ્થિતિ પણ ઉજાગર કરતી કથા રોચક બને છે. સાથે સાથે અમેરિકન કોર્પોરેટ જગતની આંતરિક પરિસ્થિતિ, તાણાવાણા, રાજકારણ પણ સમજાતી જાય છે. કોઈ કોઈ વાર બિનજરૂરી વાર્તાથી કંટાળો આવે છે, પરંતુ એકંદરે રસાળ કથા છે.
કથા અંતે એ જ ખ્યાલ આવે છે કે તમે તમારી અથાગ મહેનત અને લગનથી ઘણું મેળવી શકો છો. પરંતુ તમારા અહં કે ઘમંડના કારણે ઘણું ગુમાવતા હોવ છો. પ્રેમ અને ભાઈચારો એક માત્ર સફળતાને પચાવવાની ચાવી છે. આ સાથે પુસ્તકના થોડા ચુનંદા વાક્યો લેખક - પ્રકાશકના આભાર સહ પ્રસ્તુત છે.
* નસીબના કારણે નિષ્ફળતા મળે તે ઠીક છે પત્ની કમ સે કમ આપણે તૈયારીઓની ખામીના કારણે નિષ્ફળ જઈએ તો એ મૂર્ખામી હશે.
* એક જ્યારે નસીબ અવળું હોય ત્યારે કોઈ સાહસ કરવું નહીં અને બે જ્યારે તમારા પાસા સફળ થતા હોય ત્યારે પણ સાચવીને જ કામ કરવું.
* કોઈ પણ સફળતા તેનો ભોગ માંગે છે.
* સફળતા માટે શિક્ષણ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
* જગમાં પાણી ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તેનું હેન્ડલ તૂટે નહીં. (પોલેન્ડની કહેવત)
* જ્યાં સુધી પૂરી વાત ખબર ન પડે ત્યાં સુધી બોલવું નહીં.
* હોંશિયાર માણસ સાથે રહીને નાણા ગુમાવવા તે મૂર્ખાઓ સાથે રહીને ગુમાવવા કરતા બહેતર છે.
* જે બિલકુલ સ્થિર થાય છે તેમાં પછી ધીમે ધીમે સડવાની પ્રક્રિયા શરુ થાય છે.
* જેના વગર આ દુનિયા અટકી પડે તેવો માણસ હજી જન્મવાનો બાકી છે.