Masoomne Maar in Gujarati Motivational Stories by Harshad Dave books and stories PDF | માસૂમને માર...

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

માસૂમને માર...

માસૂમને માર...હર્ષદ દવે

હું એક ઘરની પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યાં અચાનક મને એ ઘરની અંદરથી એક છોકરાના રડવાનો અવાજ સંભળાયો. એ છોકરાના અવાજમાં એટલી બધી પીડા હતી કે એ ઘરની અંદર જઈને તે છોકરો શા માટે રડે છે તે જોવા માટે હું વિવશ થઇ ગયો.

અંદર જઈને મેં જોયું કે એક માતા પોતાના દસ વર્ષના દીકરાને ધીમેથી મારતી હતી અને છોકરા સાથે તે પોતે પણ રડી પડતી હતી. મેં આગળ જઈને પૂછ્યું, 'બેન, તમે આ નાનકડા છોકરાને શા માટે મારો છો? અને તમે પોતે પણ રડો છો.'

તેણે જવાબ આપ્યો કે 'ભાઈ તેના પિતાજી ભગવાનના ઘરે પહોંચી ગયા છે અને અમે લોકો બહુ જ ગરીબ છીએ. તેમના ગયા પછી હું લોકોના ઘરે કામ કરીને ઘર ચાલવું છું અને મુશ્કેલીથી આના ભણવાનો ખર્ચ કાઢું છું. અને આ કમનસીબ રોજ સ્કૂલે મોડો જાય છે અને રોજ ઘરે પણ મોડો આવે છે.'

'જતી વખતે રસ્તામાં ક્યાંક રમત રમવામાં મશગૂલ થઇ જાય છે અને ભણવામાં જરા પણ ધ્યાન આપતો નથી અને એટલે રોજ સ્કૂલનો યુનિફોર્મ મેલો કરી નાખે છે.' મેં છોકરાને અને તેની માતાને જેમ તેમ કરીને થોડું સમજાવ્યા અને ત્યાંથી નીકળી ગયો.

આ વાતને થોડા જ દિવસો થયા હતા કે એક દિવસ સવારના પહોરમાં હું કાંઈક લેવા શાક માર્કેટમાં ગયો. ત્યાં એકાએક મારી નજર એ દસ વર્ષના છોકરા પર પડી જે રોજ ઘરે માર ખાતો હતો. અને હું જોઉં છું તો તે બાળક બજારમાં આમ તેમ આંટા મારી રહ્યો છે અને જે દુકાનદાર પોતાની દુકાન માટે શાકભાજી ખરીદીને પોતાના કોથળામાં ભરતા હોય ત્યારે તેમાંથી થોડી શાકભાજી જમીન ઉપર પડી જતી ત્યારે તે છોકરો તરત જ તેને ઉપાડીને પોતાના થેલામાં નાખી દેતો હતો.

હું આ દૃશ્ય જોઇને દુખી થઈને વિચારી રહ્યો હતો કે 'આમ કેમ?' હું તેને જાણ ન થાય તેમ તેનો પીછો કરવા લાગ્યો. જયારે તેનો થેલો શાકભાજીથી ભરાઈ ગયો ત્યારે તે સડકની એકબાજુ બેસીને મોટે મોટેથી ગ્રાહકોને બોલાવીને શાકભાજી વેચવા લાગ્યો. મોઢા ઉપર માટી, મેલો પોષાક અને સજલ આંખો, એવું લાગતું હતું કે જાણે મને આના જેવો દુકાનદાર જીવનમાં પહેલીવાર જોવા મળ્યો છે.

જેની દુકાનની સામે આ બાળક પોતાની નાનકડી દુકાન ખોલીને બેઠો હતો ત્યાંથી અચાનક એક માણસ આવ્યો. આવીને તરત જ આ બાળકને એક જોરદાર લાત મારીને એની નાની દુકાનને એક જ ઝાટકા સાથે રોડ પર વેરી નાખી અને બાવડેથી પકડીને તે બાળકને પણ ઉપાડીને ધક્કો માર્યો.

તે છોકરાની આંખો છલકાઈ ગઈ અને ચુપચાપ ફરીવાર તે પોતાની શાકભાજી ભેગી કરવા લાગ્યો અને થોડી વાર પછી તેણે પોતાની દુકાન બીજા કોઈની દુકાનની સામે ખોલી. તે માણસ વળી સારો હશે એટલે તેણે એ છોકરાને કાંઈ ન કહ્યું.

થોડીક જ શાકભાજી હતી, વળી બીજી દુકાનો કરતાં ઓછો ભાવ. તરત જ બધી વેચાઈ ગઈ અને તે બાળક ઊભો થયો અને બજારમાં એક કાપડની દુકાનમાં પ્રવેશ્યો અને દુકાનદારને અમુક પૈસા આપીને દુકાનમાં પડેલી પોતાની સ્કૂલ બેગ ઉપાડીને કાંઈપણ કહ્યા વગર ફરી સ્કૂલે જતો રહ્યો. અને હું પણ તેની પાછળ પાછળ ગયો.

રસ્તામાં તે બાળકે પોતાનું મુખ ધોયું અને સ્કૂલમાં ગયો. હું તેની પાછળ જ હતો. જયારે તે બાળક સ્કૂલમાં પહોંચ્યો ત્યારે તે એક કલાક મોડો હતો. તેથી તેના ટીચરે તેને લાકડીથી ખૂબ ફટકાર્યો. હું તરત જ જઈને ટીચરને રોકવા લાગ્યો કે 'આ બાળક નિર્દોષ છે તે માસૂમને ન મારો.' ટીચર કહેવા લાગ્યા કે 'આ રોજ એક-દોઢ કલાક મોડો આવે છે અને હું રોજ તેને શિક્ષા કરું છું કે જેથી ડરીને તે સ્કૂલમાં સમયસર આવે અને આ વાત મેં તેના ઘરે પણ પહોંચાડી છે.'

ગમે તેમ પણ તે છોકરો માર ખાધા પછી ક્લાસમાં બેસીને ભણવા લાગ્યો. મેં તેના ટીચરનો મોબાઈલ નંબર લઇ લીધો અને મારા ઘરે આવ્યો. ઘરે આવીને મને ખ્યાલ આવ્યો કે જે કામ માટે હું શાક માર્કેટમાં ગયો હતો તે કામ તો રહી જ ગયું છે. એ માસૂમ છોકરાએ ઘરે આવીને ફરી એક વાર તેની માતાના હાથનો માર ખાધો. આખી રાત મને ઊંઘ ન આવી. મારું માથું ભમતું રહ્યું.

સવારે ઉઠીને મેં તરત છોકરાના ટીચરને ફોન કર્યો કે તેઓ શાક માર્કેટના સમયે ગમે તેમ કરીને ત્યાં પહોંચી જાય. અને તેઓ માની ગયા. સૂર્યોદય થયો અને તે બાળકનો સ્કૂલે જવાનો સમય થયો. બાળક ઘરેથી સીધો બજારમાં પોતાની નાની દુકાનની વ્યવસ્થા કરવા નીકળી પડ્યો. મેં તેને ઘરે જઈને તેની માતાને કહ્યું કે બહેન તમે મારી સાથે ચાલો હું તમને એ બતાવવા માગું છું કે તમારો દીકરો સ્કૂલે મોડો શા માટે પહોંચે છે. તે એકદમ એમ કહીને મારી સાથે ચાલવા લાગ્યા કે 'આજે હું આ છોકરાની કેવી વલે કરું છું તે જોજો. આજે તો હું એને નહીં છોડું.' બજારમાં છોકરાના ટીચર પણ આવી ગયા હતા. અમે ત્રણેયે બજારના ત્રણ સ્થળો પર અમારી પોઝીશન નક્કી કરી લીધી. અને તે છોકરાને સંતાઈને જોવા લાગ્યા. આજે પણ તેણે કેટલાક લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું અને તેને ધક્કા મારીને ભગાડવામાં આવ્યો. છેવટે તે છોકરો પોતાની શાકભાજી વેચીને કાપડની એ જ દુકાન તરફ જવા લાગ્યો.

ત્યારે જ મારું ધ્યાન તેની માતા પર ગયું તો મેં જોયું કે તે ખૂબ જ હીબકાં ભરી ભરીને, ડૂસકાં ભરીને સતત રડી રહી હતી અને ત્યારબાદ મેં તેના ટીચર સામે જોયું તો તેની આંખોમાંથી પણ આંસુ ટપકી રહ્યા હતા. બંનેના રુદનથી એવું લાગતું હતું કે જાણે તેમણે કોઈ સાવ નિર્દોષને અકારણ માર મારવાની ભૂલ કરી હોય અને હવે તેમને પોતાની ભૂલ પર પસ્તાવો થઇ રહ્યો હોય.

તેની માતા રડતી રડતી ઘરે જતી રહી અને ટીચર પણ ડૂસકાં ભરતાં સ્કૂલમાં ગયા. બાળકે દુકાનદારને પૈસા આપ્યા અને આજે દુકાનદારે તેને પંજાબી ડ્રેસ આપતાં કહ્યું કે બેટા આજે આ ડ્રેસના પૈસા પૂરા મળી ગયા છે. આ ડ્રેસ હવે તારો છે, બાળકે એ ડ્રેસને લઈને પોતાની સ્કૂલ બેગમાં રાખ્યો અને સ્કૂલ જતો રહ્યો.

આજે પણ તે એક કલાક મોડો હતો. તે સીધો ટીચર પાસે ગયો અને સ્કૂલ બેગ ડેસ્ક પર રાખીને માર ખાવા માટે તેણે પોતાની પોઝીશન મેળવી લીધી તથા હાથ આગળ કર્યા કે જેથી ટીચર તેના પર લાકડી ફટકારી શકે. ટીચર ખુરશી પરથી ઊભા થયા અને તરતા જ બાળકને તેડી લીધો અને એટલી જોરથી રડવા લાગ્યા કે તે જોઇને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા.

હું સ્વસ્થ થયો અને આગળ આવીને ટીચરને સાંત્વના આપી અને બાળકને પૂછ્યું કે 'બેગમાં જે ડ્રેસ છે તે કોના માટે છે?' બાળકે રડતાં રડતાં જવાબ આપ્યો કે 'મારી માતા ધનવાન લોકોના ઘરોમાં કામ કરવા જાય છે અને તેના કપડા ફાટેલા હોય છે તેનું શરીર બરોબર ઢંકાય એવો કોઈ ડ્રેસ તેની પાસે નથી અને મારી માતાની પાસે પૈસા નથી એટલા માટે મેં મારી માતા માટે આ ડ્રેસ ખરીદ્યો છે.'

'તો આ ડ્રેસ ઘરે લઇ જઈને તું તારી માતાને આજે જ આપશે?' મેં છોકરાને પ્રશ્ન પૂછ્યો. જવાબ સાંભળી અમે ખળભળી ગયા. બાળકે જવાબ આપ્યો, 'નહીં અંકલ, રજા પડશે એટલે હું તેને દરજી પાસે સીવડાવવા માટે આપીશ. રોજ સ્કૂલેથી છૂટીને, કામ કરીને, મેં થોડા થોડા પૈસા સિલાઈ કરવા માટે દરજી પાસે પણ જમા કરાવ્યા છે.'

ટીચર અને હું એવું વિચારીને દુખી થતા હતા કે આખરે ક્યાં સુધી આપણા સમાજમાં ગરીબો અને વિધવાઓની સાથે આવું ચાલતું રહેશે. તેમનાં બાળકો તહેવારનો આનંદ મેળવવા માટે ક્યાં સુધી કચવાતા રહેશે, ક્યાં સુધી? શું ઈશ્વર જે આનંદ આપે છે તેના પર આ લોકોનો કોઈ જ અધિકાર નથી? શું આપણે આપણા આનંદમાંથી થોડા પૈસા કાઢીને આપણા સમાજમાં રહેલા ગરીબ અને અસહાય લોકોની મદદ ન કરી શકીએ?

તમે સહુ પણ શાંતિથી એકવાર ચોક્કસ વિચાર કરજો!

અને હા, જો આંખોમાં આંસુ આવી ગયા હોય તો સંકોચ ન રાખશો...વહેવા દેજો....

શક્ય છે...

કોઈની કરુણા જાગી જાય તો આ લેખ કોઈના ઘરના આનંદનું કારણ બની જાય...

===================================================

સંપર્ક:

hdjkdave@gmail.com

8758746236 (vadodara)