VAHUE VAGOVYA MOTA KHORDA - 6 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૬

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૬

આજે આ બધા વિચારો કરણુંભાને ઊંઘવા નથી દેતા. એ એમના ખાટલામાં પડખા ફેરવ્યા કરે છે. તે ખાટલામાંથી બેઠા થઈ, નીચે પડેલી ચલમ ઉપાડે છે. ગળાકુ ભરી સળગાવે છે. અને પાછા ચલમ પીતા પીતા એ જ વિચારોમાં ખોવાય જાય છે. એમને જોયેલી એ આઠ વર્ષની દેવલ એમની નજર સામે રમવા લાગે છે.

દેવલના નિર્દોષ સવાલોએ સેજલબા અને ઝમકુનું ધ્યાન ખેંચ્યું. "મારી નાનકી બુનને તો રજવાડા જેવું હાહરુ મળશે, બેય બોનને આવું થોડું હોય!," આટલું બોલતા ઝમકુંની આંખો પાછી રેલાવા લાગી. "ઝમકી! આ તારી બા હજુ જીવે છે, એકેય બોનને દુઃખ નહિ પડવા દવ, મેં ઘણું સહન કર્યું છે, ઝમકું! , હવે એ તારી ઉપર નહિ થવા દવ" સેજલબા થોડા ગુસ્સા સાથે ગંભીર હતા. ઝમકુને તો જાણે સગીમાં આશ્વાસન આપતી હોય એવું લાગ્યું. વાસણની સાથે ઝમકુંની આંખો અને સેજલબાનું હૃદય પણ ધોવાય ગયુ હતુ. સેજલબાએ પોતાના હાથ ધોય, એક ભીનો હાથ દેવલ મોઢા પર ફેરવીને ઊભા થઇ ગયા. સાથે દેવલ પણ ઊભી થઇ ગઇ. "આવ ઝમકું! બેસીએ" એ ઉભેલી કિસ્મતની મારી છોકરીને સેજલબાએ મીઠો આવકાર આપ્યો. ત્રણેય ઘરની ઓસરીમાં બેઠા હતા. સેજલબાની મીઠી વાણી એ ડાહી દીકરીને ધીમે-ધીમે ગળે ઉતરતી જતી હતી. હવે દેવલે પૂછેલા નિર્દોષ સવાલોનો જવાબ સેજલબા આપે છે. થોડા સમય પહેલા આવેશમાં આવી બોલેલા પોતાના જ શબ્દો કદાચ પાછા વાળી રહ્યા હતા. "અરે બટા! જો કોઈ છોડી સાસરે હોય અને એને માર નો પડે, કે પછી કડવા શબ્દો નો સાંભળે તો એનું સાસરે રહેવું જ અફળ છે. આ તો બધું સાંભળવું જ પડે અને એમાં કોઈ નવી વાત નથી. અને એટલે જ ઉપરવાળો સ્ત્રીઓને વધુ સહનશક્તિ આપે છે." સેજલબાની આ શિખામણ દેવલ માટે હતી. પણ આડકતરી રીતે એ ઝમકુને પણ સમજાવવાની કોશિશ કરતા હતા. એ સમય વહુઓ માટે બહુ જ ખરાબ હતો. સેજલબા જેવું સમજદાર ફૂલ પણ આ કડવાશમાં કરમાઈ ગયું હોય તો ઝમકું અને દેવલની શુ વાત કરવી. સેજલબાના શબ્દોથી ઝમકું શાંત થતી જતી હતી. જેમ બૂંગીયો ઢોલ બંધ થતાં યોદ્ધાઓનું શૂરાતન ઉતરી જાય છે, જેમ કેફી માણસને કેફ ઉતરતા જુના ઘાવ પાછા યાદ આવે છે. એમ જ કેફની જેમ ઝમકુનો ગુસ્સો ઉતરી ગયો હતો અને એટલે જ હવે એ પગના અને શરીરના ઘા પીડા આપવા લાગ્યા હતા. હવે એનાથી આ દુઃખ સહન નોહતું થતું. એ પોતાનું ડિલ લાંબુ કરી માથું સેજલબાના ખોળામાં મૂકી દે છે. સેજલબા પણ પોતાની દીકરીને વ્હાલભર્યો હાથ માથે ફેરવતા જાય છે. સાતેક વર્ષની દેવલ આ બધું સજ્જડ નજરે જોઈ રહી છે. આમ તો એવડી છોકરીને ઝમકુંની ઈર્ષા થવી જોઈએ પણ એવું ના બન્યું, સમજદાર દેવલ પણ થોડી ઊભી થઇ ઢીંચણથી પગ વાળી એની મોટી બેનના બાવડા પર હાથ ફેરવવા લાગી. જ્યારે પણ દુઃખમાં કોઈ સ્વજનનો હાથ માથા પર ફરે છે ત્યારે સ્વભાવિક જ આંખો રડી લે છે. ઝમકું સાથે પણ એવું જ થયું. એ પાછી રૂંધાયેલા ગળે લવા વળવા લાગી "બા! સમાજની કડવાશથી તો પૂરો કોઠો કડવો થઈ ગયો છે. પણ ધણીની શંકાની નજરે તો પૂરું હૃદય કાળું પાડી દીધું.... દુઃખ તો થાય .... ને" આ જવાબે સેજલબાને ધ્રુજાવી દીધા. કારણ કે સમાજની કડવાશનો અનુભવ તો દીકરો ના હોવાથી થયો હતો પણ હમીરભાનો અવિરત પ્રેમ એમને દુઃખની પ્રતીતિ થવા દેતો નહતો. આજે ઝમકુંનું દુઃખ એમના કરતા વધુ લાગ્યું. પોતાના મનને વહેતા પ્રવાહમાંથી કિનારે લાવવાની જરૂર દેખાઈ. એટલે જ વાત બદલવા માટે એમનો ચહેરો પાછો એક સાધુની જેમ શાંત કરી દીધો."ઝમકી! બેટા તું ઘડીક સુઈ જા, હાલ જોય! હું તારા પગના કાંટા કાઢી દવ અને દાઝેલા ઘા ઉપર થોડું ઘી લગાવી દવ, " સેજલબા ઝમકુના માથે હાથ ફેરવી કહી રહ્યા હતા. ઝમકુને ઉભી કરી ખાટલામાં સુવડાવી અને સેજલબા એક વાટકામાં ઘી કાઢી લાવ્યા. પહેલા તો એના પગને ભીના કપડાંથી સાફ કર્યા. એક-બે કાંટા હતા એ કાઢ્યા. ત્યારબાદ ઘી ઝમકુના તળિયે લગાવવા લાગ્યા. પ્રેમથી પગના તળિયે ફરતો સેજલબાનો હાથ ઝમકુના મનના ઘાવને રૂઝાવતો હતો તો બીજી બાજુ ઘી પગના ઘાવને અસર કરતું હતું. ત્યારબાદ હાથ પર ઘી લગાવ્યું. એક તો થાકેલું શરીર, ઉપરથી થાકેલું મન. બસ એ તો થોડીવારમાં જ હીબકાં ભરતી-ભરતી સુઈ ગઈ.

એક દીકરીની જેમ મોટી કરેલી ઝમકુનું દુઃખ તો હતું જ. પણ કામ કર્યા વગર ચાલે એમ પણ નોહતું. એટલે તે પાછા પોતાના કામમાં પરોવાઈ ગયા. થોડું આડું-અવળું કામ કરી રસોઈની તૈયારી આદરી દીધી. દેવલ પણ ગામની નાનકડી નિશાળમાં ભણવા જતી રહી હતી. થોડીવારમાં તો છ બાજરાના રોટલા, મગની દાળનું શાક, ઘીથી લથપથ કરેલો ગોળ અને થોડા મરચા તેલમાં તળી નાખ્યા. ભાત તૈયાર થઈ ગયું હતું. એ વિચારતા હતા કે હું જ ખેતર જઇને ભાત આપી આવું પણ એમ થયું કે ઝમકું અહીં સૂતી છે. કદાચ જાગી જાય અને કોઈ ખરાબ વિચાર આવી જાય તો....
હજુ તો એ આ અવઢવમાં હતા ત્યાં તો ભીખુભાના જોડાનો અવાજ આવ્યો. એમના એ પગરખાં જ ત્રણ-ત્રણ કિલ્લોના હતા. એ ગાડાના ટાયરમાંથી બનાવડાવતા હતા. તોય એ ગાડાના ટાયર પહેલા તોડી નાખતા. હવે વિચારોને એકસોને સાઈઠ કિલો વજન એ જોડા ખમે? થોડા ફાટી જાય તો મોચી પાસે સંધાવા જાય ત્યારે એ મોચીને એ ખાહડાની હાલત જોઈ દયા આવી જતી. મોચી પણ સાંધતો સાંધતો એ જોડાને મનમાં કહેતો "અરે અભાગ્યા! એવા તો શુ પાપ કર્યા છે, કે આ પગમાં રે'વાનો તારો વારો આવ્યો."

"બેન! ભાત તૈયાર છે ..ને?" હમીરભાની ડેલીમાં પગ મુકતા જ પૂછી લીધું. " હા... આવો આવો ભાઈ.., પણ તમે કેમ લેવા આવ્યા." સેજલબાના મનની દુવિધા દૂર થઈ ગઈ એટલે હસતા હસતા કહ્યું.

"આ તમારો ધણી ક્યાં શાંતિથી રહેવા દે છે, નફાવટ! સવારે ઘરે આવીને જ કહી ગયો હતો કે બપોરાના સમયે ભાત લઈને આવી જજે."

"હા...તો સાચું જ છે.... ને , આમ તો કંઈ કામ કરતા નથી આવા કામમાં તો આવો"

"એ તો બેન મારે ક્યાં છોકરા છે. કોના માટે ભેગું કરવું, જમીન બધી મારો ભાગ્યો વાવે છે, એમાંથી અમારા બે માણહનું ગુજરાન સારી રીતે ચાલ્યું જાય છે." આ વાત આમ તો ભીખુભા દાંત કાઢતા કાઢતા કરતા હતા. પણ એમની આંખોમાંથી છોકરા ના હોવાનું દુઃખ છલકાતું હતું.

"હશે ભાઈ! જેવી ઉપરવાળાની ઈચ્છા. ભગવાન સામું જોશે. નહીં જુવે!!!!"

" એ તો એને , સામું જોવું હોય તો જુવે અને નો જોવું હોય તો જાય તેલ લેવા, એ બધી વાત મુકો, ભાત ભરાય ગયું હોય તો લાવો, નહિ તો એ કાળમુખો મારી સામું નહિ જુવે." ભીખુભાએ વાત બદલાવી દીધી અને સીધી હમીરભાની વાત પર આવી ગયા.

"લ્યો... આ ભાત તૈયાર જ છે. આ તો તમે આવ્યા બાકી હું નીકળવાની જ તૈયારી કરતી હતી. અને હા.... તમારે જમવાનું છે તો બીજા છ રોટલા કરી નાખું." સેજલબા દાંત કાઢતા કાઢતા કહેવા લાગ્યા.

" ના ....રે.... ના .,! હું તો મારું ભાત લઈને જ આવ્યો છું, ઘોડી સાથે લટકાવેલું છે, એ ભાઈ મને કહીને જ ગયો હતો કે તારે જમવાનું હોય તો ઘરેથી લેતો આવજે. એટલે હું લઈને જ આવ્યો છું."

'હાઈ...હાઈ..! એવું કહીને ગયા હતા!!?, અને તમે લઈને પણ આવ્યા. હું એટલા કામમાં થાકી જવાની હતી? , તમે પણ ભાઈ ખરું કરો છો , મને શરમાવો છો તમે" સેજલબાના ચહેરા પર થોડી ચિંતા છવાઈ ગઈ.

"ના બેન એવું નથી દેવલ નાની છે. ઘરનું કામ તમારે ઘણું રહે છે. એમાં પણ મારા જેવા જાનવરનો ખોરાક તૈયાર કરવો!, અને અમારે એ તો સાવ નવરા ... એટલે દસના ટકોરે રોટલા ઘડવા બેસી જાય તો બાર વાગતા થઈ જાય.. અને એટલામાં હું શાક વઘારી નાખું. એટલે એવી ચિંતા નહિ કરવાની." ભીખુભા પોતાના ઘરનું સમયપત્રક બતાવતા તૈયાર ભાત લઈને રવાના થયા. હજુ એ ઝમકું વિશે કાંઇ જાણતા જ નોહતા.

ભીખુભા તો ઘોડી પર પલાણ કરી ચાલતા થયા. અને એ એમની પવનવેગી ઘોડીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં ઘરથી ખેતરનું અંતર કાપી નાખ્યું. વાડીએ હમીરભા કૉસ ચલાવતા હતા અને શામજીભાઈ પાણી વાળતા હતા. બપોરના એકનો ટકોરો પડ્યો હશે. એટલામાં ભીખુભાએ પોતાની ઘોડી ખેતરના બંધ પર ચડાવી અને ચડાવતાની સાથે જ....

" હાલો......એય... ગાંડાની જમાત...આ તમારો ચારો આવી ગયો છે." ભીખુભા ચાલતી ઘોડીએ જ હમીરભા અને શામજીભાઇને સાદ કરતા હતા. એકબાજુ એ આ બેયને ગાંડા કહેતા હતા તો ચારો શબ્દ બોલી એમની ગણતરી ઢોરમાં પણ કરતા હતા

" હા.... ભઈ છાનોમાનો આવી જા અહીં..... ચારો ગધેડા ઉપર જ આવે .." હમીરભાએ પણ કૉસ ચલાવતા ચલાવતા આછું આછું હસતા હસતા કહ્યું. ભીખુભાએ બંધથી કૂવા સુધીનો પલ્લો કાપી નાખ્યો. બેય ભેગા થયા એટલે તરત જ હમીરભાએ કહ્યું. "ભીખુ.. બપોર પછી નવરો છે કે કાંઈ કામ છે?"

"અરે બોલને ... વાલા..! કામ હોય તોય તારા માટે તો પડ્યું રે હો" ભીખુભા ઘોડી ઉપરથી ઉતરતા જ મૂછ અને દાઢી ઉપર હાથ ફેરવી કહ્યું.

"બીજું તો કંઈ નહીં પણ મારો એક બળદ આજે થાકી ગયો છે તો કોસમાં તું જોડાય જઈશ." આટલું બોલતા તો હમીરભા ખડખડાટ હસી પડ્યા. " એય શામજી .... ચાલ મારા ભાઈ રોંઢો કરી લઈએ." વાતને તરત જ બદલાવતા હમીરભાએ શમજીભાઈને સાદ કર્યો.

" હા....આયો! બળદને વિહામો આપો... આ છેલ્લું નાકુ પાડીને આવું છું." હમીરભાએ બળદ છોડ્યા અને ત્યાં પડેલા પાવડાને લઈને થાળાને નાકુ દીધું. ત્યારબાદ હાથ ધોઈને માથે બાંધેલા ફાળીયાથી મોઢું લૂછી નાખ્યું. અને પાછું મનથી તો હસતા જ હતા ભીખુભાને કિધેલ વાત પરથી. ..

"અલા ભાઈ! તું ખાલી બોલને તારા માટે તો આ ભીખુ કૂતરો પણ બની જાય" આ શબ્દો તો ભીખુભા હસતા હસતા જ બોલ્યા હતા. પણ હમીરભા પર બહુ અસર થઈ.

"અરે.. વાલા! કદાચ મારે ભાઈ હોત તો પણ તારા જેવો તો ના જ હોત." એમનું ફાળિયું ખભે નાખી એ સીધા જ ભીખુભા પાસે પહોંચી ગયા. ત્યાં શામજીભાઈ આવી ગયા અને બોલ્યા."હાલો ખઈ લેશું.....ને"

ત્રણેય સાથે જમવા બેઠા. થોડી ભાત વિશે ચર્ચા ચાલી પછી સીધી જ વાત શામજીભાઈએ ચાલુ કરી અને એ પણ ભીખુભાને સંબોધીને...

"હે.... બાપુ તમે ભાત લેવા ગયા તો મારી ઝમકું હતી ઘરે" એક અલગ જ ચિંતા સાથે પરસેવાથી રેબઝેબ બાપ બોલી રહ્યો હતો. "એ શું કરતી હતી." સવાલ ઉપર પાછો સવાલ કર્યો. ભીખુભા થોડા મૂંઝવણમાં આવી ગયા. એમનું મન સવાલ કરવા લાગ્યું કે શામજી આવું શા માટે પૂછતો હશે. સમયે ભણતર થોડું ઓછું હતું પણ એકબીજાના ચહેરા બહુ સારી રીતે વાંચી લેતા.

"શું થયું શામજી કેમ ભાઈ ચિંતામાં દેખાય છે. અને ઝમકીને તો મેં જોઈ નથી, એટલે એ આવી છે?" ભીખુભાના આ સવાલનો જવાબ હમીરભાએ આપ્યો અને વિગતવાર વાત કરી.ભીખુભાએ શામજીભાઈને આશ્વાસન આપ્યું અને કહ્યું " અમે બેય છીએ ... ને. શું કામ મુંઝાશ તારી ઝમકુને કશું નહીં થવા દઈએ" . આના પ્રત્યુત્તરમાં હમીરભાએ પણ જણાવ્યું કે "મેં પણ એ જ કહ્યું છે કે એક તો એ છોડી બાર મહિને આવી છે, પાછું વાગ્યું છે તો થોડા દીવસો અહીં ભલે રહે, અને ત્યારબાદ આપણે જ એને મુકવા જઈશું. અને જો એવું લાગશે તો વિઠલને થોડો સમજાવી પણ દઈશું."

આવી વાતો અને રોટલા સાથે બેય દોસ્તોએ શામજીભાઈના દુઃખમાં પણ ભાગ પાડ્યો. ત્યારબાદ જમીને હમીરભા અને શામજીભાઈ કામે લાગ્યા તો ભીખુભા ત્યાં વાડીએ જ સુઈ ગયા. આથમતો સૂરજ અને કૂવામાં ખૂટતું પાણી વિહામાનો સંકેત આપતા હતા. સાંજ થઈ ગઈ. ત્રણેય ઘરે આવ્યા, વ્યાળું-પાણી કર્યા. હમીરભાના ઘરે જ ઝમકુને થોડી શાંત કરી. થોડી મોડી રાત થતા શામજીભાઈ અને ઝમકું એમના ઘરે ગયા. આમ દિવસો ઉપર દીવસો વીતવા લાગ્યા. લગભગ દસેક દિવસ થયા હશે. ખેતરનું કામ પતી ગયું હતું અને ઝમકુના શરીરના ઘાવ પણ રૂઝાઈ ગયા હતા. તો હવે હમીરભાને એવું થયું કે ઝમકુને સુલતાનપુર મૂકી આવું........

ક્રમશઃ ..................
થોડા ટિપ્પણ

છોડી - છોકરી, કે દીકરી.

બૂંગીયો - આ એક ઢોલ વગાડવાનો પ્રકાર છે. જે રણમેદાનમાં યોદ્ધાઓને શૂરાતન ચડાવવા માટે વગાડવામાં આવે છે. આવો જ એક તરખાયો ઢોલ વાગે જે ગામ પર આવતી મુસીબતને બતાવવા માટે એલાર્મ તરીકે વગાડવામાં આવતો.

કેફ - નશો.

ડિલ - શરીર, તન..

લવા વળવા - ત્રુટક ત્રુટક શબ્દો બોલવા. થોડા ના સમજાય એવા શબ્દો...

ભાત - ખેતરે લઈ જવામાં આવતું ટિફિન.

જોડા - ખાહડા, પગરખાં, બુટ... જે પણ સમજો...

નફાવટ - એક જૂની ગાળ છે. જેનો મતલબ નકામો એવો થાય છે. છતાં દરેક જગ્યા પર એક અલગ રીતે બતાવવામાં આવે છે.

ભાગ્યો - ખેતરે મજૂરી કરવા રાખેલો મજૂર. શામજીભાઈની જેમ.

પલાણ - ઘોડી પર સવારી કરવી.

દસના ટકોરા - પહેલાના સમયમાં ઘરે-ઘરે ઘડિયાળો ન હતી આથી દરબારની ડેલી પર અથવા સરકાર દ્વારા ટાવર પર ઘડિયાળ રાખવામાં આવતી એના ટકોરા પરથી ગામ નક્કી કરતું કે આટલા વાગ્યા છે. ત્યારથી આ શબ્દ પ્રચલિત થયો છે.

ભોજનના સમય પ્રમાણે પ્રકાર. શિરામણ-સવારનું, રોંઢો-બપોરનું, વ્યાળું-સાંજનું.

આ ભાગમાં ઘણા શબ્દો જુના છે. જેનો અર્થ તો બતાવ્યો છતાં કોઈ રહી જાય તો જણાવજો.
લેખક : અરવિંદ ગોહીલ.