andhkar in Gujarati Moral Stories by Hitesh Vyas books and stories PDF | અંધકાર

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

અંધકાર

સુર્યનાં ત્રાંસા થતાં જતાં કિરણોને કારણે નાળીયેરીનાં લાંબા - લાંબા પડછાયા અતિ લાંબા થઈ રહ્યાં હતાં. સમુદ્રનાં મોજાં ઉછળી - ઉછળીને નીચે પટકાઈ રહ્યા હતાં. સહેલાર્થીઓ પોતાના નિવાસસ્થાન તરફ પાછા ફરી રહ્યાં હતાં. કલરવ કરતાં પક્ષીઓ પણ પોતાના માળામાં જઈ રહ્યા હતાં. સમુદ્રનો ઘૂઘવાટ અને પક્ષીઓનો કલરવ સંભળાઇ રહ્યાં હતાં. બાકી સર્વત્ર શાંતિ જ શાંતિ હતી.
અચાનક સમરની નજર નાળીયેરીનાં વૃક્ષને અઢેલીને બેઠેલ નિરવ પર પડી. સમુદ્ર કિનારે કોઈ રહ્યું ન હતું. ફક્ત નિરવ નાળીયેરીનાં વૃક્ષની નીચે બેઠો હતો. બેશુદ્ધ, બેધ્યાન જાણે કે પ્રદર્શન માટે ખડી કરેલ પ્રતિમા ન હોય!
સમરે તેનાં ખભા પર હાથ મૂક્યો છતાં તેને કોઈ અસર થઈ નહીં. તે અન્યમનસ્ક અવસ્થામાં બેઠો હતો. તે વિચારમગ્ન હોય તેવું લાગતું હતું. તેનાં મુખ પર છવાયેલો વિષાદ સમરનાં ધ્યાન બહાર રહ્યો નહીં. તેણે નિરવને લગભગ હચમચાવી નાખતા જ કહ્યું "નિરવ એવું તે શું થયું છે કે જેના કારણે તું આટલો ચિંતામાં દેખાય છે? એવું તે શું છે કે તારા મુખ પર વિષાદની રેખાઓ અંકાઇ ગઇ છે?''
"કંઇ નહીં સમર, અમસ્તો જ બેઠો છું.'' તે કંઇક છુપાવતો હોય તેમ લાગતું હતું. તેનું ધ્યાન દૂર ક્ષીતીજે અસ્ત થતા સૂર્ય પર સ્થિર થયેલું હતું. તેણે સૂર્યની સામે આંગળી ચીંધતા કહ્યું "સામે શું દેખાય છે?''
સમર ખડખડાટ હસી પડતાં બોલ્યો "અરે ! એ તો અસ્ત થતો સૂર્ય છે! તેમાં આટલી ઉદાસીનતા શાની? સુર્યોદય અને સુર્યાસ્ત એ તો પ્રકૃતિનો નિયમ છે!"
" ખરેખર તારી વાત સાચી છે." નિરવથી ઊંડો નિઃશ્વાસ નંખાઈ ગયો. જે સમરથી અજાણ નથી રહેતો. "સમર સુર્યાસ્ત થાય છે ત્યારે ધરતી પર કેવો અંધકાર છવાઈ જાય છે! એવી જ રીતે મનુષ્યનાં જીવનમાં પણ જ્યાં જુઓ ત્યાં બસ નિરવ અંધકાર!''
"નિરવ એક વાત કહું?''
"કેમ નહીં?''
"નિરવ તું ગમે તે કહે પરંતુ તારા જીવનમાં કંઈક અજુગતું બન્યું છે જે તું મારાથી છુપાવે છે. અને એ અજુગતું બન્યાની ચાડી ખાય છે તારા મુખ પર છવાયેલ વિષાદની રેખાઓ, ચાડી ખાય છે તારા હ્રદયનાં ઊંડાણમાંથી બહાર આવતો નિઃશ્વાસ અને તારા એક-એક શબ્દોમાં ઘૂંટાતું દર્દ. નિરવ, તારા મિત્ર તરીકે તારા દુઃખનો જો હું ભાગીદાર ન બની શકું તો હું મિત્ર તરીકે શું કામનો? નિરવ, જે હોય તે તારે મને કહેવું જ પડશે. તને મારા સોગંદ તારે મને જે હોય તે કહેવું જ પડશે ત્યાં સુધી હું અહીંથી ઊઠીશ પણ નહીં. ભલે રાત અહીંજ વિતાવવી પડે."
નિરવની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં. ટપ...ટપ...ટપ...આંસુ પડ્યે જ જતાં હતાં જાણે કે બારે મેઘ ખાંગા થયા ન હોય!
* * *
જેમ સમુદ્રમાં ભરતી-ઓટ આવે તેમ મનુષ્યનાં જીવનમાં પણ ભરતી- ઓટ
આવતી જ હોય છે. કુદરત મનુષ્યની સાથે અવનવાં ખેલ કરતી જ હોય છે. પ્રકાશ પછી અંધકાર અને સુખ પછી દુઃખ સતત પરિભ્રમણ કરતા હોય છે.
નિરવને બહેન નથી. તેને બહેન વિનાનું જીવન વ્યર્થ લાગે છે. તે પોતાની જાતને દુર્ભાગી માનતો હતો અને માને છે. જ્યારથી પુનમ નિરવના જીવનમાં આવી હતી ત્યારથી તેના જીવનમાં રોનક આવી ગઈ હતી. પુનમ નિરવની ધરમની બહેન છે. સમય જતાં નિરવ ભૂલી ગયો હતો કે તેને બહેન નથી. તે પુનમને ધરમની બહેન નહીં પરંતુ સગી બહેન માને છે. ખરેખર પુનમ નિરવની નાની બહેન છે. તે બન્ને એકબીજાને અનહદ પ્રેમ કરતાં હતાં. કે એકબીજાને મળ્યાં વગર ચાલતું નહીં.
પરંતુ આ શંકાશીલ સમાજને આવો પવિત્ર સંબંધ ક્યાં મંજૂર છે! જ્યાં જોઈએ ત્યાં શંકા- કુશંકા ઘર કરી બેઠાં છે. નિરવ અને પુનમ ભલે ને એક પવિત્ર સંબંધના તાંતણે બંધાયેલા હોય પરંતુ સમાજની દૃષ્ટિ કંઈક અલગ જ જુએ છે.
નિરવની બોર્ડની પરીક્ષા નજીક હોવાથી તે પોતાના રૂમમાં વાંચતો હતો. અચાનક તેની આંખો પર કોઈએ હાથ મૂક્યા. આંખ પર થયેલા કોમલ સ્પર્શને ઓળખી "આવ બેનાં..''કહી નિરવ પુનમને પોતાની પાસે બેસાડે છે.
વાતવાતમાં પુનમ અચાનક ગંભીર થઈ જાય છે."અરે પુનમ! હમણાં તું આવી ત્યારે ખુશખુશાલ હતી આમ અચાનક ગંભીર બની ગઇ! મારાથી તો કંઈ કહેવાય ગયું નથી ને?
"ભાઈ, તમારી પરીક્ષા નજીક આવી ગઈ છે. પછી તો અહીંથી જતાં રહેશો મને તમારા વગર નહીં ગમે.''
"અરે પગલી!'' કહી નિરવને તેના ગાલ પર વ્હાલથી ટપલી મારી કહ્યું "મારી બેન તારો ભાઈ ઉચ્ચ અભ્યાસ માટે તારાથી દૂર માત્ર નજીકનાં શહેરમાં જશે. જ્યાં તું પણ મળવા આવી શકીશ અને એ જ રીતે હું અહીં..."
"ભાઈ, તમે આગળ અભ્યાસ માટે જતાં રહેશો પછી તમારી આ નાની બહેનને ભૂલશો તો નહીં ને?'' નિરવે પુનમના બન્ને હાથ પોતાના હાથમાં લઈ લેતા કહ્યું " અરે ! તને આજ શું થઈ ગયું છે? જે ભાઈ પોતાની બહેન વગર જીવી ન શકે તે ભાઈ પોતાની બહેનને ભૂલી કેમ શકે? હું તને જિંદગીભર ભૂલી શકીશ નહીં બેનાં.''
"હું પણ કોઈપણ સંજોગોમાં તમને ભૂલીશ નહીં. આપણો સંબંધ હંમેશ માટે જળવાઈ રહેશે.''
આમ ભાઈ-બહેન વચ્ચે વાત ચાલતી હતી ત્યાં નિરવના પપ્પા સાથે શિક્ષક તરીકે નોકરી કરતા કામીનીબેન આવ્યા. તેની શંકાશીલ દ્રષ્ટિ આમથી તેમ ફરી વળી પછી નિરવ અને પુનમ પર સ્થિર થઈ ગઈ.
જિંદગી એક નાટક છે અને મનુષ્ય તેનું પાત્ર છે. કોઈ મુખ્ય પાત્ર તરીકે હોય તો કોઈ ખલનાયક. રામનાં જીવનમાં જે રીતે મંથરા આવી હતી તે રીતે નિરવના જીવનમાં કામીનીબેન. તેની આંખોમાં ઈર્ષા અને શંકા-કુશંકાના ભાવ તરવરી રહ્યાં હતાં. ગામમાં ગમે ત્યારે ગમે તેની ઉપર ખોટી શંકા કરી તેની જિંદગી વેરવિખેર કરી નાંખવી એ કામીનીબેન માટે રમતવાત હતી.
કામીનીબેન નિરવના મમ્મી સાથે કંઇક ગુસપુસ કરી રહ્યાં હતાં. થોડા સમય પછી પુનમ જતી રહી. નિરવ ફરી વાંચવા બેસી ગયો. પરંતુ તેનું મન વાંચવામાં ચોંટતું ન હતું. તે કામીનીબેનની શંકાશીલ આંખોથી ભયભીત થઈ ગયો હતો. તેને પોતાની વાત ગામમાં થાય તેનો ભય ન હતો પરંતુ પોતાની બહેન પુનમની ખોટી વાત થાય તેનો ભય હતો. ત્યાં કામીની બેનના શબ્દો તેનાં કાને પડ્યા "ગામને મોઢે ગરણું થોડું બંધાય છે! ચેતતા રહેવું સારું બાકી તમારી મરજી."
સાંજે નિરવ જમવા બેઠો ત્યારે તેનાં મમ્મીએ કહ્યું "નિરવ તારી પરીક્ષા હવે નજીક છે તેથી તારે ખોટો સમય બગાડવા કરતાં વાંચવામાં ધ્યાન આપવું જોઈએ."
"હું વાંચું તો છું મમ્મી."
"તારે કોઈની સાથે બેસવામાં સમય ન બગાડવો જોઈએ. તું પુનમની સાથે બેસીને કેટલો સમય બગાડી નાખે છે! પારકી છોકરી સાથે બેઠેલ કોઈ જોઇ જાય તો ગામમાં કેવી-કેવી વાત થવા માંડે? બેટા! તારે એ રીતે ન રહેવું જોઈએ.''
"તો શું મારે તેને અહીં આવવાની ના પાડી દેવી? નહીં... નહીં... મારાથી એ નહીં બની શકે. એ પારકી નથી એ મારી સગી બહેન છે.'' નિરવના મસ્તકમાં હાથ ફેરવતાં "બેટા, હું પણ તારી વાત સાથે સહમત છું. પુનમ જેમ તારી બહેન છે તેમ તે મારી દિકરી છે. તને જેમ બહેનની આશા છે તેમ મને પણ એક દિકરીની અનહદ ઈચ્છા છે માટે પુનમ મારી સગી દિકરી જ છે. પરંતુ....''તે આગળ બોલતાં અટકી જાય છે.
" પરંતુ શું? બોલો મમ્મી પરંતુ શું?''
"તારી બહેનની ગામમાં ખરાબ વાત થાય તે તારાથી સાંભળી શકાશે ?તારાથી એ વાત સાંભળીને સહન થાય તેમ હોય તો તું તારી રીતે સ્વતંત્ર છે. ''
"તો મારે શું કરવું જોઇએ? તેને કેવી રીતે ના પાડવી?''
"મારું નામ આપીને ના પાડી દેજે. કહેજે કે "આપણું આ રીતે મળવું મારા મમ્મીને અનુકૂળ નથી."નિરવ વિચારમાં ગરકાવ થઈ ગયો. "જરૂર જણાય તો એમ પણ કહી દે કે મારા મમ્મી કહેતા હતા કે પુનમ સારી છોકરી...'' તેના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
"નહીં મમ્મી નહીં. એવું નથી કહેવું પુનમ તમારા વિષે શું વિચારે?" કહી નિરવ જમતો ઊભો થઈ ગયો. મમ્મીએ આંસુ લૂછતાં કડકાઈથી કહ્યું "મેં કહ્યું તેમ જ તારે કહેવાનું છે સમજ્યો?"
નિરવ પથારીમાં આમથી તેમ પડખા ફેરવતો હતો. તેને નિંદર આવતી ન હતી. તે વિચારી રહ્યો હતો- પુનમ સાથે ગાળેલા દિવસો... તે મનોમન ધૃણા કરતો હતો- સમાજની શંકાશીલ દ્રષ્ટિ પર... વિચારમાં ને વિચારમાં તેને ક્યારે નિંદર આવી ગઈ તેની પણ તેને ખબર ન રહી !
નિરવ વાંચતો હતો પણ તેનું ધ્યાન વાંચવામાં ચોંટતું ન હતું. રોજની આદત મુજબ પુનમ આવી અને તેણે નિરવની આંખ પર પોતાના હાથ દબાવ્યા. પુનમનાં હાથનાં સ્પર્શ સાથે જ નિરવ નું હ્રદય ચિત્કારી ઉઠ્યું. બહેનનો આ વ્હાલસોયો સ્પર્શ અંતિમ સ્પર્શ બની રહેવાનો હતો. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. અચાનક પુનમે નિરવની આંખો પરથી પોતાના હાથ હટાવી "અરે ! ભાઈ ! આ શું ? તમારી આંખોમાં આંસું?"
નિરવે આંસુ લૂછતાં કહ્યું "બેના હવે આપણે નહીં મળી શકીએ. તારા પર ખોટી શંકા થાય અને ગામમાં તારી ખોટી વાત થાય તે મને પસંદ નથી." તેણે મમ્મીએ કહેલ વાત પુનમને કરી દીધી અને કહ્યું "બેનાં, આપણે ભલે એકબીજાને મળી ન શકીએ પરંતુ મેં તને જે વચન આપ્યું હતું તેનું પાલન અવશ્ય કરીશ. તને જિંદગીભર ભૂલીશ નહીં. બેન તું પણ મને નહીં ભૂલે ને ?" પોતાનું મોં પોતાના બન્ને હાથ વડે છૂપાવી રડી પડે છે. થોડા સમય પછી "કેમ જવાબ ન આપ્યો બેના ?" જુએ છે તો પુનમ ત્યાં ન હતી. મારાથી આ શું થઈ ગયું. ખરેખર મારે પુનમને આ વાત કરવાની જરૂર ન હતી. તે ઝડપથી ઊભો થઈ પુનમને રોકવા માટે બહાર જાય છે પરંતુ પુનમ જતી રહી હતી. આખા રસ્તા પર જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી નજર કરે છે પરંતુ પુનમનાં બદલે દૂર ક્ષિતિજે અસ્ત થતા સૂર્ય પર તેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. બધુંજ તેને ધૂંધળું દેખાતું હતું. તે ત્યાંજ ફસડાઈ પડ્યો.
* * *
બે માસ પછી નિરવને પુનમ મળી. તે સ્કૂલમાંથી છૂટી ઘર તરફ જતી હતી. "બેના..." શબ્દ તેનાં મુખમાંથી મહામહેનતે નીકળ્યો,તેનાં ગળે ડૂમો ભરાઈ ગયો હોય તેમ લાગતું હતું. "પુનમ આજે ઘરે આવીશ? મારે તારી સાથે થોડી વાત કરવી છે."
"તમારે જે કંઈ કહેવું હોય તે અહીં જ કહી દો. હું ત્યાં આવીશ નહીં" પુનમના રીસ ભરેલા શબ્દોથી નિરવને લાગ્યું જાણે કે આભ તુટી પડયું! તેને જોરદાર આંચકો લાગ્યો.
"મારી બેન, સાચું કહું તો ભૂલ મારી જ છે. હા બેના, હકીકતમાં હું જ ખરાબ છું. બેના, મમ્મીએ કંઈ જ કહ્યું ન હતું. તું... તું...કહેતી હતી ને કે હું કોઈપણ સંજોગોમાં તમારી સાથે સબંધ પૂરો નહીં કરું. માટે મેં તારી પરીક્ષા કરવા એ વાત ઉપજાવી કાઢી હતી.''
"મને તો એ જ સમજાતું નથી કે જુઠ ઉપર જુઠ...." પુનમ વધુ બોલી ન શકી.તે રડી પડી. નિરવ નિઃસ્તબ્ધ બની જોઈ રહ્યો.
માણસથી જ્યારે એક ભૂલ થાય છે ત્યાર પછી ભૂલોની પરંપરાનું સર્જન શરૂ થાય છે. મમ્મીએ જે રીતે ક્હ્યું તે રીતે નિરવે પુનમને કહ્યું. પછી નિરવને પસ્તાવો થયો કે આમાં મમ્મીનું ખરાબ લાગે માટે તેણે પોતે વાત ઉપજાવી છે તેમ પુનમને કહ્યું. પુનમને તો બે માંથી એક પણ વાતમાં સત્યતા દેખાતી નહોતી.
"પુનમ મારી બેના તું રડ નહીં મારી વાત સાંભળ" નિરવ પુનમનો હાથ પકડી કહે છે. તેજ સમયે બાજુમાંથી કામીનીબેન પસાર થાય છે. તેને જોઈ
પુનમે ક્રોધિત થઈ રડતા-રડતા કહ્યું " આ આવી ગઈ કુલટા. આને તમારા પપ્પાએ શિક્ષક તરીકે લીધી તેમા ચગી ગઈ છે બાકી શિક્ષક તરીકેની કોઈ આવડત નથી."
વાત ખરેખર સાચી હતી કામીનીબેનમાં શિક્ષક તરીકેના ગુણ તેમજ આવડતનો અભાવ હતો જ. નિરવના પપ્પા તે બાબતથી અજાણ ન હતા પરંતુ શું કરે અનામતનુ ભૂત આપણા દેશને વળગ્યું છે ને! માટે તેને શિક્ષક તરીકે લેવા સિવાય છૂટકો ન હતો. નિરવને કામીની બેનનો શિક્ષક તરીકેનો પ્રથમ દિવસ યાદ આવી ગયો....
ત્યારે નિરવ તે જ શાળામાં અભ્યાસ કરતો હતો. કામીનીબેને વર્ગખંડમાં આવીને સીધો જ પાઠ સમજાવવાનો ચાલુ કરી દીધો, નહીં પોતાનો પરીચય કે નહીં કોઈ પૂર્વભૂમિકા.
એટલુંજ નહીં પણ વિધાર્થીઓએ ક્યું પુસ્તક કાઢવું તેની પણ સૂચના નહીં. અને હા પાઠ સમજાવ્યો નહીં પણ "ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન" પંદર મિનિટમાં વાંચી ગયા. તેમાં એક જગ્યાએ તેણે વાંચ્યું "તૂર્કીઓએ કોન્સ્ટે...ઈનટી..નો..પલ.."ત્યાં તો નિરવનો સહપાઠી ગોરખ કે જે આખાબોલો અને કોઈપણને બિન્દાસ્તપણે મોઢા-મોઢ કહેવાની હિંમત ધરાવતો. તેણે કહ્યું હતું.
"બેન, કોન્સ્ટેન્ટીનોપલ એમ વંચાય. તમને જ વાંચતા નથી આવડતું તો અમારું શું થાશે ?'' તરત જ કામીનબેન વર્ગખંડ છોડીને જતા રહ્યા હતા.
સાંભળી કામીનીબેન ઊભા રહ્યા બોલ્યા "પુનમ શું કહ્યું તે ?"
" તેજ કે જે તે સાંભળ્યું. જાણે પોતે સતી સાવિત્રી ! વારંવાર પેલો તારી ઘરે આવે છે બે-ત્રણ દિવસ રોકાઇને જાય છે. તે કોણ છે? આહાહા..! પોતે કરે તે લીલા અને બીજા કરે તે પાપ !" પુનમે રડતા- રડતા પોતાનો ઉકડાટ ઠાલવ્યો.
નિરવે પુનમને શાન્ત પાડતા કહ્યું "બેના, એવું ન કહે હું જેમ તારો ભાઈ છું તેમ તે .." વચ્ચેથી નિરવને અટકાવી પુનમ બોલી " ભાઈ, આપણાં સંબંધની આ કુલટાના સબંધ સાથે તુલના કરી આપણા પવિત્ર સંબંધનું અપમાન ન કરો. પોતે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની આડમાં કેવા ધંધા કરે છે તે આખા ગામને ખબર છે. કમળો હોય તેને પીળું દેખાય સમજી કામીની ?"
નિરવને લાગ્યું કે પુનમ વધારે પડતું બોલી રહી છે તેણે પુનમને ઠપકો આપતાં કહ્યું "તને ખબર પડે છે ? તે આપણા શિક્ષક છે,આપણા ગુરુનું અપમાન આપણાથી ન કરી શકાય."
"તમારા ગુરુ હોય તો તે તમને મુબારક, બાકી આ લંપટ સ્ત્રીને આ ગામમાં કોઈ ગુરુ માનતું નથી અને હું તો કદાપી નહિ. અને હા તમારા પપ્પા સાથે શિક્ષક તરીકે નોકરી કરે છે માટે તમારે તેનું માન જાળવવું પડતું હોય તો તેમાં હું વચ્ચે નહીં આવું. "
" પુનમ મારી વાત સાંભળ મારી બેન..." નિરવ આગળ કંઈ બોલે તે પહેલાં વચ્ચેથી અટકાવી " મરી ગઈ તમારી બહેન..."કહીં રડતાં- રડતાં પોતાના ઘરમાં જતી રહી અને ધડાકા સાથે બારણું બંધ કરી દીધું. નિરવ સ્તબ્ધ નયને બારણાની આરપાર પુનમને શોધી રહ્યો. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા.
ત્યાર પછી નિરવ અને પુનમ મળી શક્યા નથી. નિરવે મળવાના ઘણા પ્રયત્નો કર્યા પણ દરેક પ્રયત્ન વ્યર્થ રહ્યા.
* * *
દૂર ક્ષિતિજે દેખાતો સૂર્ય સમુદ્રના પાણીમાં ડૂબી ગયો હતો. અમાસની રાત હતી. અંધકારનો એવો સાગર લહેરાતો હતો કે જેનો ક્યાંય કિનારો ન હતો. સમુદ્રનાં ઘૂઘવાટ સિવાય સર્વત્ર શાંતિ જ શાંતિ હતી. બે પડછાયા સમુદ્ર કિનારાથી દૂર-દૂર જતાં હતાં. ધીમે ધીમે તે અંધકારના સાગરમાં ડૂબી ગયા....