kagdo dahitharu lai gayo in Gujarati Comedy stories by Leena Patgir books and stories PDF | કાગડો દહીંથરું લઇ ગયો

Featured Books
Categories
Share

કાગડો દહીંથરું લઇ ગયો


"રાજ, માંડ માંડ પપ્પા તને મળવા માટે રાજી થયાં છે. પ્લીઝ તું પણ માની જા. "

"ઓક્કે તો કાલે સવારે 9 વાગે આવું છું. લવ યુ. "

"લવ યુ ટુ. "

બીજા દિવસે સવારે 9 વાગીને પાંચ મિનિટે.

"નિકી આવો છોકરો મળ્યો તને જેને સમયની કોઈ કિંમત જ નથી. " દીપકભાઈ ગુસ્સામાં તાડુકીને બોલ્યા.

"પપ્પા પ્લીઝ બે જ મિનિટ. અમદાવાદનો ટ્રાફિક તો તમે જાણો જ છો ને. થઇ જાય થોડું ઘણું મોડું. "

એટલામાં ડોરબેલ રણકે છે.

"સોરી અંકલ મને આવવામાં થોડું મોડું થઇ ગયું. " રાજે હાથ જોડતા કહ્યું.

"જેને સમયની કિંમત ના હોય એને વ્યક્તિની શું કિંમત હોય. "દીપકભાઈ કટાક્ષ કરતા બોલ્યા.

રાજ કંઈજ બોલ્યા વગર સોફા પર બેસી ગયો.

"નિકી તું તારા રૂમમાં જા. મારે રાજ સાથે એકલામાં વાત કરવી છે. " દીપકભાઈ નિકિતા સામું જોઈને બોલ્યા.
નિકિતા ઉપર પોતાના રૂમમાં ચાલી ગઈ.

"હા તો રાજ, કેવા તમે?? "

"રાજ વ્યાસ. નાગર બ્રાહ્મણ છું. "

"અમે કડવા પટેલ છીએ. જાણતો જ હોઈશ તું તો. કેટલા કડવા એ આજે જોઈ પણ લેજે. " દીપકભાઈ ઝીણી આંખો કાઢીને રાજ સામું બોલ્યા.

"કેટલા વર્ષથી ઓળખે છે નિકીને?? "

"દસ વર્ષથી. "

"શું કહ્યું?? દસ વર્ષ?? દસ વર્ષથી તમે પ્રેમમાં છો?? " દીપકભાઈએ આશ્ચર્યભાવે પૂછ્યું.

"ના અંકલ. તમે કહ્યું કેટલા વર્ષથી ઓળખો છો એટલે એ જવાબ આપ્યો. પ્રેમમાં તો છેલ્લા 2 વર્ષથી છીએ. "

"બરાબર. તારા ઘરમાં બધા કેવા છે?? મારી દીકરીને હેરાન કરે એવું કોઈ-"

"મારા ઘરમાં બધા મીઠાઈથી પણ ગળ્યા સ્વભાવના છે. કડવા તો બિલકુલ નથી. "

"મને સંભળાઈ રહ્યો છે તું?? એટલી બધી હિંમત આવી ગઈ?? "

"અંકલ પ્રેમમાં હિંમત આપોઆપ મળી જાય છે. "

"કોલસાની ખાણોમાં કામ કરતી વ્યક્તિ કોલસાની જેમ કાળી નથી હોતી પણ તું-"

"કોલસામાંથી જ હીરા બને છે. હીરાની પરખ કરતા આવડવું જોઈએ. "

"અરે!! પણ તારો વાન તો જો. કાગડો દહીંથરું લઇ ગયો એવો ઘાટ ઘડ્યો છે તે તો. ખબર નહીં નિકી તારામાં શું જોઈ ગઈ?? "

"આ ફોટો આંટીનો છે ને?? " રાજે સામે હાર લાગેલા ફોટા તરફ આંગળી ચીંધતા પૂછ્યું.

"હા તો?? "

"ખૂબજ સુંદર લાગતા હતા. નિકિતા એકદમ એમની જ કાર્બન કોપી છે. કાગડો દહીંથરું લઇ ગયો એ સાચું કહ્યું આપે. "

"દેખાવમાં ભલે એની માઁ ઉપર ગઈ છે પણ હોંશિયારીમાં મારા ઉપર ગઈ છે. " દીપકભાઈએ છાતી ફુલાવતા કહ્યું.

"અલબત્ત !! નિકિતા દરેક વસ્તુમાં હોંશિયાર છે. પછી એ સ્ટડી હોય કે પછી જીવનસાથીની પસંદગી!!"

"તને એમ નથી લાગતું તું વધુ પડતો હોંશિયાર બની રહ્યો છું?? "

"તમને એવું નથી લાગતું તમે વધારે પડતું વિચારો છો?? "

"હું એક માઁ વગરની દીકરીનો બાપ છું. બધું સમજી વિચારીને કરવું પડે. "

"એ માઁ વગરની નથી. હું જાણું છું. આંટીના અવસાન બાદ તમે નિકીતાને એક પણ વાતે કમી નથી સાલવા દીધી. "

"સારુ છોડ બધું. કમાય છે કેટલું?? કામ ક્યાં કરું છું?? "

"ઇફ્કોમાં છું. લાખ રૂપિયા પગાર છે.

"ખાતર બનાવે છે એ?? એમાં આટલા બધા રૂપિયા આપે છે?? "

"હા એ જ. " રાજ ખુશ થતા બોલ્યો.

"તો તું ખાતર બનાવે છે. ખાતર બનાવતા તો મને પણ આવડે છે. એમાં તે શું મોટું તીર માર્યું?? " દીપકભાઈ મોઢું મચકોડતા બોલ્યા.

"ખાતર બનાવતા આવડે પણ તેનું મશીન ચલાવતા દરેકને ના આવડે. હું એ મશીન ચલાવતો એન્જીનીયર છું. "

"સારુ સારુ. બચત કેટલી કરી છે કમાય છે તો?? "

"બે લાખ જેવી કરી છે. મારે કદાચ બદલી પણ થઇ જશે. "

"કઈ જગ્યાએ?? "

"પુણેમાં. "

"ઓહહો આટલે દૂર. "

"એટલું બધું પણ ક્યાં દૂર છે !! સવારે બેસો તો સાંજે ત્યાં. "

"મને મારી નિકીથી દૂર કરીને તું શું કરવા ઈચ્છે છે?? "

"હું તમને તમારી દીકરીથી દૂર કયારેય નહીં થવા દઉં એવું વચન આપું છું. હું જાણું છું કે તમને નિકિતાની ખૂબ ચિંતા છે પણ તમે મારા પર એટલો વિશ્વાસ રાખો. મેં આજસુધી નિકિતા સાથે કયારેય અભદ્ર વર્તન કર્યું નથી અને કરીશ પણ નહીં."

દીપકભાઈ એમના સ્થાનથી ઉભા થયાં. નિકિતા પણ કંટાળીને સીડીઓ ઉતરીને આવી રહી હતી. ઉતાવળમાં આવતા નિકિતાનો પગ લપસ્યો અને તે પડવા જેવી થઇ ગઈ. દીપકભાઈ પણ દોડતા ગયા એ તરફ. નિકિતા પડે એ પહેલા જ રાજે તેનો હાથ પકડીને પડતા બચાવી લીધી.

દીપકભાઈ આ જોઈને રસોડામાં ઘુસી ગયા.

"પપ્પા.... પપ્પા... " નિકિતા બૂમો મારતી રહી.

ત્યાંજ સામેથી દીપકભાઈ મીઠાઈનું બોક્સ લઈને આવ્યા.

"જમાઈરાજ આ મીઠાઈ તમારા હાથેથી ખવડાવીને મને પણ મીઠો કરી દો. કડવો થઇ થઈને થાક્યો. હીરાની સાચી પરખ થઇ છે આજ. "

નિકીતાને સમજ નહોતી પડી રહી કે દીપકભાઈ આમ કેમ બોલે છે!!

રાજ અને દીપકભાઈ એકબીજાની સામું જોઈને ખડખડાટ હસ્યા અને એકબીજાને ભેટી ગયા.
તેમનું આ હાસ્ય જોઈને નિકિતા પણ ઉછળીને હસવા લાગી.

જતા જતા રાજ દરવાજા પાસે ઉભો રહીને દીપકભાઈ તરફ જોતા બોલ્યો.

"બાયધવે કાગડો ફરી દહીંથરું લઇ ગયો. " રાજ આટલું કહીને હસતો હસતો નીકળી ગયો.