Jokar - 16 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 16

Featured Books
Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 16

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 16
લેખક – મેર મેહુલ
નિધિ સાથે પહેલીવાર વાત કરીને મને પુરી રાત ઊંઘ નહોતી આવી.નિધિના શબ્દો મારા માનસપટલ પર રમતાં હતાં.એ કાલે મને ફેસ ટુ ફેસ મળવાની હતી.તેની સાથે મારે કેવી રીતે વાત કરવી જોઈએ,ક્યાં ક્યાં ટોપિક પર વાત કરવી તેનું લિસ્ટ હું બનાવવા લાગ્યો.જો કે એ સામે આવે ત્યારે હું બધું જ ભૂલી જવાનો છું એ મને ખબર હતી તો પણ એક વાત યાદ આવી જાય તો તેની સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ થઈ જૌએ હિસાબે મેં થોડાં ટોપિકની નોટ્સ બનાવી લીધી.
આવતી કાલે નવા જ જૈનીતના રૂપમાં કૉલેજ જવું એવો નિર્ધાર કરી મને મોડી રાત્રે ઊંઘ આવી.આંખો ખુલ્લી તો આઠ વાગી ગયા હતા.ફ્રેશ થયો ન થયો,નાસ્તો પણ કોલેજમાં કરી લઈશ એમ કહી હું કૉલેજ જવા રવાના થયો.
બે લેક્ચર પછી અમારે નાટકની પ્રેક્ટિસમાં જવાનું હતું.લવ સ્ટૉરી ટાઈપનું કંઈક નાટક હતું જેમાં નિધિ હિરોઇન હતી અને બકુલ નામનો સિનિયર હીરો હતો.મારું પાત્ર તો સાઈડ રોલ જેવું જ હતું જે હીરો-હીરોઇનને મેળવવા માટે મદદ કરતો હોય.
આ તો વળી કેવી પરિસ્થિતિ.મારી રિયલ લાઈફની હીરોઇનને હું જ બીજા છોકરા સાથે સેટિંગ કરવામાં મદદ કરું?મને આ નાટક વાહિયાત લાગ્યું.કોલેજમાં તો શિવાજી,ભગતસિંહ,રાજગુરુ જેવા વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાઓ પર નાટક ભજવવું જોઈએ.આ શું લેલા-મજનું થવા ચાલી નીકળ્યા?
પ્રેક્ટિસ હૉલમાં જઈ હું બેઠો.મારા નસીબ પણ ફુટેલાને.મારી સામે જ સરે બકુલ અને નિધિને બોલાવીને કહ્યું, “તમારી બંનેની કેમેસ્ટ્રી સ્ટેજ પર દેખાવવી જોઈએ.એ માટે તમે બંને બની શકે એટલા ફ્રેન્ડલી બનીને રહેજો.”
સરનું કહેવાનું એમ તો નહોતુને કે બકુલભાઈ તમારી માટે રસ્તો સાફ છે.તમે ઈચ્છો એટલી લાઇન મારી શકો છો.લગે હાથ સેટિંગ થઈ જાય તો ઘરે વાત પણ કરી લેજો.
નાટકમાં તો મારે પણ બકુલને સપોર્ટ કરવાનો હતો.સરે મને કેમ ના કહ્યું કે તમે બની શકે એટલા ફ્રેન્ડલી રહેજો.સૌને ગઈ કાલે જ સ્ક્રીપ્ટ આપી દીધી હતી એટલે આજે સૌએ પોતાનાં ડાયલોગની રિહર્સલ કરવાની હતી.
“ચાલો તમે બંને ઝડપથી સ્ક્રીપ્ટ વાંચી લો અને સ્ટેજ પર આવી જાઓ”સરે નિધિ અને બકુલને કહ્યું.
થોડીવાર પછીનો સીન કંઈક આવો હતો.મોં લટકાવીને હું ખુરશી પર બેઠો હતો.મારી સામે સ્ટેજ પર બકુલ અને નિધિ ઉભા હતા.નિધિનો હાથ બકુલના હાથમાં હતો.
નિધિએ પોતાનો ડાયલોગ માર્યો, “આપણાં લગ્ન થવા સંભવ નથી રાહુલ,આ સમાજ આ દુનિયા આપણને એક નહિ થવા દે”
હા મને ખબર છે. વર્ષો જૂનો એકનો એક ઘસાઈ ગયેલો ડાયલોગ છે.પણ નિધિના મુખે સાંભળીને મને એવું જ લાગ્યું કે આ ડાયલોગ મારા માટે જ લખવામાં આવ્યો છે.
બકુલે નિધિના ગાલ પર હાથ રાખ્યો,મારી તો રીતસરની બળી ગઈ.બકુલે કહ્યું, “કાજલ,હું જાણું છું આ દુનિયા આપણને એક નહિ થવા દે.માટે જ આ સમાજ આ દુનિયાની પરવાહ કર્યા વિના આપણે….”બકુલ પોતાની લાઇન ભૂલી ગયો.મારા માટે આ ગોલ્ડન ચાન્સ હતો.મને ખબર હતી કે હું જે કરવા જઈ રહ્યો હતો એ મૂર્ખામી જ હતી પણ મારે એ કરવું હતું.હું ઉભો થયો અને સર પાસે પહોંચી ગયો.
“સર હું એક સજેશન આપી શકું?”મેં ભારોભાર વિનમ્રતાથી કહ્યું જેથી સરને ખોટું ન લાગે.સરે આંખો ઊંચી કરી હામી ભરી એટલે મેં શરૂ કર્યું, “આપણે વર્ષોથી આ બધા ડાયલોગ સાંભળતા આવીએ છીએ.જો આ નાટક આપણે યુથ ફેસ્ટિવલમાં કરીશું તો વિદ્યાર્થીઓ તો ઠીક જજ પણ બગાસાં ખાશે.”
“તો તમારી પાસે કોઈ નવો આઈડિયા છે?” સરે પૂછ્યું.
‘એટલે જ તો વચ્ચે આવ્યો છું’મનમાં મેં કહ્યું.
“હા સર,મને એક મોકો આપો તો હું પરફોર્મન્સ કરીને બતાઉં”
“બકુલ,નીચે આવી જા”સરે કહ્યું, “એક જ ચાન્સ હા”મારી સામે જોઈને સરે મને સ્ટેજ પર જવા ઈશારો કર્યો.
મારી પાસે એવા કોઈ જોરદાર ડાયલોગ નહોતા જેથી હું સરને ઇમ્પ્રેસ કરી શકું.મને તો ડાયલોગ મારતાં પણ નથી આવડતુ.મારે તો બસ નિધિ સાથે ઉભા રહી આ સીન કરવો હતો.હું તો મોં મલકાવતો સ્ટેજ પર ચડી ગયો.નિધિ પણ મારી સામે જોઇને હસતી હતી.મને લાગતું હતું કે નિધિ સામે હું ઉભો રહીશ એટલે ટાંટિયા એકીબેકી રમવા લાગશે.ગાડી પાંચમાં ગિયરમાં દોડવા લાગશે પણ એવું કંઈ જ ના થયું.નિધિએ મારો હાથ પકડ્યો અને ડાયલોગ માર્યો, “આપણાં લગ્ન થવા સંભવ નથી રાહુલ, આ સમાજ આ દુનિયા આપણને એક નહિ થવા દે”
મેં પણ નિધિના એ મુલાયમ ગાલ પર હાથ રાખ્યો,જાણે નિધિએ રાહુલને નહિ મને જ કહ્યું હોય એમ મેં નિધિની આંખોમાં આંખ પરોવી જવાબ આપ્યો, “હું જાણું છું નિધિ…સૉરી….કાજલ..,આ દુનિયા તો આપણે જુદાં થશું તો પણ વાતો કરવાની જ છે…સમાજનું કામ જ કુથલી કરવાનું છે.પણ હું એ જાણવા માંગુ છું કે તું શું ઈચ્છે છે?..તું આ સમાજથી ડરીને જુદાઈ પસંદ કરીશ કે પછી તારા દિલની વાત સાંભળી મારી સાથે લગ્ન કરીશ?”
આ કંઈ મારા ઘડેલાં શબ્દ નહોતા.આ તો નિધિને જોઈને આપોઆપ સ્ફુરી ઉઠ્યા હતા.લાગણીવાળા શબ્દો.
મારો ડાયલોગ પૂરો થયો એટલે સૌ તાળી પાડવા લાગ્યા.
“વાહ..વાહ...શું ડાયલોગ હતો.એ જ જુનાં ડાયલોગમાં મસાલો ભેળવીને જુદા જ અંદાજમાં રજૂ કર્યો”સરે વખાણ કરતાં કહ્યું.મારું ધ્યાન નિધિ તરફ હતું.એ તો મને એકીટશે જોઈ રહી હતી.તેના ચહેરા પર ના તો સ્માઈલ હતી ના તો કોઈ હાવભાવ.મેં એટલી ગંભીરતાથી તો નહોતું જ કહ્યું.
હું સ્ટેજ પરથી નીચે આવ્યો.સરે મારી પીઠ થાબડી અને હીરોનું પાત્ર હું જ કરું એવું સૂચન કર્યું.જો કાલે કહ્યું હોત તો હું જરૂર હસતાં હસતાં આ ઓફર સ્વીકારી લેત પણ આજે તો હું કાલ જેવો નહોતો રહ્યો.
“સર,મારું કામ માત્ર સજેશન આપવાનું હતું”મેં ઠાવકાઈથી કહ્યું, “અને તમે મને જે પહેલાં પાત્ર આપ્યું તેમાં હું ખુશ છું.સૉરી,હું મુખ્ય પાત્ર નહિ ભજવી શકું”
તમને શું લાગે મેં આ પ્રામાણિકતાથી કહ્યું હશે? ના ભઈ ના.આની પાછળ પણ મારી સાજીશ હતી.માત્ર હું જ નિધિને પસંદ કરું છું કે એ પણ મને પસંદ કરે એ હું જાણવા માંગતો હતો.જો નિધીને મારા માટે કોઈ ફીલિંગ્સ હશે તો એ મને રાહુલનો રોલ કરવા મનાવશે.
હું ફરી ખુરશી પર જઈને બેઠો.આ વખતે મારા ચહેરા પર મોટુ જબરું સ્મિત હતું.પુરી રિહર્સલ દરમિયાન નિધિ મારી તરફ જોતી રહી અને હું પણ નિઃસંકોચ તેને જોતો રહ્યો.
પ્રેક્ટિસ પુરી થઈ ત્યાં સુધીમાં બાર વાગી ગયા હતા. મેં સવારે પણ નાસ્તો નહોતો કર્યો એટલે મને કકડીને ભૂખ લાગી હતી.કેન્ટીનમાં જઈ મેં નાસ્તો કરવાનું વિચાર્યું.નિધિને સાથે આવવા માટે પૂછવાનો વિચાર આવ્યો પણ એ એવું કહીને ટાળી દે કે સરે બકુલ સાથે રહેવા કહ્યું છે એમ વિચારી મેં પૂછવાનું જ માંડી વાળ્યું.મેં પેલું પાત્ર ઠુકરાવીને પગ પર જ કુલ્હાડી નહોતી મારીને?
બેગ ખભે નાખી હું હૉલની બહાર નીકળ્યો.મનમાં એવી આશા સેવતો હતો કે હમણાં નિધિ આવશે અને મને રોકશે.દાદર ઉતર્યો,તો પણ ના આવી.કેમ્પસમાં પહોંચ્યો તો પણ ના આવી.મેં એકવાર પાછળ ફરીને જોઈ લીધું પણ નિરાશા સિવાય પાછળ કંઈ જ નજરે ના ચડ્યું.એક નિસાસો નાખી મેં પોતાના પગ કેન્ટીન તરફ ઉપાડ્યા.
કેન્ટીનના દરવાજા પાસે પહોંચ્યો ત્યાં મીઠો ટહુકો કાને પડ્યો, “ઑય ટીફીનચોર, એકલાં એકલાં નાસ્તો કરી લેવાનો?”
મારે પાછળ ફરીને ખાત્રી કરવાની પણ જરૂર ના પડી કે નિધિ જ છે.હું શાળામાં સૌનો નાસ્તો હડપી જતો એટલે સૌ મને ટીફીનચોર કહીને પણ બોલાવતાં.
હું પાછળ ઘૂમ્યો.ખભે બેગ લટકાવીને નિધિ મારી તરફ આવતી હતી.
“કાલે જ કહ્યું હતું કે આપણે દોસ્ત છીએ અને અત્યારે દોસ્ત વિના નાસ્તો કરવામાં શરમ નથી આવતી?”નિધિએ મારી પાસે આવીને કહ્યું.મારી નજર તેના હોઠ પર હતી.એવા મસ્ત તાલમાં ફફડતા હતા.
“મને લાગ્યું સરે બકુલ સાથે રહેવા કહ્યું એટલે તું તેની સાથે…”મેં કહ્યું અને સાથે ઉમેર્યું, “કૅમ્પસમાં તારી રાહ જોઈ પણ તું ના આવી એટલે હું ચાલતો થયો.”
“એ તો સર બકુલને સમજાવતાં હતા કે તેની જગ્યા પર તને લેવો કૉલેજ માટે કેટલું હિતમાં છે અને એ પાત્ર માટે તને રાજી કરવાની જવાબદારી સરે મારા શિરે રાખી છે”
“એ તો થઈને રહ્યું”મેં હસીને કહ્યું, “મારે એ પાત્ર નથી ભજવવું”
“પણ શા માટે નથી ભજવવું?”નિધિએ પૂછ્યું.અમે બંને કેન્ટીનમાં પ્રવેશી ચુક્યા હતા, “એ સાઈડ રોલ કરતાં તો આ પાત્ર સો ગણું સારું છે”
“પણ મને એ યોગ્ય નથી લાગતું.સરે મને સમજી વિચારીને જ સાઈડ રોલ આપ્યો હશેને?”નિધિ માટે ખુરશી ખેંચી મેં કહ્યું.એ બેસી પછી તેની સામેની ખુરશી પર જઈ હું બિરાજમાન થયો.
“યાર પણ હું એ નાટકમાં નાયિકાના પાત્રમાં છું”નિધિએ ત્રાસી નજર કરી,“તું નાયક બનવા નથી ઈચ્છતો?”
“ઇચ્છાનું તો શું છે? એક પુરી થશે અને નવી જાગશે.આજે સાથે નાટક કરવાની ઇચ્છા થાય,કાલે સાથે ફરવાની ઈચ્છા થશે.પછી ફિલ્મ જોવાની.આગળ નવી નવી ઈચ્છાઓ જાગતી જ રહેશે.”મેં હસીને કહ્યું.
“હા તો તેમાં શું થયું?”નિધિએ કહ્યું, “ઈચ્છા વિનાની જિંદગી ફિક્કી છે.સાવ નીરસ.હું તને મનાવવા માટે નથી કહેતી પણ ઈચ્છાઓ તો હોવી જ જોઈએ”
“તો પણ હું માનવાનો નથી”મેં ચોખ્ખી ના પાડી, “વાત રહી ઈચ્છાઓની તો તારી ઈચ્છા-મારી ઇચ્છા જાણવા માટે આપણે એક દિવસ મિટિંગ કરીશું.હાલ ભૂખ લાગી છે કંઈક મંગાવીએ?”
“લોચો?”નિધિએ પૂછ્યું.
“એ પણ પૂછવા જેવી વાત છે?,સુરતમાં છીએ તો સુરતી બનવું જ પડશેને?”મેં કહ્યું.
“તો સાથે રસાવાળા ખમણ-ઢોકળાં પણ મંગાવી લઈએ?”
“જે હશે તે ચાલશે યાર,મને જોરદાર ભૂખ લાગી છે. સવારે નાસ્તો પણ નહોતો કર્યો મેં”
“એવું થોડું હોય યાર,ભૂખ્યા પેટે ઘરની બહાર ન નીકળાય”નિધિએ ઑર્ડર આપતાં મને સલાહ આપી.
એને કોણ સમજાવે,એને મળવાના ચક્કરમાં ભૂખને પણ સમજાવીને શાંત કરી દીધી હતી.
“તું કૉલેજ માટે સુરત જ કેમ આવ્યો?,ભાવનગર નજીક હતું, અમદાવાદમાં પણ આલીશાન કૉલેજો છે”નિધીએ પૂછ્યું.
“ભાવનગરમાં તો અવારનવાર જવાનું થાય એટલે પૂરું ભાવનગર ખોળી લીધું છે અને મેં સાંભળ્યું છે કે સુરતી લોકો દિલદાર હોય છે તો એ જાણવા માટે આવી ગયો સુરત”મેં કહ્યું.એટલામાં નાસ્તો પીરસાય ગયો.
“ધ્યાન રાખજે,કોઈ સુરતીલાલીના શિકંજામાં ફસાઈ ગયો તો બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે”નિધીએ હસીને કહ્યું.
“ભાવનગરના લાલા થોડાં ઓછાં ઉતરે એમ છે?”મેં કહ્યું, “અને વાત રહી સુરતીલાલીની તો આપણે સુરતીલાલી જોઈતી જ નથી”
મેં એને હિન્ટ આપી દીધી.મારી વાત સાંભળી એ હસવા લાગી.
“સુરતીલાલી વાળો થતો નાસ્તો કરી લે ઠંડો થઈ જશે”નિધીએ કહ્યું.મને પણ નાસ્તાને ન્યાય આપવાનું યોગ્ય લાગ્યું.
નાસ્તો કરી અમે બંને બહાર નીકળ્યા.બિલ પેમેન્ટ કરતાં સમયે શું થયું એ કહેતા તો હું ભૂલી જ ગયો.નાસ્તો કરી પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે બંને વચ્ચે ચુકવણીની બાબતમાં ઝઘડા જેવું થઈ ગયું હતું. નિધિ કહે હું ચૂકવી આપું.મેં કહ્યું હું ચૂકવી આપું.છેલ્લે મેં જ વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો. એકવાર બિલ મારે ચૂકવવાનું એકવાર તેને ચૂકવવાનું.
“કાલે રાત્રે તું જુદો વ્યક્તિ લાગતો હતો અને આજે કંઈક જુદો જ વ્યક્તિ લાગે છે એવું કેમ?”કેમ્પસમાં પ્રવેશતાં નિધિએ પૂછ્યું.
‘તારા કારણે’મારે કહેવું હતું.
“તે જ કહ્યું હતુંને,સામેથી વાતો કરીએ તો સામેવાળા કમ્ફર્ટેબલ ફિલ કરે.!”
“સરસ લો,આજ પછી મને પેલો શાળાવાળો જૈનીત જોવા મળશે”નિધિએ હસીને કહ્યું.
“લે બોલ,તને એ જૈનીત પસંદ હતો”મેં પણ મલકાઈને કહ્યું, “તારા માટે તો હું સીધો થઈને ફરતો હતો”
“હાસ્તો વળી,તું જેવો છે એવો જ રહેને?,બીજા માટે બદલાયને શા માટે પોતાની ફ્રીડમને જતી કરવી”
અમે બંને ગેટ પર પહોંચ્યા.ત્યાં જ પાર્કિંગમાંથી કોઈકે મને સાદ કર્યો.પાછળ ફરીને જોયું તો બકુલ હતો.તેના ફ્રેન્ડ સર્કલ સાથે.મને વહેમ હતો જ.જ્યારે તેના કામ વચ્ચે મેં આડો પગ કર્યો ત્યારે જ તેના ચહેરા પરથી હું કળી ગયો હતો કે ભાઈબંધ વાત દિલ પર લઈ લેશે.
(ક્રમશઃ)
વાત આગળ વધી છે.કદાચ અંજામ સુધી પણ પહોંચવાની જ હશે.પણ જૈનીતે તેનાં સિનિયરની ફજેતી કરીને મુસીબત વ્હોરી લીધી તેનું શું?
જૈનીત કેવી રીતે પ્રેમનો એકરાર કરશે?,વાત આપોઆપ બની જશે કે કોઈ અડચણ આવશે?,જાણવા વાંચતાં રહો.જોકર- સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226