paanch koyada - 15 in Gujarati Fiction Stories by ashish raval books and stories PDF | પાંચ કોયડા - 15

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

પાંચ કોયડા - 15

પાંચ કોયડા-૧૫

ચોથો કોયડો

આ ચોથો કોયડો લેવા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અમારે જવાનું થયું. . ચોથો કોયડો જેમની પાસે હતો ,તે હતા પાંચેક વર્ષ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ માંથી રિટાયર થયેલા ડી.એસ.પી સંજીવ જોગાણી. સંજીવ જોગાણી ના નામ થી વધારે પરિચય મને નહોતો પણ ચોથો કોયડો કીર્તિ ચૌધરીએ તેમને આપ્યો હશે એની પાછળ ચોક્કસ કારણ હશે. રઘલો રિક્ષામાં ગીત ગાઈ રહ્યો હતો.ત્રણ દિવસથી લાગેલો થાક, નિરાશા , અણગમો બધું જ વરાળ બની ઉડી ગયા હતા. સાચે જ મગજ અને મન કેવી રીતે કેળવાયેલા હોય છે. હજી કાલ સુધી આખો દિવસ માંડ નીકળતો હતો ,જયારે આજનો દિવસ હાથમાંથી સરકી રહ્યો હોય તેવું લાગતું હતું .બરાબર ચાર વાગ્યે જોગાણી સાહેબ ના ફલેટે અમેં પહોંચ્યા. મુંબઈના ફલેટોની એક વાત નિરાળી છે .બહારથી કોઈ સ્કીમ તમને જૂનીપુરાણી લાગે, પણ અંદર જઈને તેનુ સુશોભન જુઓ તો આંખો ઠરી જાય. મિસ જોગાણી એ દરવાજો ખોલી અમારું સ્વાગત કર્યું. સંજીવ જોગાણી એ અમારી ઓળખાણ ની વિધિ શાંતિથી પતાવી. થોડીક જ વારમાં તેમની પોલીસ ઓફિસર તરીકેની નહીં પણ એક સરળ ઈમેજ અમારા આગળ ઊભી થઈ. અમે ચોથા કોયડા સુધી પહોંચ્યા તેનો ઉમળકો તેમના શબ્દોમાં દેખાતો હતો. મિસ જોગાણી એ અમારા માટે ચા-નાસ્તો તૈયાર કર્યો,અને સંજીવ જોગાણી એ ચોથા કોયડાની પૂર્વભૂમિકા માંડવાની શરૂઆત કરી.

‘કીર્તિ સાથેની મારી ઓળખાણ દસેક વર્ષ પહેલા એક ફંક્શનમાં થઈ. તમે નહીં માનો એક જાણીતો fiction writer હતો પણ મેં તેની એક પણ ચોપડી વાંચી નહોતી ,અરે ! નામ સુદ્ધાં નહોતો જાણતો’

મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું મારી સાથે પણ આવું જ બન્યું હતું .તેમણે પોતાની વાત આગળ વધારી

પહેલી મુલાકાતમાં જ અમેં આત્મીયતા કેળવી તેને પોતાની ક્રાઇમસ્ટોરી લખવા માટે પોલીસ તંત્ર કઈ રીતે કામ કરે છે ,ઘટનાસ્થળ પર હાજર રહેનાર વ્યક્તિની ભૂલ હોય કે પછી કોઈ હોશિયાર ઓફિસરની સચોટ નજર આખા કેસનુ પરિણામ કઈ રીતે પલટી શકે છે ,તે તમામ બાબતો મારી જોડે જાણવાની જિજ્ઞાસા હતી. પોલીસતંત્રે સોલ્વ કરેલા અને પોલીસ તંત્ર થી અનસોલ્વડ કેસોમાં તેને ખૂબ રસ પડતો .આવો જ એક અનસોલ્વડ કેસ મારા જીવનમાં આવ્યો હતો.’

આટલું બોલીને અટક્યા અને અમારા પર નજર કરી, અમે બંને હવે પછીનો દરેક શબ્દ સાંભળવા આતુર હતા .અમારા બંને સામે મલકીને તેમણે વાત આગળ વધારી.

“ વાત 1981ના સમયના આસપાસની છે તે વખતે મુંબઈના જાણીતા બિલ્ડર હતા દ્વારકાદાસ શેઠ !તે વખતે બિલ્ડર લોબીમાં “દાસ કોર્પોરેશન “ ની શાખ બહુ મોટી ગણાતી.

એ દ્વારકાદાસ શેઠ નું મોત એવું રહસ્યમય રીતે થયું એનો તાળો મેળવી શકાતો નથી . જુહુમાં તે વખતે દ્વારકાદાસ શેઠ નો મોટો બંગલો “દાસ હાઉસ “ ગૌરવ સમાન ગણાતો. અત્યારે તો ત્યાં પણ ફ્લેટની સ્કીમ પડી ગઈ છે. એ દાસહાઉસમાં જ દ્વારકાદાસ શેઠ નું મૃત્યુ થયું. હવે દ્વારકાદાસ શેઠના પરિવારની વાત કરું, તો તેમના એક પત્ની વિદ્યાબેન અને શેઠ ને પોતાને ત્રણ સંતાનો. બે દીકરા અને એક દીકરી. આ ઘટના બની ત્યારે ત્રણેયના લગ્ન થઈ ચૂક્યા હતા દીકરી ગૌરી લગ્ન કરીને અમેરિકા સ્થાયી થઈ ચૂકી હતી .બંને પુત્રો માં મોટો પુત્ર ‘કુલદીપ અને તેની પત્ની માયા’ અને નાનો પુત્ર ‘શરદ અને તેની પત્ની દીપીકા’ .એ બધા ઘરમાં સાથે રહેતા દ્વારકાદાસ ની ઉંમર તે વખતે ૬૨ વર્ષની આસપાસ હશે .મોટો પુત્ર કુલદીપ પિતા સાથે ધંધામાં હતો. જ્યારે નાનો પુત્ર શરદ થોડોક રંગીન મિજાજનો હતો. વારે ઘડીએ પાર્ટીઓ કરવી, દારૂ પીવો વગેરે તેના શોખ હતા. એમ જોઈએ તો દ્વારકાદાસ શેઠ નું ચારિત્ર પણ શંકાથી પર નહોતુ . યુવાવસ્થામાં શરદ ની જેમ શરાબ અને શબાબ તેમની કમજોરી હતા. તેમની પત્ની વિદ્યાબેન તો સાક્ષાત દેવી સ્વરૂપ ! આખો દિવસ પ્રભુ ભજન અને ભક્તિમાં ગાળનાર.મોમાંથી ક્યારેય કડવો વેણ ના નીકળે !આ સિવાય ઘરમાં ત્રણ નોકરો અને એક માળી. ઘરનો સૌથી જૂનો નોકર ચરણદાસ, જે દ્વારકાદાસ ના પિતાના વખતથી ફરજ બજાવતો .અને બાકીના નોકરો માં કાળુ અને સુખી. બંને પતિ-પત્ની અને ચરણદાસ કાયમ આ બંગલામાં રહેતા.

આટલું બોલી તેમણે ફરી આંખો મીંચીને આખી ઘટના યાદ કરી

હવે તે દિવસની વાત કરુ.જુહૂ પોલીસ મથકે બરાબર 11:30 વાગ્યે દાસહાઉસમાંથી કુલદીપ નો ફોન આવેલો.તે વખતે હું ડી.એસ.પી નહતો.તેજ પોલીસ મથકમાં પી.આઇ તરીકે ફરજ બજાવતો . દાસ હાઉસમાં ગોળીબાર થયેલો છે અને તેમાં શેઠ દ્વારકાદાસ ને ગોળી વાગેલ છે .એ સમાચારની જાણ થતાં હું મારા ચુનંદા સ્ટાફ સાથે તરત જ ત્યાં પહોંચ્યો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે દ્વારકાદાસ મૃત્યુ પામી ચૂક્યા હતા. દ્રારકાદાસની પોતાના જ બેડરૂમમાં હત્યા કરવામાં આવી હતી. તેમનો મૃતદેહ પલંગ પર પડયો હતો. પોઇન્ટ બ્લેન્ક રિવોલ્વર થી છાતીના ભાગમાં બે ગોળી મારવામાં આવી હતી.ઘરમાં એ વખતે વિદ્યાબેન સિવાયના બધા હાજર હતા. વિદ્યાબેન તે વખતે એક ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.પોલીસની પાંચ મિનિટ પહેલા જ તે ઘટના સ્થળે પહોંચ્યા હતા ,પોતાના પતિની આ રીતે હત્યા થયેલી જોઈ તે બેહોશ થઈ ગયા હતા.

તમને જરા દાસહાઉસ વિશે માહિતી આપુ.દાસ હાઉસ એ લગભગ અડધા એકરમાં ફેલાયેલો વિશાળ બંગલો છે.બંગલાની ફરતે ચારેબાજુ સાત ફુટની ઉંચી દિવાલ આવેલી છે.અંદર દાખલ થવા માટે એકજ મોટો ઝાંપો છે.ઝાંપામાંથી દાખલ થતા વિશાળ ફરસ શરૂ થાય છે.ઝાંપાની ડાબી બાજુ શેડ બનાવેલો છે.જેમાં દસેક ગાડીઓ સાથે પાર્કિંગ થઇ શકે એવી વ્યવ્સ્થા છે.ફરસ સર્પાકાર રીતે આગળ વધે છે.તેની જમણી બાજુ સુંદર બગીચો બનાવેલ છે.હવે બંગલાની વાત કરુ તો પ્રવેશતાની સાથે જ મોટો દીવાનખંડ,દીવાનખંડ ની પછીતે કિચન,જમણી તરફ ગેસ્ટ રૂમ અને નોકરોના રહેવાના રૂમ છે.નીચે એક મોટો બેડરૂમ જે શરદ અને દિપિકા વાપરે છે.ઉપર સીડી ચઢતા એક દીવાનખંડ અને તેની બાજુમાં શેઠ દ્રારકાદાસ નો બેડરુમ, અને તેને અડીને કુલદીપ અને માયાનો બેડરૂમ.વાંચવા માટે લાઇબ્રેરી રૂમ અને પુજારૂમ પણ ત્યાં જ છે. હવે એ રાતે શું બન્યું હશે તે કહું .તેમના વિશ્વાસુ નોકર ચરણદાસ અને બીજાના બયાન ઉપરથી આખી ઘટના કંઈક આ રીતે બન્યું હોય તેવું લાગે છે.

એ દિવસે તેમના ઓફિસનો કલાક મનોહર બરાબર 9:00 વાગે ઓફિસના જરૂરી ચોપડા લઈ શેઠ દ્વારકાદાસ ને મળવા આવ્યો. મોટેભાગે આગંતુકો સાથે આવી બેઠક દીવાનખંડમાં થતી હોય છે, પણ મનોહર સાથે આ બેઠક શેઠ દ્વારકાદાસ એ પોતાના બેડરૂમમાં જ કરી. કુલદીપ ને આ વાતની નવાઈ લાગી પણ કોઇ અગત્યની વાત કહેવાની હશે તેમ માની તેને ધ્યાન ના આપ્યું. દ્વારકાદાસ એ રૂમમાં ઠંડુ મંગાવેલ અને ચરણદાસ ને સૂચના આપેલ કોઈ રૂમની અંદર આવી તેમને ખલેલ ના પહોંચાડે. વધુમાં ચરણદાસ એ એવું પણ કહેલું, રૂમનો દરવાજો દ્વારકાદાસ એ અંદરથી બંધ કરેલ.સવા નવની આસપાસ વિદ્યાબેન તેમની ગાડી લઇ ડ્રાઇવર સાથે ભજનમાં જવા નીકળેલ. શરદ પોતાની પત્ની દીપિકા સાથે નીચેના બેડરૂમમાં જ હતો. કુલદીપ સાડા નવ સુધી છાપા વાંચી પોતાના બેડરૂમમાં સૂવા ગયો. તે વખતે પણ દ્વારકાદાસ ના રૂમ નું બારણું અંદરથી બંધ હતું કુલદીપ ની પત્ની માયાને ઊંઘ ના આવતી હોવાથી તે લાયબ્રેરી રૂમમાં વાંચવા ગઈ. દસ વાગ્યા સુધી મનોહર સાથે દ્વારકાદાસ ની મીટીંગ ચાલી. બરાબર દસ વાગ્યા આસપાસ મનોહર દ્વારકાદાસ ના રૂમ ની બહાર નીકળ્યો,અને દ્વારકાદાસ ના રૂમમાંથી સંગીત શરૂ થયું. દ્વારકાદાસ સંગીતના શોખીન હતા અને શોખ પણ કેવો ! ટેપરેકોર્ડર નો યુગ શરૂ થઈ ગયો હતો ,છતાં હજી તેમના રૂમમાં જૂનું ગ્રામોફોન હતું.દરરોજ રાતે તેઓ એકાદ કલાક જૂની ફિલ્મો કે પછી શાસ્ત્રીય સંગીતની કેસેટ સાંભળતા. મનોહર ઓરડામાંથી નીકળ્યો અને આ સંગીત શરૂ થયું. મનોહર ને ગેટ સુધી વળાવીને ચરણદાસ પોતાના રૂમમાં સુઈ ગયા. 11:00 આસપાસ અચાનક ઘરની લાઈટો ઊડી ગઈ. મોટી વહુ માયા એ વખતે લાયબ્રેરી રૂમમાં હતી તે તરત પોતાના રૂમમાં જવા ઊભી થઈ. એ જ વખતે બરાબર બે ગોળી ના રાઉન્ડ નો અવાજ દ્વારકાદાસ રૂમમાંથી આવ્યો. ધડાકા એટલા સ્પષ્ટ હતા કે નીચેના રૂમમાં રહેલા શરદ અને દીપિકાએ પણ સાંભળ્યા. માયા ત્યાં સુધી દ્વારકાદાસ ના રૂમ સુધી પહોંચી ચૂકી હતી,પણ અંધારું અને ડરના કારણે તે ઓરડામાં જવાની હિંમત ના કરી શકી. આ બાજુ કુલદિપ પણ ધબકતા હૃદયે રૂમમાંથી બહાર નીકળ્યો. અંધારામાં શું કરવું કોઈને ગતાગમ પડી નહીં. ફરીથી કુલદિપ પોતાના બેડરૂમ માં જઇ ડ્રોઅરમાંથી ટોર્ચ લઇને આવ્યો. ટોર્ચ લઈ તે બહાર નીકળ્યો અને ટોર્ચ ના પ્રકાશમાં પહેલા તેણે માયાને પિતાજીના દરવાજા નજીક ઉભેલી જોઈ. કુલદિપ નજીક આવેલા જોયા માયામાં હિંમત આવી. બંને જણા દરવાજાને હડસેલી દ્વારકાદાસ ના ઓરડામાં પ્રવેશ્યા. હજી દ્વારકાદાસ ના ઓરડામાંથી ગ્રામોફોન નું સંગીત ચાલુ જ હતું તેમણે ટોર્ચ દ્વારકાદાસ ના પલંગ પર ફેંકી ત્યારે જે દૃશ્ય બંનેએ જોયું બંને ને આંખો પર વિશ્વાસ ન આવ્યો !દ્રારકાદાસ ની લાશ લોહી નીતરતી હાલતમાં બિછાને પડી હતી. માયા તો આઘાતના કારણે ચિત્કારી ઉઠી.શરદ, દીપિકા અને બધા નોકરો એકસાથે ઉપર પહોંચ્યા .અંદરનું દ્રશ્ય દરેકને ખળભાવી મુકે તેવું હતું કુલદીપ એ તરત બાજી સંભાળી ને બધાને બહાર નીકળી જવા કહ્યું. આ ઘટનાની દસેક મીનીટ પછી તરત જ દાસ હાઉસ અને નજીકના બંગલાઓની લાઈટ ફરી આવી ગઈ. કોઈ ટેકનિકલ ખામીના કારણે થયું કે !કોઇએ જાણીજોઇને કરાયેલું કૃત્ય ,તે સમજમાં ન આવ્યું. કુલદિપ પહેલા તેના ફેમિલી ડોક્ટરને ત્યારબાદ પોલીસ સ્ટેશને અને વિદ્યાબેન જે હોલમાં હતા ત્યાં ફોન લગાવ્યો.અમારી ટીમ ત્યાં પહોંચી અને આખી ઘટનાની તપાસ શરૂ કરી.

તેમના વર્ણને આ આખી ઘટના મારા આગળ તાર્દશ રજૂ કરી. તેમણે આ ઘટનાની તપાસ કઇ રીતે શરૂ કરી તે જાણવાની અજીબ તાલાવેલી હતી.પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે સમગ્ર કુટુંબ આઘાતમાં હતું બંને પુત્રવધુ નું રુદન ચાલુ હતું કુલદીપ અને શરદ અજીબ અવઢવમાં હતા પિતાના મૃત્યુનો શોક પણ હતો અને હત્યાનો બદલો લેવાનું જુનુન પણ. ઘરનુ દરેક સભ્ય બીજાને શંકાની નજરે જોતો હતો.

મેં મારું ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. ખૂનની જાણ થયા પછી કોઇએ ક્યાંય હાથ અડાડયો ન હતો ,એ મારા માટે પ્લસ પોઈન્ટ હતો.દ્વારકાદાસ મૃતદેહ બિલકુલ બેડ ના છેડે પડ્યો હતો. કદાચ તે બેડ પર થી ઉભા થયા હોય ત્યારે જ ગોળી વાગી હોય તેવું લાગ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી અને ઘટનાસ્થળ ધ્યાનથી જોતાં એવું લાગ્યું કે ગોળી બરાબર સામેથી ત્રણેક ફૂટના અંતરેથી મારવામાં આવી હશે. રૂમની બારીઓ ખુલ્લી હતી પણ ત્યાંથી આ પ્રકારનું નિશાન લઇ શકાય તેમ નહોતું.

રૂમને બે દરવાજા હતા. એક દાખલ થવાનું બારણું અને બીજું બારણુ બાલ્કનીમાં ખુલતું હતું બાલ્કની નું બારણું અંદરથી બંધ હતું એવું બયાન દરેકે મને આપ્યું. ખૂની જો બાલ્કનીમાંથી અંદર પ્રવેશ્યો હોય તો પણ એ વાત લગભગ અશક્ય હતી. શેઠ દ્વારકાદાસ ની બાલ્કની જમીનથી વીસેક ફુટ ઉંચી હતી. રૂમ સુધી પહોંચવાની દિવાલ પણ એકદમ સીધી હતી, અને ત્યાં સુધી કદાચ સ્પાઇડરમેન જ પહોંચી શકે. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે ખૂની મુખ્ય બારણામાંથી પ્રવેશ્યો હોય .ઘરના નોકરે કહ્યું કે બંગલાનું મુખ્યદ્રાર અંદરથી બંધ હતું. એટલે ત્યાંથી કોઈ પ્રવેશી શકે એવું લાગ્યું નહીં દ્વારકાદાસ ના રૂમની અંદરથી પાણીના ગ્લાસ પર મનોહરની ફિંગર પ્રિન્ટ મળી અને બાકી રૂમમાંથી નોકરો સિવાય બીજા કોઈની ફિંગર પ્રિન્ટના મળી.ઘરના સભ્યો સિવાય કોઈ ઘરમાં ન હતું તેવુ સ્પષ્ટ થતા મેં રાત્રે જ એ દરેકના બયાન લેવાનું નક્કી કર્યું .બીજી એક વાત આખા કેસમાં તપાસ કરતાં મારા ધ્યાનમાં આવી જે હું પાછળથી કહું છું.

ત્રણ વાગ્યા આસપાસ મે દરેક બયાન લેવાનું શરૂ કર્યું .બયાન લેવાનું મેં એક અલગ ઓરડામાં વારાફરતી શરૂ કર્યું. એક પોલીસવાળા ને ખાસ નજર રાખવા મૂક્યો કે તેઓ અંદરોઅંદર ગુફતેગુ ના કરી શકે. એક વિદ્યાબેન સિવાયના દરેક ના બયાન મેં લીધા પણ કોઈના બયાનમાં એવી ખામી નજરમાં ન આવી કે એકે પર શંકા જાય. ઘરના નોકરો અને સભ્યોના બયાન રજૂઆતની રીતે અલગ હતા પણ દરેકના બયાનમાં સામ્યતા હતી.ઘરના સભ્યોએ ખૂન કર્યું હોય તો કોઈ પાસે એટલો સમય હતો નહીં કે મર્ડર વેપન સંતાડી શકે. અમે આ આખા ઘરની સતત બે દિવસ તલાશી લીધી. એકે એક ગુપ્ત તિજોરીઓ, ઓરડાઓ બગીચા અને ઘરની આસપાસના એક કિલોમીટર સુધીના વિસ્તારને ફેંદી નાખ્યો પણ ક્યાંય રિવોલ્વર મળી આવી નહીં,વધારામાં જ્યારે તમે રિવોલ્વરથી ગોળી ચલાવો છો ત્યારે તેનો ગન પાઉડર તમારી હથેળી કે કપડાં પર ક્યાંક રહી જાય છે.એવા કોઈપણ ગન પાઉડરના નિશાન ઘરના એક પણ સભ્ય કે નોકર ની હથેળી પર મલ્યા નહીં.

આ ખુન અમારા માટે કોયડા સમાન બની ગયું હતું. વધારામાં કોઈ મોટીવ ઘરના એક પણ સભ્ય પાસે હતો નહીં. આટલા મોટા ઘરના કોઈ સભ્યને બાનમાં લેતા પહેલા કોઈ તો સોલીડ પ્રુફ મળવા જોઈએ. પણ અમને એક પણ એવા મળ્યા નહી. હવે એક જ વ્યક્તિ બાકી રહેતો હતો મનોહર ! જે દ્વારકાદાસ શેઠને છેલ્લે મળ્યો હતો. આ મનોહર વિશે તપાસ કરતાં અમુક એવી ચીજો ધ્યાનમાં આવી તે એકદમ પેચીદી હતી.આ મનોહર છ મહિના પહેલાં જ દાસ કોર્પોરેશનમાં જોડાયો હતો .એ પણ કોઈ જાતના ઈન્ટરવ્યૂ વિના . મુખ્ય મુનીમજી અને બીજા કામ કરતા લોકોનું કહેવું હતું કે તેને સીધો દ્વારકાદાસ ના હુકમથી અપોઇન્ટ કરાયો હતો .વધુમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે મનોહરની મા હેમુ છ મહિના પહેલા જ બીમારીથી મૃત્યુ પામી હતી.આ હેમુ દ્વારકાધીશના પિતાએ શરુ કરેલી એક સ્કુલ “જીવનભારતી” માં પ્રિન્સિપાલ હતી.તેની પ્રિન્સીપાલ તરીકેની ભરતી પણ દ્વારકાદાસ ની લાગવગ ના લીધે થઇ હતી. કારણ કે તે એક તો બિન અનુભવી હતી અને પાછી સ્ટાફમાં સૌથી નાની. જુના સ્ટાફનું કહેવું હતું કે આ મનોહર ની માં હેમુ અને દ્વારકાદાસ ના સંબંધો શંકાથી પર નહોતા. આ વાતને પુષ્ટી ત્યારે મળી કે જ્યારે તપાસમાં એ ધ્યાનમાં આવ્યું કે

દ્વારકાદાસે મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેલી પોતાની જમીન મૃત્યુ પહેલા મનોહર નામે કરી હતી. એ સમયે પણ એ જમીનની કિંમત કરોડોમાં હતી.

આ મનોહર જ એક એવો વ્યક્તિ લાગ્યો કે જેને આ મૃત્યુ થી મોટો ફાયદો થતો હોય. સ્ટાફ ના કહેવા મુજબ બરાબર પંદર દિવસ પહેલા દ્વારકાદાસ ની કેબિનમાં કોઈ મુદ્દા પર દ્વારકાદાસ અને મનોહર નો મોટો ઝઘડો પણ થયેલો. અમે મનોહર ના રિમાન્ડ લીધા પણ તેણે એક જ વાત પકડી રાખી કે તે સેઠ દ્વારકાદાસ ના ઘરે થી દસ વાગ્યે સાયકલ લઈને નીકળ્યો. તે પોતે ક્રિકેટ મેચ નો શોખીન છે એટલે 11 વાગ્યા આસપાસ ટિળકમેદાનમાં રમાતી નાઈટ ટુર્નામેન્ટ જોવા ગયો હતો. અમને ઢગલાબંધ સાક્ષીઓ મળી આવ્યા કે જેઓએ આ વાતને સમર્થન આપ્યું કે ૧૧ થી ૧ વાગ્યા આસપાસ મનોહર તેમની સાથે હતો. મનોહર ની ધરપકડ કરી શકાય એવું પણ હતું નહીં. આ હતો એક અનસોલ્વડ કેસ પોલીસ તંત્ર માટે ! દુર્ભાગ્યે એ તપાસ મારા માટે આવી. આ બનાવની વાત મેં જયારે કિર્તીચૌધરીને કરી ત્યારે બીજા દિવસે એમણે એક થિયરી રજુ કરી. આ થિયરી એવી સચોટ લાગી કે મારી જાત પર મને અફસોસ થયો કે તપાસ કરતા આ વાત મારા ધ્યાનમાં કેમ ના આવી !

“શું હતી એ થીયરી “ રઘલાએ પૂછ્યું

“ શું હતી એ થીયરી ?” સંજીવ જોગાણી મોટેથી ખડખડાટ હસવા લાગ્યા.એમનું એ અટહાસ્ય બંધ થયું ને તે બોલ્યા :” એ જ તો તમારો ચોથો કોયડો છે.”