Chakli, Vandro ane mellenians in Gujarati Comedy stories by Adhir Amdavadi books and stories PDF | ચકલી, વાંદરો અને મિલેનિઅલ્સ

Featured Books
Categories
Share

ચકલી, વાંદરો અને મિલેનિઅલ્સ

ચકલી, વાંદરો અને મિલેનિઅલ્સ

એક મોટું ઝાડ હતું. આ ઝાડ પર વાંદરાઓની અવરજવર રહેતી. ઝાડની પાસે ઝાડીમાં ચકલી અને ચકલા મહેનત કરીને માળો બાંધી રહ્યા હતા. વાંદરો આ બધું જોઇને હસતો હતો. ચકલી ચકલાએ માળો બાંધી દીધો અને એમાં રહેવા લાગ્યા. એટલામાં વરસાદ પડ્યો. ચકલી અને ચકલો તો આરામથી માળામાં ભરાઈ ગયા પણ ત્યાં જુએ તો ઝાડ પર વાંદરાભાઈ ટાઢથી થરથરતા હતા. આ જોઇને ચકલીથી રહેવાયું નહીં અને સલાહ આપી બેઠી: ‘વાંદરાભાઈ તમે પણ અમારા જેમ માળો બાંધીને રહેતા હોવ તો આમ ઠંડી-વરસાદમાં હેરાન ના થવું પડે’. પણ વાંદરો કીધો કોને? એનો પિત્તો ગયો. બે કોડીની ચકલી મને સલાહ આપે? એ કુદકો મારીને ચકલીના માળા પાસે પહોંચ્યો અને માળો વીંખી નાખ્યો.

એને મિલેનિઅલ માઈન્ડ સેટ નામ આપવામાં આવ્યું છે. વાંદરાની માળો ન બનાવવાની વૃત્તિને. મીલેનીઅલ એટલે ૧૯૮૧ થી ૨૦૦૦ વચ્ચે જન્મેલા. ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો મોટા મોટા મેગેઝીન્સ, ખાસ કરીને ફાઇનાન્સિઅલ મેગેઝીન્સમાં પ્રોપર્ટી ઓન કરવાને બદલે રેન્ટ કરવાના કારણોને જસ્ટીફાય કરતા લેખો વાંચવા મળી જશે. કારને બદલે ટેક્સીમાં ફરવાની કોસ્ટ બેનીફીટ એનાલીસીસ નજરે પડશે. એક વાત તો માનવી પડે કે મીલેનીઅલ જનરેશન આજમાં જીવે છે. પણ રોજ કમાઈને રોજ ખાનારથી થોડાક જ જુદા. ક્રેડીટ કાર્ડને કારણે મન્થ એન્ડની એમણે રાહ જોવી નથી પડતી. એ કાર નથી ખરીદતા ઉબેર કરે છે. ઘેર ફૂડ બનાવે તો શોખ ખાતર, બાકી સ્વીગી અને ઝોમેટો છે જ. ઘર, ફર્નીચર, અપ્લાયન્સીસ બધું જ રેન્ટ પર એટલે એક ઝાડ પરથી બીજા ઝાડ પર સારું અને વધારે મધ દેખાય તો કુદકો મારતી વખતે બધું સાથે લઈને ના જવું પડે. અને મોટે ભાગે આ વર્ક કરી રહ્યું હતું. સિક્યોર્ડ મા-બાપે પોતાના ઘડપણની વ્યવસ્થા કરી જ હોય એટલે મિલેનિઅલને માથે કોઈ જવાબદારી પણ ના હોય. એટલે હુતોહુતી છુટ્ટા!

તો આગળની જનરેશન ડફોળ હતી? હાસ્તો. માળો બનાવવાની મહેનત કરાય? હું વાંદરો હોઉં, અને નવરો હોઉં તો દલીલ કરું કે વરસાદ પડશે તો છત્રી ધરી દઈશ. આમેય વરસાદ કેટલા દહાડા પડે? અને ઠંડી પડશે તો કોકની બાલ્કનીમાં ભરાઈ જઈશું. આગળની ડફોળ જનરેશને આખી જિંદગી માળો બનાવવામાં અને ફ્યુચર સિક્યોર કરવામાં ઘસી નાખી. આખા વરસના ઘઉં ખરીદી સાફ કરી ભરવાના, પછી દળાવવાના સાલું એટલો ટાઈમ ક્યાં છે? પરંતુ આવું કોરોના અને લોકડાઉન થાય કે ટાંટીયા તૂટે કે ઘેર બેસવાનું આવે, બેચલર્સને દેખીતા કારણોસર ઘર ભાડે ન મળે, ઘરમાં કિલો કિલો લોટ આવીને ખાતા હોય અને લોકડાઉનમાં જ નહીં પરંતુ અવારનવાર લોટ લેવા દોડવું પડતું હોય, ચાર દિવસ ઓનલાઈન ડીલીવરી બંધ થાય તો હાંફળા થઇ જવાતું હોય તો વાનરત્વ છોડીને ચક્લીત્વ અપનાવવું રહ્યું. બાકી વધારે સલાહ નથી આપવી નહીતર આ દીવાલ બગાડશે કોક મિલેનિઅલ !