So so salaam bharti bahenne in Gujarati Moral Stories by Alpesh Karena books and stories PDF | સો સો સલામ ભારતી બહેનને

Featured Books
Categories
Share

સો સો સલામ ભારતી બહેનને

સુખી દામ્પત્યજીવન મળે એવી સૌ કોઈની ઈચ્છા હોય પરંતુ નસીબની ઘરઘંટી 7નો આંટો ફેરવે કે 8નો એ કુદરતના હાથની વાત છે. લગ્નના 12 વર્ષ બાદ પતિનું અવસાન અને એ સમયે બે બાળકો, એક 10 વર્ષનો અને બીજો એનાથી નાનો. નાના દીકરાને જન્મથી જ એક આંખ નહિ અને પિતાના અવસાન બાદ મોટા દીકરાએ પણ 1 વર્ષ બાદ બંને આંખો ગુમાવી દીધી. વિધવા હોવા છતાં આટલી મુસીબતોનો સામનો કેવી રીતે કર્યો એ જાણીને મારું પણ હદય દ્રવી ઊઠ્યું. લો આપની સમક્ષ રજૂ કરું છું પંચાલ ભારતીબેન અને તેમના સંઘર્ષની હળવી ફૂલ વાતો.....

2001માં આવેલા ખતરનાક ભૂકંપના થોડા સમય બાદ જ ભારતીબેનના પતિનુ એટેકના કારણે અવસાન થયું. માતપિતાનાં હજારો વાર કહેવા છતાં પણ ભારતી બહેને બીજા લગ્ન કરવાની ના પાડી. ભારતી બહેને કહ્યું કે-હું આજીવન એકલી જ રહીશ. કારણ કે મને મારા બાળકનું વધારે ટેન્શન છે. આવનાર પતિ અને એના ઘરના લોકો મારા બાળકનો સાથ આપશે કે કેમ? એવા અનેક પ્રશ્નોના કારણે ભારતી બહેને બીજા લગ્ન જ નાં કર્યા. તમને એવા વિચાર આવતા હશે કે, ભારતી બહેને આવું કેમ કર્યું. ંમને પણ પહેલા આવતા હતા. પરંતુ જ્યારે મે તેમને સાંભળ્યા પછી મને મારો જવાબ મળી ગયો અને મને આશા છે કે, તમને પણ મળી જશે.

પતિના અવસાન બાદ સરકારની યોજના પ્રમાણે બાલમંદિરમાં ભારતીબહેનને નોકરી મળી અને 900 રૂપિયા પગાર સાથે ત્યાં નોકરી કરવાનું શરુ કર્યું. સાસરી વાળાના પ્રતિભાવો સારા ન હોવાના કારણે પોતાના પિયરમાં જ બે બાળકો સાથે રહેવાનું પસંદ કર્યું. બરાબર એક વર્ષ બાદ મોટા દીકરા કિશન સાથે પણ દુર્ઘટના ઘટી. છાપરા પરથી નીચે પડવાનાં લીધે મગજમાં પાણી ભરાવા લાગ્યું અને એના કારણે ટ્રીટમેન્ટ કરવાની થઈ.

આ ટ્રીટમેન્ટમાં કિશને હંમેશા માટે પોતાની બંને આંખો પણ ગુમાવી દીધી. કિશન બીમાર અવસ્થામાંથી નોર્મલ અવસ્થામાં માત્ર અને માત્ર ખેડાવાળા માતાજીની કૃપાથી જ આવ્યો છે, કેમ કે લગભગ અમદાવાદની બધી જ હોસ્પિટલમાંથી કિશનનાં કેસમા બધા ડોક્ટરોએ હાથ ઊંચો કરી દીધો હતો. આવું કહીને ભારતી બહેને માતાજીની શ્રદ્ધા પણ બતાવી હતી.

દિવસ દરમિયાન બીજા લોકોના ઘરના કામ કરવા તેમજ બાલમંદિરમાં પણ સાથે સાથે નોકરી તો ચાલુ જ. અને દિવસનાં અંતે તમારા-મારા જેવા લોકોના લીધે થતું મેન્ટલી ટોર્ચર તો સાથે અને સાથે જ. ઉપરા-ઉપરી આવા ખરાબ પ્રસંગો બન્યા હોવા છતાં પણ ભારતી બહેન અડગ મનના મુસાફરની જેમ જિંદગીથી કંટાળી ન ગયા. સમાજ પર તેમને ખૂબ ભરોષો હતો અને તેમની આજુબાજુના લોકોએ એ વાતને પુરવાર પણ કરી બતાવી. ભારતી બહેન જ્યાં-જ્યાં જતાં ત્યાં દરેક જગ્યાએ તેમને ખૂબ સારો પ્રતિભાવ મળતો.

જે શાળામાં તેમના દીકરાઓ ભણતા હતા ત્યાં શાળા તરફથી આર્થિક સહાય મળતી તેમજ કૉલેજમાં પણ આ સહાય મળતી રહી. તેમજ જ્યારે-જ્યારે આવી સહાય મળતી ત્યારે એમને અંદરથી આનંદ થતો કે, જે થયું સારું થયું. કેમ કે જો હું નોર્મલ જીંદગી જીવતી હોત તો આટલી સારી દુનિયા અને સારા માણસો જોવા ના મળ્યા હોત.

પતિના અવસાન બાદ બંને છોકરાઓને જાતે જ મોટા કર્યા. ભારતીબહેન એવું સ્પષ્ટ પણે કહે છે કે, જ્યારથી મારા પતિ નથી ત્યારથી લઈને આજદિન સુધી મને મારા ભાઈ, ભાભી, મામા, માસી, માતા, પિતા તેમજ સમાજના લોકોનો ખૂબ જ સહકાર મળ્યો છે. "નારી તું નારાયણી"જેવી ઉક્તિને સચોટ પણે સાર્થક કરતા ભારતી બહેન અત્યારે હાલમાં અમદાવાદની અંદર શ્રીનાથ એપાર્ટમેન્ટમાં નવા વાડજ ખાતે પોતાની જીંદગી જીવી રહ્યા છે. બન્ને બાળકો પણ સરસ રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. સલામ છે આવી નારીને....

- અલ્પેશ કારેણા.