વાર્તા- બ્રાહ્મ મુહૂર્ત લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643
રાત્રિના અંધકાર ને ચીરતી કુલદીપ ની કાર સડસડાટ જઇ રહી હતી.ઘડિયાળ બાર વાગીને વીસ મિનિટ નો કાંટો બતાવી રહી હતી.ઉનાળાની રાત હતી અને ખુશનુમા વાતાવરણ હતું એટલે એ.સી.બંધ રાખ્યું હતું.જગજીતસિંહ ની ગઝલો વાગી રહી હતી.હજી તો ઘરે પહોંચતાં ત્રણ કલાક લાગે એવું તો હતું જ.કુલદીપને ચા પીવાની જોરદાર ઇચ્છા હતી.દૂરદૂર સુધી અંધકાર ફેલાયેલો હતો.કોઇ હોટલ આવેતો સારૂં એવું વિચારીને તેણે સ્પીડ વધારી.
કુલદીપ એક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવતી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર હતો.પરમદિવસે સાંજે ઑફિસ છૂટવાના સમયે જ તેના ઉપરીનો ફોન આવ્યો કે આજે રાત્રે જ ઉદયપુર જવા નીકળી જાઓ.આવતીકાલે ત્યાં સેલ્સ સ્ટાફની મીટિંગ લેવાની છે.કુલદીપ ઘરે પહોંચીને ફ્રેશ થઇને બૅગ તૈયાર કરીને ગાડી લઇને નીકળી ગયો.જ્યોતિ નાનકડી દીકરી આશ્કા સાથે પિયરમાં એક પ્રસંગમાં હાજરી આપવા ચાર દિવસ પહેલાં ગઇ હતી.તેને આજે જવાનું હતું પણ અચાનક ઉદયપુર નો પ્રોગ્રામ બની ગયો એટલે સાસરીમાં જવાનું કેન્સલ કરવું પડ્યું.નોકરી સાચવવા ઘણા સામાજિક પ્રસંગો નો ભોગ આપવો પડતો હતો.કોઇવાર ઘરમાં આ કારણે ઘર્ષણ થતું ખાસ કરીને જ્યોતિ ના પિયરના પ્રસંગો ગુમાવવા પડતા ત્યારે.તેને રોજ એવો વિચાર આવતો કે ખાનગી કંપનીઓ માં આખી જિંદગી ઢસરડા કરીને શું મેળવવાનું? કામ,કામ અને બસ કામ.પણ પૈસાની મજબૂરી આ ઢસરડા કરાવેછે.
દૂર કોઇ હોટલ દેખાઇ એટલે કુલદીપે વિચારો ખંખેરીને ગાડી હોટલ બાજુ લીધી.હોટલ સારી હોય એવું લાગ્યું એટલે ગાડી ઊભી રાખી.હાથ મોં ધોઇને ફ્રેશ થઇને ચા નો ઓર્ડર આપ્યો.ભૂખ તો લાગી જ નહોતી.ચા ખરેખર કરંટ આવી જાય એવી મસ્ત હતી એટલે બીજી ચા મંગાવી.કાઉન્ટર ઉપર બેસેલો માણસ કુલદીપ સામે જોઇને હસ્યો.કુલદીપને થાક પણ લાગ્યો હતો.તેણે કાઉન્ટર ઉપર પેમેન્ટ કર્યું અને પછી એ ભાઇને પૂછ્યું ' આ બહાર ખાટલાઓ પાથરેલા છે તેમાં હું એકાદ કલાક આરામ કરી શકું?'
' અરે શું વાત કરોછો સાહેબ,તમારા જેવા મહેમાનો માટે તો સગવડ કરેલી છે.' કાઉન્ટરમેન વિવેકી લાગ્યો.
કુલદીપે ખાટલામાં લંબાવ્યું.થોડીવારમાં તો તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઇ.અને પછીતો છેલ્લા બે વર્ષથી તેને ભર ઊંઘમાં જે સપનું આવતું હતું એ શરૂં થયું.કુલદીપ કાર લઇને હાઇવે ઉપર જઇ રહ્યો છે.ટ્રાફિક નહીંવત જેવો છે.અંધારૂ છે અને તેની નજર થોડે દૂર સુધી જાયછે.એક લેધરની મોટી બૅગ રસ્તાની સાઈડમાં પડેલી છે.રસ્તા ની સાઈડમાં પડેલી આ બૅગ નવી નકોર દેખાયછે. તે કાર ઊભી રાખેછે અને બૅગ ઉપાડેછે.બૅગ ઘણી વજનદાર લાગી.તેણે ચેઇન ખોલી.અંદર નજર કરી અને આભો બની ગયો.આખી બૅગ સોનાની લગડીઓ થી ભરેલી હતી.તેણે ચેઇન બંધ કરી અને બૅગ કારની ડેકીમાં મુકીને કાર ભગાવી.આખી જિંદગી પૈસાના અભાવમાં વિતાવી હતી.હવે તો આ લૉટરી લાગી હતી એટલે બસ જલ્સા જ કરવાના છે.આખા રસ્તે આ પૈસાનું કેવું આયોજન કરવું એ વિચારો જ આવતા રહ્યા.
ઘરે પહોંચીને તેણે આ બૅગ સ્ટોરરૂમમાં મુકી દીધી.ઇચ્છા તો હતી લગડીઓ ગણવાની અને સોનાના ભાવ મુજબ કેટલી રકમ છે એ જાણવાની પણ જ્યોતિ પૂછે તો શું કહેવું એ કારણે પછી શાંતિથી ગણાશે એમ વિચારીને બૅગ માળિયામાં ચડાવી દીધી.
લગડીઓ ગણવાની જરૂર જ ના પડી.બીજા દિવસના ન્યૂઝ પેપરમાં સમાચાર હતા કે ગઇકાલે શહેરના પ્રતિષ્ઠિત જ્વેલર્સ ખીમજીભાઇ જ્વેલર્સ ના શો રૂમમાંથી ત્રીસ કરોડના સોનાના બિસ્કીટ ની ચોરી.સી.આઇ.ડી.ને તપાસ સોંપવામાં આવી.એક મહિના સુધી કુલદીપ ઘરની બહાર ના નીકળ્યો.સી.આઇ.ડી.તપાસમાં એવું બહાર આવ્યું કે ચોરો રાજ્ય બહાર ભાગી જવામાં સફળ થઇ ગયાછે.એટલે હવે તપાસનો છેડો રાજ્ય બહાર લંબાયો.
કુલદીપ ત્રીસ કરોડનો માલિક બની ગયો હતો પણ તુરંત આંખ ખૂલી ગઇ.તેણે કપાળ કૂટ્યું.બે વરસથી આ સપનું આવી રહ્યું હતું.તેની ઊંઘ ઉડી ગઇ.કડક ચા નો ઓર્ડર આપ્યો અને ચા પીને ફ્રેશ થઇને તેણે જવા માટે બૅગ ઉપાડી.કાઉન્ટર ઉપર બેસેલા ભાઇએ કહ્યું ' સાહેબ, આગળની ચેકપોસ્ટ ઉપર કડક ચેકીંગ ચાલી રહ્યું છે.પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે કોઇ ઇન્ફોર્મેશન છે કે હથિયારો સપ્લાય થવાના છે.સાચવજો સાહેબ અને ફરી કોઇવાર પધારજો.'
તેણે કાઉન્ટર ઉપર બેસેલા ભાઇને સો રૂપિયા બક્ષિસ આપી.પેલા ભાઇએ હસીને આભાર માન્યો.
તેને યાદ આવ્યું કે સાંજે ઉદયપુરથી નીકળતી વખતે તેના બૉસે તેને કહ્યું હતું કે સાચવીને જજો.આજકાલ રસ્તામાં પોલીસ ચેકીંગ ચાલેછે.કુલદીપ કંઇ જવાબ આપે એ પહેલાં તો તેના ઉપરી શર્મા સાહેબે જ બૉસ ને કહ્યું કે ' સાહેબ,ચેકપોસ્ટ ના મેઈન ઓફિસર દિગ્વિજયસિંહ કુલદીપ ના જીગરજાન મિત્ર છે એટલે કુલદીપ ની ગાડી કોઇ ચેક નહીં કરે.'
'ખરેખર કુલદીપ આ શર્મા સાચું કહેછે?' બૉસે હસતાં હસતાં પૂછ્યું.
કુલદીપે આ સાચું છે એ સાબિત કરવા દિગ્વિજયસિંહ ને ફોન લગાવ્યો.અને બૉસને સંભળાવવા સ્પીકર ચાલું કર્યું. ' બોલ કુલદીપ કેમ યાદ કર્યો ભઇલા?' સામે દિગ્વિજયસિંહ હળવા મૂડમાં હતા.
' દિગ્વિજય, અત્યારે હું ઉદયપુર થી ગાડી લઇને નીકળવાનો છું પણ માહિતી મળી છે કે રસ્તામાં ચેકપોસ્ટ ઉપર ચેકીંગ ચાલી રહ્યું છે.તો પછી હું ઘરે ક્યારે પહોંચું ભઇલા?'
' અરે યાર તારો ગાડી નંબર લખાવી દે .હું ચાર્જમાં હોઉ અને તારી ગાડી ચેક થાય? તારે સડસડાટ ઘરે પહોંચી જવાનું બસ?
કુલદીપે ગાડી નંબર લખાવી દીધો.બૉસને લાગ્યું કે આટલા મોટા અધિકારી સાથે કુલદીપ ને ગાઢ મિત્રતા તો છે જ.પછી બૉસે ચા પીવા આગ્રહ કર્યો એટલે અડધો કલાક બેસવું પડ્યું.બસ પછીતો કુલદીપ ત્યાં થી નીકળી ગયો. અત્યારે આ વાત યાદ કરીને તેને હસવું આવ્યું.
થોડે દૂર તેને ચેકપોસ્ટ ઉપર વાહનો ની લાઇન અને પોલીસ ચેકીંગ ચાલી રહેતું દેખાયું.તેની ગાડી નજીક આવી એટલે એક અધિકારી તેની ગાડી પાસે આવ્યો અને કુલદીપ ને કહ્યું કે દિગ્વિજયસિંહ સાહેબ નો ફોન આવી ગયોછે.તમે ગાડી જવાદો હવે આગળ કોઇ રોકશે નહીં.કુલદીપ અધિકારીનો આભાર માનીને આગળ વધ્યો.
તેનું શહેર હવે પંદર કિલોમીટર દૂર હતું.પણ ગાડી અચાનક ખડખડ અવાજ કરવા લાગી અને પછી બંધ પડી.તેણે ઘડિયાળમાં જોયું ત્રણ વાગ્યા હતા.જોકે હાઇવે ઉપર ટ્રાફિક હતો એટલે ડર નહોતો.
તેણે ટુલબોક્ષ માટે પાછળની ડેકી ખોલી.ટુલબોક્ષ તો મળ્યું પણ ડેકીમાં કોઇ મોટી લેધરની બૅગ પડી હોય એવું લાગ્યું.તેણે યાદ કર્યું.એતો ફક્ત એક થેલો લઇને જ આવ્યો હતો તો પછી આ બૅગ? તેણે ફટાફટ બૅગની ચેઇન ખોલી અને તેના મોંમાંથી શબ્દો નીકળ્યા ' માય ગૉડ' તેણે ઝડપથી બૅગ બંધ કરી અને ગાડી રીપેર કરીને ચાલુ કરી અને ગાડી ભગાવી.હવે તેનું મગજ કામે લાગ્યું.બૅગમાં ખીચોખીચ સોનાના બિસ્કીટ ભરેલા છે એ અમારા બૉસના જ છે.તેના બૉસ દાણચોરી નો માલ લાવેછે એવી ઉડતી વાતતો તેણે પણ સાંભળી હતી.હકીકતમાં મારી દિગ્વિજયસિંહ સાથેની ઓળખાણનો લાભ ઉઠાવી આ દાણચોરી નું સોનું મારી ગાડીમાં સહીસલામત શહેરમાં ઘુસાડવાનું પ્લાનિંગ હતું બૉસનું.
તેના દિમાગમાં હવે શેતાને પ્રવેશ કર્યો.એટલામાં બૉસનો ફોન આવ્યો ' કુલદીપ તું પહોંચી ગયો?'
' ના સાહેબ મારી ગાડી રોકી છે અને ચેક થાયછે.મારા ઓળખીતા અધિકારી દિગ્વિજયસિંહ અત્યારે બીજે ડ્યુટી ઉપરછે.નવા અધિકારી કશું સાંભળવા તૈયાર નથી.મને ફોન પણ કરવા દેતા નથી.'
' કુલદીપ,તારી ગાડીની ડેકીમાં મારી એક બૅગ મુકીછે એ પકડાયતો મારૂં નામ આપતો નહીં અને તું અજાણ્યો થઈ જજે.ભૂલથી પણ મારૂં નામ ના આપતો પ્લીઝ' સાહેબ ઉત્તેજિત સ્વરે બોલી રહ્યા હતા.
' ઓકે સાહેબ પણ આતો હું ભરાઇ પડ્યો ને સાહેબ.મને કહેવું તો હતું સાહેબ કે બૅગ મુકી છે.'
' સૉરી કુલદીપ પણ મને સાચવી લેજે.' સાહેબે આજીજી કરી.
એક કલાક પછી કુલદીપે તેના બૉસને સામેથી ફોન કર્યો.' બોલ કુલદીપ શું થયું?'
' સાહેબ,બૅગ પકડાઇ ગઇછે.અધિકારીએ અલગ અલગ કાગળો ઉપર મારી પચાસ સહીઓ કરાવી લીધી છે અને મને કહ્યું છે કે તમારી FIR બનશે પછી તમારે કોર્ટમાં હાજર થવું પડશે.મેં તેને ઑફર કરી જોઇ પણ અધિકારી ઑનેસ્ટ છે.તેણે પૂરેપૂરો માલ રેકોર્ડ ઉપર લઇ લીધો છે.સાહેબ, હું વગર લેવાદેવા નો મરી જઇશ.' કુલદીપ ને પોતાને પણ નવાઇ લાગી કે તે આવી શાનદાર એક્ટિંગ કરી જાણેછે.
બોસે કહ્યું કે ' કુલદીપ સોનું ભલે ગુમાવ્યું ફરી કમાઇ લઇશું.પણ આમાં મારૂં ક્યાંય નામ ના આવે એવી તને રિકવેસ્ટ કરૂં છું.તારો કોર્ટનો તમામ ખર્ચ તથા ન કરે નારાયણ અને તને સજા થઈ તો તારા ફેમિલી ને ખર્ચ ના પૈસા પણ હું મોકલતો રહીશ.
' ઓકે સાહેબ.હું આપનો નમકહલાલ છું.તમે હવે નચિંત રહેજો.' કુલદીપે આટલું કહીને ફોન કટ કરી દીધો.
હવે તેને થોડી ભૂખ પણ લાગી હતી.એક હોટલ ખૂલ્લી હતી.તેણે ચા નાસ્તો કર્યો.પછી તેણે ફરી બૉસને ફોન કર્યો' સાહેબ, એક સારા સમાચાર છે.'
' બોલ જલ્દી કુલદીપ' બૉસ તણાવમાં હતા.
' સાહેબ, તમને ફોન કર્યા પછીની દસમિનિટ પછી દિગ્વિજયસિંહ નો ફોન મારે લાગ્યો.બધી વાત થયા પછી એમણે મને કહ્યું કે ' કુલદીપ, સોનું પકડાઇ ગયું છે અને રેકોર્ડ ઉપર લેવાઇ ગયું છે એટલે હવે સોનું તો પરત નહીં મળી શકે.પણ હું એટલી મદદ કરી શકું કે હજી તારી FIR ફાટી નથી એટલે હું ફરિયાદમાં એવું લખાવી શકું કે સોનાની ભરેલી બૅગ કોઇએ પકડાઇ જવાની બીકે બહાર ફેંકી દીધેલી હાલતમાં મળી છે પણ માલિકની ભાળ મળી નથી.'
' તો પછી દિગ્વિજયસિંહ ને કહીદે કે આવું કરી જ દો.સોનું પરત ના મળે તો કંઇ નહીં પણ બધા બચી તો જઇએ.' બૉસે ઉત્તેજિત સ્વરે કહ્યું.
કુલદીપે સિગારેટ સળગાવી.કયાંક વાંચ્યાનું યાદ આવ્યું કે કોઇ સપનું સતત સેવો તો એ સપનું આપણું અર્ધ જાગ્રત મન સ્વીકારી લેછે અને મહાશક્તિશાળી અર્ધ જાગ્રત મન તેને હકીકતમાં બદલી નાખેછે.
કુલદીપ ત્રીસ કરોડના સોનાનો માલિક બની ગયો હતો.પરોઢ નો સમય થયો હતો.આજનું બ્રાહ્મ મુહૂર્ત તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઇને આવ્યું હતું.