Babumoshay ae koi bungali mithaainu naam chhe ? in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | બાબુમોશાય એ કોઈ બંગાળી મીઠાઈનું નામ છે? ડાયાબિટીસનો EXCLUSIVE ઈન્ટરવ્યુ!

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

બાબુમોશાય એ કોઈ બંગાળી મીઠાઈનું નામ છે? ડાયાબિટીસનો EXCLUSIVE ઈન્ટરવ્યુ!

'બાબુમોશાય એ કોઈ બંગાળી મીઠાઈનું નામ છે?' : ડાયાબિટીસનો EXCLUSIVE ઈન્ટરવ્યુ!

તમે નહીં માનો, પણ આપણા દેશમાં ડાયાબિટીસ આજ-કાલ રોગ કરતાં વધારે સોશિયલ સ્ટેટ્સ બનતો જાય છે!

બે યાર..., જબરા રોલા હોય ડાયાબિટીસવાળાઓના. જમતા પહેલાં ત્રણ જણા ગોળી યાદ કરાવે. બે-ચાર જણા 'એમને ગોળી લેવાની હોય. એમને જલદી જમવા આપી દો'ની ટાપસી પણ પુરાવે. જોકે, ડાયાબિટીસવાળાઓને એ ટાપસી પૂરતો જ ફાયદો થાય. લાપસી બની હોય તો ન મળે! જમવામાં આ રીતે 'અનામત' મળે એટલે કે વહેલો વારો આવી જાય. જમવાનું મોડું થાય અને ભૂખના માર્યા દેકારો કરે તો ઘરવાળી સાચવી પણ લે કે, 'એમને ડાયાબિટીસ છે એટલે જલદી ધખી જાય.'

પહેલો ફાયદો એ કે કોઈપણ પ્રસંગમાં જમવાનું વહેલું મળે. બીજો ફાયદો એ કે ગુસ્સો આવે તો ડાયાબિટીસના કારણમાં ખપી જાય. ત્રીજો એ કે ચા-કૉફી અલગ બને. ખાંડ વગરની. એનો એક ફાયદો એ થાય કે એમના એકલા માટે બનતી હોય એટલે આખા દૂધની બને. ક્વૉન્ટિટી ઓછી હોવાથી બનાવનારીને અંદર પાણી ઠપકારવાનો બહુ સ્કોપ રહે નહીં. જોકે, અનુભવી અને જમાનાની ખાધેલ ગૃહિણીઓ તો આમાં પણ શકનનું પાણી ધબેડી જ દે. આજ-કાલ તો દર ત્રીજો મહેમાન ડાયાબિટીસવાળો આવે. દરેકને આખા દૂધની ચા પીવડાવીએ તો નખ્ખોદ ના નીકળી જાય? કંઈક અવેળ જેવું હોય કે નહીં?

વધુ એક ફાયદો એ કે ઘરવાળીઓ દિવસમાં ચાર-પાંચ વાર મહેમાનથી માંડીને બધાને સંભળાવે કે, 'તમારા ભાઈને તો ડાયાબિટીસ રહ્યો ને એટલે એમનું જમવામાં બહુ ધ્યાન રાખવું પડે. આટલા વાગ્યે તો પાટલો માંડી જ દેવો પડે.' (વાઈસે વર્સા ડાઈનિંગ ટેબલ પર ગુડી દેવા પડે. નહીં તો હાળા ભાણા પછાડે.) આગળની લાઈનમાં 'ઘરવાળીઓ' શબ્દ ફ્લો ફ્લોમાં લખાઈ ગયો છે. એ તો સામાન્ય રીતે સજ્જન પુરુષોને એક જ હોય! હોવ...

ઘરવાળી ડાયાબિટીસના આંકડાનું બહુ ધ્યાન રાખે. ભૂલેચૂકે થોડો વધુ આવી ગયો હોય તો એ સમયગાળમાં ઘરે આવનારા દરેક મહેમાનને ઘરવાળાઓ હુલ્લડના મર્ડરના આંકડાની જેમ તમારા ડાયાબિટીસના આંકડા સંભળાવે કે `તમારા ભાઈને તો સોમવારે 210 ડાયાબિટીસ આવેલો, બોલો!` તમારા ઘરમાં તમારા ડાયાબિટીસના આંકડાની ચર્ચા શેરબજાર કરતાં પણ વધુ થતી હોય. ઘરમાં તમે માણસ નહીં, પણ જાણે હરતા-ફરતા સેન્સેક્સ બની જાવ. જે ગમે ત્યારે વધતો અને ઘટતો રહેતો હોય.

મને આ ડાયાબિટીસમાં બહુ રસ પડ્યો. થયું કે આ ડાયાબિટીસનો ઈન્ટરવ્યુ કરવો જોઈએ. મે'કુ, ઘર-ઘરમાં ઘર કરી ગયેલા આ રોગ સાથે એકાદી વાર વાત તો કરીએ. ડાયાબિટીસ ખાતાં-પીતાં ઘરના માણસનું ભાણુ જે રીતે નીરસ કરી નાંખે એવો જ નીરસ ઈન્ટરવ્યુ છે પણ, તમે જરા નજર મારી જુઓ.

હું : કેમ છો?

ડાયાબિટીસ : કડવો છું.

હું : સ્વાદ નથી પૂછતો. તબિયતની વાત છે.

ડાયાબિટીસ : તમને કંઈ અક્કલ બક્કલ છે કે નહીં? રોગોને તો કંઇ તબિયત પુછાતી હશે?

હું : તો શું પુછાય? રોગોનો ઇન્ટરવ્યુ કરવાનો આમ બહુ અનુભવ નથી એટલે પૂછું છું? તમારામાં વાત કેવી રીતે શરૂ થાય? કેટલા ભારે છો એમ પૂછવાનું?

ડાયાબિટીસ : વાત શરૂ કરતા બી આવડતી નહીં ને ઇન્ટરવ્યુ કરવા નીકળી સે! લ્યા ભૈ, કંઈ અક્કલ બક્કલ છે કે નૈ?

હું : બક્કલ પટ્ટામાં છે, એ ટાઈટ છે. અક્કલનો ખાસ ખ્યાલ નથી.

ડાયાબિટીસ : જાવ નીકળો અહીંથી... નથી આપવો ઇન્ટરવ્યુ.

હું : તમે તો યાર ખરેખર બહુ કડવા નીકળ્યા. તમે યાર આમ આકરા ના થાવ.

ડાયાબિટીસ : જલદી બોલો, શું પૂછવું છે? મારી પાસે બહુ ટાઈમ નથી. ટારગેટ પૂરો કરવા હજુ ઘણા મોટા ફાંદાળાઓનો ભરડો લેવાનો છે.

હું : તમને ખાતાં-પીતાં ઘરના લોકો સામે વાંધો શું છે?

ડાયાબિટીસ : એટલે?

હું : એટલે એમ કે તમે જેમના પર ત્રાટકો છો, એમનું સરખું ખાવા-પીવાનું પણ બંધ કરાવી દો છો. તમને ખબર છે? તમારા ચક્કરમાં લોકોએ સુગર પણ સુગર ફ્રી શોધી કાઢી છે!

ડાયાબિટીસ : (ભડકેલા અવાજમાં) અમારી રોગોની હવે પહેલા જેવી વેલ્યુ જ નથી રહી. અગાઉ લોકો અમારી આમન્યા જાળવતા. હવે તો સુગર ફ્રીના શોર્ટકટ શોધી કાઢે છે.

હું : હા, તે વળી તમારા પાપે લોકો જીવવાનું થોડું બંધ કરી દે. માણસ ખાય-પીવે તો ખરો કે નહીં?

ડાયાબિટીસ : હા, તે ગળ્યા સિવાય પણ ઘણું છે જગતમાં ખાવા-પીવા જેવું. લીમડો, કારેલાં, કડવું-કડિયાતું...

હું : એટલે લોકો તમારા પાપમાં લીમડાના પાન જ ચાવતા ફરે એમ? ને આમ આદુ ખાઈને કડવા સ્વાદની પાછળ શું પડી ગયા છો? કડવો તો કોઈ સ્વાદ છે?

ડાયાબિટીસ : પણ એમાં પોષકતત્ત્વો કેટલા બધા હોય!

હું : કંકોડા...

ડાયાબિટીસ : હા, કંકોડા ખવાય. એનો વાંધો નહીં.

હું : એમ નહીં.

ડાયાબિટીસ : તો કેમ?

હું : હું એમ કહું છું કે શું કંકોડા પોષકતત્ત્વો હોય?

ડાયાબિટીસ : શેમાં?

હું : કડવા સ્વાદમાં.

ડાયાબિટીસ : હું સમજ્યો કે તમે કંકોડાની વાત કરો છો.

હું : કેમ?

ડાયાબિટીસ : તમે જ તો કહ્યું કે કંકોડામાં પોષકતત્ત્વો હોય!

હું : ના, મેં એમ કહ્યું કે શું કંકોડા પોષકતત્ત્વો હોય?

ડાયાબિટીસ : તમે યાર, કંઈ બી ના બોલો. મને તમારા સવાલ જ નથી સમજાતા!

હું : મને તમે નથી સમજાતા. તમારા જેવા તે કંઈ રોગ હોતા હશે બાબુમોશાય? સામાન્ય રોગોમાં દર્દી ખાઈ-પીને તાજો-માજો થાય જ્યારે તમારામાં તો સારું ખાવા-પીવા પર જ પાબંધી?

ડાયાબિટીસ : આ બાબુમોશાય શું છે? કોઈ બંગાળી મીઠાઈ છે? એ તો બિલકુલ નહીં ખાવાની.

હું : તમને યાર બધે મીઠાઈ જ દેખાય છે!

ડાયાબિટીસ : તે તમને પણ ક્યાં નથી દેખાતી? તમારી તાસીર હું જાણું જ છું. તમારે મન તો 'ગળ્યું એ ગળ્યું ને બાકી બધું બળ્યું' જ છે.

હું : હા, છે જ... તો?

ડાયાબિટીસ : તો કંઈ નહીં, હું વહેલા મોડો તમારા પર પણ ત્રાટકવાનો.

હું : ધમકી આપો છો?

ડાયાબિટીસ : ના, ધમકી નહીં ચેતવણી. જો ગળ્યું ઝાપટવાનું ઓછું નહીં કરો તો ભવિષ્યમાં મારે તમારા શરીરમાં પણ ધામા નાંખવા પડશે.

હું : તો તમતારે થાય એ કરી લેવાનું હોં. અમે કંઈ તમારાથી ફાટી પડતા નથી.

ડાયાબિટીસ : મારું આવું ઘોર અપમાન? જાવ નથી આપવો ઇન્ટરવ્યુ.

હું : તો વાવમાં જાવ. મારે લેવોય નથી.

ડાયાબિટીસ : વાવમાં જાવ એટલે?

હું : એ અમારી સૌરાષ્ટ્ર બાજુ ડાબા હાથે બોલાતી જમણા હાથની ગાળ છે. જેનો મૂળ શબ્દ જાહેરમાં લખાય એમ નથી.

ડાયાબિટીસ : પણ એ છે શું? કહો તો ખરા?

હું : હું તમારો ઇન્ટરવ્યુ લેવા આવેલો તમને ઇન્ટરવ્યુ આપવા નહીં. આમ પણ પત્રકાર હોવાના કારણે હું સામાન્ય રીતે સવાલો ઊભા કરવા કે પૂછવા જ ટેવાયેલો છું, જવાબો આપવા નહીં. અસ્તુ.

ફ્રી હિટ :

આપણા દેશમાં એઈડ્સ પણ કોઈ રોગ નહીં, પણ કેરેક્ટર સર્ટિફિકેટ છે. હોવ...હમ્બો...હમ્બો...!