To afva achhhi hai in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | તો અફવા અચ્છી હૈ... કેટલાંક ફેલાવવા જેવા પડીકાં...!

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

તો અફવા અચ્છી હૈ... કેટલાંક ફેલાવવા જેવા પડીકાં...!

તો અફવા અચ્છી હૈ...: કેટલાંક ફેલાવવા જેવા 'પડીકાં'...!

અફવાને હાથ કે પગ નથી હોતા. એ ઈશ્વર જેવી હોય છે - અદ્રશ્ય અને નિરાકાર. મજાની વાત એ છે કે ઈશ્વરની જેમ એ પણ નરી આંખે દેખાતી ન હોવા છતાં કેટલાંક લોકો તેના પર ઈશ્વર જેવો જ ભરોસો કરતાં હોય છે. જોકે, અફવા તો એવી હોય છે કે એ ઈશ્વરને પણ બક્ષતી નથી હોતી ને એના કારણે ઈશ્વર પણ રાતોરાત 'દૂધ પીતાં' થઈ જાય છે. કેટલાક નાસ્તિકોના મતે તો ઈશ્વર પણ એક અફવા છે. ખેર, આવી જ એક અફવાના કારણે એકવાર કેરળમાં જોવા જેવી થઈ.

2 ઓગસ્ટ 2019ના ગુરુવારે સવારે કેરળના મુન્નારની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ અધિકારી પોતાની ઓફિસ પહોંચ્યા તો ચોંકી ગયા. એમની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યાં. એમને લાગ્યું કે એકાએક જ પોસ્ટનો વિતી ગયેલો સુવર્ણ યુગ પાછો આવી ગયો! કારણ કે તેમની કચેરીની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો લાગેલી હતી. એ તમામ પોસ્ટમાં ખાતુ ખોલાવવા ઈચ્છતાં હતાં. જોતજોતામાં ભીડ એ હદે વધી ગઈ કે એને કાબુમાં રાખવા પોલીસ બોલાવવી પડી.

વાત જાણે એમ બની હતી કે કોઈ મજાકિયાએ અફવા ફેલાવી હતી કે 2014ની ચૂંટણી પહેલાના વચન પ્રમાણે વડાપ્રધાન મોદી દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા જમા કરાવવાના છે. આ અફવા એટલી ઝડપથી ફેલાઈ રહી હતી કે માત્ર છ કલાકમાં જ એક હજારથી વધુ ખાતાં ખુલી ગયાં.

વાસ્તવિકતા એ હતી કે કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે દેશભરમાં એક કરોડ નવા પોસ્ટ ખાતા ખોલવાના લક્ષ્યાંક હેઠળ કચેરીએ નવા ખાતા ખોલવાનું અભિયાન શરૂ કર્યું હતું. એ સંજોગોમાં જ કોઈએ અફવા ફેલાવતા પોસ્ટ ખાતાએ સ્પષ્ટતા કરવી પડી કે અમે ક્યારેય એવું નથી કહ્યું કે પોસ્ટમાં ખાતું ખોલાવનારાંને જ કોઈ વિશેષ લાભ મળશે. તેમણે લોકોની ગેરસમજ દૂર કરવા એ મુજબનું બોર્ડ પણ માર્યું છતાં એને અવગણીને લોકો ખાતાં ખોલાવતાં જ રહ્યાં. અફવા પણ અંધશ્રદ્ધા જેવી હોય છે...યૂ નો...! હોવ...હમ્બો...હમ્બો...!

ચાલો, એ બહાને લોકોએ પોસ્ટમાં ખાતા તો ખોલાવ્યા અને મુન્નારમાં પોસ્ટનું અભિયાન તો સફળ રહ્યું. સર્ફ એક્સેલની એડમાં એક મેસેજ જોવા મળે છે કે જો એનાથી કોઈનું ભલું થતું હોય તો દાગ અચ્છે હૈ...! એ જ રીતે જેનાથી કોઈનું ભલું થાય અને વિવિધ અભિયાન સફળ કરાવે એવી અફવાઓ કઈ હોઈ શકે? અમે પણ કેટલીક આવી સારી અફવાઓ વિચારી છે. જેના નમૂના અહીં પ્રસ્તુત છે.

ટ્રાફિક સપ્તાહને સફળ બનાવતી અફવા

દેશના કોઈપણ રોડના આગળના ચાર રસ્તે ટ્રાફિક પોલીસ ન હોય તો પણ એ તરફ જનારા લોકોમાં અફવા ફેલાવો કે આગળ પોલીસ દંડ કરે છે. લોકો કાં તો રસ્તો બદલી નાંખશે કાં તો ડેકીમાંથી કાઢીને હેલ્મેટ પહેરી લેશે.

નશામુક્તિ માટેની અફવા

'મોદી 15 લાખ જમા કરાવે છે'ની જ તર્જ પર અફવા ફેલાવો કે વિજય માલ્યાની જપ્ત કરેલી સંપત્તિ દારૂ ન પીવાનો સંકલ્પ લેનારા દારૂડીયાઓમાં વહેંચી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસની જેમ જ નશામુક્તિ ખાતામાં લાઈનો ન લાગે તો કહેજો.

વાયુ પ્રદૂષણ નિવારક અફવા

કોઈ અફવા ફેલાવો કે હવે આધાર સાથે વાહનનું પીયુસી લિંક્ડ નહીં હોય તો પણ લોન નહીં મળે. જેમને પીયુસીનું ફૂલફોર્મ પણ ન ખબર હોય એવા લોકો પણ પીયુસી કઢાવવા ન દોડે તો કહેજો. જેમને વાહન નહીં હોય એ લોકો પણ પહેલા પીયુસી કઢાવવા દોટ મુકશે. જોકે, પીયુસીનું ફૂલફોર્મ જાણીને આઘાત પામી જશે.

વીમા અભિયાન માટેની અફવા

કોઈ અફવા ફેલાવો કે મોદી 15 લાખ જમા કરાવે છે, પણ જે કુટુંબમાં એક પણ વ્યક્તિ વીમાકવચ વગરની હશે તે કુટુંબના ખાતામાં જમા નહીં થાય. એ બહાને દરેક સામાન્ય માણસ મિનિમમ વીમાકવર ધરાવતો તો થશે. જેથી મધ્યમવર્ગીય કુટુંબનો કોઈ મોભ તૂટી પડે ત્યારે એમને એ આપત્તિ ઓછી નડે.

મનોરંજક ધાર્મિક અફવા

કોઈ અફવા ફેલાવો કે જે વર્ષો પહેલા જે ગણપતિએ દૂધ પીધેલું એ હવે બોર્નવિટા પીવે છે. ન્યૂઝ ચેનલ્સને ટીઆરપીનો તડાકો પડશે અને 'દાદાને બોર્નવિટા પીવડાવો' જેવા કહેવાતા ભક્તિગીતોનો રાફડો ફાટશે. ભક્તોને ભક્તિ અને અભક્તોનો મનોરંજનનો અવસર મળશે. હોવ...હમ્બો...હમ્બો...!

સર્ટિફાઈડ દેશભક્ત બનાવતી અફવા

અફવા ફેલાવો કે સરકાર એક દેશભક્તિ મંત્રાલય ખોલવા જઈ રહી છે. મંત્રાલયની યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે સૈન્ય ફંડમાં પોતાનો ફાળો નોંધાવી, એની પાવતી રજૂ કરનારા તમામ દેશભક્તોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષરવાળું દેશભક્તિ પ્રમાણપત્ર આપવામાં આવશે. સર્ટિફાઈડ દેશભક્ત બનવા લોકો લાઈનો લગાવશે અને સૈન્ય ફંડ છલકાઈ જશે.

ચંદ્ર પર પ્લોટની અફવા

અફવા ફેલાવો કે ભારત સરકારના ચંદ્રયાને ત્યાં કેટલીક જમીનો કબ્જે લઈને ભારતનો વિસ્તાર ઘોષિત કરી દીધો છે. ચંદ્ર પર પ્લોટ ફાળવવા માટે બિડિંગ શરૂ થવાનું છે. આયકર વિભાગ સામે સૌથી વધુ જમીન દર્શાવનારાઓને જ એ બિડિંગમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. જાહેરાતના અંતે એટલી નોંધ લખવાની કે - જમીન બીજાના નામે હશે તો પણ ચાલશે. પછી જૂઓ તાલ. હોવ...

માતૃ-પિતૃ તર્પણ કરાવતી અફવા

કોઈ અફવા ફેલાવો કે મોદી 15 લાખ જમા કરાવે છે, પણ જેમના માતા-પિતા કે સાસુ-સસરા વૃદ્ધાશ્રમમાં હશે તેમને નહીં મળે. સરકારે આ માટે વૃદ્ધાશ્રમોનો ડેટા ભેગો કરવો શરૂ કર્યો છે. એ બહાને કંઈ કેટલાય માવતરોનું ભલું તો થશે.

ફ્રી હિટ :

ચોર – ચોકીદાર ભેગા થઈ ગયાં,

બે અલગ સંસ્કાર ભેગા થઇ ગયા.

આપણે ઘરના રહ્યા ન ઘાટ ના,

સાધુઓ સંસાર ભેગા થઇ ગયા.

ને ખલીલ અફવાને પાંખો આપવા,

શહેરના અખબાર ભેગા થઇ ગયાં.

– ખલીલ ધનતેજવી