વાર્તા-જન્મકુંડળી લેખક- જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775
રાસબિહારી પોતાની જન્મકુંડળી અલગ અલગ જ્યોતિષીઓને બતાવીને હવે થાક્યો હતો.દરેક જ્યોતિષીએ બતાવેલ અનેક જાતના ઉપાય કરી જોયા પણ પોતાની વેળા વળતી નહોતી.ઘણા મિત્રો તેને ટોકતા પણ ખરા કે ‘ભાઇ,પરિશ્રમ કર અને ભગવાન ઉપર ભરોસો રાખ.સમય બદલાશે એટલે બધુ સારું થઇ જશે.’ પરિશ્રમ તો તેણે બચપણથી કર્યો હતો અને મંદિરોના પગથીયા પણ ઘસી નાખ્યા હતા.જીવનમાં સફળતા મેળવવા માટે હવે શું કરવું જોઇએ તે બાબતે રાસબિહારી ગુંચવાઈ ગયો હતો.બેઈમાન માણસોને જલસા કરતા જોતો ત્યારે તેને ઘણા વિચારો આવતા પણ પોતે ઈમાનદારીથી જ સફળ થવા માગેછે તે નક્કી હતું.મિત્રો અને સ્વજનો પણ કહેતા કે આટલું સારું ભણેલો છે અને તોયે સફળતા ના મળતી હોય તો થોડા બેઈમાન બનવું જોઇએ.ઈમાનદાર અને બેઈમાન બંને પાંચસો ની નોટ લઇને બજારમાં ખરીદી કરવા જશે તો બંનેને પાંચસોના મૂલ્ય ની જ વસ્તુઓ મળશે.
રાસબિહારી એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો.ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને એક દીકરાનો બાપ બન્યો હતો.એમ.કોમ ઈંગ્લીશ મિડીયમ માં કર્યું હતું એટલે પ્રાઇવેટ કંપનીમાં જોબ તો મળી ગઇ પણ પગારમાં શોષણ અને કામ અને જવાબદારીનું ભારણ.સરકારી નોકરીમાં બે વાર સિલેકશન થયું હતું પણ એકવાર આખું વેઇટીંગ લીસ્ટ રદ થઇ ગયું અને બીજી વાર ભરતી ઉપર પ્રતિબંધ આવ્યો એટલે હોઠે આવેલો કોળીયો છીનવાઇ ગયો હતો.અને પોતે ઓપન કેટેગરીમાં આવતો હોવાથી ઊંચી ટકાવારી હોવા છતાં મેરિટમાં પાછળ રહી જતો હતો.તેની સાથે અભ્યાસ કરનારા ઘણા ઠોઠ વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓ કરતા જોતો ત્યારે રાસબિહારી હતાશ થઇ જતો.એકવાર મોકો આવ્યો હતો પણ દસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી એટલે મોકો ગુમાવવો પડ્યો હતો.હવે તો સરકારી નોકરી ની વય મર્યાદા વટાવવામાં તેને છ મહિના ખૂટતા હતા.એટલે હવેતો તે ના છૂટકે એવા નિર્ણય ઉપર પણ આવ્યો હતો કે પાંચ સાત લાખ રૂપિયા આપીને પણ સરકારી નોકરી મળતી હોયતો લઇ લેવી.ઘર ગીરવે મૂક્યા સિવાય પૈસાની જોગવાઇ થાય એમ નહોતી.બેંકના એક ઓળખીતા સાહેબે તેને ઘર ઉપર લોન આપવાની બાંહેધરી આપી હતી અને ફાધરે પણ દીકરાને સરકારી નોકરી મળતી હોય તો ભલે ઘર ઉપર લોન લેવાતી.સારી નોકરી હશે તો લોન ભરાતા વાર નહીં લાગે એમ મન મનાવીને લોન લેવા દીકરાને મંજૂરી આપી હતી.પછી તો સરકારી નોકરી પણ તેને મળે એમ નહોતી. એટલે પ્રાઇવેટ નોકરીમાં ઢસરડા કર્યા વગર છૂટકો જ નહોતો.પુરુષાર્થમાં માનનારો રાસબિહારી હવે પ્રારબ્ધ માં માનવા લાગ્યો હતો.દેશની અનામતપ્રથા યુવાનો માટે કેટલી ઘાતક પુરવાર થઇ હતી એ પોતે પોતાના અનુભવથી જાણી ચૂક્યો હતો.જ્યાં સુધી વેલ એજ્યુકેટેડ લાયક ઉમેદવારોને યોગ્ય પદો પર નહીં બેસાડો ત્યાં સુધી દેશનો વિકાસ શક્ય જ નથી.પણ આ સરકારો ને આવી સમસ્યા ઉકેલવાને બદલે નવી સમસ્યાઓ ઊભી કરીને લોકોને તેમાં જોતરીને રાજકીય દાવપેચ ખેલવામાં જ રસ છે.એટલે જ દેશનું યુવા ધન પરદેશમાં જઇને પોતાની બુદ્ધિ અને શક્તિ પરદેશીઓ માટે વાપરેછે.અંગ્રેજો ની ગુલામી વખતે પણ આપણા દેશનું યુવા ધન જ અંગ્રેજો માટે કામ કરતું હતું.અત્યારે પણ કંઇ ઝાઝો ફર્ક નથી પડ્યો.જે દેશમાં યુવાનો ની બુદ્ધિ અને આવડતની યોગ્ય કદર ના થતી હોય ત્યાં વિકાસ અશક્ય છે.પ્રાઇવેટ કંપનીઓ,ઉદ્યોગગૃહો કરોડોના નફા કરેછે અને સરકારી ઉદ્યોગો,બેંકો,નિગમો કરોડોની ખોટ કરેછે એ જ સાબિતી છે અનામતપ્રથાની ઘોર નિષ્ફળતાની.સમાચારપત્રો તો સરકારની ખુશામત કરવા વિકાસનું ખોટું ચિત્ર ઊભું કરીને લોકોને છેતરે છે.વાસ્તવિકતા બિહામણી છે.
સાંજે નોકરીથી છૂટીને આવતી વખતે સોસાયટી ના નાકે દાસભાઇ ના પાનના ગલ્લે ઊભા રહેવાનો તેનો નિત્યક્રમ હતો.પેપર વાંચવાનું,મિત્રો તથા સંબંધીઓ જોડે ગપ્પાં મારીને મગજ ફ્રેશ કરીને જ ઘરે આવતો.આજે સાંજે તે ગલ્લે આવ્યો ત્યારે પંદર થી વીસ માણસો ભેગા થઇને વાતે વળ્યા હતા.વાતવાતમાં જાણવા મળ્યું કે ગામના તળાવ કિનારે આવેલી પીર ની દરગાહમાં એક ફકીર આવ્યા છે અને તમારા ચહેરા સામે જોઇને ભવિષ્યકથન કહેછે.જન્મકુંડળી બતાવવાની પણ જરૂર નથી.સરકારી નોકરીની આશાએ બેસી રહેલા યુવાનોએ જ મળવું.અન્ય કોઇ સમસ્યા માટે મળવું નહીં.કેમકે અત્યારે બેરોજગારી ની મોટી સમસ્યા છે એટલે યુવાનોને સરકારી નોકરી મળે એ માટે ફકીરબાબા એ સેવા યજ્ઞ ચાલુ કર્યો છે.રાસબિહારી ને રસ પડ્યો.ડૂબતો તરણું પકડવા તૈયાર જ હોય છે.ઘરે જવાના બદલે તેણે સ્કૂટર દરગાહ તરફ જવા દીધું.
દરગાહ ની બહાર બૂટ-ચપ્પલનો ઢગલો જોઇને તેને ભીડનો અંદાજ આવી ગયો.તેને એમ પણ થયું કે આટલા બધા લોકોની હાજરીમાં આપણી સમસ્યા કેવી રીતે ફકીર ને કહેવી? પણ અંદર જતાં તેને હાશ થઇ.ફકીર એક બંધ કમરા માં બેઠા હતા.યુવાનો બહાર ચોગાનમાં બેઠા હતા.ફકીર ની સાથે આવેલો એક દાઢી વાળો ચેલો જેનું નામ બોલે તે વ્યક્તિ જ કમરા માં જઇને ફકીર ને જે કહેવું હોય એ કહી શકતો.અને મુલાકાત પૂરી થાય ત્યારે ફકીર ની બાજુમાં જે દાનપેટી મુકીછે તેમાં સ્વેચ્છાએ જે રકમ મુકવી હોય એ મુકવી એવી સૂચના હતી.ભેટ મુકવાનું ફરજિયાત નહોતું.તેણે ઘડિયાળમાં જોયું સાત વાગ્યા હતા.તેણે દાઢીધારી ચેલા ને પૂછ્યું કે ‘ફકીરબાબા કેટલા વાગ્યા સુધી મળેછે?’ ‘ આઠ વાગ્યા સુધી જ મળશે.પછી બીજા દિવસે સવારે આઠ વાગ્યે મળશે’ દાઢીધારી ચેલા એ સસ્મિત ચહેરે કહ્યું. રાસબિહારી એ ફરી પૂછ્યું’આવતીકાલ માટે મારું નામ લખાવતો જાઉં?’ ચેલા એ નરમાશથી કહ્યું ‘એવી કંઇ જરૂર નથી.તમે સવારે આવી જ જજો.’રાસબિહારી એ એક નિરીક્ષણ તો કર્યું જ કે ફકીરને મળીને આવનાર દરેક યુવાનો અને તેમના વાલીઓ ખુશખુશાલ હતા.તેણે ચારેક વ્યક્તિઓ ને પૂછ્યું તો તે લોકોએ કહ્યું કે ‘સાંઈબાબા નો અવતાર છે આ બાબા.હિમાલયના યોગી જેવા છે.જે બોલેછે તે થાય છે.મળવા જેવા છે’ રાસબિહારી સવારે મળવાનું મનોમન નક્કી કરીને ઘરે જવા નીકળ્યો.
પણ બીજા દિવસે સવારે વહેલા ફાધરની તબિયત અચાનક બગડવાથી તેમને શહેરની હોસ્પીટલમાં એડમિટ કર્યા એટલે ફકીરબાબા ને મળી શકાયું નહીં.ક્યાંક તક ચૂકી ના જવાય એવો મનમાં ડર પણ લાગ્યો.આમેય પોતાની જન્મકુંડળી બહુ સારી તો નહોતી જ.હોસ્પીટલમાં ત્રણ દિવસ રહેવાનું થયું.સદનસીબે ફાધર બચી ગયા.
ચોથા દિવસે નોકરી એ જવાની ઉતાવળમાં બાબા ને મળવા જઇ શકાયું નહીં.સાંજે છ વાગ્યે બાબાને મળવું એવું મનથી નક્કી કર્યું.
સાંજે દાસભાઈના ગલ્લે સ્કૂટર ઊભું રાખ્યું.કંઇ નવાજૂની હોય તો અહીં જ જાણવા મળતી.દાસભાઈએ પૂછ્યું’ કેમછો રાસબિહારી બહુ દિવસે દેખાયા?’ ‘ ફાધર બીમાર હતા એટલે ત્રણ દિવસ હોસ્પીટલમાં રહેવું પડ્યું એટલે’ ‘ હવે સારું છેને ફાધરને? ‘ પૂછીને દાસભાઇ તો તેમના ગ્રાહકોમાં અટવાઇ ગયા.એક બીજા મિત્ર એ ચા નો આગ્રહ કર્યો પણ રાસબિહારી એ ‘પોતાને ફકીરને મળવા જવું છે એટલે આજે નહીં.મોડું થાય છે’.પેલો મિત્ર હસવા લાગ્યો’ કયા ફકીર સરકારી નોકરી વાળા?’ હા,કેમ હસેછે?’ રાસબિહારી ને થોડું ખોટું લાગ્યું.
‘ અરે મિત્ર તને કશી ખબર જ નથી ફકીર બાબા નું શું થયું એ? બે દિવસ પહેલાં સી.આઇ.ડી.પોલીસ ગામમાં આવી હતી અને ફકીર ને પકડીને લઇ ગઇ.આ ફકીર તો એક નેતાનો એજન્ટ હતો.અને યુવાનોને પૈસેથી નોકરી અપાવવા માટે આવ્યો હતો.સાત લાખ ભાવ ચાલતો હતો.ગામના દસ યુવાનો તો નોકરીના સાત લાખ આપવા તૈયાર થઇ ગયા હતા પણ એક યુવાનને થોડી શંકા જતાં એણે એક ન્યુઝ પેપર આગળ ફરિયાદ કરી અને સી.આઇ.ડી.એ છટકું ગોઠવીને પકડ્યો.તું નસીબદાર છે કે બચી ગયો.વિચાર કે ભ્રષ્ટાચાર કેટલી હદે વધી ગયો છે. બેકારી ની સમસ્યા કેટલી વકરી છે.આવા લેભાગુઓ બેકાર યુવાનોની મજબુરીનો લાભ ઉઠાવી જાય છે.’ મિત્ર એ વાત પૂરી કરી.
રાસબિહારી ને પહેલીવાર લાગ્યું કે પોતે નસીબદાર છે અને જન્મકુંડળી સારી છે એટલે જ બચી ગયો.