Amar in Gujarati Moral Stories by Dineshgiri Sarahadi books and stories PDF | અમર

Featured Books
Categories
Share

અમર

વાર્તા- અમર
- દિનેશગીરી સરહદી


" કંઈક તો દાળમાં કાળું છે જ ! નહિતર હમેશાં શાળામાં ખૂબ ઉત્સાહથી કામ કરનાર હિરલબેન આમ નીચું માથું રાખીને બેસે ખરાં ? "
એક વાલીની વાત પૂરી થાય ત્યાં તો બીજી વ્યક્તિ બોલી ઉઠી ,
" દરરોજ ચાળીસ કિલોમીટરથી બેન અપડાઉન કરે છે પણ આજે પ્રવાસે જવામાં મોડું ન થાય એટલે અહીં ગામમાં જ આચાર્ય સાહેબના ઘેર રોકાઇ ગયાં હતાં. "
ધીમે ધીમે આવી વાત વેગ પકડતી હતી. પર્યટન માં જવા વિદ્યાર્થીઓને મૂકવા આવેલા વાલીઓ પણ ચર્ચા કરતા થઈ ગયા હતા.
" આવી અપ્સરા જેવી બાઈ પારકા ઘરે રાત રોકાય અને કંઈ અયોગ્ય ઘટના ન બને તો જ નવાઈ ."
" પણ આચાર્ય સાહેબ તો એવા માણસ નથી. એમનું જીવન તો ઋષિ જેવું છે. "
" અરે ભાઈ... કળજગ છે કળજગ.. આ જમાનામાં કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી.
"ઇ વાત તો સાચી પણ હિરલબેનની ઉંમર સાહેબની દીકરી ઉર્મિલા જેટલી જ છે. સાહેબ ક્યારેય કૂદૃષ્ટિ કરે જ નહીં. "
" તો દરરોજ સિંહણની જેમ હરતા - ફરતા આ બેન આજે નીચું માથું રાખીને કેમ બેઠાં છે ? "

રક્ષાબંધન નિમિત્તે બોર્ડર પર જવાનોને રાખડી બાંધવા જાવાના પર્યટનનું આયોજન જ હિરલબેને કર્યું હતું અને આજે બેન જ મૂડલેશ જણાતાં હતાં. આના કારણે વાલીઓ મોઢે આવે એવી વાતોની ગુસપુસ કરતાં હતાં.
શાળામાં ગામલોકોની સંખ્યા વધતી જતી હતી. હિરલબેનને મૂડલેશ જોઈને આચાર્ય સાહેબ પણ ચિંતામાં જણાતા હતા. જેમ તેમ કરી વિદ્યાર્થીઓની હાજરી પુરીને પર્યટનની જરૂરી સૂચનાઓ આપી. સ્ટાફ અને વિદ્યાર્થીઓને બસમાં બેસાડીને બસ ઉપાડી બોર્ડર જવા વાયા નડાબેટ થઈને ...

નોકરીના પ્રથમ દિવસે હિરલબેન હાજર થયાં ત્યારે તેમના પિતાજી સાથે આવ્યા હતા. શાળાના સ્ટાફે સાથે પરિચય કર્યા પછી સાથે બેસી બધાએ નાસ્તો કર્યો.
હિરલબેનના પિતાજીએ આચાર્ય સાહેબને કહ્યું ,
" સાહેબ મારી હિરલ તો સિંહ જેવી છે. તે એન. એસ.એસ.માં હતી એટલે આખો દેશ ફરી આવેલી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે ડર્યા વગર કામ કરી શકે છે. ક્યારેય હિંમત હારતી નથી . આ દીકરી નથી પણ મારે તો દીકરો છે ! "
" હા..... એ તો મેં બેનની ફાઈલ જોઈ..... કરાટે માં પણ સારી સિદ્ધિ હાંસલ કરી છે. આપણી શાળાને સારો લાભ મળશે. "
" પણ... તો.. ય.... સાહેબ સાચવીને રાખજો... તમારી દીકરી જ છે એમ માનીને..."
" અરે , મોટા ભાઈ ... મારી દીકરી ઉર્મિલા અને હિરલબેન બંને એક સરખી ઉંમરનાં છે.. આજથી મારે બે દીકરીઓ છે એમ માનીશ. મારે આટલો મોટો સ્ટાફ છે પણ અમે બધા હળીમળીને પરિવાર ભાવથી કામ કરીએ છીએ . એટલે તમે ચિંતા ન કરો . "
" તમારી વાત સાચી છે પણ... મારે તો હવે આ એક જ અજવાળું રહ્યું છે....તમે તો હજી અમારાથી ઓછા પરિચિત લોકો એટલે મારે વધારે શું કહેવું....??? "
એમ કહીને હિરલબેનના પિતાજીએ એક ઊંડો નિસાસો નાખ્યો.
કોઈ કંઈ સમજી શક્યા નહીં પણ બહુ દુઃખીવ્યક્તિ હોય એવું બધાને મનોમન લાગી આવ્યું .

કોલેજ કરતી વખતે પણ હિરલબેને કેટલાક રખડું અને લુખ્ખા તત્વો કે જેઓ કોલેજમાં ભણવા જતી દીકરીઓને હેરાન કરતા હતા તેમને એડી વાળા ચંપલનો પાઠ ભણાવીને ઊભી પૂંછડીએ ભગાડ્યા હતા. અને વિદ્યાર્થીનીઓને નિર્ભય રીતે કોલેજ આવતી કરી હતી .તેમની આ બહાદુરીની ખૂબ પ્રશંસા થઈ હતી.
પર્યટનમાં જાવાનો આનંદ બધાના ચહેરા પર વરતાઈ રહ્યો હતો પણ હિરલબેનનો ઉતરેલો ચહેરો જોઈને સ્ટાફ અને વિદ્યાર્થીઓથી ન રહેવાયું ,
" બેન , બિમાર છો ? "
"ના ."
"તો શું થયું ? "
" માથું બીજું દુઃખતુ હોય તો લો આ ગોળી લઈ લો ."
" મને કંઈ થતું નથી. "
" તો પછી આમ નિરાશ કેમ છો ? આપણે તો બોર્ડર જોવા જવાનું છે. જીવનની આ યાદગાર ક્ષણો છે. સૈનિકોને રાખડી બાંધવા જવાનું હોય અને આમ નિરાશા થઈને જઈએ એ સારું લાગે ? "
હિરલબેન કંઈ બોલ્યા નહીં. એક બહેને તો એવું કહી દીધું કે રક્ષાબંધનના દિવસે અમારે અમારા સગા ભાઈને રાખડી બાંધવા જાવાનું હતું પણ તમે આ પર્યટન ગોઠવ્યો એટલે આખા સ્ટાફે તમારી વાત માન્ય રાખી અને આજે તમે જ નિરાશ હોવ તો પીકનીક એન્જોય ન કરી શકીએ.

બસના ડ્રાઇવરે ગીતો વગાડવાનું ચાલું કર્યું. બાળકો ગીતના તાલે ઝુમી ઉઠ્યા. બાળકો અને શિક્ષકો હિરલબેનને ડાન્સ કરવા આગ્રહ કરવા લાગ્યા. બધા લોકો નિરાશ ના થાય એટલે બેન ગીતને તાલ આપવા ઉભા થયા પણ ચેહરા પર કાયમ જેવા મઘમઘતા હાસ્યની ઉણપ વર્તાતી હતી.

નડેશ્વરી માતાનું મંદિર આવતાં એક શિક્ષકે માહિતી આપી,
" મિત્રો... નડાબેટ વરૂડી માતાનું મંદિર આવી ગયું છે. જૂનાગઢના રાજા રા'નવઘણ તેમની બેન જાહલને મદદ કરવા આ રસ્તેથી નીકળ્યા હતા ત્યારે નડેશ્વરી માતાએ તેમની સહાય કરી હતી. "
હિરલબેનના ચેહરા પર કૃત્રિમ હાસ્ય હતું તે ફરી ગાયબ થઈ ગયું અને વીલા મોઢે બસ ઉતરી નડેશ્વરી માતાનાં દર્શન કરી બસમાં બેઠાં. પહેલાં કરતાં પણ વધારે ગમગીની બેન પર સવાર થઈ ગઈ હતી. હવે તો ગીત ઉપર નાચવા ઊભાં જ ન થયાં .


બોર્ડર આવતાં જ બાળકોએ ' ભારત માતા કી જય ' ના નાદથી વાતાવરણ ગજવી મુક્યું. બેન સિવાય બધા ખૂબ ઉત્સાહમાં હતાં. બોર્ડરના જવાનો સાથે બેઠક મળી. વિદ્યાર્થીનીઓએ વારાફરતી સૈનિકોને રાખડી બાંધી.


પર્સમાંથી મૂલ્યવાન રાખડી બહાર કાઢી જવાનને બાંધવા માટે જાતાં હિરલબેન કારમી ચીસ પાડીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં. વાતાવરણ શાંત થઇ ગયું. હીબકાં ભરતાં ભરતાં બેન તૂટક તૂટક શબ્દોમાં બોલ્યાં,
" બોર્ડર... પર.. મેં...... મારો...... ભાઈ.... ગુમાવ્યો..... છે...... થોડા વર્ષો પહેલાં તે ડયૂટી પર ગયો હતો.... રક્ષાબંધન પર.... ઘેર આવવાનું વચન આપ્યું હતું...... થોડા દિવસો પછી તે આવ્યો પણ...... ત્રિરંગો.....ઓઢીને...... ત્યાર પછી મેં ....કોઈને રાખડી બાંધી નથી.."
આ વાત કર્યા પછી બેને જવાનને રાખડી બાંધી.
બધાની આંખોમાંથી આંસુ આવી ગયાં. ગળે ડૂમો ભરાઈ ગયો.વાતાવરણ ભારેખમ બની ગયું હતું . જવાનોના ઉપરી અધિકારી કોઈ મેઝર કે કર્નલ સાહેબ બે શબ્દો બોલવા ઉભા થયા.
પડછંદ કાયા, યમને ડર લાગે એવી ભુજાઓ , ચકોર આંખો , અંગે અંગમાં બહાદુરીની છોળ ઊડતી હતી .વ્યક્તિત્વને દિપાવે એવી વરદી થકી મર્દ માણસ કોને કહેવાય તે આ મહાપુરુષનાં દર્શન માત્રથી સમજાઈ જાતું હતું.
તેમણે કહ્યું,
" મુજે ખબર મીલી હૈ કી આપ જીસ રાસ્તે સે યહાં આયે વહી રાસ્તે મેં કોઈ એક્સિડન્ટ હુઆ થા . આપમેસે કિસીને ભી દેખા થા ? "
તો બધાએ જવાબ આપ્યો ,
" જી હા સરજી , હમ સભી લોગોને દેખા ! "
સાહેબે હિરલબેનને પૂછ્યું ,
" બેન જી , ક્યા આપને ભી વો અકસ્માત દેખા થા ? "
હિરલબેને કહ્યું ,
" હા સર , મૈંને ભી દેખા થા કોઇ પચીસ છબ્બીસ સાલ કા દો યુવક કી મૌત હો ગઈ થી "

સાહેબે કહ્યું ,
" જી હા.... વો દોનો લોગો કી મૌત
હો ગઈ થી યાની વો મર ગયે થે લેકિન હમ જવાન કભી મરતે નહીં હૈં . હમ તો અમર હોતે હૈ ! બેનજી આપકા ભાઈ ભી મરા નહિ હૈ વો અમર હુઆ હૈ ! "
વય નિવૃત્ત થવાની ઉંમરે પહોંચેલા આચાર્ય સાહેબે પણ હિરલબેનના માથા પર હાથ મૂકીને કહ્યું ,
" બેટા ! ભાઈ તો અમર થયો છે ! ક્યારેય મૃત્યુ આવે જ નહીં એવો કોઇ રસ્તો આ દુનિયામાં નથી. પરંતુ હા ! અમર થઈ શકાય છે..... !!!!! "


લે. - દિનેશગીરી સરહદી