25 failed attempts of jail break in Gujarati Comedy stories by Siddharth Chhaya books and stories PDF | જેલમાંથી ભાગી જવાના ૨૫ હાસ્યાસ્પદ અને નિષ્ફળ પ્રયાસો

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

જેલમાંથી ભાગી જવાના ૨૫ હાસ્યાસ્પદ અને નિષ્ફળ પ્રયાસો

જેલમાં જવાનું આપણામાંથી કોઈને પણ ગમતું નથી. પરંતુ એકવાર એવી કલ્પના કરો કે આપણે જેલમાં જવાનું થાય તો? કદાચ આપણે નિર્દોષ હોઈએ પરંતુ કોઈ કેસમાં એવા ફસાઈ ગયા કે જેલમાં જવું જ પડે તો શું આપણને એ જેલની સજા આકરી ન લાગે? જો એ જેલની સજા આકરી લાગે તો જેલમાંથી ભાગી જવાના વિચાર લગભગ રોજ આપણને આવે કે નહીં?

તમે જો ફિલ્મો જોતા હશો તો તમે કદાચ એવું માનવા માટે મજબૂર થઇ જાવ કે જેલમાંથી ભાગી જવું અત્યંત સરળ છે. પરંતુ સાચી જીંદગીમાં એવું હોતું નથી. જેલની સુરક્ષા એટલી મજબૂત હોય છે કે ભાગવું લગભગ અશક્ય હોય છે અને કદાચ એટલેજ આપણે જેલ તોડવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો છાપામાં વાંચતા હોય છે.

પરંતુ આમાંથી જેલ તોડીને ભાગી જવાના કેટલાક એવા નિષ્ફળ પ્રયાસો જે સાંભળીને કદાચ આપણને હસવું પણ આવે. તો ચાલો આવા ૨૫ કિસ્સાઓ વિષે જાણીએ જેમાં જેલ તોડવાના પ્રયાસો હાસ્યાસ્પદરીતે નિષ્ફળ ગયા હતા.

૨૫ – ગાર્ડે એક નાનકડી માહિતી પકડી પાડી

ઇન્ડિયાના રાજ્યના નોબ્લ્સવિલમાં આવેલી હેમિલ્ટન કાઉન્ટીની જેલમાં એક વ્યક્તિએ જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો. આ વ્યક્તિએ કોઈ અન્ય કેદી જે એ દિવસે જેલમાંથી છૂટવાનો હતો તેનું નામ ધારણ કરીને જેલમાંથી ભાગી છૂટવાની કોશિશ કરી. પરંતુ બદનસીબે આ જેલના એક ગાર્ડને ખબર હતી કે જે વ્યક્તિ જેલમાંથી છૂટવાનો છે એ અશ્વેત હતો જ્યારે ભાગવાની કોશિશ કરનારો કેદી શ્વેત હતો!

૨૪ – બેશરમ સોશિયલ મિડિયા

બારમાં ધમાલ કરવાના આરોપ સર ક્રિસ ક્રેગોની ધરપકડ થઇ હતી. ગમે તે રીતે એ જેલમાંથી ભાગી તો ગયો પરંતુ ક્રિસભાઈએ મુર્ખામી એવી કરી કે તેમણે પોતે સંતાઈ રહેવાને બદલે ફેસબુક પર એક પોસ્ટ કરી દીધી જેનું લોકેશન શોધીને પોલીસે તેને ફરીથી પકડી લીધો.

૨૩ – નકલી ફેડરલ માર્શલ

જ્હોન હેયસને જેલમાંથી ભાગી છૂટવું હતું. જેલમાં તેની એક મિત્ર પણ હતી. જ્હોન હેયસ અને તેની મિત્રે એવું નાટક રચ્યું કે જ્હોનની મિત્ર ફેડરલ માર્શલ છે અને આથી જ્હોનને તે કોર્ટમાં લઇ જશે. પરંતુ જેલના અધિકારીઓ બે સેકન્ડમાં જ આ નાટક ઓળખી ગયા અને જ્હોન હેયસને જેલમાંથી ભાગવાના આરોપ માટે વધારાના બે વર્ષની સજા પણ થઇ.

૨૨ – માત્ર ચોવીસ કલાક રાહ જોઈ હોત તો?

બધા લોકોમાં ધીરજ હોતી નથી તેનો આપણને ખ્યાલ છે જ. પરંતુ એન્ડ્ર્યુ વિલ્સન જેવો અધીરો વ્યક્તિ તો ભાગ્યેજ મળશે. એન્ડ્ર્યુ વિલ્સન જેલમાંથી છૂટવાના એક દિવસ અગાઉ તેની સજાના ભાગરૂપે જંગલમાં અન્ય કેદીઓ સાથે ઝાડ કાપવા માટે ગયો, પરંતુ તેને ખબર નહીં પણ કેમ કોઈ વિચાર આવ્યો અને તે ત્યાંથી ભાગી છૂટ્યો. પોલીસે તેને તરત પકડી તો લીધો પરંતુ એન્ડ્ર્યુ વિલ્સન જે બીજે દિવસે આઝાદ પંખી બનવાનો હતો તે શક્ય ન બન્યું.

૨૧ – ખોટો વેશ ખોટી જેલ

ન્યુઝીલેન્ડમાં બે વ્યક્તિઓએ વિખ્યાત કાર્ટૂન કેરેક્ટર સ્નૂપીના વેશમાં જેલ તોડીને ભાગવાની કોશિશ કરી. આ આઈડિયાજ બકવાસ હતો અને તેનું પરિણામ પણ એવું જ આવ્યું. કારણકે એક તો એમને જેલ અધિકારીઓએ પકડી પાડ્યા અને બીજું જેલ તોડ્યા બાદ તેઓ અન્ય કોઈ સ્થળે નહીં પરંતુ બીજી જેલમાં જ પહોંચી ગયા હતા.

૨૦ – સુટકેસનો ભાર...

મારિયા ડેલ આરયોના રીવેરોનો બોયફ્રેન્ડ જેલમાં બંધ હતો. મારિયાએ આઈડિયા લગાવ્યો અને તે જ્યારે પોતાના બોયફ્રેન્ડને મળવા જેલમાં ગઈ ત્યારે પોતાની સાથે રહેલી સુટકેસમાં તેને પૂરી દીધો. મારિયાને એમ હતું કે તે આ રીતે જેલની પોલીસને ચૂનો લગાડીને ભાગી જશે પરંતુ જેલની પોલીસ મારિયા કરતા વધારે હોંશિયાર નીકળી અને મારિયા અને તેનો બોયફ્રેન્ડ બંને પકડાઈ ગયા.

૧૯ – જેલના દરવાજાને મુક્કો ન મારશો

તમને કદાચ ખબર નહીં હોય પરંતુ અમેરિકામાં જેલમાં સળીયા નથી હોતા પરંતુ દરવાજા હોય છે અને આ દરવાજા ખૂબ મજબૂત હોય છે. આવી જ એક જેલના દરવાજા પાછળ હેક્ટર કેમ્પોસ સજા કાપી રહ્યો હતો. ખબર નહીં પણ કેમ હેક્ટરને એવો વિચાર આવ્યો કે તે જેલનો દરવાજો મુક્કો મારીને તોડી નાખશે અને ત્યાંથી ભાગી જશે. પણ હેક્ટરનો આ વિચાર સાવ નિષ્ફળ ગયો તે કહેવાની જરૂર ખરી?

૧૮ – બલૂનનો સહારો કામમાં ન આવ્યો

અમેરિકામાં એક કેદીને લાગ્યું કે જેલમાંથી ભાગવા માટે હેલીકોપ્ટર કદાચ કામમાં ન આવે કારણકે તેના અવાજથી જેલ અધિકારીઓને ખબર પડી જશે. આથી આ કેદીએ પોતાના મિત્રોની મદદથી પેલું ગરમ હવાવાળું બલૂન મંગાવ્યું. પરંતુ આ કેદીભાઈને એ પણ ખ્યાલ ન રહ્યો કે બલૂન પણ એટલું બધું વિશાળ હોય છે કે નરી આંખે દરેક વ્યક્તિ તેને જોઈજ શકે છે અને આમ આ કેદીભાઈ ફરીથી જેલના સળીયા ગણવા લાગ્યા.

૧૭ – બાથરૂમમાં ફસાયો

બ્રાઝીલની એક જેલમાંથી ત્રણ કેદીઓએ ભાગવાનો પ્લાન બનાવ્યો. આ કેદીઓએ જેલની દીવાલ તો ખૂબ મજબૂત હતી એટલે જેલના બાથરૂમમાં બાકોરું પાડીને ભાગવાનો નિર્ણય કર્યો. પહેલા બે કેદીઓ તો આસાનીથી ભાગી ગયા પરંતુ ત્રીજો કેદી પેલા બાકોરામાં ફસાઈ ગયો. ખૂબ કોશિશ કરી પણ નીકળી ન શકતા આ કેદીએ બુમો પાડી. પોલીસે તેને એ બાકોરામાંથી કાઢ્યો તો ખરો પરંતુ તે પહેલા તેના ફોટોગ્રાફ્સ લેવાનું ચૂક્યા નહીં.

૧૬ – જા પોલીસ, પોલીસને પકડ

અમેરિકાની એક જેલમાંથી બે કેદી મિત્રો ભાગી ગયા. પોલીસે તેમનો પીછો કરવાનો શરુ કર્યું. આ બંને મિત્રોને એક જબરદસ્ત આઈડિયા આવ્યો. તેમણે પોલીસને જ કોલ કર્યો કે અમુક લોકો તેમની કારનો પીછો કરી રહ્યા છે. પોલીસ પણ હોંશિયાર હતી તેણે પીછો કરતા પોલીસને નહીં પરંતુ ભાગી ગયેલા પેલા બંને કેદીઓને જ ઝડપી પાડ્યા. હવે એ બંને કેદી મિત્રો જેલમાં બેઠાબેઠા વિચારી રહ્યા હશે કે આવો ‘જબરદસ્ત’ આઈડિયા એમને કેમ આવ્યો હશે?

૧૫ – ઇતિહાસમાં પણ આવી ભૂલો થઇ છે

અમેરિકાના રાષ્ટ્રપતિનું ખૂન થયું હતું. તેમના ખૂનીનું નામ હતું જ્હોન વિલ્કીસ બૂથ. આ વ્યક્તિને મદદ કરનાર હતા ડોક્ટર સેમ્યુઅલ મડ. ડૉ. મડે બૂથને ત્યારે મદદ કરી હતી જ્યારે તે લિંકનનું ખૂન કરીને ભાગી છૂટ્યો હતો અને તેની તબિયત ખરાબ થઇ ગઈ હતી. ડૉ. સેમ્યુઅલ મડને બાદમાં પોલીસે પકડી લીધા અને જેલમાં પૂર્યા. પરંતુ ડૉ. સેમ્યુઅલ મડ જેલમાંથી ભાગી છૂટ્યા પરંતુ તુરંત પકડાઈ ગયા કારણકે અબ્રાહમ લિંકનનો ખૂન કેસ એટલો તો લોકપ્રિય થયો હતો કે અમેરિકાનો દરેક વ્યક્તિ ડોક્ટર સાહેબનો ચહેરો બરોબર ઓળખતો હતો.

૧૪ – ધીરજ ન રહી

૨૦૧૬માં ક્રિસ્ટોફર બોસાકીને નાનકડી ચોરી બદલ ત્રણ દિવસની જેલ થઇ. પરંતુ બીજા જ દિવસે બોસાકીને ખબર નહીં પણ કેમ જેલમાંથી ભાગી છૂટવાનો વિચાર આવ્યો. આ જેલમાં આવા નાના ગુનેગારોને જ રાખવામાં આવતા હતા જેથી સુરક્ષા એટલી બધી કડક ન હતી. ક્રિસ્ટોફરે જેલની ચારેતરફ લાગેલી કાંટાળી વાડની દીવાલ કુદી જઈને ભાગવાની કોશિશ કરી. પરંતુ પહેલી વાડ કુદ્યા પછી ક્રિસ્ટોફર બોસાકીને ખ્યાલ આવ્યો કે આવી તો બીજી બે વાડ છે અને એ આગળ કશું વિચારે એ પહેલાંજ જેલના પોલીસો દ્વારા ઝડપાઈ ગયો. કહેવાની જરૂર નથી કે જો બોસાકીએ ત્રણ દિવસની જેલની સજા ભોગવવાની ધીરજ દર્શાવી હોત તો તે છૂટી ગયો હોત પરંતુ હવે તેણે મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

૧૩ – ઉંદરની મદદથી પકડાયા

બ્રાઝીલની જેલમાં બે કેદીઓએ જેલની દીવાલને ટેકે મુકવામાં આવેલી કચરાની બેગો પર ચડીને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ તેમના બદનસીબે આ બેગને ઉંદરોએ કાતરી ખાધી હતી એટલે જેવા આ બંને એ બેગો પર ચડ્યા કે બેગ બિચારી એમનો ભાર સહન ન કરી શકી અને સંકોચાવા લાગી. જેલના ઓફિસરોએ આ બંનેને પકડી પાડ્યા અને તેમને દરરોજ જેલનો કચરો સાફ કરવાની સજા કરી.

૧૨ – બેડશીટે દગો દઈ દીધો

વાત ૧૨૪૪ની છે. ફ્રાન્સમાં એક કેદીએ જેલમાંથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો. તેણે જેલમાં વપરાતી બેડશીટનો સહારો લીધો અને તેને જેલની દીવાલ પર બાંધી દીધી. જેવો આ કેદી બેડશીટ પકડીને ઉપર ચડવા લાગ્યો અને દીવાલની ઉપર પહોંચવાની તૈયારીમાં જ હતો કે બેડશીટ ફાટી ગઈ અને આ કેદી નીચે પછડાયો અને મરી ગયો. કારણ એટલુંજ હતું કે આ કેદી વજનમાં ખૂબ ભારે હતો અને આથી પેલી બેડશીટ તેનો ભાર સહન ન કરી શકી.

૧૧ – Knock Knock! કોણ છે?

જેમ્સ રસલે બહુજ મહેનત કરીને એક કાળી અંધારી રાતે જેલ તોડી અને ભાગી છૂટ્યો. તે બહુ દોડ્યો બહુ દોડ્યો અને ત્યાંજ તેને દૂર એક કેબીન દેખાઈ જેમાં લાઈટ બળતી હતી. જેમ્સ રસલની આંખમાં ચમકારો આવ્યો અને તે દોડીને એ કેબીન પર પહોંચી ગયો અને તેનો દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલતાજ જેમ્સ રસલનો હસતો ચહેરો નિરાશ થઇ ગયો કારણકે આ કેબીન જેલના ચોકીદારોની હતી અને તે હજી જેલના મેઈન ગેટની બહાર નીકળ્યો જ ન હતો. પછી શું? પેલી કેબીનમાં રહેતા ચોકીદારે જેમ્સ રસલને પકડીને જેલ અધિકારીઓને હવાલે કરી દીધો!

૧૦ – ભાગો, ભાગો પણ ક્યાં?

ન્યુઝીલેન્ડમાં બે કેદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. અહીંથી આ બંનેએ ભાગી જવાનો પ્લાન કર્યો અને ભાગ્યા પણ ખરા. પરંતુ આ બંને કેદીઓને એ ખ્યાલ ન રહ્યો કે તેમના બંનેના પગ એકબીજા સાથે સાંકળથી બંધાયેલા છે. આથી એક કેદી ઉતાવળમાં જમણી તરફ ભાગ્યો અને બીજો ડાબી તરફ છેવટે પેલી સાંકળ એક થાંભલામાં ફસાઈ જતા બંને ધડામ કરતા પડી ગયા અને પોલીસે એમને પકડી લીધા.

૯ – જેલ તોડવાનો પ્લાન તો સરખો બનાવો?

જેલ તોડવી હોય તો તમારો પ્લાન એકદમ ફૂલપ્રૂફ હોવો જરૂરી છે. જરાક પણ આ પ્લાનમાં ચૂક આવી જાય તો બસ તમારું બદનસીબ તમને ફસાવી દેશે. અમેરિકામાં માઈકલ જે નોરવૂડ નામના વ્યક્તિએ આવો જ એક ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો. તેણે જેલના કચરાને ભેગા કરીને પોતાનીજ સાઈઝનું એક પુતળું બનાવ્યું. તેને એમ હતું કે તે આ પુતળાને પોતાની જેલ કોઠરીમાં મૂકીને પોલીસને ચકમો આપીને ભાગી જશે. પરંતુ નોરવૂડભાઈને પુતળું બનાવ્યા બાદ ખબર ન પડી કે તે ભાગશે કેવી રીતે? બસ પછી પોલીસે પુતળું પકડી લેતા માઈકલ જે નોરવૂડને ખુલાસો કરવો પડ્યો.

૮ – વાહન ઝડપી હોવું જરૂરી છે

ટેનેસીની જેલમાંથી રે વોટ્સન નામનો કેદી ભાગી છૂટવામાં સફળ થયો. જેલથી થોડે દૂર તેણે એક ખેતરમાં ટ્રેક્ટર જોયું. પોલીસ તો તેની પાછળ હતી જ એટલે રે વોટ્સને ટ્રેક્ટર ચોરી લીધું અને તેને રોડ પર ચલાવવા માંડ્યું. હવે પોલીસની કાર અને ટ્રેક્ટરની ઝડપની કોઈ સ્પર્ધા હોઈ શકે ખરી? બસ થોડેજ દૂર પોલીસે ટ્રેક્ટર ચલાવી રહેલા વોટ્સનને પકડી લીધો અને ફરીથી જેલમાં નાખી દીધો.

૭ – પકડાયો તો જીવ બચ્યો

ઓસ્ટ્રેલીયાની એક જેલમાંથી જ્યોર્જ બીલી હન્ટ નામના કેદીએ કાંગારું જેવો કોશ્ચ્યુમ બનાવ્યો અને તેમાં ઘૂસીને એ ભાગવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ જ્યોર્જના નસીબ સારા કે તેને જેલના ગાર્ડઝે ઓળખી કાઢ્યો, નહીં તો આ ગાર્ડ્સ તે દિવસે કાંગારુંને મારી નાખીને તેનું ભોજન કરવાનો જ પ્લાન બનાવી રહ્યા હતા.

૬ – એ ભાઈ કપડાં તો પહેરો

જાપાનની જેલમાંથી એક વ્યક્તિ ભાગવામાં સરળતા રહે એટલે બધેબધા કપડાં ઉતારીને ભાગ્યો. પણ આમ સાવ બર્થડે સૂટમાં ભાગવું એ પણ ગુનો જ બને છે ને? છેવટે આ કેદીને એક પ્રાથમિક શાળામાંથી ઝડપી લેવામાં આવ્યો કારણકે પોલીસ માટે તેની ઓળખ કરવી સાવ સહેલું કાર્ય થઇ ગયું હતું.

૫ – યે દુનિયા મેરે કામ કી નહીં

સામાન્ય રીતે કેદીઓ જેલ તોડીને ભાગી જતા હોય છે બરોબર? પણ અમેરિકાની એક જેલમાંથી ભાગી ગયેલો અને એ પણ સફળતા પૂર્વક ભાગી ગયેલા કેદીને અચાનક જ બ્રહ્મજ્ઞાન લાધ્યું અને તેને આ દુનિયામાંથી રસ ઉડી ગયો. પછી શું આ કેદીભાઈ તરતજ જેલમાં પરત આવી ગયા!

૪ – એમ કાઈ થોડો તને ભાગવા દઉં?

જેલમાંથી ભાગી જવાની કોશિશ કરનારા અને કેદીઓની જ મુર્ખામીને કારણે ફરીથી પકડાઈ જવાના કેટલાક હાસ્યાસ્પદ કિસ્સાઓ અત્યાર સુધી આપણે માણ્યા પરંતુ આ કિસ્સો તો એકદમ અજીબ જ છે. એક જેલમાં માળીનું કામ કરતો એક કેદીને જેલ આકરી લાગવા લાગતા તેણે અહીંથી ભાગી જવાનું નક્કી કર્યું. જેલના બગીચાના વિસ્તારની દીવાલ થોડી કાચી હતી આથી તેણે બાગકામ કરતા કરતા જ ભાગવાની કોશિશ કરી. પરંતુ તેના બદનસીબે બગીચામાં તેની સાથેજ કામ કરતા બીજા કેદીએ તેને પકડી લીધો અને પોલીસને હવાલે કરી દીધો. ટૂંકમાં કહીએ તો જ્યારે તમારે જેલમાંથી ભાગવું હોય ત્યારે આસપાસ નજર નાખીને ભાગવું ઓકે?

૩ – ખોટું હથિયાર વાપર્યું

મીઝુરીની જેલમાંથી લોરેન્ઝો પોલાર્ડ નામના એક વ્યક્તિએ સાંકળ સાથે બે લાકડીઓ બાંધીને એક હથિયાર બનાવ્યું. લોરેન્ઝોનો આઈડિયા એવો હતો કે તે આ હથિયારનો ઉપયોગ ત્યારે કરશે જ્યારે તે જેલમાંથી ભાગતો હશે અને ગાર્ડઝ તેને રોકવા આવશે. લોરેન્ઝો પોલાર્ડ ભાગ્યો તો ખરો પરંતુ જ્યારે ગાર્ડઝ તેને રોકવા આવ્યા અને તેણે પોતાના હોમ મેઈડ હથિયારનો ઉપયોગ કર્યો ત્યારે પેલી સાંકળમાંથી એક લાકડી છૂટી પડી ગઈ અને ગાર્ડઝે તેને આસાનીથી પકડી પાડ્યો.

૨ – બધાની સહમતી જરૂરી છે

જ્યારે જેલ તોડીને ભાગવાનો પ્લાન બનાવો ત્યારે તેમાં સામેલ તમામની સહમતી હોવી જરૂરી છે. લેસ્ટર બર્ન્સ અને માઈકલ કોલમેન નામના બે કેદીઓને કદાચ આ હકીકતની જાણ નહીં હોય. આ બંનેને જ્યારે જેલમાંથી અદાલતમાં પોલીસ વાનમાં લઇ જવામાં આવતા હતા ત્યારે અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ તેમણે વાન ચોરી લીધી અને ભાગી નીકળ્યા. પરંતુ આ વાનમાં એક ત્રીજો કેદી પણ હતો જેને ભાગી જવાની બિલકુલ પણ ઈચ્છા ન હતી. આથી એક જગ્યાએ ખાવા-પીવા માટે જ્યારે લેસ્ટર બર્ન્સ અને માઈકલ કોલમેન રોકાયા ત્યારે પેલા ત્રીજા કેદીએ એ જ રેસ્ટોરન્ટના ફોન પરથી 911 પર કોલ કર્યો અને પોલીસે પેલા બંનેને પકડી લીધા.

૧ – દીકરી મારી લાડકવાયી

બ્રાઝીલમાં જેલ તોડવાનો આ કિસ્સો નેશનલ ઈશ્યુ બની ગયો હતો. બ્રાઝીલમાં ડ્રગ્સની ઘણી ગેંગ છે. આમાંથી એક ગેંગના સરદારને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો. થોડા સમય પછી આ ડ્રગ્સ ગેંગનો સરદાર જેલમાં કંટાળી ગયો અને તેણે ભાગી જવાનો પ્લાન બનાવ્યો. આ પ્લાન અનુસાર તેણે પોતાની દીકરીના કપડાં મંગાવ્યા અને તેને પહેરીને તે પોલીસના ગાર્ડ્સને ચકમો આપી દેશે તેમ નક્કી કર્યું. પરંતુ આ સરદારના નસીબ ખરાબ કે તેણે દીકરીના કપડાં તો પહેર્યા પરંતુ તેની દીકરીની ચાલની નકલ તે ન કરી શક્યો.

બસ પછી તો એ સામાન્ય ડ્રેસમાં એટલેકે પોતાની દીકરીના ડ્રેસમાં ચાલતો ચાલતો જેલની બહાર જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારેજ જેલના અધિકારીઓને તેના પર શંકા ગઈ અને તેને પકડી પાડ્યો!