Jantar-Mantar - 17 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 17

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

જંતર-મંતર - 17

જંતર-મંતર

( પ્રકરણ : સત્તર )

રીમાને ભાન આવ્યું ત્યારે સવાર પડવાની તૈયારી હતી. એના કપાળમાં જબ્બર પીડા થઈ રહી હતી. એણે કપાળ ઉપરના વાળ ઠીક કરવા માટે હાથ ફેરવ્યો. એનો હાથ આંખના ખૂણાની ઉપરની તરફ ખેંચાયો. ત્યાં નાનો છરકો થયો હોય અને એમાંથી લોહીની પાતળી સેર ફૂટીને આંખ સુધી આવી હોય એમ લાગ્યું. જોકે, અત્યારે તો એ લોહીની સેર જામી ગઈ હતી. પેલા છરકા ઉપર પણ લોહીનાં ટીપાં સુકાઈ ગયાં હતાં. ખુરશી પાસે વાંકી-ચૂંકી હાલતમાં એ સૂઈ ગઈ હતી એટલે એની કમ્મર, ગરદન, વાંસો, જાંઘ અને પગની પિંડલીઓમાં કળતર થતી હતી. એણે ધીમે-ધીમે એ અંગો સરખાં કર્યાં, અને પછી ખુરશીનો ટેકો લઈને એ ઊભી થઈ, થોડીકવાર બરાબર ઊભા રહ્યા પછી એ પલંગ તરફ આગળ વધી. પલંગ સુધી પહોંચતાં એનો ડાબો પગ બે-ત્રણ વાર લંગડાઈ ગયો. છેવટે પલંગ ઉપર પડયા પછી જ એને કંઈક રાહત થઈ.

દિવસ ચડયો પછી ફોઈબા રીમા પાસે આવ્યાં. રીમાને ઘસઘસાટ ઊંઘતી જોઈ અને કપાળ ઉપરનો પેલો છરકો જોઈને ફોઈબા ગભરાઈ ગયાં. ગઈકાલે મોડી રાત સુધી તો રીમાના કપાળ ઉપર એવો કોઈ છરકો એમને દેખાયો નહોતો. પરંતુ અત્યારે એ છરકો જોઈને એમને ચિંતા થઈ. એમણે રીમાને ઊંઘમાંથી જગાડવાનો નિર્ણય કર્યો. પણ જગાડવા જતાં પહેલાં એમને થયું કે, ‘એ બિચ્ચારી ભલે ઊંઘતી, અત્યારે એના કપાળે પાટાપિંડી કરી નાખું. એ જ્યારે જાગશે ત્યારે એને પૂછી લેવાશે...!’ આવો વિચાર કરીને ફોઈબા રીમાના કપાળે પાટો બાંધવાની કડાકૂટ કરવામાં પરોવાયાં.

થોડીકવાર પછી રીમા જાગી. પોતાના માથા ઉપર દબાણ અને ભાર જેવું લાગતાં એનો હાથ કપાળ ઉપર ગયો. પાટો બાંધેલો જોઈને એને મનમાં નવાઈ લાગી. ‘કોણે પાટો બાંધ્યો હશે ? ફોઈબાએ... હંસાભાભીએ કે મનોજભાઈએ...!’ કલ્પના કરતાં કરતાં જ રીમા ઊભી થઈને બાથરૂમ તરફ આગળ વધી. નાહી-પરવારીને એ નાસ્તો કરવા માટે રસોડામાં પહોંચી ત્યારે એના માથા ઉપરનો પાટો જોઈને હંસાભાભીએ ગભરાટથી પૂછયું, ‘અરે, રીમા, આ શું થયું ?’

‘ભાભી, રાતના ઊંઘમાં પલંગ ઉપરથી પડી ગઈ હતી.’ રીમા કોઈ પણ કારણ વિના સાવ ખોટું બોલી ગઈ.

‘આ પાટો કોણે બાંધ્યો રીમા...?’ હંસાભાભીએ પૂછયું. પણ રીમા કોઈ જવાબ આપે એ પહેલાં જ રસોડા પાસે આવીને, રસોડાના બારણાને ટેકો આપતાં ફોઈએ કહ્યું, ‘મેં બાંધ્યો છે, સવારે રીમા રીમા ઊંઘતી હતી ત્યારે જ હું પાટો બાંધી આવી.’

રીમાએ નાસ્તો પતાવ્યો ત્યાં સુધી હંસા, ફોઈબા અને રીમા આડી-અવળી વાતો કરતાં રહ્યાં.

રીમા નાસ્તો પતાવીને બહાર નીકળીને પોતાના કમરામાં જવા લાગી ત્યારે તેણે ફોઈબાને કહ્યું, ‘આવો છો ને ફોઈબા...!’

કોઈ જવાબ આપ્યા વિના હસતાં-હસતાં ફોઈબા રીમાની સાથે થઈ ગયાં.

રીમાએ ખુરશી પલંગ પાસે ખેંચી લીધી. ‘ફોઈબા, તમે પલંગ ઉપર આરામથી બેસો.’ અને પછી પોતે એમની નજીક ખુરશી ઉપર બેસી ગઈ.

ફોઈબા આરામથી બેઠાં. અચાનક રીમાએ પૂછયું, ‘ફોઈબા, તમને પરણે કેટલાં વરસ થયાં ?’

ફોઈબાએ અંદાજે જવાબ આપ્યો, ‘દસેક વરસ થયાં હશે.’

‘દસ વરસમાં તમને એકેય સંતાન થયું નથી...?’

રીમાનો સવાલ સાંભળીને ફોઈબાએ નિસાસો નાખ્યો, ‘સાવ એવું તો નથી દીકરી...હું પરણીને ગઈ એ પછી સવા કે દોઢ વરસે મને એક મરેલી દીકરી જન્મેલી...બસ, ત્યારપછી કોઈ સંતાન નથી. ફકીર એટલા પીર અને પથ્થર એટલા દેવ કર્યાં, પણ દીકરી મારો ખોળો એવો ને એવો ખાલી જ રહ્યો. ડૉકટરોને બતાવવામાં પણ કંઈ કચાશ રાખી નથી અને દવાઓ પણ ખૂબ પી લીધી છે...!’ કહેતાં ફરી ફોઈબાએ નિસાસો નાખ્યો અને પછી ઉમેર્યું.... ‘હવે તો બાળકની આશા પણ મૂકી દીધી છે.’

‘પણ તમારા નસીબમાં બાળક છે, ફોઈબા...’ રીમાએ ધડાકો કરતાં કહ્યું, અને રીમાનો ધડાકો ફોઈબાને પણ આંચકો આપી ગયો, એમણે ચોંકીને, રીમા તરફ ઝૂકી પડતાં રીમાનો હાથ પકડી લીધો, ‘તારી વાત સાચી છે...?’ માનવામાં ન આવતું હોય એમ ફોઈબાએ રીમાને પૂછયું.

‘મારી વાત સાચી છે...ફોઈબા....પણ એ માટે એક ટૂચકો કરવો પડશે. રમત રમવી પડશે...!’ પછી એણે ચમકદાર આંખો ફોઈબાના ચહેરા ઉપર ઘુમાવતાં કહ્યું, ‘પણ ફોઈબા, તમને હું સંતાન થવાનો રસ્તો બતાવું તો ખરી...પણ તમારે મારી એક વાત માનવી પડશે !’

ફોઈબાએ પોતાની આંખો રીમાના ચહેરા ઉપર સ્થિર કરી. એમણે આંખોથી જ પૂછી લીધું, ‘એવી તે કઈ વાત છે ?’

‘તમારે સંતાન જોઈતું હોય તો મારા બાવડા ઉપરથી તાવીજ ખોલી નાખવું પડશે.’

તાવીજનું નામ સાંભળતાં જ ફોઈબા ચોંકી ગયાં. એમણે હડબડાટથી પાછળના દરવાજા તરફ જોઈને ખાતરી કરી લીધી કે, કોઈ જોતું નથી ને...પાછળ કોઈ જોતું નહોતું...

રીમાની વાત સાંભળીને ફોઈબાના હૃદયની ધડકનો વધી ગઈ. એ રીમા સાથે કોઈ વાત કરે એ પહેલાં જ રીમા બોલી, ‘ફોઈબા, મને ખબર છે કે, તમે મારી વાત માનશો જ. જો હું તમને સંતાન મેળવવાની તરકીબ બતાવું તો તમે મારું તાવીજ ખોલશો ને...?’

ફોઈબા એક પળ માટે મૂંઝવણમાં પડી ગયાં. રીમાની વાત સાંભળતાં જ એમના મગજમાં જોરદાર સળવળાટ ચાલુ થઈ ગયો હતો. એક તરફ રીમાની જિંદગીનો સવાલ હતો. જ્યારે બીજી તરફ પોતાની જિંદગીનો સવાલ હતો. જો એ રીમાના બાવડા પરનું તાવીજ ખોલી નાખે તો રીમા મુશ્કેલીમાં મુકાઈ જાય પણ એની સાથોસાથ પોતાની મુશ્કેલીઓનો અંત આવી જાય....

એક જ પળમાં ફોઈબાએ મનમાં નિર્ણય લઈ લીધો. પોતાના ભાઈના સંતાનને જોખમમાં મૂકીને પોતાનું સંતાન મેળવી લેવાનો...એણે તરત જ તાવીજ ખોલવા માટે હકારમાં ડોકું હલાવી દીધું. એ વખતે રીમાની આંખો જોયા પછી એમને લાગ્યું કે સામે ખરેખર રીમા નથી બેઠી પણ રીમાનું પૂતળું બેઠું છે. માત્ર રીમાની આંખો ગોળ ગોળ ફરે છે અને વાત કરતી વખતે હોઠ ફફડયા કરે છે.

ફોઈબાએ તાવીજ ખોલવાની હા પાડી તે છતાંય રીમાના ચહેરા ઉપર કોઈ ફેરફાર થયો નહીં. એ ધીમેથી હોઠ ફફડાવતાં બોલી, ‘ગુરુવારની એક સાંજે, નાહી-ધોઈ, ચોખ્ખા થઈને ચણાના લોટને પલાળી એક ઢીંગલો બનાવી, એને લાલ કપડાંમાં લપેટીને, તમારા ઘરની સામેના એક મકાનમાં, જ્યાં હજુ ગયા અઠવાડિયે જ બાળકનો જન્મ થયો છે, એ મકાનના બારણાની સામે, ત્રણ ફૂટ દૂર એ ઢીંગલાને રાતે બરાબર બારને પાંત્રીસ મિનિટે દાટી દેશો તો જરૂર તમારે ત્યાં થોડા જ સમયમાં દીકરો આવશે.’

રીમાની વાત સાંભળીને ફોઈનું હૈયું ધડકી ઊઠયું. એના આખા શરીરમાં ધ્રુજારી ફરી વળી. એ શંકાભરી નજરે રીમાને તાકી રહી ત્યારે રીમાએ જ સામેથી ખુલાસો કર્યો... ‘ફોઈબા, તમે શંકા ન રાખો, તમારા ઘર સામે બાળક જન્મેલું છે. એની મને ખબર છે. એની ઉપરથી જ સમજી જાવ કે મારી વાત કેટલી સાચી હશે ? અને હવે તમે મારા બાવડાનું તાવીજ ખોલી નાખો...’

ચાવી દીધેલા પૂતળાની જેમ ફોઈબાએ રીમાના બાવડા પરનું તાવીજ ખોલી નાખ્યું.

તાવીજ ખુલતાં જ જાણે ચમત્કાર થયો. રીમા ખુરશી એક તરફ પછાડતી, પુરુષની જેમ એક જોરદાર અટ્ટહાસ્ય કરતી ઊભી થઈ ગઈ. એની આંખો ચકળવકળ થવા લાગી. અને એ બહારની તરફ દોડી ગઈ. ફોઈએ એને રોકવા માટે એનો હાથ પકડયો પણ રીમાએ એક આંચકા સાથે એનો હાથ છોડાવી લીધો. ફોઈબાએ એને રોકવા માટે ફરી પ્રયત્ન કર્યો અને દોડતી રીમાની સાડી પકડી લીધી. પણ રીમાની સાડી ફોઈબાના હાથમાં રહી ગઈ અને રીમા ઉછળતી-કૂદતી આગળ દોડી ગઈ અને બાથરૂમમાં જઈને ભરાઈ ગઈ.

બાથરૂમનું બારણું બંધ કર્યા વિના જ એણે પહેરેલા કપડે જ ફુવારો ચાલુ કરી દીધો. એની સાથે જ એ ફિલ્મી ગીતો ગાવા લાગી અને નાચવા લાગી.

રીમાને તોફાને ચડેલી જોઈને ઘરમાં દોડાદોડી મચી ગઈ. ઘરનાં બધાં હાંફળાફાંફળા થઈને દોડી આવ્યાં. હંસાભાભીએ આવતાં જ રીમાના બાવડા ઉપર નજર નાખી. બાવડા ઉપરનું તાવીજ ગુમ થયેલું જોઈને, એના હૈયામાં ફાળ પડી. એ તરત જ રીમાના કમરામાં દોડી ગઈ. પેલું તાવીજ પલંગ ઉપર પડયું હતું. એણે ઝડપથી એ ઉપાડયું અને પછી સમસમીને એક ખૂણામાં બાઘાની જેમ ઊભાં થઈ ગયેલાં ફોઈબા તરફ ઠપકા અને ગુસ્સાભરી નજરે જોયું. અને પછી તરત જ એણે મનોજને કહ્યું, ‘તમે રીમાને પકડો, હું એને તાવીજ પહેરાવી દઉં....!’

પણ મનોજ આગળ વધે એ પહેલાં જ રીમાએ બાથરૂમમાંના સાબુ, સાબુદાની, ધોકો, ચંબુ, ડોલ વગેરે બહારની તરફ મનોજ ઉપર ફેંકવા માંડયું. પાણીની છાલકો મારવા માંડી...

હંસાભાભીને લાગ્યું કે, રીમાની હાલત વધારે પડતી ગંભીર છે એટલે એણે મનોજને ફકીરબાબાબાને બોલાવી લાવવા સૂચના આપી.

મનોજ તરત જ દોડી ગયો અને ઝડપથી ફકીરબાબાને લઈ આવ્યો.

ફકીરબાબાએ આવીને એમની ઝોળી બાજુ પર મૂકી. હંસાભાભીએ ત્યાં સુધીમાં ધૂપદાનમાં કોલસા ભરી દીધા હતા. ફકીરબાબાએ જેવી ઝોળી મૂકી કે તરત જ એમને કોઈ અજાણી શક્તિએ અદ્ધર ઊંચકી લીધા. અને પછી જોશથી જમીન ઉપર પછાડયા....

ફકીરબાબાની એ ઝોળીમાં કુરઆન શરીફ અને બીજાં કેટલાંક પવિત્ર પુસ્તકો હતાં. જ્યાં સુધી એ ઝોળી એમની પાસે હતી ત્યાં સુધી તો એ શયતાન સિકંદર એમનું કંઈ બગાડી શકે એમ નહોતો. એમને હાથ લગાડવાની પણ હિંમત કરી શકે તેમ નહોતો. પણ જેવી એ ઝોળી એમણે એક તરફ મૂકી કે તરત જ એ શયતાને એમને બે હાથે અદ્ધર ઉઠાવીને જમીન ઉપર પછાડયા.

ફકીરબાબા જોશથી જમીન ઉપર પટકાયા. એમને લાગ્યું કે એ શયતાને એમને ખૂબ જોશથી પછાડીને એમના શરીરનો એકેએક સાંધો ઢીલો કરી નાખ્યો છે. છતાંય હિંમત રાખીને એમણે પોતાની ઝોળી લેવા માટે હાથ લંબાવ્યો. પણ એ ઝોળી લેવા માટે હાથ લંબાવે એ પહેલાં જ પેલા શયતાન સિકંદરે એમના પેટમાં પૂરા જોશથી લાતો મારવા માંડી. એ લાતોના મારથી ફકીરબાબા બેય હાથે પેટ પકડીને બેવડ વળી ગયા. છતાંય એમણે પેલી ઝોળી લેવા માટે હાથ-પગ પછાડીને મરણીયા પ્રયાસો કરવા માંડયા.

ફકીરબાબાની આવી હાલત જોઈને ઘરમાં બધાં ગભરાઈ ગયાં. મનોજ, ફોઈબા, ચુનીલાલ અને રંજનાબહેન વગેરે તો ડઘાઈ ગયાં હોય તેમ ભયથી ધ્રુજતાં એકીટસે ફકીરબાબાને જોઈ રહ્યાં. પણ એ બધામાં હંસા કંઈક અલગ હતી. એનામાં થોડીઘણી હિંમત બાકી હતી. એનું મગજ ઝડપથી કંઈક વિચારી રહ્યું હતું. ફકીરબાબાને તરફડતા અને વારંવાર ઝોળી તરફ હાથ લંબાવતા જોઈને એને ખ્યાલ આવી ગયો કે ફકીરબાબા ઝોળી લેવા માંગે છે. એણે તરત જ સમયસૂચકતા વાપરીને એ ઝોળી ફકીરબાબા તરફ ફેંકી. જેવી એ ઝોળી ફકીરબાબાના હાથમાં આવી કે તરત જ ફકીરબાબા બેઠા થઈ ગયા. હવે એ શયતાન સિકંદર એમનું કંઈ બગાડી શકે એમ નહોતો.

ફકીરબાબાનું શરીર ધ્રૂજતું હતું. ચહેરો પરસેવે રેબઝેબ હતો. એમનો પીઠ તરફનો ઝભ્ભો પણ પરસેવાથી પલળીને પીઠ સાથે ચોંટી ગયો હતો. પણ ઝોળી હાથમાં આવ્યા પછી તરત જ ફકીરબાબા સ્વસ્થ થઈ ગયાં. એમણે એ ઝોળીમાંથી ઝડપથી જરૂરી સામાન બહાર કાઢવા માંડયો. પણ એ સમય દરમિયાન રીમાનું તોફાન વધી ગયું હતું. એ ખોબામાં પાણી લઈને બહાર ઉછાળતી હતી. એનું બ્લાઉઝ અને ચણીયો તો કયારનાંય પલળી ગયાં હતાં. પાણી ઉછાળીને એ જોશથી હસતી હતી. એને નહાતી, નાચતી, કૂદતી અને ગાતી જોઈને બધાને એમ જ લાગતું હતું કે આ રીમા જ નથી, પેલી ડાહીડમરી રીમા બદલાઈ ગઈ હતી. વળી એની આંખો જ્યારે એના મા-બાપ, ભાઈ-ભાભી કે ફોઈ સાથે અથડાતી ત્યારે પણ જાણે એ કોઈનેય ઓળખતી ન હોય એ રીતે જ જોઈને, એમની હાંસી ઉડાવતી હતી.

ફકીરબાબાએ પૂઠું લઈને પંખો હલાવીને ધૂપદાનના કોલસા લાલચોળ કર્યા. પછી લોબાનનો ભૂકો હાથમાં લીધો, પણ ફકીરબાબા એ લોબાનનો ભૂકો કોલસા ઉપર ભભરાવે એ પહેલાં જ રીમાએ પાણીની છાલક મારીને એ કોલસા બુઝાવી દીધા.

ફકીરબાબાએ ગુસ્સાથી છંછેડાઈને રીમા તરફ જોયું, ત્યારે રીમાએ એમની સામે જોઈને કઠપૂતલીની જેમ ગરદન હલાવી, આંખો નચાવી અને પછી ખિલ-ખિલ કરતી હસતી એ ખૂબ મોટા જોરદાર અવાજે, લાંબા રાગડા તાણતી એક ફિલ્મી ગીત ગાવા લાગી.

હવે ફકીરબાબાની નજર હંસા ઉપર ગઈ. આ ઘરમાં એમને હંસા જ વધુ ચપળ અને ચાલાક લાગતી હતી. એમણે હંસાને ઈશારો કરીને ઈશારામાં જ કંઈક વાત કરી. ફકીરબાબાનો એ ઈશારો સમજી ગઈ હોય એમ હંસા રીમાના કમરા તરફ દોડી ગઈ. ફકીરબાબાએ હંસાને ઈશારામાં સમજાવ્યા પછી પોતાની ઝોળી બાજુમાં મૂકી કે તરત જ અગાઉની જેમ જ કોઈક અદૃશ્ય શક્તિએ ફકીરબાબાને અદ્ધર ઊંચકીને નીચે પછાડયા, એ અદૃશ્ય શક્તિ બીજું કોઈ નહીં પણ સિકંદર જ હતો.

પણ આ વખતે સિકંદર ફકીરબાબા ઉપર વધુ જુલ્મ કરે એ પહેલાં જ મનોજે હોશિયારી વાપરીને પેલી ઝોળી ફકીરબાબાને આપી દીધી. ત્યાં સુધી હંસા પણ આવી ગઈ. આવતાં જ એ ચૂપચાપ રીમાની નજર એની ઉપર પડે એ પહેલાં બાથરૂમમાં ધસી ગઈ અને પોતાના હાથનું તાવીજ રીમાના માથા ઉપર મૂકી દીધું.

રીમા શાંત થઈ ગઈ. પણ ફકીરબાબા એટલી વારમાં બેવાર અદ્ધરથી પછડાયા હતા અને માર ખાઈને અધમૂઆ જેવા થઈ ગયા હતા. હવે તો એમનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. એમણે ધ્રૂજતા અવાજે કહ્યું, ‘બેટી, હવે તું એના બાવડા ઉપર તાવીજ બાંધી દે.’

હંસાને તાવીજ બાંધતી જોઈને મનોજ પણ એને મદદ કરવા દોડી ગયો. તાવીજ બંધાયા પછી રીમા હતી એવી ડાહી-ડમરી થઈ ગઈ. હંસા એના માટે બીજાં કપડાં લઈ આવી. રીમા એક ડાહી છોકરીની જેમ બાથરૂમ બંધ કરીને કપડાં બદલવા લાગી.

ફકીરબાબાએ બધો સામાન સમેટીને ઝોળીમાં ભરી લીધો અને પછી તેઓ રીમાના મા-બાપ પાસે જઈને બોલ્યાં, ‘તમે લોકોએ તાવીજ ખોલી નાખીને ભારે ભૂલ કરી છે. મેં તમને અગાઉ પણ તાવીજ નહીં ખોલવા માટે સૂચના આપી હતી. ખેર ! આ વખતે તો મેં જાન ઉપર ખેલીને આ છોકરીને બચાવી છે. પણ હવે એવી કોઈ ભૂલ કરશો નહિ.’ કહેતાં કહેતાં ફકીરબાબા હાંફી ગયા. પછી એમણે ધ્રૂજતા અવાજે ઉમેર્યું, ‘કદાચ હવે હું બચું કે ન બચું. એ હવે વધુ ને વધુ ભયાનક રૂપ ધારણ કરતો જાય છે. એ એક-એક કરીને બધાંને ખતમ કરી નાખશે. સાવચેતી રાખો.’

પછી..? પછી શું થયું..? ફકીરબાબાની વાત સાંભળીને ડરી ગયેલા રીમાના પરિવારે શું કર્યું...? રીમાનું શું થયું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***