ભ્રમણા
By – એ.જે.મેકર
“ज़िन्दगी से यही गिला है मुझे
तू बहोत देर से मिला है मुझे”
થોડીવાર પહેલાજ ભાનમાં આવીને આઈ.સી.યુ. માંથી નોર્મલ રૂમમાં શીફ્ટ થયેલા કેવલે બાજુમાં બેઠેલી હેમાંગીને અહમદ ફરાઝનો શેર સંભળાવતા કહ્યું. કેવલની વાત સાંભળીને હેમાંગીની આંખો ભીની થઇ ગઈ. હર્ષ અને ખેદના મિશ્રભાવ વાળા આંસુ લૂછતાં હેમાંગી એ કહ્યું-
“તું આટલી હદે કઈ રીતે મને પ્રેમ કરી શકે છે? મેં તો ક્યારેય તારી સાથે સરખા મોઢે વાત પણ નથી કરી, હંમેશા તને ધુતકાર્યો, અપમાન કર્યું, તારો ફાયદો ઉઠાવ્યો તેમ છતાં આટલો પ્રેમ?”
“કોણે કહ્યું તેં મારી સાથે પ્રેમથી વાતો નથી કરી? દરરોજ તું મારી સાથે વાતો કરે છે, હસે છે, રમે છે, છેડછાડ કરે છે, સાથે જીવવા મરવાના વાયદાઓ કરે છે, ઘણું બધું જે હું શબ્દોમાં કદાચ ન કહી શકું એવું બધુંજ આપણી વચ્ચે થયું છે.”
કેવલે હેમાંગીની આંખોમાં જોતાં સ્મિત સાથે કહ્યું. હેમાંગીની આંખો અને ચહેરા પર પ્રશ્નાર્થ ભાવો સ્થિર હતા.
“વોટ રબીશ, ક્યારે થયું આવું બધું?”
“મારા ઈમેજીનેશનમાં, મારી કાલ્પનિક દુનિયામાં, જ્યાં વાસ્તવિકતા માટે કોઈ સ્થાન નથી, જ્યાં દુઃખ, પીડા, વિરહ જેવી કોઈ યાતનાઓ નથી, જ્યાં માત્ર તું અને હું છીએ. મને જયારે પણ જરૂર હોય હું આંખો બંધ કરીને એ દુનિયામાં ચાલ્યો જાઉં છું, તું સદેહે એ દુનિયામાં મળે છે, વ્હાલ કરે છે, સ્નેહ વરસાવે છે. હું સતત તને પ્રેમ કરતો રહું છે એનું એજ એક મુખ્ય કારણ છે કે વાસ્તવિકતામાં તુ મને મળે કે ન મળે પણ મારી પોતાની વૈચારિક સૃષ્ટિમાં તું દરરોજ મને મળે છે, મારી સાથેજ રહે છે, અને એ બધું તારા પ્રત્યેના મારા પ્રેમના કારણેજ છે.”
કેવલની વાતોનો હેમાંગી પાસે કોઈ જવાબ ન હતો, કારણકે એ જાણતી હતી કે કેવલ એક લેખક છે અને એ પોતાની દુનિયા પોતાની ઈચ્છા પ્રમાણે રચી શકે છે, એ એનું એક ગાંડપણ છે, પણ કેવલને એ ગાંડપણ ગમે છે, વાસ્તવિકતાની કડવાશમાં જીવવા કરતાં, એને કાલ્પનિક વિશ્વની મીઠાશમાં જીવવું વધુ પસંદ છે.
છ મહિના પહેલા જ એ બંને મળ્યા હતા. હેમાંગી માટે એ મુલાકાત સમાન્ય હતી પણ કેવલ માટે એ અસામાન્ય બની રહી. હેમાંગીને મળ્યા બાદ કોઈ પણ વાર્તા કે કવિતા લખતી વખતે એના વિચારોમાં નાયિકા તરીકે હેમાંગી તરી આવતી અને પોતે નાયક બની જતો.
આ બધી વસ્તુ એ હેમાંગીને જણાવતો પણ હેમાંગીને એની વાતોમાં રસ ન હતો, શરૂઆતમાં એણે ચલાવ્યું પણ પછી એ રીતસરની ઈરીટેટ થઇ જતી. ક્યારેક અપમાન કરીને કેવલનો કોલ કટ કરી નાખતી. એવા સમયમાં કેવલ ડીસ્ટર્બ થઇ જતો, એને ગુસ્સો આવી જતો પણ તરતજ એની કાલ્પનિક સૃષ્ટિમાંથી એની મનગમતી હેમાંગી, એની નાયિકા જાણે સદેહે બહાર આવી જતી હોય એમ, એ હેમાંગી સાથે વાતોમાં વળગી જતો. એ કાલ્પનિક હેમાંગી કેવલ પાસે માફી માંગતી, એને સ્નેહ કરતી, અને કેવલ વાસ્તવિક હેમાંગી પ્રત્યેની બધીજ ફરિયાદો ભૂલી જતો.
હેમાંગીએ ધીરે ધીરે તેનું ઈરીટેશન એક બાજુ મુકીને કેવલનો ફાયદો ઉપાડવાનું નકી કર્યું. તેણે વાર્તા લેખનની વિવિધ સ્પર્ધાઓ માટે કે જેમાં મોટી રકમ પુરસ્કાર સ્વરૂપે મળતી, તેમાં કેવલની વાર્તાઓ પોતાના નામે મોકલવાનું શરુ કર્યું. ચાર વખત સતત આવીરીતે હેમાંગી મોટી રકમ પુરસ્કાર સ્વરૂપે મેળવી ચુકી હતી, પણ એક વખત જે સામાયિકે સ્પર્ધાનું આયોજન કર્યું હતું એ સામયિકમાં વિજેતા વાર્તાના સ્વરૂપમાં હેમાંગીના નામ સાથેની વાર્તા કેવલની નજરમાં આવી. તેને ખ્યાલ આવી ગયો કે આ તેણે હેમાંગીની ફરમાઇશ પર બનાવી આપેલી એજ વાર્તા છે. કેવલ છંછેડાઈ ગયો. ફોન પર હેમાંગી પર ગુસ્સો ઠાલવ્યો, ન કહેવાનું કહ્યું. એ હેમાંગી પર કેસ કરવા સુધીની તૈયારી સાથે બહાર જઈ રહ્યો હતો એવામાંજ એની કાલ્પનિક હેમાંગી એની સામે આવી.
એ દુઃખી હતી, એની આંખો નીચે નમેલી હતી, છતાં એમની વેદના જાણે વાંચી શકતો હોય એમ કેવલ ધીરે ધીરે પીગળવા લાગ્યો, અને એ કાલ્પનિક હેમાંગી સાથે વાતો કરવા લાગ્યો.
“સો સોરી જાન, મારે આમ ગુસ્સે ન થવું જોઈએ.”
હેમાંગી સાથે બાજુના સોફા પર બેસતા કેવલે કહ્યું. કેવલને ખ્યાલ આવ્યો કે હેમાંગી રડી રહી હતી.
“હવે સોરી કહેવાથી શું ફાયદો, તે મારું દિલ તોડી નાખ્યું કેવલ, શું તારા પર, તારા વિચારો પર, તારી વાર્તાઓ પર મારો કોઈ હક નથી?”
કાલ્પનિક હેમાંગીએ રડતાં રડતાં કહ્યું.
“પૂરો હક છે જાન, મારું બધુંજ તારું છે.”
કેવલે તેને સાંત્વના આપતા કહ્યું.
“રહેવા દે, આ બધું માત્ર કહેવા પુરતું જ છે, જ્યાં મારો કોઈ હક ન હોય, ત્યાં મારે નથી રહેવું, હું જાઉં છું અને આજ પછી ક્યારેય પાછી નહી આવું. બાય, ઇટ્સ નોટ અ ગૂડ બાય, ઇટ્સ બેડ, વેરી વેરી બેડ બાય કેવલ”
કહીને હેમાંગી અદૃશ્ય થઇ ગઈ. કેવલે તેને રોકવાના ખૂબ પ્રયત્નો કર્યા, હેમાંગીના નામથી કેટલીયે વાર સુધી રાડો પાડી પણ હેમાંગી પાછી ન આવી. કેવલ રડવા લાગ્યો, જાણે એનું બધુંજ છીનવાઈ ગયું હોય તેમ દુઃખી થઈને તેણે આત્મહત્યા કરવા માટે ઘેનની ગોળીઓ ખાઈ લીધી.
ઘેનની ગોળીની અસર થતાંજ તે બેભાન થઇ ગયો અને જયારે આંખ ખોલી ત્યારે હેમાંગી એની સામે હતી. હેમાંગીએ એની પાસે માફી માંગી જેના જવાબમાં કેવલે અહમદ ફરાઝનો શેર સંભળાવ્યો હતો.
“આપણી પાસે હજુ ઘણો સમય છે, હું તારી સાથેજ રહીશ, હંમેશા, બસ તું એક વખત મને માફ કરીદે, આજ પછી ક્યારેય તને દુઃખી નહી કરું. ગોડ પ્રોમિસ.”
હેમાંગીની વાત સંભાળીને કેવલના ચહેરા પર સુખદ સ્મિત આવી ગયું.
અચાનક કેવલના એ રૂમનો દરવાજો ખૂલ્યો, ડૉકટર ઝડપથી અંદર ધસી આવ્યા, થોડીવાર પહેલાજ નોર્મલ લાગતો કેવલ પાછો બેભાન થઇ રહ્યો હતો. તેનું શરીર કોઈ ક્રિયા નો’તું કરી રહ્યું. ઈ.સી.જી. મશીનમાં હજુ ધબકારા યથાવત હતા. પણ કેવલની આંખો તેના જમણા પડખે સ્થિર હતી અને હેમાંગીએ પ્રોમિસ આપવામાટે લંબાવેલો હાથ જાણે પકડી રાખ્યો એમ એ હાથનો પંજો વળેલો હતો. કેવલની કંડીશન પરથી ડોક્ટરને સમજાઈ ગયું કે કેવલ પાછો કોમામાં જતો રહ્યો છે, એ વાત રૂમની બહાર નીકળતાં જ એક છોકરી રડતાં રડતાં કેવલ પાસે આવી.
“પ્લીઝ કમ બેક ટુ મિ કેવલ, પ્લીઝ, આઈ એમ સોરી, આઈ લવ યુ કેવલ પ્લીઝ કમ બેક...” કહેતા એ ચોધાર આંસુએ રડવા લાગી.
“વી આર સોરી હેમાંગી, વી કાન્ટ અન્ડર્સ્ટેન્ડ હાઉ હી વેન્ટ ઇન કોમા અગેઇન.”
ડોકટરના શબ્દો સાંભળીને છેલ્લા ચાર દિવસથી કેવલની રાહ જોતી હેમાંગી રડતાં રડતાં રૂમના ખૂણામાં ફસડાઈ પડી.
* * * * *
“કેવલ...કેવલ...પ્લીઝ ઓપન ધ ડોર, કેવલ...”
હેમાંગી છેલ્લી વીસ મિનિટથી કેવલને બહાર આવવા માટે કહી રહી હતી પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ગભરાઈને તેણે બાજુમાં રહેલા કેવલના મિત્ર અંશને બોલાવ્યો, દરવાજાની કડી તોડીને બંને રૂમમાં ગયા તો કેવલ તેની રાઈટીંગ ટેબલ પર બેભાન પડયો હતો, તેની આસપાસ કાગળ ઊડી રહ્યા હતા. બંને ઝડપથી કેવલને હોસ્પિટલ લઇ ગયા.
આખીરાતની ટ્રીટમેન્ટ અને વિવિધ ચેકઅપ કાર્ય બાદ ડોકટરે હેમાંગીને બોલાવીને કહ્યું.
“કેવલ એ રૂમમાં શું કરવા ગયો હતો?”
“દરરોજની જેમ એ એનો વાર્તા લખવાનો સમય હતો, સાંજેજ એણે કહ્યું હતું કે કોઈ સ્પર્ધા માટે વાર્તા તૈયાર કરવી છે, અગાઉ કોઈકે કહેલું કે તારી વાર્તામાં જીવ નથી એમાં જીવ પુરવા માટે જાતે એ વાર્તા જીવવી પડે, માટે રૂમમાં કોઈએ ડીસ્ટર્બ ન કરવાનું કહીને એ ત્રણ કલાકથી રૂમમાં જ હતો.”
“ઓહ ગોડ, ઇટ્સ રીઅલી બેડ, જો હું ખોટો ન હોઉં તો એ વાર્તાના કારણે જ કેવલ કોમામાં છે, આખા શરીરમાં ક્યાંય કંઈ વાગવાનું નિશાન નથી એ પરથી સાબિત થાય છે કે એના મગજ પર એના કોઈ ઊંડા ઘેરા વિચારોની અસર થઇ છે. જેના કારણે એ કોમામાં ચાલ્યો ગયો છે.”
કેવલ કોમામાં છે એ સાંભળીને હેમાંગી હેબતાઈ ગઈ, ડોકટરે કહેલા શબ્દો કેટલા તેના કાને પડ્યા એ હેમાંગી નક્કી ન કરી શકી.