Tik tok ane hastmaithun in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | TIK TOK અને હસ્તમૈથુન : સપનામાં જ સપના પૂરા કરવાની કળા...! (A)

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

TIK TOK અને હસ્તમૈથુન : સપનામાં જ સપના પૂરા કરવાની કળા...! (A)

TIK TOK અને હસ્તમૈથુન : સપનામાં જ સપના પૂરા કરવાની કળા...! (A)

ભારતમાં દર નવ્વાણુમાંથી સો છોકરા-છોકરીઓએ બાળપણમાં એકાદી વાર તો હિરો કે હિરોઈન બનવાનું સપનું જોયુ જ હોય છે. જોકે, એ વાત અલગ છે કે છોકરાઓ થોડાં મોટાં થાય એટલે એ પૈકીના અડધોઅડધનું સપનું એક્ટરમાંથી ક્રિકેટર બનવા તરફ વળી જાય છે અને 'મેં માધુરી દિક્ષિત બનના ચાહતી હું' ટાઈપની યુવતીઓ અંતે પોતાની તમામ કળા મોબાઈલના ફોટોઝ કે વીડિયોઝમાં ઝીંકા ઝીંક થાય છે. ટીકટોકે આ તમામને મોટી નહીં તો એટલિસ્ટ નાની (એટલે કે મોબાઈલની) સ્ક્રિન પર પોતાની જાતને પર્ફોર્મ કરતા જોવાની તક પૂરી પાડી છે. એકચ્યુલી, ટીકટોક એ વોન્ના બી એક્ટર્સનું હસ્તમૈથુન છે! હોવ...

હસ્તમૈથુનમાં લોકો જે વાસ્તવમાં કરવા માંગતા હોય એ કલ્પનામાં કરીને એ જ કર્યાનો અહેસાસ માણે છે. હસ્તમૈથુન વિશે કોઈએ સરસ વાત કરી છે કે પેઈન્ટિંગ સિવાય એ વિશ્વનું બીજું એવું કળાત્મક કાર્ય છે, જેમાં માત્ર એક હાથ અને ઘણી બધી કલ્પનાશક્તિની જરૂર પડે છે! એ સમગ્ર પ્રક્રિયામાં પચાસ ટકા ક્રિયા કાલ્પનિક હોય છે જ્યારે સુખ સો ટકા વાસ્તવિક હોય છે. ટીકટોકનું પણ કંઈક એવું જ છે. જોકે, ટીકટોકમાં માત્ર એક હાથથી કામ નથી ચાલતુ. હોવ...હમ્બો...હમ્બો...!

જોકે, ક્રિકેટમાં ભારતીય ટીમની પાકિસ્તાન સામેની જીત પણ કંઈક અંશે હસ્તમૈથુનની મજા જેવી જ હોય છે. આપણી ઘણીય ઈચ્છા હોય કે ભારત કાશ્મીર સ્થિત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી છાવણીઓનો સફાયો કરી નાખે, દાઉદને પકડીને જેર કરે, આંતકવાદની ઈંટનો જવાબ પથ્થરથી આપે, સરહદે હેમરાજો શહિદ થાય તો બોર્ડર પર ઈઝરાયેલ સ્ટાઈલમાં ધબધબાટી બોલાવે, હાફિઝ સઈદોના નાક-કાન વાઢી નાંખે, પણ આમાંનુ કશુંય થતુ ના હોય એ સંજોગોમાં ભારતની ટીમ પાકિસ્તાનને ક્રિકેટમાં હરાવે એટલે આપણને આ બધુ જ એક સામટું થઈ ગયુ હોવાનો આનંદ આવે. હસ્તમૈથુનની જેમ જ એમાં પણ વિશ્વશ્રેષ્ઠ સુંદરીઓ સાથે સહશયનના સપના હોય, પણ શક્ય ના હોય એટલે સ્વપ્નદોષમાં એ બધુ જ થઈ ગયાનો આનંદ આવે. હોવ...

આજનો યુગ ભવિષ્યમાં વાયરલ યુગ તરીકે ઓળખાશે, કારણ કે આજ-કાલ કોઈ વિચિત્ર રીતે છીંક પણ ખાય કે આંખો નચાવે તો યે વાયરલ થતા વાર નથી લાગતી. વાયરલ વીડિયોઝ એ ચેપી રોગ છે. જે સ્વાઈન ફ્લુ કરતા પણ ઝડપથી ફેલાય છે. ભવિષ્યમાં ઈતિહાસકારો આજના સમયને ચોક્કસપણે 'ટીકટોક ક્રાંતિ' તરીકે ઓળખાવશે. એક એવી ક્રાંતિ જેણે યંગસ્ટર્સના દિમાગમાં કંઈ કેટલીયે ભ્રાંતિઓ જન્માવી. જેના કારણે અનેક યુવતીઓ મનોમન પોતાને આલિયા ભટ્ટ અને યુવાનો 'દિલવાલે'નો અજય દેવગણ માનવા લાગ્યાં!

અજય દેવગણ પરથી યાદ આવ્યું કે ટીકટોક પર ડઝનબંધ ગરીબોના અજય દેવગણ જોવા મળે છે. એમના દાંતનો ક્લોઝઅપ આવે ત્યારે એવું જ લાગે કે અજય દેવગણે વિમલ પાનમસાલાની 'બોલો ઝુબાં કેસરી' એડ કરતાં કરતાં જેટલી વિમલ ચાવી હશે એનો તમામ કેસરી રંગ આ પાપી લોકોના દાંત વચ્ચે દરિયાઈ લીલ જેવા ગઠ્ઠા કરીને ચોંટી ગયો હશે. યક્ક...

મને એક વાત નથી સમજાતી કે ટીકટોક પર તૂટેલા દિલના દર્દીઓ જ કેમ સેંકડોની સંખ્યામાં ભર્યા પડ્યાં છે? એ લોકો રોતલા ગીતો કે સંવાદો પર એવા ભયંકર એક્સપ્રેશન્સ સાથે માથું કે છાતી કૂટતા હોય કે આપણને એમ થાય કે આને કોઈ તાત્કાલિક પાણી પીવડાવો નહીં તો વીડિયો પૂરો થાય એ પહેલા આ પતી જશે! એક જમાનો હતો કે હદયમાં તકલીફ હોય તો લોકો હદયના ડોક્ટર પાસે જતાં, પણ હવે ટીકટોક પર જાય છે. એ તો પછી ખબર પડે કે એમને તકલીફ હદયની નહીં, પણ મગજની હોય છે! હોવ...

ટીકટોક પર છોકરી બનીને છાતી કે કુલા લટક-મટક કરતાં છોકરાઓ જોઈને તો કુદરતની આખી કુદરતી સિસ્ટમ પરથી જ વિશ્વાસ ઉઠી જાય. એવું લાગે જાણે કોઈએ સૃષ્ટીના નિયમની વિરુદ્ધ જઈને આને છોકરી બનાવતાં બનાવતાં છોકરો બનાવી નાંખ્યો હશે કે શું?

ટીકટોક એક એવી એપ્લિકેશન છે, જે યંગસ્ટર્સને અભિનય કરવાનો અભિનય કરવાની તક પૂરી પાડે છે. તેમને લાગે છે કે તેઓ અભિનય કરી રહ્યાં છે, પણ વાસ્તવમાં તેઓ અભિનય કરવાનો અભિનય કરી રહ્યાં હોય છે. એક્ટિંગની મિમિક્રી યુ નો...! સપનું જોતા હોવાનું સપનું જોવાની ક્રિયા જેવું જ કંઈક...હોવ...

આજે એક આખી એવી પેઢી શ્વસી રહી છે કે જો તમે સોશિયલ મીડિયાના કોઈ પ્લેટફોર્મ પર ન હોવ તો એમના જગતમાં તમારું કોઈ અસ્તિત્વ જ નથી અને ટીકટોકીયા વીડિયો ન બનાવતા હોવ તો તમે આર્ટિસ્ટિક નથી. કેટલાક માટે ટીકટોક કે પબજી એ કોઈ શોખ નથી, પણ લત છે. એક એવી લત કે જેના વિશે તેઓ જાણતા જ નથી કે એ એક લત છે. અને આવી લત સમયાંતરે બદલાતી રહે છે. ગાંડાના ગામ હોય કે ના હોય પણ ટીકટોક પર તો ગાંડાના આખા ને આખા શહેરો વસ્યાં છે. કેટલાક વીડિયો જોઈને તો એ નક્કી કરવું મુશ્કેલ હોય છે કે આમને પહેલેથી કંઈક માનસિક તકલીફ હતી કે ટીકટોક પર આવ્યા પછી થઈ છે...!

જોકે, અભિનય અને નૃત્ય માનવજાતનો સદીઓ જૂનો શોખ છે. માનવ માત્રમાં ઉંમરના કોઈ એક તબક્કે અભિનય કે નૃત્યનો કિડો ન સળવળ્યો હોય તો જ નવાઈ. અને આમ પણ વાસ્તવિક જીવનમાં અભિનય કરનારાઓ કરતા ટીકટોક પર કરનારા જીવો પ્રમાણમાં ઓછા નિરૂપદ્રવી હોય છે. જોકે, આપણે ત્યાં અભિનય ન કરે તો નેતાઓ પણ નથી ચાલતા અને એટલે જ સાઉથવાળા તો મોટેભાગે અભિનેતાઓને જ નેતા તરીકે ચૂંટી કાઢે છે, એટલે ખોટી માથાકૂટ જ નહીં. હોવ...હમ્બો...હમ્બો...!

ફ્રી હિટ :

જો આ દુનિયા એક માણસ હોય તો એને કબજિયાત થઈ છે અને એ કબજિયાતનું નામ છે - TIK TOK. જે મટી જ નથી રહી અને સરખો ખુલાસો થતો જ નથી. જો આમ જ ચાલ્યું તો એક દિવસ ટીકટોકને આપણી રાષ્ટ્રીય એપ્લિકેશન જાહેર કરી દેવામાં આવશે!

- Carry Minati, યુ ટ્યૂબ સ્ટાર