Mari Chunteli Laghukathao - 26 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 26

Featured Books
Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 26

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

દૌડ

“સાહેબ, હું મારી જીન્દગી વિષે તમને શું કહું! ચાલીસ વર્ષ પહેલા જ્યારે હું ગામડાથી શહેરમાં આવ્યો હતો ત્યારે મારા હાથ સાવ ખાલી હતા. કોઈને ઓળખતો પણ ન હતો અને માથું ઢાંકવા કોઈ છત્ર પણ ન હતું. બહુ મુશ્કેલી બાદ મને ફતેહપુરીની ધર્મશાળામાં બે દિવસ માટે રહેવાની મંજૂરી મળી હતી. મેં પણ પાક્કો નિશ્ચય કરી જ લીધો હતો કે આ શહેરથી ખાલી હાથે પાછું ગામડે તો જવું જ નથી આથી બીજે દિવસ જ નવા બજારમાં પહોંચી ગયો અને મજૂરી કરવા માંડ્યો. મેં મારી કમર પર મોટી મોટી ગુણો ઉપાડી છે અને આજે મારી પાસે બધું જ છે. નવા બજારમાં જ મારી દુકાન છે અને મોડલ ટાઉનમાં મારો બંગલો છે.”

“તારી વાત તો સાચી છે દોસ્ત, પણ તારા જીવનમાં હજી પણ સ્થિરતા કેમ નથી? તું આટલો ચિંતાતુર કેમ લાગે છે?”

“ના રે...”

“જો તું તારા મોઢેથી કશું કહી રહ્યો છે અને તારી આંખો તો કશું બીજું જ કહી રહી છે.”

“હા સાહેબ, તમે મારી ચોરી પકડી લીધી છે. હવે હું તમારી સામે જુઠ્ઠું નહીં બોલી શકું. એ સાચું છે કે આજે મારી પાસે બધું જ છે પરંતુ મારું પોતાનું કોઈજ નથી.”

“તારો તો આખો પરિવાર છે ને?”

“આ સાચું પણ છે અને ખોટું પણ નથી કે મારું પોતાનું કોઈજ નથી.”

“એવું કેવી રીતે શક્ય બને?”

“આ બધું કમાવવાના ચક્કરમાં હું એટલો બધો વ્યસ્ત રહ્યો કે મને ખબર જ ન પડી કે બધા ક્યારે મારાથી દૂર જતા રહ. જવા દો, તમે નહીં સમજી શકો.”

“ના દોસ્ત, હું તારા વિષે બહુ પહેલાથી જ ઘણું બધું સમજી ચૂક્યો છું. તું ભૂલી રહ્યો છે કે મેં તને આ આંધળી દોડમાં દોડવા અંગે ઘણી વખત ટોક્યો પણ છે, પણ તું દોડતો દોડતો એટલો બધો આગળ નીકળી ગયો કે મારો અવાજ તારા પહોંચી જ ન શક્યો. આજે તું દોડી દોડીને થાકી ગયો છે એટલે પકડાઈ ગયો છે.”

“મને નથી ખબર કે આ દોડનો અંત ક્યારે અને ક્યાં આવશે.”

“પણ હું જાણું છું.”

“તો બતાવને?”

“દોસ્ત, તારે દોડવાનું તો છે જ, પણ હવે આ દૌડની દિશા તારે બદલવાની છે.”

“એટલે?”

“અત્યારસુધી તું પોતાના માટે અને તારા લોકો માટે દોડતો રહ્યો છે, હવે તું બીજાના માટે દોડ. જો જે, તારી ચારે તરફ ફેલાયેલું એકાંત કેવી રીતે અચાનક દૂર થઈ જશે, જાણેકે કોઈએ જાદુ કર્યો હોય.”

મેં માથું ઊંચું કરીને સામે જોયું પરંતુ સામેની ખુરશીમાં તો કોઈ પણ બેઠું નથી.

***