વાર્તા- અનાવરણ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775
રામેશ્વર મહાદેવ મંદિરને ફૂલોનો સુંદર શણગાર કર્યો હતો.પ્રાંગણમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો.લગભગ ત્રણ હજાર જેટલી ખુરશી ઓ ગોઠવી હતી.વીસ માણસો બેસી શકે એવડું સ્ટેજ એના ફરતે રંગબેરંગી પરદા સજાવ્યા હતાં.ગાલીચા અને તકિયા બિછાવ્યા હતા.મુખ્ય મહેમાનો માટે તથા શ્રોતાઓ માટે એર કુલરની વ્યવસ્થા હતી.સ્ટેજ ઉપર માઇક,સ્પીકર વિ.તૈયારીઓ થઇ ગઇ હતી.મહેમાનો માટે ફૂલહાર આવી ગયા હતા.કોણ કોનું સ્વાગત કરશે તેની યાદી પણ બની ગઇ હતી.ચા-નાસ્તા નું કાઉન્ટર ગોઠવાઇ ગયું હતું.વ્યવસ્થાપકો એ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો.
હેમંત ચૌહાણ નો ભજન સંધ્યા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.આયોજકોએ જાહેરાત કરી હતી કે રાત્રે નવ થી સવારે છ વાગ્યા સુધી બેસવાની તૈયારી હોય તેવા લોકો જ આવજો.ભજન સંધ્યા પહેલાં દિવંગત સંત શ્રી દેવજી બાપાની તાંબાની છ ફૂટની પ્રતિમા ની અનાવરણ વિધિનો પ્રોગ્રામ હતો.
અમે ત્રણ મિત્રો શહેરમાં થી આ પ્રોગ્રામ માં હાજરી આપવા આવ્યા હતા.આ ગામમાં જ અમે જન્મ્યા,ગામની માટીમાં તોફાન મસ્તી કરીને બચપણ વિતાવ્યું,ગામની શાળામાં જ ભણ્યા અને વધુ અભ્યાસ કરવા શહેરમાં ગયા પછી નોકરી મળી અને ગામથી દૂર થતા ગયા.આજે વર્ષો પછી ગામમાં આવ્યા હતા એટલે જૂની યાદો તાજી થઇ રહી હતી.અમે ત્રણ મિત્રો જ્યાં સુધી ગામમાં હતા ત્યાં સુધી દરરોજ સંધ્યા આરતી સમયે રામેશ્વર મહાદેવ ના મંદિર માં દર્શન કરવા આવતા.
મંદિરના ટ્રસ્ટી મંડળે ગામની તમામ પરણેલી બહેન દીકરીઓ ને તેમના સાસરિયામાં આમંત્રણ આપીને આ પવિત્ર પ્રસંગે બોલાવી હતી.અને ગામના વતની હોય પણ બહાર રહેતા હોય એવા તમામને યાદ કરી કરીને આમંત્રણ આપ્યા હતા.આ પવિત્ર પ્રસંગે મોટું દાન એકઠું કરીને ભવ્ય મંદિર નું નિર્માણ કરવાનું આયોજન હતું.અને મંદિરના ચૉક માં દેવજી બાપાની મૂર્તિ સ્થાપિત કરવી એવું નક્કી કર્યું હતું.અમે ત્રીસ વર્ષની ઉંમર સુધી તો આ ગામમાં હતા ત્યાં સુધી તો દેવજીબાપા વિષે કશું સાંભળ્યું નહોતું.
ટ્રસ્ટી મંડળની વાતો ઉપરથી એવું લાગતું હતું કે દેવજી બાપા પવિત્ર અને મહાન સંત હતા અને તેમની ભક્તિ અને આશીર્વાદ થી ગામ સુખી થયું હતું.વીસ વર્ષ પહેલાં તેઓ આ ગામમાં પધાર્યા હતા અને પછી આ મંદિરમાં જ પૂજારી તરીકે સેવા આપી હતી.અને ગયા વર્ષે જ દેવલોક પામ્યા હતા.લોકો ટ્રસ્ટી ઓના મોંઢેથી દેવજીબાપાની વાતો સાંભળીને ધન્ય બની રહ્યા હતા.
અમને મિત્રો ને થોડી નવાઇ જેવું તો લાગ્યું કેમકે અમને ગામ છોડ્યે પંદર વર્ષ થયા હતા અને જો દેવજી બાપા વીસ વર્ષથી ગામમાં હોયતો અમે કેમ જોયા નહીં?
ભજન સંધ્યા નો સમય થઇ ગયો હતો.મહેમાનો આવી ગયા હતા.બધી ખુરશીઓ ભરાઇ ગઇ હતી અને મંડપમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી.હેમંત ચૌહાણ આવ્યા એટલે તાળીઓના ગડગડાટથી તેમનું ભવ્ય સ્વાગત થયું.મહેમાનો સ્ટેજ ઉપર ગોઠવાઇ ગયા.દીપ પ્રાકટ્ય કરીને મહેમાનોનો પરિચય અને ફૂલહાર થી સ્વાગત વિધિ શાંતિ થી પૂર્ણ થઇ.હવે દેવજીબાપાની તાંબાની પ્રતિમા ની અનાવરણ વિધિ કરવાની હતી.
મૂર્તિ ને સ્ટેજ ઉપર લાવવામાં આવી અને અલગ અલગ વક્તાઓ એ દેવજીબાપા વિષે તેઓ ઉચ્ચ કોટિના સંત હતા અને તેમના અનેક પરચાઓ વિષે લોકોને માહિતગાર કર્યા.પછી ગામના નગરશેઠ કે જેમણે પંદર લાખનું દાન લખાવ્યું હતું તેમના હાથે મૂર્તિ ને અનાવરણ કરી.લોકોએ દેવજીબાપાનો જયજયકાર કર્યો.અમે ત્રણ મિત્રો આ મૂર્તિ સામે ટગરટગર જોઇ રહ્યા હતા અને અમારા ત્રણ ના મગજમાં એક સરખા જ વિચારો ચાલી રહ્યા હતા.થોડી ક્ષણો પછી અમારા ત્રણની નજર મળી અને .....
અમે વતન છોડ્યું ત્યાં સુધી દરરોજ મંદિરમાં આવવાનો અમારો નિત્યક્રમ હતો.અને દર્શન કર્યા પછી પૂજારી દાદા સાથે થોડી વાતો કરીને પછી છૂટા પડતા.આ પૂજારી દાદા નું અવસાન થયું ત્યારે અમને સ્વજન ગુમાવ્યા જેટલું દુઃખ થયું હતું.તે પછી લગભગ એક મહિના સુધી કોઇ નવા પૂજારી ની વ્યવસ્થા થઇ નહોતી.
એક દિવસે સાંજે અમે નિત્યક્રમ મુજબ મંદિરે ગયા ત્યારે મંદિરના ઓટલે એક લધરવધર કપડાં પહેરેલો,દાઢી વધારેલો, હબસી જેટલો કાળો,લાલઘૂમ આંખો વાળો આશરે ચાલીસ વર્ષની ઉંમર નો એક આદમી બેઠો બેઠો ચલમ પી રહ્યો હતો.પ્રથમ નજરે જ ગુંડા જેવો દેખાતો આ માણસ જોઇને જ ધૃણા ઉપજાવે એવો હતો.
અમે દર્શન કરીને ઓટલે બેઠા એટલે અમારી સામે જોઇને આ અજાણ્યો માણસ કરડાકીથી અને તોછડા અવાજે બોલ્યો' દર્શન થઇ ગયા હોયતો ચાલતી પકડો.વધુ સમય સુધી બેસી રહેવાનું નહીં' અમે જવાબ તો આપ્યો પણ આતો અમને બિભત્સ ગાળો બોલવા લાગ્યો એટલે અમે ચાલતી પકડી.
તે પછી ત્રણ દિવસ સુધી અમે મંદિરે આવ્યા નહીં.ગામના બીજા માણસોને પણ આની તોછડાઈ નો અનુભવ થયો.ચરસ ગાંજા નો વ્યસની હતો આ માણસ.
ચોથા દિવસે અમે મંદિરે ગયા તો અમને આઘાત લાગે એવું દ્રશ્ય જોયું.આ તોછડો માણસ ભગવાં કપડાં પહેરીને મંદિરનો પૂજારી બની ગયો હતો.અમે તુરંત ટ્રસ્ટી ઓને મળ્યા તો તેમણે કહ્યું કે આ તો મહા ચમત્કારી બાબાછે.ટ્રસ્ટી મંડળે આ બાબાને પૂજારી બનાવવાનો નિર્ણય કર્યો છે.અમારે હવે કશું બોલવા જેવું રહ્યું નહીં.
પછી તો અમે મિત્રો નોકરી મળવાથી શહેરમાં જતા રહ્યા.ગામ સાથે સંપર્ક ઓછો થઇ ગયો અને આ બાબા પણ ભુલાઇ ગયા.
આજે જે મૂર્તિ ની અનાવરણ વિધિ થઇ તે આ બાબાની હતી તે જોઇને અમને આશ્ચર્ય અને આઘાત ની મિશ્ર લાગણી થઇ.
મંદિરોમાં કરોડો રૂપિયા ના ફાળા ઉઘરાવવા માટે કોઇ ચમત્કારી બાબાનું નામ વટાવી લેવું જરૂરી હોયછે.ગામે ગામ આવા લેભાગુ બાબાઓ ના ચમત્કારો ની કહાનીઓ આપણે સાંભળતા આવ્યા છીએ.સાચા સંતોની કોઈ જાહેરાત કે કદર કરતું નથી.લોકો પણ ચમત્કાર ને જ નમતા હોયછે અને કરોડોનો ફાળો આપતા હોયછે.આ રકમથી બાવાઓ અને ટ્રસ્ટી ઓની મિલિભગત ચાલેછે.લોકોની અણસમજ અને અંધશ્રદ્ધા નો ભરપૂર લાભ ઉઠાવાય છે.
ભજન સંધ્યા માં બેસવાનો અમારો મુડ નહોતો રહ્યો.રામેશ્વર મહાદેવ માં આજના દિવસે લગભગ એક કરોડ જેટલો ફાળો આવી ગયો હતો.માઇક ઉપર ટ્રસ્ટી મોટા અવાજે જાહેરાત કરી રહ્યા હતા.તાળીઓ ના ગડગડાટ વચ્ચે અમે વિદાય લીધી.