"ગાલિબ" જીંદગી ભર યે ભુલ કરતા રહા
ધુલ ચહેરેપે થી ઓર આયના પોછતા રહા
- મિરઝા ગાલિબ
*********************************************
માસ્તર ગિરિજાશંકર પાઠક ,પાટણ-ધારપુર થી ઉંઝા તરફ જતા હાઇવે રોડ પર આવેલા બાલિસણા ગામના છેવાડે , રોડ પાસે ઉગી નિકળેલા ઘાસના ખુલ્લા મેદાન પાસે ઉભા રહી, સામે વૃક્ષો ની આડસ મા દેખાતા દશ-પંદર ઘરોના પરાં તરફ જોતા'તા.
" માસ્તર કુ નું કામ છ ?"પરા તરફથી રોડ તરફ જતો અેક જણ જે માસ્તરને ઓળખી જતાં બોલ્યો.
"આ મારી ક્લાસમા ભણે છે અે શશાંક કયાં રહે છે.?"
" શીવીમાં નો શશાંક..??."અેટલું બોલી પરાં તરફ ઇશારો કરી કહ્યું," આ પેલું વાડામા સફેદ લુગડું સુકાય અે જ ઘર."સારું સારું ભાઈ કહીને ગિરજાશંકર માસ્તર પરા તરફ ચાલવા લાગ્યા પોતાના ઘરના દરવાજા માં પોતાના શિક્ષકને જોતા શશાંક એકદમ ઉભો થઈ ગયો ."આવો સાહેબ" કે'તા બૂમ પાડી ,"બા અમારા સાહેબ આવ્યા છે."
પાછળના ભાગના વરંડામાં વાસણ ઘસતા શીવીબેન દોડતા સાડીના છેડે હાથ લુછતાં લુછતાં ઘરમાં આવ્યા.
સાહેબ ને જોતા સાડીનો છેડો માથે મૂકી બોલ્યા," બોલો સાહેબ મારા છોકરાથી કંઇ ભૂલ થઈ ? કેમ આટલે સુધી આવવું પડ્યું?"
"ના..ના ..બેન એવું કંઈ નથી, આ તમારો દીકરો ભણવામાં એટલો હોશિયાર છે. હવે થી આઠ માં ધોરણ માં આવશે એટલે તેને ઉપાડી ના મુકતા એને બહુ ભણાવજો,
ભલે મહેનત કરવી પડે તો કરજો."
"ઠીક છે રજા લઉં છું,આ તો અેનું ભવિષ્યના બગડે અેટલે ખાસ કહેવા આવવું પડ્યુ " આટલુ કહીને ગિરજાશંકર માસ્તર ચાલ્યા ગયા
*******************************************
બાલીસણા ગામના દૂરના પરામાં રહેતા શિવીબેન ,પાંચ વર્ષ પહેલા તેમના પતિનુ અકસ્માતમાં મૃત્યુ થતાં તેઓ વિધવા થયા હતા. એકનો એક દીકરો શશાંક બાલીસણાની સરકારી શાળામાં ભણતો હતો. શશાંક ભણવામાં હોશિયાર હતો અને એના સાહેબ જાતે એને આગળ ભણાવવાનું કહેવા આવ્યા એટલે તે વાત ને ગંભિરતાથી લઇ તેને આગળ ભણવાનું શીવીબેને નક્કી કર્યું.
માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા અહીંયા નહીં હોવાથી શશાંકને આગળ ભણવા પાટણના પીતાંબર લેક રોડ પર, મહાત્મા નગરની બાજુમાં આવેલ ,સરસ્વતી વિદ્યાલય માં મૂકયો. શશાંક ભણવામાં હોશિયાર હોઇ તથા બારમું પાસ કર્યા પછી તને આગળ ભણવું હતું એથી ચાણસ્મા ખાતે, ચાણસ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એડમિશન લીધું અને ત્યાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું.
ગ્રેજ્યુએટ થયા પછી તેણે જુદા જુદા વિભાગોમાં અને બેન્કોમાં અરજીઓ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તને નોકરીના ઓર્ડર આવ્યો.
પોતાની બા આ બાપદાદાનું જૂનું ઘર છોડવા તૈયાર ન હોઇ, લોકો અમદાવાદ જેવા સિટીમાં નોકરી માગતા હોય છે તેવા સંજોગોમાં શશાંકે પોતાનુ પોસ્ટિંગ ગામડા ગામમાં માંગતા લોકોને નવાઈ લાગી.
હવે શશાંકને સારી નોકરી હતી, ઘર પણ વ્યવસ્થિત બનાવડાવ્યુ . તેના લગ્નની સારી સારી વાતો આવવા લાગી. તેની માતા શીવીબેને તેમના સમાજના પાટણ ખાતે રહેતા રમાકાંત ભાઈની દીકરી જે દેખાવમાં ખુબ સુંદર હતી તે દમયંતી સાથે પોતાના દીકરા શશાંકના લગ્ન કરાવ્યા.
********************************************
દમયંતી બારમું પાસ હતી. તે પોતાની સાસુને કામમાં મદદ કરાવતી. તેમનું ઘર પાટણ ઊંઝા હાઇવે પર ,રોડ નજીક આવેલ હોઇ આખો દિવસ વાહનોની અવર જવર નેલીધે ધુળ ઉડ્યા કરતી જેના કારણે ઘરની અંદર વાસણો પર, ફરસ પર , બારી દરવાજા પર ઝીણી ઝીણી રજ બાઝી જતી.
શીવીબેન ઘરનું કામકાજ પતાવી ઝાપટ ઝુપટ કરતા, દમયંતી પણ મદદ કરતી. પણ ખાસ બીજું કંઈ ઘરમા કામ ના રહેતુ હોવાથી તેના સાસુ જ્યારે આરામ કરતા હોય ક્યારે તે અરીસા સામે ઉભી રહી વાળ ઓળ્યા કરતી કે ચહેરો સાફ કરતી .
તેના સાસુ ક્યારેક બોલતા પણ ખરા ,"આ શું આખો દિવસ અરીસામાં મોઢુ નાખી વરણાગીવેડા કર્યા કરો છો ?કંઇ કામકાજ કરો."
દમયંતી પોતાની સાસુનુ ક્યારે ય ખોટું ના લગાડતી. હસી કાઢતી કારણ શશાંક તેને ખુબ પ્રેમ કરતા હતા.
તેઓ શાંતિથી સુખે જીવતા હતા .લગભગ ત્રણેક વર્ષ થવા આવ્યા પરંતુ દમયંતી ને બાળકના કોઈ એંધાણ વર્તાતા ન હતા.
હવે તેના સાસુ શીવીબેન પોતાનો વારસદાર જોવા તલસતા હતા.
હવે તેઓ વાતેવાતે દમયંતિ પર ચિડાવા લાગ્યા હતા.ત્થા વાતવાતમાં ,મેણાટોણા માર્યા કરતા હતા.હદ તો ત્યારે થઈ આજે ગામમાં તેના દિકરાના લગ્ન પછી જેના લગ્ન થયેલા તે ,તેમની બહેનપણી,તેના દિકરા ની વહુને દિકરો આવ્યાના આનંદમા પતાસા આપવા આવી ત્યારે વાતવાતમાં તે બોલી," અલી શીવી તારા વહુને કંઇ અેંધાણ છે કે?"
અકળાયેલા શીવીબેન બોલ્યા," ના,. આ કાળમુખી કયા ચોધડિયામાં આવીછે અેજ સમજાતુ નથી."
"આખો દિવસ અરિસા સામે ઉભી રહીને પટિયા પાડવામાં જેટલો સમય આપે છે અેટલો તો મારા દિકરાને પણ નથી આપતી આવું જ કરવું હતુ તો અરિસા ને જ પરણીને રે'વું ના જોઇયે ?"
પાછળ વંડામાં કામ કરતી દમયંતી ના કાને આ શબ્દો પડતા અેના હૈયામાં શુળ ભોંકાઇ, અકળ વેદનાથી તેના શરીર મા લખલખા સાથે ન સમજાય તેવી કંપારી ઉઠી.તેને બધુ ગોળ ગોળ ફરતું લાગ્યું .તે ત્યાં ને ત્યાં બેસી ગઇ.
થોડી વાર રહીને તે અરિસા પાસે આવી. પોતાના રડમસ ચહેરાને જોઇ રહી .મનોમન અેક નિર્ણય લઇ તે અરિસા પાસેથી ખસી ગઇ.
*******************************************
સવારે જમી ને , હાથ ધોઇને,શશાંક ઓફિસ જતા પહેલા રોજની જેમ વાળ ઓળવા અરિસા પાસે ગયો તો તેને અરિસા પર બાઝેલી ધુળ જોઇ નવાઇ લાગી.
સ્વાભાવિક છે ગામનું આ પરું રસ્તા નજીક હોઇ વાહનોની અવરજવરને લઇ આ પરાં ના ઘરો પર ધુળ ઉડ્યા કરે છે. પરંતુ અરિસો તો રોજ બા કે દમયંતી સવારે સાફ કરે છે.
તેણે દમયંતિ તરફ જોયું ,દમયંતિઅે ગઇરાતે કોઇ જ વાત શશાંક ને દુઃખ લાગે તેથી નહોતી કરી.પણ હવે છુટકો નહોતો.અેટલે બીજું કશું ન કહેતા અેટલું બોલી," મેં બાળક આવવાના સારા સમાચાર ન મળે ત્યાં સુધી અરિસામાં ન જોવાની બાધા રાખી છે."
ત્યારે ઓફિસ જવાનું મોડુ થતુ હોઇ શશાંક કંઇ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો.
*****************************************
રાત્રે દમયંતિના સુંદર ચહેરાને પોતાના બે હાથમાં પકડી વ્હાલ થી પુછ્યું ," ઘરમાં મારી ગેરહાજરીમાં બા અે કંઇ ક્હયું છે? તુ ના કહે તો તને મારા સોગંદ."
દમયંતી ની આંખો જળજળિયાથી છલકાઇ ઉઠી. થોડીવાર અેમજ શશાંક તેના ચહેરા ને પંપાળી વ્હાલ કરતો રહ્યો.કળ વળતા સાડીના છેડાથી આંખો લુછી દમયંતી અે બાની ,તેમની બહેનપણી સાથે થયેલી વાત અને અગાઉ ના મહેણા ટોણાની વાત કરી અને ફરી રડવા લાગી.
"કંઇ વાંધો નંઇ,ગાંડી મેં તને કંઇ કહ્યું?,બા તો તુ જાણે છે આમતો ભોળી છે પણ ગામના લોકોની વાતોથી અકળાઇને રોષ ઠાલવતી હશે .ચલ કાલે હું રજા રાખુ ,આપણે પાટણ સારા ગાયનેક ડોકટરને બતાવી દઇઅે."
બીજે દિવસે તેઓ બતાવી આવ્યા,રીપોર્ટ નોર્મલ હતા. ડોકટરે દવાઓ લખી ધીરજ રાખવા જણાવ્યું.આ પછી બીજા છ-સાત મહિનાનો સમય પસાર થયો. પણ કોઇ અેંધાણી વરતાણી નહોતી.આ સમય દરમ્યાન , દમયંતિ ને બાધા હોઇ અરિસાથી દુર જ રહેતી ,આથી શશાંક રોજ અરિસો લુછી વાળ ઓળી ઓફિસ જતો.
... અેક દિવસ શીવીબા ,ત્રણ દિવસ અગાઉ આવેલા તાવમાં ગુજરી ગયા .
********************************************
હવે શશાંકને લગભગ અેસ.બી.આઇ. બાલીસણા શાખામાં ચાર વર્ષ થઇ ગયા હતા. બાલીસણાના ગામ-ઘરે , ફરજિયાતપણે રહેવું પડે તેવુ કોઇ બંધન ,હવે બા ગુજરી ગયા હોવાથી રહ્યું નહોતુ. પાટણ સ્કુલમાં અને ચાણસ્મા કોલેજમાં સાથે ભણેલો ખાસ મિત્ર રાજેન્દ્ર જોષી છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ સેટ્લ્ડ થયો હતો. અમદાવાદ આવી જવા તેણે ઘણીવાર દબાણ કર્યુ હતુ.
આથી અમદાવાદ બદલી માટેની તેણે રિક્વેસ્ટ અરજી કરતા , અગાઉ તેણે સામેથી ગામડા વિસ્તારમા નોકરી કરી હોઇ તેની અરજીનો પ્રાયોરીટીના ધોરણે નિકાલ કરી અરજી કર્યાના બે જ મહિનામાં અમદાવાદ ખાતે બોડકદેવ શાખામા કરી આપી.
બેંક મા હાજર થતા , બીજે જ દિવસે નારણપુરા સોલા રોડ પર અાવેલા હાઉસિંગ બોર્ડના વૃંદાવન અેપાર્ટમેંન્ટમા મકાન ભાડે રાખી રહેવા આવી ગયા.
બે દિવસ પછી રાજેન્દ્રઅે તેના ઘરે શશાંકને સજોડે જમવાનુ આમંત્રણ આપ્યું.
જમતા જમતા, વાત વાતમાં બાળક થયેલ નથી તેઅંગે બંન્ને કપલ વચ્ચે ખુલ્લી ચર્ચા થઇ.રાજેન્દ્રઅે કહ્યું," શશાંક,આજના જમાના મા આ કંઇ ગંભીર બાબત નથી ,તારી ભાભીને પુછ અમારે પણ લગભગ ત્રણ વર્ષ સુધી કોઇ ઇસ્યુ ન થતા અહીંના સારા ડોકટર સુભાષ સોનીની ટ્રિટમેંન્ટથી બાળક પ્રાપ્ત થયેલ છે."
"જો તને વાંધો ન હોય તો કાલે શનિવાર, મારે રજા છે.તું રજા લઇ લે, આપણે ચારે જણ ડો.સોનીને બતાવીઅે?" જમ્યા પછી મુખવાસનો ડબ્બો શશાંક તરફ ધરતા રાજેન્દ્ર બોલ્યો.
શશાંકે દમયંતી સામે જોયું ,તેના હકારના ઇશારા ને જોતા તેણે હા પાડી.
બીજે દિવસે ડો.સોની ની અેપોઇમેન્ટ લઇ તેઅો મળવા ગયા.ડો .સોની અે દમયંતી ના જુના રીપોર્ટ જોયા અને ફરી બંન્નેના રીપોર્ટ કરાવ્યા .
ત્યાર પછી તેઅોને મંગળવારે બોલાવ્યા હતા,રીપોર્ટ આવી ગયા હતા, તેઅોને બેસાડી ડો.સોનીઅે સમજાવ્યું," જુઓ,રીપોર્ટ જોતા બહેનના રીપોર્ટ નોર્મલ છે. પરંતુ આપના રીપોર્ટ જોતા , સ્પર્મના કાઉન્ટીંગ અોછા જણાય છે.આથી તમારે હોર્મોન્સના ઇંન્જેકશનનો કોર્સ કરવો પડશે."
શશાંકે અેક પળનો પણ વિલંબ કર્યા વગર તરત જ હા પાડી દીધી.
********************************************
અમદાવાદ રહેવા આવ્યા પછી પણ શશાંક જુની આદત મુજબ ,નોકરી જતા સમયે વાળ ઓળતા પહેલા મસોતાથી અરિસો લુછતો જ.
આજે પણ જમ્યા પછી ,હાથ ધોઇને ,મસોતુ લઇ અરિસો લુછી, વાળ ઓળવા જેવો પેંન્ટમા પાછળ કાંસકી કાઢવા હાથ નાખ્યો.ત્યાંજ ચમકી ગયો.
તેણે અરિસામાં જોયું તો ,લુછેલા ચોખ્ખાચણાક પારદર્શક અરિસા માં થોડે દુર ,બરાબર શશાંકની પાછળ દમયંતી ઉભી ઉભી અરિસામાં જ શશાંક સામે મરક મરક હસી રહી હતી.
"ખરેખર?" શશાંક અરિસામાંથી જ દમયંતી સામે જોઇ બોલી ઉઠયો.
પછી દમયંતી તરફ ફરી તેની સામે જોયું.
પ્રાત:કાળે ઉઘડેલા કમળના ગર્ભની ગુલાબી ઝાંય જેવી સુરખી, દમયંતી ના ગાલે શરમથી પથરાઇ ગઇ.તેણે શશાંકની આંખો માં જોયુ ના જોયુ ને, ને તેની પાંપણો , પાંગરેલા અસ્તિત્વના ઉઘાડા સ્વપનની નાજુક સુગંધના ગમતિલા ભારથી ઝૂકી ગઇ.
શશાંક નજીક ગયો,ને પોતાના બાહુપાસમાં નજાકતથી જકડતા,દમયંતી જુઇની સુગંધિત વેલની જેમ વિંટળાઇ ગઇ.બાને યાદ કરતા શશાંકની આખે જળજળિયા આવ્યા.
તે અરિસા તરફ ફર્યો,ગજવામાંથી કાંસકી કાઢી વળાવવા જતા જળજળિયાને કારણે ધુંધળા દેખાતા અરિસા સામે રુમાલથી આંખો લુછી, વાળ ઓળી ઘરની બહાર નિકળી ગયો.
*****************'***
-દિનેશ પરમાર 'નજર'