Hasin Chakravyuh in Gujarati Detective stories by Abid Khanusia books and stories PDF | હસીન ચક્રવ્યૂહ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

હસીન ચક્રવ્યૂહ


આનંદને ન્યુયોર્ક યુનીવર્સીટીમાં એમ.બી.એ.ના કોર્ષમાં દાખલ થયાને ચાર વર્ષ પુરા થવા આવ્યા હતા. આ તેનું છેલ્લું સેમિસ્ટર હતું પરંતુ હજુ સુધી તેનો કોઈ અંગત મિત્ર કે ગર્લ ફ્રેન્ડ ન હતી. યુનીવર્સીટી કેમ્પસમાં ઘણી બધી ફેકલ્ટી હતી. ઘણા એશીયન વિદ્યાર્થીઓ પણ હતા પરંતુ હજુ સુધી તેને કોઈની સાથે ગાઢ મિત્રતા બંધાઈ ન હતી. એક દિવસે તે કોલેજ પૂર્ણ થયા પછી તેમને બીઝનેસ એડમિનિસ્ટ્રેશન શીખવતા પ્રોફેસર સાથે કોઈ મુદ્દા વિષે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે એક ઉંચી, શશક્ત અને દેખાવડી એશીયન છોકરી તેની સામે હાસ્ય ફરકાવી પસાર થઇ. આનંદ તે યુવતીને ઓળખતો ન હતો તેથી તેનું તેની સામે જોઈ હાસ્ય ફરકાવવું થોડુક વિચિત્ર લાગ્યું. પ્રોફેસર સાથે વાર્તાલાપ પૂરો કરી આનંદ પોતાના રહેઠાણ તરફ પ્રયાણ કરતી વખતે આજુ બાજુ નજર કરી તે યુવતીને શોધવા લાગ્યો પરંતુ તે દેખાઈ નહિ. ઘેર પહોચ્યા પછી પેલી યુવતીએ તેના મનનો કબજો લઇ લીધો હતો. તેનો ઉજળો વાન, રમતિયાળ ખુબસુરત ચહેરો અને ચહેરાને વધુ ખુબસુરત દેખાડવા રમતી મુકેલી કેશની લટો તેના માનસ પટલ પરથી ખસતી ન હતી.

આનંદને અઠવાડીયામાં ફક્ત ત્રણ દિવસ ભણવાનું રહેતું અને બાકીના દિવસોએ રજા રહેતી. તે દિલ્હીના ખુબ મોટા ઉદ્યોગપતિનો દીકરો હતો માટે બીજા વિદ્યાર્થીઓની જેમ હાથખર્ચી માટે તેને કોઈ જોબ કરવાની જરૂરીયાત ન હતી. તેણે પોતાને રહેવા માટે એક સ્વતંત્ર ફ્લેટ ભાડે રાખેલ હતો. યુનિવર્સીટીએ જવા અને ફરવા માટે તેણે એક ગાડી પણ ખરીદી લીધી હતી. રજાના દિવસોમાં તે લોંગ ડ્રાઈવ માટે નીકળી જતો અથવા કોઈ ફિલ્મ જોવા ચાલ્યો જતો. બેફીકરાઈના કારણે અમેરિકાના વાતાવરણમાં તે થોડોક સ્થૂળ થયો હતો એટલે તેણે એક મહિના પહેલાં જીમ જોઈન કર્યું હતું અને રોજ સવારે બે કલાક જીમમાં કસરત કરી પોતાના શરીરને મેન્ટેઇન કરતો હતો.

એક દિવસે આનંદ જીમમાં કસરત પૂરી કરી સ્ટીમ બાથલેવા માટે જતો હતો ત્યારે તેને પેલી યુવતીનો ભેટો થયો. યુવતીએ આનંદ તરફ હાસ્ય વેરી ‘હેલો’ કહ્યું. આનંદના હદયની ધડકનો તેજ થઇ ગઈ. તેણે પણ ‘હાય’ કહી જવાબ વાળ્યો. તે યુવતી થોડીક અટકી એટલે આનંદ તેની પાસે પહોંચી પોતાનો પરિચય આપતાં બોલ્યો. “ હાય, આઈ એમ આનંદ મલ્હોત્રા ફ્રોમ દેલ્હી, ઇન્ડિયા” અને તે યુવતીના જવાબ માટે તેની સામે મીટ માંડી એટલે તે યુવતીએ હાસ્ય સાથે કહ્યું, “ આઈ એમ પ્રીતિ શર્મા ઓરીજીનલી ફ્રોમ લુધિયાણા, ઇન્ડિયા બટ નાઉ માય પેરેન્ટસ લીવ ઇન ચંદીગઢ “ એક બીજાનો પરિચય મેળવી બંને છુટા પડ્યા. સ્ટીમ બાથ લેતી વખતે આનંદ આંખો બંધ કરી પ્રીતિની સુંદરતાને મનોમન પીતો રહ્યો. ત્યાર પછી કોલેજ કેમ્પસમાં બંનેનો આમનો સામનો થઇ જાય ત્યારે બંને વચ્ચે પરિચિતતાના હાસ્યની આપ લે જરૂર થતી પરંતુ તેથી આગળ વાત વધી ન હતી.

આનંદને પ્રીતિ ગમી ગઈ હતી અને તે તેની સાથે પરિચય વધારવા ખુબ આતુર હતો પરંતુ પ્રીતિ તે બાબતમાં અસ્પષ્ટ હતી. પ્રીતિને તેના તરફ કોઈ ખેચાણ છે કે કેમ તે બાબત આનંદ કળી શકયો ન હતો. આનંદે પ્રીતિ વિષે માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે તેણે એરોનોટીક એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન પૂરું કરી હાલ મરીન એન્જીનીયરીંગનો ડીપ્લોમા કરી રહી હતી અને તેના શિક્ષણ ખર્ચને પહોચી વળવા માટે તે જોબ પણ કરતી હતી. તે એક અમેરીકન બાઈના ઘરમાં પી.જી. તરીકે રહેતી હતી.

દિવસે ને દિવસે આનંદ મનોમન પ્રીતિના તરફ ખેચાતો રહ્યો. એક દિવસે કેમ્પસમાં આનંદનો ભેટો પ્રીતિ સાથે થઇ ગયો. આનંદે હિંમત કરી પ્રીતિને પોતાની સાથે લંચ માટે આમંત્રણ પાઠવ્યું. પ્રીતિએ આનંદના આમંત્રણને સફાઈથી ઠુકરાવી કહ્યું “ આનંદ, લંચ ફરી કોઈ વાર, પણ આજે સાથે કોફી જરૂર લઈશું ” પ્રીતિનો જવાબ સાંભળી આનંદના શરીરમાં છૂપો હર્ષ ફેલાઈ ગયો. કોફી શોપમાંથી નીકળી આનંદથી છુટા પડતી વખતે પ્રીતિએ આનંદનો હાથ તેના હાથમાં લઇ મૃદુતાથી દબાવી કહ્યું,” આનંદ, થેંક્યું ફોર સ્વીટ બ્લેક કોફી” અને એક માદક હાસ્ય વેરી તેનાથી છૂટી પડી. આનંદ પ્રીતિના સોમ્ય વલણથી પ્રભાવિત થઇ તેની મદમસ્ત ગજગામિની જેવી ચાલને નિહાળી રહ્યો. થોડાક કદમ ચાલી પ્રીતિએ પોતાની નાજુક ગરદન અડધી ફેરવી પાછું જોયું, પોતાની ચોરી પકડાઈ ગયેલી

જોઈ આનંદ થોડોક ક્ષોભ પામ્યો પરંતુ પ્રીતિએ થોડુક લાઉડ હાસ્ય વેરી તેની સામે ફલાઈંગ કિસ ફેકી હાથ હલાવતી હલાવતી કેમ્પસની બહાર નીકળી ગઈ.

તે દિવસના પ્રસંગ પછી પ્રીતિ અને આનંદની મુલાકાતો વધી ગઈ. બંને કલાકોના કલાકો સાથે ગાળતા અને પ્રેમાલાપ કરતાં રહેતા હતા. આનંદે ઘણીવાર પ્રીતિનો કોન્ટેક્ટ નંબર માગ્યો પરંતુ “આપણે બંને રોજ કેમ્પસમાં રૂબરૂ મળીએ છીએ તો પછી કોન્ટેક્ટ નંબરની શી જરૂર છે ?” તેવું કહી પ્રીતિ કોન્ટેક્ટ નંબર આપવાનું ટાળતી રહી. બંનેની પરીક્ષા નજીક આવી અને બંને પરીક્ષાની તૈયારીમાં પડ્યા એટલે મળવાનો સમય ગાળો લંબાતો ગયો. આનંદને પ્રીતિ સાથે વાત કરવાનું ખુબ મન થતું હતું પરંતુ તેની પાસે કોન્ટેક્ટ નંબર ન હોવાથી તે હીજરાતો રહ્યો. છેવટે આનંદની પરીક્ષા પૂરી થઇ ગઈ. પ્રીતિની પરીક્ષાને હજુ એક અઠવાડીયાની વાર હતી. આનંદના પેરેન્ટસ આનંદના ભારત પાછા ફરવાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તેની ટીકીટ બુક થઇ ગઈ હતી ફક્ત અનુકુળ તારીખનું કન્ફર્મેશન કરાવવાનું બાકી હતું.

તે જયારે છેલ્લું પેપર આપી બહાર નીકળ્યો ત્યારે તેની કાર પાસે પ્રીતિને ઉભેલી જોઈ આનંદ દોડતો જઈ તેને વળગી પડ્યો અને તેને ઉંચકીને ગોળ ગોળ ફરવા લાગ્યો. બીજા વિદ્યાર્થીઓ આ બન્નેની હરકતો જોઈ જોરથી ચિચિયારીયો કરી તાળીયો પાડવા લાગ્યા. આનંદે તે સૌથી બચવા પ્રીતિને પોતાની કારમાં બેસાડી કાર ભગાવી મૂકી. તેની કાર એક શોપિંગ મોલ આગળ આવી થોભી. તે પ્રીતિનો હાથ પકડી લગભગ દોડતા પગલે લીફટમાં પ્રવેશ્યો અને ૧૦મા માળનું બટન દબાવી દીધું. લીફટમાં બંને એકલાજ હતા. લીફ્ટ સ્ટાર્ટ થઈ એટલે તરતજ આનંદે પ્રીતિને પોતાના બાહુપાશમાં ઝકડી લીધી અને તેને ચુંબનોથી નવરાવી દીધી. પ્રીતિએ પણ પોતાના શરીરને આનંદના બાહુપાશમાં ઢીલું મૂકી આનંદને પ્રેમ કરવા દેવાની પુરતી મોકળાશ પૂરી પાડી. લીફટમાંથી બહાર નીકળી બંને એક જવેલેરી શોપમાં દાખલ થયા. આનંદે પ્રીતિ માટે ખુબ મોંઘો ડાયમંડ નેકલેસ ખરીદ કરી તેને પહેરાવી દીધો. પ્રીતિએ પણ આનંદ માટે એક સોનાનું લોકેટ ખરીદી તેને ભેટ ધર્યું. બંને મોલમાં આવેલ એક ભારતીય રેસ્ટોરન્ટમાં દાખલ થયા અને પોતાને મનપસંદ વાનગીઓનો ઓર્ડર આપ્યો.વાનગીઓ સર્વ થાય તે દરમ્યાન વાતોએ વળગ્યા.

આનંદ “પ્રીતિ, મારી ટીકીટ બુક છે. હું ગમે ત્યારે ઇન્ડિયા ચાલ્યો જઈશ. તારો શો પ્રોગ્રામ છે ?”
પ્રીતિ ”પરીક્ષા પછી મારે થોડુક કામ છે જે પતાવી હું પણ જેમ બને તેમ જલ્દી વતન ભેગી થવાની છું”
આનંદ “ પ્રીતિ, હવે આપણે થોડાક સમય માટે છુટા પડીશું માટે મને હવેતો તારો કોન્ટેક્ટ નંબર આપ જેથી હું ઇન્ડિયાથી તને ફોન કરી વાતો કરી શકું. “
પ્રીતિ,” મેં તને ફેસબુક પર રીકવેસ્ટ મોકલી છે જે તું એસેપ્ટ કરી લે, આપણે ખુબ ચેટીંગ કરીશું. ઇન્ડિયા આવી હું ઇન્ડિયન મોબાઈલ ઓપરેટરનું સીમ કાર્ડ મેળવી તને મારો નંબર આપીશ” બોલી પ્રીતિએ આનંદના હાથ પર તેનો હાથ મૂકી એવું માદક હાસ્ય વેર્યું જે જોઈ આનંદ પીગળી ગયો. આનંદે તેની રીકવેસ્ટ સ્વીકારી લીધી અને “હાય મેરી જાન” મેસેજ મુકયો. સાથો સાથ તેનો ઈન્ડિયાનો કોન્ટેક્ટ નંબર પણ મુકયો. પ્રીતિએ મેસેજ વાંચી આનદનો હાથ પોતાના હાથમાં લઇ હળવું ચુંબન લીધું. આનંદ ઉન્માદિત થઇ ગયો.
પ્રીતિ “આનંદ આગળનું શું આયોજન છે ?”
આનંદ “ તારી સાથે લગ્ન કરી સુંદર બાળકો પેદા કરવાનું આયોજન છે, વળી બીજું શું “
પ્રીતિ સહાસ્ય બોલી “ લુચ્ચા, હું પ્રેમની નહિ પણ કેરીયરની વાત કરું છું ”
આનંદ હજુએ હળવા મજાકના મૂડમાં હતો બોલ્યો, “ મારા ડેડ પાસે ઘણા રૂપિયા છે અને તેમના વારસદારોમાં અમે બે ભાઈ બહેન જ છીએ માટે મારે તેમના રૂપિયા ઉડાડવાનો કાર્યક્રમ ઘડી કાઢવાનો છે જેમાં તું પણ મને ભરપુર સાથ આપજે.”
પ્રીતિ “ મજાક છોડ આનંદ, આઈ એમ સીરીયસલી ટોકિંગ”
આનંદ “ ઓકે બાબા, સીરીયસલી સ્પીકિંગ હજુ કઈ વિચાર્યું નથી પરંતુ કદાચ ડેડીના બિઝનેસમાં જોડાઈ જવાનું પસંદ કરીશ. હમણાં ડેડીને એક એક ખુબ મહત્વનો પ્રોજેક્ટ મળ્યો છે અને જો ડેડી ઈચ્છશે તો હું તે પ્રોજેક્ટ સ્વતંત્ર રીતે હેન્ડલ કરીશ.”
પ્રીતિ “ શાનો પ્રોજેક્ટ છે ? “
આનંદ “ મને હજુ પૂરી જાણકારી નથી બટ ઇટ્સ સ્ટ્રીકલી કોન્ફીડેન્શીયલ.”
પ્રીતિ “ મને પણ નહિ જણાવે ?”
આનંદ “ સોરી, ઇટ્સ મોસ્ટ કોન્ફીડેન્શીયલ”
પ્રીતિ હસતાં હસતાં બોલી” ઓકે બાબા, નો મોર પ્રેશર, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યુ, નોટ ઇન યોર બીઝનેસ, બી ચીયર ફૂલ”
ત્યાર પછી બંને હસી મજાક કરતાં કરતાં ભરપુર નાસ્તો કરી રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા ત્યારે ન્યુયોર્કના આસમાનમાં સંધ્યારાણી હળવેથી પોતાના આગમનની છડી પોકારી રહી હતી. પ્રીતિ પોતાની રિસ્ટ વોચમાં જોઈ બોલી, “ આનંદ, મારે હવે જોબ પર જવાનો સમય થઇ ગયો છે. મારી ગાડી કોલેજ કેમ્પસમાં મેં પાર્ક કરેલ છે જે લેવા જઈશ તો મોડું થઇ જશે માટે હું અહીથી જ મેટ્રો પકડી નીકળી જઈશ. મારી ગાડી કાલે કોલેજથી પરત આવતાં લેતી આવીશ. ફેસબુક પર મારી સાથે ચેટીંગ કરવાનું ભૂલતો નહિ અને હા તારી ફ્લાઈટ કન્ફર્મ થાય એટલે મને જણાવજે હું તને એરપોર્ટ સુધી મુકવા આવીશ.”
આનંદ “ તારે જરૂર મને એરપોર્ટ છોડવા આવવું પડશે કેમકે આવતી કાલે હું મારા બાકીના કામો પતાવી મારી કાર વેચી નાખવાનો છું. ફલેટનો કબજો પણ મારે બે દિવસમાં સોંપી દેવાનો છે એટલે તે બાબત ધ્યાને રાખી હું આગામી બે દિવસમાં જે અનુકુળ હશે તે ફ્લાઈટનું કન્ફર્મેશન મેળવી તને જણાવીશ.”

પ્રીતિએ આનંદને હગ કર્યું “ ઓકે, બાય આનંદ, સી યુ સુન” કહી છૂટી પડી. પ્રીતિ પોતાની આંખોથી ઓઝલ થઇ ત્યાંસુધી આનંદ તેને જતી જોઈ રહ્યો.

આનંદને એરપોર્ટ સુધી વળાવવા પ્રીતિ આવી. આનંદનો “ હની, એવરી થીંગ ઇજ ઓકે એન્ડ નાઉ આઈ એમ ઓન માય સીટ” નો મેસેજ ફેસબુક પર વાંચ્યા પછી પણ પ્રીતિ થોડી વાર રોકાઈ. તેણે થોડીવાર પછી આનંદને મેસેજ કર્યો “ આનંદ, નાઉ આઈ એમ લીવીંગ એરપોર્ટ. પ્લીઝ, રીપ્લાય.” તરત આનંદનો મેસેજ મળ્યો. “ ઓહ ડીયર, આર યુ સ્ટીલ વેઈટીંગ ફોર મી ? ઇટ્સ ઓકે ડીયર, પ્લીઝ, લીવ. થેન્ક્સ.”
પ્રીતિએ “ ઓકે હની, હેપ્પી જર્ની એન્ડ ટેક કેર ” વળતો જવાબ કરી એરપોર્ટથી રવાના થઇ.

દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આનંદે સૌ પ્રથમ “ રીચ્ડ સેફ્લી એન્ડ કમ્ફોરટેબલી ” નો મેસેજ પ્રીતિને મોકલી આપ્યો. વતન આવ્યા પછી આનંદ એક અઠવાડીયા સુધી ખુબ વ્યસ્ત રહ્યો. પ્રીતિ સાથે ચેટીંગ કરવાનો પણ સમય મળતો ન હતો. દરમ્યાન પ્રીતિના ટૂંકા સંદેશા તેને મળતા હતા જે વાંચીને તેને આનંદ થતો હતો. થોડાક સમય પછી પ્રીતિના સંદેશા મળતા સદંતર બંધ થઇ ગયા.

થોડાક દિવસથી ફેસબુક પર પ્રીતિનો સંપર્ક થતો ન હતો તેથી આનંદ થોડો વિહ્વળ બન્યો પરંતુ તેને યાદ આવ્યું કે કદાચ પ્રીતિ પરીક્ષામાં વ્યસ્ત હશે એટલે સંપર્ક થતો નહિ હોય.એ દરમ્યાન તેણે પોતાના ડેડી અનુરાગ મલ્હોત્રા પાસેથી તેમની કંપનીને મળેલ નવા પ્રોજેક્ટની વિગતો મેળવી. તેમની કંપનીને મળેલ પ્રોજેક્ટ ખુબ મહત્વનો હતો. દુશ્મન દેશને ખબર ન પડે તે રીતે અત્યાધુનિક યુદ્ધ વિમાન બનાવવાનો ખુબ ગુપ્ત અને મહત્વનો પ્રોજેક્ટ હતો. ભારતની મીલીટરીના સંપર્કમાં અને તેમની દેખરેખ હેઠળ વિમાનોનું ઉત્પાદન કરવાનું હતું. ખુબ વિશ્વાસુ વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો રોકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ માટે એક ગુપ્ત સ્થળે એક વિશાળ વર્કશોપ બાંધવામાં આવ્યો હતો. વિમાનોની ડીઝાઈન મીલીટરી એન્જીનીયરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી પરંતુ
આખી ડીઝાઈન તેમની કંપનીને એકી સાથે પૂરી પાડવામાં આવનાર ન હતી. ભારતીય સૈન્યદળની જરૂરીયાત મુજબ અણુશસ્ત્રો યુક્ત વિમાન તૈયાર કરવાનું આયોજન હતું. ભારત સરકાર દ્વારા આ યુદ્ધ વિમાનની ડીઝાઈન બનાવવાનું કામ છેલ્લા દસ વર્ષથી ગુપ્તરીતે ચાલતું હતું અને ડીઝાઈન એપ્રુવ થયા પછી તેના ભાવો મેળવવા માટે ગુપ્ત રીતે ગ્લોબલ ટેન્ડર માગવામાં આવ્યા હતા. કોઈ વચેટીયાઓ રાખવામાં આવ્યા ન હતા. ભાવો માગતી વખતે પણ ભાવ ઓફર કરનાર કંપનીઓને તમામ બાબતો જણાવવાને બદલે યુદ્ધ વિમાનના જુદા જુદા ભાગોની ફક્ત પ્રોફાઈલ આપી તે ભાગો માટેના જ ભાવો મેળવવામાં આવ્યા બાદ સૌથી નીચા ભાવો મંજુર કરવામાં આવ્યા હતા અને જે તે કંપનીઓને તે ભાગોનું ઉત્પાદન તેમના દેશમાં કરી ભારત પહોચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરદેશની જે કંપનીમાં યુદ્ધ વિમાનના ભાગોનું ઉત્પાદન કરવામાં આવતું હતું ત્યાં પણ ભારતીય ગુપ્તર વિભાગના બાહોશ ઓફિસરો મુકવામાં આવ્યા હતા જેથી દુશ્મન દેશ યુદ્ધ વિમાન અંગેની કોઈ ગુપ્ત માહિતી કે કોઈ વિગતો મેળવી શકે નહિ.

અણુશસ્ત્રોનું ભારતમાં ઉત્પાદન કરવાનું હતું અને યુદ્ધ વિમાનના જુદા જુદા ભાગો આયાત કરી આનંદની કંપનીના વર્કશોપમાં એસેમ્બલ કરી આખું યુદ્ધ જહાજ મીલીટરી ઓફિસર્સ અને ઈન્ટેલીજન્સની હાજરીમાં તૈયાર કરવાનું નક્કી થયું હતું. પ્રથમ તબક્કે ૧૫ યુદ્ધ વિમાનો તૈયાર કરવાનું આયોજન હતું અને ત્યારબાદ ક્રમશ: તેમાં દર વર્ષે ઉમેરો કરતા જવાનું હતું.

આનંદને આ પ્રોજેક્ટ ખુબ ચેલેન્જિંગ લાગ્યો. તેણે તેના ડેડ પાસે આખો પ્રોજેક્ટ તેને હેન્ડલ કરવા દેવાની પરવાનગી માગી પરંતુ તેના ડેડે કહ્યું કે આ એક ગુપ્ત પ્રોજેક્ટ હોઈ આપણે સ્વતંત્ર રીતે હેન્ડલ કરી શકીશું નહિ. ભારત સરકારની દેખરેખ હેઠળ કામ કરવાનું રહેશે પરંતુ હું તને તેમાં જરૂર સામેલ કરીશ.

બે માસ પછી એક સવારે તે પોતાની ફેસબુક વોલ પર પડેલા સંદેશા વાંચી રહ્યો હતો. પ્રીતિનો એક અંગત સંદેશો હતો, “ આનંદ, નાઉ આઈ એમ ઇન ચંદીગઢ. આઈ વિલ કમ ટુ મીટ યુ પરસનલી વિધીન અ કપલ ઓફ ડેઝ. આઈ શેર હિયર માય મોબાઈલ નંબર. ઇટ ઈઝ યટ નોટ એક્ટીવેટેડ. પ્લીઝ બેર વિથ મી. થેન્ક્સ.” આનંદ પ્રીતિનો સંદેશો વાંચી એકદમ ઉત્સાહિત થઇ ગયો. પ્રીતિનો મોબાઈલ નંબર એક્ટીવેટ થયો છે કે નહિ તે ચેક કરવા તેણે તે નંબર ડાયલ કર્યો પરંતુ “ ધ નંબર યુ ડાયલડ ડઝ નોટ એક્ઝીસ્ટ”ની કેસેટ વાગતી રહી.

બે દિવસ પછી તેના મોબાઈલ પર પ્રીતિનો ફોન આવ્યો. તે દિલ્હીમાં હતી અને તેને મળવા માગતી હતી. આનંદે તેના ઘરનું લોકેશન શેર કરી પ્રીતિને તેના ઘરે મળવા બોલાવી. અડધા કલાક પછી પ્રીતિ આનંદના બંગલામાં દાખલ થઇ ત્યારે આનંદ ખુબ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યો. ઘરમાં તેની મોમ માલતી મલ્હોત્રા, તેની નાની બહેન સુનંદા અને તે પોતે હાજર હતા. પ્રીતિ ઉત્સાહ પૂર્વક આનંદને ભેટી પડી. આનંદને પ્રીતિ થોડીક બદલાયેલી લાગી. તેની સ્કીન પહેલાં કરતાં થોડીક ડાર્ક લાગતી હતી અને તેની ઉંચાઈ પણ એક બે ઇંચ ઓછી લાગી. તેના ભેટવામાં પહેલાં જેવી મૃદુતાનો આભાવ લાગ્યો.

આનંદ “ પ્રીતિ, તું પહેલાંની પ્રીતિ કરતાં આજે ખુબ અલગ દેખાય છે. તારી સ્કીન પહેલાં જેવી ચાર્મિંગ નથી તારી ઊંચાઈને શું થયું ?”

પ્રીતિ “ કમઓન યાર આનંદ. મજાક છોડ અને કહે તું કેમ છે. આજે મેં હલકો મેકઅપ કર્યો છે, ઉંચી એડીના સેન્ડલ નથી પહેર્યા અને ઈન્ડિયાની આટલી ગરમીમાં સ્કીન ચાર્મિંગ ન રહે એટલે તને હું બદલાયેલી લાગતી હોઈશ કે પછી આ બે મહિનામાં કોઈ ખુબસુરત દેશી છોકરીએ તારા પર ભૂરકી નાખી દીધી છે ?” કહી તે ખુબ ખુલ્લા મને હસી પડી. પ્રીતિનું ખુલ્લું હાસ્ય સાંભળી આનંદની મોમ અને તેની નાની બહેન બેઠક ખંડમાં આવી પહોચ્યા. તેમને જોઈ પ્રીતિ ગંભીર થઇ ગઈ. આનંદે પ્રીતિનો તેની સાથે અમેરિકામાં ભણતી ફ્રેન્ડ તરીકે પરિચય કરાવ્યો. પ્રીતિએ માલતી બેનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને કિશોરી સુનંદાને પોતાની બાથમાં લઇ વહાલ કરવા લાગી.

થોડાક સમય પછી આનંદ પ્રીતિને તેના બેડરૂમમાં દોરી ગયો. દરવાજો બંધ થતાંની સાથેજ પ્રીતિ આનંદને વળગી પડી. તેણે પોતાના ગુલાબી હોઠો વડે આનંદના હોઠો પર એક તસતસતું ચુંબન ચોઢી દીધું અને તેને વળગી પડી પ્રેમ કરવા લાગી. આનંદે પ્રીતિને ઉંચકીને તેના વિશાળ પલંગ પર ફેકી અને ગાંડાની જેમ વળગીને તેને ફેંદી નાખી. પ્રીતિ આજે ખુબ આક્રમક હતી છતાં તે આનંદના ગાંડપણને હસતાં મોઢે સહેતી રહી. પુરા એક કલાક બાદ બંને તેના બેડરૂમમાંથી ફ્રેશ થઇ હસતાં હસતાં નીકળ્યા ત્યારે બંનેની દુનિયા બદલાઈ ગઈ હતી.

પ્રીતિ અને આનંદની મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો. ઘરમાં બધા સમજી ગયા હતા કે આનંદ પ્રીતિનેજ પરણશે. પ્રીતિ આનંદની ગેર હાજરીમાં પણ આનંદના ઘરે આવી માલતીબેનને નાંના મોટો કામોમાં મદદરૂપ થવા પ્રયત્ન કરતી. સુનંદા સાથે તેને ખુબ ગોઠી ગયું હતું. સુનંદા ખુબ ચબરાક હતી. મોબાઈલ અને લેપટોપ પર સતત કાર્યરત રહેતી હતી. એક વાર આનંદે હસતાં હસતાં પ્રીતિને કહ્યું હતું કે “ પ્રીતિ, તારું લેપટોપ સુનંદાથી સાચવીને રાખજે. મારી બે’ની ગમે ત્યારે તારું લેપટોપ હેક કરી તારો તમામ ડેટા ચોરી લેશે. પછી કહેતી નહિ કે તને ચેતવી નો’તી ” પ્રીતિએ જવાબમાં આનંદને કહ્યું “ મારા લેપટોપમાં ચોરવા જેવા કોઈ ડેટા જ નથી. બહુ બહુ તો તારા અને મારા ફોટા ચોરી લેશે જે તેનો હક છે.”

આ બાજુ આનંદને યુદ્ધ વિમાનના પ્રોજેક્ટમાં કેટલીક કડક શરતોને આધીન સામેલ થવાની અનુમતિ મળી ગઈ હતી. હવે જુદા જુદા દેશોમાંથી ઓર્ડર મુજબના ઘટકો તૈયાર થઇ આવવાની શરૂઆત થઇ ગઈ હતી. મળેલ ઘટકોનું એસેમ્બલ કાર્ય તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યું હતું. હવે વર્કશોપ સંકુલની સલામતી વધારી દેવામાં આવી હતી. દરેકને સંકુલમાં પ્રવેશતાં પહેલાં પોતાના વાહનો એક કિલોમીટર દુર પાર્ક કરવા પડતાં અને ત્યાંથી સરકારી વાહનમાં વર્કશોપ સુધી જવું પડતું હતું. મોબાઈલ પણ બંધ કરીને સેફટી લોકરમાં મૂકી દેવા પડતાં હતા. એક કિલો મીટર જેટલા પ્રવાસમાં વિવિધ ત્રણ જગ્યાએ દરેકની જડતી લેવામાં આવતી અને દરેક જણ પર સીસીટીવી કેમેરાની નજર સતત રહેતી. દરેકની હરકતોનું સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. સંદેશાની આપલે કરવા માટે દરેકને સંકુલના ઇન્ટરકોમનો ફરજીયાત પણે ઉપયોગ કરવો પડતો. વિના કારણ અને વિના પરવાનગી કોઈની પણ સાથે વાતચીત કરવાની મનાઈ હતી. દરેકની ચેમ્બરની બહાર એક સિક્યુરીટી ઓફિસર સતત હાજર રહેતો તેની પરવાનગી મેળવી એક નિયત રજીસ્ટરમાં જરૂરી નોધ કરી બીજા સાથે સંપર્ક કરી શકતો હતો. દરેક જણની દરેક હરકતો શંકાની દ્રષ્ટિથી જોવામાં આવતી હતી.

ઘણીવાર પ્રીતિ આનંદની સાથે સંકુલ સુધી જતી પરંતુ તેને સંકુલમાં પ્રવેશવાની મનાઈ હોવાથી તે ગાડીમાં બેસી રહેતી અથવા પાર્કિંગ પાસેની કેન્ટીનમાં બેસી ટીવી જોયા કરતી કે તેના લેપટોપ પર બીઝી રહેતી. તેને આ રીતે બેસી રહેવું બોરિંગ લાગતું ન હતું. થોડાક દિવસ માટે પ્રીતિ ચંદીગઢ ગઈ હતી તેથી આનંદને ગમતું ન હતું. તે રોજ રાત્રે તેની સાથે મોબાઈલ પર ખુબ લાંબી વાતો કરતો. કદીક પ્રીતિ તે દિવસે શું કામ કર્યું અને કેવો અનુભવ રહ્યો તે બાબતે જાણવા માગતી તો આનંદ તે વાત ટાળી દેતો.

પ્રીતિ ચંદીગઢથી પરત ફરી ત્યારે તે આનંદ માટે રે-બાનના ખુબ મોઘાં ગોગલ્સની ભેટ લેતી આવી હતી. સોનેરી ફ્રેમના લાઈટ ગુલાબી રંગના કાચ વાળા ચશ્માં આનંદને ખુબ ગમ્યા હતા. તે ચશ્માં પહેરી રોજ તે વર્કશોપ જતો હતો. પ્રીતિ પણ આનંદને કંપની આપવા ઘણીવાર તેની સાથે જતી અને ગાડીમાં બેસી લેપટોપ પર કામ કર્યા કરતી રહેતી. ઘણીવાર બંને જણા વર્કશોપ જવાના બદલે લોંગ ડ્રાઈવ પર ચાલ્યા જતા. એક દિવસે પ્રીતિએ કહ્યું “ આનંદ મને લાગે છે કે હવે આપણે એક બીજાને સારી રીતે જાણી લીધા છે અને એક બીજાને પસંદ પણ કરીએ છીએ માટે હવે આપણા સબંધો આપણા ફેમીલી સામે જાહેર કરી સગાઇ કરી લેવી જોઈએ તેવું તને નથી લાગતું ?”

આનંદ “ હું પણ તેવું વિચારું છું. મારૂ કુટુંબ તને ઓળખે છે પણ તારા પેરેન્ટસને કદી મળ્યો નથી એટલે એક વાર તેમને મળી તેમની ઈચ્છા જાણી લઉં પછી આપણા સબંધો જાહેર કરી સગાઇનું એલાન કરી દઈશું. આપણે થોડા દિવસોમાં તારા પેરેન્ટસને મળવા ચંદીગઢ જઈશું. બોલ ક્યારે જવું છે ?”

પ્રીતિ “ મારા પેરેન્ટ્સને મળવા તારે એક વર્ષ જેટલી રાહ જોવી પડશે. તેઓ અત્યારે કેનેડા છે ત્યાં મારો ભાઈ ભણે છે અને હવે તેનું કોન્વોકેશન નજીકમાં છે એટલે તે પતાવી ત્યાંથી મારા કઝીનના લગ્ન એટેન્ડ કરવા મારા અંકલ પાસે લોસએન્જેલસ જવાના છે અને ત્યાર બાદ પાછા ફરશે. પરંતુ મને મારી પસંદગીના પુરુષ સાથે જીવન જોડવાનો તેમણે અધિકાર આપી દીધેલો છે માટે મારે તેમની પરવાનગી લેવાની નથી. હા તેમના પરત આવ્યા પછી જ આપણે લગ્ન ગ્રંથીથી જોડાઈશું.”

સમય પસાર થતો રહ્યો. પ્રીતિ અને આનંદની દોસ્તી અને મસ્તી ગાઢ થતી રહી. યુદ્ધ વિમાનનો પ્રોજેક્ટ પણ આગળ વધતો જતો હતો તેવામાં એકાએક એક રાત્રે કેટલાક મીલીટરી ઓફિસર આનંદના ઘરે આવ્યા અને મોડી રાત સુધી તેના ડેડ સાથે ગુપ્ત મંત્રણા કરી રવાના થયા. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર અનુરાગ મલ્હોત્રા વ્યગ્ર જણાતા હતા. તેમના ચહેરા પરથી તેઓ કદાચ આખી રાત ઉઘ્યા નહી હોય તેવું જણાતું હતું. નાસ્તા પછી આનંદ તેના ડેડીની વ્યગ્રતા અને રાત્રે ઘરે આવેલા મીલીટરી ઓફિસરના આગમનનું કારણ જાણવા તેમના રૂમમાં ગયો. તેમણે જણાવ્યું કે આટલી સાવચેતી રાખવા છતાં યુદ્ધ વિમાનની ડીઝાઈન અને તેમાં ઉપયોગમાં લેવામાં આવનાર અણુ શસ્ત્રોની કેટલીક વિગતો લીક થઇ હોવાનું સરકારના ધ્યાને આવેલ છે. વધારે ચિંતાનું કારણ એ છે કે ડેટા આપણા વર્કશોપમાંથી લીક થયા હોવાની શંકા છે કેમકે સરહદ પર જે સંદેશાઓ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે તેમાં આપણી ફેક્ટરીનો ઉલ્લેખ થયો છે. આનંદ પણ વિગતો જાણી ચિંતાતુર થયો. ઘરમાં ધીરે ધીરે સૌને આ બાબતની જાણ થઇ તેથી બધાને ફિકર થવા લાગી. સદભાગ્યે કેટલાક દિવસથી પ્રીતિ કોઈક અંગત કામે ચંદીગઢ ગયેલી હોવાથી રાહત હતી.

મીલીટરી અને ઇન્ટેલીજન્સના સતત ઇન્વેસ્ટીગેશન ચાલુ હતા. વર્કશોપમાં સીસીટીવીના ફૂટેજ કેટલીએ વાર જોવામાં આવ્યા હતા પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળતો ન હતો. વર્કશોપમાં કોઈ શંકાસ્પદ હરકત હજુ સુધી પકડાઈ ન હતી. એક દિવસે વ્યગ્રતામાં આંનદથી તેના ડ્રાઈવરને ઠપકો આપાઈ ગયો એટલે તેણે નોકરી છોડી દીધી. બીજો વિશ્વાસુ ડ્રાઇવર ન મળે ત્યાં સુધી આનંદ પોતાની ગાડી જાતે ડ્રાઈવ કરતો હતો. એક દિવસે ગફલતથી એક બાઈક સવાર સાથે તેની કાર અથડાઈ ગઈ. અકસ્માત ગંભીર ન હતો તેમ છતાં અકસ્માતના સમાચાર જાણી પ્રીતિ પોતાનું કામ પડતું મૂકી તરત દિલ્હી પરત આવી ગઈ. તેણે આનંદને તુરત નવો ડ્રાઇવર રોકી લેવા જણાવ્યું. આનંદે વિશ્વાસુ ડ્રાઈવરની શોધ ચાલુ હોવાનું જણાવ્યું એટલે તરત પ્રીતિએ કહ્યું તેના ડેડી હાલ વિદેશ ગયેલા હોવાથી તેમના ડ્રાઈવરને હું કાલે જ બોલાવી લઉં છું તે છેલ્લા આઠ દસ વર્ષ થી તેમની ફેમીલી કાર ચલાવે છે અને ખુબ વિશ્વાસુ છે. આનંદે સંમતિ આપી દીધી. બે દિવસમાં ડ્રાઈવર સરદાર મનજીતસિંઘ આવી પહોંચ્યો એટલે આનદને રાહત થઇ ગઈ.

જયાર સુધી ઇન્વેસ્ટીગેશન પૂરું ન થયું ત્યાં સુધી દરેકને શંકાની નજરથી જોવામાં આવી રહ્યા હતા છેવટે કોઈ ક્લ્યુ ન મળતાં તપાસનો દોર વિદેશની ફેકટરીઓ તરફ વાળવામાં આવ્યો પરંતુ ઈન્ટેલીજન્સ એજન્સીએ મલ્હોત્રા સાહેબને ખુબ સાવધાની રાખવા અને કોઈ અજાણી વ્યક્તિ સાથે નવા સંપર્કો ન બાંધવા ચેતવણી આપી. વર્કશોપમાં ફરી કામગીરી રાબેતા મુજબ ગોઠવાઈ ગઈ. મલ્હોત્રા સાહેબને હવે રાહત થઇ ગઈ હતી.

આનંદની નાની બહેન સુનંદા હજુ ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી પરંતુ તેને સોફટવેર પ્રોગ્રામિંગનું અગાધ જ્ઞાન હતું. તે તેના પ્રોગ્રામો વડે લોકોને અચરજમાં મૂકી દેતી હતી. એક દિવસે પ્રીતિ બાથ લેતી હતી ત્યારે સુનંદાએ પ્રીતિને હેરાન કરવાના ઈરાદાથી વાઈ ફાઈ વડે તેનું લેપ ટોપ હેક કરી લીધું. તેણે પ્રીતિના લેપટોપનો પાસવર્ડ પણ ડીકોડ કરી દીધો અને લેપટોપના બધા ડેટા તેના લેપટોપમાં કોપી કરી લીધા. બાથરૂમમાં શાવર બંધ
થયો એટલે સુનંદા ચુપચાપ પ્રીતિના રૂમમાંથી નીકળી પોતાના રૂમમાં પાછી ફરી. પ્રીતિ બાથરૂમમાંથી પાછી આવી ત્યારે સુનંદા કી હોલમાંથી પ્રીતિનું નિરિક્ષણ કરી રહી હતી કે તેને તેના લેપટોપ બાબતે કોઈ ખબર પડે છે કે કેમ. પ્રીતિ પોતાનું લેપટોપ પોતાના ખોળામાં મૂકી તેના કામમાં પરોવાઈ ગઈ. સુનંદા પ્રીતિ પાસે જવાનું વિચારતી હતી ત્યાં તેની મોમે તેને બુમ પાડી બોલાવી એટલે તે નીચે બેઠકરૂમમાં ગઈ અને નાસ્તો કરી તે ભણવા ચાલી ગઈ. પ્રીતિના લેપટોપના ડેટા કોપી કર્યાની વાત સુનંદાથી ભુલાઈ પણ ગઈ.

એક દિવસે રાત્રે સુનંદાએ પોતાના લેપટોપમાં એક ગ્રાફીક્સ ફાઈલ ખોલવા માટે મૂકી હતી જેને ખુલતાં વાર લાગી એટલે તે ફાઈલ ખુલવાની રાહ જોતી લેપટોપના સ્ક્રીનને તાકી રહી હતી ત્યારે તેના ડેડી આકસ્મિક રીતે તેના રૂમમાં આવી ચઢ્યા અને સુનંદાને ઉદ્દેશીને બોલ્યા, “ બેટા, કેમ ચાલે છે તારો સ્ટડી ?” તેના ડેડીનો પ્રશ્ન સાંભળી સુનંદાએ ચમકીને પાછળ જોયું બરાબર તે જ સમયે સુનંદાએ ખોલવા માટે મુકેલી ગ્રાફિકસ ફાઈલ ખુલી ગઈ. સુનંદાનો ચહેરો તેના ડેડી તરફ હતો પરંતુ મલ્હોત્રા સાહેબની નજર સુનંદાના લેપટોપના સ્ક્રીન પર હતી. સ્ક્રીન પર દેખાતા ચિત્રને જોઈ મલ્હોત્રા સાહેબ દિગ્મૂઢ થઇ ગયા. તેમણે તુરતજ સુનંદાના રૂમનો દરવાજો બંધ કરી દીધો અને લેપટોપ પોતાની પાસે ખેંચી સ્ક્રીન પરના ડ્રોઈંગને ઝીણવટભરી નજરથી નિહાળી તે ફાઈલ સુનંદા પાસે ક્યાંથી આવી તેની ધીમા અવાજે પુછતાછ કરી. સુનંદાએ ડરતાં ડરતાં પ્રીતિનું લેપટોપ હેક કરી ડેટા કોપી કર્યાની વાત કહી. થોડીક ક્ષણોમાં મલ્હોત્રા સાહેબના મગજમાં વિચારોનું વાવાઝોડું પસાર થઇ ગયું. તેમણે સુનંદાનું લેપટોપ લઇ લીધું અને સુનંદાને આ બાબતે ઘરના કોઈ પણ સભ્યને કે બહાર કોઈને પણ કોઈ વાત ન કરવાની તાકીદ કરી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. બીજા દિવસે મલ્હોત્રા સાહેબે સુનંદાની સ્ટડી માટે નવું લેટેસ્ટ લેપટોપ ખરીદી લીધું.

બે દિવસ સુધી મલ્હોત્રા સાહેબ ખુબ વ્યસ્ત રહ્યા. તેવામાં આનંદે તેની મોમ માલતીબેનને પોતાની સગાઇ પ્રીતિ સાથે કરવા તેના ડેડને જણાવવા લાડથી વિનંતી કરી. માલતી બેને હસીને તેની વાત સ્વીકારી લીધી અને આનંદની વાત મલ્હોત્રા સાહેબને કરી એટલે તેમણે બીજા દિવસે નાસ્તાના ટેબલ પર પ્રીતિ સાથે ચર્ચા કરી તેની ઈચ્છા જાણી લીધી અને તેના પેરેન્ટસની ગેરહાજરીમાં સગાઈની જાહેરાત થાય તો તેને કોઈ વાંધો નથી તેવું જાણી થોડાક દિવસોમાં આનદ અને પ્રીતિની સગાઈની જાહેરાત કરવાનું વચન આપી દીધું. આનંદ અને પ્રીતિ ખુબ ખુશ થયા. મલ્હોત્રા સાહેબે બંનેને સગાઇ થાય તે પહેલાં એક બીજાને વધુ સારી રીતે જાણી લેવા કયાંક ફરી આવવા જણાવ્યું એટલે બંને દાર્જિલીંગના પ્રવાસે ઉપડી ગયા. દાર્જિલિંગ પહોંચ્યાના બે દિવસ પછી આનંદ થોડીક ખરીદી માટે માર્કેટ ગયો હતો. પ્રીતિના શરીરમાં તાવ ભરાયો હોવાથી તે તેની સાથે ગઈ ન હતી અને હોટલમાં આરામ કરતી હતી. આનંદ શોપિંગ કરી પરત આવી હોટેલના આઠમા માળે આવેલ તેમના સ્વિટના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તેણે પ્રીતિને કોઈકની સાથે ખુબ ગુસ્સાથી મોબાઈલ પર વાતચીત કરતી સાંભળી તેને અચરજ થયું. તે રૂમમાં દાખલ થયો એટલે પ્રીતિએ “હું પછી વાત કરુ છું” કહી ફોન કાપી નાખ્યો. તેના ચહેરા પર ગુસ્સા અને વિષાદના ચિન્હો જોઈ આનંદે પ્રીતિને તે બાબતે પૂછ્યું તો તેણે સ્વસ્થ થઇ કહ્યું,” મારા ડેડીનો કેનેડાથી ફોન હતો. તેઓ હમણાં આપણી સગાઇ માટે ઉતાવળ ન કરવાનું કહે છે માટે હું ગુસ્સે થઇ ગઈ હતી.” કહી તે રડી પડી. આનંદે પ્રીતિને હગ કરી આશ્વાસન આપ્યું.
પ્રીતિ અને આનંદના પ્રવાસ દરમ્યાન ઈન્ટેલીજન્સ દ્વારા આનંદ અને પ્રીતિના બેડ રૂમની પુરેપુરી ચકાસણી કરી લેવામાં આવી. બંનેના મોબાઈલ વોચમાં મુકવામાં આવ્યા હતા. બન્નેની મોબાઈલ પરની વાતચીત ટેપ કરવામાં આવતી હતી અને બે ઓફિસરો બંનેના મોબાઈલનું સતત મોનીટરીંગ કરતા હતા. બંનેના છેલ્લા બે વર્ષના મોબાઈલ ડેટા મેળવી લેવામાં આવ્યા હતા અને તેમના સંપર્કોની અને થયેલ વાતચીતનો ઘહન અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. આનંદના રૂમમાંથી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પ્રીતિના રૂમમાંથી બે વિદેશી સીમ કાર્ડ સિવાય કઈ વાંધાજનક મળ્યું ન હતું. પ્રીતિ ચંદીગઢની હોવાથી તેના વતનમાં તેના અભ્યાસ અને અત્યારસુધીની ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી રહી હતી. તે તપાસમાં પ્રીતિ વિષે ખુબ ચોકાવનારી વિગતો મળી આવી હતી જેના ઉપર આગળ ઇન્વેસ્ટીગેશન કરવામાં આવી રહ્યું હતું.




મીલીટરી ઈન્ટેલીજન્સ મશીનરી એકદમ હરકતમાં આવી ગઈ હતી. પ્રીતિના લેપટોપમાંથી સુનંદાએ કોપી કરેલા ડેટાનો ઝીણવટ પૂર્વક અભ્યાસ થઇ રહ્યો હતો. કેટલા ડેટા ચોરાયા છે અને તે કેટલા મહત્વના છે તે બાબતે સતત ચર્ચાઓ થઇ રહી હતી. ઇન્વેસ્ટીગેશન ઓથોરીટીના ધ્યાને એ વાત આવી હતી કે પ્રીતિ પાસે જે કોઈ ડેટા હતા
તે ફોટોગ્રાફ સ્વરૂપે હતા અને મોટા ભાગે આનંદ પાસે જે ફાઈલો હતી તે અંગેની ડીટેઇલ ડિઝાઈનના અને તેને સંલગ્ન અણુ શસ્ત્રોની કેટલીક બિન મહત્વની વિગતો હતી. સંકુલમાં કોઈ કેમેરા કે મોબાઈલ લઇ જવાની સખ્ત મનાઈ હતી તો પછી આ ફોટા કેવી રીતે લેવામાં આવ્યા તેનું રહસ્ય હજુ અણઉકલ્યું હતું માટે આનંદની દરેક ગતિવિધિઓના સીસીટીવી ફૂટેજનું ફરીથી અવલોકન કરવામાં આવ્યું. આનંદની ફૂટેજ પરથી તેણે કોઈ ફોટો ક્લિક કર્યો હોય તેવી કોઈ હરકત નજરે ન પડી. થોડો ઘહન અભ્યાસ કરતાં એ વાત સમજાઈ કે કોઈ સ્ટીલ ફોટોગ્રાફી થઇ નથી પરંતુ સતત વિડીઓગ્રાફી થઇ હતી. ઉચ્ચ કક્ષાના વધુ મેઘા પિક્ષલના કેમેરાનો ઉપયોગ થયો હતો પરંતુ એક વાત હજુ સમજાતી ન હતી કે સતત થએલ વિડીઓગ્રાફી કેમ કોઈના ધ્યાન પર આવી ન હતી ?. ઇન્વેસ્ટીગેશન ટીમના એક સિનિયર સભ્યે નોધ્યું કે વિડીઓગ્રાફી કોઈ કેમેરા મારફતે નહિ પરંતુ કોઈ ગુપ્ત ડીવાઈસથી થઇ છે અને જે કોઈએ આ કામ કર્યું છે તેની પાસે પેનમાં, બટનમાં, વીંટીમાં કે શરીર પર પહેરાતા ઘરેણામાં તે ગુપ્ત કેમેરો ફિટ થયેલો હોવો જોઈએ.

ફરીથી આનંદની સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરવામાં આવ્યો. તેના પહેરેલા કપડાં, બટન, પેન, સોનાની ચેન, હાથમાં પહેરેલા સોનાના લોકેટ વિગેરેની ઈમેજોને ઝૂમ કરીને અભ્યાસ કરાયો પરંતુ ક્યાંય કોઈ ગુપ્ત ડીવાઈસ હોવાનું જણાયું નહિ. ફરીથી આનંદના રોજે રોજના આવા ગમનના સીસીટીવી ફૂટેજ ઝીણવટથી જોવાયા. પ્રીતિના લેપટોપના ફોટાની તારીખો ધ્યાને લેવાઈ. સૌ પ્રથમ જે દિવસનો ફોટો હતો તે દિવસની આનંદની દિન ચર્યા ફરી ફરી વાર જોવામાં આવી. તે દિવસે આનંદ જયારે સિક્યુરીટી વોચ ડોરમાંથી પસાર થતો હોય છે ત્યારે સિક્યુરીટી ઓફિસરે આનંદને રોકી કંઇક વર્તાપાલ કર્યો હોવાનું ધ્યાને આવ્યું. સિક્યુરીટી ઓફિસરે આનંદ પર બે વાર મેટલ ડિટેકટર ચેકિંગ ડીવાઈસ ફેરવી હોવાનું જણાયુ. સિક્યુરીટી ઓફિસરને સંતોષ ન થયો એટલે તેણે આનંદ પાસે રહેલો તમામ સમાન ટેબલ પર મુકાવી ફરીથી મેટલ ડિટેકટર વડે ચેક કર્યો. આનંદ પાસે કઈ વાંધાજનક ન હોવાની ખાતરી કરી તેને સંતોષ થયા પછીજ તેણે આનંદને આગળ જવા દીધો હતો.

ઇન્વેસ્ટીગેશન ટીમના સિનિયર સભ્યે તે દિવસે આનંદને રોકી બે વાર ચેકિંગ કરનાર સિક્યુરીટી ઓફિસરને બોલાવી પુછતાછ કરી તો જાણવા મળ્યું કે તે દિવસે જયારે આનંદ સિક્યુરીટી ડોરમાંથી પસાર થયો ત્યારે “બીપ” આવાજ આવતાં તેની પાસે કોઈ ઇલેકટ્રોનીકસ ડીવાઈસ હોવાનો તેને વહેમ પડેલો એટલે આનંદને રોકી તેના પાસે રહેલો તમામ સમાન ટેબલપર મુકાવી ફરીથી મેટલ ડિટેકટરથી ચેક કર્યો હતો પરંતુ કંઇ વાંધાજનક વસ્તુ ન જણાતાં તેણે આનંદને આગળ જવાનું કલીયરન્સ આપ્યું હતું. સિક્યુરીટી ઓફિસરની પુછતાછ પૂરી કરી ઈન્ટેલીજન્સ અધિકારીએ તેને જવા દીધો પરંતુ તેમના અનુભવી મગજમાં ઉથલપાથલ થઇ. તેમણે ફરીથી તે દિવસના ફૂટેજનું અવલોકન કર્યું તો ધ્યાને આવ્યું કે સિક્યુરીટી ઓફિસરે આનંદ પાસેની તમામ ચીજ વસ્તુઓ ટેબલ પર મુકાવી મેટલ ડિટેકટરથી ચેક કરી હતી પરંતુ એક વસ્તુ ચેક કરવાની રહી ગઈ હતી. બસ તેમણે અંકોડા મેળવવા શરુ કરી દીધા અને તેમના તિવ્ર બુદ્ધિ દિમાગમાં લગભગ બધું સ્પષ્ટ થઇ ગયું. ઇન્વેસ્ટીગેશન ટીમના સિનિયર સભ્યે હવે તેના અનુસંધાને આગળના અંકોડા મેળવવા શરુ કર્યા અને લગભગ આખી ગુચવણ તેમણે ઉકેલી નાખી હોય તેવું તેમના ચહેરા પર થી જણાઈ આવતું હતું.

આનંદ અને પ્રીતિ આવતી કાલે રાત્રે દાર્જિલિંગ થી પરત આવવાના હતા. તે દરમ્યાન મીલીટરી ઈન્ટેલીજન્સને એક મહત્વનું ઈનપુટ મળ્યું. તંત્ર એકદમ એલર્ટ થઇ ગયું. મોડી રાત્રે દિલ્હીના એરપોર્ટ પર આનંદ અને પ્રીતિને લેવા માટે આનંદની કાર લઇ તેમનો ડ્રાઈવર સરદાર મનજીતસિંગ હાજર હતો. બંને જણા કારમાં બેઠા અને મનજીતસિંઘ ડ્રાઇવર સીટ પર બેસવા ગયો ત્યારે બે ગણવેશધારી પોલીસ ઓફિસરે મનજીતસિંહ ને ખેંચી બહાર કાઢ્યો અને તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઇ ગયા. આનંદની કારના ડ્રાઇવર તરીકે એક વર્ધી ધારી
પોલીસ હવાલદાર ગોઠવાયો અને આગળની સીટમાં તેની બાજુમાં એક પોલીસ ઓફિસર બેઠો તે જોઈ પ્રીતિ કારની પાછલી સીટનો દરવાજો ખોલી ભાગવા જતી હતી પરંતુ બે લેડી પોલીસ ઓફિસરે તેને ધક્કો મારી ગાડીમાં પાછી બેસાડી અને તેની આજુબાજુ ગોઠવાઈ ગઈ. આનંદ એકદમ ડઘાઈ ગયો હતો. આ બધું શું ચાલી રહ્યું છે તે બાબતે પોલીસ ઓફિસરને પૂછતાં તેમણે કહ્યું કે “ ઘરે જઈ આખી વાત સમજાવીશ અત્યારે ચુપચાપ અમને સહકાર આપો.” કાર સ્ટાર્ટ થઇ અને સીધી અનુરાગ મલ્હોત્રાના ઘરે આવીને ઉભી રહી.

અનુરાગ મલ્હોત્રાના ઘરમાં ખુબ ઉશ્કેરાટ હતો. માલતી બેન અને સુનંદાને અન્યત્ર ખસેડાયા હતા. મીલીટરી ઈન્ટેલીજન્સ, સી.બી.આઈ. અને લોકલ પોલીસખાતાના અધિકારીઓનો કાફલો “મલ્હોત્રા મેન્શન” માં તૈનાત હતો. મીડિયાને આખી વાતની ભનક ન લાગે તેની પુરેપુરી કાળજી લેવામાં આવી હતી. “મલ્હોત્રા મેન્શન” ના ચોથા માળે એક મોટો કોન્ફરન્સ હોલ હતો તેમાં હાજર રહેલા મીલીટરી ઈન્ટેલીજન્સના ઉચ્ચ કક્ષાના ઓફિસરો સમક્ષ આનંદ અને પ્રીતિને લઇ જવામાં આવ્યા હતા. ત્યાં અનુરાગ મલ્હોત્રા પણ હાજર હતા. મીલીટરી ઈન્ટેલીજન્સ ના એક સિનિયર ઓફિસર ઉભા થઇ આનંદ પાસે આવ્યા અને તેના ગોગલ્સ માગ્યા. આનંદે તેની આંખ પર ચઢાવેલા ગોગલ્સ ઉતારી તેમને આપ્યા તેમણે પ્રીતિ પાસેથી તેનું લેપટોપ લઇ લીધું અને આ બંને ચીજો તેમણે તેમના જુનિયરને આપી જે લઇ તે કોન્ફરન્સ હોલની બાહર નીકળી ગયો.
એક લેડી ઓફિસર ઉભી થઇ પ્રીતિ પાસે આવી તેના ગાલ પર એક તમતમતો તમાચો ચોડી પૂછ્યું “ બોલ તું કોણ છે ?” ફરીથી તેના ગાલ પર એક તમાચો ચોડી કહ્યું, “બોલ ગદ્દાર, તું કોણ છે ?” પ્રીતિ પર ઓફિસરના મારવાની કે તેમના ઘોંટા ની કોઈ અસર ન થઇ. તે સ્થિતપ્રજ્ઞ જ રહી. લેડી ઓફિસરે કહ્યું “ બોલ તારી સાચી ઓળખ આપ, નહિતર મારે થર્ડ ડીગ્રી અજમાવવી પડશે.” તેમ છતાં તે મૂંગી રહી એટલે તે લેડી ઓફિસરે પ્રીતિની સારી એવી ધોલાઈ કરી પરિણામે તેના નાક અને મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. માર સહન ન થતાં પ્રીતિ બોલી, “ ઓ.કે. હું બધુ જ કહીશ જે તમારે જાણવું છે.”

પ્રીતિએ વોશબેસીન પાસે જઈ પોતાનો ચહેરો સાફ કરી સ્વસ્થતા મેળવી લીધી. પ્રીતિને પાણી આપવામાં આવ્યું. પાણી પી તેણે સ્વસ્થ થઇ પોતાની વાત શરુ કરે તે પહેલાં લેડી ઓફિસરે તેને કહ્યું “ અમે લગભગ બધા અંકોડા મેળવી લીધા છે અને તારી અસલીયત અમે જાણી ચુક્યા છીએ પરંતુ અમારે તે બધું તારા મોઢે સંભાળવું છે. તે તારું કન્ફેશન હશે. આપણી આખી વાતચીતની વિડીઓગાફી કરવામાં આવી રહી છે જેને કોર્ટમાં ઓથેન્ટિક ઓફિસિયલ પુરાવા તરીકે રજુ કરવામાં આવશે.” પ્રીતિએ સંમતિમાં પોતાનું માથું ધુણાવ્યું.
પ્રીતિએ પોતાની દાસ્તાન શરુ કરી. “ મારું નામ રીતિ શર્મા છે. હું પાકિસ્તાની ઈન્ટેલીજન્સ માટે કામ કરું છું. હું અને પ્રીતિ જોડીયા બહેનો છીએ. હું કોમ્પ્યુટર એન્જીનીયર છું. આભ્યાસ પૂરો કરી હું નોકરી માટે દુબઈ ગઈ હતી. ત્યાં એક મલ્ટીનેશનલ કંપનીમાં હું કોમ્પ્યુટર એન્જીનીયર તરીકે જોડાઈ. મને સારો પગાર મળતો હતો. મારી સાથે કામ કરતા પાકિસ્તાની યુવાન ઈરફાન સાથે મારે દોસ્તી થઇ. હું તેના પ્રેમમાં પડી. તે મને તેની સાથે ફરવા માટે પાકિસ્તાન લઇ ગયો. તે પાકિસ્તાની જાસુસ હતો. ઈરફાને પાકિસ્તાની ઈન્ટેલીજન્સના એક વગદાર ઓફિસર સાથે મારી મુલાકત કરાવી. તેણે મને ખુબ મોટી રકમની ઓફર આપી તેમના દેશ વતી જાસુસી કરવા લલચાવી. હું તેમની વાતોમાં આવી ગઈ. તેમણે મને જાસુસી કરવાની એક વર્ષ સુધી સખત ટ્રેનીંગ આપી. ટ્રેનીંગ બાદ તેમણે મને અફઘાનિસ્તાન મોકલી પાકિસ્તાન માટે તેમને જોઈતી વિગતો મેળવવા કહ્યું. મેં તેમને જોઈતી વિગતો મેળવી આપી એટલે તેમને મારા પર ભરોસો બેઠો. તેમણે મને પાકિસ્તાનનો ડિપ્લોમેટિક પાસપોર્ટ આપ્યો અને અમેરીકા સ્થિત પાકિસ્તાની દુતાવાસમાં નોકરીએ મોકલી. ત્યાં તેમણે મારી પાસે જાસુસી કરાવી તેમને જોઈતી વિગતો મેળવવા લાગ્યા. દરમ્યાન ભારત ખુબ અત્યાઆધુનિક યુદ્ધ વિમાન બનાવી રહ્યું છે તેવી જાણ પાકિસ્તાનને થઇ. તેમના અધિકારીઓએ યુદ્ધ વિમાન બનાવનાર કંપનીનું નામ જાણી લીધું. તેમેણે એ પણ વિગતો મેળવી લીધી કે
આધુનિક યુદ્ધ વિમાન બનાવનાર કંપનીના માલિકનો પુત્ર અમેરિકામાં અભ્યાસ કરે છે. જોગાનુજોગ મારી જોડીયા બહેન પ્રીતિ અને આનંદ મિત્રો હોવાની વાત ધ્યાને આવતાં પાકિસ્તાની ઈન્ટેલીજન્સએ મારો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આનંદના ભારત પરત આવ્યા પછી અને મારી બહેન પ્રીતિની પરીક્ષા પૂર્ણ થતાં મેં પ્રીતિને ભારત જતાં પહેલાં દુબઈમાં મારા મહેમાન થવા આગ્રહ કર્યો. તે દુબઈ આવી. અમે તેનું અપહરણ કરી દુબઈમાં જ સંતાડી દીધી. હું પ્રીતિના પાસપોર્ટ પર ભારત આવી ગઈ. ભારત આવી મેં આનંદનો સંપર્ક કર્યો અને તેના ઘરમાં ગોઠવાઈ ગઈ.”

રીતિએ પાણી પી આગળ ચલાવ્યું. “ આનંદને અમારી પ્રથમ મુલાકાતમાં મારી ઉંચાઈ અને વાન પર શક થયો હતો પરંતુ મેં તેને મારું શરીર ધરી છેતરી લીધો. મને એમ હતું કે હું આનંદ પાસેથી યુદ્ધ વિમાનને લગતી તમામ વિગતો કઢાવી લઈશ પરંતુ તેની ફેકટરીમાં મીલીટરી ઈન્ટેલીજન્સની સતત હાજરી અને ખુબ કડક બંદોબસ્ત હોવાના કારણે મારી કોઈ કારી ફાવી નહિ. મારા પાકિસ્તાની આકાઓને જયારે મેં આ વાત જણાવી ત્યારે તેમણે રે-બાનના એક અત્યાધુનિક ગોગલ્સ મોકલાવ્યા જેની મેટલની ફ્રેમમાં પાવરફુલ માઈક્રો કેમેરા અને માઈક્રોફોન ફિટ કરેલા હતા. તે ગોગલ્સ વાઈ ફાઈ થી સજ્જ હતા. તે એક ઉત્તમ કક્ષાનું માઈક્રો કોમ્પ્યુટર હતું . તેમાં ફિટ કરવામાં આવેલ તમામ ડિવાઈસીસ એકદમ સેફ હતી. મેં તે ગોગલ્સ આનંદને ભેટ આપ્યા જે તેને ખુબ ગમી ગયા અને પ્રેમિકાની અનમોલ ભેટ સમજી તે રોજ તેનો ઉપયોગ કરવા લાગ્યો. તે ગોગલ્સમાં સતત વિડીઓગ્રાફી થતી રહેતી. હું રોજ રાત્રે વાઈફાઈથી ગોગલ્સ સાથે કનેક્ટ થતી અને આખા દિવસની વિડીઓગ્રાફીના ડેટા મારા લેપટોપમાં ટ્રાન્સફર કરી લેતી હતી. હું જેટલી માહિતી મારા આકાઓને પૂરી પાડતી હતી તેનાથી તેમને સંતોષ ન હતો. તેઓ મને ધમકાવીને વધુ માહિતી મોકલવા દબાણ કરતા હતા. મારી મદદ માટે તેઓ પાકિસ્તાની જાસુસ ઈરફાનને ભારતમાં પહોચાડી દીધો હતો. મેં આનંદના ડ્રાઇવરને ખુબ મોટી રકમની લાલચ આપી નોકરી છોડી દેવા તૈયાર કર્યો. તેણે નોકરી છોડી દીધી એટલે મેં ઈરફાનને આમારા વિશ્વાસુ ફેમીલી ડ્રાઇવર તરીકે આનંદ સમક્ષ રજુ કરી સરદારજીના વેશમાં તેના ડ્રાઇવર તરીકે ગોઠવી દીધો.”

દરમ્યાન સૌ માટે ચા નાસ્તો આવ્યો તેને ન્યાય આપી રીતિએ આગળ ચલાવ્યું. “ અમે જયારે દાર્જિલિંગમાં હતા ત્યારે ઇરફાનનો મારા પર ફોન આવ્યો કે પાકિસ્તાનથી મળેલ આદેશ મુજબ અમે દિલ્હી પહોચીએ એટલે આનંદનું અપહરણ કરી પંજાબ લઇ જવાનો છે. હું આનંદને મનોમન પ્રેમ કરતી હતી. મને તેનો ઉમદા સ્વભાવ ખુબ ગમ્યો હતો. હું ગમે તેમ કરી પાકિસ્તાનની ચુંગાલમાંથી છૂટવા માગતી હતી એટલે આનંદની સલામતી માટે મેં તેમ કરવાનીના પાડી એટલે તેણે મને ધમકાવી. અમારી વચ્ચે મોબાઈલ પર ઉગ્ર વાતચીત ચાલતી હતી ત્યારે આનંદ રૂમમાં દાખલ થયો. મેં “હું પછી વાત કરીશ” કહી ફોન કાપી નાખ્યો. આનંદે તે બાબતે પૂછયું તો મેં તેને મારા ડેડીનો ફોન હતો કહી વાત વાળી લીધી. ઈરફાને આનંદનું દિલ્હી એરપોર્ટથી જ અપહરણ કરવાની યોજના ઘડી કાઢી હતી એટલે ઈરફાન પોતાનું મિશન પૂરું કરે તે પહેલાં અમે પકડાઈ ગયા. દિલ્હી એરપોર્ટના અમારા આગમન પછીની વાત તમે જાણો છો એટલે મારે આગળ કઈ કહેવાનું રહેતું નથી.” કહી રીતિએ તેની વાત પૂરી કરી.

મીલીટરી ઈન્ટેલીજન્સના અધિકારીએ રીતિને પૂછ્યું “ અત્યાર સુધી તે કેટલી માહિતી દુશ્મન દેશ ને પૂરી પાડી છે ?” રીતિ બોલી “ખાસ કોઈ ઉપયોગી માહિતી મળતી ન હતી એટલે જ તો આનંદનું અપહરણ કરી પંજાબ લઇ જવાનું નક્કી થયું હતું. પંજાબથી તેને પાકિસ્તાન લઇ જવાનો હતો અને તેને ટોર્ચર કરી તેની પાસેથી માહિતી મેળવવાનું આયોજન હતું.”

મીલીટરી ઈન્ટેલીજન્સના અધિકારીએ રીતિને કહ્યું હવે છેલ્લો પ્રશ્ન “ પ્રીતિ ક્યાં છે ?”

રીતિ “ તે દુબઈમાં જ છે રોજે રોજ તેનું લોકેશન બદલાતું રહે છે. લેટેસ્ટ લોકેશનની માહિતી ઈરફાન પાસે હશે “ રીતિએ તેનું વાક્ય પૂરું કર્યું ત્યાંજ બે પોલીસ અધિકારીઓની પાકિસ્તાની જાસુસ ઈરફાન સાથે એન્ટ્રી થઇ. તેમણે રીતિની વાત સાંભળી લીધી હતી એટલે એક ઓફિસરે કહ્યું કે ઈરફાનના જણાવ્યા મુજબના લોકેશન પરથી
પ્રીતિનનો કબજો મેળવી લેવા વિદેશ મંત્રાલય મારફતે યુ.એ.ઈ.ના વિદેશ મંત્રાલયને વિનંતી કરાઈ છે. આપણા દુબઈ સ્થિત રાજદૂત તેમના સંપર્કમાં છે અને ખુબ ઝડપથી કાર્યવાહી થઇ રહી છે માટે કાલ રાત સુધીમાં પ્રીતિ હેમખેમ ભારત પહોચી જશે.

છેલ્લી વાતચીત સાંભળી આનંદના ચહેરા પરનો તણાવ દુર થયો. જાણે તેના જીવનમાં ઉઠેલ એક ભયાનક વંટોળ શમી ગયો હતો!.

આનંદના ગોગલ્સ અને રીતિના લેપટોપમાં રહેલા ડેટાની મીલીટરી ઈન્ટેલીજન્સ સર્વિસીસની સાયબર શાખા દ્વારા ચકાસણી થઇ ગઈ હોવાનો રીપોર્ટ આવી ગયો હતો. જે ડેટા હતા તે સામાન્ય અને બિન મહત્વના હતા માટે જો પુરેપુરા ડેટા દુશ્મન દેશને મળ્યા પણ હોય તો કોઈ ચિંતાનું કારણ ન હતું. આ વાત જાણી અનુરાગ મલ્હોત્રા અને આનંદ ને ખુબ રાહત થઇ. તમામ ઇન્વેસ્ટીગેશન્સમાં આનંદ નિર્દોષ પુરવાર સાબિત થયો હતો.

રીતિ અને ઈરફાન પર કાનૂની કાર્યવાહી કરવા માટે તેમની વિધિસર ધરપકડ કરવામાં આવી. બધી કાનૂની કાર્યવાહી પૂરી થઇ ત્યાં સુધીમાં સવાર પડી ગઈ હતી. માલતીબેન અને સુનંદાને ઘરે બોલાવી લેવામાં આવ્યા હતા. ઈન્ટેલીજન્સના અધિકારીએ સુનંદાને કહ્યું “ બેટા, કોઈનું લેપટોપ હેક કરવું એ ગુનો છે. સાયબર એક્ટ હેઠળ તે કામ ગેર કાનૂની છે પરંતુ તે મજાક માટે રીતિનું લેપટોપ હેક કરી દેશની અમુલ્ય સેવા કરી છે માટે અમારા ખાતા તરફથી તને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે તે માટે તારું નામ ભલામણ કરવાનું નક્કી કરેલ છે. અમે સૌ તારો આભાર માનીએ છીએ ”
સુનંદા દોડીને તેના ડેડી અનુરાગ મલ્હોત્રાના ખોળામાં ગર્વભેર બેસી ગઈ.

પ્રીતિને અપહરણકારોની કેદમાંથી હેમખેમ છોડાવી વિદેશ મંત્રાલય દ્વારા ભારત લાવવામાં આવી હતી. પ્રીતિ આનંદને જોઈ તેને વળગી હિબકે ચઢી ગઈ. આંનદની આંખોમાંથી પણ આંસુ વહેવા માંડયા. માલતીબેને પ્રીતિના માથે અને પીઠ પર હાથ ફેરવી આશ્વાસન આપ્યું.

અનુરાગ મલ્હોત્રાએ તે રાત્રે તેમના બંગલામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં શહેરના નામી ઉધોગકારો, અધિકારીઓ, રાજકારણીઓ અને શહેરના પ્રતિષ્ઠિત સજ્જનો હાજર રહ્યા હતા. મલ્હોત્રા સાહેબે સૌ સજ્જનોની સામે આનંદ અને પ્રીતિની સગાઈની જાહેરાત કરી. સૌએ તેમની જાહેરાતને તાળીઓથી વધાવી લઇ આનંદ અને પ્રીતિને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.