Premnu Aganphool - 10 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 10 - 1

Featured Books
Categories
Share

પ્રેમનું અગનફૂલ - 10 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતનો અગનખેલ

ભાગ - 1

નદીના પાણીમાં વરસાદને લીધે તૂફાન આવ્યું હતું. નદીના પાણી પુરજોશ સાથે ઘુઘવાટ કરતા વહી રહ્યા હતાં.

નદીમાં કૂદકો લગાવેલ પ્રલય પાણીના વહેણમાં આગળ તણાતો જતો હતો. નદીમાં કૂદકો મારતાં પહેલાં જ પ્રલયે ઊંડો શ્વાસ લઇને રોકી રાખ્યો હતો. તે દરરોજ યોગા કરતો હોવાથી પાણીની અંદર શ્વાસ રોકીને પાંચ મિનિટ જ રહી શકતો હતો.

પ્રલય પાણીના ધસમસતા વેગમાં અથડાતો-કુટાતો આગળ જઇ રહ્યો હતો. તેણે પોતાનું શરીર એકદમ ઢીલું છોડી મૂક્યું હતું, પણ પાણીના વેગને લીધે પાણીની સપાટી પર આવવાની તેની કોશિશ નિષ્ફળ જતી હતી. ધસમસતા પ્રવાહમાં કેટલોય દૂર નીકળી ગયો હતો. તે પાણીની ઉપર આવવાની કોશિશ કરતો કે પાણીના પ્રવાહ તેને નીચે તરફ ધકેલી રહ્યો હતો. પાંચ મિનિટને બદલે છ મિનિટનો સમય થઇ ગયો હતો, તેના ફેફસાં ઓક્સિજન માટે વલોવાંતા હતા.

મનને મક્કમ કરી શરીરના પૂરા બળ સાથે તેણે સપાટી પર આવવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યો. હવે વધુ વખત શ્વાસ રોકવો તેના માટે મુશ્કેલ હતો.

અચાનક તેના રસ્તા વચ્ચે એક મોટી શિલા આવી ચડી, પ્રલયે બળપૂર્વક શિલાને બંને હાથેથી પકડી લીધી. ધસમસતો પાણીનો પ્રવાહ તેના શરીરને આગળ ખેંચતો હતો. પ્રલયે શરીરના પૂરા બળ સાથે ઊપર આવવાની કોશિશ કરતા પોતના શરીરને જોરદાર આંચકો આવ્યો. આ વખતે તે સફળ થયો તેનું કમર સુધીનું શરીર બહાર આવ્યું, ‘ઓઉ... ફ...’ પ્રલયે જોરદાર શ્વાસ લીધો, તેના ઓક્સિજન વગર વલોવાતા ફેફસાને ઓક્સિજન મળતાં તે ધમણની જેમ ચાલતાં હતા.

આ તરફ પ્રલયને પાણીની અંદર સમાઇ જતો જોઇ કદમના મોંમાંથી જોરદાર ચીસ નીકળી ગઇ.

‘પ્રલય... પ્રલય...’ તે જોરથી ચિલ્લાયો અને ત્યારબાદ નદીની અંદર કૂદી જવા માટે દોટ લગાવી.

‘કદમ...’ ચીસ પાડતાં રસીદએ તેને બાથ ભરીને પકડી લીધો, ‘કદમ... પાણીનો વેગ ઘણો છે. અંદર જવાથી તું પણ તણાઇ જઇશ.’ તે જોરથી ચિલ્લાયો.

‘છોડ... મને છોડી દો... પ્રલયને બચાવવા મારી જાન ચાલી જાય તોય તેની મને પરવા નથી.’ લગભગ રસીદને ધક્કો મારતા તે બોલ્યો.

‘નહીં કદમ... એના કરતાં આપણે પાણીના વહેણ તરફ આગળ વધીએ. જેવો પ્રલય દેખાશે કે આપણે રાંઢવો નાખી તેને બચાવી લેશું.’ કમર પર બાંધેલ રાંઢવાના ફિંડલાને છોડતાં રસીદ બોલ્યો.

‘ચાલ...જલદી...’ કદમને તેની વાત વાજબી લાગતાં તે વહેણ તરફ નદીના કિનારે કિનારે દોટ લગાવી, રસીદ પણ તેની પાછળ દોડ્યો. બંને રેસમાં ભાગ લીધો હોય તેમ ઝડપથી દોડતા હતા.

અચાનક કદમની નજર શિલા પકડી બહાર નીકળતા પ્રલયને તેણે જોયો.

‘પ્રલય...’ કદમના મોંમાંથી ચીસ સરી પડી, રસીદએ તે તરફ જોયું.

‘અરે પ્રલય... ! કદમ પ્રલય શિલાને પકડી બહાર નીકળવાની કોશિશ કરે છે. જલદી તેને મદદ કરવી જોઇએ.’ કહેતા કમર પર બાંધેલ રાંઢવાનો તે છોડવા લાગ્યો.

કદમે રાંઢવાનું ગોળ ફિંડલું બનાવ્યું પછી પુરી તાકાત સાથે તે શિલા તરફ ‘ઘા’ કર્યું. તેનો એક છેડો રસીદએ પકડ્યો હતો. રાંઢવાનું ફિંડલું ગોળ ગોળ ખૂલતું તે શિલાથી થોડા જ દૂર જઇને પડ્યું.

રસીદએ ઝડપથી રાંઢવાને તેના તરફ ખેંચી લીધું.

કદમે ફરીથી રાંઢવાનું ગોળ ફિંડલું બનાવ્યું અને કિનારાથી દૂર જઇ પછી દોટ લગાવી. કિનારા પાસે આવતાં જ તેણે જમ્પ મારી ફિંડલાને શિલા તરફ ઘા કર્યો.

તેનો પ્રયત્ન સફળ થયો. રાંઢવાનો એક છેડો પ્રલયની નજદીક જઇને પડ્યો.

પ્રલયે એક હાથે મજબૂતાઇ સાથે શિલાને પકડી અને બીજા હાથને લંબાવી રાંઢવાને પકડી લીધો અને પછી બળપૂર્વક તે શિલા પર ચડી ગયો.

‘પ્રલય... તું બરાબર છો ને... ?’ ચીસભર્યા અવાજે કદમ બોલ્યો. પાણીના ઘુઘવાટમાં તેનો ચીસભર્યો અવાજ સમાઇ ગયો, પણ તેના હાવભાવથી પ્રલય સમજી ગયો. પ્રલયે સ્મિત ફરકાવતાં હાથ હલાવ્યો.

‘કદમ... તું રાંઢવાનો એક ઝાડ સાથે બાંધી નાખ... પુલ ટુટી ગયો છે. આપણે સામે પાર જવાનું છે. હું પહેલાં સામે કિનારે જવાની કોશિશ કરું છું, પછી તમે આવી જજો.’ ચીસભર્યા અવાજે પ્રલય ચિલ્લાયો. તેનો અવાજ ઊંડાઇ પરથી આવતો હોય તેવો હતો, પણ કદમ સમજી ગયો. તેણે રસીદને જલદી રાંઢવાના એ તરફના છોડને વૃક્ષના થડ સાથે બાંધી નાખવાનું કહ્યુ, રસીદએ ઝડપથી રાંઢવાના છેડાને એક વૃક્ષના થડ સાથે બાંધી દીધો.

પ્રલયે પોતા તરફના રાંઢવાના છેડાને કમર પર બાંધ્યો પછી રાંઢવાને ખેંચીને તપાસ્યો, રાંઢવું વૃક્ષના થડ સાથે એકદમ સખ્તાઇથી બંધાઇ ગયું હતું. ત્યારબાદ પ્રલય નદીના ધસમસતા પ્રવાહમાં ઊતરી સામે કિનારે જવાની કોશિશ કરવા લાગ્યો.

થોડા પ્રયત્ન બાદ તે કિનારે પહોંચી ગયો.

ત્યારબાદ તેણે રાંઢવાનો છેડાને કમરમાંથી ખોલી એક વૃક્ષના થડ સાથે એકદમ કસીને બાંધી દીધો.

હવે રાંઢવાના બંને છેડા નદીની ઉપરથી પસાર થઇ બંને કિનારેના વૃક્ષના થડ પર બંધાયેલા હતા.

‘આવી જાવ...’ પ્રલયે કદમ અને રસીદને ઇશારો કરી સંકેત આપ્યો.

કદમ અને રસીદએ બારુદના થેલાને કમર સાથે કસકસાવીને બાંધી નાખ્યા પછી એ.કે. 47 ને ગળામાં પરોવી ત્યારબાદ બંને રાંઢવાને પકડીને નદીની ઉપરથી પસાર થઇ સામે પાર જવા આગળ વધ્યા.

પાણીનું વહેણ તેમને ખેંચી જવા મથી રહ્યુ હતું.

કદમ અને રસીદ રાંઢવાને બને હાથેથી મજબૂત રીતે પકડીને લટકતા લટકતા આગળ વધી રહ્યા હતાં.

થોડીવારમાં જ તેમના હાથ દુ:ખવા લાગ્યા. ધસમસતા પાણીના વહેણને લીધે તેઓનાં શરીર ત્રાસાં થઇ જતાં હતા.

લગભગ અડધે પહોંચ્યા પછી બંનેની હાલત કફોડી થઇ. મધ્ય ભાગમાં પાણીનું વહેણ એકદમ જોશભર્યું હતું. તેઓના હાથ એકદમ દુખતા હતા. હાથમાં છાલાં પડવા માંડ્યાં હતાં, હાથ એકદમ ઝકડાઇ ગયા હતા, પણ બંનેનો આત્મવિશ્વાસ એકદમ મક્કમ હતો.

ખૂબ જ પ્રયત્ન અને અગાધ મહેનત પછી બંને સામે પાર પહોંચી ગયા. પ્રલયે તેઓને કિનારા પર ખેંચી લીધા. થોડીવાર તો બંને ધરતી પર સૂઇ ગયા અને હાંફવા લાગ્યા.

પ્રલયે થેલામાંથી ટાઇમ બોમ્બ, ટાઇમર, નાની બેટરી વગેરે બહાર કાઢી તેના તાર જોડવા લાગ્યો.

થોડીવારમાં જ કદમ અને રસીદ સ્વસ્થ થઇ ગયાં.

ત્યારબાદ ત્રણે આગળ વધ્યા.

થોડા આગળ વધતાં જ તેઓ ગોળાકાર જેવા બંનેલા ચાર મકાનો પાસે પહોંચ્યા.

અંધારી મેઘલી રાતના ચારે તરફ ઘોર સન્નાટો છવાયેલો હતો. તમરાંઓ અને દેડકાંના તીવ્ર અવાજ સિવાય નિરંતર શાંતિ ફેલાયેલી હતી. વરસાદ એકદમ ધીમો પડી ગયો હતો.

ગાઢ અંધકારમાં ધીરે ધીરે તેઓ આગળ વધવા લાગ્યા.

પહેલા જ ગોદામ પાસે એક સિપાઇ છજ્જાની નીચે લાકડાની ખુરશી પર બેઠાં બેઠાં ઘોરતો હતો. તેની બાજુમાં જ તેની રાયફલ પડી હતી.

પ્રલય અને રસીદને ત્યાં જ થોભવાનો ઇશારો કરી કદમ એકદમ ધીમે ધીમે અવાજ ન થાય. તેનો ખ્યાલ રાખતો તેના તરફ આગળ વધવા લાગ્યો.

થોડીવારમાં જ કદમ તે સિપાઇની એકદમ નજદીક પહોંચી ગયો અને ત્યારબાદ તેણે સિપાઇને ઊંઘતો જ દબાવી દીધો. કદમનો એક હાથ તેના મોં અને નાક પર ભીડાઇ ગયો અને બીજા હાથના બાવડાની તાકાત વડે તે સિપાઇની ગરદન દબાવવા લાગ્યો.

સિપાઇ ઝબકીને એકાએક જાગી ગયો, પણ મોડું થઇ ગયું હતું. તેની સાથે શું થઇ રહ્યું છે, તે તેને ખબર પડતી ન હતી, ફક્તો કોઇ તેનો શ્વાસ રૂંધાવીને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તેટલો જ તેને ખ્યાલ આવતો હતો.

સિપાઇએ બંને હાથ બળપૂર્વક કદમના હાથોને તેના નાક-મોં અને ગરદન પરથી હટાવી નાખવાની કોશિશ કરી, કદમના હાથ પર નહોર વડે કેટલાય કાપા તેમણે ભર્યા, પણ કદમના બંને હાથ અજગરના ભરડાની જેમ ભીંસાયેલા હતા, ધીરે ધીરે તે સિપાઇનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેના શરીરમાં એકદમ ખેંચ ઊપડી પછી તેનું શરીર ધીરે ધીરે સ્થિર થતું ગયું, ત્યારબાદ કદમના હાથ પર તેનું શરીર લટકતું હતું. કદમે ધીરેથી તેને ત્યાં પડેલ લાકડાની ખુરશી પર બેસાડી દીધો.

તે સિપાઇ બેઠો હતો ત્યાં પડેલા ગોદામનો દરવાજો હતો. ગોદામના દરવાજા પર મોટું તાળું લટકતુ હતું. કદમે ખિસ્સામાંથી એક પીન બહાર કાઢી અને પછી બે-ત્રણ મિનિટમાં જ તાળું ખૂલી ગયું. જરાય અવાજ ન થાય, તેનો ખ્યાલ રાખી કદમે ગોદામનો દરવાજો અડધો ખોલ્યો, ત્યારબાદ પ્રલય અને રસીદને ઇશારો કર્યો. ત્રણે ચૂપાચૂપ ગોદામની અંદર ઘૂસી ગયા.

અવાવરુ જેવા તે ગોદામમાં પક્ષીઓની ભઠ્ઠો તથા ભેજની દુર્ગંધ આવતી હતી. ઘણા સમયથી તે ગોદામ ખૂલ્યો ન હોય તેવું જણાતું હતું. પ્રલયે ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને તેની ટોર્ચ સળગાવી આછા પ્રકાશમાં તેમણે જોયું તો ચારે તરફ શસ્ત્રનો ભંડાર ભરેલો હતો. રાયફલો, બારુદ, દારૂગોળા, વિસ્ફોટક શસ્ત્રો ચારે તરફ પડ્યા હતા.

કદમ ઝડપથી કામે લાગી ગયો. થેલામાંથી ટાઇમ બોમ્બ બહાર કાઢી, તેના તાર ટાઇમર સાથે જોઇંટ કરી અડધા કલાકનો ટાઇમ સેટ કરી, ગોદામની વચ્ચોવચ્ચ મૂકી ઝડપથી તેઓ બહાર નીકળી ગયા.

ત્યારબાદ તેઓ બીજા ગોદામ તરફ આગળ વધ્યા.

ગોદામની બહારના ભાગમાં બે સિપાઇ બેઠ હતા.

‘તને ધમાકાનો અવાજ સંભળાયો...?’ એકે બીજાને પૂછ્યું.

‘હા, જોરદાર ધમાકો થયો પણ સમજ નથી પડતી કે ધમાકો શેનો થયો અને ક્યાં થયો.’ બીજો બોલ્યો.

બંનેને વાતો કરતા જોઇ પ્રલય, કદમ અને રસીદ ગોદામની એક તરફ દિવાલ સરસા ઊભા રહી ગયા અને તેની વાતો સાંભળવા લાગ્યા.

‘જે હોય પણ અહીં બધું સુરક્ષિત છે.’ પેલો સિપાઇ બોલ્યો.

‘તો પણ આપણે તપાસ કરવી જોઇએ.’ ખિસ્સામાંથી બીડી કાઢી મોંમાં મૂકી સળગાવતાં તે બોલ્યો.

‘ઠીક છે તું ચક્કર લગાવી આવ. હું અહીં બેઠો છું.’

‘હા... એવું કંઇક કરવું જોઇએ, તું બેસ, હું જરા ચક્કર લગાવી આવું.’ બીડીનો ઊંડો દમ મારતાં પેલો સિપાઇ બોલ્યો. પછી ખુરશી પરથી ઊભા થઇ આગળ વધ્યો.

‘તમે બંને આ બેઠેલા સિપાઇઓના સંભાળી લેજો, પેલાનું હું કામ તમામ કરી હમણાં જ આવી જાઉં છું.’ કહેતાં પ્રલય ગોદામના પાછળના ભાગ તરફ સરક્યો.

પેલો સિપાઇ ગોદામનો એક મોટો રાઉન્ડ લઇ આગળ વધ્યો.

પ્રલય ચૂપચાપ તેની પાછળ જવા લાગ્યો. સિપાઇના હાથમાં ચાર સેલની ટોર્ચ હતી, તે પ્રકાશ નાખતો જોતા જોતા પુલ તરફ આગળ વધવા લાગ્યો.

એકાએક તેના ખભા પર કોઇનો હાથ પડ્યો.

આશ્ચર્ય અને ઝડપથી તે એકદમ ઊછળી પડ્યો અને પાછળ ડોક ઘુમાવી જોવા લાગ્યો.

તે જ વખતે પ્રલયે તેની ગરદન પર જોરથી હાથનાં પંજાની કિક મારી અને તે સિપાઇ ચીસ પાડ્યા વગર પ્રલયના હાથમાં ઝૂલી પડ્યો. પ્રલયે તેના દેહને ઢસરડીને ગોદામની પાછળ લઇ ગયો.

ત્યારબાદ પ્રલયે ભૈરવપક્ષી બોલે તેવી કિલકિલાટીનો અવાજ કાઢ્યો.

કદમ સમજી ગયો કે પ્રલયે એક સિપાહીનું કામ તમામ કરી નાખ્યું છે.

તુરંત કદમે રસીદને ગોદામને એક તરફ જવાનું કહી તે બીજી તરફ ગયો. જ્યાં બીજો સિપાઇ બેઠો હતો. ગોદામની દીવાસ સરસા ઊભા રહી કદમે ધીમેકથી આગળ નજર ફેરવી તે સિપાઇ બીજો સિપાઇ ગયો હતો તે તરફ નજર ઘુમાવીને જોતો હતો.

કદમે ચૂપાચૂપ એક મોટો પથ્થર ઉઠાવ્યો અને પછી ત્યાં બેઠેલા સિપાઇની ખુરશી તરફ ‘ઘા’ કર્યો.

‘ધડામ’ કરતાં પથ્થર ખુરશી સાથે અથડાયો.

તે સિપાહી એકદમ ચમકીને ઊભો થઈ ગયો.

‘કોણ છે... ?’ ભારી અવાજે તે બોલ્યો અને પોતાની રાયફલો હાથમાં લઈ પાછળની તરફ જવા ઊભો થયો.

પથ્થર મારી કદમ ઝડપથી દોડ્યો અને ગોદામને ફરતે ચક્ક લગાવી ગાદી પાસે આવ્યો, ‘ચાલ જલદી...’ કહેતા રસીદનો હાથ પકડી ગોદામના આગળની તરફ આવ્યો.

હવે પોઝિશન એ હતી કે સિપાઈ રાયફલ તાણી ગોદામના પાછળના ભાગમાં ધીમા પગલે આગળ વધતો હતો અને કદમ તથા રસીદ એકદમ અવાજ ન થાય તેનું ધ્યાન રાખી ચૂપાચૂપ તેમની પાછળ આવતા હતાં.

સિપાઈ તેની પાછળ આવતા કદમ અને રસીદથી બે ખ્યાલ હતો તે ચુપાચુપ રાયફલને મજબૂતાઈથી પકડી આગળ વધતો હતો.

અને પછી એકાએક કદમે તેના પાછળ જમ્પ લગાવી.

કદમની લાતનો પ્રહાર એકદમ ઘણના કટકાની જેમ તે સિપાઈની પીઠમાં ઝીંકાયો. સિપાઈ આગળની તરફ ઊથલી પડ્યો. તેના હાથમાંથી રાયફલ છટકી ગઈ.

તે ઊભો થાય કે કાંઈ કરે તે પહેલાં જ રસીદ જમ્પ લગાવીને તેના પર કૂદ્યો. રસીદની ગોઠણનો ભાગ પૂરી તાકાત સાથે તે સિપાઈની ગરદમ પર પડ્યો. સિપાઈની ગરદન ‘કટ’ના અવાજ સાથે તૂટી ગઈ. તે તરફડવા લાગ્યો અને પછી બે મિનિટમાં શાંત થઈ ગયો. તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

તે જ વખતે પ્રલય ત્યાં આવી પહોંચ્યો.

ચાલો આપણે કોદામનો જઈએ, આપણી પાસે સમય ઓછો છે. કહેતાં તે ગોદામના શટર તરફ આગળ વધ્યો.

પ્રલયે જરાય અવાજ ન થાય તેનો ખ્યાલ રાખી શટર ખોલ્યું.

ત્રણે અંદર ઘૂસી ગયા. પછી પ્રલયે શટર બંધ કરી નાખ્યું, ત્યારબાદ મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢી ટોર્ચ સળગાવી.

ગોદામમાં આછો ઉજાસ ફેલાયો.

***