Khel - 11 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | ખેલ : પ્રકરણ-11

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ખેલ : પ્રકરણ-11

રજની ઘડીક બે ડગલા આગળ અને ઘડીક બે ડગલા પાછળ ખસ્યો. તેને સમજાયું નહિ કે માત્ર એક બે મિનીટમાં કોઈ પૈસાના બંડલ ભરેલી ગાડી કઈ રીતે તફડાવી શકે. ધુવા પુવા થયેલો રજની દેસાઈ ગન હાથમાં લઈને શ્રીના ઘર તરફ ફર્યો. આ છોકરીના ચક્કરમાં બધું થયું છે, બલભદ્ર નાયક મને છોડશે નહિ. હું ક્યાં એના ચક્કરમાં પડ્યો? પોતાની જાત ઉપર ખિજાતો રજની ભયાનક રીતે દાંત પીસતો મોટા ડગલાં ભરતો ગાળો દેતો શ્રીના દરવાજે પહોંચ્યો.

અંદર જતા જ ગન તાકીને એને ગાળો ભાંડવાનું મન થયેલું પણ દરવાજામાં દાખલ થયો ત્યાં શ્રી દરવાજા જોડે પડી હતી. રજનીને જોતા જ એ બોલી ઉઠી, "શુ થયું રજની?"

"તારા લીધે બધું થયું સાલી તને હું છોડીશ નહિ (ગાળ)...." બરાડતો રજની ગન ધરીને એની પાસે બેઠો.

આ રજની હમણાં તો થોડીવાર પહેલા મારા પગ ઉપર રૂમાલ બંધતો હતો ત્યારે કેટલો નિર્દોષ અને ભલો દેખાતો હતો? એટલીવારમાં આનું રૂપ કેટલું બદલાઈ ગયું? જે હાથમાં રૂમાલ હતો એમાં ગન? તો શું એ પ્રેમ ખાલી મારા રૂપ કે શરીર માટે જ હતો? મેં એના ઉપર દયા કરી? અર્જુન એટલે જ દુનિયાને નફરત કરે છે. અર્જુન સાચો હતો એ બધા માણસો પ્રેમને નહિ નફરતને લાયક છે. તેના ચહેરા ઉપર નફરતની રેખાઓ તરી આવી. તેણીએ દુપટ્ટો સરખો કર્યો.

"આ બધું તે તો નથી કર્યું ને શ્રી?" એકાએક રજનીના મનમાં શંકા ઉપજી.

"પણ આ બધું એટલે શું? શાની વાત કરે છે તું રજની?" રજનીનો અસલી ચહેરો જોઈને શ્રી પણ અભિનય શીખી ગઈ.

"તારો મોબાઈલ....." કહી રજની ઉભો થયો ચાર્જ કરવા મુકેલો મોબાઈલ લઈ લીધો. સ્વીચ ઓન કરીને ડાયલ્ડ નંબર જોયા, કોઈ ફોન આવેલો કે ગયેલો નહોતો. સાંજે છ વાગ્યા પછી કોઈ ફોન આવેલો નહોતો એ જોઈ રજનીને થોડો વિશ્વાસ બેઠો.

શ્રીને હવે અર્જુનના અનુભવ ઉપર ગર્વ થવા લાગ્યો. અર્જુને એને પહેલેથી જ કહ્યું હતું કે આ બધું થશે. રજની તારો મોબાઈલ ચેક કરશે. આખરે નવલકથાઓ વાંચવાનો શુ મોટો ફાયદો હતો એ શ્રીને સમજાયું.

"રજની હવે તો બોલ શુ થયું છે? ગાડી કોઈ લઈ ગયું એમાં તું આટલો ગભરાયો કેમ છે?"

"ગાડી કોઈ લઈ ગયું એની ચિંતા નથી મને...." ધુવપૂવા રજની ગન પાછી જીન્સમાં ખોસી ચેરમાં પટકાયો.

"ગાડીમાં તો જી.પી.એસ. છે ક્યાંક નહીં જાય પણ...."

"પણ શું?"

"એમાં કરોડો રૂપિયા હતા કાગળની નોટમાં તો જી.પી.એસ. ન હોય ને?"

"કરોડો રૂપિયા? આ તું શું બોલે છે રજની? કોના રૂપિયા? એટલા રૂપિયા તું ક્યાંથી લાવ્યો? અને..... અને તું આમ ગાડીમાં પૈસા લઈને કેમ નીકળ્યો? ક્યાં જતો હતો?" શ્રી જાણે કઈ જાણતી જ ન હોય તેવા આશ્ચર્યના ભાવ સાથે બોલી.

"સાલી એક તો તારા લીધે બધું થયું અને ઉપરથી જાસૂસની જેમ મને સવાલ કરે છે?" ફરી એણે દાંત ભીંસયા, મુઠ્ઠીઓ સખત વાળી અને ખુરસીના હાથા ઉપર પટકી. જૂની ખુરશીનો હાથો કટ... કટ... કટ... અવાજ સાથે તૂટ્યો.

શ્રીને થયું જો અર્જુન પકડાઈ ગયો હોત તો આવી જ રીતે એના હાડકા ભાગી નાખત. રજનીએ કઈ જવાબ આપ્યો નહિ પણ શ્રીને એના જવાબની જોઈ જરૂર પણ નહોતી એ બધું જાણતી હતી કે શું થયું છે? કઈ રીતે થયું છે? શ્રીએ હાથનો ટેકો આપી ઉભા થવાનો પ્રયત્ન કર્યો, ઉભા થઇ ફરી દુપટ્ટો સરખો કર્યો, અને બીજી ચેરમાં ગોઠવાઈ. આ એ જ દુપટ્ટો નહોતો જે શ્રીએ ગાડીમાં પહેર્યો હતો. એ દુપટ્ટો તો ગાડીના બારણામાં જ હતો, શ્રીએ નીચે ઉતરતી વખતે એ દુપટ્ટો બારણામાં મૂકી દીધો હતો જેથી દરવાજો લોક ન થાય અને અર્જુન એ દરવાજો ખોલી શકે. જ્યારે રજની ગાડીનો અવાજ સાંભળી બહાર ગયો ત્યારે શ્રીએ એવો જ બીજો દુપટ્ટો ગળે વીંટાળી દીધો હતો. અભણ રજનીએ ગાડીની બોલતી સીસ્ટમ બંધ કરાવેલી હતી. જો સીસ્ટમ ઓન હોત તો ડોર બંધ નથી થયો તેવી સુચના માળોત.

અર્જુને એક જેવા બે દુપટ્ટા લાવ્યા હતા, એક દુપટ્ટો એક્ટિવાની ડીકીમાં એ લઈ ગઈ હતી અને બીજો ઘરે જ રાખ્યો હતો. જેથી રજનીને જરાય એમ ન લાગે કે શ્રીએ આ બધું કર્યું છે. જોકે રજની શ્રીના ચહેરા ઉપર વધારે ધ્યાન ન આપે તો એને ખ્યાલ આવોત કે ગાડીથી ઘર સુધી જતા શ્રીના ગળામાં દુપટ્ટો નહોતો તો આ દુપટ્ટો ક્યાંથી આવ્યો? પણ રજની કોઈ જાસૂસ નહોતો કે એને એટલી નાની બાબત ધ્યાનમાં આવે.

આ બધા પ્લાન અર્જુનના હતા. અર્જુન આવી નાની નાની બાબતો નવલકથાઓમાંથી શીખ્યો હતો. જીવનના કડવા અનુભવોમાંથી શીખ્યો હતો.

રજની ઉભો થઇ દરવાજે પહોંચ્યો ત્યાં એનો ફોન રણક્યો. ફરી એના ચહેરા ઉપર ગુસ્સો ફરી વળ્યો, કટાણે કોણ હરામી ફોન કરે છે..... એ બબડયો..... ફોન નીકાળી જોયું તો બલભદ્રનો જ ફોન હતો.

તે ગભરાઈ ગયો, હવે શું કહેવું? કેમ ફોન કર્યો હશે? છતાં ફોન રિસીવ ન કરે તોય ચાલે એમ નહોતું.

"જી માલીક...." અટકતા અટકતા એ બોલ્યો...

"કોઈ રેડ નથી પડી, કોઈએ ખોટો મેસેજ આપ્યો હતો, ઘરે આવી જા....." સામેથી રીસીવર મુકવાનો અવાજ સંભળાયો અને તેના પગમાં ધ્રુજારી ઉપડી.

રેડ નથી પડી? રજનીની આંખો ફાટી ગઈ. રેડ નથી પડી તો આખે આખું કાવતરું હતું? તેના પગમાં ભયાનક સંવેદન થયું તે ધ્રુજવા લાગ્યો. તો આ બધું કોઈનું કાવતરું હતું એ બધું રજનીને સમજમાં આવ્યું પણ કોનું હતું એ એને સમજાયું નહીં કેમ કે હવે તો બધો દોષનો ટોપલો પોતાના ઉપર જ આવવાનો હતો. હવે બલભદ્ર સામે કઈ રીતે જવું? શુ કહેવું? એ સવાલ મહત્વનો હતો. દરવાજાને લાત ઠોકી એ બહાર નીકળી ગયો.

*

રજની ગયા પછી શ્રી ઉભી થઇ. પગમાં દુઃખાવો હતો પણ એટલો બધો નહિ. પેલી ઠોકર ખાઈને લથડવું પણ એનો પ્લાન જ હતો, એ બધું કઈ રજનીને સમજમાં ન આવ્યું પણ શ્રીને ય હજુ ખબર નહોતી કે આગળ શું થવાનું છે?

તેને પાણી પીવા જેટલી કે ખુરશીમાં બેસવા જેટલી પણ કળ ન વળી. તે ભીતને ટેકે નીચે જ બેસી ગઈ. રજનીના હાથમાં ગન અને એના ચહેરા ઉપર હિંસક પ્રાણી જેવો ક્રોધ... તો બલભદ્ર કેવો હશે? તેની પાસે કેવા હથિયાર હશે? જો અર્જુન પકડાઈ ગયો તો શું થશે? એ ધ્રુજી ઉઠી.

*

બીજા દિવસે સવારે એલાર્મ રણકયું.. ઝબકીને શ્રી જાગી ગઈ. ગઈ કાલના થાકને લીધે એલાર્મ ત્રીજી વખત વાગ્યું ત્યાં સુધી એ જાગી નહોતી.

બેડ પરથી નીચે પગ મૂક્યો, ઉભા થઇ ચાલવા ગઈ ત્યાં પગ ઉપર સોજો આવી ગયો હતો. નહાવાનો વિચાર મૂકી દીધો, ઘા ઉપર પાણી અડતા જ પાકી જાય. તે હાથ મો ધોઈ કપડાં બદલી તૈયાર થઈ. ચા બનાવી પી લીધી અને ઓફિસે જવા નીકળી પડી. ગળી બહાર જતા એને તકલીફ પડી. રોડ ઉપર જઇ ટેક્સી રોકી, ધીમેથી એડ્રેસ સંભળાવી બેસી ગઈ.

પહેલીવાર પોતે ટેક્સીમાં ઓફીસ પહોંચી હતી. ડ્રાઇવરને ભાડું ચૂકવી એ ઓફીમાં ગઈ. આખીયે ઓફિસમાં સન્નાટો હતો. ‘કશુંક અજુગતું જરૂર બન્યું છે’નો અણસાર શ્રીને આવી ગયો હતો. પણ કઈ જ નથી બન્યું એમ હસતા ચહેરે શ્રી પોતાની બેઠક તરફ જવા લાગી. ભૂખ્યા વરુ જેવા રજનીનો સામનો કરી લીધા પછી તેનામાં ખાસ્સી હિમત આવી હતી.

અંદરની ચેમ્બર તરફ નજર કરી. દરવાજો ખુલ્લો હતો એટલે રાજીવ દીક્ષિત આવી ગયા હશે એ અંદાજ આવી ગયો પણ રાજીવ દીક્ષિત પોતાની ચેરમાં દેખાયા નહિ એનો અર્થ એ હતો કે સર આવીને પાછા ક્યાંક ગયા હોવા જોઈએ.

તે હજુ રાજીવ દિક્ષિતની ચેમ્બરમાં જોઇને કઈક વિચારતી હતી ત્યાં પૂજા અને કાવ્યા તેની પાસે આવ્યા.

"શુ થયું શ્રી?" પૂજા અને કાવ્યાએ એકસાથે સવાલ કર્યો.

બંનેના સવાલથી શ્રીને સમજાઈ ગયું કે પોતાના લંગડાતા પગ વિશે બંને પૂછી રહ્યા છે.

શ્રીએ જે થયું એ બંનેને કહી સંભળાવ્યું, એક્ટિવાની કીક અને પગ વિશે કહ્યું પણ પોતે ક્યાં ગઈ હતી, કેમ ગઈ હતી, રજની એને મુકવા આવ્યો એ બધું વણ કહ્યું રાખ્યું. પછી ઉમેર્યું, "હું સરની રજા લેવા આવી હતી, પણ સર જ નથી."

"કેમ રજા?" વિક્રમે પૂછ્યું ત્યારે પૂજાએ જ જવાબ આપી દીધો.

"હોસ્પિટલ જઇ કઈક મલમપટ્ટી કરીને આરામ કરશે બીજું શું....."

"હમમ." શ્રીએ પૂજા તરફ જોઈ આભાર કહેતી એક સ્માઈલ આપી વિક્રમ સામે જોયું, "સર આવે એટલે આ બધું કહેજે તું." એટલું કહી તે ઉભી થઇ અને દરવાજા તરફ ગઈ ત્યાં ચોંકાવનારા શબ્દો પીઠ ઉપર અથડાયા.

"સર આજે નહિ આવે....."

"કેમ?" નવાઈથી એણીએ પ્રશ્ન કર્યો.

"શ્રી તને ખબર નથી?" વિક્રમને પણ એવી જ નવાઈ થઈ.

"ના શાની વાત કરે છે તું?"

"વાત લાંબી છે પણ ટૂંકમાં કહું તો રજની પૈસા લઈને ભાગી ગયો છે."

વિક્રમનું એ વાક્ય હવે ખરેખર શ્રી માટે ચોંકાવનારું હતું કારણ પોતે જાણતી હતી કે રજની પૈસા લઈને ક્યાંય નથી ગયો. છતાં કઈ ભૂલમાં બોલાઈ ન જાય એની પુરી સાવધાની વર્તી શ્રી બે કદમ આગળ વધી ખુરશીમાં બેઠી.

"રજની બલભદ્ર નાયકનો ડ્રાઇવર?" શ્રીએ પૂછ્યું.

"હા એ જ બલભદ્ર નાયકનો ડ્રાઇવર...."

"પણ એ કોના પૈસા લઈ ગયો? રાજીવ દીક્ષિતના? ક્યારે?" પોતે કઈ જાણતી ન હોય એમ બોલી.

"ના શ્રી, બલભદ્ર નાયકને કોઈએ ફોન ઉપર જાણ કરી કે આજે તમારે ત્યાં રેડ પડવાની છે એટલે બધા બ્લેકમની પોતાની ગાડીમાં ભરીને નાયકે રજનીને શહેરમાં ચક્કર મારવા મોકલી દીધો." અટકીને પછી વિક્રમે થોડું આગળ નમી ધીમેથી ઉમેર્યું, "એ ગાડી અને પૈસા સાથે રજની દેસાઈ નાસી ગયો છે."

અર્ધું સત્ય એ જાણતી હતી એટલે એના માટે ચોંકાવનારું નહોતું પણ રજની દેસાઈ જ એ પૈસા લઈને નાસી ગયો છે એ વાક્ય સાંભળી શ્રીને નવાઈ લાગી. એની આંખો પહોળી થઇ ગઇ કેમ કે રજની દેસાઈ પોતાની સાથે હતો અને પૈસા ઉઠાવી જનાર કોઈ બીજી જ વ્યક્તિ હતી એ શ્રી જાણતી હતી... પૈસા ભરેલી ગાડી તો અર્જુન ઉઠાવી ગયો હતો. તો પછી આ રજની કેમ ગાયબ થયો? એ સવાલ શ્રીના મનમાં ગુંજી ઉઠ્યો. શુ કોઈએ એની હત્યા કરી? કે પછી અર્જુને જ એને મારી નાખ્યો? શુ અર્જુન કોઈની હત્યાનું કામ કરી શકે? શ્રી અંદરથી ધ્રુજી ઉઠી. એક પછી એક સવાલો તેના મનમાં ઉઠવા લાગ્યા. એક તરફ અર્જુન ક્યા હશે તેની પણ ખબર ન હતી અને એક તરફ અહી સવાલો થવા લાગ્યા.

"આ બધું ક્યારે થયું વિક્રમ?" તરત જ સ્વસ્થ થઈ શ્રીએ પૂછ્યું.

"કાલે રાત્રે....."

"પણ એમાં સરને શુ લેવાદેવા? સર કેમ હાજર નથી?" ક્યારનોય મનમાં ઉઠતો સવાલ શ્રીએ છેવટે પૂછી લીધો.

"એ તો કોઈનેય ખબર નથી શ્રી." પૂજાએ કહ્યું.

કાવ્યા, પૂજા, વિક્રમ બધા વિચાર મગ્ન હતા. બધા માટે આ ન્યુઝ ચોકવનારા હતા.

"સારું, સર આવે એટલે શું થયું એની મને જાણ કરજો, હું જાઉં છું." તે ઉભી થઈને બહાર નીકળી ગઈ. પણ તેના મનમાં ઉઠતા સવાલોને તે ખાળી ન શકી. રજની દેસાઈ કેમ ગાયબ છે? એ સવાલ ફરી ફરીને તેના મનમાં ઘૂમરી લેવા લાગ્યો. તે એટલી વિચારમગ્ન બની ગઈ કે દુઃખતા પગનું ભાન ભૂલીને ક્યાંક સુધી ચાલતી રહી.

*

હોસ્પિટલથી મલમપટ્ટી કરાવીને નીકળી ત્યારે પગમાં રાહત થઈ પણ મનમાં પેલો સવાલ હજુ યથાવત હતો. રજની ક્યાં ગયો? એ ગાયબ કેમ થયો...?? પોતાના જ ખેલમાં આ નવું મોહરુ ક્યાંથી આવ્યું? રજની ગાયબ કેમ થયો અને રાજીવ દીક્ષિતને આ કેસથી શુ મતલબ એ વાત એ ખેલમાં હતી જ નહીં.

એણીએ કઈક નાસ્તો પેક કરાવ્યો. ઓટો પકડીને તે ઘરે ગઈ. રાત્રે થયેલા અવાજો અને પર પુરુષના આગમનથી આડોશપડોશવાળી એક બે ગૃહિણીએ અંદરો અંદર કઈક ચટરપટર શરુ કરી. એ બધું ના દેખ્યું કરીને તે અંદર ગઈ. તે જાણે સાવ નખાઇ ગઈ હોય તેમ ખુરશીમાં ફસડાઈ પડી. આ બધું થશે તેની તો ખબર હતી જ પણ પોતે અર્જુન વગર એકલી આ બધા વિચારોને ખાળી નહિ શકે તેવી ધારણા કરી ન હતી.

“અર્જુન.....”

“અર્જુન...” તે મનમાં બબડી. તેની આંખો ભીની થઇ આવી. મંગળ અમંગળ વિચારોથી તે અર્જુન માટે એટલી ચિંતિંત થઇ ગઈ કે ફરી વાર તેની હિમત ઓસરી જવા લાગી. અર્જુનની વાતો યાદ કરી તે મન ઉપર કાબુ મેળવવા મથતી રહી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky