Radha rukmani sathe sankdayel krushnu kvontam mikeniks in Gujarati Spiritual Stories by Parakh Bhatt books and stories PDF | રાધા-રૂક્મણિ સાથે સંકળાયેલ કૃષ્ણનું ક્વોન્ટમ મિકેનિક્સ!

Featured Books
Categories
Share

રાધા-રૂક્મણિ સાથે સંકળાયેલ કૃષ્ણનું ક્વોન્ટમ મિકેનિક્સ!

રાધા-રૂક્મણિ સાથે સંકળાયેલ કૃષ્ણનું ક્વોન્ટમ મિકેનિક્સ!

તત્વનાં અણુ-પરમાણુ સાથે જોડાયેલ ક્વોન્ટમ મિકેનિક્સ, આજકાલ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બન્યું છે. જેમ-જેમ પદાર્થની સંરચના બદલાતી જાય તેમ-તેમ તેમાં રહેલા અણુની વર્તણૂકમાં પણ બદલાવ જોવા મળી શકે છે. આપણું વિજ્ઞાન ભૌતિક વસ્તુનાં પ્રત્યેક ગુણધર્મોને ગાણિતીક સૂત્રોની મદદ વડે દર્શાવી શકવા સક્ષમ છે, જેને તકનિકી ભાષામાં ‘વેવ ફંક્શન’નાં નામે ઓળખવામાં આવે છે. ૨૦૧૨ની સાલમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજીનાં બે હોનહાર વૈજ્ઞાનિકો ડેવિડ વાઇનલેન્ડ અને એસ.હારોકીને ક્વોન્ટમ મિકેનિક્સને લગતા પોતાના એક અનોખા સંશોધન માટે નોબેલ પ્રાઈઝ એનાયત થયા.

બંનેએ પોતાની ફિઝિક્સ લેબમાં ક્વોન્ટમ મિકેનિક્સનો એક અદભુત સિધ્ધાંત સાબિત કર્યો. તેમણે પોતાનાં પ્રયોગમાં, એટોમિક પાર્ટીકલ તરીકે ઓળખાતાં ઈલેક્ટ્રોન (ઋણ વીજભાર)ને એકીસાથે બે જગ્યાઓએ વિચરણ કરતો દેખાડ્યો. અગર ઋણ વીજભાર ધરાવતો ઈલેક્ટ્રોન પ્રકાશ જેટલી જ અથવા તો તેનાથી પણ વધુ ગતિથી પ્રવાસ કરે તો તેની હાજરી એકીસાથે બે જગ્યાઓએ નોંધવી શક્ય છે. ધારી લો કે ચોરસ પારદર્શક બંધ પાત્રમાં (પ્રકાશ સમાન ગતિએ) એક ઈલેક્ટ્રોનને તરતો મૂકી દેવામાં આવે તો તેને પાત્રનાં બે વિરૂધ્ધ અંતિમો (ડાબી બાજુ તથા જમણી બાજુ) પર નિહાળવો શક્ય છે. હકીકત એ છે કે બંને જગ્યાઓએ દેખાતો ઈલેક્ટ્રોન ખરેખર માનવીય આંખોનો ભ્રમ છે. કોઈ એક સમય પર ડાબી બાજુએ દેખાતો ઈલેક્ટ્રોન જમણી બાજુ અસ્તિત્વ નથી ધરાવતો અને એ જ રીતે, જમણી બાજુ દ્રશ્યમાન થતો ઈલેક્ટ્રોન ડાબી બાજુ પર નથી હોતો! તેમની ગતિને લીધે તેઓ બંને જગ્યા પર હાજર છે તેવો ભાસ ઉભો થાય છે.

આ પ્રયોગનાં પુરાવા મળતાંની સાથે જ ક્વોન્ટમ ફિઝિક્સની દુનિયામાં નવા સંશોધનો માટેનાં ઘણા દ્વાર ખૂલી ગયા. હવે તમે પૂછશો કે આ આખી વાતને કૃષ્ણ-રાધા અને રૂક્મણિની જિંદગી સાથે શું લેવાદેવા? ઓકે. આ તથ્ય સાથે આપણી પૌરાણિક કથાઓનું અત્યંત ઉંડુ જોડાણ છે! ચૈતન્યકાળમાં લખાયેલ મહાભારત, ભગવદગીતા અથવા અન્ય કોઈ પણ પુરાણોમાં રાધાનો કોઈ ઉલ્લેખ જ નથી. પદ્મપુરાણ અને ગીતાગોવિંદમાં શ્રીકૃષ્ણનાં શૈશવકાળ દરમિયાન રાધા વિશે વાત થયેલી છે. બાદમાં વાર્તામાંથી ગાયબ થઈ જતાં એક પાત્રની માફક ક્યાંય રાધા જોવા મળતી નથી. વિદર્ભ દેશની રાજકુમારી રૂક્મણિ સાથેનાં ગંધર્વ-વિવાહ બાદ કૃષ્ણ-ચરિત્રમાં સતત રૂક્મણિનો જ ઉલ્લેખ છે! આપણા મંદિરોમાં પણ ક્યારેય રાધા અને રૂક્મણિ એકીસાથે જોવા નથી મળતાં. આ આખી વાત પહેલી નજરે જરાય ગળે ઉતરે તેવી નથી.

ત્રેતાયુગમાં લક્ષ્મીજીએ સીતા બનીને ભગવાન રામનો સાથ આપ્યો. પરંતુ દ્વાપર યુગમાં તેમણે બબ્બે અવતારો લીધા હોવાનું માનવામાં આવે છે. રાધા અને રૂક્મણિનાં દેહમાં તેમણે જીવનભર કૃષ્ણનો સાથ નિભાવ્યો. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે! કૃષ્ણ જીવનભર વચન-પાલન માટે કટિબધ્ધ રહ્યા. છતાં વૃંદાવન છોડતી વખતે રાધા પાસે પરત ફરવાનું વચન તેમણે કેમ ન નિભાવ્યું એ અહીં બહુ મોટો પ્રશ્ન છે! આની પાછળ એક ગાથા છે. એવું કહેવાય છે કે રૂક્મણિ દેવીનો જન્મ વિદર્ભ દેશનાં રાજા વિશ્મકને ત્યાં થયેલો. નાનપણમાં જે પુતના નામની રાક્ષસીએ કૃષ્ણને પોતાનાં સ્તનપાન વડે મારી નાંખવાની કોશિશ કરી હતી તે જ પુતનાએ રૂક્મણિને તેમનાં પિતાનાં રાજ્યમાંથી ઉઠાવી આકાશમાર્ગે દૂર લઈ જવા લાગી. લક્ષ્મીજીનો અવતાર હોવાને લીધે રૂક્મણિએ પોતાનાં દૈવત્વનો પરિચય આપવાનું શરૂ કર્યુ. જોતજોતામાં તેમણે પોતાનું વજન એટલું બધું વધારી દીધું કે પુતનાથી આ નાનકડી બાળકીનો ભાર સહન ન થઈ શક્યો અને તેણે બાળકીને પોતાના હાથમાંથી છુટી મૂકી દીધી. રૂક્મણિ સીધા મથુરા રાજ્યનાં બરસાના ગામમાં આવેલા એક તળાવનાં કમળ પર આવીને બિરાજમાન થઈ ગયા. રસ્તો પસાર કરી રહેલા ગોવાળિયા વૃષવણુ અને તેની ધર્મપત્ની ક્રિતીએ બાળકીને તળાવમાં સૂતેલી જોઈ દત્તક લેવાનો નિશ્ચય કર્યો. રૂક્મણિનાં નામથી અજાણ વૃષવણુએ ઘેર જઈ તેમનું નામ રાખ્યું રાધા!

ધીમે-ધીમે મોટી થઈ રહેલી રાધાને સ્વાભાવિક રીતે જ કૃષ્ણ માટે પ્રેમ વધવા લાગ્યો. એક દિવસ બ્રહ્માજીને કૃષ્ણ-લીલા પર શંકા ઉપજી. આથી તેમણે પરીક્ષા લેવાનું નક્કી કર્યુ. ગામનાં તમામ ગોવાળિયાનું અપહરણ કરી તેઓએ કૃષ્ણને મૂંઝવણમાં મૂકી દીધા. અપહરણ થયેલા તમામ ગોવાળિયાઓમાંથી અયાન ઘોષ નામનો એક અજાણ્યો ગોવાળિયો એવો પણ હતો જે કૃષ્ણનો મિત્ર નહોતો. છતાં પણ બ્રહ્માજીએ તેનું અપહરણ કરાવી દીધું. બ્રહ્માનાં ઈરાદાઓ પારખી ગયેલ કૃષ્ણએ તાબડતોબ પોતાના તમામ મિત્રોનો વેશ ધારણ કરી તેમનાં ઘેર રહેવાનું શરૂ કરી દીધું. જેથી ગામમાં કોઈને શંકા ન ઉપજે! આ જ સમયગાળાની અંદર રાધાનાં લગ્ન પણ નક્કી કરી નાંખવામાં આવ્યા. તેમનો મૂરતિયો હતો અયાન ઘોષ! પરંતુ એ સમયે ત્યાં હાજર ન હોવાને લીધે કૃષ્ણે અયાન ઘોષનું રૂપ લઈ રાધા સાથે વિવાહ કર્યા. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ જતાં તેમણે દરેક ગોવાળિયાઓને પૃથ્વી પર પાછા મોકલી આપ્યા.

બાદમાં રાધાને વૃંદાવન પરત ફરવાનું વચન આપી કૃષ્ણ મથુરા જવા નીકળી પડ્યા. કાળ-ચક્રનું પૈડું ફર્યુ અને વિદર્ભનાં રાજા વિશ્મકને ખબર પડી કે વર્ષો પહેલા જે પુત્રીને તેઓ ખોઈ બેસ્યા હતાં તે રાધા પોતે જ છે. તાત્કાલિક ધોરણે વૃંદાવન આવી તેઓ રાધાને પોતાની સાથે વિદર્ભ દેશ લઈ ગયા. જ્યાં રાધાજી રૂક્મણિનાં નામે સંબોધાયા. શિશુપાલ સાથે તેમનાં લગ્ન નક્કી થતાં તેમણે કૃષ્ણને એક પત્ર લખી પોતાનું અપહરણ કરવા જણાવ્યું. શાસ્ત્રોનું માનીએ તો, રૂક્મણિએ ક્યારેય કૃષ્ણને જોયા નહોતાં. બીજી બાજુ, પળવાર માટે કૃષ્ણને ભગવાન ન ગણતાં સામાન્ય મનુષ્ય ધારી લઈએ તો ચારે દિશામાં ફેલાયેલી તેમની ખ્યાતિને લીધે મોટા-મોટા રાજાની રાજકુમારીઓ કૃષ્ણ સાથે વિવાહ કરવા માંગતી હતી. પરંતુ શા માટે કૃષ્ણએ ફક્ત રૂક્મણિનો જ પ્રસ્તાવ સ્વીકાર્યો? દુશ્મન દેશની રાજકુમારી (રૂક્મણિ)નું અપહરણ કરવાથી કેવાક પરિણામો આવી શકે છે તે વિશે પણ કૃષ્ણ બરાબર વાકેફ હતાં! છતાં તેમણે રૂક્મણિ સાથે લગ્ન કરવાનું જોખમ લીધું. આ રીતે જોવા જઈએ તો રાધા અને રૂક્મણિ બંને એક જ વ્યક્તિત્વ છે તે હકીકતને નજરઅંદાજ કરવા જેવી નથી! બંને વચ્ચેની પાંચ સામ્યતાઓ ચોંકાવી દે તેવી છે :

(૧) બંનેને લક્ષ્મીજીનાં અવતાર માનવામાં આવે છે.

(૨) બંને વયમાં કૃષ્ણ કરતાં મોટા છે.

(૩) રાધાને અયાન ઘોષ સાથે, જ્યારે રૂક્મણિને શિશુપાલ સાથે લગ્ન કરવા માટે દુરાગ્રહ કરવામાં આવ્યો હતો!

(૪) બંનેનાં નામની પહેલા ‘શ્રીમતી’ લગાડવામાં આવે છે.

(૫) રાધા-રૂક્મણિને એકસમાન રીતે ઋષિ-મુનિ દ્વારા કૃષ્ણથી વિખૂટા પડી જવાનો શ્રાપ અપાયો હતો.

એસ. હારોકી અને ડેવિડ વાઇનલેન્ડનાં પ્રયોગને અનુસરીએ તો સમજાય કે કૃષ્ણનાં જીવનમાં જ્યાં રાધા છે એ વખતે રૂક્મણિની કોઈ જગ્યા નથી. સામે પક્ષે, રૂક્મણિ સાથેનાં વિવાહ-બંધનમાં જોડાયા બાદ કશી જગ્યાએ રાધાને યાદ નથી કરવામાં આવી. બીજી સાબિતી જોવા જઈએ તો, વૃંદાવનનાં જંગલમાં ગાયબ થઈ ચૂકેલા તમામ ગોવાળિયાઓનું રૂપ ધારણ કરી, દિવસો સુધી તેમનાં ઘેર વસવાટ કરી રહેલા શ્રીકૃષ્ણ એક જ સ્થાન પર બબ્બે રૂપમાં જોવા મળ્યા હોય તેવો પણ ક્યાંય ઉલ્લેખ નથી!

પુરાણોમાં જોવા મળેલા કંઈ-કેટલાય ઉદાહરણો ક્વોન્ટમ ફિઝિક્સની અમુક થિયરીઓ સાથે બંધ બેસે છે. વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યુ છે કે તેઓ ક્વોન્ટમ મિકેનિક્સનાં પ્રયોગો કરતી વેળાએ હિંદુ સંસ્કૃતિનાં ધાર્મિક ગ્રંથોનો ગહન અભ્યાસ કરે છે! આઈન્સ્ટાઈનની રિલેટીવિટી થિયરી (સાપેક્ષવાદ) ઘણા-ખરા અંશે આપણા ધર્મ સાથે કનેક્ટેડ છે, જેની વિગતવાર ચર્ચા પછીથી કરીશું!

bhattparakh@yahoo.com