Kudarat ni Krurta - 6 - Last Part in Gujarati Moral Stories by Naranbhai Thummar books and stories PDF | કુદરત ની ક્રુરતા - 6 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

કુદરત ની ક્રુરતા - 6 - છેલ્લો ભાગ

********** કુદરત ની ક્રુરતા- 6 ****************
ભરતભાઈ હવે આખો દિવસ ગામમાં જયાં ત્યાં ભટકતા રહેતા. આ બાજુ મનિષા ભાભી રાજકોટ માં બંને પુત્રો સાથે જેમતેમ ગાડું ગગડાવતા હતા.પોલીયોગ્રસ્ત દિકરા માટે વિશેષ ચિંતા રહેતી. ઇમીટેશન અને ચાંદી કામ ની મજુરી મળી રહેતી. સમય વહેતો જતો હતો.ભરતભાઈ ની માનસિક સ્થિતિ વધુ બગડવા લાગી. વૃદ્ધ અને આંખે ઓછુ ભાળતી માં ભરતભાઈ નું જતન કરતી.ભરતભાઈ ને હવે ખાવા પીવા, નહાવા ધોવાની કોઈ તમા રહી નહોતી. દિવસો સુધી સ્નાન ન કરે, કપડાં પણ ન બદલે બસ ગામમાં અને સીમમાં ભટક્યા કરે. જમવા પણ ન આવે. ગામમાં કોઇ ને ત્યાં નાનો મોટો પ્રસંગ હોય તો ભરતભાઈ વગર આમંત્રણે પહોંચી જાય અને અકરાંતીયા ની જેમ કેટલાંય દિવસ ના ભૂખ્યા હોય કે કેટલાંય દિવસ નું
એકી સાથે ખાય લેવું હોય તેમ ભોજન પર તુટી પડતા. આ તરફ મનિષા ભાભી નો સંઘર્ષ જારી હતો. બાળકો ને ઉચ્ચ અભ્યાસ કરાવવાનો તો સવાલ જ નહોતો. ભરતભાઈ ના ભાગે આવેલી ખેતી ની જમીનમાં થી થોડી આવક થતી, તે મનિષા ભાભી બચાવી ને રાખતા.
દિવ્યાંગો ને મળતી સરકારી સહાય દ્વારા એક ટ્રાઇસીકલ પોલીયોગ્રસ્ત પુત્ર ને અપાવી દીધી હતી. બંને પુત્રો એ દશ ધોરણ સુધી નો અભ્યાસ કરીને જીવન સંઘર્ષ માં જોડાઇ ગયા હતા. મનિષા ભાભી એ વર્ષો સુધી ખેતી ની આવક બચાવી રાખી હતી. પોતાના પિયર પક્ષ ની આર્થિક સહાય અને પોતાની બચતમાં થી સૂચિત સોસાયટીમાં એક નાનું એવું મકાન લીધું, જેથી ભાડું ભરવાનું ટેન્શન અને વારે વારે મકાન બદલવાની ઝંઝટ થી મુક્તિ મળે. આ તરફ નવાપુર માં ભરતભાઈ ના માં અતિશય વૃદ્ધ થયા. કામ કરવાને અશક્ત થઈ ગયા. આંખે પણ હવે સાવ ઓછું દેખાતુ. અન્ય ભાઇઓ એ માં કે ભાઈ નો કોઈ ખ્યાલ રાખ્યો નહી. ગામમાં થી કોઇ ને દયા આવે તો માં-દિકરાને જમવાનું આપી જાય, નહીંતર લાંઘણ ખેંચી લેતા. કાળ ને કોઈ રોકી શકતું નથી. એક દિવસ ભરતભાઈ ના વૃદ્ધ માં પણ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. કુટુંબીજનોએ મળી ને પોતાની માં ની મરણોત્તર વિધીઓ પુરી કરી. હવે ભરતભાઈ સાવ એકલા થઈ ગયા. મનિષા ભાભી અને પુત્રોએ અનેક વખત ભરતભાઈ ને રાજકોટ પોતાની સાથે લઈ જવા પ્રયાસ કર્યા, પણ ભરતભાઈ ગયા નહી. ધરાર લઇ જાય તો એક - બે દિવસ રોકાઈને કોઈ ને કહ્યા વિના પાછા નવાપુર જતા રહેતા.
આ કુટુંબ પ્રત્યે કુદરત પણ જાણે કે ક્રુર થઈ ગઇ હતી.
હજુ કેટલી કસોટી બાકી હશે કે પૂર્વે આ કુટુંબ ના સભ્યોએ શું કર્મો કર્યા હશે કે જીવનમાં સુખ શાંતિ, આનંદ ની વાત તો બાજુ પર રહી, પણ શાંતિ થી ઠરીઠામ થવાનું પણ નસીબ નહોતુ.
આવા બનાવો જોઇએ ત્યારે ઇશ્વર ઉપર થી વિશ્વાસ ડગી જાય છે. કર્મ ના બંધનો અચૂક ભાગ ભજવે છે. આ જન્મમાં તો આ કુટુંબે એવા દેખીતા કોઈ કુકર્મો કર્યા નું ધ્યાન માં નથી. કદાચ પૂર્વ જન્મના કોઈ કર્મો ને ભોગવે છે. બધા સભ્યો દુઃખ ભોગવવા જ આ કુટુંબ માં એકઠા થયા હોય તેવું લાગે છે.
મનિષા ભાભી એ કમર કસી ને કુટુંબ ને સંભાળવા લાગ્યા. પોલીયોગ્રસ્ત પુત્ર પણ પરિસ્થિતિ જોઈને કુટુંબ ને મદદરૂપ થવાના પ્રયત્નો કરતો હતો.બીજો પુત્ર તનતોડ મહેનત કરી ને કુટુંબ ને સંભાળવા ની કોશીષ કરી રહ્યો હતો. રૂટીન મુજબ ભરતભાઈ ને અવારનવાર રાજકોટ લઇ જતા, પણ બે ચાર દિવસ રોકાઈને કોઈ ને કહ્યા વિના જ નવાપુર જતા રહેતા. આમ જેમતેમ ગાડું ગબડ્યે જતું હતું કે એક દિવસ અચાનક આ કુટુંબ માથે આભ તૂટી પડ્યું. મનિષા ભાભી ને કેન્સર ડીટેક્ટ થયું. બંને પુત્રો અને મનિષા ભાભી હતપ્રભ થઈ ગયા. ભરતભાઈ તો આ બધી બાબતો થી નિર્લેપ હતા.તેને કોઈ અસર જ નહોતી. તે તો પોતાની મસ્તીમાં મસ્ત હતા. બંને પુત્રો એ પોતાના થી શક્ય હોય તેવી બધી જ સારવાર પોતાની માં ને અપાવવાનું બીડું ઝડપ્યું. એક પુત્ર ને માથે એટલો બધો બોજો આવી ગયો કે માણસ ને એમ થાય કે હે કુદરત હવે તો પાછું વળીને જો ! કેટલી ક્રુરતા આચરવી છે હજુ તારે આ કુટુંબ સાથે? આ એક પારેવડા જેવો છોકરો, જીંદગી કેવી ખુબસુરત હોય તેની એક ઝલક પણ પામી શક્યો નથી. પોતાની યુવાની પણ માણી શક્યો નથી. તેની ઉપર કેટલો મોટો ભાર નાખી દીધો ! પોલીયોગ્રસ્ત ભાઇ ને સાચવવાનો, કેન્સર થી પિડાતી મમ્મી ની સારવાર કરાવવાની, માનસિક બીમાર પિતા નું ધ્યાન રાખવાનું અને ઘર ચલાવવા માટે કમાવાનું. પણ આ છોકરાએ કુદરત સામે બાથ ભીડી, અને બધા મોરચે ઝઝૂમવા લાગ્યો. દિવસ ના દશ થી બાર કલાક કામ કરે, મમ્મી ને સારવાર માટે લઈ જાય, ભાઈ ની સારસંભાળ રાખે અને પિતાના ખબર પણ કઢાવતો રહે.
સમય સતત વહેતો રહ્યો. આ કુટુંબની જીંદગી અવશપણે સંઘર્ષમય રીતે ચાલતી રહી. જીવન માં સતત સંઘર્ષ જ કર્યો. આ સંઘર્ષ સામે આખરે મનિષા ભાભી ઝીંક ન ઝીલી શક્યા. કેન્સર ની બીમારી જીવલેણ સાબિત થઇ. મનિષા ભાભી જયાં થી કોઇ પાછું આવ્યુ નથી તેવી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. કુટુંબ પર દુઃખ નો પહાડ તુટી પડ્યો. ઘરની ચાવી રૂપ મહિલાને કુદરત જ્યારે ન આ પાર જવાય તેમ હોય કે ન પેલી પાર જવાય તેમ હોય તેમ ત્યારે છીનવી લે એવે સમયે કુટુંબ ની શી હાલત થાય છે એ તો જેની ઉપર વીતી હોય તેને જ ખબર હોય. કુટુંબ હતપ્રભ થઈ ગયુ. જીવન જીવવાનો કોઈ ઉદેશ નજર સામે દેખાતો નથી. ઘરમાં રસોઈ બનાવી ને જમાડનાર કોઈ નથી.ભરતભાઈ ને પણ છોકરાઓ પોતાની સાથે રાજકોટ લઇ આવ્યા છે. દિવ્યાંગ પુત્ર પણ પોતાના થી બનતી મહેનત કરીને મદદરૂપ થાય છે. બીજો પુત્ર દિવ્યાંગ ભાઈ અને માનસિક બીમાર પિતા ને રસોઇ કરીને જમાડે છે અને ઘર ચલાવવા માટે કામ પણ કરવું પડે છે. બંને ભાઇઓ એ બહાર જવાનું થાય છે ત્યારે પિતાને રૂમમાં બંધ કરી ને જાય છે. ભરતભાઈ નું કાંઇ નક્કી નહી, કયાંક રખડવા ચડી જાય તો રાજકોટ જેવા શહેરમાં શોધવાનું ભારે પડી જાય. પરણવા લાયક ઉંમર થઈ હોવા છતાં આ છોકરાઓ નો હાથ ઝાલીને કન્યા ચીંધાડે કોણ? આવા બનાવો નજર સામે બને ત્યારે ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ ડગી જાય છે. કસોટી ની પણ કોઈ હદ તો હોય કે નહીં ! ? જન્મ થી મૃત્યુ સુધી સંઘર્ષ જ કરવાનો ? એક નાનકડું સુખ પણ નસીબ નહીં! કુદરત તારી ગતી ન્યારી છે તેનો પાર કોઈ પામી શક્યુ નથી. પણ હે ઈશ્વર ! તારી પાસે આ કુટુંબ માટે ક્રુરતા સિવાય બીજું કાંઈ નથી ? મનિષા ભાભી ના અવસાન વખતે સમગ્ર નવાપુર માં એક સન્નાટો છવાઈ ગયો હતો. નજીક ના કુટુંબીજનો પોકે પોકે રડ્યા હતા, આભ ફાટી પડે તેવું આક્રંદ કર્યુ હતુ. સમગ્ર નવાપુર માં થી આ કુટુંબ પ્રત્યે લાગણી નો ધોધ વહી રહ્યો હતો. પણ જેવી મરણોત્તર વિધીઓ પુરી થઈ કે સૌ પોતપોતાના જીવન માં વ્યસ્ત થઇ ગયા. આજે પણ આ કુટુંબ જીવન જીવવાનો સંઘર્ષ કરી રહ્યુ છે. આ કથની થી વાકેફ લોકો પણ પ્રભુ ને પ્રાર્થના કરે છે કે, બસ, હવે બહુ થયું પ્રભુ! ખરેખર તું ઈશ્વર હો, દાતા હો, તો આ કુટુંબ માટે એક નાનકડો સુખનો ટુકડો ભીખમાં તો ફેંકી દે !
(સમાપ્ત)
******************************************
આ રચના મારો પ્રથમ પ્રયત્ન છે. એક સત્ય ઘટના ને આધાર બનાવીને લખવાનો પ્રયત્ન કર્યો છે. આ રચના સાહિત્યિક રચના નથી.એક કુટુંબ ના દુઃખ દર્દ ને આ રચના દ્વારા ઉજાગર કરવાની કોશિશ કરી છે. આ રચના માં માત્ર પચ્ચીસ ટકા જેટલો કલ્પના નો સહારો લીધો છે. બાકી ની કથા સત્ય હકીકત છે. આજની તારીખે આ બધા પાત્રો આમજ જીવે છે. આપણે પણ કુદરત ને પ્રાર્થના કરીએ કે હવે આ કુટુંબ પર પોતાની કરુણા નો અભિષેક કરે.
પ્રથમ પ્રયત્ન છે એટલે સ્વાભાવિક જ કંઈક ખામીઓ રહી હશે. સુજ્ઞ વાચકો તરફથી બધી જાતના પ્રતિભાવો ની રાહ જોઇ રહ્યો છું. જેથી બીજી રચનામાં સુધારો કરવાની તક મળે.
E-mail: naranbhai.thumar@gmail.com
Mobile & WhatsApp no. 9427225038