GEBI GIRNAR - RAHASYAMAY STORY - 22 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૨૨) અંતિમ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૨૨) અંતિમ

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨૨) અંતિમ..
* 'અવિનાશી' ગુફાનું રહસ્ય*

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. કામિની અને તેની માંથી છૂટકારો મેળવ્યા બાદ અમારી પાછળ એક બલા પડે છે જે અમને એક જગ્યાએ લઈ જાય છે ત્યાં પેલી નાનકડી છોકરીની પાછળ જતાં અમને એક રહસ્યમય ગુફા તથા સાધુ મહારાજનો ભેટો થાય છે. સાધુ મહારાજ એક પછી એક રહસ્યો અમને જણાવે છે. તે અમને ગુફાનું રહસ્ય અને ત્યાં લઈ જવાની વાત કરે છે...હવે આગળ...

સાધુ મહારાજે અમને ગુફા વિશે જણાવ્યાં પછી તેને જોવાની લાલસા થઈ આવી. 'અવિનાશી' ગુફાનું રહસ્ય જાણવા જાણે અમે બધા તલપાપડ બન્યા હતા.

" આ ગુફાઓ હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. બહારનાં વાતાવરણની તેનાં પર કોઈ અસર થતી નથી એટલા માટે જ તેને 'અવિનાશી' ગુફા કહેવામાં આવે છે." સાધુ મહારાજે ગુફા સામે જોઈને કહ્યું.

એ પછી સાધુ મહારાજે અમારા બધા સામે જોઈને કહ્યું, " આ ગુફામાં સીધો પ્રવેશ શક્ય નથી. તમે એકબીજાના હાથ પકડી લો."

અમે સાધુ મહારાજના કહ્યા મુજબ એકબીજાના હાથ પકડી લીધા. અમારું ધ્યાન હવે સાધુ મહારાજ તરફ હતું. અમારી બધાની વચ્ચે આવીને સાધુ મહારાજે આંખો બંધ કરીને જાણે કંઈ મંત્ર બોલતાં હોય એમ હવામાં હાથ અધ્ધર કર્યા અને અમને બધાને પણ આંખો બંધ કરવા કહ્યું. અમે બધાએ પોત પોતાની આંખો બંધ કરી દીધી. હવે શું થવાનું હતું એનો થડકો હ્રદયમાં પડી રહ્યો હતો.

" હવે તમે તમારી આંખો ખોલો. હાથ હજુ પણ પકડી રાખજો. જ્યાં સુધી તમે આ ગુફામાં છો ત્યાં સુધી એકબીજાનો હાથ છુટી ન જાય એ જોજો." સાધુ મહારાજનો અવાજ સંભળાયો.

અમે બધાએ આંખો ખોલી. જેવી આંખો ખોલી અમારાં બધાનાં આશ્ચર્યની વચ્ચે અમે એ ગુફાની અંદર હતા. એક અલૌકિક પ્રકારની ગુફા. જેનું કોઈ પ્રવેશદ્વાર નહોતું. એક દિવ્ય પ્રકાશ આખી ગુફામાં પથરાઈ રહ્યો હતો. અમારી ભૂખ તરસ બધું જાણે ભૂલાઈ ગયું હતું. આ એ ગુફાનો જ પ્રભાવ હતો.

અમે ગુફામાં ચારે તરફ જોયું. અલગ - અલગ જગ્યાએ નાગા સાધુઓની બેઠકો હતી. એ બધા અત્યારે સમાધીમાં લીન હતા. કોઈ એક પગ પર ઊભા રહીને, કોઈ પદ્માસન લગાવીને, કોઈ અલગ યોગાસનો દ્વારા સમાધિમાં લીન હતા.

એક જગ્યાએ તો એક નાગા સાધુએ પોતાની જટા ગુફાની દિવાલ પર બાંધીને પોતે લટકીને સમાધિમાં લીન હતા. આ વિવિધ પ્રકારના હઠીલા યોગો જોઈને અમારી નવાઈનો પાર ન રહ્યો.

" આ બધા સિદ્ધ યોગીઓ છે. પોતાના શરીરને અનેક પ્રકારની યાતનાઓ આપીને તે વિવિધ પ્રકારની શક્તિઓ અને અષ્ટાંગ યોગને સિદ્ધ કરે છે. તેમનું શરીર ભૂખ તરસથી પર રહીને એક વર્ષ સુધી સમાધીમાં લીન રહે છે. વર્ષમાં મહા શિવરાત્રી પર તેઓ જાગે છે અને શિવની આરાધના કરે છે તેમજ મૃગીકુંડમાં સ્નાન કરે છે. તેઓ સદેહે અહીંથી જ મહા કુંભમેળામા સ્નાન કરવા પણ જતા હોય છે. " સાધુ મહારાજે એ સિદ્ધ યોગીઓ વિશે જણાવતાં કહ્યું.

મારા મનમાં થોડી જિજ્ઞાસા થઈ એટલે મેં સાધુ મહારાજને પૂછતાં કહ્યું, " મહારાજ! નાગા સાધુઓ તો ઘણી જગ્યાએ વિચરતા હોય છે. ગીરનારમાં પણ ઘણાં નાગા સાધુઓ હોય છે. ઘણાં નાગા સાધુઓ તો અમુક તહેવારોએ તો લોકો પાસેથી પૈસા પણ માંગતા હોય છે."

મારો પ્રશ્ન સાંભળીને સાધુ મહારાજે કહ્યું, " નાગા સાધુઓ ઘણાં પ્રકારના હોય છે. અમુક નાગા સાધુઓ સ્મશાનમાં રહીને તાંત્રિક વિધિઓ કરતાં હોય છે. અમુક લોકોની વચ્ચે રહીને સાધનાઓ કરતા હોય છે. જે સાધુઓ પૈસા માગીને જરૂરિયાતો પૂરી કરતા હોય તેમની સાધનાઓ પૂરી થતી નથી.

જેમ રાજ હઠ, બાળ હઠ હોય છે એમ સાધુની પણ એક હઠ હોય છે. આ નાગા સાધુઓ કે જે ગુફાઓમાં રહીને તપસ્યાઓ કરે છે તે આવાં હઠીલા યોગો કરીને પોતાના શરીરને ભૂખ - તરસ અને રોગોથી મુક્ત બનાવે છે અને ઘણાં વર્ષો સુધી તપસ્યા કરીને અંતે પરમતત્ત્વમાં લીન થઈ જાય છે.

અમુક નાગા સાધુઓ માત્ર સંસારનો ત્યાગ કરીને ભૌતિક ક્રિયાઓ દ્વારા સાધના કરતા હોય છે. અત્યારે તો સમય પ્રમાણે અમુક સાધુઓ તો પૈસાની લાલચે પણ વસ્રોનો ત્યાગ કરી ઢોંગ પણ કરતા હોય છે. જે સાચા સિદ્ધ યોગીઓ હોય છે એને સંસારના કોઈપણ સુખોની લાલસા હોતી નથી."

સાધુ મહારાજની વાત પૂરી થઈ એટલે કલ્પેશભાઈએ પૂછ્યું, " મહારાજ! નાગા સાધુઓની જટાનું શું રહસ્ય હોય છે? તે પોતાના શરીર પર રાખ કેમ ચોળતા હોય છે?? "

" જટા રાખવી એને વધારવી અને સાચવવી ખૂબ જ અઘરી વાત છે. સ્મશાનની રાખ વાળમાં લગાવવામાં આવે છે. મહિનાઓ અને વર્ષો સુધી એમને એમ રાખવામાં આવે છે. ત્યારપછી તે વાળનો એક ગુચ્છો બને છે તેને જટા કહે છે. નાગા સાધુઓ આવી અનેક જટાઓ ધારણ કરે છે. સ્નાન પછી રાખ તેમાં લગાવવામાં આવે છે આ રીતે જટા વધતી રહે છે.

નાગા સાધુઓ સ્નાન કર્યા પછી સ્મશાનની રાખ આખા શરીર પર ચોળે છે. આમ કરવાથી તેઓનું ચિત્ત સાધનામાં લાગે છે. સાધનાઓ માટે સ્મશાનની રાખ શરીર પર ચોળવી આવશ્યક હોય છે. આ રાખ કે ભભૂત તેમને રોગોથી પણ બચાવે છે." નાગા સાધુઓ અને તેમની જટા વિશે જણાવતાં સાધુ મહારાજે કહ્યું.

અમે તે ગુફાની અંદર એવાં અલૌકિક દ્રશ્યો જોયાં જેની કલ્પના પણ ન કરી શકાય. ગીરનાર પોતાની અંદર આવાં તો કેટલાંય રહસ્યો ધરબીને બેઠો છે જેના વિશે કદાચ આજનું વિજ્ઞાન વિચારી પણ ન શકે.

મનમાં એવું થતું હતું કે આ ગુફાની અંદર આવવા માટે તેમજ બહાર જવા માટે કોઈ જ રસ્તો નથી તો અમે જે નીચેથી ગુફા જોઈ હતી તે શું હતું! હવે અમે અહીંથી બહાર નીકળી શકીશું કે નહીં?

મારા મનમાં ચાલતી ગડમથલ મનોજભાઈએ પારખી હોય તેમ તેમણે પૂછ્યું, " મહારાજ! આ ગુફામાં જો મનની ગતિથી જ આવી શકાતું હોય તો અમે જે જોયું હતું તે શું હતું? શું તે આ ગુફાનું દ્વાર નહોતું? "

" તે એક મનનો ભાસ હતો. માયાજાળ! જે દેખાય છે તે હોતું નથી અને જે નથી દેખાતું તેનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક હોય જ છે. અત્યારે તમે જ્યાં છો એ નીચેથી દેખાતી ગુફા છે જ નહીં. આ ગીરનારની એક ગેબી જગ્યા છે જ્યાં કોઈ ક્યારેય આવી શકતું નથી." મહારાજે ગુફાની હકીકત જણાવતાં કહ્યું.

" આ એક એવી હકીકત છે કે જે તમારી સાથે બની રહ્યું છે તે કદાચ તમે કોઈને કહેશો તો પણ વિશ્વાસ નહીં કરે. ઘણીવાર સમયનું ચક્ર પણ થંભી જતું હોય છે પરંતુ આપણને એમ થાય કે આપણે કોઈ આંટીઘૂંટીમાં ફસાઈ ગયા છીએ." મહારાજે એક રહસ્યમયી સ્મિત સાથે કહ્યું.

સાધુ મહારાજ ખરેખર શું કહેવા માગે છે તે અમને કોઈને પણ સમજાયું નહીં. આમ પણ અમારી સામે જે રહસ્યો આવ્યાં હતાં તે પણ સમજી ન શકાય તેવાં જ હતાં.

અચાનક જ તે સાધુ મહારાજ અમારી સામેથી અદ્રશ્ય થઈ ગયા. અમારા બધાના આશ્ચર્યની વચ્ચે ગુફાની અંદર જે કંઈ પણ હતું તે બધું અદ્રશ્ય થઈ ગયું.

અમે બધા બાઘાની જેમ એકબીજાને જોઈ રહ્યા હતા. શું કરવું એ કંઈ સુઝતું નહોતું. અમને એવું લાગી રહ્યું હતું કે જાણે અમે આ ગુફામાં કેદ થઈ ગયા છીએ.

" કોઈ એકબીજાનો હાથ છોડતા નહીં. મને લાગે છે કે આ પણ આપણી એક પરીક્ષા જ છે. આપણે કોઈ ભૂલ કરીએ અને આપણે કદાચ ફસાઈ જઈએ. આપણી સામે જે હતું એ બધું છે જ પરંતુ આપણે તે જોઈ શકતા નથી. આ પણ કદાચ એક માયાજાળ જ હોવી જોઈએ." મેં બધાને ચેતવતા કહ્યું.

અમે બધાએ એકબીજાનો હાથ પકડી રાખ્યો. અમે ગુફામાં બધે ફરી વળ્યા. ક્યાંયથી નીકળવાનો કોઈ માર્ગ હતો જ નહીં. અમારા બધાના ચહેરા પડી ગયા હતા.

" આપણે જ્યારે અહીં આવ્યા હતા ત્યારે તે સાધુ મહારાજે આપણી આંખો બંધ કરાવી હતી. આપણે બધા તે પ્રમાણે જ કરીએ. આંખો બંધ કરીને હાથ પકડીને બધા મનમાં ગીરનારી મહારાજનું સ્મરણ કરજો." મને અચાનક કંઈક યાદ આવતાં બધાને ઉદ્દેશીને કહ્યું.

અમે બધા ગોળાકાર ઊભા રહીને એકબીજાનો હાથ પકડીને આંખો બંધ કરીને મનમાં ગીરનારી મહારાજનું સ્મરણ કરવા લાગ્યા. ઘણીવાર સુધી અમે એમ જ ઊભા રહ્યા. ધીમે - ધીમે અમે કોઈ ઊંડી સમાધીમાં જઈ રહ્યા હોય એવો અહેસાસ થવા લાગ્યો. એ પછી અમને કોઈને પણ શું થયું એ કંઈ જ યાદ ન રહ્યું.

અચાનક આસપાસ કોઈનો કોલાહલ સાંભળીને મારી આંખો ખુલી ગઈ. મેં આંખો ખોલી તો મારું મોઢું ખુલ્લું જ રહી ગયું. શું બોલવું તે માટે કોઈ શબ્દો મળતા નહોતા.

મેં બાઘાની જેમ રઘવાયા થઈને બધાને જગાડ્યા. અમે અત્યારે એક રાવટી પાસે બધા પડ્યા હતા. જાણે ઘણાં સમયથી સુતા હોય એમ આંખો ભારે લાગતી હતી.

એકપછી એક બધાએ ઊભા થઈને જોયું તો તે બધાની હાલત પણ મારા જેવી જ હતી. કોઈને પણ વિશ્વાસ આવતો નહોતો. અમે તે જગ્યાનો ક્યાસ લગાવવા લાગ્યા.

અમે ત્યાંથી થોડા બહાર નીકળીને જોયું તો તે ગીરનારની બીજી તરફના પગથિયાં હતાં. લોકો ત્યાંથી ગીરનાર ઉતરી રહ્યા હતા. મારી આંખોમાં તો ખુશીનાં આંસુ આવી ગયાં.

અમે બધાએ ખુશ થઈને જોશમાં આવીને કૂદકા મારવા લાગ્યા. અમે બધા એકબીજાને ભેટી પડ્યા. ત્યાંથી નીકળતા લોકોને આ જોઈને નવાઈ લાગતી હતી.

અમે ત્યાં રાવટી પાસે ખુરશી પર બેઠેલાં જંગલખાતાના કર્મચારીને પૂછ્યું કે અમે અહીં ક્યારે અને કેવી રીતે આવ્યા?? તેણે જે કહ્યું એનાં પર અમને પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો.

એણે કહ્યું કે, " તમે અહીં ક્યારે આવ્યા એ તો ખબર નથી પણ છેલ્લા ચાર - પાંચ કલાકથી તમે અહીં સુતેલા હતા. મને એમ કે તમે કદાચ થાક્યા હશો તો મેં તમને જગાડ્યા નહીં. પણ તમે આવું કેમ પૂછો છો તમને ખુદને નથી ખબર?? "

એ કર્મચારીને જણાવવા માટે અમારી પાસે કોઈ જવાબ નહોતો. અમે વાત ત્યાં જ પૂરી કરી અને પોતાની વસ્તુઓ તપાસી જોઈ. બધું બરાબર હતું.

અચાનક કંઈક યાદ આવતાં સમય જોવા મેં મોબાઈલ કાઢ્યો. મોબાઈલની સ્ક્રીન પર જોઈને મારી આંખોમાં જાણે અંધારા આવી ગયા.

મારો મોબાઈલ સાંજના પાંચ વાગ્યાનો સમય બતાવતો હતો અને તારીખ હતી ૨૫ ડીસેમ્બર. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આવું કઈ રીતે બને! છેલ્લા બે દિવસથી અમે ગીરનારમાં ભટકી રહ્યા હતા. છતાં પણ આજે અમે આવ્યા એ જ દિવસ હતો.

મેં બધાને વાત કરી તો બધા રઘવાયા થઈને પોત પોતાનો મોબાઈલ જોવા લાગ્યા. દરેકના મોબાઈલમાં એ જ સમય અને તારીખ હતી.

આ બધી આ ગેબી ગીરનારની જ માયાજાળ હતી. આ વાત કદાચ અમારા સિવાય બીજા કોઈ સમજી નહીં શકે. અમે ત્યાંથી ચૂપચાપ ચાલી નીકળ્યા.

એ પછી અમે સાંજે મુવી પણ જોયું અને પછી ઘરે જવા નીકળ્યા. રાત્રે બધા બસમાં બેઠા. બસ ઉપડી કે તરત જ અમને એક અવાજ સંભળાયો, ' અલખ નિરંજન, જય ગીરનારી. '

અમે બધા બાઘાની જેમ જોવા લાગ્યા પરંતુ અમને કોઈ દેખાયું નહીં. અમે એકબીજાની સામે જોઈને શાંતિથી બેસી ગયા. આ એક એવી માયાજાળ હતી જે અમે જીંદગીમાં ક્યારેય ભૂલી શકવાના નહોતાં. એ હતી ' ગેબી ગીરનાર'ની માયાજાળ.

મિત્રો, આ સ્ટોરીને અહીં પૂરી જહેર કરું છું. ફરી એક નવી પટકથા અને એક નવી હોરર, સસ્પેન્સ, થ્રીલર સ્ટોરી લઈને ટુંક સમયમાં આપ સૌ સમક્ષ હાજર થઈશ.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.