Tu aavish ne - 1 in Gujarati Love Stories by Yashpal Bhalaiya books and stories PDF | તુ આવીશ ને ? (ભાગ-૧)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

તુ આવીશ ને ? (ભાગ-૧)

વાત છે આભને આલિંગન આપતી ડાંગની ઉત્તુંગ પહાડીઓની, અડીખમ ઉભેલા વુક્ષોને ચૂમતા વાદળોની, સડક પરથી સુસવાટા સાથે પસાર થતા પવનની.જ્યાં પ્રકૃતિ પણ પ્રેમથી ભીંજાઈ જતી હોય ત્યાં માનવીય હૃદયની શી વિસાત કે કોરું રહે ? કુદરત પણ જ્યાં પ્રેમની ભાષા પોકારતી હોય ત્યાં માનવીની જીભની તાકાત છે કે બીજી કોઈ ભાષા ઉચ્ચારે ! અહીં આલેખીત વાર્તામાં માનવીનાં હૃદયમાં રહેલી આર્દ્રતાનો અહેસાસ છે અને ક્યાંક ખૂણામાં બેઠેલી સૂષ્કતા. અહીં પ્રકૃતિની વચ્ચે પાંગરેલા માનવીય પ્રેમનું ઉત્કૃષ્ટ આલેખન છે, પરંતુ પ્રેમ કેવો છે ? શું કોઈ વિક્ષેપ વગરનો સુસંવાદીત છે ? કે પછી એકતરફો છે ? શું અધુરો છે કે પછી પરિપૂર્ણ છે ? શું અનંત છે ? બાર-બાર મિલેંગે કહેવાવાળો છે કે પછી ફીર કભી મિલેંગે કહેવાવાળો છે ? બધુ અત્યારથી જાણીને શું કામ ? તો ચાલો જાણવાની શરુઆત કરીએ.


સમય લગભગ રાતના ૧૦:૦૦ નો હતો. અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદ પડતો હતો. રસ્તાઓ માત્ર વરસતા વરસાદની ધાર સાથે વાતો કરતા હતા. સડક પર સાધનની અવર-જવર નહીંવત હતી. રસ્તા પર પથરાયેલા પાણીમાં પડતો સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ વાતાવરણને પ્રજ્વલીત કરતો હતો. દિન-રાત ધમધમતુ અમદાવાદ વરસાદી કોપથી જાણે ઠરી ગયુ હતું. માનવીય અવરજવર એકદમ ઠપ થઈ ગઈ હતી. પણ આવા ધોધમાર વરસાદમાંય અમદાવાદના યુનિવર્સિટીના ગેટ નં.૩ના .એમ.ટી.એસ. બસસ્ટેન્ડના છાપરા હેઠે ત્રણ જણા મોટા થેલા લટકાડીને ઉભા હતા. સમય અંદાજે રાતના સવા દસનો થયો હતો. સવા દસના સાડા દસ થતા તો ત્યાં ત્રણના ત્રીસ થયા 'ને અગિયારના ટકોરે ત્રણસો પૂરા. બધા લોકો ઈન્વીઝીબલ ( Invisible ) એન.જી.. માંથી ડાંગની ટુર પર જવા એકઠા થયા હતા. નહીં તો આટલા વરસાદમાં વળી કોણ બહાર નીકળે ? અને એય પાછા અમદાવાદી ? પણ વાત કંઈ ઓર હતી, વાત હતી ડાંગની દુનિયાને ડોળવાની.

બરાબર સાડા અગિયાર વાગ્યે ઈન્વીઝીબલ એન.જી..ની ઓફીસ આગળ છપ્પન સીટરની બસો ડાંગ ભણી પ્રયાણ માટે કતારબંધ ગોઠવાઈ ગઈ હતી. પ્રીતી સંઘવી... વિરલ દેસાઈ... વિશ્વાસ રાવત... ચિરાગ ચાવડા... લવપ્રીત ગોસ્વામી... 'ને ધોળું પરમાર... એમ વારાફરથી દરેકના નામ ઉચ્ચારીને એન.જી..ના ટુરીસ્ટ આસિસટન્ટ તરફથી ટુર માટે રજીસ્ટ્રેશન કરાવેલા માણસોની હાજરી લેવાતી હતી.


બસમાં બેઠેલા બધા લોકો ડાંગને ડોળવા, પ્રકૃતિને ખોળવા અને પોતાની જાતને માણવા ઉત્સુક હતા. તેઓના શરીર માત્ર બસમાં હતા, મન તો ક્યારનાય ડાંગની ગીરીમાળાઓ ભણી પ્રયાણ કરી ચૂક્યા હતા.


બારના ટકોરે એકસાથે બધી બસોના સેલ વાગ્યા. સેલ વાગતાની સાથે બસમાં બેઠેલા ટુરીસ્ટો પણ એકસાથે આનંદથી ગરજી ઉઠ્યા. ત્રણ દિવસ પુરતી બધી બસોએ અમદાવાદના વરસાદી વાતાવરણને વિદાય આપી. બસો પૈકી બસ નં. મુખ્ય હતી. આમ તો બસ નં. નહીં પણ તેમા બેઠેલા મુસાફરો કે જેમણે બસને વિશેષ બનાવી.


બધી બસો ચીલઝડપે ડાંગ તરફ રવાના થઈ. બસમાં કોઈ બારીએ બેઠા-બેઠા માદક વરસાદી વાતાવરણની મજા લેતુ હતું, તો કેટલાક અંતાક્ષરી રમતા હતા, કોઈ સાથે આવેલા મિત્ર જોડે વાતે વળગ્યા હતા તો કોઈએ વળી સરસ મજાની ઊંઘ ખેંચતુ હતું અને કેટલાક તો રાત્રે એક વાગ્યેય ભરપેટ જમીને આવ્યા પછી પણ નાસ્તાના ઓડકાર ઝીંકતા હતા. ચાલુ બસે વાગતા લાઉડસ્પીકરમાં બે-ત્રણ નાચવાવાળા પણ હતા.. લાઉડસ્પીકર ભલેને વાગે તોય કાનમાં ભુંગળા ભરાવીને ગીતો સાંભળવા વાળા તો હતા . એટલે કે બસ નં.૩માં મુસાફરોની તો જાણે ખીચડી રંધાઈ હતી.


ટુરીસ્ટોમાં કેટલાંક ક્યારેય છુટા પડવાના સોગંદ લીધેલાની સાથે આવ્યા હતા તો કેટલાક પોતાના અંગત મિત્રો સાથે. બે-ચાર પ્રેમી યુગલો પણ હતા. યુગલોમાં યુગ્મતા હતી કે નહી તો તે યુગલો જાણે 'ને બીજો ઉપરવાળો. ઉજ્જળ વનમાંય ઊભો હોય એવા એરંડાનું તો પુંછવું શું ? અહીં તો ચારેકોર લીલોતરી હોવાની હતી. એટલે કે, લોકોમાંય ભાતભાતના ભેળા થયા હતા પણ ભાતભાતના રંગોમાંથી રંગોળી પૂરાશે કે કેમ ? તો મારો નાથ જાણે.


રાતના બે થયા હતા. અમદાવાદ-બરોડા એક્ષપ્રેસ હાઈ-વે પર બસ પૂર ઝડપે પસાર થઈ રહી હતી. બે સીટ વાળી ઊભી હરોળમાં છઠ્ઠા નંબરની સીટમાં એક છોકરો અને છોકરી કંઈક ગપસપ કરતા હતા. બંને સાથે આવ્યા હતા. જોયા પરથી છોકરી ઓગણીસ-વીસની 'ને છોકરો પચ્ચીસેક વરસનો લાગતો હતો. જણાતા ત્રણ ચાર પ્રેમી યુગલોમાંનું તે એક હતું. આગળની બે હરોળમાં સાત જણાના સમુહમાં આવેલું એક મિત્ર વર્તુળ ગપ્પા મારતું હતું. બસ, બે જુથ સિવાય બસમાં બેઠેલા બાકી બધા ઘસધસાટ ઊંઘમાં હતા.


બસની સાથે-સાથે રાત પણ ધીમે-ધીમે સવારના અજવાળા તરફ આગળ વધી રહી હતી. અરુણોદય થઈ ચૂક્યો હતો. બસે પણ ડાંગની ગીરીમાળાઓના વાંકાચૂકા રસ્તાઓમાં પ્રવેશ કરી લીધો હતો. થોડી વારમાં રસ્તા પર બસ થોભી અને ટુર આસિસ્ટન્ટે બધાને જણાવ્યુ કે, " તમારુ મુલાકાતનું મુલાકાતનું પ્રથમ સ્થળ ગુજરાતનો ગરવો એવો ગીરો ધોધ આવી ગયો " એક પછી એક બધા બસમાંથી નીચે ઉતરવા લાગ્યા. ઉતરતાવેંત ડાંગે પોતાની દરિયદીલી ઠાલવી, ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. કેટલાકે પોતાના રેઈનકોટ કાઢ્યા તો કોઈએ સાથે લાવેલી છત્રી ખોલી અને "ચોમાસામાં ડાંગમાં જઈને ભીંજાવાનું નહીં ? તે કેવો વિરોધાભાસ ?" એમ કહીને વરસાદને વધાવી લેવા વાળા પણ હતા. બસમાંથી ઉતરીને બધા ચલતા-ચાલતા ગીરા ધોધ તરફ આગળ વધ્યા.


પગદંડીની બન્ને બાજુએ આવતા સ્થાનિક લોકોના ઘર, ખેતરો અને બીજી જગ્યાઓ એકથી એક ચડીયાતી 'ને મોહક હતી. ઘણા લોકોએ તો ગીરા ધોધ આવ્યા પહેલાં રસ્તામાં ફોટોગ્રાફી શરુ કરી દીધી. મિકીએ સાથે આવેલા વિરલને તેનો એક ફોટો પાડવા કહ્યું. ફટ...ફટ...ફટ... દઈને એકના બદલે ત્રણ ફોટા પડી ગયા. પણ જગ્યાનો કમાલ એવો હતો, જ્યાં સ્વયં જડાઈ જવાનું મન થાય ત્યાં ફોટા પડાવવાનું કોને સુઝે ?


ગીરા ધોધ દેખાતા લવપ્રીત, ધોળુ, ચિરાગ, અવિનાશ, રોનક, કુમાર અને વિશાલ સાત જણાની ટોળકી આનંદથી ગર્જી ઉઠી. પણ ગીરાના શોરમાં એમની બૂમો સહેજે સંભળાતી હતી. સંભળાય પણ ક્યાંથી ? એનું નામ ગીરો છે ને ! અને વળી માહોલ પણ વરસાદી હતો એટલે ગીરાની ગતિ 'ને ગર્જના એની પરાકાષ્ઠાએ હતી.


બધા લોકો ગીરા ધોધની એકદમ નજીક પહોંચી ગયા. વિરલની વારંવાર ના પાડવા છતા મિકી ધોધના પાણીને સ્પર્શ કરવા રેલીંગ ઓળંગીને આગળ વધી ત્યાં તો સ્થાનિક પોલીસવાળા એને જોઈ ગયા અને એને રેલીંગની બાજુ આવી જવા કહ્યું. ત્યાં સુધીમાં તો મિકીએ કેટલાય ફોટા પડાવી લીધા. સ્માર્ટફોન આવતા દરેકના હાથમાં ડીજીટલ કેમેરો આવતા તેનાથી માણસની પળોને સાચવવાની કળા તો કદાચ વિકસી છે પણ પળોને માણવાની જે કળા હતી તે કદાચ લૂપ્ત થઈ છે. બધા પોતાના ફોટા પડાવવામાં, ગીરાની સાથે સેલ્ફી લેવામાં મશગુલ હતા. પણ અવિનાશ વિશાળ ટોળામાં બધાથી અલગ તરી આવતો હતો. તે ફોટા પડાવવામાં નહીં પણ તત્ક્ષણને માણવામાં મશગુલ હતો. જાણે ધોધની સાથે પણ વહી રહ્યો હતો, ધોધને પોતાની તરફ આહ્વાન કરી રહ્યો હતો. તેને પણ ફોટા પડાવ્યા, પણ ત્યાનાં મકાઈ શેકતા સ્થાનિક આદિવાસી લોકો સાથે, ગીરા સાથે પડાવ્યા પણ એક-બે, વધારે નહીં. કદાચ તે વાતને સમજતો હતો કે, પ્રાકૃતિક સૌંદર્ય અને પોતાની જાતને કચકડાના કેમેરામાં કેદ કરવા કરવા કરતા વધારે મજા તેને મુક્ત મને માણવામાં છે.