GEBI GIRNAR - RAHASYAMAY STORY - 17 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૭)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૭)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૭)
* કામીની ચુડેલ અને તેની માંનું રહસ્ય*

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂના કાંઠે અમને કામીની નામની અજાણી યુવતીનો ભેટો થાય છે.અમે તેની સાથે તેના ઘરે જઈએ છીએ. રાત્રે કલ્પેશ અને આશિષ અચાનક ગાયબ થઈ જાય છે. તેને શોધવા બગીચામાં પીપળાના ઝાડની નીચે આવેલા રહસ્યમય ભોંયરામાં અમે જઈએ છીએ. ત્યાં અમને કામીની તેમજ તેની માંનાં અસલી રૂપ જોવા મળે છે.... હવે આગળ....

અચાનક તે ચૂડેલે પોતાની ગરદન ચારે દિશામાં ગોળ - ગોળ ફેરવીને એક અટ્ટહાસ્ય કર્યું. એ જોઈને મનોજભાઈના હાથમાંથી બેટરી પણ પડી ગઈ. અમારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ.

અમને હવે સામે સાક્ષાત મોત દેખાતું હતું. જાણે હમણાં આ ચૂડેલ અમને બધાને ભરખી જશે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ પાસે ઈશ્વર સિવાય કોઈ જ રસ્તો હોતો નથી. મેં મનમાં મનોમન ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. જ્યારે ઈશ્વરની પ્રાર્થનાનો નાદ હ્રદયમાંથી નિકળે ત્યારે એ જરૂર સાંભળે છે.

મને તરત જ કંઠીની યાદ આવી ગઈ. બસ કોઈ ચમત્કાર જ હવે અમને બચાવી શકે એમ હતો. મારા મિત્રોની હાલત પણ એવી જ હતી. જાણે બચવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા.

" આ ચૂડેલની આંખોમાં ન જોવું. બધા કંઠી તૈયાર રાખજો. ચૂડેલની શક્તિ તેનાં વાળમાં હોય છે. કંઠીની અસર તેના પર થાય ત્યારે ભાવેશ તું એના થોડાક વાળ તોડી લેજે. જ્યાં સુધી એ વાળ આપણી પાસે હશે તે આપણું કંઈ બગાડી નહીં શકે." મેં બધાને સમજાવતાં કહ્યું.

કામીનીએ ઊભાં - ઊભાં જ પોતાનો હાથ લાંબો કર્યો. જાણે કે કોઈ સ્રોત હોય તેમ તેનો હાથ લાંબો થતો જ ગયો. એ ચૂડેલનો હાથ છેક અમારા સુધી પહોંચી ગયો. મનોજભાઈને તે ચૂડેલનો હાથ સ્પર્શે તે પહેલાં મેં ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પેલી કંઠી તેનાં હાથ પર ધરી દીધી.

જાણે કોઈ સળગતી અગ્નિમાં હાથ નાખ્યો હોય તેમ અસહ્ય પીડાને લીધે તે ચૂડેલ બૂમો પાડવા લાગી. મેં ભાવેશને ઈશારો કર્યો એટલે ભાવેશે તરત જ પાછળ જઈને ચૂડેલના થોડાક વાળ તોડી લીધા.

ચૂડેલના વાળ તોડતાં જ જાણે તેના ભયંકર ચહેરા પર ડર પથરાયો હોય તેમ તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેના હાથમાં રહેલી કંઠીને લીધે તેને પીડા પણ થઈ રહી હતી.

બીજી તરફ કામીની માં કહો કે ડાકણ હજુ પણ તે જ અવસ્થામાં પોતાની સાધનામાં લીન હતી. અમારે હજુ અમારા મિત્રોને છોડાવવાના બાકી હતા. તે પહેલાં અમારે કામીની પાસેથી કેટલીક બાબતો જાણવી હતી.

" અમારી સાથે સાંજે શું કર્યું હતું?? જેથી અમારી આવી દશા થઈ અને અમારા આ બે મિત્રો જ કેમ બલી માટે અમારામાંથી બીજા કેમ કોઈ નહીં?? તારી માં શું કરવા માગે છે એની સાથે??" મેં એ બિહામણી ચૂડેલ અમારા વશમાં હોય તે રીતે પૂછ્યું.

મારા સવાલો અને અમે જે એની સાથે કર્યું એની ધારી અસર થઈ હોય તેમ તે ચૂડેલ પઢાવેલા પોપટની જેમ બોલવા લાગી.

" મારી પાસે કેટલીક શક્તિઓ છે જેનાથી હું રૂપ બદલી અને કોઈપણને મારા વશમાં કરી શકું છું. મેં મારી શક્તિનો ઉપયોગ કરીને તમને લોકોને બેહોશી અને અશક્તિ આવે એવો એવો ખોરાક ખવડાવી દીધો હતો. રાત્રે એ જ અવસ્થામાં આ બંનેને અહીં સુધી પહોંચાડી દીધા. બલી ચઢાવવા માટે સંવેદનશીલ અને થોડો ડર જોઈએ જે ગુણો આ બંન્નેમાં વધારે હતા એટલે આ બંનેને બલી માટે પસંદ કરવામાં આવ્યા.

મારી માં આ બંન્ની બલી ચડાવી શક્તિઓ મેળવવા માંગે છે. તંત્ર સાધના દ્વારા બલી આપી તે ફરીથી યુવાન અને ઘણાં વર્ષો સુધી જીવી શકશે." તે ચૂડેલે અમને જણાવતાં કહ્યું.

" તારી માં ડાકણ છે તો તું ચૂડેલ કઈ રીતે બની? આ વાત ગળે ઉતરતી નથી.." ભાવેશે કહ્યું.

" આ એક શ્રાપને લીધે બન્યું હતું. આ મારી માં ને લીધે જ મારી આવી હાલત થઈ છે." ચૂડેલે કહ્યું.

" કેવો શ્રાપ?? તમે અત્યાર સુધીમાં કેટલાં નિર્દોષ લોકોનો ભોગ લીધો છે?? જ્યાં સુધી અમને નહીં જણાવે આ કંઠી આમને આમ જ રહેશે." રાહુલે ગુસ્સા પૂર્વક કહ્યું.

આ સાંભળી ચૂડેલ ડરી ગઈ હોય એમ બધી હકીકત બતાવતાં કહ્યું, " મારી માં પહેલાં અહીંથી ખૂબ જ દૂરના એક ગામડામાં રહેતી હતી. તે દેખાવે કદરૂપી હોવાથી તેનાં લગ્ન થઈ શક્યાં નહીં. આથી તેને સંસાર પર તેમજ બીજા લોકોની ખૂબ જ ઘૃણા થતી.

એક વખત તે ગામમાં સ્મશાનમાં એક તાંત્રિક આવ્યો. તે વાત તેણે સાંભળી અને તે રાત્રે તે તાંત્રિક પાસે ગઈ. તેણે તાંત્રિકને પોતાની વ્યથા સંભળાવી. તાંત્રિકે તેને કહ્યું કે તે તેને એક સુંદર સ્ત્રી બનાવી દેશે પરંતુ તે માટે તેણે તંત્ર સાધના કરવી પડશે.

સુંદર બનવા માટે તે કંઈપણ કરવા તૈયાર હતી. તે રોજ રાત્રે પેલા તાંત્રિક પાસે જવા લાગી. થોડા દિવસોની તંત્ર સાધના પછી તાંત્રિકે તેની પાસે એક નવજાત શિશુની બલી માંગી. ગામમાં એક ગરીબ પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો. તે બાળકને મારી માં ચોરીછૂપીથી ઉઠાવી લાવી અને તે બાળકની બલિ ચઢાવી દીધી.

તાંત્રિકના કહ્યા મુજબ મારી માં એકદમ સુંદર બની ગઈ પરંતુ તાંત્રિકે તેને ચેતવણી આપી કે તારે તારી સુંદરતા જાળવી રાખવા માટે બલિઓ આપતાં રહેવું પડશે. આ સાધનાની સફળતા માટે તારે મારી સાથે સંભોગ કરવો પડશે.

તાંત્રિકે જેમ કહ્યું તે બધું જ મારી માં એ કર્યું. તે તાંત્રિકને લીધે મારી માં ગર્ભવતી થઈ. ગામમાં બાળક ખોવાયા પછી બધા મારી માંને શંકાની નજરે જોતા હતા.

મારા જન્મની થોડી વાર હતી ત્યારે એક વાર સ્મશાનમાં એક છોકરાંની બલી આપવા જતાં એક સાધુએ મારી માંને પકડી લીધી. તંત્ર સાધના દ્વારા તે સાધુને તો મારી માં એ વશ કરી લીધો પરંતુ તે પણ એક પવિત્ર સાધુ હોવાથી તેણે મારી માંને શ્રાપ આપ્યો કે, 'તારી કૂખે એક વિચિત્ર કન્યાનો જન્મ થશે અને તે ચૂડેલ બની જશે. તું ગમે તેટલી તંત્ર સાધના કરીશ તો પણ એક વિચિત્ર પીડાથી સદા પીડાતી રહીશ.'

એ સાધુનો શ્રાપ સાચો પડ્યો. હું એક બિહામણી ચૂડેલ તરીકે જન્મી. મારી માંને પોતાની સુંદરતા જાળવવા માટે રોજ માંસ ખાવું પડતું અને પ્રાણીઓનું લોહી પીવું પડતું. હું તેને આ બધા કામમાં મદદ આવીશ એટલાં માટે તેણે એ રાત્રે કોઈને ખબર ન પડે તેમ એ ગામ છોડી દીધું.

પોતાની તંત્ર શક્તિ દ્વારા તેણે આ જગ્યા શોધી. પોતાની શક્તિઓ દ્વારા આ જગ્યાને અપવિત્ર કરી અહીં રહેવા લાગી. મને તેણે તંત્ર સાધના દ્વારા કેટલીક શક્તિઓ આપી જેથી હું રૂપ બદલીને તેની બલી માટે લોકોને વશ કરી શકું.

મારી માં પેલા સાધુના શ્રાપમાંથી મુક્ત થવા માટે કોઈ સારા મનુષ્યની બલી આપવા માંગે છે. અત્યાર સુધી ક્યારેય તેને સફળતા મળી નથી. એટલા માટે જ તેણે તમારા આ બે મિત્રો પર પસંદગી ઉતારી છે.

હું તમારો બધાંનો જીવ લેવા નહોતી માંગતી. અહીં સુધી પહોંચવું અશક્ય હતું પરંતુ છતાં તમે અહીં પહોંચી ગયા એટલે મારે તમને મારવા જરૂરી હતાં. હું માણસનું લોહી ચૂસીને હંમેશા યુવાન રહી શકું છું. એવું મારી માં એ મને જણાવ્યું છે. "

અમે બધા અવાચક બનીને તેની વાત સાંભળી રહ્યા હતા. તે ચૂડેલ કઈ રીતે બની એ જાણીને અમને પણ નવાઈ લાગી રહી હતી.

" હા. અહીં પહોંચવું અશક્ય હતું પણ છતાં ઈશ્વરની કૃપાથી જાણે અજાણે અમે અહીં સુધી પહોંચી ગયા. હવે તું અમને મારી પણ નહીં શકે કારણ કે તારા વાળ અને જ્યાં સુધી હનુમાન દાદાની આ કંઠી તારી નજીક છે ત્યાં સુધી તું અમને નુકશાન પહોંચાડી નહીં શકે." મેં તે ચૂડેલને ધમકી ભર્યા અવાજે કહ્યું.

કામીનીની માંની તંત્ર સાધના હજુ જોરશોરથી ચાલી રહી હતી. અમને ડર હતો કે જો તેની સાધના પૂરી થઈ જશે તો અમારા મિત્રો અમને ક્યારેય પાછા નહીં મળે.

" તેં અમને બધું જણાવ્યું છે તો હવે એ પણ જણાવી દે કે આ ડાકણની સાધના કેવી રીતે અમે અટકાવી શકીશું? આ ડાકણનો અંત કેવી રીતે થઈ શકશે? " મનોજભાઈએ ગુસ્સા પૂર્વક કહ્યું.

ચૂડેલે એ વાતનો કોઈ જવાબ ન આપ્યો. આથી મેં તેના વાળને સળગતી અગ્નિમાં નાખવાનું કહેતાં તે હકીકત જણાવવા માટે તૈયાર થઈ ગઈ.

" જે અગ્નિમાં તે સાધના કરી રહી છે તે અગ્નિ શક્તિશાળી અને શેતાન સુધી પહોંચવાનો માર્ગ છે તેમજ તાંત્રિક સાધના માટેની જે આકૃતિ છે તે મીટાવી દેતાં સાધના અટકી જશે. મારી માં એ પોતાની તમામ શક્તિઓ અને પોતાનો જીવ સામે જે શેતાનનું ચિત્ર છે તેમાં છુપાવીને રાખી છે આથી તમે એને નુકસાન પહોંચાડશો તો પણ તેને કંઈ થશે નહીં. " ચૂડેલે તેની માં રૂપી ડાકણની હકીકત જણાવતાં કહ્યું.

એની વાત સાંભળીને અમે પળનો પણ વિલંબ કર્યા વિના રાહુલના થેલામાંથી પાણીની બોટલ કાઢીને તે ડાકણ જ્યાં સાધના કરી રહી હતી ત્યાં પહોંચી ગયા.

રાહુલને પાણીની બોટલ આપી મેં એક તીક્ષ્ણ હાડકું હતું તે હાથમાં લઈ લીધું. મને ખબર પડી ગઈ હતી કે આ ડાકણનો અંત કેવી રીતે થશે.

રાહુલને અગ્નિ પર પાણી નાખવાનું અને મનોજભાઈને ડાકણની બધી તાંત્રિક વસ્તુઓ વેરવિખેર કરવાનું કહી હું પેલી શેતાની આકૃતિ પાસે પહોંચી ગયો. ભાવેશને અમે ચૂડેલ પાસે જ ઊભો રાખ્યો હતો.

હું જેવો શેતાની આકૃતિ પાસે પહોંચ્યો કે તરત જ રાહુલે સળગતા અગ્નિ પર પાણી નાખી દીધું. પેલી ડાકણની તંત્ર સાધના ભંગ થઈ અને એણે અમને ત્યાં એટલે તે ક્રોધે ભરાઈ. મનોજભાઈએ નીચે બનાવેલી આકૃતિઓ ભૂંસી નાખી.

તે ડાકણે તેના હાથ હવામાં અધ્ધર કરીને મનોજભાઈને દિવાલ તરફ ફંગોળી દીધા. આ જોઈ મને ડર લાગ્યો. તે ક્રોધમાં બીજું કંઈ કરે તે પહેલાં જ મેં શેતાની આકૃતિની આંખમાં પ્રહાર કરી દીધો. જેવો તે આકૃતિ પર પ્રહાર થયો એવી જ એ ડાકણની આંખમાંથી લોહીની ધાર છૂટી ગઈ. તેને આવી જરાપણ કલ્પના નહોતી.

તે ચીસો અને રાડો પાડતી ચૂડેલ તરફ ધસી ગઈ. આ જોઈ ભાવેશ દૂર ભાગ્યો. તે ડાકણે ગુસ્સામાં આવી પોતાની તાંત્રિક શક્તિના પ્રયોગથી ચૂડેલ પર કંઈક મંત્ર પ્રયોગ કર્યો અને તે સાથે જ ચૂડેલ ભડકે બળવા લાગી. તેણે અાવું શા માટે કર્યું તે અમને સમજાઈ ગયું. તે જાણી ગઈ હતી કે તેના તમામ રહસ્યો તેના દ્વારા અમે જાણી ગયા હતા.

તે ડાકણ અમને કંઈ નુકસાન પહોંચાડે તે પહેલાં જ મેં ફરીવાર શેતાની આકૃતિની નાભી પાસે જોરદાર પ્રહાર કરી દીધો. એ સાથે જ તે ડાકણ લોહી લુહાણ હાલતમાં ત્યાં પડી ગઈ. એક કાંકરે બે પક્ષી મરી ગયાં આથી અમને રાહત થઈ.

રાહુલે ત્યાં પડેલાં આશિષ અને કલ્પેશનાં કપડાં લીધાં અને તેને ભાનમાં લાવવાની કોશિશ કરવા લાગ્યો. પાણી છાંટવાથી તેમજ તાંત્રિક શક્તિઓથી મુક્ત થવાથી તે બંન્નેને થોડો - થોડો હોશ આવ્યો હતો.

એટલામાં અમારા બધાના કાને અવાજ સંભળાયો. ' અલખ નિરંજન, જય ગીરનારી.' અમને બધાને આશ્ચર્ય થયું. અમે ભોંયરાના મુખ તરફ દૂરથી નજર કરી તો પેલી નાનકડી છોકરી અમને ત્યાં દેખાઈ.

મેં બધાને કહ્યું, " ઝડપથી તૈયાર થઈ જાવ. હોય ન હોય આ છોકરી આપણને ક્યાંક લઈ જવા માંગે છે. તે આપણું અહીત કરવા નથી માંગતી. "..... (વધુ આવતા અંકે)

અમે સાંભળેલો એ અવાજ કોનો હશે? તે છોકરી અમને ક્યાં લઈ જવા માંગે છે? અમારી સાથે શું બનવાનું હતું?? અમે સહી સલામત નીકળી શકીશું?? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી આ ગેબી યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.