Hu rahi tu raah mari - 14 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 14

Featured Books
Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 14

મમ્મી-પપ્પાની સાથે ફોનમાં વાત કરી શિવમ ખૂબ જ અસમંજસમાં પડી ગયો કે ઘરે જવું કે નહીં? હજુ સુધી પોતાનો ભૂતકાળ વાગોળતો શિવમ સુવાની તૈયારી જ કરતો હતો ત્યાં ઘરેથી ફોન આવવાથી જાણે તેને આંખમાથી ઊંઘ જ જતી રહી હોય.તેને બહુ સમય સુધી નીંદર જ ન આવી.તે ઘરે જવું કે નહીં તે વિચાર કરતાં ફરી પોતાના ભૂતકાળમાં સરી પડ્યો.
**********************
આજ કોલેજનો બીજો દિવસ હતો. કોલેજ જઈ પહેલા નોટિસ બોર્ડ પર કાલ લેવાયેલી પ્રવેશ પરીક્ષાની યાદી જોવાની હતી. શિવમ અને વિધિ કોલેજે ગયા. કોલેજમાં કાલની જેમ જ ઘણા પ્રવેશાર્થીઓ હતા જેમના ઘણા પાસ થયા હતા અને ઘણાને કોલેજમાં પ્રવેશ નહોતો મળ્યો. શિવમે નોટિસમાં જોયું કે તેને અને વિધિ બંનેને કોલેજમાં પ્રવેશ મળી ચૂક્યો હતો.આથી તે બંને ખૂબ જ ખુશ હતા. બંનેએ પોતાને કોલેજમાં પ્રવેશ મળી ચૂક્યો છે તેની ખબર ઘરે આપી દીધી.
“ શિવમ ચાલ કેન્ટીન તરફ જઇએ. સવારનો કઈ નાસ્તો નથી કર્યો તો ભૂખ પણ ખૂબ લાગી છે. આમ પણ કોલેજનો પહેલો દિવસ હોવાથી બધા વિધ્યાર્થીઑ ત્યાં જ હશે.નવા મિત્રો પણ બની જશે.” વિધિ.
“ હા ઠીક છે.” શિવમ.
શિવમ અને વિધિ બંને કેન્ટીન તરફ ગયા. ઘણા બધા વિધ્યાર્થીઓ એકબીજા સાથે પરિચય કેળવતા હતા. ઘણા તો મિત્રો પણ બની ગયા હતા. બધા પોતપોતાની રીતે ગ્રુપ બનાવીને બેઠા હતા. પણ શિવમ અને વિધિ તો બંને પહેલેથી જ એકબીજાની સાથે હતા તો તેમને એકલું લાગવા જેવી કોઈ પરેશાની જ નહોતી. શિવમ નાસ્તો લઈ આવ્યો. બંને નાસ્તો કરવા લાગ્યા. થોડીવારમાં એક અજાણ્યો છોકરો આવ્યો અને શિવમને સંબોધીને કહ્યું, “ હલ્લો હું અહી તમારી સાથે બેસી શકું?”
“ તમે કોણ?” શિવમ.
“ હું વેદ.”અજાણ્યો છોકરો.
“ હલ્લો હું શિવમ. હા ચોક્કસ તમે અહી અમારી જોડે બેસી શકો. ” શિવમ.
“ હું અહી કોલેજમાં નવો છું.આજ જ પ્રવેશ પરીક્ષાનું પરિણામ આવ્યું અને મને ખબર પડી કે મને કોલેજમાં પ્રવેશ મળી ગયો છે. ક્લાસરૂમમાં જઈને જોયું તો કોઈ હતું નહીં માટે હું અહી આવી ગયો.અહી પણ બધાને મોટા મોટા ગ્રુપમાં બેઠેલા જોયા તો ત્યાં જવાનું ટાળ્યું પણ પછી તમને બંનેને અહી એકલા બેઠેલા જોયા તો થયું કે તમારી સાથે હું વાત કરું.” વેદે એક જ શ્વાસે બોલી દીધું.
“ ઓહ તો તમે ખૂબ જ સારું કર્યું. અમે પણ હમણાં જ અહી આવ્યા.આ મારી મિત્ર વિધિ છે અને અમે અહી સાથે જ કોલેજમાં આવ્યા છીએ.” શિવમ.
“ હલ્લો, શિવમ અને વિધિ. હું દિલ્હીથી આવ્યો છું અને તમે?” વેદ.
“ અમે બંને સુરતથી આવ્યે છીએ.પણ તમે દિલ્હીથી છેક અહી? મારા ખ્યાલથી દિલ્હીમાં પણ ઘણી સારી કોલેજો છે. તો તમે અહી મુંબઈ સુધી માત્ર ભણતર માટે? કે પછી આ કોલેજમાં જ તમારી ભણવાની ઈચ્છા છે એવું કઈ?” વિધિ.
“ ના ના ભણવું તો માત્ર બહાનું છે. હું અહી ખાસ તો અભિનય ક્ષેત્રમાં મારૂ નસીબ અજમાવવા માટે આવ્યો છું.” વેદ.
“ ઓહ ...ખૂબ જ સરસ વેદ.” શિવમ.
“ હા વેદ, અભિનય તો ખૂબ જ સરસ વાત છે. અને અભિનયમાં જ જો તમારે તમારું નસીબ અજમાવવું છે તો મુંબઈથી શ્રેષ્ઠ કોઈ શહેર નહીં હોય શકે.” વિધિએ વેદથી પ્રભાવિત થતાં કહ્યું.
“હા માટે જ મે આ શહેર ભણતર માટે પસંદ કર્યું. મારા પપ્પાને હું અભિનય ક્ષેત્રમાં જાઉં તે પસંદ નથી આથી હું અહી ભણતરના બહાને અહી આવ્યો છું.” વેદ.
“ તમે અહી ક્યાં રહેવાના છો કઈ નક્કી કર્યું?” વિધિ.
“ ના કાલ તો હોટલમાં રોકાણ કર્યું હતું પણ આજ હવે જોઉં છું ક્યાક રહેવાની વ્યવસ્થા કરવી જોશે. કાલ તો મને ખબર નહોતી માટે હોટલમાં રોકાણ કર્યું પરંતુ આજ તો હવે નક્કી થઈ ગયું કે કોલેજમાં પ્રવેશ મળી માટે હવે તો ક્યાક કોઈક જગ્યા પર તો રહેવાનુ નક્કી કરવું જ રહ્યું.” વેદ.
“ તો તમે અમારી જોડે રહી શકો. અમે પૂરો ફ્લેટ જ રાખ્યો છે.3 રૂમના તે ફ્લેમાં તમારો પણ આરામથી સમાવેશ થઈ શકશે.” વિધિ.
“ અરે ના ના તમે તકલીફ ન લો. હું મારી વ્યવસ્થા જાતે જ કરી લઇશ.” વેદ.
“ અરે તેમાં તકલીફની શું વાત છે? અમે બંને રહીએ છીએ તો તમે પણ રહો અમારી સાથે.અમને કોઈ જ વાંધો નથી. કેમ બરબારને શિવમ?” વિધિ.
“ હા વેદ તમે અમારી જોડે ચોક્કસ રહી શકો.” શિવમ.
“ હા વેદ હવે તો શિવમ પણ કહે છે તો તમે અમારી જોડે જ રહેવા આવી જાઓ.” વિધિ.
“ સારું ઠીક છે. પણ મારી એક શરત છે. તમે બંને મહેરબાની કરીને “તમે” કહેવાનું બંધ કરો. તમે મને “તું” કહીને બોલાવશો તો મને વધારે ગમશે.” વેદ.
“ ઠીક છે વેદ તું અત્યારે જ તારો બધો સામાન લઈને અમારી જોડે ચાલ.” શિવમ.
“ ઠીક છે.” વેદ.
***************************
શિવમ, વિધિ અને વેદ ત્રણેય એક જ ફ્લેટમાં પછી રહેવા લાગ્યા. ત્રણેય સાથે કોલેજ આવવું-જવું , કેંટિનમાં જ સાથે રોજ નાસ્તો કરવો, પ્રોજેકટનું કામ આ બધુ સાથે જ કરવા લાગ્યા.આમ જોતાં જ દિવસો જવા લાગ્યા. વિધિ તો માત્ર કોલેજ જ કરી રહી હતી . તેને કઈ ખાસ પગભર બનવા વિચાર નહોતો કર્યો. જ્યારે વેદ અને શિવમ બંને અલગ અલગ ક્ષેત્રમાં પગભર બનવા તૈયારી કરી રહ્યા હતા.વેદ ફિલ્મ ક્ષેત્રમાં જવા માગતો હતો. આથી તે તેના માટે અલગ અલગ ફિલ્મનિર્માતાઓ પાસે જઇ પોતાના અભિનયની કુશળતા બતાવી રહ્યો હતો. વેદ દેખાવમાં ખૂબ જ આકર્ષિત હતો સાથે તેનો અભિનય પણ ખૂબ જ જોરદાર હતો પણ તેને અભિનય ક્ષેત્રમાં પૂરતી સફળતા નહોતી મળી રહી કારણ કે તે એક સમાન્ય પરિવારમાંથી આવતો એક મધ્યમ વર્ગનો યુવક હતો. જ્યારે શિવમ બીજી ઉચ્ચવર્ગની સરકારી નોકરી માટેની પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો.આથી તેનો દિવસનો મોટા ભાગનો સમય વાંચવામાં વિતાવી દેતો હતો. તેને એક દિવસ તો તેના પિતાની સંપતિ અને ઘર પોતાના સ્વમાનને કારણ છોડવું જ જોશે. જો તે પહેલા તે કઈક સારી નોકરી મેળવી લે તો તે તેનું અને વિધિનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે.
વેદ એક મધ્યમ વર્ગના પરિવારમાથી આવતો હોવાથી મોટા ભાગનો ખર્ચ વિધિ અને વેદનો શિવમ જ ઉઠાવતો. તે ક્યારેય વેદ પાસેથી કોઈપણ ખર્ચના પૈસા માંગતો નહીં. જ્યારે વિધિને તો તે પોતાનું પરિવાર જ સમજતો આથી તેના બધા ખર્ચ ઉપરાંતના મોજશોખનો ખર્ચ શિવમ જ ઉઠાવતો.પણ શિવમ વિધિને સમય ન આપી શકતો. વિધિ આ વાતથી ખૂબ જ દુખી થાય છે તે આ વાત સમજતો. પણ તેની પાસે એક સ્થાયી સારા પગારની નોકરી મેળવવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. તે પણ વિધિ સાથે એક સારો સમય વિતાવવા માંગતો હતો. પણ વિધિ માટે જ હવે તે આટલી મહેનત કરી નોકરી મેળવવા માંગતો હતો. જ્યારે વેદ શિવમની સરખામણીમાં ઘણો સમય વિધિને આપી શકતો. આથી વિધિ વેદ પ્રત્યે ખૂબ જ આકર્ષિત થતી હતી. પણ પછી તેને યાદ આવતું કે શિવમ ખૂબ જ પૈસાદાર પિતાનો પુત્ર છે આથી તે સમજતી કે શિવમ સાથે લગ્ન કરવામાં જ તેની ભલાઇ સમજતી. પણ તે મનોમન વેદને પસંદ કરવા લાગી હતી પણ વેદની સમાન્ય અવસ્થા જોઈ તે વેદને આ વાતનો ઉલ્લેખ ન કરતી.આખો દિવસ વેદ અને વિધિ બંને એક બીજાના સંપર્કમાં ખૂબ જ રહેતા હતા. ફિલ્મ જોવા જવી, ખરીદી કરવી કે હોટલમાં જમવા જવું તે બંને સાથે જ હોય. ભાગ્યે જ ક્યારેક શિવમ તે બંનેની સાથે જઈ શકતો. ખર્ચની કોઈ ચિંતા નહોતી કેમ કે બધો ખર્ચ વિધિનો શિવમ પૂરો કરતો અને શિવમ પણ વિધિ માંગે તેટલા પૈસા તેને આપતો. શિવમ સમજતો કે તે વિધિને સમય તો નથી આપી શકતો પણ વિધિના શોખ પૂરા કરી તે વિધિને ખુશ રાખી શકે.આમ પણ વેદ તો વિધિ સાથે હોય પછી તેને કોઈ ચિંતાની વાત જ નહોતી.પણ વેદને વિધિ સાથે એકલા ફરવામાં ખૂબ જ રસ હતો. શિવમ તેમની સાથે આવે તે વાત વિધિ કે વેદ બંનેમાથી કોઈને પણ પસંદ નહોતી જ્યારે શિવમ એવું સમજતો કે વિધિ તેને ખૂબ જ ચાહી રહી છે...
*************************
વેદ અને વિધિ આગળ શું કરશે? કેવી રીતે શિવમને વિધિ તરફથી દગો મળ્યો? શું શિવમ જાણતો હતો કે વેદ અને વિધિ બંને તેનો ઉપયોગ કરે છે? શિવમ તેના મમ્મી-પપ્પાને વિધિ દ્વારા મળેલા દગાની જાણ કરી શકશે? શિવમના જીવનમાં ઉદભવેલી પરેશાનીનું નિરાકરણ તે કેવી રીતે કરશે જોઈશું આવતા ક્રમમા...
***************************
વાંચક મિત્રો માટે,
આ નવલકથા માત્ર વાંચકોના મનોરંજન હેતુ લખવામાં આવી રહી છે.જો કોઈ ફિલ્મ નિર્માતા કે શોર્ટ મૂવી માટે આ વાર્તાનો ઉપયોગ કરવો હોય તો તેમણે પહેલા લેખકનો કે માતૃભારતી સંપર્ક કરવા નમ્ર વિનંતી. જો આમ નહીં કરવામાં આવે અને આ વાર્તાનો કોઈપણ ભાગ લેખકની અનુમતિ વગર જ ઉપયોગમાં લેવામાં આવશે તો લેખક અને માતૃભારતી દ્વારા કાયદેસર પગલાં લેવામાં આવશે...આભાર.