GEBI GIRNAR-RAHASYAMAY STORY - 12 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૨)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૨)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૨)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ. એક પછી એક નવી - નવી મુસીબતો અમારી સામે આવતી જાય છે. અજગર અને દીપડીથી બચીને અમે ભાવેશને ભોંયરામાંથી શોધી કાઢીએ છીએ. અમારી પાસે પાણી હોતું નથી. છોકરીના રહસ્યના તાણાવાણા ઉકેલવામાં અમને એક પાણીથી ભરેલો ઘૂનો મળી આવે છે. એ ઘૂનામાં નહાતી વખતે એક મગર અચાનક આવી ચડે છે ત્યારે મારા સિવાય બાકી બધા બહાર હોય છે.
હવે આગળ...

મેં પાછળ ફરીને જોયું તો એક નાનો મગર મારી તરફ આવી રહ્યો હતો. એ જોઈને જાણે મારી છાતીના પાટીયા બેસી ગયા. બધા મિત્રો ઉપરથી બૂમો પાડી રહ્યા હતા કે તું જલદી બહાર નિકળ. એ બધા ઘૂનાના કાંઠે આવીને પોતાના હાથ લંબાવી રહ્યા હતા પરંતુ મગરને જોઈને જાણે કે હું બધું વિસરી ગયો હતો. મને કંઈ જ સૂઝતું નહોતું.

ઘણીવાર એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે એ વખતે આપણે શું કરવું તેની કંઈ સૂઝ પડતી નથી. આપણી વિચાર શક્તિ શૂન્ય થઈ જાય છે. એટલે જ કદાચ આપણાં મન પર આપણે કાબુ રાખી શકતાં નથી.

એકાએક મને ભાન થયું અને મેં પાણીની અંદર ડૂબકી લગાવી દીધી. પાણીની સપાટી કરતાં પાણીની અંદર વધુ ઝડપથી તરી શકાતું હોય છે. હું ડૂબકી લગાવીને કાંઠા તરફ જવા લાગ્યો.

કલ્પેશને પણ એક યુક્તિ સૂઝી. તેણે થેલામાંથી એક ડોકમાં નાખવાનું કપડું કાઢ્યું. એ કપડાંને એક લાકડીમાં વીંટાળીને એણે મગર તરફ ફેંક્યું. આમ કરવાથી મગરનું ધ્યાન તે કપડાં તરફ ખેંચાયું અને તે મારી પાછળ આવવાને બદલે તે કપડાંને શિકાર સમજીને તેના પર ઝપટ્યો.

આમ કરવાથી મને થોડો સમય મળી ગયો અને હું જેમ બને તેમ ઝડપથી કાંઠા તરફ ભાગ્યો. ઘણીવાર સુધી નાહવાથી તેમજ કૂદકા મારવાને લીધે મને ખૂબજ થાક લાગ્યો હતો. મને તરવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી. મારી છાતી ધમણની જેમ ચાલી રહી હતી. જ્યારે ડર અને થાક એકસાથે આપણાં પર હાવી થઈ જાય ત્યારે આવું બનતું હોય છે.

હવે આ તરફ મગર પણ પેલાં કપડાંને છોડીને પાણીમાં અદ્રશ્ય થઈ ગયો હતો. મને એ ખબર હતી કે તે અચાનક હુમલો કરશે. હું જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગયો.

બધાએ એક બીજાના હાથ પકડીને મારા તરફ હાથ લંબાવ્યો. મેં હાથ પકડીને ઉપર તરફ જવા જેવું જોર લગાવ્યું તેવું જ મારૂં પેન્ટ મગરે પોતાના મોઢામાં લઈ લીધું. આવું અચાનક થવાથી મેં કાંઠે ભરાવેલો પગ પણ લપસ્યો અને હું છાતી પર ઘૂનાના કાંઠા સાથે અથડાયો.

મગર પોતાની પૂરી તાકાતથી મને પાણીમાં ખેંચી રહ્યો હતો અને ઉપરથી મારો હાથ પકડીને બધા મને ખેંચી રહ્યા હતાં. એક પ્રકારનું દ્વન્દ્વ યુદ્ધ મગર અને અમારા બધાની વચ્ચે શરૂ થઈ ગયું હતું. મગર પોતાના શિકારને કોઈ પણ ભોગે છોડવા તૈયાર નહોતો.

એક વાત એ પણ હતી કે અમે બધાએ જ્યારે નાહવાની શરૂઆત કરી ત્યારે મારા સિવાય બધા પેન્ટ કાઢીને નહાયા હતા. હું એકલો જ પેન્ટ પહેરીને પાણીમાં પડ્યો હતો. એ જ પેન્ટ અત્યારે મગરના મોઢામાં આવી ગયું હતું. જો પેન્ટ ન હોત તો કદાચ મારો પગ અત્યારે મગરના મોઢામાં આવી ગયો હોત. મને એ વાતની પણ ખબર હતી કે જો વધારે આમ ચાલ્યું તો મારો પગ પણ મગરનાં મોઢામાં આવતાં વાર નહીં લાગે.

એ બધા મને ઉપર તરફ ખેંચવાના પ્રયાસો કરી રહ્યાં હતાં એ દરમિયાન રાહુલે કાંઠા પાસે એક ધારદાર લાકડું જોયું. એણે બીજા બધાને હાથ પકડી રાખવાનું કહીને તે લાકડું લઈ આવ્યો.

પાણી અને કાંઠા વચ્ચે બે - ત્રણ હાથનું અંતર હોવાથી એ લોકોને મને ખેંચવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી. મારો હાથ પણ એકધારા ખેંચતાણને લીધે અસહ્ય રીતે દૂ:ખી રહ્યો હતો.

રાહુલ લાકડું લઈને મારી પાસે કાંઠે આવ્યો. મારો પગ પાણીની અંદર હોવાને લીધે મગર દેખાઈ નહોતો રહ્યો. જો કદાચ મોટો મગર હોત તો અત્યારે મારો કોળીયો કરી ગયો હોત.

મેં રાહુલને કહ્યું, "‌ તું મારા પગની ચિંતા કર્યા વગર મારા પગની નીચેની તરફ પાણીમાં પ્રહાર કરી દે. નહીંતર આમ પણ હું હવે વધુ વાર આ રીતે લટકીને નહીં રહી શકું.

મનોજભાઈ : " જનાબ! તું હાથ બરાબર પકડીને રાખજે. અમે ગમે તેમ કરીને તને ઉપર ખેંચી લઈશું."

આશિષ : " જનાબ! તું મને કહેતો હતો ને? તો તું પણ હવે હિંમત હારતો નહીં! "

" મારાથી હવે વધુ સમય આ રીતે રહી શકાય તેમ નથી. જ્યારે રાહુલ લાકડાંનો પ્રહાર કરે અને હું તમને કહું ત્યારે એકસાથે જોર લગાવીને ઉપર ખેંચી લેજો. " મેં એકદમ હાંફતા અવાજે બધાને ઉદ્દેશીને કહ્યું.

મેં રાહુલને ઈશારામાં પ્રહાર કરવા કહ્યું. રાહુલે મારો ઈશારો સમજીને બરાબર નિશાન લગાવીને પાણીમાં જોરદાર પ્રહાર કરી દીધો. સદનસીબે મારા પગને એ લાકડું વાગ્યું નહીં પરંતુ એ કદાચ મગરના મોઢા પર અથડાયું.

થોડીવાર પછી મને લાગ્યું કે પાણી સ્થિર થઈ ગયું છે. મેં પાણીમાં પગ હલાવીને જોયું તો મારો પગ મગરના મોઢામાંથી છૂટી ગયો હતો.

મેં બધાને બૂમ પાડીને જોર લગાવવા કહ્યું. એ બધાએ હતું એટલું જોર એકઠું કરીને મને ઉપર ખેંચી લીધો. એકધારા જોરને લીધે અમે બધા ઉપર એકબીજા સાથે અથડાઈને પડી ગયા.

રાહુલ હજુ ત્યાં જ લાકડું લઈને મગરના બહાર આવવાની રાહ જોઈને બેઠો હતો. થોડીવાર પછી થોડેક દૂર મગરનું મોઢું દેખાયું. લાકડું બરાબર મગરની આંખ પાસે લાગ્યું હતું. લાકડું લાગવાને લીધે અને શિકાર છટકી જવાને કારણે મગર વધારે ગુસ્સે થયો હોય એવું લાગ્યું પરંતુ તેને પણ કંઈ હાથ નહીં લાગે એવ ખબર હોય તેમ તે બીજી તરફ આવેલી ઘુનાની બખોલોમાં અદ્રશ્ય થઈ ગયો.

હું થોડીવાર સુધી કાંઠા પર પીઠભર સુઈ રહ્યો. બધાએ મારા પગમાં જોયું. મેં જીન્સનું પેન્ટ પહેરેલું હતું. મારૂં પેન્ટ થોડું ફાટ્યું હતું પરંતુ મારાં પગમાં થોડાઘણાં ઉઝરડા સિવાય કંઈ વાગ્યું નહોતું. મારી છાતી કાંઠા સાથે ઘસારાને લીધે થોડી છોલાઈ ગઈ હતી.

મારા હાથમાં બિલકુલ તાકાત નહોતી. પાણી પીવા માટે બોટલ પણ મારાથી ઉપાડી શકાય તેમ નહોતી. મનોજભાઈએ મને થોડો નાસ્તો આપ્યો અને મને એમ જ આરામ કરવા દીધો.

કદાચ આ ઘૂનામાં એક જ આ નાનો મગર હોવો જોઈએ કારણ કે અમે જ્યારે બધા નહાતા હતા ત્યારે તે મગરે અમારાં પર હૂમલો ન કર્યો પરંતુ મને એકલાને જોઈને તેણે હૂમલો કર્યો હતો. જો બીજા કોઈ મગર હોત તો અમારાં બધા પર હૂમલો થયો હોત.

અડધા કલાક પછી કલ્પેશે મને કહ્યું, " જનાબ! કોઈ તકલીફ તો નથી ને? આપણાં પર એટલી તકલીફો આવી રહી છે કે મને તો અહીંથી નિકળવાનું હવે અશક્ય લાગી રહ્યું છે. "

" એ વાત પણ સાચી છે ને કે દરેક તકલીફોનો આપણે હિંમત પૂર્વક સામનો પણ કર્યો છે! તકલીફો તો કદાચ હજુ પણ આવશે જ એ વાત પણ નક્કી છે કારણ કે એવી કોઈ શક્તિ છે જેને આવી રીતે આપણું અહીં આવવું મંજુર નથી. એ શક્તિ આપણને નવી - નવી મુસીબતો આપી રહી છે. ભલે ગમે તેવી મુસીબતો આવે પરંતુ મને એ વાતનો વિશ્વાસ છે કે કોઈપણ ભોગે આપણે અહીંથી હેમખેમ નિકળી જઈશું." મેં મક્કમતા પૂર્વક કલ્પેશભાઈને કહ્યું.

આવી હાલતમાં પણ મારામાં આટલી હિંમત જોઈને કલ્પેશભાઈને શાંતિ થઈ. તેણે મારા ખભા પર હાથ મૂકીને ઈશારામાં મારી વાતનું સમર્થન કર્યું.

થેલામાં હવે વધુ નાસ્તો બચ્યો નહોતો. ઉપર હતા ત્યારે રસ્તો મળી જવાની ખુશીમાં અમે મોટા ભાગનો નાસ્તો ખાઈ ગયા હતા. હવે એકાદ ચિક્કીનું પેકેટ અને પાંચ - છ પરોઠા બચ્યાં હતાં.

એ બધાએ એમાંથી ભાગે પડતો નાસ્તો લઈને ખાઈ લીધો. હવે અમારી પાસે ખાવા માટે કંઈ બચ્યું નહોતું. અમારી મંઝીલ હજુ કેટલી દૂર છે એની પણ અમને ખબર નહોતી અને એમાં પણ જો વધુ સમય લાગે તો ખાવા માટે અમારી પાસે કંઈ જ નહોતું.

પાણીનો પ્રશ્ન દૂર થઈ ગયો તો હવે ખાવાનો પ્રશ્ન સામે આવીને ઊભો હતો. એ વિશે વિચાર કરતાં બધા ત્યાં ગુમસુમ બેસી રહ્યા હતા.

અચાનક મનોજભાઈએ ચૂપ રહેવાનું કહી અને સામેની તરફ આંગળી ચીંધીને કહ્યું કે, " સામેથી કોઈ આવી રહ્યું છે. આપણે ઝડપથી ક્યાંક છૂપાઈ જઈએ."

અમે આસપાસ નજર દોડાવી. ઘૂનાથી થોડે દૂર એક કાંટાળી ઝાડી હતી અને તેના પર વેલાઓની ઓથ હતી. મને આશિષે ટેકો આપ્યો. અમે બધા ઝડપથી તે ઝાડી પાછળ છૂપાઈ ગયા.

અમે ઝાડીની પાછળ જોયું તો એક યુવાન સ્ત્રી જેણે સુંદર ચણીયો અને માથે માટીની નાની માટલી મૂકીને ઘુના તરફ આવી રહી હતી......( વધુ આવતા અંકે )

ગીરનાર પર્વત પર વેરાન વિસ્તારમાં આ યુવાન સ્ત્રી કોણ હશે? શું ભૂખ્યા પેટે અમે જંગલમાંથી બહાર નીકળી શકીશું?? એવી કઈ શક્તિ હતી જે અમને મુસીબતમાં પાડી રહી હતી?? જંગલમાં તે નાનકડી છોકરી કોણ હતી?? જાણવા માટે વાંચતા રહો ગિરનારની અમારી રહસ્યમય યાત્રાના આવનારા ભાગો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.