An Indian spy in Pakistan in Gujarati Book Reviews by Bakul Dekate books and stories PDF | An Indian spy in Pakistan

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

An Indian spy in Pakistan

'' આની પત્ની જનરલ યાહ્યા ખાનની બળજબરીથી બનાવેલી રખૈલ છે."
"અરે ના. તે જનરલની જ પત્ની છે. તેમની દયા થી ક્યારેક હું તે સ્ત્રીનો હમબિસ્તર બનું છું."
યાહ્યા ખાન વિશે પ્રચલિત થયેલી આવી વાતોથી પાકિસ્તાનમાં ફેલાયેલા સરમુખત્યાર અને લશ્કરી શાસનનો વિકૃત પરિચય મળે છે. પાકિસ્તાનીઓ વિશે મારી પાસે થોડીક જાણકારી હતી જ, જેમકે વ્યવસ્થિત દાઢીધારી, સોનાની ફ્રેમવાળા ચશ્મા અને હાથમાં હીરાની વીંટીઓ પહેરનાર શેખ વાહીદ નામનો શખ્સ આદમખેલ વિસ્તાર અને પેશાવરની પેલી તરફ રહેલા કૈર નગરથી નકલી ચલણ(નોટો) નો ધંધો કરતો હતો. ઇન્ડિયન રૂપી, અમેરિકન ડોલર, રશિયન રૂબલ વગેરે નકલી ચલણ તેની પાસેથી માંગ અનુસાર મળી રહેતા. આ ધંધામાં ૨૫-૫૦ ટકાનો નફો હતો. આ શેખ વાહીદની પત્ની એટલે કે યાહ્યા ખાનની રખૈલ ઉર્ફે બેગમ એક ગેસ્ટ હાઉસ ચલાવતી. જોકે મને જાણ છે કે એ ગેસ્ટ હાઉસ નહિ પણ એક વેશ્યાલય છે. RAW નો જાસૂસ હોવાથી આવી જાણકારી તો મને સૂત્રો પાસેથી મળી જ જતી.
બેગમની કોઠીએ પહોંચીને મેં ૨૦૦ રૂપિયા આપ્યા અને તમામ યુવતીઓને નાપસંદ કરી બેગમને પસંદ કર્યા. બેગમને તે ગમ્યું કારણકે તેને પણ ભૂખ હતી. રાત અમે સાથે વિતાવી. બેગમ જરાક દારૂ પીધેલી હાલતમાં હતી. નશામાં રહેલી બેગમ પાસેથી મેં યુક્તિ વાપરીને શેખ વાહીદ, તે લોકો ક્યાંથી આવ્યા છે, મિલિટરી અફસરો અને કેટલીક ગુપ્ત મિલિટરી બાબતો વિશે જાણી લીધું. સવાર પડી ત્યારે બાહુપાશમાં બેગમને જકડી રાખી મેં છાપું વાંચ્યું જેમાં લાહોર છાવણીમાં ચાર વિદ્રોહીઓને મારી નાખવામાં આવ્યા એમ લખ્યું હતું. આ સફેદ જુઠાણું હતું કારણકે મેં સગી આખે પાકિસ્તાની સેના દ્વારા હજારો લોકોની નિર્મમ હત્યા જોઇ હતી.
ત્યારબાદ વિદાય લઈને હું સુરક્ષિત જગ્યાએ એટલે કે શાહનૂર સ્ટુડિયો પહોંચ્યો. જ્યાં ઘણા યુવાનો યુવતીઓ નસીબ અજમાવવા આવતા. સ્ટુડિયોમાં રહેતો હોવાથી કોઈને મારી ઉપર ભારતીય જાસૂસ તરીકેનો સંદેહ નહોતો જતો.
*****
કોઈ હોલીવુડની ફિલ્મ જેવો પ્લોટ લાગ્યો ને. ભલે લાગતું પણ આ એક સત્ય ઘટના છે અને RAW એજન્ટ મોહનલાલ ભાસ્કર દ્વારા લિખિત પોતાના જીવનચરિત્ર એટલે કે ઓટો-બાયોગ્રાફી 'An Indian spy in pakistan' ના પહેલા પ્રકરણનો સારાંશ માત્ર છે. પાકિસ્તાનની શંકાસ્પદ હિલચાલ ઉપર બારીક નજર રાખી ભારતને સાવચેત રાખી એક ડગલું આગળ રાખવું એટલું જાસૂસ તરીકેનું તેમનું કાર્ય. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી RAW માં મોહનલાલ અંડરકવર એજન્ટ હતા. તેઓ ૧૯૬૭ થી ૧૯૭૪ સુધી પાકિસ્તાન જેલમાં કેદ રહ્યા હતા. પાકિસ્તાની વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધી વચ્ચે સિમલા કરાર થયો ત્યારે મોહનલાલ સહિત બધા ભારતીય જાસૂસોને મુક્ત કરવામાં આવ્યા હતા. પહેલા પ્રકરણના સારાંશ માત્ર થી તમને સમજાઈ ગયું હશે કે તમે એક દિલધડક કથા વાંચવા જઇ રહ્યા છો.
સાવચેતી, અગમચેતી, દુરદર્શિતા, દીર્ઘ સ્મરણશક્તિ અને પૂર્ણવાદીતા જાસૂસના જીવનમાં કેટલા અનિવાર્ય હોય છે તે દર્શાવતી કથા આગળ વધે છે પાકિસ્તાનના બદામી બાઘ નામના બસ સ્ટેશનેથી. અહીંથી નાયક લાહોર થી મુલતાનનો પ્રવાસ આરંભે છે એક પરિચિત યુવાન ગાઈડ સાથે. પરદેશી હોવાથી ગાઈડ રોકવો જ પડતો. કથાનાયકને મુલતાનની મિલિટરી હોસ્પિટલેથી બાતમીદાર પાસેથી કોઈ ગુપ્ત માહિતી મળવાની હોય છે.
મુલતાન પહોંચીને યુવા ગાઈડને વિદાય આપી નાયક રીક્ષા કરી મિલિટરી હોસ્પિટલે પહોંચે છે. જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ ફિલ્મી સ્ટાઇલમાં એક કાગળ મોહનલાલના પેન્ટના ખિસ્સામાં સેરવી જતો રહે છે. કામ પતાવીને નાયક ફરીથી લાહોર આવી જાય છે. લાહોરના શાહનૂર સ્ટુડિયો માં રોકાણ કરી આગળની ગુજરાનવાલા યાત્રાનું આયોજન કરવા.
જાસૂસને આસપાસના બધા લોકો ઉપર શંકા જાય. એટલે જ લાહોર થી ગુજરાનવાલા જવાને બદલે નાયક વાયા લિયાલપુર થઈને જાય છે. ગુજરાનવાલા કોઈને શંકા ના જાય તે માટે સાથે રહેલા વૃદ્ધ ભોમિયાની આંખોની તપાસના બહાને આંખની હોસ્પિટલની મુલાકાત લઈ છેવટે ખારીઆન નામના સ્થળે પહોંચે છે. ખારીઆન પાકિસ્તાનની સૌથી મોટી મિલિટરી કેંટોનમેન્ટ એટલે કે લશ્કરી છાવણી હતી જે અમેરિકાની મદદ લઈ બાંધવામાં આવી હતી. ત્યાં નાયક કેટલાક મિલિટરી વાહનોની કવાયત જુવે છે અને Paton તથા shaffe નામની ૧૦૫ mm ગનવાળી ટેન્ક જુવે છે. મિલિટરી એક્સરસાઈઝ જોવા નાયક ઝેલમ સુધી ખેંચાય છે. પાકિસ્તાની મિલિટરી ટેન્ક વિશેની માહિતી મેળવવા માટે નાયકે કરેલી માથાપચી નો અહીં સંક્ષિપ્તમાં વર્ણન છે. વધુમાં, પોતાની ઓળખાણ છુપાવવા મોહનલાલે અપનાવેલી તરકીબોનો ચિતાર બીજા પ્રકરણમાં મળે છે.
*****
ત્રીજા પ્રકરણનો હાર્દ માત્ર એટલો જ કે ખારીઆનથી પરત ફરીને પિતા જેવા બની ગયેલા વૃદ્ધ ભોમિયા એટલે કે બાબા સામુંડ સિંઘ એલિયાઝ ઇમામુદ્દીન સાથે તેઓ મોહંમદ અશરફ બટ્ટ એટલે કે 'બહેનોવાલા બટ્ટ' ના ત્યાં રોકાય છે. મોહંમદ અશરફને ત્રણ રૂપાળી બહેનો હોવાથી તેમને 'બહેનોવાલા બટ્ટ' એવું હુલામણું નામ મળે છે. સવારે તેઓ ત્યાંથી વિદાય લે છે ત્યારે રસ્તામાં એક પાનવાળાને ત્યાં રેડીઓમાં સમાચાર સાંભળે છે કે પાકિસ્તાનમાં લાંબા સમયથી કેદમાં રહેલા ત્રણ ભારતીય જાસૂસોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. જેમાંથી બે જણાંના નામ કપૂર અને ગુરા હતા. આ સાંભળી મોહનલાલ ગભરાઈ જાય છે અને પાકિસ્તાન છોડવાની તજવીજ હાથ ધરે છે.
અહીંયા કથાનાયકની જાસૂસી બુદ્ધિએ અજમાવેલા કેટલાક ઉપાયોનું વર્ણન છે. જેમકે લશ્કરી છાવણીની મુલાકાત માટે તેઓ નજીકના ગામડેથી ભેંસ ખરીદતા અને આગળના ગામડામાં વેચી દેતા. જેથી લોકોની નજર તેમના બદલે ભેંસ પર જાય.
અંતમાં કેવીરીતે તેઓ બદામી બાઘથી બસ કરી બોર્ડર થી એકદમ નજીક આવેલા સ્થળ હુડીયારા પહોચે છે તેની વાત છે. બોર્ડર નજીક નાયક કેવીરીતે બુદ્ધિ વાપરી એક સૈનિક ની નજર ચુકાવે છે તેની સાહસકથા છે. સૈનિક દ્વારા અહીં ગોળીબાર થાય છે પણ મોહન અને બાબા બચી જાય છે અને બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશી જાય છે.
*****
કેટલાક દિવસો પછી મોહનલાલ ભારત થી પાછા પાકિસ્તાન આવે છે અને કેવા સંજોગોમાં તેમની ધરપકડ એક ડબલ એજન્ટ દ્વારા થાય છે તેનો વૃતાંત ચોથા પ્રકરણમાં મળે છે.
રાત્રીના અંધકારમાં પાકિસ્તાનમાં પ્રવેશ કરતી વખતે બોર્ડર નજીકના મકાઈના ખેતરમાં નાયક અને બાબા ઊંઘી જાય છે અને પ્રભાત થવાની પહેલા તેઓ પાકિસ્તાનમાં ઘુસી જાય છે. અત્રે મોહનલાલ જણાવે છે કે પાકિસ્તાનમાં ના ઘુસવા માટેના અનેક અમંગળકારી સંકેતો તેમને મળે છે પણ તેમને અવગણવું તે જ તેમની નિયતિ બની જાય છે. ત્યારબાદ તેઓ જલંધરમાં રહેવા લાગે છે. જલંધર માં સાથે રહેતો એક એજન્ટ(વાસ્તવમાં ડબલ એજન્ટ) પાકિસ્તાનને મોહનલાલ ની તમામ જાણકારી આપી દે છે. આ એજન્ટનું નામ અમ્રિક સિંઘ. મોહનલાલના એક એજન્ટ સાથે મિત્રતા કેળવીને અમ્રિક સિંઘ મોહનલાલની સાથે રહેવા આવી જાય છે. અમ્રિક સિંઘના આગમન અગાઉ ચાર ભારતીય એજન્ટની ધરપકડ થઈ ચૂકી હોય છે. તેથી મોહન જરાક સાવચેત રહે છે. મોહન ને અમ્રિક ઉપર વિશ્વાસ નથી હોતો પણ તેઓ આ બાબતે કશું નથી કરી શકતા કારણ કે અમ્રિક પણ આખરે RAW એજન્ટ હતો.
એક દિવસ જ્યારે તે અને બાબા બસમાં લાહોર જતા હોય છે ત્યારે અમ્રિક સિંઘ કેટલાક લોકો સાથે છોટા બરકા સ્ટેશનેથી બસમાં ચડે છે અને મોહનની બાજુમાં ગોઠવાઈ જાય છે. મોહનને દાળમાં રહેલા કાળા તત્વની હાજરી પરખાઈ જાય છે એટલે જ તે ગુપ્ત ફોટોઝ વાળો કેમેરા રસ્તામાં આવતી ઇચોગિલ કેનાલમાં બધાનું ધ્યાન ચૂકાવીને ફેંકી દે છે. ત્યારબાદ બસ જ્યારે ઝમીનદાર હોટલે રોકાય છે ત્યારે અમ્રિક મોકો જોઈ ગાયબ થઈ જાય છે અને તેની સાથે રહેલી પોલીસ મોહનલાલની ધરપકડ કરી લે છે અને જલંધર છાવણીએ લઈ જવામાં આવે છે. ધરપકડ વખતે મોહન જાસૂસને છાજે તેવા ખોટા અહેવાલ આપે છે, જેમકે તે સાહિવાલ ના ચોક નં. ૭ માં રહેતો અને ભેંસ વેચવાનો ધંધો કરતો મોહંમદ અસલમ છે. જોકે મિલિટરી પાસે મોહનની રજેરજ ની જાણકારી હોય છે. આવા કપરા સમયે ઠંડુ દિમાગ રાખનાર મોહન જેવા ભારતના સવાયા પુત્રોને કોટિ વંદન.
પ્રથમ ચાર પ્રકરણ નું વિસ્તૃત વર્ણન એટલે કર્યું જેથી વાચકો જાણી શકે કે નાયકને જેટલી વાર જુબાની આપવાની થાય છે ત્યારે તેઓ ઉપરોક્ત વર્ણન મુજબનું સ્ટેટમેન્ટ આપે છે.
*****
વિશ્વની તમામ જાસૂસીકથાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી કથા આગળ વધે છે મોહન ઉપર ગુજારવામાં આવેલા દિલ દહેલાવી મુકનાર શારીરિક અત્યાચાર અને જુલમીઓ ની વચ્ચે રહેતા એક ધાર્મિક અને દયાળુ ચોકીદાર કરામત અલીની શાણપણભરી વાતોના વર્ણન સાથે.
ધરપકડ બાદ મોહનલાલને પાકિસ્તાની એરફીલ્ડની નજીક આવેલા ફિલ્ડ ઇન્ટેરોગેશન યુનિટ 596(FIU 596) ખાતે લઈ જવામાં આવે છે. જ્યાં દેખાવડા પણ સ્વભાવે ક્રૂર એવા મેજર એજાઝ મકસુદ દ્વારા કથાનાયકની 'એટમીક એનર્જી કમિશન, ઇસ્લામાબાદ' વિશે પૂછપરછ શરૂ થાય છે. શરૂઆતમાં ચાય આપીને પ્રેમપૂર્વક પૂછપરછ થાય છે, પરિવારની દુહાઈ અપાય છે. પણ જ્યારે મોહનલાલ કો-ઓપરેટ નથી કરતા ત્યારે તેમના માટે સ્થિતિ બદતર બને છે. તેમની ધરપકડ વખતે તેમના લગ્નને માંડ એક વર્ષ થયુ હતું. પત્નીના ગર્ભમાં બાળક હતું. છતાં પરિવારને અગ્રીમતા ના આપતા દેશને પ્રાધાન્ય આપે છે.
વાતવાતમાં મેજર એજાઝ કબૂલે છે કે અમે અમ્રિક સિંઘ ને ખરીદી લીધો હતો તેમ તમે પણ અમારા કોઈ માણસને ૧૩૦૦૦ માં ખરીદીને એટોમિક એનર્જી વિશેની ફાઇલ મેળવી ભારત મોકલી દીધી છે. કબૂલ કરશો તો સજા ઓછી મળશે. અન્યથા કુરાન-એ-કરીમ ની કસમ ખાઈને કહું છું કે તમને અહીં જ દોઝખ દેખાડી દઈશું. પણ મોહનલાલ પોતાને કશી જાણ ન હોવાની વાતનું રટણ ચાલુ રાખે છે.
જક્કી વલણ જોતા મેજર એજાઝ મોહનલાલને ક્રૂર હવાલદાર અઝીઝ ના હવાલે કરે છે અને કહે છે જ્યારે આ મોઢું ખોલે ત્યારે મારી પાસે લાવજો. રાવલપિંડીનો હવાલદાર સૌપ્રથમ મોહનને નગ્ન કરી દે છે અને પેટના ભાર ઉપર સુવડાવી દે છે. ત્યારબાદ બે જવાન તેમના હાથ પગ પકડે છે અને નગ્ન અવસ્થામાં રહેલા મોહનલાલને હવાલદાર અઝીઝ લાકડાની સોટી વડે દોઢ કલાક સુધી સતત ઢોર માર મારે છે. શરીરમાં લોહીની અનેક ટશરો ફૂટી નીકળે છે. ધીરે ધીરે તેમની ચેતના ઓછી થાય છે અને આંખો ભારી. છેવટે નાયક બેભાન થઈ જાય છે પણ કશું કબૂલ નથી કરતા. જોકે અમ્રિક સિંઘે પહેલે થી બધી જાણકારી આપેલી હોય છે જ છતાં ......
લગભગ એક કલાક બાદ જ્યારે તેમની આંખો ખુલી ત્યારે તેઓ ૬ ફૂટ લાંબા અને ૩ ફૂટ પહોળા અંધારિયા રૂમમાં હોય છે. આગળ લોખંડના સળિયા અને તેની આગળ લાકડાનો દરવાજો હતો. દરવાજામાં ચાર ઇંચ લાંબો ખુલ્લો ભાગ હતો. જેમાંથી ગાર્ડ અંદર જોઈ શકતા. થોડીવારે મોહનલાલને બાબા સામુંડ ની ભયાનક ચીસો સંભળાય છે. તે વૃદ્ધ વ્યક્તિને બાજુના સેલમાં ચાર પાંચ વ્યક્તિઓ ઊંધા લટકાવીને ધીબેડી રહ્યા હતા.
તે વખતે જ નાયકને ફરીથી હથકડી પહેરાવીને એક ટોર્ચર રૂમમાં લઇ જવામાં આવે છે. અહીંયા નાયકને દોરીથી બાંધી છત ઉપર ટીંગાળી ને હવામાં ઝૂલવા દેવામાં આવે છે. જ્યાં ચાર પાંચ સુબેદાર લોખંડના સળિયા વડે પીઠ, કમર, પેટ, થાપા, જાંઘ, પગ ના તાળવા વગેરે ઉપર ઢોર માર મારે છે. માર વખતે બે જવાન દોરી ઉપર ખેંચતા જેથી મારની અસર વધે અને તેના કારણે દોરી હથેળીના માંસમાં ઘુસી જતી. અસહ્યનિય પીડા વેઠી ચૂકેલા દેશપ્રેમીની ઇન્દ્રિયો કામ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે એક હદ બાદ તેમને કોઈ પીડાનો એહસાસ થતો નથી. તેમની ચીસો શાંત થાય છે અને તેઓ પુનઃ બેભાન થાય છે. તેમના મોઢા ઉપર પાણી છાંટીને ફરીથી ભાનમાં લાવવામાં આવે છે અને ફરીથી માર મરાય છે. ફરીથી બેભાન થાય છે. પણ કશું સ્વીકારતા નથી.
આંખ ખુલે છે ત્યારે તેઓ બીજા કોઈ રૂમમાં હોય છે. જ્યાં તેમને ખાવાનું આપવામાં આવે છે ત્યારે તેમના હાથ રોટલી લેવા જેટલું શ્રમ પણ નથી કરી શકતા. ત્યારે ગાર્ડ કમાન્ડર કરામત અલી આવીને તેમના હાથની માલિશ કરી આપે છે જેથી તેઓ જમી શકે છે. કરામત અલી નાયકને શાબાશી આપતા કહે છે ,"શાબાશ. તું બહાદુર છો. હિંમત ન હારીશ અને જે પણ ભગવાનમાં તું માનતો હોય તેમનામાં વિશ્વાસ રાખો અને પ્રાર્થના કરો. અમારા યુસુફ-ઉલ-ઇસ્લામ પણ ચાલીસ વર્ષ કેદમાં રહેલા અને નિરંતર પ્રાર્થના કરી, હેમખેમ મુક્ત થયા હતા. અલ્લાહ તેમને જ આવી યાતનાઓ આપે છે જે તેમને સહન કરવાની શક્તિ રાખતા હોય. તારું કપાળ જોઈને હું કહી શકું છું કે તને અલ્લાહે કોઈ કોઈ ખાસ મકસદ માટે અહીં મોકલ્યો છે. માટે વ્યસ્થિતપણે ભોજન લે અને અલ્લાહની બંદગી કર. એક દિવસ તું ચોક્કસ તારી પત્ની અને બાળકોને મળી શકીશ."
કરામત અલી ની આવી ડાહી ડાહી વાતો બીજા બે ત્રણ ફકરા સુધી પથરાયેલી છે. ત્યારબાદ પેશાબ, કુદરતી હાજત, નાહવા ધોવાની અને ખાવા પીવાની જેલમાં કેવી વ્યવસ્થા છે તેની વાતો છે. બીજા દિવસે મેજર એજાઝ આવે છે અને જણાવે છે કે સુબેદાર અનવર સાહેબ તમારું સ્ટેટમેન્ટ લેવા આવ્યા છે. તેમને સાચું જણાવજો અને કશું છુપાવતા નહિ. એટલું ધ્યાનમાં રાખજો કે અમારી પાસે તમારા વિશેની બધી જાણકારી છે. તેથી સાચું સ્ટેટમેન્ટ આપજો. આજે તમને કોઈ સ્પર્શ નહિ કરે. આજે માર ખાવામાંથી મુક્તિ.
આ પ્રકરણનું વિવરણ લાબું કરવા પાછળનો ધ્યેય એટલો જ કે વાચકોને મોહનલાલને આપવામાં આવતી શારીરિક યાતનાઓ ની જાણકારી મળી શકે.
*****
આ પ્રકરણમાં લેખકને બાજુની સેલમાંથી આખી રાત દર્દભરી ચીસો અને માં-બહેનની ગાળો સંભળાઈ. લેખક ભાષા પરથી એટલું પામ્યા કે માર ખાનાર તે વ્યક્તિ ભારતીય છે. બીજા દિવસે સુબેદાર અનવર ખબરઅંતર પૂછવા અને સાચેસાચુ જણાવી દેવાની સમજણ આપવા મોહનલાલ પાસે આવે છે ત્યારે તેઓ અનવરને પૂછે છે કે બાજુની સેલમાં કોણ છે? શું કામ તેને ક્રુરતાની હદે કુટવામાં આવી રહ્યો છે. ત્યારે અનવર બડાઈ મારતા કહે છે કે તું તેનાથી પદાર્થપાઠ લે. તેને પાકિસ્તાની સુબેદારો બે મહિનાથી થર્ડ ડીગ્રી આપી રહ્યા છે છતાં તે ભારતીય કૂતરો કાઈ ભસતો નથી. તારે આવું જીવન ના જોઈતું હોય તો સાચું સ્ટેટમેન્ટ આપી દે.
ત્યારબાદ લેખકની ઉત્કંઠા વધે છે આથી તે દિવસે ગાર્ડ તરીકે આવેલા સાખી મોહંમદ પાસેથી જાણકારી મેળવે છે. સાખી જણાવે છે કે બે મહિના પહેલા ગેરકાયદે ઘુસી આવેલી ભારતીય વ્યક્તિની પાકિસ્તાની મિલિટરીએ ધરપકડ કરી હતી. બે મહિનાથી પાકિસ્તાની મિલિટરી તેના પર અમાનુષી ત્રાસ ગુજારી રહી છે પણ આ માણસ નિર્ભય બની તેમને માં-બહેનની ગાળો આપે છે અને કહે છે કે જા તારી માઁ-બહેન ને બોલાવ. મારી જોડે સુવા માટે. એટલે છંછેડાયેલા અફસરો તેને ઓર ગડદાપાટું મારતા. બે મહિના વીત્યા છતાં અફસરો તેની સાચી ઓળખાણ મેળવી શક્યા નથી. તે વ્યક્તિ કહે છે કે તેનું નામ 'ખોહ સિંઘ' છે અને તેના પિતાનું નામ ફૈઝલ સિંઘ છે. પણ અફસરોને તેના પર વિશ્વાસ નથી.
ત્યારબાદ નાયકને જીપનો અવાજ આવે છે. જીપના તે લોકો ખોહ ને ખેંચીને લઈ જાય છે અને કહેતા જાય છે કે આજે તને બોર્ડર પર લઈ જઈશુ અને એન્કાઉન્ટર કરી નાખીશું. છતાં તે ખોહ સિંઘ નામની વ્યક્તિ ડરતી નથી અને તે અફસરોને ગાળો આપતો રહે છે. ત્યારબાદ જીપ જતી રહે છે. મોહન ત્રણ કલાક સુધી બાજુની સેલમાં રહેલી વ્યક્તિના આગમનની રાહ જુવે છે પણ કોઈ નથી આવતું. બાદમાં મોહનલાલ ઊંઘી જાય છે.
અત્રે દુશમન દેશના ગાર્ડ પાસેથી પણ માહિતી કઢાવવાનો ભારતીય જાસૂસનો કસબ દેખાય છે. શરીર ભલે ઘવાયેલું હોય પણ દિમાગ હજી ધારદાર છે નાયકનું. પાકિસ્તાની મિલિટરી દ્વારા ભારતીયો ઉપર ગુજારવામાં આવતા અમાનુષી ત્રાસની વરવી વાસ્તવિકતા પણ અહીં ઉઘાડી પડે છે.
*****
એ દિવસને બાદ કરતાં સળંગ મહિના સુધી વિવિધ પ્રકારે નાયકને થર્ડ ડીગ્રી અપાય છે જેમ કે ઇલેક્ટ્રિક શોક આપવા, જખમ ઉપર લાલ મરચનો પાવડર ભરવો, બરફની સ્લેબ ઉપર સુવડાવી માર મારવો વગેરે. એક મહિનાના કારાવાસ બાદ ચાર માણસો તેમને અને બાબા સામુંડ સિંઘને આંખે પાટા બાંધી જીપ માં બેસાડીને ઘોંઘાટીયા બજારમાંથી થઈને લાહોરના નૌલખા પોલીસ સ્ટેશને છોડી દે છે. આ પોલીસ સ્ટેશન ટોર્ચર આપવા માટે કુખ્યાત હતું.
બંને જણાને ત્યાંના વૃદ્ધ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ચૌધરી નિસાર એહમદ સમક્ષ પ્રસ્તુત કરાય છે. તેમના નેતૃત્વ હેઠળ નાયક અને બાબા ઉપર કેટલાક ખોટા અપરાધોના તહોમત મુકાય છે અને અંડર 29 DPR અને સેક્શન ૩ ઓફ ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને 59 આર્મી એક્ટ ઓફ પાકિસ્તાન ની કલમો લાગુ કરાય છે .
ત્યારબાદ શિયાળા સમયે ત્યાંની જેલની સુવિધા અને પાકિસ્તાની કેદીઓની ભારતીય ગીતો પ્રત્યેની આશિકી દર્શાવાઇ છે. રાતની ઊંઘ લીધા બાદ સવારે તેમને ટોન્ગા(ઘોડાગાડી)માં કોર્ટ લઈ જવામાં આવે છે. જ્યાં તેમના ઉપર કાર્યવાહી કરી મેજિસ્ટ્રેટ ઇર્ષાદ અલી શાહ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર મૂકે છે. કોર્ટથી પરત ફર્યા બાદ નાયક અને બાબાને ચૌધરી નિસાર સમક્ષ ઇન્ટરોગેશન માટે લઈ જવામાં આવે છે. વાતવાતમાં નાયકને ખબર પડે છે કે તેમના પિતા કોન્સ્ટેબલ અમીન ચાંદ અને ચૌધરી નિસાર સારા મિત્રો હતા. આ જાણીને ચૌધરી નિરાશ થઈને કહે છે,"અરે મૂર્ખ તું તારીજાત ઉપરાંત તારા પિતાની લાગણીઓ સાથે કેમ રમત રમી રહ્યો છે? તને ખબર પણ છે તારા માટે તારા પિતાએ કેટલી મસ્જિદો અને મંદિરોના પગથિયાં ઘસ્યા છે તે. તું તેમની બીજી પત્ની દ્વારા થયેલો સંતાન છું. તારા જન્મ સમયે તેમણે ભવ્ય જલસા નો આયોજન કરેલો. જેમાં મોટા મોટા વ્યક્તિઓ નિમંત્રીત હતા, હું પણ તેમાંનો એક હતો."
વાત પતાવીને ચૌધરી નાયકને થોડા પૈસા આપે છે અને વચન આપે છે કે ત્રણ દિવસના રિમાન્ડ દરમ્યાન કોઈ તારા ઉપર હાથ નહિ ઉગામે. મારાથી તેટલું જ થઈ શકશે મારા બાળક. અહીંયા જાસૂસી સંગીન ગુન્હો છે. કોઈની કતલ કરી હોત તો હું તને આઝાદ કરાવી શકત પણ જાસૂસીના ગુન્હા માટે હું કઈ કરી શકું તેમ નથી. બસ હું પ્રાર્થના કરી શકું છું કે અલ્લાહ તારા ઉપર દયા દાખવે અને એક દિવસ તું તારી પત્ની અને બાળકને મળી શકે.
ચૌધરી નું એક માર્મિક વાક્ય અહીંયા ટાકવા જેવું છે જેમાં તેઓ કહે છે કે હિંદુઓ અને મુસ્લિમોને દુશમન બનાવે છે પંડિતો અને મુલ્લાઓ. RSS અને મુસ્લિમ લીગના નેતાઓ. તેમના દ્વારા આરોપિત વિષ સર્વત્ર ફેલાઈ ચૂક્યું છે. આ વાક્ય આજે પણ તેટલું જ પ્રસ્તુત લાગે છે, નઈ!
આ પ્રસંગ વખતે નાયક કબૂલે છે કે બધા પાકિસ્તાનીઓ ખરાબ નથી હોતા. તેમનામાં નેક અને દયાળુ એવા કરામત અલી અને ચૌધરી નિસાર જેવા વ્યક્તિઓ પણ હોય છે. જેમના માટે મોહનલાલ પોતીકા જેવી લાગણી અનુભવી રડી પડે છે.
ત્રણ દિવસના રિમાન્ડ બાદ તેમને કોટ લખપત જેલના 'ડેથ સેલ' નામે ઓળખાતા વિભાગમાં મોકલી દેવામાં આવે છે.
*****
કોટ લખપત જેલ વિશે નાયક કહે છે કે આ જેલ કુશળ કેદીઓથી ઉભરાતી એક યુનિવર્સિટી સમાન છે. જેમાં રેગીંગ એટલે કે સલામ ની પ્રથા છે પણ મોટા અપરાધિઓને તે સલામ માંથી બાકાત રાખવામાં આવે છે. ભારતીયો ની સેલ પાકિસ્તાનીઓ કરતા અલગ રખાઈ હતી. અહીંયા જ અગાઉ પકડાયેલા ૬ ભારતીય જાસૂસોને કેદ કરવામાં આવ્યા હોય છે. નવી બનેલી જેલમાં પ્રથમવાર મોહનલાલને સારા ટોયલેટ જોવા મળે છે.
જેલના બીજા દિવસે મોહનલાલ ઉંઘમાંથી ઉઠે છે ત્યારે અચાનક બધા કેદીઓ એક સાથે "ઇન્કલાબ જિંદાબાદ. પીપલ્સ પાર્ટી જિંદાબાદ. કૈદ-એ-આઝમ જિંદાબાદ. આયુબ શાઇ મુર્દાબાદ" ના નારા લગાવે છે. આ નારા ભુટ્ટો સાહેબ માટે હોય છે, જેમને પકડીને જેલમાં લાવવામાં આવ્યા હોય છે. ભુટ્ટો સાહેબની ધરપકડ કરી તેમને જેલમાં લાવવામાં આવ્યા છે તેવી જાણ થતાં દેશ તેમના સમર્થનમાં છે તેવો સંદેશ આપવા કેદીઓ દ્વારા આ પ્રકારના સૂત્રો પોકારવામાં આવ્યા હતા. બે-લગામ થયેલા ઉગ્ર કેદીઓને શાંત પાડવા સુપ્રિન્ટેનડેન્ટે ભુટ્ટો સાહેબને માઇક આપવું પડે છે.
ભુટ્ટો સાહેબ બધાને શાંત કરતા કહે છે કે "હું તમારા આદર અને સમ્માનની કદર કરું છું પણ અજાણતાં માં તમે જેલની ઑથોરિટી ને હેરાન કરી રહ્યા છો. તેમની નોકરી આપણા કારણે ખતરામાં મુકાઈ રહી છે. તેથી શાંત થાઓ. કાલે હું દરેકની મુલાકાત લઇશ. પાકિસ્તાન જિંદાબાદ." ત્યારબાદ ભુટ્ટો સાહેબને જાણ થાય છે કે નાયક ભારતીય જાસૂસ છે ત્યારે ત્યાં આવીને ભુટ્ટો કહે છે કે જેવી તમારી હાલત છે તેવી જ હાલત કદાચ ભારતીય જેલમાં પાકિસ્તાની કેદીઓની હશે. પણ હું તમને વિશ્વાસ આપું છું જો અમારી સરકાર સત્તાપદે આરૂઢ થશે તો હું દરેક ભારતીય કેદીને ભારત પહોંચાડીને રહીશ.(અને ભવિષ્યમાં તેઓ પોતાનું વચન પાળી બતાવે છે.) આ સાંભળીને બધા ભુટ્ટો સાહેબ જિંદાબાદ ના નારા લગાવે છે. ભુટ્ટો સાહેબને A કલાસ બેરેકમાં રાખવામાં આવે છે.
પાંચમા દિવસે ગવર્નર ઓફ પંજાબ તરફથી અમને દોષિત જાહેર કરતો રિપોર્ટ આવે છે. જેમાં અમને સેક્શન 29 ઓફ ધ ડિફેન્સ ઓફ પાકિસ્તાન એક્ટ હેઠળ છ મહિનાની સોલિટરી કનફાઇનમેન્ટ એટલે કે એકાંતવાસ ની સજા ફટકારવામાં આવે છે. આથી સજારૂપે અમને શાહી કિલા નામની જેલના સબ-ઇન્સ્પેક્ટર સ્પેશ્યલ બ્રાન્ચ CID શાહી મંઝુર હુસૈનને સોંપી દેવાય છે. હથકડી પહેરાવી અને આંખે પાટા બાંધી અમને લાહોરમાં આવેલી શાહી કિલા જેલ લઇ જવામાં આવે છે.
*****
શાહી કિલા જેલને 'Hell on earth' તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 'એક કેદી, એક સેલ, એક સંત્રી' નો શિરસ્તો ચાલતો. એક સંત્રી એક કેદીની સતત પૂછપરછ કરતો રહેતો, રાઉન્ડ ધ કલોક. દરેક કેદીને અંડરગ્રાઉન્ડ સેલમાં રાખવામાં આવતા. એકવખત નાયકને જેલમાં મારને કારણે નીકળતી તીણી ચીસને બદલે ખોહ સિંઘનો પરિચિત અવાજ સંભળાય છે. તેથી તેઓ ખુશ થાય છે કે ખોહ સિંઘ જીવિત છે અને તેમની નજીક છે. ત્યારબાદ જેલ અને તેની આસપાસના ટ્રેડમાર્ક જેવા સ્થળોનો ઇતિહાસ અને ભૂગોળ વર્ણવ્યો છે. આ જેલની એકદમ નજીક આવેલા તિબ્બી બઝારમાં ૬૦૦૦ વેશ્યાઓ ધરાવતું વેશ્યાલાય છે વગેરે જેવી જાણકારી અપાઈ છે.
એક સાંજે સેલનો દરવાજો ખુલે છે અને મેજર એજાઝ મકસુદ તેમની પાસે આવીને બેસે છે. મેજર અનેક પ્રલોભનો આપીને મોહનલાલને સમજાવે છે કે તેઓ સ્ટેટમેન્ટ બદલી દે અને એમાં ઉમેરો કરે કે તે રાત્રે ગુલબર્ગમાં તેમની સાથે મેજર આરીફ પણ હતા. જો મોહન આમ કરશે તો તેમને મુક્ત કરીને ભારત મોકલી દેવાશે તેવી સોગંધ ખાવામાં આવે છે. છતાં લાંબી માનસિક કસરત બાદ મોહનને એવું કરવું અનુચિત લાગે છે. આથી તેઓ લાંબી ચર્ચા બાદ મક્કમપણે તે ઓફર ને નકારી કાઢે છે.
મેજર અને નાયક વચ્ચેની વાર્તાલાપને કારણે જાણવા મળે છે કે ગદ્દાર અમ્રિક સિંઘ ને કેદ કરીને શાહી કિલા જેલમાં જ રાખવામાં આવ્યો છે. જે જાણીને નાયકને રાત્રે પહેલી વખત ઘણા સમયે નિરાંતની નિંદર આવે છે.
*****
એવું કહેવાય છે કે શાહી કિલા ની પુરાણી દીવાલો પણ એવી પ્રાર્થના કરતી કે કોઈનો કેસ સબ-ઇન્સ્પેક્ટર ગુલ અનાર ખાનને ના સોપાય. આમ તો શાહી કિલા ના તમામ જેલર ક્રૂર સ્વભાવના પણ એ બધાનો બાપ એટલે ગુલ અનાર ખાન. અમસ્તો તેને જલ્લાદ તરીકે નથી ઓળખવામાં આવતો. કેદીઓની આંગળીઓ તોડી નાખવી, પાંસળી ના હાડકા ભાંગી નાખવા વગેરે તેના ગુણ અથવા અવગુણ હતા. કહેવાય છે કે જ્યારે તે ઇન્ટેરોગેટ કરતો ત્યારે અપરાધી ગ્રામોફોન રેકોર્ડની જેમ વાગવા લાગતો.
પક્ષીઓના કલરવના અવાજથી વહેલી પ્રભાતે ઉઠેલા નાયકને એકવાર જલ્લાદ ગુલ અનાર સમક્ષ લઇ જવામાં આવે છે. સ્વયં ભય પણ જેના નામ માત્રથી થરથર ધ્રૂજે છે તેને સામે જોઈને નાયકના કરોડરજ્જુમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે. નાયક ટોર્ચર માટે તૈયાર થઈ જાય છે પણ તેમના આશ્ચર્ય વચ્ચે ગુલ અનાર નાયકના કુળ અને સૂર્યવંશ વિશે પૃચ્છા કરે છે. વાતવાતમાં નાયકને ખબર પડે છે કે ગુલ અનાર પોતે ચંદ્રવંશી રાજપૂત રાજા છે.
સમાન વિષયમાં રુચિ ધરાવતા બે વિદ્વાનો ત્યારબાદ ચંદ્રવંશ-સૂર્યવંશ વિશે, શ્રીકૃષ્ણ અને શ્રીરામ વિશે, કબીર-નાનક-ગાંધી વિશે, હિંદુ ધર્મના તત્વદર્શન વિશે, પાકિસ્તાન અને ભારતના ભાગલા વિશે, સેક્યુલરિઝમ વિશે, બ્રાહ્મણો દ્વારા નીચી જાતિના લોકોને થયેલા અપમાન અને અન્યાયને કારણે ધર્મ-પરિવર્તન કરતા હિંદુ લોકો વિશે, અસંતુષ્ટ હિંદુ લોકોને મુસ્લિમો તરફથી મળેલા પ્રેમને કારણે મોટાભાગના હિંદુઓ વટલાયા અને પરિણામે મુસ્લિમ જાત વિશાળ સ્તરે ફેલાવા લાગી તેના વિશે, હિંદુઓ પ્રત્યે વેરભાવ રાખનાર મૂળથી હિંદુ એવા મુસ્લિમો રોષ દેખાડવા કેવીરીતે ગાયનું માંસ ખાવા લાગ્યા તેના વિશે, પાકિસ્તાનના અભણ અને દંભી મૌલાઓ વિશે, પાકિસ્તાનીઓ સેક્સ ભૂખ્યાં હોવાથી અસ્તિત્વમાં આવેલી બહુવિવાહ પ્રથા વિશે, જગતના અન્ય મુસ્લિમો અને ભારત-પાકિસ્તાનના મસ્લિમો હિંદુઓ પ્રત્યે કેવી ભાવના રાખે છે તેના વિશે વિસ્તૃત ચર્ચા થાય છે.
ઇતિહાસના વિદ્યાર્થી મુસ્લિમ ગુલ અનારે હિંદુ ધર્મ વિશે કરેલી જ્ઞાનસભર ચર્ચાનું વર્ણન વાર્તાને નવો જ વળાંક આપે છે. ગુલ અનાર પોતે કબૂલે છે કે તેના દાદા-પરદાદા ચંદ્રવંશી હિંદુ રાજા હતા અને ભાગલા વખતે પાકિસ્તાનમાં વસેલા હોવાથી જીવિત રહેવા માટે ધર્મપરિવર્તન કરી મુસ્લિમ બનેલા. કમસેકમ આ પ્રકરણમાં હિંદુ અને મુસ્લિમ ધર્મ માટેના રાજા ગુલ અનાર જેવા ક્રૂર મુસ્લિમના તર્કસંગત અને બુદ્ધિગમ્ય વિચાર વાચવા માટે વાચકોએ આ પુસ્તક વાંચવું જ રહ્યું. આ પ્રકરણ વાંચીને તેમને ક્રૂર કહેવું ઉચિત નથી લાગતું.
વિચારોમાં સમાનતા અને હિંદુ ધર્મ વિશે કૂણી લાગણી ધરાવતા રાજા ગુલ અનાર અને નાયક વચ્ચે ત્યારબાદ રોજની મુલાકાત અને ચર્ચાઓ થાય છે. નાયકને રાજા જેલની ખુલ્લી છત પર લઈ જઈને વાતો કરે છે. તેમની વચ્ચે એક સ્નેહનો સંબંધ બંધાઈ જાય છે. રાજા પોતે નાયક માટે આહાર લાવે તેવો સ્નેહ બંધાય છે. નાયકને રાજા તરફથી પુસ્તકોની ભેટ મળે છે. પૃથ્વી પરની નર્ક ગણાતી જેલમાં વિતાવેલા ૬ મહિના દરમ્યાન નાયકને કોઈ એક લાફો સુધ્ધા મારી નથી શકતો. પ્રકરણના અંતમાં રાજા ગુલ અનાર આંખોમાં સ્નેહના આંસુ સાથે નાયકને જણાવે છે કે તે બાપ બની ગયો છે અને ઉજવણી માટે સાથે મીઠાઈ પણ લાવે છે. આ પ્રસંગે બંને રડી પડે છે. આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે ગુલ અનારની નાયક સાથે કેટલી હદે આત્મીયતા બંધાયેલી.
અત્રે પણ નાયક પાસે સ્ટેટમેન્ટ લખાવવામાં આવે છે. મોહનલાલ કોટ લખપત જેલના સ્ટેટમેન્ટનું બેઠું લખાણ અહીંયા ઉતારી દે છે. જેથી તેઓ ખોટા સાબિત ના થાય. (સ્ટેટમેન્ટ તરીકે પ્રથમ ચાર પ્રકરણ યાદ કરી લેવા)
હિંદુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્ય નું કારણ મનભેદ નહિ બલ્કે મતભેદ છે તેવું દ્રઢપણે માનનારા ગુલ અનાર ૧૩મી માર્ચે મોહનલાલને જણાવે છે કે હવે તેમને FIC(ફાઇનલ ઇન્ટરોગેશન સેન્ટર) રાવલપિંડી ખાતે સિનિયર ઓફિસર્સ દ્વારા ઇન્ટરોગેશન મટે લઈ જવામાં આવે છે. વિદાય વેળાએ નાયક મનોમન વિચારે છે કે કસાઇવાડા જેવી જેલમાં પણ મિત્ર ની જેમ સંભાળ રાખનાર ગુલ અનારને કેમ કરીને ભુલાશે અને તેઓ રડી પડે છે. જે પાકિસ્તાનીઓ તેમને મારી નાખવા માંગે છે તેમના માટે રડી પડતું નાયકનું દિલ કેટલું ઋજુ હશે.
*****
એક ASI અને બે કોન્સ્ટેબલ નાયકની સાથે ટ્રેનમાં બેસી નીકળી પડે છે FIC એટલે કે ફાઇનલ ઇન્ટરોગેશન સેન્ટર રાવલપિંડીના પ્રવાસે. નાયક માટે આ પ્રવાસ ઘણો જોખમભર્યો સાબિત થાય છે. રસ્તામાં આવનારા લગભગ દરેક સ્ટેશન પરના લોકો નાયકને ભારતીય આતંકવાદી સમજીને મારવાનો પ્રયત્ન કરે છે. ફરજપરસ્ત ASI જોકે બધા વિઘ્નોને પાર પાડી નાયકને સહીસલામત રાવલપિંડી પહોંચાડે છે.
FIC ઇમારતને મોટી કાંટાળી તારથી મઢી દેવાઈ હતી. ASI નાયકને FIC ના સુબેદાર શેર ખાનને સોંપીને ચાલ્યો જાય છે. રાવલપિંડીની જેલમાં નાયક પર સતત નજર રાખવામાં આવતી. કોઈ ગાર્ડને નાયક સાથે વાતચીત કરવાની પરવાનગી નહોતી.
મેજર કમાલ રઝા જદૂન જેલનો સર્વેસર્વા હતો. સ્વભાવે તે દુષ્ટ અને નિર્દય હતો. તે સિવાય સ્ટાફમાં કેપ્ટન/ડોકટર સૈયદ હતો. જેને ટોર્ચર એક્સપર્ટનું બિરુદ મળેલું હતું. આ ઉપરાંત સુબેદાર શેર ખાન, હવાલદાર અબ્દુલ રેહમાન ખટક અને એક ક્લાર્ક હતો. જેમાં હવાલદાર અબ્દુલ એકમાત્ર દયાળુ હતો.
જેલમાં રાશનના ક્વોટામાં નાયકને સિગરેટ પણ આપવામાં આવે છે! ક્યારેય સ્મોકિંગ ના કરનારી વ્યક્તિ અહીંયા આવીને સિગરેટનો બંધાણી બની જાય છે!
જેલમાં પધાર્યા ને ત્રીજા દિવસે મેજર કમાલ ની આજ્ઞાથી સુબેદાર શેર ખાન નાયકને કપડાં ઉતરાવી આખી રાત રોકાયા વગર સતત ચાલવાની સજા આપે છે. જો નાયકના પગ અટકે તો તેમને ફટકારવામાં આવતા. તે રાત્રે નાયકની હાલત કથળી જાય છે. આથી સુબેદાર તેમને ત્રણ વાગ્યે સુવાની પરવાનગી આપે છે. બીજા દિવસે સવારે તેમને હથકડી પહેરાવીને મેજર કમાલ અને ડોકટર સૈયદ સમક્ષ હાજર કરાય છે. ટોર્ચર ચેમ્બરમાં નાયકની આંખોમાં કોઈક રસાયણ રેડવામાં આવે છે. જેથી તેમની દ્રષ્ટિ ઝાંખી થાય છે ત્યારબાદ તેમને Morphia/મોરફીયા ના ઇન્જેક્શન આપવામાં આવે છે. જેના કારણે તેઓ ભાન ગુમાવી બેસે છે અને B. P. હાઈ થઈ જાય છે. નશાની હાલતમાં રહેલા નાયકની પૂછપરછ નો દોર શરૂ થાય છે. અર્ધબેભાન અવસ્થામાં નાયકના મુખે રેન્ડમલી કેટલાક નામ નીકળે છે. જેના મગજનો છેદ ઉડી ચુક્યો છે તેવો મૂર્ખ મેજર એવા નામ ધરાવતા બે નિર્દોષ લોકોને ઉપાડી પણ લાવે છે! (પાકિસ્તાની પોલીસ છે ભાઈ)
લગભગ '૨૬ કલાક' બાદ નાયક ભાનમાં આવે છે. ત્યારે તેમને જાણ થાય છે કે નશાની હાલતમાં આપેલા બયાનના આધારે મેજર બે નિર્દોષ વ્યક્તિઓને પકડી લાવ્યા છે, ત્યારે તેમને દુઃખ થાય છે. આ ઘટના બાદ લગભગ ૬ મહિના સુધી તે બંને નિર્દોષ વ્યક્તિઓને અને નાયકને બેરેહમીપૂર્વક ટોર્ચરના ભાગરૂપે અવનવી સજાઓ અપાય છે.
*****
પ્રસ્તુત પ્રકરણમાં મેજર કમાલ રઝા જદૂનના મૂર્ખામીપણાં અને ઘાતકીપણાં નો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. નાયકને વિધવિધ પ્રકારે યાતનાઓ આપવાના કારસ્તાનો મેજરના મગજમાં આકાર લેતા જ રહે છે. જેમકે પ્રાણીઓની જેમ જીભની મદદથી અને હાથનો ઉપયોગ કર્યા વિના જમવું, જમવાના દરેક કોળિયા સાથે મરચાંના પાઉડરનો ભૂંકો ફાંકવો, હાથપગ બાંધી છત ઉપર ટીંગાળી નીચે સળગતા કોલસાની મદદથી શરીરને દાઝડવું વગેરે. જેલના આટઆટલા ફેરબદલા માં પ્રથમવાર નાયકને થાય છે કે તેઓ મરી જાય તો સારું! જીવન વિશેનો મોહ ત્યજી ચુકેલો નાયક તેથી જ સ્તો નગ્ન હાલતે જ રહે છે અને દાઢી-વાળ હદોપરાંત વધારી દે છે.
*****
દોઢ વર્ષ સુધી કરાયેલા ટોર્ચર અને ઇન્ટરોગેશન બાદ પણ જ્યારે મેજર જદૂન એટમીક એનર્જી કમિશન વિશેની માહિતી મેળવવામાં નિષ્ફળ રહ્યા ત્યારે મોહનલાલને જનરલ ગુલ હસન પાસે લઈ જવામાં આવે છે. મેજર જદૂનના ઉપરી જનરલ ગુલ હસન તાત્કાલિક ધોરણે નાકામિયાબ રહેલા મેજર જદૂનને ૧૯૭૧ નું યુદ્ધ દસ્તક દઈ રહ્યું હોય તેવા બાંગ્લાદેશના કોમિલા નામના અંતરિયાળ વિસ્તારમાં પોસ્ટિંગ પર લગાવી દે છે. ત્યારબાદ જનરલ ગુલ નાયકને સમજાવે છે કે હવે તેમને લાહોર પાછા મોકલી દેવાશે. જ્યાં તેમને કદાચ આજીવન કારાવાસ અથવા ૧૦ થી ૨૦ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મેજર જદૂનને તેના કર્મોની સજા મળવાથી નાયકને ઘણા મહિનાઓ બાદ ખુશી મળે છે.
*****
આગળ ના પ્રકરણમાં, મેજર જદૂનના ગાંડપણ અને હિંસાખોરીને કારણે નાયક આત્મહત્યા નો પ્રયાસ કરે છે તેનો હૃદયદ્રાવક ચિતાર છે. જેને કારણે જેલનો સુબેદાર શેર ખાન નાયક પ્રત્યે ચિડાય છે અને વારેવારે તેને ઢોર માર મારે છે. સુબેદાર શેર ખાનનો પુત્ર એકવાર બહુમાળી ઇમારત ઉપરથી નીચે પડે છે ત્યારથી સુબેદારનો નાયક પ્રત્યેનો વર્તન બદલાય છે અને તે નાયકને હેરાન નથી કરતો. વાસ્તવમાં નાયકને ક્રૂર રીતે મારવાના અધમ કૃત્યને કારણે અલ્લાહ તેમને આવી સજા આપી છે, તેવું સુબેદાર શેર ખાન માનતા હતા. હૃદય પરિવર્તન પામેલો શેર ખાન ત્યારબાદ નાયકને મારવાનું છોડી દે છે. આ ઘટના બાદ નાયકનો શેર ખાન અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે.
*****
પિંડી એક્સપ્રેસ દ્વારા ચાર ગાર્ડ નાયકને રાવલપિંડી થી લાહોરની જેલમાં લઈ જાય છે. જ્યાં નાયક કેટલાક મહિનાની જેલ ભોગવે છે. 'જેવું વાવશો તેવું લણશો' કહેવત આ પ્રકરણમાં સાર્થક ઠરે છે. ૧૯૭૧ માં બાંગ્લાદેશ માટે થયેલા યુદ્ધમાં ભારતની મુક્તિ વાહીની સેના સૌપ્રથમ કોમિલા છાવણી ખાતે જ આક્રમણ કરે છે અને સુબેદાર શેર ખાન ની ધરપકડ કરે છે. કહેવાય છે કે આ યુદ્ધમાં મેજર જદૂન અને શેર ખાનના પરિવારની કતલ થાય છે.
લાહોરની જેલમાં નાયકને હંમેશાં હથકડી અને પગમાં સાંકળ પહેરાવવામાં આવતી. ત્યાંનો ઇસ્પેક્ટર નાયકને જણાવે છે કે કોર્ટ માર્શલ લૉ હેઠળ તેની ઉપર કેસ ચાલશે. જેના કારણે નાયકને રોજ રાત્રે સ્વપ્નમાં ઊંચી દીવાલોવાળી જેલ દેખાતી. અલબત્ત તેમની ઉપર કેસ નથી ચાલતો પણ તેમને પાછા શાહી કિલા જેલ મોકલી દેવામાં આવે છે. જ્યાં તેમનો ભેટો DSP દુરાની સાથે થાય છે. દુરાની નાયક પ્રત્યે પ્રેમભર્યું વલણ રાખનાર એક સજ્જન વ્યક્તિ નીકળે છે. શાહી કિલા જેલ અને રાજા ગુલ અનારને જોઈ નાયકને ખુશી અને રાહત મળે છે.
*****
ઇન્સ્પેક્ટર દુરાની નાયકને દેશદ્રોહ કરવા માટે અનેક લોભામણાં પ્રલોભનો આપે છે. જેમકે જો નાયક પાકિસ્તાન વતી જાસૂસીનું કામ કરશે તો તેમને કેદમાંથી મુક્ત કરી ભારત મોકલી દેવાશે અને પૈસા પણ ભરપૂર આપવામાં આવશે પણ હર્ષ અને શોકથી ઉપર ઉઠેલા નાયકને હવે કોઈ આશા-ઉમ્મીદ નથી રહી. આથી તેઓ દેશદ્રોહ માટે ઉકસાવતો પ્રસ્તાવ ઠુકરાવી દે છે. દુરાની મોહનલાલને જણાવે છે કે તેઓ દુનિયા સમક્ષ એવું દેખાડશે કે નાયક જેલ તોડીને ભાગી ગયો છે અને પાંચ વર્ષના ગુપ્તવાસ બાદ તેમને પરિવાર સહિત છોડી મુકવામાં આવશે અને આવા નાટકને કારણે ભારત પણ તેમને પાકિસ્તાની જેલ તોડીને ભાગી જનાર હીરો ગણીને બા-અદબ સ્વીકારી લેશે. બસ નાયકે એક પત્ર લખીને તેમના પરિવારમાંથી કોઈ એક ને અહીં બોલાવવા પડશે. પરિવારજનની યોગ્ય મહેમાનગતિ કરવાની બાંયધરી પણ ઇન્સપેક્ટર દુરાની આપે છે. નાયક તેની પણ ના પડે છે કારણ કે નાયકને તેમાં પાકિસ્તાનીઓ ની ચાલ દેખાય છે.
ભવિષ્યની અણદીઠ મુસીબતોની ચિંતા વચ્ચે નાયકને એક આશ્ચર્યજનક યોગાનુયોગ નો અનુભવ થાય છે. જે સેલમાં ખોહ સિંઘ ને રાખવામાં આવ્યો હોય છે, તે જ સેલમાં નાયકને રાખવામાં આવે છે. અત્રે નાયકને ખોહ સિંઘના તુંડમિજાજી સ્વભાવનો પરિચય થાય છે.
૨૭ નવેમ્બર, ૧૯૭૦ ના દિવસે નાયકને મેજિસ્ટ્રેટ સૈયદ મિર્ઝા જાવેદ દસ્તગીરી પાસે સેક્શન ૧૬૪ હેઠળ લઈ જવામાં આવે છે. સેક્શન ૧૬૪ ફક્ત ઔપચારિકતા ખાતર હતી. ત્યાંથી તેમને કોટ લખપત જેલ મોકલી દેવાય છે. લખપત જેલના કારાવાસ દરમ્યાન નાયકને જાણ થાય છે અન્ય ૧૩ ભારતીય જાસૂસોને પણ અહીં જ ગોંધી રાખવામાં આવ્યા છે. પહેલાની જેમ નાયકને આ વખતે ડેથ સેલમાં નથી રાખવામાં આવતા પણ મુખ્ય દ્વાર પાસે આવેલા સેલ પાસે રાખવામાં આવે છે. અહીંયા જેમનો ઇન્ટરોગેશન પૂર્ણ થવા આવ્યો હોય તેમને જ રાખવામાં આવતા.
કેટલાક દિવસ બાદ નાયકને જાણ થાય છે કે તેમની સાથે અમ્રિક સિંઘને પણ આ જ જેલમાં લાવવામાં આવ્યા છે. બાકીના ફકરાઓમાં અમ્રિક સિંઘની દુર્દશા ની વાત છે. તે ધોબીના કૂતરાની જેમ ના ભારતનો રહ્યો કે ના પાકિસ્તાનનો. તેની ઉપર અનેક સિતમ ગુજારવામાં આવતા હોવાની વાત એ પ્રકરણમાં છે. દેશદ્રોહના ગુન્હા માટે જાણે સ્વયં કુદરત તેને દંડી રહી હતી. (વર્તમાન સમયના ભ્રષ્ટાચારિઓ અને દેશદ્રોહીઓએ આ પુસ્તકથી પદાર્થપાઠ લેવા જેવો ખરો)
*****
કોટ લખપત જેલમાં નાયકને પંડિત તરીકેની ઉપાધિ વણમાંગ્યે મળી જાય છે. ભવિષ્ય જાણવા માંગતા પાકિસ્તાની કેદીઓ નાયક પાસે હસ્તરેખા વાંચન માટે આવવા લાગે છે. કેટલાક ગાર્ડસનો પણ તેમાં સમાવેશ થાય છે. હાથ જોવાના બદલામાં કેદીઓ તેમને ફળ, સિગારેટ, પૈસા અને પોસ્ટકાર્ડ આપે છે. પોસ્ટકાર્ડ મળતાં નાયક પ્રથમવાર પત્ર લખી ઘરે મોકલે છે. લિયાકત અલી નામના મિત્રની મદદથી પત્ર પોસ્ટ થઈ જાય છે. થોડા દિવસોમાં ઘરેથી વળતો જવાબ પણ આવે છે. જેમાં તેમના અઢી વર્ષના પુત્ર ધલેશ્વર વિશે, પત્ની પ્રભા વિશે અને ઘરમાં બધું સારું હોવાની વિગત હોય છે. ત્યારબાદ પત્રોનો આ સિલસિલો ચાલતો રહે છે જેમાં નાયક તેમની પત્નીને પ્રેરણાના સ્ત્રોત તરીકે વર્ણવે છે. એકવાર તેમના માતાપિતાની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર આવે છે ત્યારે નાયક નો મક્કમ મનોબળ નબળો પડતો લાગે છે.
પોસ્ટકાર્ડ નો મામલો જેલ અધિકારીઓ સમક્ષ આવતા ( અમ્રિક સિંઘ ની મદદથી જ વળી) નાયકના સેલમાં દરોડા પાડવામાં આવે છે પણ સાવચેત નાયક પહેલેથી જ તેમની વ્યવસ્થા કરી ચુક્યો હોય છે. આથી નાયક બચી જાય છે.
*****
પ્રસ્તુત પ્રકરણમાં નાયક ડેથ સેલમાં લાવવામાં આવનાર કેદીઓના જઘન્ય અપરાધ અને તેમને મળનારી ફાંસી ની સજાની વાત કરે છે. નાયક જણાવે છે કે ડેથ સેલમાં મુકામ કરનાર અપરાધિઓનો અંતિમ પડાવ ફાંસીનો માંચડો હોય છે. નાયક અત્રે સઈદા, સરવર, અનવર, બટ્ટુ અને અન્ય બે એમ કુલ ૬ નિર્દયી હત્યારાઓની વિગતે વાત કરે છે. ડેથ સેલમાં રહેતા આ કેદીઓને એક સાથે, એક જ દિવસે ફાંસીના માંચડે લટકાવી દેવાય છે અને તેમના મૃતદેહ બહાર વિલાપ કરી રહેલા આપ્તજનોને સોંપી દેવાય છે. અહીંયા ડેથ સેલની ભયાનકતા અને જીવનની ક્ષણ-ભંગુરતાને દર્શાવવાનો પ્રયત્ન થયો છે.
ત્યારબાદ ના પ્રકરણમાં પંડિતજી એટલે કે નાયકની ભવિષ્યવેત્તા તરીકેની સિદ્ધિ ની વાત છે. એક કેદીને બીજા દિવસે સવારે ચાર વાગ્યે ફાંસીની સજા જાહેર થયેલી હોય છે પણ તે વ્યક્તિના હસ્તરેખા વાંચન દ્વારા પંડિતજી જાહેર કરે છે કે તેનું આયુષ્ય ૮૦ વર્ષનું છે. તેથી તે ફાંસી થી બચી જશે અને તેમ જ થાય છે. કોઈ કારણસર તે કેદીની ફાંસીની સજા રદબાતલ થાય છે.
*****
બાયોગ્રાફી આગળ વધે છે મુલ્લાહ મુઝફ્ફર અને પીર સદ્દાક શાહ જેવા નિર્ભિક, ન્યાયપ્રિય, બંડખોર, વિદ્રોહી તથા ધર્મસહિષ્ણુ લોકોના કિસ્સા સાથે. આ બંને વ્યક્તિઓ હિંદુઓ ને માનવતાની દ્રષ્ટિએ જોતાં. હિંદુ-મુસ્લિમ ની જાત પ્રમાણે નહિ. તેમના માટે માનવતા હિંદુ-મુસ્લિમ કરતા વધુ મોટો ધર્મ હતો. જ્યારે ભારતીયોને એક યા બીજા પ્રકારે યાતના આપવામાં આવતી ત્યારે આ બે મર્દ અન્યાય સામે તેમના ચાકુ સાથે બહાર પડી ગર્જના કરતા અને જેલના અધિકારીઓ ડરી જતા. ચીફ વૉર્ડન સુદ્ધાં તેમનાથી ડરતો. ભારતીયો આ બંને દમદાર વ્યક્તિઓ ને પોતાના રક્ષક જ માનતા. તેમના વધતા પ્રભાવથી અંજાઈને ષડયંત્રકારી અધિકારીઓ મુલ્લાહ મુઝફ્ફર ને અન્ય જેલમાં ટ્રાન્સફર કરી દે છે અને સદ્દાક હુસેન અધિકારીઓની બેદરકારીને કારણે શત્રુઓના હાથે મરી જાય છે તે પ્રકારની વાત છે. આ બંને નરબંકાઓ ની ગેરહાજરીમાં ભારતીય કેદીઓ અસલામતી અનુભવે છે. કેવા હશે એ પાકિસ્તાની જેમના માટે નાયક સહિત અન્ય ભારતીય કેદીઓ દિલ નીચોવીને રડ્યા હતા.
આગળના ૩ પ્રકરણોમાં આજીવન કારાવાસ અને ફાંસીની સજા પામેલા કેટલાક નિષ્ઠુર પાકિસ્તાની કેદીઓની વિતક કથા છે. એક પ્રકરણમાં લાંચિયા વોર્ડન રફીક શાહ ની વાત છે. એક યા બીજા પ્રકારે નાયક સાથે આ કેદીઓનો પરિચય થયો હતો. આથી નાયકે તેમની કથા અહીં વિગતે લખી છે. રસ લેનાર સુજ્ઞ વાચકો તે કથા જાણવા આ પુસ્તક જરૂરથી વાંચે.
*****
આગળના પ્રકરણમાં બાંગ્લાદેશના વિભાજનની પૂર્વભૂમિકાની અને તેના કારણે ભારતીય તથા બાંગ્લાદેશી કેદીઓએ ભોગવવી પડતી હાલાકી ની વાત છે. જનરલ યાહ્યા ખાનના શાસનથી કંટાળેલા લોકો અવારનવાર હિંસક આંદોલનો કરતા હોય છે. આથી અનિચ્છા હોવા છતાં યાહ્યા ખાને જનરલ ઇલેક્શન ની જાહેરાત કરવી પડે છે. આ સમયે યાહ્યા ખાનનો સૂરજ આથમી રહ્યો હોય છે. જ્યારે ભુટ્ટો સાહેબની પીપલ્સ પાર્ટી પશ્ચિમ પાકિસ્તાનમાં અને શેખ મુજીબ-ઉર-રહેમાનની આવામી લીગ પૂર્વ પાકિસ્તાનમાં પગદંડો જમાવી ચુકી હોય છે. સત્તા પદે રહેલો યાહ્યા ખાન સત્તા ગુમાવવાના ડરને કારણે રાજકીય રમતના દાવપેચ અજમાવી ભુટ્ટોનું ભાગલાવાદી નેતા તરીકે ચિત્રણ કરે છે અને શેખ મુજીબ-ઉર-રેહમાનને તેના ઘરમાં જ નજર કેદ કરી લે છે. તેના ઘરે ચોવીસે કલાક આર્મીનો ચાંપતો બંદોબસ્ત હોય છે અને તેના મોટાભાગના અનુયાયીઓની કતલ કરી નાખવામાં આવી હોય છે.
પાકિસ્તાનની ૭૦% આવક પૂર્વ પાકિસ્તાનીઓ ને કારણે હોય છે. આમ છતાં અનેક વર્ષોથી પશ્ચિમ વિસ્તાર અનેક રીતે પૂર્વ પાકિસ્તાનનું શોષણ કરતું હતું. અધૂરામાં પૂરું સત્તા ભૂખ્યા રાજકારણીઓની રાજરમત ને કારણે વર્ષોથી શુષુપ્ત અવસ્થામાં રહેલા અને વિરોધ ના કરનારા પૂર્વ પાકિસ્તાનના લોકો હથિયારો સાથે બહાર આવે છે. જોકે એક અક્ષમ્ય ઘટના નું વર્ણન અહીં કરવું છે જેના કારણે વાત બાંગ્લાદેશના વિભાજન સુધી પહોંચે છે. એકવાર ડક્કા યુનિવર્સિટીમાં આર્મી દ્વારા પૂર્વીય વિદ્યાર્થીઓની કતલ થાય છે અને છોકરીઓ ઉપર બળાત્કાર થાય છે. ૧૦ વર્ષની છોકરીઓ ઉપર પણ દયા દાખવવામાં નથી આવતી. છોકરીઓના સ્તન કાપી નાખવામાં આવે છે. આ જઘન્ય અપરાધથી પૂર્વીય પાકિસ્તાનીઓ છંછેડાય છે અને પશ્ચિમ વિરુદ્ધ ગેરીલા યુદ્ધની નીતિ અજમાવે છે અને તેમને નુકસાન પહોંચાડે છે. વધુમાં ભારત પણ પાકિસ્તાનીઓના વિમાન અને જહાજ પર ભારતીય હવાઇમાર્ગ અને જળમાર્ગ પરના આવાગમન પર પ્રતિબંધ મૂકે છે. જેના કારણે પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન એકમેક થી વિખુટા પડે છે. આથી વર્તમાનના બાંગ્લાદેશ એટલે કે તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં રહેલા પશ્ચિમી પાકિસ્તાનીઓ ની હાલત કફોડી બની છે.
પરિસ્થિતિ બદતર બનતા પાકિસ્તાનમાં રહેલા ભારતીય કેદીઓ અને બાંગ્લાદેશી માટે સ્થિતિ ખરાબ બને છે. બદલાની ભાવનાથી ખદબદતા પાકિસ્તાનીઓ ભારતીયો અને બાંગ્લાદેશીઓ ઉપર અવારનવાર આક્રમણ લાવે છે. નાયક પોતે પણ તેમાં બાકાત નથી રહેતા. તેમની ઉપર પણ જાનલેવા હુમલો થાય છે. આથી જાન ની સલામતીને લઈને નાયકની ચિંતામાં વધારો થાય છે. જોકે હજી સુધી નાયકની સજા પણ નક્કી નથી થઈ!
*****
તંગદિલી ભર્યા હિંસક વાતાવરણમાં એક દિવસે નાયક ઉપર કોર્ટ માર્શલ અર્થાત સેના ન્યાયાલય હેઠળ કેસ ચલાવવા માટે કોટ લખપત જેલથી શાહી કિલા જેલ લઈ જવામાં આવે છે. સેના ન્યાયાલયમાં અગાઉથી DSP દુરાની અને રાજા ગુલ અનાર મોજૂદ હોય છે. સૈયદ મિર્ઝા જાવેદ દસ્તગીર મેજિસ્ટ્રેટ હોય છે. કેસને મજબૂત બનાવવા સેના કેટલાક નકલી સાક્ષીઓ ઉભા કરે છે. આ સાક્ષીઓ કુરાન ઉપર હાથ મૂકીને ખોટા સોગંધ લઈ રહ્યા હતા. જેના કારણે નાયકનું દિલ દુભાય છે. મેજિસ્ટ્રેટ જુબાની ચાલતી હોય છે ત્યારે નાયકને એક પણ શબ્દ બોલવા નથી દેતા. આથી કેસના અંતે જ્યારે નાયકને પોતાના બચાવ માં બોલવા માટે કહેવામાં આવે છે ત્યારે નાયક કહે છે કે જ્યાં ખોટા સોગંધ લેવાતા હોય, નકલી સાક્ષીઓ ઉભા કરતા હોય, જેની સજા અગાઉથી મુકરર થઈ ચૂકી હોય અને જેના પર આરોપ છે તેને બોલવાનો અધિકાર પણ આપવામાં ના આવતો હોય તેને હું કોર્ટ નથી માનતો. નાના માં નાના ગાર્ડને પણ ખબર છે કે મને ફાંસીની સજા થવાની છે ત્યારે કોર્ટના આવા ખોટા નાટક કેમ? મારે જે કહેવું હશે તે હું ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ સમક્ષ જ કહીશ.
મૃત્યુના મુખમાં હોવા છતાં નાયકની આવી તુંડમિજાજી અને આખાબોલા સ્વભાવથી ગુસ્સે થયેલા મેજિસ્ટ્રેટ નાયકને ફાંસીની સજા આપી દે છે. સમાચાર પત્ર અને રેડીઓ પ્રસારણ દ્વારા આ અશુભ સમાચારની જાણ મોહનલાલના પરિવાર ને થાય છે. ટૂંકમાં નાયક ઉપર અઢી વર્ષના સમયગાળામાં પ્રથમવાર ટ્રાયલ ચલાવવામાં આવે છે. જેમાં તેમને ફાંસીની સજા મળે છે.
*****
ઉપરોક્ત ઘટનાના એક મહિના બાદ નાયકને કેસ આગળ ચલાવવા ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ લઈ જવામાં આવે છે. આ કોર્ટમાં એક કર્નલ હતો,જેની ભૂમિકા મેજિસ્ટ્રેટ ની હતી અને ચાર મેજર હતા. એક મેજર પ્રોસિક્યુશન વકીલ હતો. જ્યારે બીજો વકીલ નાયક તરફથી કેસ લડવા માટે રાખવામાં આવ્યો હતો પણ નાયક વકીલની સગવડ સ્વીકારવાની મનાઈ કરે છે. નાયક પોતે પોતાનો કેસ લડશે તેવું જણાવે છે. કોર્ટ નાયકની ન્યાયિક માંગણી સ્વીકારી લે છે.
વકીલ તરીકેની ભૂમિકા અદા કરી રહેલો નાયક કોર્ટ સમક્ષ સાબિત કરી આપે છે કે તેણે અગાઉ બે જેલમાં આપેલા સ્ટેટમેન્ટ શબ્દસહ સાચા છે અને સેનાએ ઉભા કરેલા સાક્ષીઓ નકલી છે અને તેમની જુબાની તદ્દન ખોટી છે. નાયક પોતાના પર લગાવેલા દરેક આરોપોને ખોટા સાબિત કરી નકારી કાઢે છે, પણ તે સ્વીકારે છે કે તેમણે ગેરકાનૂની રીતે સરહદ ઓળંગી છે. તેના માટે ૬ મહિના ની જેલની જોગવાઈ છે પણ તેઓ અઢી વર્ષથી જેલમાં છે. આથી તેમની વિરુદ્ધમાં કોઈ પુરાવા ના હોવાથી તેમને છોડી દેવામાં આવે. ત્યારબાદ કોર્ટ કોઈ પ્રકારના ચુકાદા વિના નાયકને જેલ મોકલાવી આપે છે.
લગભગ એક અઠવાડિયા બાદ નાયકને જેલમાં સમાચાર આપવામાં આવે છે કે સાક્ષીઓની (ખોટી) જુબાની અને (નકલી) પુરાવાઓના આધારે નાયકને ચૌદ વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. જોકે નાયક નિરાશ થવાને બદલે ખુશ થઈને જાહેર કરે છે કે તેમને રામ ભગવાનની જેમ ચૌદ વર્ષનો વનવાસ મળ્યો છે. નાયક આ ખબર ઘરે પણ પહોંચાડી દે છે.
આ પ્રકરણમાં નાયક કેવીરીતે દરેક સાક્ષીઓની જુબાનીને ચલાકીપૂર્વક ખોટી સાબિત કરી આપે છે તેનું રસપ્રદ વર્ણન છે. તે વર્ણન વાંચવા માટે વાચકે જરૂરથી આ પુસ્તક વાંચવું. નાયકનો પ્રચંડ આશાવાદ અને તીવ્ર બુદ્ધિમત્તા અહીં પ્રદર્શિત થાય છે.
જેમની સજા મુકરર થઈ જતી તેમને સેન્ટ્રલ જેલ મોકલી દેવાતા. નાયકને પણ મિયાંવાલી જેલ મોકલી આપવામાં આવે છે. કોટ લખપત જેલની સરખામણીમાં મિયાંવાલી જેલ અસુવિધાજનક અને ત્રાસદાયક હતી. જેલના અધિકારીઓ ભારતીય કેદીઓને મજૂરો જેવું કામ આપતા. નાયકને અહીંયા બીજા ૧૮ ભારતીય કેદીઓ સાથે ભેટો થાય છે. બધા ભેગા થવાથી સૌમાં આનંદની લહેર દોડી જાય છે. જોકે અહીં નાયકને એક પરેશાની પડે છે. નાયક ને ભારત તરફથી આવતા પત્રો મળે છે પણ નાયકના લખાયેલા પત્રો પોસ્ટ નથી કરવામાં આવતા. તે પત્રોને બાળી નાખવામાં આવે છે. જેથી કરીને નાયક પાકિસ્તાનની સંવેદનશીલ માહિતી ભારત ના મોકલી શકે. પરિણામ સ્વરૂપ નાયકનો પરિવાર સાથેનો પત્ર-સેતુ તૂટી જાય છે.
*****
હિંસક આંદોલનોને કારણે પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગોમાં વિભાજીત થઈ જાય તેવી નોબત ઉભી થાય છે. તકસાધુ યાહ્યા ખાન આ પરિસ્થિતિ માટે શેખ મુજીબ-ઉર-રહેમાનને દોષી ઠેરવી મિયાંવાલી જેલ મોકલી આપે છે. આમ છતાં ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડે છે અને શેખ મુજીબ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે.
ચાર મહિનાની કેદ દરમ્યાન ત્રણ વખત શેખ મુજીબ ને ગુપચુપ રીતે ફાંસીના માંચડે લટકાવી દેવાના કાવતરા ઘડાય છે પણ ભારતના દબાણ અને ભુટ્ટો સાહેબની સમજાવટને કારણે યાહ્યા ખાનની મેલી મુરાદ બર નથી આવતી. જનરલ યાહ્યા ખાનની પેઠે જ જેલના કેદીઓ અને જેલ અધિકારીઓ પણ પાકિસ્તાનના ભાગલા કરાવનાર શેખ મુજીબની મોત જ ઇચ્છતા. જેલમાં મુજીબ વિરુદ્ધ અનેક ષડયંત્ર રચાય છે. જોકે ચાર મહિના ના જેલવાસ દરમ્યાન શેખ મુજીબ ઘણીવાર મોતને હાથતાળી આપીને બચી જાય છે. પણ છેવટે આ મહાત્મા જે બાંગ્લાદેશીઓ માટે લડત લડી રહ્યા હોય છે તે બાંગલાદેશીઓ જ તેમને મોતને ઘાટ ઉતારી દે છે. (મહાત્મા ગાંધીજી જેવું જ કંઈક)
*****
સમય ૧૯૭૧ નો હતો. પાકિસ્તાન પર પનોતી બેઠી હતી. અનેક વિષમ પરિસ્થિતિઓનો સરવાળો થતા ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે છે. નાયક જે જેલમાં હોય છે તેની પાછળ જ નજીકના વિસ્તારમાં મિયાંવાલી એરફીલ્ડ આવેલું હોય છે. જ્યાંથી રોજેરોજ ઉડાન ભરતા પાકિસ્તાની આર્મીના મિરાજ પ્લેનની ગર્જના જેલના કેદીઓ સાંભળે છે અને સમજી જાય છે કે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ભારત જવાબી કાર્યવાહી રૂપે પાકિસ્તાન ઉપર અને મિયાંવાલી એરફીલ્ડ ઉપર કેનબેરા ફાઇટર પ્લેનની મદદથી સતત બોમ્બાર્ડ કરે છે. જેના કારણે જેલની કાચી દીવાલો ધ્રુજી ઉઠે છે. જેલની દીવાલો કોઈપણ ક્ષણે તૂટી શકે છે તેવા ભયના ઓથાર હેઠળ નાયક અને અન્ય કેદીઓ જીવતા હોય છે.
રોજેરોજ થતા વિસ્ફોટોને કારણે જેલ સતત ધ્રૂજતી રહેતી. આથી ભારતીય કેદીઓને બીક રહેતી કે ભારતીય વાયુસેના ક્યાંક મિયાંવાલી જેલ ઉપર બૉમ્બમારો ના ચલાવી દે. જોકે યુદ્ધને કારણે એક ફાયદો કેદીઓને થયો હતો કે હવે તેમના સેલને લોક મારવામાં નહોતું આવતું અને કાળી મજૂરી કરાવવામાં આવતી નહોતી. આથી નવરા પડેલા કેદીઓ આખો દિવસ પ્રાંગણમાં બેસીને ગપ્પા મારતા અને હવામાંથી ઉડતા ભારતીય ફાઇટર પ્લેનને જોતા રહેતા.
અલબત્ત યુદ્ધને કારણે એક મુસીબત પણ ઉભી થાય છે. તમામ કેદીઓને મળતો ચાય અને સિગરેટનો જથ્થો યુદ્ધને કારણે ઘટી જાય છે. નાયક સહિત તમામ કેદીઓ ચાય અને સિગરેટના બંધાણી હોય છે. આથી ચાય અને સિગરેટના અભાવને કારણે બધા કેદીઓ પરેશાન થઈ જાય છે.
૩ ડિસેમ્બર, ૧૯૭૧ ના રોજ ફાટી નીકળેલા યુદ્ધને કારણે ભારતીય કેદીઓની સલામતી જોખમાઇ હતી. આથી ૧૩મી ડિસેમ્બરે બધા ભારતીય કેદીઓને બસ દ્વારા મુલતાન જેલ મોકલી દેવાય છે. બસ યાત્રા દરમ્યાન ભારતીય પ્લેન દ્વારા થઈ રહેલા બૉમ્બમારા ને કારણે પાકિસ્તાનીઓ કેટલી હદે ડરી ગયેલા તેનું રસપ્રદ વર્ણન નાયકે કર્યું છે. મુલતાન જેલના ચોથા દિવસે જ કેદીઓને મળવા આવતા પરિવારજનો દ્વારા નાયકને સમાચાર મળે છે કે પાકિસ્તાને બાંગ્લાદેશ સામે હાર સ્વીકારી લીધી છે. મતલબ ભારતનો વિજય થયો છે. હારને પચાવી ન શકનાર પાકિસ્તાનીઓમાં ભારતીયો પ્રત્યેનો રોષ ચરમસીમાએ પહોંચે છે. આથી જેલમાં ભારતીય કેદીઓ ઉપર વિવિધ અત્યાચારો થાય છે.
પાકિસ્તાન ની હાર બાદ જનરલ યાહ્યા ખાનને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવે છે અને આખા દેશનું નેતૃત્વ ટીક્કા ખાન અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ના હાથમાં આવી જાય છે.
*****
સુપ્રિટેનડેન્ટ જહાંગીર હથિયાના ના પાશવી અત્યાચારોથી કંટાળેલા મુલતાન જેલના ૨૭ જેટલા ફાંસીની સજા પામેલા કેદીઓ બચવાના અંતિમ ઉપાય તરીકે જેલમાંથી ભાગી જવાની તૈયારી આરંભે છે. જહાંગીરના ત્રાસથી બચવા માંગતા ભારતીય કેદીઓ સહિત પાકિસ્તની કેદીઓ પણ તેમાં સામેલ થઈ જાય છે. આ કેદીઓને તેમના દોસ્તો દ્વારા ઘી ના ડબ્બામાં પિસ્તોલના છૂટક પાર્ટ્સ સપ્લાય કરવામાં આવે છે. પાર્ટ્સ કાઢી લઈ તેમને જોડીને પિસ્તોલ તૈયાર કરવામાં આવતી. પરિણામ સ્વરૂપ એક તબક્કો એવો આવે છે જ્યારે દરેક પાંચમા કેદી પાસે પિસ્તોલ હોય છે અને દરેક પાસે પોતાનો ચાકુ.
શસ્ત્રો હાથ લાગવાથી એક દિવસે કેદીઓ વિદ્રોહ કરી જેલના અધિકારીઓને જેલની બહાર ભગાડી મૂકે છે. હવે જેલની બહાર નીકળવાના ભાગરૂપે સર્વસંમતિ થી ટનલ ખોદવાની વાત સ્વીકારાય છે. બધા કેદીઓ ચાર ચાર કલાકની શિફ્ટ ગોઠવી ખોદકામ માં લાગી જાય છે અને ટનલ ખોદી કાઢે છે. એક રાત્રે ટનલમાંથી બહાર નીકળવાની યોજના હોય છે ત્યારે પાકિસ્તાની સેના ભારે ગોળીબાર કરી તેમને શિકસ્ત આપે છે. આ નિર્દયી હત્યાકાંડમાં ૧૫૭ કેદીઓની મોત થાય છે અને ૨૬૨ કેદીઓ શારીરિક રીતે અપંગ બને છે. લાશોને હટાવવાનું અને લોહીથી ખરડાયેલી ફર્શ ને સાફ કરવાનું કામ ભારતીયોને સોંપાય છે. જેલ-વિષયક ઇતિહાસમાં કદાચ આવી ઘટના પ્રથમ અને અંતિમ હતી.
સમગ્ર ઘટનાની તાપસ માટે જ્યારે બે મિનિસ્ટર આવે છે ત્યારે કેદીઓ સાથે થયેલી વાતચીત પરથી તેમને સમજાય છે કે જહાંગીર હથિયાના ના અમાનુષી અત્યાચારોથી કંટાળીને કેદીઓ આ હદે પહોંચ્યા હતા. સમગ્ર મીડિયા પણ જહાંગીર પર જ તહોમત મૂકે છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા તમામ ભારતીય કેદીઓને પુનઃ મિયાંવાલી જેલમાં મોકલી આપવામાં આવે છે. આમ નાયક પુનઃ પોતાના મિત્રો પાસે પહોંચી જાય છે.
*****
નાયક જ્યારે મિયાંવાલી જેલમાં હોય છે, તે સમયગાળામાં ભુટ્ટો સાહેબની પીપલ્સ પાર્ટી સત્તાપદે આવી ચૂકી હોય છે. ભુટ્ટો સાહેબ ભારતીય કેદીઓને ભારત અને પાકિસ્તાની કેદીઓને પાકિસ્તાન લાવવાની ગતિવિધિ ઝડપી બનાવી દે છે.
૧૯૭૩માં ભારતીય કેદીઓના એક્સચેન્જ એટલે કે ભારત મોકલી આપવાના ટ્રાન્સફર પેપર્સ તૈયાર થાય તે પહેલાં નાયકને મોહંમદ અશરફ અને હસન કુરેશી નામના બે પાકિસ્તાની કેદીઓનો પરિચય થાય છે. આ બે કેદીઓએ ભારતીય પ્લેનનું હાઇજેક પાકિસ્તાની સરકારની મદદથી આઝાદ કાશ્મીર મિશન અંતર્ગત કર્યું હોય છે અને હાઇજેકિંગના આ કૃત્યને કારણે જ ૧૯૭૧ નું યુદ્ધ ફાટી નીકળે છે અને બાંગ્લાદેશને આઝાદી પણ મળે છે. તેવો નાયકનો સ્પષ્ટ મત છે.
પોતાની ચાલ અવળી પડતા વિશ્વ સમક્ષ નિર્દોષ દેખાવા પાકિસ્તાન સરકાર તે બંનેની ધરપકડ કરે છે અને તેઓ ભારતીય જાસૂસ હોવાનો આરોપ લગાડી તેમને આજીવન કારાવાસ ની સજા આપે છે. તેમને માર મારી અપંગ બનાવી દેવાય છે. આ પ્રકરણમાં બે પાકિસ્તાનીઓ દ્વારા પાકિસ્તાનનો અસલી ચહેરો બતાવવામાં આવ્યો છે. કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ બતાવવામાં આવી છે. ભારતમાં રહીને ભારતને ગાળો ભાંડનારા દેશદ્રોહીઓએ આ પ્રકરણ અચૂક વાંચવા જેવો છે. ઈનફેક્ટ દરેક ભારતીય નાગરિકે વાંચવા જેવો છે.
જનરલ યાહ્યા ખાનનો સૂરજ આથમવાની સાથે જ તેની રખૈલ ને લાહોરની જેલમાં લાવવામાં આવે છે અને દેશદ્રોહી અમ્રિક સિંઘને પણ અહીં જ રાખવામાં આવે છે. આ બંને સાથે શુ થાય છે તે જાણવા માટે પણ સુજ્ઞ વાચકમિત્રોએ આ પુસ્તક વાંચવું જ રહ્યું.
*****
પીપલ્સ પાર્ટી સત્તાપદે આવ્યા પછી ૧૯૭૨ માં ઇંદિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે સિમલા કરાર થાય છે. આ કરાર મુજબ ૧૯૭૧ પહેલાના યુદ્ધ કેદી, જાસૂસ, સામાન્ય નાગરિક ટૂંકમાં દરેક પ્રકારના ભારતીય કેદીને ભારતમાં અને પાકિસ્તાનીઓ ને પાકિસ્તાનમાં મોકલી આપવાના હતા. કરાર થયાના લગભગ એક વર્ષ બાદ ૧૫ માર્ચ, ૧૯૭૩ ના દિવસે ટ્રાન્સફરના પેપર મિયાંવાલી જેલ પહોંચે છે. તેના બીજા દિવસે મીર-ઇન્ડ્સ એક્સપ્રેસ દ્વારા તમામ ભારતીય કેદીઓને લાહોરની કોટ લખપત જેલ મોકલી દેવાય છે. લાહોરની જેલમાં મુકામ દરમ્યાન નાયકને જાણ થાય છે કે આ જેલમાં ટ્રાન્સફર માટેના લગભગ ૪૫૦ ભારતીય કેદીઓ છે. જેમાંના ૨૧૦ જેટલા તો શારીરિક અત્યાચાર અને ઇલેકટ્રીક શોકને કારણે ગાંડા જેવા થઈ ગયા હતા. બંને દેશોના કેદીઓના ટ્રાન્સફર ની કામગીરી સ્વિસ એમ્બેસી દ્વારા થાય છે અને સિમલા કરારના બે વર્ષ બાદ એટલે કે ૧૯૭૪ માં નાયક સાથે બીજા અનેક ભારતીય કેદીઓને આઝાદી મળે છે. પોતાના દેશમાં પોતાના પરિવાર સાથે છૂટથી હરવાફરવાની આઝાદી.
૧૯૭૧ થી ૧૯૭૪ સુધીની નાયકની યાત્રા અતિ રોચક અને જ્ઞાનસભર છે. જેને મેં ઉપરોક્ત એક ફકરામાં જાણીજોઈને સમેટી લીધી છે. જેથી પ્રેમલા-પ્રેમલી, કાલ્પનિક, પૌરાણિક અને સામાજિક વાર્તાઓમાં અટવાયેલો ગુજરાતી વાચક(અને નિર્ણાયક પણ) મોહનલાલ જેવા દેશના સવાયા પુત્રની ઓટો-બાયોગ્રાફી 'An Indian spy in pakistan' વાંચવા પ્રેરાય.
નાયકની યુવાનીના સાત અમૂલ્ય વર્ષોનો દેશ કાજે ત્યાગ એટલે આ પુસ્તક. પરિવારને બદલે દેશને અગ્રીમતા આપવાનો અભિગમ એટલે આ પુસ્તક. ભારત-પાકિસ્તાનના સંબંધો નો પરિચય એટલે આ પુસ્તક. પાકિસ્તાન-બાંગ્લાદેશના વિભાજનની વિગત એટલે આ પુસ્તક. પાકિસ્તાની જેલમાં ભારતીય કેદીઓની અવદશા નું વર્ણન એટલે આ પુસ્તક. પાકિસ્તાન અને કાશ્મીર ની સચ્ચાઈ બયાન કરતો વિષય એટલે આ પુસ્તક. હિંદુ-મુસ્લિમ ધર્મની તટસ્થ આલોચના એટલે આ પુસ્તક. ફાંસી અને આજીવન કારવાસના સત્ય દ્રષ્ણાંતો એટલે આ પુસ્તક. પ્રચંડ આશાવાદ અને પ્રબળ દેશભક્તિ ની ભાવના દર્શાવતી વાર્તા એટલે આ પુસ્તક.
બાકી ૧૫મી ઓગસ્ટે અને થિયેટરમાં વાગતા રાષ્ટ્રગીત વખતે ઉભા થઇ જવા માત્રથી રાષ્ટ્રભક્તિ સિદ્ધ નથી થતી. તેના માટે મોહનલાલ જેવા ત્યાગ આપવા પડે. ત્યાગ ના થાય તો કઈ નહિ પણ દેશભક્ત તરીકે દેશના સવાયા પુત્ર એવા મોહનલાલ નું પુસ્તક An Indian spy in pakistan ખરીદીને વાંચો તો પણ ઘણું.
અસ્તુ....