જીવન વિકાસનો પર્યાય એટલે શિક્ષણ
શિક્ષણ મનુષ્ય જીવનના પરિષ્કાર અને વિકાસની પ્રણાલી છે. જીવનના પ્રત્યેક અનુભવને શિક્ષણ કહી શકાય, વાસ્તવિક રીતે સમગ્ર માનવજીવન જ શિક્ષણ છે અને શિક્ષણ જ જીવન છે. જે કોઈ વ્યવહાર મનુષ્યના જ્ઞાનની પરિધીને વિસ્તૃત બનાવે, એની અંતરદ્રષ્ટિને ગહેરાઈ આપે, એની પ્રતિક્રિયાઓનો પરિષ્કાર કરે, ભાવનાઓ તેમજ ક્રિયાઓને ઉત્તેજિત કરે અથવા કોઈને કોઈ સ્વરૂપે એને પ્રભાવિત કરે તે શિક્ષણ જ છે. શિક્ષણશાસ્ત્રમાં વ્યક્તિત્વના સંતુલિત અને સંપૂર્ણ વિકાસને શિક્ષણનું લક્ષ્ય માનવામાં આવ્યું છે. શિક્ષણ મનુષ્યની આંતરિક શક્તિઓનો સર્વાંગીણ અર્થાત શરીર, મન, બુદ્ધિ અને આત્માનો વિકાસ છે.
શિક્ષણનો સંબંધ જેટલો વ્યક્તિ સાથે છે, તેથી પણ વધુ સમાજ સાથે અને પ્રકૃતિ સાથે છે. માનવજીવનમાં જે કાંઈ અર્જિત છે (સારું કે ખરાબ) તે બધું શિક્ષણનું જ પરિણામ છે. વ્યક્તિનું ચારિત્ર્ય, વ્યક્તિત્વ, સંસ્કૃતિ, ચિંતન, સૂઝસમજ, કુશળતાઓ, ટેવો તેમજ જીવનની નાનામાં નાની બાબતો શિક્ષણ ઉપર નિર્ભર છે.
વાસ્તવમાં શિક્ષણ એ પ્રક્રિયા છે જેના દ્વારા માનવ સર્વ પ્રકારે વિકસીત થઈને સમાજમાં ઉપયુક્ત સ્થાન ગ્રહણ કરે છે. શિક્ષણ દ્વારા એના ચારિત્ર્યનું નિર્માણ થાય છે અને શારીરિક, માનિસક, બૌદ્ધિક, નૈતિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય છે. અને તે મનુષ્યનું બિરુદ પામવાને યોગ્ય બને છે. તેથી શિક્ષણની પ્રક્રિયાને મૂળભૂત સામાજિક દ્રષ્ટિકોણથી જ સમજવી આવશ્યક છે. ભારતીય સંસ્કૃતિમાં એને ઋષિઋણ કહેવામાં આવ્યું છે. જેમાંથી મુક્ત થવું પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે..... જ્યારે આપણે ભાવિ સંતતિના શિક્ષણની વ્યવસ્થા કરીએ છીએ, એના સર્વાંગી વિકાસનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એમના ઉપર કોઈ ઉપકાર કરતા નથી, પરંતુ જે કાંઈ વિરાસત આપણને પૂર્વજો પાસેથી પ્રાપ્ત થઈ છે તેને આગલી પેઢીને સોંપીને પૂર્વજોના ઋણમાંથી ઉઋણ થઈએ છીએ. એક વિદ્વાને આ જ ભાવને આ પ્રકારે શબ્દોમાં વ્યક્ત કર્યો છે
" આપણે ઋષિઓ અને પૂર્વજોના ઋણમાંથી તો જ મુક્ત થઈ શકીએ જો આપણે ભવિષ્ય (આવનારી પેઢી) ને ઋણી બનાવી દઈએ."
જે દેશમાં શિક્ષણની વ્યવસ્થા જેટલી વ્યાપક અને ઘનિષ્ઠ હોય છે, રાષ્ટ્રજીવન એટલું જ વધારે પુષ્ટ અને ગંભીર હોય છે. નવી પેઢીના જેટલા અધિક લોકોને જેટલા અધિક પ્રમાણમાં પાછલો જ્ઞાનનિધિ પ્રાપ્ત થાય છે એટલા નિધિને લઈને જ તે જીવનના કાર્યક્ષેત્રમાં ઊતરે છે. નવી પેઢી પાસેથી એ અપેક્ષા છે કે પ્રાપ્ત નિધિમાં પોતાના પ્રયત્ન અને અનુભવના આધારે વૃદ્ધિ કરે. આદાનપ્રદાનની આ પ્રક્રિયામાં ઓછામાં ઓછી ક્ષતિ આવે તે આવશ્યક છે. પ્રાપ્ત જ્ઞાનપમરંપરાનો વિનિયોગ રાષ્ટ્રની આવશ્યકતાઓ તથા દેશ, કાળ અને પરિસ્થિતિ અનુસાર કરવાની પ્રવિધિ (ટેકનિક) પણ વિકસિત કરવી પડે છે. તે માટે સંશોધન, ચિંતન અને પ્રયોગ કરવા માટે વ્યક્તિગત અને જ્ઞાનપરંપરાને આત્મસાત કરીને સુબોધ બનાવી શકે. આવા લોકોને જ શિક્ષક તેમજ આચાર્ય કહેવામાં આવે છે.
શિક્ષણ એક સંસ્કારપ્રક્રિયા છે. મનુષ્ય અજાણતા જ પોતાની ચારે તરફ રહેલા સમાજમાંથી સંસ્કાર ગ્રહણ કરતો રહે છે. એમાં પ્રત્યેક વ્યક્તિ 'શિક્ષક'નું કામ કરે છે. જો કે 'સંસ્કાર' બન્ને તરફથી ચાલતી પ્રક્રિયા છે તો પણ મનોવિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર અનુકરણ, સંવેદના અને સુચનાત્મક પ્રવૃત્તિઓને કારણે સમર્થ વ્યક્તિની ક્રિયાઓ જ પ્રભાવી હોય છે. માતા-પિતા, પરિજન, પુરજન, ગુરુજન, અગ્રપાથી, સહપાઠી, સમાજના નેતા, અધિષ્ઠાતા એ બધા જ નવી પેઢી પર વિભિન્ન પ્રકારે સંસ્કાર કરતા હોય રહે છે. તેથી આ સહુ અગ્રજનોએ (માતા-પિતા અને વડીલોએ) વિચાર કરવો જોઈએ કે એમની તમામ ક્રિયાઓની અસર કેવળ પોતાના ઉપર જ નહીં પરંતુ બીજાઓ ઉપર ખાસ કરીને નવી પેઢી ઉપર પડે છે. બાળક ફક્ત સ્ફુલ કે પાઠશાળામાં જ બધુ શીખતું નથી. બાળક મોટા ભાગનું બહારના અને ઘરના વાતાવરણથી શીખે છે. તેથી શિક્ષણસંસ્થા તેમજ બહારનું વાતાવરણ બન્ને સંસ્કારક્ષમ હોવા જોઈએ, ત્યારે જ બાળકનો સંતુલિત વિકાસ શક્ય છે. જો આ બંને એટલે કે વિદ્યાલય અને ધરના વાતાવરણમાં વિરોધાભાસ હોય તો વિદ્યાર્થીના જીવનમાં કઈક ત્રીજું જ ઉભું થાય છે. તેમજ બાળક અને સમાજની વચ્ચે એક ખાઈ ઉભી થાય છે. જે બાળક અને રાષ્ટ્રના ભવિષ્યને છિન્નભિન્ન કરી મૂકે છે.
ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણને પવિત્રતમ પ્રક્રિયા માનવામાં આવે છે. ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે - "न हि ज्ञानेन संदृशं पवित्रमिह विधते" મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે "नास्ति विद्यासमं चक्षुः" અર્થાત, વિદ્યા જેવું કોઈ બીજું નેત્ર નથી. ભારતીય દર્શનમાં અજ્ઞાનને અંધકાર અને જ્ઞાનને પ્રકાશ માનવામાં આવ્યું છે, શિક્ષણ પ્રકાશ છે. અંધકારથી પ્રકાશ તરફ લઈ જવું એ શિક્ષણનું મુખ્ય કાર્ય છે.
ભારતીય શિક્ષણ એટલે सा विद्या या विमुक्तये
શિક્ષણ મુખ્યત્વે જ્ઞાનની સાધના છે, જ્ઞાન ચેતનાનો વિકાસ છે, આ રીતે શિક્ષણ ચેતનાનું જ સંવર્ધન છે. આપણા શાસ્ત્રો કહે છે જ્ઞાન હમેંશા શ્રદ્ધા દ્વારા જ પ્રાપ્ત થાય છે. પ્રેમ, આદર અને વિશ્વાસના સમ્મીલિત ભાવને શ્રદ્ધા કહે છે શ્રદ્ધાનો વિપરીત ભાવ અહંકાર છે. અહંકારથી ચેતનાનો સંકોચ થાય છે જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં બાધક બને છે. એટલે જે અભ્યાસ કરાવડાવે છે એમની(શિક્ષક) ઉપર બાળકની શ્રદ્ધા ટકી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં સંકોચ ના રાખવો...
બાળક અને શિક્ષકને એક બીજા ઉપર શ્રદ્ધા હોય તો જ વિદ્યા, નહિતર પછી વ્યવસાય.... વ્યવસાય પ્રેરિત વિદ્યા સાધારણ પ્રકારની જ હોય છે. તેથી કોઈ ધનવાન વ્યક્તિ પૈસાના જોરે વિદ્યાવાન બની શકી નથી કે બની શકશે પણ નહીં.
વિદ્યા એ બૌદ્ધિક સાધના છે. તેથી ગીતામાં કહ્યું છે
'स्मृतिभ्रंशाद बुद्धिनाशो बुद्धिनाष्टप्रणश्यति"
અર્થાત ક્રોધથી અવિવેક ઉતપન્ન થાય છે. અવિવેકથી સ્મરણ શક્તિ ભ્રમિત થાય છે. સ્મૃતિ ભ્રમિત થવાથી બુદ્ધિ એટલે કે જ્ઞાનશક્તિનો નાશ થાય છે. અને બુદ્ધિનો નાશ થવાથી વ્યક્તિનું પોતાના જીવન વિકાસના માર્ગેથી પતન થવાનું શરૂ થાય છે.
વિદ્યાસાધનાની સફળતા માટે મનને વિકારોથી બચાવી રાખવું ખૂબ જ આવશ્યક છે. તેથી જ ભારતીય શિક્ષણમાં બ્રહ્મચર્યને ખુબજ મહત્વ આપવામા આવ્યું છે. બ્રહ્મચર્ય કોઈ પ્રાચીન રૂઢિ નથી, પરંતુ એ તો સંયમ અને સાધનાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ આધ્યત્મ દ્વારા જ ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પ્રતિભાનો સર્વાંગી વિકાસ થાય છે.
વધુ જાણકારી માટે વાંચતા રહો...