BHAV PARBHAV in Gujarati Moral Stories by RAGHAVJI MADHAD books and stories PDF | ભવ-પરભવ   

Featured Books
Categories
Share

ભવ-પરભવ   

વાર્તા

ભવ-પરભવ રાઘવજી માધડ

સાવ ધીમા ને ઢીલા પગલે દરવાજામાં પ્રવેશી રહેલા મમ્મી ભાર્ગવીબહેનને, નિવ્યાએ કોઈ અજાણી વ્યક્તિ જેમ પગથી માથા સુધી જોઈ લીધા. સામે મમ્મીને પણ ગમ્યું નહી. તે ભારે મૂંઝાયેલા લાગતાં હતાં.

મમ્મીના હમણાંથી આશ્રમમાં આંટાફેરા વધી ગયા છેતે નિવ્યાને જરાય ગમ્યું નથી.તેણે તાણીને કહ્યું: ‘ધર્મના નામે ધતિંગ છે. આશ્રમમાં આટલા રૂપિયા ક્યાંથી આવે છે ?કોણ આપે છે ?શું કરવા આપે છે !?’

નિવ્યાનું આવું ઉઘાડું બોલવું સાંભળી મમ્મીએ સળગતી નજરે, સોઇના માફક નિવ્યાને ત્રોફી.પછી સ્વગત બોલ્યા :‘તારા આવા બફાટનું પરિણામ શું આવશે એ તું જાણે છે !?’ પછી હોઠે આવીને લટકી પડ્યું હતું : ‘શેતાનને શરમાવે એવું કૃત્ય કરી બેસતા હોય છે, આ બની બેઠેલા સાધુઓ !’

‘નિવૃત્તિ કે નવરાશ મળે એટલે મંદિરે જવું એવું કોણે કહ્યું ?’તે બે ડગલા નજીક જઇ,મમ્મીની આંખોમાં નજર પરોવતાં આગળ બોલી:‘બીજી ઘણી કરવા જેવી પ્રવૃત્તિ છે..અને તારી ઉંમર શું છે ? અરીસા માં જો..સાચું કહું મમ્મી...કોઈ પ્રેમ કરે તેવી સુંદર અને યંગ લાગે છે તું !’

ભાર્ગવી બહેન રીતસરના અવાક થઇ ગયા.કાન પર વિશ્વાસ બેસતો નહોતો.જે સાંભળ્યું તે સાચું..ને એ પણ પોતાની પુત્રી પાસેથી ! હકીકત સાચી હતી.અનાયસે અરીસામાં જોવાઇ ગયું.કોઈ પુરુષ માફક પોતાને નીરખતા શરમાઇ જવાયું.ત્યાં નિવ્યા પાછી આવીને બોલી:‘તું વારંવાર મેરેજ કરવાનું કહે છે. પણ તે મેરેજ કરીને શું મેળવ્યું, શું કાઢી લીધું એ તો કહે !?’

મમ્મીએ ધડ દઈને કહી દીધું :‘તને મેળવી...!’

‘મમ્મી...સંતાન મેળવવા માટે મેરેજ કરવા જરૂરી નથી. તેનાં ઘણાં વિકલ્પો ખુલ્યા છે !’

દીકરી મોટી થઇ ગઇ છે એટલું નહી,વધારે પડતી મોટી થઇ ગઇ છે ! તે ઘડીભર સ્થિર થઇ ગયા. જેના પાછળ લીલીછમ જિંદગી બાળી મૂકી,મહામુલી મૂડી ખર્ચી નાખી...તેને હવે મમ્મીની જરૂર જણાતી નથી. સ્વામી ખરું જ કહેતા હતા:‘આ સંસાર અસાર છે, કોઈ કોઈનું નથી...!’ ભાર્ગવીબહેનને લાગી આવ્યું.મોં ઝાંખું થઈને ચીમળાઈ ગયું.આંખો સહેજ ઊંડી ઉતરી ગઇ.નેણ વંકાઇને સંકોરાઇ ગયા.લાગે નહી કે,ભાર્ગવીબહેન છે!ત્યાં પાછી ‘મમ્મી’નો ટહુકો કરતા નિવ્યાએ સામે જોયું..ને પુછાઈ ગયું:‘એકાએક શું થયું,મમ્મી !’પછી પાસે આવી બાથ ભરીને કહે:‘કોઈ યાદ આવી ગયું !’જવાબમાં મમ્મીની આંખો ફળફળતા આંસુ સારવા લાગી.

‘મમ્મી,તને એકલી છોડી હું ક્યાંય જવાની નથી.’પછી લટકો કરતા કહે:‘કોઈને ઘરજમાઇ રહેવું હોયતો ચોક્કસ વિચારી શકાય !’

‘આ છોકરી તેનું ઘર નહી બાંધે...’ફરી એકવાર તે અકળાયા.પણ વળતી ક્ષણે કશુંક નક્કી કરી લીધું. અથવા નક્કી કરી લેવું પડ્યું. પછી આદેશ આપતા હોય એમ બોલ્યા :‘ધર્મટુરમાં બંનેએ જવાનું છે, સમજી !’

સ્વામી સુખાનંદ તરફથી આંદામાન-નિકોબારની ધર્મટૂરનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં મમ્મી -દીકરીને સામેલ થવાનો ખુદ સ્વામીએ રૂબરૂ બોલાવી પ્રેમાદેશ આપ્યો હતો.

ન્યુઝ ચેનલના સ્ક્રોલ પર આશ્રમના સમાચાર પ્રસારિત થયા પછી નિવ્યાને આશ્રમમાં નિમંત્રિત કર વામાં આવી હતી.સ્વામીએ જરાપણ ઉચાટ અનુભવ્યા વગર કહ્યું હતું:‘આવો, જાતે જુઓ,અનુભવો...ને પછી જવાબ ન મળેતો ચોક્કસ પૂછી શકાય !’પછી ઉમેરીને ભાવને ભારપૂર્વક કહ્યું હતું:‘આપનાં જેવા જર્નાલીઝમ માં જોડાયેલા ઉત્સાહી યંગસ્ટર્સ અહીં આવી,પ્રસાદી લઈને ચાલ્યાં જતાં હોય છે. એની વે...આવો,જુઓ, જાણો ને અમારી પ્રસાદી પામો !’

સ્વામી પછી મમ્મીએ પણ કહ્યું.કશીક ગંધ આવી પણ સ્થિર થઇ નહી.નિવ્યાએ સ્વીકારી લીધું હતું. પ્રસાદીમાં ઘણું સમજાય ગયું હતું. તેને બોલવું હતું :‘જોઇએ...કોણ કોને પ્રસાદી આપે છે !’

*** *** *** *** **

ધર્મટૂર અમદાવાદથી મદ્રાસ સુધી ટ્રેઈનમાં ને ત્યાંથી ક્રુઝમાં પોર્ટબ્લેર સુધી દરિયાઈ મુસાફરી કર વાની હતી.તેમાં સ્વામીના સાન્નિધ્યમાં સત્સંગ...ભાવક, અનુયાયીઓ માટે આ અંતરની આનંદયાત્રા હતી.

ક્રુઝ પોર્ટબ્લેરના દરિયા કિનારે પહોંચવામાં હતું.તેની ખુલ્લી જગ્યામાં સ્વામીજીની નિશ્રામાં સત્સંગ ચાલતો હતો.નિવ્યાએ સવાલ કર્યો હતો:‘છેક અહીં,અંદામાન-નિકોબારમાં ધર્મટૂર યોજવાનું કારણ શું ?’ ગણ ગણાટ શરુ થઇ ગયો હતો. પણ સામે સ્વામીજીએ સહેજ સ્મિત સાથે મૌનમાં જવાબ આપ્યો હતો.

ક્રુઝ કિનારે લાંગર્યું ત્યારે સાંજ થવા આવી હતી. સંધ્યાનો કેસરી રંગ દરિયાની સપાટી પર લીંપાઈ રહ્યો હતો.આકાશ અને દરિયા સમેત સમગ્ર સોનેરી ભાસતું હતું.એક નવતર જગતમાં આવ્યા હોય એવો આભાસ ઊભો થતો હતો. નિવ્યા પણ આ ભાવવિશ્વમાં ખોવાઇ ને મનથી ધોવાઇ રહી હતી.

કોઈ ભાવિક ભાવવિભોર થઇ બોલી ઉઠ્યો : ‘સ્વામીજીનો જય હો...’

‘જય હો, જય હો...’ સામે બુલંદ પડઘો કિનારે અફળાઈને સોનેરી ઉજાસમાં ઓગળી ગયો.

નિવ્યાને સ્પષ્ટ થવા લાગ્યું હતું કે, સ્વામી માત્ર નિમિત લાગે છે. લોકોને જે જોઈએ છે તે આમ જાતે જ ઊભું કરાવતા લાગે છે.ધર્મના નામે...સંપતિ ને સમૃદ્ધિ વચ્ચેનો ખાલીપો ભરવા માટેના જાણે પ્રયાસો હતા.

ટેકરી પરના એક ગેસ્ટહાઉસમાં સર્વની નિવાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્વામીના નિવાસની બાજુમાં, એક વીઆઇપી તરીકે નિવાસ આપવામાં આવ્યો ત્યારે નિવ્યા મનમાં બબડી હતી:‘આપ જે આગતા સ્વાગતા કરો તે...પણ હું શેહ-શરમમાં આવ્યા વગર સત્ય જ લખવાની છું !’

ત્યાં એક યુવાન - સ્વરૂપવાન સ્ત્રી સાવ ઉરાઉર આવી ઊભી રહી. તેનાં રંગ-ઢંગ જરા જુદા લાગતા હતા. તે પછી સાવ ધીમેકથી બોલી :‘રાત્રીએ બોલાવવામાં અનુકુળ રહે એટલે...નજીક રાખ્યા છે !’

સ્ત્રી બોલવામાં કશીક બદબૂ આવી. નિવ્યાએ મોં પર કહી દીધું : ‘અનુભવી લાગો છો !?’

તેનો ચકમકતો ચહેરો એકદમ બુઝાઇ ગયો હતો.પણ વળતી પળે સ્વસ્થ થઇ કહ્યું :‘રાત્રીએ કોઈ ખાસ,અંગત મુલાકાત થતી હોય છે.’પછી રીતસર વાત વાળીને ઉમેરો કર્યો :‘જો કે સ્વામી એવા જ્યોતિષમાં માનતા નથી પણ આગ્રહને વશ થઇ...’

સ્વામી કોઈની હસ્તરેખા જોતા નથી.છતાંય ખાસ કરી સ્ત્રીઓને કહેતા હોય છે:‘આપને કોઈ સમજી શક્યું નથી,લાગણીશીલ છો, સૌનું સારું જ ઈચ્છો છો-તે માટે જાત ઘસી નાખો છો પણ ભાગ્યમાં જશ નથી !’ ને આવું સાંભળી સ્ત્રીઓ ગદગદિત થઇ જતી હોય છે.

સ્વામી ક્યાં દોષિત છે-ભૂખ્યા સામે કે કાજે,ખુદ ભોજન થઈને ઊભા રહો...પછી ક્યો મુર્ખ,શું કરવા ભૂખ્યો રહે ! વસ્ત્રો નીચે ને વચ્ચે અંતે માણસ જ હોય છે. તેને પ્રકૃતિ છોડતી નથી. આ સઘળું નિવ્યા સમજે

છે. માસ કમ્યુનિકેશનનો ડિગ્રીકોર્ષ કર્યા પછી ત્રીજું વરસ ચાલે છે...અનુભવે શિખાયું, સઘળું સમજાયું છે.

સ્વામીએ કહ્યું હતું:‘કોઈ ઘટનાના તથ્ય ને સર્વાંગીપણે તપાસવું જોઈએ.માત્ર પર્દાફાશ કરવા કરતા સત્ય ઉજાગર કરવાનું છે. જગતમાં ઘણું સારું છે...સારા સમાચારની બહુ મોટી ને સરસ અસર જન સમાજમાં ઊભી થતી હોય છે.’

‘અને હોય એવું દેખાતું નથી ને દેખાય એવું હોતું નથી.’

‘હોય એવું જ સમાજને દેખાડવું એ અમારું કામ છે.’

પછી મમ્મી સાથે ચર્ચા થઇ હતી :‘મારે એના રૂટ્સ,મૂળ સુધી જવું છે.’ત્યારે મમ્મીએ કહ્યું હતું: ‘બેટા, નદીના મૂળ અને સાધુના ફૂળ જોવાના ન હોય...તેમની સાધુતા જોવાની હોય.’

નિવ્યાને નવાઇ લાગી હતી. મમ્મી આ કોનું કહ્યું બોલે છે !? આવું બોલતા ક્યાંથી શીખી !?

પણ બીજો સવાલ શંકાના પગથિયે આગળ વધી રહ્યો હતો.મમ્મીએ જયારે કહ્યું હતું:‘સ્વામી કોઈ સમયે પૂર્વભવમાં ઘર છોડીને નીકળી ગયા પછી રખડતા-ભટકતા..અપૂજ મંદિરના પગથિયે પડ્યા રહ્યા હતા. તેમના લઘરવઘર દીદાર જોઈ લોકો દયાભાવે રોકડ,પ્રસાદને એવું ધરવા લાગ્યા હતા.કોઈ વળી નવું નક્કોર અબોટિયું આપી ગયું હતું.વધી ગયેલી દાઢી ને શરીરે સફેદ વસ્ત્રો...પછી તો લોકો પગે લાગતા ગયા ને આપતા ગયા ! ’

નિવ્યા એકદમ ચોંકી ગઇ હતી. તેણે પૂછ્યું હતું :‘પણ મમ્મી આ બધી તને કયાંથી ખબર !?’

દીકરી આગળ કશું છુપાવવા કરતા સ્વામી સાથેની સંતલસ ખુલ્લી કરી દે..પણ ના,તેનાં ખરા-ખોટા પરિણામની દીકરીની કારકિર્દી પર અસર તે જરીકેય મંજુર નહોતું.વળી દીકરી પત્રકારત્વના પરિઘમાં ઊભી રહી પૂછી રહી હતી.તેથી સભાનતાપૂર્વક ટકોર કરતા કહ્યું હતું:‘કોઈ ઘટનાનો પર્દાફાશ કરવો,સનસનાટી ભર્યા સમાચાર પ્રસ્તુત કરવા...આવું જ તમારા ક્ષેત્રમાં હોય છે !’

‘પબ્લિકને જે જોઈએ છે તે...’

સામે ભાર્ગવીબહેનને જોઈતું હતું તે જ હાથમાં આવી ગયું. એકદમ બોલી ગયાં :‘સ્વામી પણ લોકો ને જે જોઈએ છે તે, લોકો દ્વારા જ આપે છે !’

નિવ્યા થોડા જુદા સ્વરમાં બોલી હતી:‘મમ્મી ! સ્વામીનો રંગને સંગ બરાબર લાગ્યો છે.’પછી હસતાં -હસતાં કહે : ‘મને લાગે છે કે સ્વામીના સઘળા જવાબ તારે જ આપી દેવાના છે !’

દીકરીએ સાચું કહ્યું, સારું કહ્યું કે પછી...ભાર્ગવીબહેન માટે મૂંઝવણ થઇ પડી હતી. દીકરી પત્રકાર છે, સત્ય શોધવું તેનો વ્યવસાય જ નહી, સ્વભાવ પણ છે. તેને ગંધ તો આવી નહી ગઇ હોય ને !?

પછી બેઉના મનમાં જાણે અજાણ્યે પણ શંકા-કુશંકાની કુંપળો ફૂટવા લાગી હતી.

********

‘આ જેઈલ નથી પણ મા-ભોમનું મુક્તિમંદિર છે.આઝાદીના મીઠા ફળ આરોગનાર દરેક દેશવાસીએ એકવાર અહીં દર્શને આવવું જોઈએ.’ સ્વામીની પ્રભાવક વાણી સેલ્યુલર જેઈલના પરિસરમાં પ્રસરી વળી. અન્ય ભક્તો સાથે નિવ્યા પણ એક કાને અને ધ્યાને સાંભળતી હતી.

‘દેશપ્રેમ, દેશદાઝ...દેશવાસીઓમાં આવિર્ભાવ પામે તે પણ આપદ- માનવધર્મ છે !’ આટલું બોલી સહેજ અટકી સ્વામીએ નિવ્યા સામે નજર નોધી હતી. બંને વચ્ચે એક મૂક સંવાદ રચાયો હતો.

આ ધર્મટૂર અહીં શું કરવા...તેનો જાણે જવાબ હતો.પણ નિવ્યાને જેઈલની હિસ્ટ્રીમાં વધારે રસ

હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓને જે યાતનાઓ આપવામાં આવી હતી તે નિવ્યા ડાયરીમાં ટપકાવવા લાગી હતી. ગાઇડ દ્વારા રજુ થતી વિગતો-અંગ્રેજોએ આચરેલી ક્રૂરતા,અમાનુષી કૃત્ય સાંભળતા રુંવાડા બેઠા થઇ ગયા હતા.ઘણાંની આંખો ભીની થઇ ગઇ હતી.આ બધા વચ્ચે નિવ્યાને હતું કે,એક સરસ અલગથી આર્ટીકલ થશે ! મમ્મીને પોતાની આસપાસ ઘૂમરાતી જોઈ નિવ્યાને ગુસ્સો આવ્યો.‘હું હવે નાની ગગી નથી તે...’ પણ તેમની આંખોની અગોચર સળવળતો ભય,અજાણ ન રહ્યો.મમ્મીનું આશ્રમમાં જવું, ટૂરમાં સામેલ થવું... નિવ્યા માટે પ્રશ્નો પેદા કરતું હતું.પણ જેને કમળો હોય તેને સર્વત્ર પીળું જ દેખાય-પોતે પત્રકાર છે એટલે... મન વાળી લીધું હતું. છતાંય મમ્મીનું વર્તન વિચિત્ર હોય એવું લાગતું નહી, અનુભવાતું હતું.

‘ભૌતિક સંપતિ,સુવિધા...નથીંગ..’સ્વામીએ તુચ્છકારભાવથી કહ્યું:‘આ પણ લોકો જીવે છે,જેનો પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે...આપણા પાસે કશુક હોવું અને જીવવું બંને ભિન્ન બાબત છે.’

બારટાંગ વિસ્તારના ગાઢ અરણ્યમાં ખભે તીર-કામઠા ભરાવી ચાલ્યા જતાં વસ્ત્રવિહિન,આદિમાનવ - ‘જરવા’ લોકોને જોયા પછી સ્વામીનું કહેવું સાર્થક હતું. એ લોકોને નજરે જોઇ સૌ દિગ્મૂઢ થઇ ગયા હતા.

રાત્રીએ સ્વામી બોલાવશે..નિવ્યા બધી જ રીતે સજજ હતી.પછી વિડીયો વાયરલ કરવાની પણ માન સિક તૈયારી હતી.ત્યાં પેલી સ્ત્રી એક ચોંકાવનારી વિગત કહી ગઇ:‘મોડીરાતે એકાંતમાં બોલાવશે ને પછી કહેશે -આપણે પરભવના ઋણાનુંબંધના લીધે ફરી આમ મળ્યાં છીએ...’

નિવ્યાના મોંએ આવી ગયું:‘અનુભવ બોલે છે !’પણ સ્ત્રીએ આગળ કહ્યું :‘કાં એમ કહેશે-આપ પરભવના પદભ્રષ્ટ યોગી છો. દેહના દેવાલયને પાવક સ્પર્શ આપો,આપોઆપ મુક્તિ મળી જશે !’

રાત્રીએ નિવ્યાને ઊંઘ ન આવી.એ સ્ત્રી વારંવાર વચ્ચે આવી શું કરવા ટાંગ અડાડતી હતી તે નિવ્યા ની સમજમાં આવતું નહોતું. પણ સ્વામી સ્માર્ટ છે,મોટી ને પહોંચતી માયા છે. વૈભવી આશ્રમનો બારોબાર પણ મોટો કારોબાર છે. સંભાળવું પડે તેમ છે. સામે થવું, ઉઘાડું લખવું..સાવ સરળ નથી.મામલો મર્ડર સુધી પહોંચી, ઠંડા કલેજે હત્યા થઇ જતી હોય છે.

બારી પાસે આવીને ઊભી રહી.જલાધિરાજ તોફાન કરીને થાકી ગયેલા બાળકના જેમ ઊંઘી ગયો હતો. ધીમો રવરવાટ પણ કાને પડતો નહોતો.પાછલી રાતના ચંદ્રનો આછો ઉજાસ આહલાદક લાગતો હતો. એકધારી નજરે જલસપાટીને જોતી રહી...દૂર દૂરથી કોઈ રાજકુમાર ઘોડેસવાર થઇ આવી રહ્યો હતો-રાજ કુમારીને લેવા..મોં પર ગુલાબી શરમ લીંપાઈ ગઇ.તનમાં ઝણઝણાટી વ્યાપી ગઇ.સઘળું જ ગૌણ બની ગયું. પોતે એક નવયૌવના છે..કોઈ આવે,ભીંસોભીંસ આલિંગી લે..તસુભાર પણ જગ્યા ન રહે.સારું લાગ્યું.કલ્પના માત્રથી તરબોળ થઇ જવ્યું. પણ પછી ધબ દઇને પથારીમાં પડી.દેખીતું કોઈ કારણ નહોતું.છતાંય હૈયું ભરાઈ આવ્યું.ધ્રુસકે ધ્રુસકે નહી,છાતીફાટ રડે...કશીક ગુંગળામણ ને અકળામણ થવા લાગી. પણ રડવું ન આવ્યું.-હું એટલી સ્માર્ટને ફોરવર્ડ થઇ ગઇ કે..રડી પણ ન શકી !

ત્યાં પ્રેમાળ સ્પર્શ વાંસાથી માથા પર આવી ને અટક્યો. સારું ને પ્યારું લાગ્યું...

‘મમ્મી..તું જાગે છે !’

‘જેની યુવાન દીકરી જાગતી હોય એની મમ્મીને ઊંઘ આવે ખરી !’

એકદમ ઊભા થઇ ગઇ.લગોલગ બેઠેલી મમ્મી સામે જોયું.તે પહેલા શ્વાસ એકમેકને અફળાયા.

‘મેરેજ એકજાતનો જુગાર છે. બાજી જીતીને પણ હારી જવાતું હોય છે...’

ત્યાં સહેજ ઉછળીને નિવ્યા કહે:‘મમ્મી, છોડ ને એ બધું...’પછી ક્ષણભર અટકી શ્વાસ ઘૂંટ્યો. છાતીમાં ઘચરકો પડ્યો. પીડાના પરપોટા ફૂટ્યા...બંધ વાતાવરણમાં નનામી ગંધ પ્રસરવા લાગી.

‘એક દીકરી પાસેથી પપ્પાનો પ્રેમ છીનવી લેવાનો અધિકાર તને કોણે આપ્યો...તેનો જવાબ દે !’

ભાર્ગવી બહેનની બેઠકતળે બોમ્બબ્લાસ્ટ થયો હોય તેમ જાણે છેદાઇને દૂર ફેંકાઇ ગયા.પછી ઝડપથી

જાત સંભાળી,દીવાસળી સળગાવતા હોય એમ ચકમક સાથે બોલ્યા :‘એ જવાબ પણ તને જલ્દી મળી જશે !’

**************

દુનિયાના શ્રેષ્ઠ બીચ પૈકીનો એક એવો, હેવલોક ટાપુનો રાધાનગર બીચ છે. નાખી નજર ન પહોંચે તેવો અફાટ સાગર છે.કાચ જેવો પારદર્શક જળરાશિ,કિનારા પર લહેરતા ઊંચા અને લીલાંછમ વૃક્ષો...સુંદર ને આહલાદક સ્થળ જોતા જ નિવ્યાની આંખો ચાર થઇ ગઇ.વિશ્વાસ ન બેઠો,સ્વપ્નસૃષ્ટિ છે કે વાસ્તવજગત !

થેંક્યું કહેવા સ્વામી તરફ જોયું...પણ એક વૃક્ષ તળે લાકડાની બેઠક પર આસન જમાવીને બેઠા હતા. બે-ત્રણ ગોરી સ્ત્રીઓ પડખે ઊભી પૃચ્છા કરી રહી હતી. નિવ્યાને ગમ્યું નહી.તે સ્વગત બોલી:‘દેશમાં ધરાયા નહી તે પરદેશનું બુકિંગ કરાવો છો !

માનવ વસ્તી વચ્ચે મસ્તી માણી સ્વામી સમેત અનુયાયીઓએ, વૃક્ષો વચ્ચે છાયાંતળે બેઠક લીધી.

‘પ્રાકૃતિક અવસ્થામાં જીવતા ‘જરાવા’ લોકો અને અહીં સાવ નહિવત વસ્ત્રોમાં સનબાથ લઇ રહેલા પરદેશીઓ...શું ફરક છે, બંને વચ્ચે !?’પછી ઉમેરીને કહ્યું :‘આટલું સમજાય જાય તો ભયોભયો !’

પછી કહે : ‘નહિવત વસ્ત્રો પણ આપણી નજરથી બચવા માટે જ ધારણ કર્યા હશે !’

-લગભગ જીરો જેવો ક્રાઇમરેટ, પોલીસમાં સ્ત્રીનું પ્રાધાન્ય, સ્વયંસ્વચ્છતા, પ્રામાણિકતા, સમરસતા... દ્વીપસમૂહની વિશેષતાઓ જોતા નિવ્યાને નક્કી થઇ ગયું કે, આ ખરા અર્થમાં ધર્મટૂર છે !

નવા નિવાસે આવ્યાં ત્યારે સાંજ ઢળવા આવી હતી.નીખરી ઉઠેલી નવેલી નારી જેવો નજારો અનન્ય હતો.નાખી નજર ન પહોંચે તેવી નીલરંગી જલરાશિ...એક અલૌલકિક દ્રશ્યભાવ પેદા કરતી હતી. નિવ્યા સઘળું ભૂલી,તેમાં ખોવાઈ ગઇ હતી ત્યાં પાછળથી અવાજ આવ્યો : ‘સ્વામીજી યાદ કરે છે !’

નિવ્યા ઠંડા પાણીની છાલક માથે આવી હોય એમ ઝઝકી ગઇ.

જે પળ, સમયની પ્રતીક્ષા હતી..એ સામે આવીને ઊભો રહ્યો. નિવ્યા પોતાની જાતને સજ્જ કરવાને, સંકોરવા લાગી.કોણ જાણે કેમ,નથી જવું...એવું પણ થયું.ઘણાં સવાલોના જવાબ આપોઆપ જડી ગયા હતા.

‘બેટા !’ થોડા ધ્રુજારા સાથે મમ્મીએ ટકોરી :‘સ્વામીજી યાદ કરે છે !’

એક જુસ્સા સાથે નિવ્યા અંદર ગઇ. મમ્મીનું હ્રદય ધબકારો ચૂકી ગયું. તેઓ આંખો બંધ કરી ગયા.

પેલી સ્ત્રી જુગુપ્સાથી જોઈ રહી હતી. સાખની કેરી આંબા પરથી વેડાઇ જશે..તેવું તેને લાગી રહ્યું હતું.

પણ નિવ્યા બહાર આવી તે પૂર્વેનો સમય બિહામણો ને છેતરામણો ભાસતો હતો. ભાર્ગવી બહેનને તો હ્રદય બંધ જશે તેવી ધાસ્તી બેસી ગઇ હતી. એક એકપળ વસમી ને વિકરાળ લાગી હતી. ધક્કો મારી રૂમમાં પ્રવેશી જવાનું મન થઇ આવ્યું હતું.

ત્યાં કોઈ જાહેરાત કરતી હોય એમ નિવ્યા ભાવવિભોર થઇને બોલી :‘કહ્યું, તું...મારી પૂત્રી છો !’

મમ્મીએ અધીરાઈથી એકદમ પૂછ્યું : ‘પરભવની પુત્રી, એમ ન કહ્યું !?’

‘કહ્યું ને, મમ્મી !’ નિવ્યા મમ્મીના વિખરાયેલા ચહેરાને ફંફોસતી ઝડપથી બોલી ગઇ.

‘કઈ પુત્રી તેનાં પપ્પા સામે મોરચો માંડે !’

-કોણ બોલ્યું...તેવાં આશ્ચર્ય સાથે નિવ્યાએ પારોઠ ફરીને જોયું તો, દરવાજે ઊભા સ્વામી મરક મરક હસતાં હતા.

****** ******* ***** ****

સંપર્ક : પ્લોટ નં. ૭૧૫/૧, સેકટર ૭ બી, ગાંધીનગર મોબાઈલ : ૯૪૨૭૦ ૫૦૯૯૫