Tu tu me me in Gujarati Moral Stories by Bakul Dekate books and stories PDF | તું તું મેં મેં

Featured Books
Categories
Share

તું તું મેં મેં

ઘરની છત ઉપર હું કપડાં સુકવી રહી હતી. તેવામાં અચાનક શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ગોઠવાયેલા વિદ્યાર્થીઓ ની માફક લાઈનમાં સુકવેલા કાપડાઓ ની પાછળથી એક અજાણ્યા શખ્સે મને તેની તરફ ખેંચી લીધી. ક્ષણભર માટે તો હું ડઘાઈ ગઈ. પરંતુ જ્યારે જોયું કે આ તો મારા પતિદેવ વેદ છે, ત્યારે મને હાશકારો થયો. મારો હાથ પકડીને વેદ બોલ્યા," કપડાં સુકાવવાનું બાજુમાં મુક અને ચાલ શયનકક્ષ માં. લગ્નને 1વર્ષ થવા આવ્યો. છતાં તારો સુહાગ સુહાગરાત થી વંચિત છે. આમને આમ ચાલ્યું તો હજુ 2વર્ષ સુધી સંતાનપ્રાપ્તિ નો યોગ જીવનમાં નહીં આવે. આજે તો સંતાનપ્રાપ્તિ માટેની વિધિ આરંભી જ દેવી છે." એટલું બોલી ને વેદ મને નીચે તરફ રૂમમાં લઈ જવા માટે ખેંચવા લાગ્યો. વેદની પ્રણય માટેની ઘેલછા જોઈ મારુ મન પણ લાલચાયું પણ ઘરમાં સાસુમા હતા. અને બધા કામ બાકી હતા.
કોઈ લાજશરમ છે કે નહીં. આ ધાબુ છે તમારું બેડરૂમ નહીં. ક્યાંક તમારી મા જોઈ જશે તો?" મેં નખરાળો છણકો કરીને કહ્યું. વેદે ઝાટકાથી મારો હાથ છોડતા કહ્યું,"મા જ તો તકલીફ છે. 1વર્ષ થવા આવ્યો. છતાં રાત્રીના એકાંતમાં અપ્સરા જેવી પત્ની સાથે સહશયન માણવા નથી મળી રહ્યું. પત્ની સુવે છે મા સાથે અને પતિ બિચારો એકાંતમાં પડખાં ઘસે છે." વેદ માં મોઢા પર હાથ મૂકીને મેં કહ્યું,"શશશ... આવું ના બોલશો. એ તમારા મા છે. બસ તેઓ ઈચ્છે છે કે 21ની ઉંમરમાં મારે મા ના બનવું. 22ની ઉંમરમાં બનવું. હા, તેઓ સ્પષ્ટવક્તા અને ઉદ્ધત છે. પણ મારા આધુનિક કપડાં ને સ્વીકારે છે. મારા લેખિકા તરીકે ના પ્રોફેસન ને પણ સ્વીકારે છે. અમારા વચ્ચે મીઠડી તું તું મૈં મૈં થાય છે. પણ આ તો સદીઓ થી ચાલતી આવતી પરંપરા છે. હવે તો તેમના મહેણાં-ટોણા સાંભળ્યા વિના, અને તેમની સાથે ઝઘડ્યા વિના ગમતું નથી. ગમે તે હોય પણ તે છે તો મારા સાસુમા."મારી વાત પૂર્ણ થતાં જ વેદે મારો હાથ તેના મુખ પરથી હઠાવ્યો અને મારા રસાળ હોઠ પર તસતસતું ચુંબન જડી દીધુ. હજી તો પ્રણય ની શરૂઆત માત્ર થઈ હતી ત્યાં જ નીચેથી સાસુમા ની બુમો સંભળાઈ," અરે ક્યાં મરી ગઈ વૈદેહી. કપડાં સૂકવવા ગઈ છું કે કપડાં બનાવવા?"
કાન ના પડદાની સાથે બારીના પડદા પણ ફાડી નાખે તેવા બુલંદ અવાજની તિવ્રતા ને કારણે પતિદેવે મને આલિંગનમુક્ત કરી. મારા પતિમાં જાગેલો કામદેવ આટલાં માં જ શાંત થઈ ગયો અને તેઓ ભાગ્યા નીચેની તરફ. ચાય ના કપમાં ડૂબાળેલું બિસ્કિટ વધુ પડતું ઢીલું થવાને કારણે જેમ પડી જાય છે, તેમ મારી અંદર જાગ્રત થયેલી ભાવનાઓ પણ ઢીલી થઈ ગઈ. વેદ ની પાછળ હું પણ ત્વરિત નીચે આવી અને સાસુમા પાસે જઈને કહ્યું,"શું થઈ ગયું.? કોઈ કામ તો આરામ થી કરવા દેતા જાવ."
સાસુમા એ આંખો ઝીણી કરીને કહ્યું,"તું ભૂલી ગઈને વૈદેહી?"
"પણ શું" મેં કહ્યું.
"એ જ કે આજે સંધ્યાટાણે આપણા ઘરે મેં ફેશન વિષય ઉપર સ્પર્ધા રાખેલી છે, તે નિમિત્તે પિઝા પાર્ટી રાખેલ છે. જેમાં મારી સખીઓ આવવાની છે."
"એમને સખીઓ ના કહેવાય. કબ્ર માં પગ લટકાવીને બેઠેલી વૃદ્ધ સળીઓ કહેવાય."
"તારી મા તને ખાવાનું નહોતી આપતી. એટલે તો સળી જેવી કદકાઠી તારી છે. અમે બધા તો ખાધેપીધે હૃષ્ટપુષ્ટ છીએ. સાંજે પાર્ટી માટે પીઝા ની શી વ્યવસ્થા કરી છે તે?"
"તમારી ઉંમર હવે પીઝા પાર્ટી ની નહિ પણ ભજન ની છે."
તને તારી મા એ બકબક સિવાય કશું શીખવ્યું છે? અને તું અમારી ઉંમર પર ના જઈશ. દિલથી અમે હજી જવાન છીએ. એટલે પાર્ટી કરીશું. તારૂ દિલ વૃદ્ધ થઈ ગયું છે. એટલે તું કરજે ભજન." એટલું બોલી સાસુમા ખડખડાટ હસવા લાગ્યાં. મને ગુસ્સો તો આવ્યો પણ મેં શાંતિ જાળવી રાખી. કારણકે આવી તું તું મૈં મૈં અમારા માટે રોજની હતી. જો આવો મીઠો ઝગડો ના થાય તો અમને બંનેને ચેન ના પડે. છતાં આજે મારી મા વિશે બોલીને સાસુમા એ, મને બદલો લેવા પ્રેરી. એમને સબક શીખવાડવાનું મેં નક્કી કર્યું.
**********
માતૃભારતી આયોજિત સ્પર્ધામાં મોકલવાની મારી વાર્તાનું એડિટિંગ બાકી હતું. આથી વેદને ઓનલાઈન પીઝા ઓર્ડર કરવાનું મેં કહી દીઘું અને હું મારા રાઇટિંગ ના કામમાં વ્યસ્ત થઈ. સાસુમા અને એમની બહેનપણીઓ બધા મળીને 6જણા હતા. આથી વેદે 6 વેરાયટીના પીઝાનો ઓર્ડર આપી દીધો. સાથે જ મને પણ ખુશ કરતો એક પ્રસ્તાવ મુક્યો. વેદે મને કહ્યું કે હું જલ્દી થી વાર્તા પૂર્ણ કરી લઉં અને ત્યારપછી અમે રેસ્ટોરન્ટમાં ડિનર માટે જઈએ. જેથી કરીને મા પણ ખુશ અને તું પણ ખુશ. હું ખુશી થી ઝૂમી ઉઠી અને વેદને ભેટી પડી.
સાસુમા ની સિનિયર સીટીઝન બેહનપણીઓ આવે તે પહેલાં મેં વાર્તા લખી દીધી. તેના થોડા સમય બાદ ડિલિવરી બોય પીઝા ની ડિલિવરી પણ કરી ગયો. તમામ કામ આટોપી લીધા બાદ હું તૈયાર થઈ ગઈ. વેદ તો અગાઉથી જ તૈયાર બેઠો હતો. વેદે જેવું કારનું એંજિન સ્ટાર્ટ કર્યું કે મને એક વસ્તુનું સ્મરણ થયું અને હું ઉતરી કારમાં થી અને ઘરની અંદર ગઈ.
ચંચળ વાણીના સાસુમાને અચળ બનાવવાની એક યુક્તિ મને સૂઝી. મને સ્મરણ થયું કે અમે ઘણીવાર સાસુમાને માઇક્રોવેવ ઓવન નો ઉપયોગ કેવીરીતે કરવો તે શીખવ્યું હતું. છતાં તેઓ સહેજે નહોતા શીખ્યા. આથી ઓવન નો ઉપયોગ કરીને તેમને ડરાવવાની તરકીબ મને સૂઝી. જેવી હું ઘરમાં દાખલ થઈ તો જોયું કે સાસુમા ડાઇનિંગ ટેબલ સજાવી રહ્યા હતા. સાસુમા સમીપ જઈને મેં કહ્યું,"સાસુમા પીઝા ઠંડા થઈ જાય તો માઇક્રોવેવ ઓવન માં મૂકી ગરમ કરી લેજો. અન્યથા ઠંડા થઈ ગયેલા રબર જેવા ચિઝી પીઝા તમે અને તમારી સિનિયર સીટીઝન સખીઓ ચાવી નહીં શકે."
મારી વાત સમાપ્ત થઈ ત્યારે મને ગબ્બરસિંઘ નો શોલે વાળું મ્યુઝિક સંભળાયું અને સાસુમા ગબ્બરની અદામાં બોલ્યા,"કેટલા માણસો છીએ અમે? પાંચ. અને તમે કેટલા માણસો છો? બે. તો તમે તમારું સંભાળો. અમે અમારું જોઈ લઈશું. અને વૈદેહી તું એમ ન ધરી લઈશ કે મને ઓવન નો ઉપયોગ કરતા નથી આવડતું. મને એ બધું આવડે છે જે તારી મા ને નથી આવડતું. સમજી. તું મને શિખામણ ના આપીશ."
સાસુમા ની વાત પૂર્ણ થાય તે પહેલાં બહાર કારમાં બેઠેલા વેદની બૂમ સંભળાઈ,"વૈદેહી જલ્દી આવ નહીંતર હું એકલો જ જતો રહીશ. દર વખતે શું મોડું કરતી હોઇશ." સાસુમા ને જોઈને કટાક્ષમિશ્રિત હાસ્ય સાથે મેં કહ્યું,"અમને મોડું થઈ રહ્યું છે સાસુમા. તમને ઓવનનો ઉપયોગ આવડે જ છે છતાં એકવાર સમજાવી દઉં. આમાં કશું અઘરું નથી. જુઓ, સૌપ્રથમ ઓવન નું કન્વેક્શન મોડ ઓન કરજો. ટેમ્પરેચર 180° સેટ કરજો. ટાઇમર 3 મિનિટ માટે સેટ કરજો. ત્યારબાદ ઓવનનું સ્ટાર્ટ બટન દબાવજો. અને છેલ્લે ઓવનમાં થી ટ્રે કાઢવા માટે હાથમોજાં નો ઉપયોગ કરજો. દરવખત ની જેમ ખુલ્લા હાથે ના કાઢતા. યાદ રહેશે કે વૃદ્ધત્વ ને કારણે હોવી દિમાગ કામ નથી કરતું."
"તું જતી હોય તો જાને હવે." વટ માં સાસુમાએ કહી તો દીધું છતાં સાસુમા ના ચેહરા પર બાઝેલા પ્રસ્વેદબિન્દુઓ તેમના ભય ની ચાડી ખાઈ રહ્યા હતા. રેસ્ટોરન્ટ માં ખાવાનો જેટલો આનંદ નહોતો એનાથી બમણો આનંદ સાસુમા ને ફસાવ્યા, તેનો હતો. કોઈ મોડલ ની અદાથી રેમ્પવોક કરીને મેં સાસુમાની વિદાય લીધી. જતાં જતાં મેં પાછું ફરીને જોયું ,સાસુમા કશાક વિચારમાં ગળાડૂબ હતા.
**********
"વેદ ફાયરબ્રિગેડ ની ગાડીને આગળ જવા માટે રસ્તો આપ."વેદે તુરંત મારી સૂચના પ્રમાણે કર્યું. ઘર તરફ પ્રયાણ કરી રહેલી અમારી કારને સતત ફાયરબ્રિગેડની ગાડીના જ દર્શન થઇ રહ્યા હતા. જેમ હોકાયંત્ર ની સોંય ચુંબકીય ઉત્તર ધ્રુવ ને અનુસરે છે, તે જ રીતે અમારી કાર ફાયરબ્રિગેડ ની લાલ ગાડીને અનુસરી રહી હતી. છેવટે ફાયરબ્રિગેડ ની ગાડી અટકી અમારી સોસાયટી ની અંદર આવીને. અમે પણ વિમાસણ માં હતા કે અહીં આગ લાગી ચેક શું? અમે પણ કાર થોભાવીને નીચે ઉતર્યા. અગ્નિશામક દળના કર્મચારીઓની ઝડપ અને ગતિવિધિ જોતા લાગ્યું કે આગ ભયાનક હશે.
સૌના કૌતુક વચ્ચે અગ્નિશામક દળ ના જવાનો અમારા ઘર પાસે આવીને અટક્યા. કૈક અમંગળ ઘટનાના એંધાણ વર્તતા મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા. કારણકે સાસુમા અને તેમની સહેલીઓ ઘરમાં હતા. મનમાં રહી રહીને અશુભ વિચાર આવવા લાગ્યા કે ક્યાંક સાસુમા અથવા તેમની સહેલીઓ ની કોઈક ભૂલ ન કારણે ઘરમાં આગ તો નહીં લાગી હોય ને? કોઈ જાનહાની તો નહીં થઈ હોય ને? સાસુમા ક્યાંક....? અશુભ વિચારોની શૃંખલાને કારણે હું નખશીખ ધ્રુજી ઉઠી.
મને આવેલા તે ડરામણા વિચાર ને જીવંત દ્રશ્યરૂપે કલ્પીને નરી આખે જોઈ રહેલા વેદના મુખારવિંદ ઉપર ભયગ્રસ્ત રેખાઓ ઉપસી આવી. ધ્રુજતા સ્વરે મમ્મી મમ્મી ની બુમો પડતો વેદ ઘર તરફ દોડ્યો. હૃદયમાં ઉઠેલા અજાણ્યા ભય ની કંપારી સાથે હું પણ વેદની પાછળ ભાગી. ત્યાં જ વેદની પીઠ પર એક સજ્જડ મુકકો પડ્યો. વેદે પાછળ ફરીને જોયું તો મમ્મી ઉભા હતા.
સાસુમા વેદ ઉપર તાડૂકી ઉઠ્યા," હજી જીવું છું. મરી નથી ગઈ. જે આમ રડમસ અવાજે બુમરાણ મચાવી દીધી છે."વેદ ભીંસપૂર્વક સાસુમા ને ભેટી પડ્યો અને રડતા રડતા બોલ્યો,"તું ઠીક તો છે ને મમ્મી? અને અહીં આટલી ભીડ કેમ છે? આગ કેમની લાગી?"
વેદના અશ્રુબિંદુ લૂછીને સાસુમા બોલી,"બધું ઠીક છે બેટા. એમાં થયું એવું કે પીઝા ઓવનમાં મુક્યાં પછી 3મિનિટ ના સ્થાને મેં ભૂલ થી 30મિનિટ માટે ટાઇમર સેટ કરી દીધું. ત્યારબાદ હું સહેલીઓ સાથે વાતો માં વળગી અને 3મિનિટ પછી પીઝા કાઢવાનું ભૂલી ગઈ. જ્યારે સ્મરણ થયું ત્યારે મોડું થઈ ગયું હતું. પીઝા ભૂંજાઈ ને ભડથું થઈ ગયા અને તેમાંથી ધુમાડા ના ગોટેગોટા નીકળતા હતા. આ દ્રશ્ય જોઈને અમે બધા ગભરાઈ ગયા અને ઘરમાં થી ભાગી ગયા. ત્યાંથી સીધા અમે તારા મિત્ર રમેશભાઈ ના ઘરે પહોંચ્યા. અમારી વાત સાંભળી રમેશભાઈએ તાબડતોડ ફાયરબ્રિગેડ ને ફોન કર્યો અને થોડીવાર માં ફાયરબ્રિગેડ ના જવાનો આવી પણ ગયા. અને પાછળ પાછળ તમે પણ આવી ગયા."
"પણ સાસુમા આગ જેવું તો કશું દેખાઈ નથી રહ્યું" મેં સાસુમા ને કહ્યું. મારી વાત સાથે સહમતી દર્શાવતા અગ્નિશામક દળ ના એક જવાને કહ્યું,"સાચી વાત. ક્યાંય આગ ની જવાળાઓ કે બળવાની ગંધ તો આવી નથી રહી." જવાન ની વાત સાથે અસહમતી દર્શાવતા વિરોધી સુર પુરાવતા સાસુમા બોલ્યા,"અરે લાગી છે આગ. રસોડામાં ઓવન છે ત્યાં. અંદર જઈને તપાસ તો કરો." સાસુમા સાથે દલીલબાજી ન કરતા અગ્નિશામક દળ ના લોકો આગ ઓલાવવાના આધુનિક શસ્ત્ર સરંજામ સાથે તૈયાર થઈ ગયા. બારીનો કાચ તોડી તેઓ અંદર દાખલ થયા. પણ જેટલી ત્વરા થી તેઓ અંદર ગયા હતા , એટલી જ ત્વરા થી બહાર પણ આવી ગયા.
"શું થયું? આગ ઓલવાઈ ગઈ આટલી જલ્દી?" સાસુમા ને ઘણી નવાઈ લાગી. અગ્નિશામક દળ ના એક માણસે ચિડાઈ ને કહ્યું,"અમારી જાણકારી પ્રમાણે આને આગ નહીં પણ ધુમાડો કહેવાય. કોઈ મૂર્ખની ભૂલને કારણે ઓવનમાં મુકેલ ખાદ્ય પદાર્થ બળીને ખાખ થઈ ગયો હતો. જેને કારણે પ્રચુર માત્રા માં ધુમાડો ઉત્તપન્ન થયો હતો. અમે ઓવનને ઓફ જ કર્યું બસ. ઓવન ને ઓફ તો તે મૂર્ખ પણ કરી શક્યો હોત જેને ઓન કર્યું હતું. તેના માટે અમને બોલવાની શી જરૂર હતી. અને મને એ બતાવો કે કયા મહાન મૂર્ખ માણસે આગ લાગી છે એવું કહીને અમને ફોન કરીને અહીં બોલાવ્યા."
અગ્નિશામક દળ ના ખિજાયેલા માણસ ની વાત સાંભળતાવેંત સાસુમા ની સમીપે ઉભેલા ડુક્કર જેવા નાકવાળા રમેશભાઈ ના ચેહરા ના ભાવ પણ ડુક્કર જેવા થઈ ગયા. અભિનંદન અને વાહવાહી એકત્રિત કરવાના ઇરાદાથી આવેલા રમેશભાઈ ને ગાળો ખાવાનો વખત આવ્યો હતો. કોઈને પણ પોતાના ઉપર સંદેહ જાગે તે પહેલાં જ ચુપચાપ ઘર તરફની યાત્રા તેમણે આરંભી દીધી. વેદ જાણતો હતો કે મમ્મી ના કહેવાથી રામેશભાઈએ ફોન કર્યો હતો. આથી તે ભાગી ને રમેશભાઈ પાસે પહોંચ્યો અને તેમને ગળે લાગીને આભાર માનવા લાગ્યો. જોકે આ આભારવિધિ ઘણી લાંબી ચાલી. તેમની વચ્ચે કશુંક રંધાઈ રહ્યું હતું કદાચ. તેમની વાતો ઘણા લાંબા સમય સુધી ચાલી.
**********
ગતરાતની સાસુમા ની રમુજભરી ભૂલને કારણે સોસાયટી ની સ્ત્રીઓ ને ગપસપ કરવા માટે મસાલો નહિ પણ મસાલાનો આખો ડબ્બો મળી ગયો હતો. ઘર ઘરમાં સાસુમા ની વાતો અસ્ખલિતપણે વહી રહી હતી, તેવી બાતમી સાસુમા ને તેમના બાતમીદારો પાસે થી મળી ચુકી હતી. હું પણ તેમની ટીખળ કરવાનું ચુકી નહોતી. ઓવન ને કારણે ભલે ઘરમાં આગ નહોતી લાગી પણ સાસુમા ના અંતરમાં ક્રોધની અગ્નિ ભડકી ચુકી હતી. અને આ અગ્નિમાં મારે દાઝવાનું છે, તેનાથી હું સારી પેઠે વિદિત હતી.
વેદને મમ્મી ઉપર અનહદ પ્રેમ હતો. ગતરાતની ઘટના થી તે ડરી ગયો હતો. આથી જ વેદ મમ્મી ને ઘણો વઢયો અને રડ્યો પણ. સાસુમા ને ઘણા સમય પછી કોઈએ ધમકાવી હતી. તેથી જ તેમને રાતે ઊંઘ ન આવી હોય તેવું મને લાગ્યું. એવું લાગવા પાછળનું કારણ માત્ર એટલું કે સાસુમા સવાર થી જ મને વડચકા ભર્યે જતી હતી.
સાસુમા ના હિસાબે રાતની ઘટના માટે સંપૂર્ણપણે હું જવાબદાર હતી. મારી ઓવન વિશેની સમજાવટ એમના માટે મૂંઝવણ ની કારક બની હતી. તેથી જ સ્તો, સાસુમા ની વૃત્તિ, પ્રવૃત્તિ અને નીતિ મારી વિરુદ્ધમાં ત્રીજા વિશ્વયુદ્ધ જેવી થઈ ગઈ હતી. અલબત્ત હું પણ મિત્ર રાષ્ટ્રો ની જેમ આરપાર ની લડાઈ લડી લેવા સજ્જ હતી.
સવારમાં વેકેશન નો આનંદ લૂંટી રહેલા કિશોરો ક્રિકેટ મેચ રમી રહ્યા હતા. બેટિંગ કરી રહેલા કોઈક કિશોરના આક્રમક પ્રહાર ને કારણે દડો રસોડા માં આવી પડ્યો અને સાસુમા ની દાળ ને સ્વિમિંગ પુલ ગણી 'ધબાય નમઃ' કહી લગાવ્યો ભૂસકો અંદર. પરીણામે દાળ આવી બહાર , સીધી સાસુમા ના ચેહરા ઉપર. દડો જોકે સાસુમા ની સાડી ઉપર ચિત્રકામ કરવાનું ચુક્યો નહોતો. નાનકડો દડો સાસુમા ના ગુસ્સા ને વધુ ભડકાવી ગયો. સાસુમા કિશોરો ઉપર તાડુકી ઉઠ્યા. સાસુમા નો ઉકળતા ચરૂ જેવો ક્રોધાગ્નિ જોઈને છોકરાઓએ સોસાયટી લીગ ની ફાઇનલ મેચને રદ કરી અને ઉસૈન બોલ્ટ કરતા જરાક વધુ ઝડપ થી પોતપોતાના ઘર તરફ ભાગ્યા. એડોલ્ફ હિટલર ની પેઠે સરમુખત્યાર બનેલા સાસુમાએ, રસોડામાં ગેરહાજર હોવા છતાં, આના માટે મને જવાબદાર ગણાવી. અમારી વચ્ચે થોડી ચકમક ઝરી પણ વેદ ની મધ્યસ્થતા ને કારણે સાસુ-વહું માં વિસ્ફોટ થતા રહી ગયો.
ઉપરોક્ત કિસ્સા બાદ કોફી વધુ સ્ટ્રોંગ બની છે, કહીને મારી સાથે પુનઃ ઝગડા નો રાગ આલોપવા લાગ્યા. સામેછેડે મેં પણ બળવો પોકાર્યો અને શિવાજી ની ગેરીલા પદ્ધતિ અપનાવી. જ્યારે જમવા બેઠા ત્યારે મેં પણ છાપામાર હુમલા કરનાર શિવજીના સૈનિકની ઢબ થી કહયી દીધું કે આટલી ખારી અને પાણીદાર દાળ કોઈ કેવીરીતે બનાવી શકે?
ઉપરોક્ત સંવાદ થી નાગાસાકી અને હીરોશિમાં પર વર્ષેલા અણુબોમ્બ જેવો વિસ્ફોટ થયો. સવારથી ચાલુ થયેલા ઝગડાઓ ની હારમાળા થી વેદ કંટાળી ગયો હતો અને માથે ધરીને બેસી ગયો હતો. વેદના મગજમાં કેમિકલ લોચો થવાનો બાકી હતો બસ.
વેદની મગજની ખેંચાતી નસોને આરામ આપવા જ જાણે સ્વયં રમેશભાઈ, કોલગેટ ની એડ્સમાં ક્યાં આપકે ટૂથપેસ્ટ મેં નમક હૈ એવું કહીને પ્રગટ થતી હિરોઇન ની જેમ પ્રગટ થયા. રમેશભાઈ સોસાયટીના ચેરમેન અને વેદના સારા મિત્ર હતા. રમેશભાઈએ સાસુમાને કોફી માંગણી કરી. સાસુમા એ તે માંગણી રૂપી દરખાસ્તને આગળ કરીને મારી સામે પ્રસ્તુત કરી દીધી.પાકિસ્તાન જેમ ભારતની શાંતિ અપીલ ને ગણકારતું નથી તેવી જ રીતે મેં પણ સાસુમા અને રમેશભાઈની માંગણી ને તદ્દન અવગણી. પરિણામ સ્વરૂપ રામેશભાઈએ કઢી ન પીધી હોવા છતાં તેમનું મોઢું ઉતરેલી કાઢી પીધા જેવું થયું. જેમ વિરાટ કોહલી ને કદી T20 નો કપ નથી મળ્યો , તે જ રીતે આજે રમેશભાઈ ને કોફીનો કપ ના મળ્યો.
કોફી ના મળતા ફિક્કા પડી ગયેલા રમેશભાઈ વેદની સાથે દિવનકક્ષમાં સોફા ઉપર વિરાજમાન થયા અને સાસુમા તથા મને સંભળાય તે રીતે બોલવા લાગ્યા,"સોસાયટી માં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફક્ત સાસ-વહુ ની જોડી જ ભાગ લઈ શકે છે. પણ જેમ હું જોઇ શકું છું તેમ આ ઘરમાં સ્પર્ધામાં ભાગ લઈ શકે અને 50હજાર નું ઇનામ જીતી શકે તેવા જોડીદાર સાસ-વહુ છે જ નહીં."એટલું બોલીને ઘરની બહાર જઇ રહેલ રમેશભાઈ ને મેં રોક્યા અને જબરદસ્તી બેસાડ્યા. તેટલા માં રસોડામાં થી, હાથમાં કોફીનો કપ લઈ સાસુમા દોડતા આવ્યા. રમેશભાઈ ના હાથમાં કોફીનો કપ મૂકીને સાસુમા બોલ્યા,"તને કદી અદ્રશ્ય લોકો દ્રશ્ય લોકો થી ડરીને આખો ગ્રહ છોડીને ભાગી જાય એવી વાર્તા વાંચી છે?" રમેશભાઈનો જવાબ હતો "ના". સાસુમા એ આગળ ચલાવ્યું,"ફક્ત એક દિવસ અગાઉ શોધાયેલા નવા ગ્રહ પર કોઈ જાત ના રિસર્ચ કર્યા વિના નવીસવી ટિમ ને જવાની મંજૂરી ભારત સરકાર આપી દે, જેવી વાત તમે સાંભળી છે?" ફરી થી રમેશભાઈ નો જવાબ "ના" હતો.
સાસુમા બોલ્યા,"પણ આવું છે. આવી વાર્તા પણ છે ને એને ઇનામ પણ મળે છે. જો આ વાર્તા ઇનામ જીતી જાય તો અમે કેમ સ્પર્ધા માં ભાગ ના લઇ શકીએ. અમે ભાગ પણ લઈશું અને 50હજાર નો ઇનામ પણ મેળવીશું. તમે બસ એ કહો કે સ્પર્ધા માં અમારે કરવાનું શું છે?"
રાઉડી રાઠોરના અક્ષય કુમાર ની જેમ ખુમારીથી મુછ ના દોરાને તાવ ચડાવીને કોફીનો કપ હાથમાં લઈ રમેશભાઈ બોલ્યા,"આ સ્પર્ધા માં સાસ-વહુ ની જોડી ભાગ લઈ શકે છે. એ હિસાબે વૈદેહી અને તેના સાસ સ્પર્ધા માટે લાયક ઉમેદવાર છે. સ્પર્ધા ના નિયમ પ્રમાણે, જીતવા માટે સાસ-વહુ એ આજના દિવસ દરમ્યાન ઝગડો કરવાનો નથી. જો ઝગડો કર્યો તો સ્પર્ધા પણ હાર્યા સમજો. સાસ-વહુના ઝગડા નું નિરીક્ષણ કરવા માટે એક જજ પણ નિયુક્ત કરવામાં આવશે. અને જજ હશે જે-તે ઘરનો હંમેશા માટે મુક સાક્ષી બની રહેતો પતિ અને પુત્ર. તમારા કેસમાં તમારી વર્તણૂક પર ચાંપતી નજર રાખનારો જજ બનશે વેદ. અને હા, વેદભાઈ તમે જરા પણ ચિટિંગ કરી તો તમને તમારી મા અને પત્ની ના સોગંધ."
સ્પર્ધાની અને ખાસ તો જજ બનવાની વાત સાંભળીને વેદ ને લાગ્યું કે જાણે તે દેશ નો નહીં દુનિયા નો વડાપ્રધાન બની ગયો. લોકશાહી દેશનો સરમુખત્યાર બની ગયો. સદ્દામ અને લાદેન નો બાપ બની ગયો. એક દિવસ માટે તો એક દિવસ માટે, મા અને પત્નીને એક સાથે પોઝ બનાવીને હસવા પર મજબૂર કરી દે તેવો વેડિંગ ફોટોગ્રાફર બની ગયો.
પરમાણુ થી લઈને પીઝા સુધીના વિષયો ઉપર વિવાદ કરી શકતા અમારા માટે તું તું મેં મેં કર્યા વગર રહેવું કપરું હતું. છતાં 50હજાર ના ઇનામ માટે અમે સંપીને રહેવાનું નક્કી કર્યું. કોઈપણ જાતનો કલહ કે કંકાશ ના થાય તેના નિરીક્ષણ માટે વેદે ઓફીસ માં થી રજા મેળવી લીધી. જેમ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે તેમ વેદ આખો દિવસ અમારી આસપાસ ભ્રમણ કરતો રહ્યો. જજની ઉપાધિ મળવા માત્ર થી તેનામાં જાણે ન્યાયપ્રિય જજ ની આત્મા પ્રવેશી ગઈ હતી. જજ તરીકેની ભૂમિકા યોગ્ય રીતે બજાવવા માટે તે ઇનામ ની રકમ સુધ્ધા જતી કરવા તૈયાર થઈ ગયો હતો. આથી વેદને સમજાવવાને બદલે અમે બંનેએ પોતપોતાની અંદર વિરાજમાન સાસ-વહુ ની ઝગડાખોર આત્માને સમજાવીને શાંત પાડી દીધી અને મા-દીકરી ની જેમ વર્તવાનું ઠરાવ્યું.
સ્પર્ધા અને ઇનામ ની રકમ જીતવા માટે અમે ચાર રણનીતિ ઘડી. જે આ પ્રમાણે છે.
1) રસોઈ સારી બની હોય કે ખારી, કોઈએ કશી ટીકા ટિપ્પણી કરવી નહીં.
2) સાસુમા મારા ખાનદાન ઉપર અને હું સાસુમા ના ઉછેર અને સંસ્કાર ઉપર એક પણ શબ્દ નહિ ઉચ્ચારૂ.
3) આજના દિવસ માટે ટી.વી. નું રિમોટ વેદ પાસે રહેશે.
4) કોઈ વસ્તુ તૂટે તો ઝગડો ન કરવો.
રણનીતિ બનાવતા તો બનાવી લીધી પણ તેના અમલ માટે સાસુમા તૈયાર છે કે નહીં તે ચકાસવા માટે મેં જાણીજોઈને તેમનો ફેવરિટ કોફી કપ છોડી દીધો. લાચાર કોફીનો કપ ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરતી પર પછડાયો. મને એવું લાગ્યું કે કપે તિણી ચીસ પાડી હતી, જે સંભળાઈ જમીન પર પછડાટ ખાધા બાદ, તૂટવાના અવાજરૂપે. કપની ચીસ સાથે મને સાસુમા ની ચીસ ની પણ અપેક્ષા હતી. પણ આશ્ચર્યજનક રીતે સાસુમાએ ચીસને બદલે "કોઈ વાંધો નહિ દિકુ. આવું તો થયા કરે" જેવા શબ્દો કહ્યા. આ દ્રશ્ય જોઈને વેદ આંખો ચોળતો જ રહી ગયો.
બદલો લેવા ઝંખતી સાસુમા એ સર્જીકલ સ્ટ્રાઈક તરીકે મારી કેટલીક અધૂરી વાર્તાના કાગળિયા પસ્તીવાળા ને આપી દીધા. જો કે આ ઘટના માટે તેમણે 'ભૂલથી થઈ ગયું' નું લટકણ અવશ્ય લગાવ્યું. તેમ છતાં હું સ્વસ્થતા જાળવી શકી કારણકે તે તમામ વાર્તાઓ લેપટોપમાં પહેલે થી સેવ હતી. આ વખતે પણ વેદને 420વોલ્ટ નો ઝાટકો લાગ્યો. કારણકે જવાબી કાર્યવાહી માં મેં એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નહિ. બસ સાસુમા ને આલિંગન આપ્યું અને બીજા કામોમાં વળગી.
રાત્રિભોજન ટાણે જાણીજોઈને મેં રોટલી બાળી નાખી. કવચિત સાસુમા મારી ચાલને અગાઉ થી સમજી ગયા હતા. કારણકે તેમણે પણ દાળ માં વિક્રમસર્જક રીતે નમક(મીઠા) નો ઓવરડોઝ નાખી દીધો હતો. આમાં સૂડી વચ્ચે સોપારી બન્યો વેદ. ભોજન ને ઉપમા આપવા માટે તેની પાસે શબ્દો નહોતાં. ફક્ત મોઢું મચકોડીને તે ઉભો થઇ ગયો અને દિવનકક્ષમાં બેસી ને ટી.વી. જોવા લાગ્યો. વેદ કરતા અમે મજબૂત હતા. આથી મેં દાળ ની અને સાસુમા એ રોટલી ની શક્ય તેટલી પ્રશંશા કરી.
કંટાળાજનક ઝગડાવિરોધી સ્પર્ધાને કારણે અમારો આખો દિવસ નીરસતા માં વીત્યો. જેમ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણો આકાશને રંગી નાખે છે તેમ જ ઘરની ગૃહિણીઓ ના કામકાજી દિવસના અંતે રંગ પુરાય કસાસ-વહુ ની થિમવાળી સિરિયલ્સ ના કારણે. પરંતુ આજે રંગની શીશીઓ માંથી રંગ જાણે સમાપ્ત થઈ ગયો હતો કારણકે ટી.વી. નો રિમોટ વેદ ના હાથમાં હતું. ટી.વી. પર તે IPL ની મેચ નિહાળી રહ્યો હતો. ઘણા મહિના પછી અમે વેદ સાથે બેસીને મેચ નિહાળી. મેચ ઘણી રસાકસીવાળી હતી. મેચમાં ઘણી પરિસ્થિતિઓ એવી આવી કે જ્યારે હું અને સાસુમાં એકબીજાને ભેટીને, હાથમાં હાથ નાખીને હર્ષનાદ કરવા લાગ્યા. અજાણતાં માં જ સાસ-વહુ મટીને અમે મેચ નિહાળતા મિત્ર બની ગયા.
ચાલુ મેચ દરમ્યાન ઘણી વખત વેદમાં શક્તિકપુર ની આત્મા પ્રવેશી જતી. વારેઘડીએ સાસુમાની નજર ચુકાવીને તે મારા વર્તુળાકાર નિતંબ અને ઉન્નત ઉરોજોને સ્પર્શી લેતો. જોકે વેદ કોઈ જેમ્સ બોન્ડ તો હતો નહીં. કે તેની ચોરી છાની રહે. સાસુમા ને બધીજ ખબર પડી ગઈ હતી. મેચ સમાપ્ત થતા જ સાસુમાએ કહ્યું,"બહુ અધીરો થઇશ નહિ. તારી શય્યાસંગિની ને શયનકક્ષમાં લઇ જા.આમ પણ હું કંટાળી ગઈ છું તારા માટે ઝઘડો કરીકરીને. હવે મારે પૌત્ર માટે ઝઘડો કરવો છે."
સાસુમા ના બદલાયેલા અભિગમ ને કારણે હું પીગળી ગઈ અને તરત બોલી પડી,"ના સાસુમા ના. ઘણા મહિનાઓ પછી મને મા નો પ્રેમ મળ્યો છે. આજે પણ હું તમારી સાથે જ સુવાની છુ. જોકે સાસુમા આગળ અમારી એક ના ચાલી. જેથી મને વેદની સાથે પ્રથમવાર શય્યાસંગિની બનવાનો અવસર સાંપડ્યો.
**********
પ્રિયતમ સાથે ની પ્રણય ની રાત વીતી ગઈ અને સાસુમા સાથેના પ્રણય નો નવો સૂર્ય ઉદય થયો. બીજા દિવસે પણ સંપીને તમામ કામો અમે આટોપી લીધા. ઈનામની રકમ ની લાલચને કારણે ઉદ્ભવેલો પ્રેમ, અંતરમાંથી ઉઠતા પ્રેમમાં તબદીલ થઈ ગયો હતો. હવે આતુરતા હતી તો ફક્ત રમેશભાઈ ના આગમન ની. બપોરના ભોજન સમયે રમેશભાઈ આવ્યા અને ઘટસ્ફોટ કર્યો કે કોઈ ઇનામ કે કોઈ સ્પર્ધા હતી જ નહીં. સાસુ વહુ ને એક કરવા માટેની આ વેદની ચાલ હતી.
આ સાંભળી અમે વેદ ઉપર તૂટી પડ્યા. રમેશભાઈ એ વચમાં પડીને તેને બચાવ્યો. ત્યાર પછી વેદે જણાવ્યું કે તે મારા અને મમ્મી ના ઝગડાથી ત્રાસી ગયો હતો. આથી જે રાત્રે આગની ઘટના ઘટી તે રાત્રે જ મેં અને રમેશભાઈએ સ્પર્ધાનું તિકડમ રચી નાખ્યું હતું. જેથી તમને બંને ને એક કરી શકું.
રમેશભાઈએ ફરી થી કોફી માંગી. આ વખતે પણ તેમને કોઈએ કોફી ના આપી. રમેશભાઈ સમજી ગયા કે કોફી ની આશ સદા નિરાશ અને વીલા મોઢે તેઓ પાછા ફર્યા. વેદ ને જોકે થોડો મેથીપાક તો ચાખવો પડ્યો જ. મેં વેદને સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે 50હજાર માટે અમે ઝગડો ના કર્યો. આથી અમે ઇનામના હકદાર તો છીએ જ. સોસાયટી તરફ થી નહિ તો, તમારા તરફ થી ઇનામ મળશે. મેં અને સાસુમા એ 50હજાર કઈ રીતે ખર્ચવા તેની યાદી બનાવી રાખી છે. તમે બસ તમારું ATM આપો. બિચારો વેદ માથે હાથ દઈને બેઠો છે.