bahar in Gujarati Moral Stories by નિમિષા દલાલ્ books and stories PDF | બહાર

Featured Books
Categories
Share

બહાર

ટ્રીન..... ટ્રીન.. ફોનની ઘંટડી વાગી.

“ હલો ” રૈનાએ ફોન ઉપાડ્યો.

“ રૈના તું જલ્દી મારા ક્લીનીક પર આવી જા. અમિતનો રીપોર્ટ આવી ગયો છે.” સામે છેડે રૈનાની એકદમ નજદીકની મિત્ર ડૉ.લીપી હતી.

“ શું આવ્યો ? ” રૈનાએ ઉત્સુકતાથી પુછ્યું.

“ તું જલ્દી ક્લીનીક પર આવ શાંતિ થી વાત કરીએ..” એવો તે શું રીપોર્ટ આવ્યો હશે ? રૈના ક્લીનીક પર પહોંચી. એણે રીપોર્ટ જોયો. એના માન્યામાં ના આવ્યું કે અમિત પોતાની સાથે આટલી મોટી છેતરપીંડી કરી શકે. એની આંખમાં આંસુ આવી ગયાં.

“ રૈના લગ્ન પહેલાં તને આની જાણ નહોતી ? ”

“ના. મને તો કંઈજ સમજાતું નથી કે અમિતે આવું શું કામ કર્યું ? એને મારા પર ભરોસો જ નહોતો કે હું મીલીને એક માનો પ્રેમ આપી શકીશ. ” ને રૈના રડી પડી. થોડી વાર રડવા દીધા પછી લીપીએ રૈનાને પાણી આપી શાંત કરી. રૈના થોડી ફ્રેશ થઈ પછી જ એને ઘરે જવા દીધી. રીપોર્ટ લઈ રૈના ઘરમાં આવીને સોફા પર ફસડાઈ જ પડી. એની નજર પોતાના હાથમાં રહેલા રીપોર્ટ પર પડી. એના મોં પર એક ફિક્કું હાસ્ય આવી ગયું.

એની આંખ સામે એ દિવસ આવી ગયો જ્યારે એ અમિતને પરણીને આ ઘરમાં આવી હતી. ઘરમાં એનું સ્વાગત અમિતની પાંચ વર્ષની દીકરીએ કર્યું હતું. અમિત વિધુર હતો. પણ સારી નોકરી હતી અને સાઈડમાં નાનો ધંધો પણ શરુ કર્યો હતો એટલે મીલીની સંભાળ લેવા એક સુશીલ અને સંસ્કારી યુવતીની જરુર હતી. અમિતના મિત્રએ જ્યારે એને રૈના બતાવી ત્યારે અમીતે એને પસંદ કરી જ લીધી. ગરીબ ઘરની રૈનાની લગ્નની ઉમર વીતતી જતી હતી એટલે એણે પણ હા પાડી ને લગ્ન થઈ ગયા. રૈનાએ મીલીને સગી મા જેટલો જ પ્રેમ આપ્યો હતો. કદાચ એટલે જ મીલી પોતાના પિતા કરતાં માતાને વધુ પસંદ કરતી. છતાં રૈનાને પોતાનું એક બાળક હોય એવી ઈચ્છા થતી. એક એવું બાળક જે પોતાનો જ એક અંશ હોય , જેનો પિંડ પોતાના શરીરમાં બંધાયો હોય , જેણે પોતાની કૂખે જન્મ લીધો હોય. જ્યારે એ અમિતને પોતાની બાળક અંગેની ઈચ્છા કહેતી ત્યારે,

“ શું ઉતાવળ છે રૈના. આ મીલીને થોડી મોટી તો થઈ જવા દે.” એમ અમિત ગુસ્સાથી કહેતો. રૈનાને અમિતનો એ ગુસ્સો સમજાતો નહી. સમય પસાર થતો રહ્યો. મીલી હવે સમજણી થઈ ગઈ. પોતાના અલગ ઓરડામાં સૂવા લાગી હતી. હવે રૈનાની પોતાના બાળક માટેની ઝંખના ખૂબ વધી ગઈ હતી. પ્રસન્ન દામ્પત્ય હોવા છતાં જ્યારે પોતાને સારા દિવસ ના રહ્યા ત્યારે એણે એની મિત્ર ડૉ.લીપીની સલાહ લીધી. લીપીએ રૈના અને અમિત બંનેના રીપોર્ટ કરાવ્યા. રૈનાનો રીપોર્ટ નોર્મલ હતો. અને અમિતના..... ? હવે એને સમજાઈ રહ્યું હતું કે વારંવાર પોતાની બાળકની માંગણીથી અમિત ગુસ્સે કેમ થતો હતો. આમતો એ રૈનાને ખુબજ પ્રેમ કરતો એને ફરિયાદનો કોઇ જ મોકો આપતો નહોતો પણ રૈના જેવી બાળકની માગણી કરે કે એનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી જતો. આ રીપોર્ટમાં એનું કારણ હતું.

આજે અમિત મોડો હતો. મીલી અમિતની રાહ જોઇ જોઇને સુઈ ગઈ હતી. બાલ્કનીમાં હીંચકે બેઠી બેઠી રૈના એના જીવનમાં આવનાર બહારના સમાચાર એટલે કે પોતાની પ્રેગ્નંસીના સમાચાર અમિતને આપવા આતુરતાથી એની રાહ જોઇ રહી હતી. એની નજર સામે એક દ્રશ્ય રમતું હતું. એ પોતાના બાળકને લઈ ઘરમાં પ્રવેશ કરી રહી છે...

“વેલ કમ મોમ ” એને કાને અવાજ પડે. ઘરમાં પ્રવેશતાં જ એના પર ફુલો વરસે.. આજે એ એક બાળકને લઈ ઘરમાં પ્રવેશી રહી છે. એનું પોતાનું બાળક. એના શરીર નો જ એક અંશ. રૈના ખુબ ખુશ હતી. એણે ઘરમાં નજર કરી પોતાના અને બાળકનાં સ્વાગતમાં ચારે બાજુ ફુગ્ગાઓ.. તોરણો.. અને એવી બીજી ઘણી વસ્તુઓથી ઘર શણગારેલું હતું. સાચે જ ઘરમાં બહાર આવ્યાનું વાતાવરણ હતું. મીલી ની ખુશીનો પણ પાર નહોતો. આજથી એ મોટીબેન બની હતી. અને અમિત ? એણે તો મહારાજા સ્ટાઈલથી ઝુકીને કહ્યું ,

“વેલકમ મેડમ , મારા આ સ્વપ્નપ્રદેશમાં તમારું સ્વાગત છે.” પછી બાળકને પોતાના હાથમાં લઈ એનું કપાળ ચુમી એને કહ્યું , “વેલકમ જનાબ , તમારું પણ સ્વાગત છે.” અને રૈનાને ખભે હાથ મુકી પોતાની તરફ ખેંચતાં “મારો પરિવાર પુર્ણ કરવા બદલ તમારો આભાર.” ઘરનાં સોફા પર અમિત , એની બાજુમાં રૈના , અમિતના ખોળામાં રૈનાનું બાળક અને રૈનાના ખોળામાં મીલી. પરિવાર પુરો.. ખુબ સુખદાયક હતું એ દ્રશ્ય.

ટ્ન્.. ટ્ન્.. ડોરબેલ ના અવાજ થી રૈનાનું સપનું તુટ્યું. અમિતને જ્યારે પોતાના માતૃત્વની જાણ થશે ત્યારે એનું શું રીએક્શન હશે ? એ આ બાળકને સ્વીકારશે ? જેમ પોતે મીલીને મા નો ભરપુર પ્રેમ આપ્યો હતો એમ અમિત આ બાળકને પ્રેમ કરી શકશે ? રૈનાએ એના પોતાના મનને જ સવાલ કર્યો. ‘ હા ચોક્કસ જ વળી. અમિત પણ આ બાળકને પોતાના જેટલો જ પ્રેમ કરશે ’ એના અંતરે એને જવાબ આપ્યો. અમિત પોતાના બાળકને સ્વીકરશે જ.

રાતે પથારીમાં પડ્યા પડ્યા રૈનાએ પોતાનાં ઉદર પર હાથ ફેરવ્યો. એક અજબ સંતોષની લાગણી અનુભવી. થોડાંજ મહિનાઓ પછી એ એક પુર્ણ સ્ત્રી થઈ જશે. પછી અમિતનો હાથ લઈ પોતાના પેટ પર મુક્યો.

“અમિત , આઈ એમ પ્રેગ્નંટ.” વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ અમીતે હાથ ખેંચી લીધો.

“વ્હોટ ? આ તું શું બોલે છે ?” અમિત ચમકીને બેઠો થઈ ગયો..

“હા અમિત હું મા બનવાની છું.”

પણ્.....પણ કેવી રીતે..? અમિત વિચારી રહ્યો...

“તને કેવી રીતે ખબર પડી ? ” અમિતે વાતની ખાત્રી કરવા રૈનાને પુછ્યું.

“મને લીપીએ કહ્યું. મહિના પર દસ દિવસ ચડી ગયા એટલે મેં લીપીને બતાવ્યું તો એણે ટેસ્ટ કરી કહ્યું.” રૈના આ જુઠ્ઠું બોલી. એ જોવા કે અમિત સાચી વાત એને કરે છે કે નહી. પણ અમિત તો કંઈ પણ બોલ્યા વિના સૂઇ ગયો. રૈનાએ એના શરીર પર હાથ મૂક્યો તો એણે ખસેડી નાખ્યો. રૈના અમિતનાં ગુસ્સા નું કારણ જાણતી હતી એટલે એ પણ ઉંધી ફરીને સૂઇ ગઈ. રૈનાને વિશ્વાસ હતો આજે નહીં તો કાલે અમિત સાચી વાત એને કરશે જ.

સવારે બ્રેક્ફાસ્ટ ટેબલ પર રૈના મીલીને નાસ્તો કરાવતી હતી. ત્યાં જ અમિત આવ્યો. રોજ રૈનાએ પોતાની પસંદગીથી મૂકેલા કપડાં પહેરતા અમીતે આજે રૈનાએ મુકેલા કપડાં ન પહેર્યા. રૈના સામે નારાજગી દર્શાવવાની અમિતની આ રીત હતી. અમિત બીજા કપડાં પહેરે એટલે રૈના સમજી જતી અમિત નારાજ છે.. ને એ અમિતને મનાવતી.. અમિતની આજની નારાજગી નું કારણ પણ રૈના જાણતી હતી. પણ... કંઈ નહી મીલી સ્કૂલે જાય પછી એ અમિતને મનાવી લેશે. આજે બ્રેકફાસ્ટમાં રૈનાએ અમિતનો મનપસંદ ઉપમા બનાવ્યો હતો.. પણ અમિત મુંગા મુંગા માત્ર ચા પીને મીલી કરતાં પહેલાં જ ઘરમાંથી નીકળી ગયો.

“મમ્મી આજે પપ્પા કેમ વહેલા જતાં રહ્યાં ? અને મારી કે તારી સાથે વાત પણ ના કરી.? ”

“કંઇ નથી બેટા. એ તો પપ્પાને ઓફિસમાં બહુ કામ છે એને લીધે રાતે સરખું ઉંઘ્યા પણ નથી ને એટલે.. તું સ્કૂલેથી આવશે ત્યારે પપ્પા ઓકે થઈ ગયા હશે.” કહી રૈનાએ મીલીને સમજાવી. મીલીને સ્કૂલે મુકી આવ્યા પછી રૈના છાપું લઈને બેઠી. એની નજર છાપાં પર હતી પણ મન તો અમિતને કેવી રીતે મનાવવો એ જ વિચારતું હતું.

સાંજે ડીનર લેતાં લેતાં એકાએક રૈનાને યાદ આવતાં તેણે લાગલું જ કહ્યું..

“ અમિત , મારી સાથે કોલેજમાં ભણતો એક મિત્ર સૌમિલ કાલે આપણે ઘરે આપણને મળવા આવવાનો છે. આપણા લગ્નમાં તો એને બોલાવી નહોતા શક્યા. આજે એનો ફોન આવ્યો હતો. મેં જ્યારે મારી પ્રેગ્નંસીની વાત કરી તો એ ખુબ ખુશ થઈ ગયો... મને કહે કે પાર્ટી જોઇએ. લગ્નની પાર્ટી પણ બાકી છે. મેં એને ઘરે જ બોલાવી લીધો. તમે કાલે ઘરે જ છો ને.? ”

“હા” અમિતે ટૂંકો જવાબ આપ્યો. અમિતની નજર સામે એક હેંડસમ યુવક આવી ગયો. સુદ્ર્ઢ શરીર... મજબુત બાંધો.. ગોરો ને લાંબો... ને પોતે તો સામાન્ય દેખાવનો હતો. અમિતથી આમ જ મનમાં એની સાથે પોતાની સરખામણી થઈ ગઈ. થોડાં મહિના પહેલાં પોતે રૈના અને મીલી સાથે રેસ્ટોરંટમાં ગયો હતો ત્યારે એ એમને મળ્યો હતો. આ બાળક એનું તો નહી હોય ? આખો દિવસ રૈના ઘરમાં એકલી જ તો હોય છે. એના મનમાં ગડમથલ ચાલી રહી હતી. જ્યારે સૌમિલ એની પત્ની સાથે આવ્યો ત્યારે એની સાથે એ બરાબર વાત પણ નહીં કરી શક્યો. ના કહેવાય અને ના સહેવાય એવી સ્થિતિ થતી જતી હતી અમિતની અને રૈના પણ સાચી હકીકત અમિતને જણાવતી નહોતી. દિવસો પસાર થવા લાગ્યા. બંને વચ્ચે હવે ખૂબજ ટૂંકા વાર્તાલાપ થતાં. અમિત રૈના સાથે કામ પૂરતી વાત જ કરતો.. રૈનાની ધીરજ હવે ખૂટી ગઈ.. ને અમિતની સહનશક્તિ પણ.

બંને મનમાં ધૂંધવાતા હતાં પણ એકબીજાનાં મનની વાત સામેના પાત્રને કહેતા નહોતા.

પણ એમ ઉભરો ક્યાં સુધી વધતો રહે.. એક દિવસ ધડાકો થઈ જ ગયો...

“રૈના મારે તારી સાથે વાત કરવી છે.”

“મારે પણ ”

“હું પૂછવા માગુ છું કે તારા પેટમાં બાળક કોનું છે ? ”

“અરે ! આ તે કેવો સવાલ ? ”

“મારા સવાલનો જવાબ આપ ”

“તમે નથી જાણતાં ? ”

“મારા સવાલની સામે સવાલ ન કર જવાબ આપ આ કોનું બાળક છે ? ”

“અમિત હું તમારી પત્ની છું તો આ બાળક પણ તમારું જ હોય ને ? ”

“ના હું જાણું છું કે આ બાળક મારું નથી. ”

“એવું તમે શી રીતે કહી શકો ? ”

“બસ મેં કહ્યું ને કે આ બાળક.... ”

“તમને કેમ એવું લાગે છે કે આ બાળક તમારું ન હોઇ શકે ? ”

“કારણકે.... કારણકે....”

“ કારણકે ? એક મીનીટ અમિત, તમે મારી પર શંકા તો નથી કરી રહ્યાને કે હું...હું કોઇ બીજાનાં. ”

રૈનાએ અમિત સામે પ્રશ્નાર્થ નજરે જોયું. અમિતે નજર ફેરવી લીધી..

“ ઓહ, તો તમારા મનમાં આ છે..”

“ ના રૈના એવું નથી. પણ..”

“ પણ શું અમિત..? આ બાળક તમારું કેમ ના હોઈ શકે બોલો..? બોલો અમિત..”

“કારણકે ...” અમિત કારણ કહેતાં અચકાતો હતો.. રૈના કારણ જાણતી હતી પણ અમિતને મોઢે સાંભળવા માગતી હતી પણ અમિત કહી ના શક્યો. એ માથું નીચુ રાખી સોફા પર બેસી ગયો.

“બોલો. બોલો.. અમિત ” રૈના અમિતને ઉશ્કેરી રહી હતી. રૈના ઈચ્છતી હતી કે અમિત સાચું કહે. તેણે ફરી પુછ્યું.

“ આ બાળક તમારું કેમ ના હોઈ શકે.. ? તમે..... ? ના..ના.. એ કેવી રીતે શક્ય છે ? તમે તો મીલીના પિતા છો. કે પછી તમારી પહેલી પત્ની...”

“ રૈ...ના...” અમિત બરાડ્યો અત્યાર સુધી એ પોતાની નબળાઈને લીધે બોલી નહોતો શક્યો પણ પોતાની પહેલી પત્ની પર આ પ્રકારનો આક્ષેપ એ સહન કરી ન શક્યો. ઊભા થઈ રૈનાને મારવા એણે તેની પર હાથ તો ઉગામ્યો પણ પછી અટકી ગયો. રૈનાના મોં પર ડરની જગ્યાએ એક સ્મિત હતું. અમિત એનાથી વધુ ઉશ્કેરાયો. અમીતે રૈનાને બાવડાથી જોરથી પકડી એને સોફા પર બેસાડી

“તારે જાણવું છે ને...? જાણવું છે ને કે આ બાળક મારું કેમ ના હોઇ શકે ? ” રૈનાને ધક્કો મારી હડસેલી

“ તો સાંભળ આ બાળક મારું ના હોઇ શકે કારણ કે મેં આપણા લગ્ન પહેલાં વંધ્યત્વનું ઓપરેશન કરાવ્યું હતું.” પછી જોરથી રૈનાના બાવડા છોડતાં કહ્યું ,

“તેં તારી પ્રેગ્નંસીના સમાચાર આપ્યા એને બીજે દિવસે જ મેં ડો.ને મળીને ઓપરેશન ફેઈલ ગયું છે કે નહીં એની તપાસ કરાવી. ને ડૉ.એ ફેઈલ નથી થયું એમ કહ્યું. હવે બોલ આ બાળક મારું કઈ રીતે હોઇ શકે..? ” બોલી એણે મોં બીજી દિશામાં ફેરવી લીધું. આ સાંભળી રૈના રડી પડી.. ઊભા થઈને એણે અમિતને હચમચાવતાં પૂછ્યું,

“ કેમ ? કેમ અમિત તમે આવું કર્યું ? ”

“ મને એમ હતું કે કદાચ... કદાચ તું મારી મીલી ને...” અમીતે અચકાતાં અચકાતાં કહ્યું.

“તમને મારા પર ભરોસો નહોતો..? ” અમિત કંઈ ના બોલ્યો. થોડી વાર રડ્યા પછી રૈનાને સારું લાગ્યું. જાણે આટલા દિવસ ની અકળામણ માંથી છૂટકારો મળ્યો.

“ હવે.. મારી વાત સાંભળો. હું પણ તમને સાચી હકીકત જણાવું. ” રૈના થોડી અટકી પછી બોલી.

“હું પ્રેગ્નંટ નથી. માત્ર તમારા મોઢે ઓપરેશનની વાત કઢાવવા મેં આ નાટક કર્યું હતું. હા મારે માતા બનવું છે ને હું બનીશ.. ચિંતા ના કરતા એ માટે હું કોઇ બીજા પુરુષ સાથે સંબંધ નહી બાંધું...વિશ્વાસ રાખજો.. હવે પુરુષ વગર પણ સ્ત્રી મા બની શકે છે અમિત.”

અમિત રૈનાને જોઇ રહ્યો.... બસ જોઇ જ રહ્યો......