GEBI GIRNAR RAHASYAMAY STORY - 8 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૮ )

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૮ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૮)

રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતગર્ત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરીશ જે આપ જોઈ શકો છો.

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

અગાઉના ભાગમાં તમે જોયું કે કલ્પેશનો પગ જે પાનથી ઠીક થયો હોય છે તેને ફરી મેળવવાના મારા નિરર્થક પ્રયાસ બાદ અમે આગળ વધીને એક રાયણના ઝાડ નીચે આરામ કરવા બેઠા હોય છે તે દરમિયાન આશિષ રાયણ તોડવાની લાલચમાં ઝાડ ઉપર ચડે છે અને અચાનક બૂમાબૂમ કરી મૂકી શકે છે...હવે આગળ...

અચાનક જ આશિષે બૂમાબૂમ કરી મૂકી. તેની બૂમો સાંભળીને અમે પણ ગભરાઈને ઊભા થઈને તેને જોવા લાગ્યા. જેવી અમારી બધાની નજર ઉપર પડી ઉપરનું દ્રશ્ય જોઈને અમારા બધાનાં પગ ધ્રૂજી ગયા.

એક મોટો ' ઈન્ડિયન પાયથન ' આશિષની પાસે પહોંચી ગયો હતો અને એ વિશાળ અજગરે તેના પગને ડાળી ફરતે ભરડો લઈ લીધો હતો.

એ અજગરે જે રીતે આશિષના પગને ભરડો લીધો હતો તે જોઈને ઘડીભર તો અમારામાંથી કોઈને પણ શું કરવું તેની કંઈ સૂઝ પડી નહીં.

અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો અને મેં આશિષને બૂમ પાડીને કહ્યું, " તું થોડીવાર હલનચલન કર્યા વગર એમને એમ બેઠો રહેજે. અજગરના ભરડામાંથી તું જેમ છટકવાની કોશિશ કરીશ એમ એનો ભરડો તારા પગ પર વધી જશે. અજગર પોતાના શિકારને આવી રીતે જ ભરડો લઈને નિર્જીવ કરી નાખે છે અને ત્યારબાદ એ એને ગળી જાય છે. એટલે તું નિર્જીવ હોય એમ જ બેસી રહેજે, તું ડરતો નહીં અમે તને બચાવી લઈશું."

મેં ફટાફટ મારી બેગ ખોલી અને એમાંથી બાકસ કાઢી. ત્યારબાદ મેં અને મનોજભાઈએ એક જાડી લાકડી શોધીને એના પર થોડા પ્લાસ્ટિક અને ડાળખા વિંટાળીને એક કાકડી તૈયાર કરીને એને સળગાવી.

આશિષ : " જે કરવું હોય એ જલ્દી કરજો અજગરનો ભરડો હવે વધતો જાય છે. મારાથી હવે સહન થતું નથી. "

મેં ભાવેશને ઝડપથી ઝાડ પર ચડી જવા કહ્યું. ભાવેશ ઝાડ પર ચડતા ડરતો હતો પણ અમે એને કહ્યું કે અજગર એમ તાત્કાલિક હુમલો કરતો નથી. અમે પણ તારી પાછળ ઝાડ પર ચડીએ છીએ.

ભાવેશ આગળ અને અમે એની પાછળ ઝાડ પર ચડ્યા. કલ્પેશે પેલી સળગતી કાકડી અમને ઉપર આપી દીધી. મેં એ કાકડી ભાવેશને આપી અને અજગરની પૂંછડી પર એને અડાડવા કહ્યું.

ભાવેશે જરાપણ વાર લગાડ્યા વિના એ સળગતી કાકડી અજગરની પૂંછડી પર રાખી દીધી. જેવી અગ્નિ અજગરને લાગી કે એણે તરત જ ફૂંફાડો માર્યો અને એની પકડ ઢીલી પડી ગઈ. જેમ જેમ અજગરને પેલી કાકડીની વધુ ગરમી લાગી એ ઝડપથી સરકીને બીજી ડાળી તરફ જવા લાગ્યો.

અમે તરત જ આશિષને ટેકો આપીને અમારી તરફ લઈ લીધો. હજુપણ આશિષને અજગરના ભરડાને લીધે અસહ્ય દુખાવો થતો હતો.

અજગર બીજી ડાળી પર જઈને અમારા પર હુમલો કરવાની તૈયારીમાં હતો કારણકે કાકડીની ગરમીને લીધે તે છંછેડાયો હતો. અને એની પૂંછડી દાઝી ગઈ હોવાથી તે સતત ફુંફાડા મારી રહ્યો હતો.

અમે તેની સામે થોડીવાર એમને એમ બેસી રહ્યા. પછી તરત જ મેં ઝાડ પરથી એક જાડી ડાળી કાપી લીધી. મનોજભાઈએ પણ એક ડાળી કાપી લીધી. સળગતી કાકડી હજુ પણ ભાવેશના હાથમાં જ હતી. કલ્પેશ અને રાહુલે પણ બે મોટી લાકડી લઈ લીધી હતી.

મેં ફરી ભાવેશને કાકડી એના પેટ પર અડાડવા કહ્યું. જેવી ભાવેશે કાકડી એના પેટ પર અડાડી કે તરત જ અજગર અમારી તરફ આવવા લાગ્યો. અમે એના નજીક આવવાની રાહ જોતા હતા પણ એ સીધો ભાવેશ તરફ ભાગ્યો.

ભાવેશ અજગરને પોતાની તરફ આવતો જોઈને ડરી ગયો અને એ ત્યાંથી ઊભો થઈને ભાગવા જતો હતો ત્યાં જ એનો પગ લપસ્યો અને એ ડાળી પર લટકી ગયો.

હવે અમારા પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે ક્યારેય આવી રીતે અજગરનો પણ સામનો થશે અને આતો વળી એકદમ ગુસ્સે ભરાયો હતો.

મેં અને મનોજભાઈએ એકબીજાની સામે જોયું અને જાણે એકબીજાની આંખોની ભાષા સમજી ગયા હોય એમ એક સાથે અમે લાકડીના પ્રહારો અજગર પર કરવા માંડ્યા. આવા એકધારા હુમલાની કદાચ અજગરને પણ કલ્પના નહીં હોય! અજગર હજુ ભાવેશ સુધી પહોંચે એ પહેલાં જ અમારા હુમલાને લીધે એ સીધો નીચે પડ્યો.

ભાવેશ હજુ એમને એમ લટકી રહ્યો હતો. ઝાડથી જમીન વચ્ચેનું અંતર વધુ હોવાથી કૂદકો મારી શકાય એમ નહોતો આથી અમે ભાવેશને હાથ લંબાવીને ઉપરની તરફ ખેંચી લીધો.

અમે નીચે જોયું તો અજગર નીચે ગુચળુ વળી ગયો હતો. અને થોડીવાર બાદ તે સરકીને કલ્પેશ અને રાહુલ તરફ જવા લાગ્યો. કલ્પેશ અને રાહુલે પણ ઉપરા છાપરી પ્રહારો અજગર પર કરી દીધા. પરંતુ અમે ઉપરથી ના પાડી એટલે તેઓ અટકી ગયા.

અજગર થોડો ઘાયલ થઈ ગયો હતો પરંતુ ગમે તેમ તોય તે એક જંગલી જાનવર જ ગણાય અને તેને મારવું એ એક ગુનો છે આથી અમે તેને જવા દીધો. અજગર થોડીવારમાં પેટે ઢસડાઈને ઝાડીઓમાં ચાલ્યો ગયો.

અમે આશિષને નીચે ઉતારીને એનો પગ જોયો. પગ પર કોઈ જાતના ઘાવ નહોતા પણ એના પર દબાણ આવવાને લીધે થોડો સોજો આવી ગયો હતો. વધારે કંઈ વાંધો નહોતો એટલે અમને હાશકારો થયો.

અમે પોત પોતાના થેલાઓ લઈને ત્યાંથી આગળ નીકળી ગયા. અમે હવે નીચેના જંગલ તરફ પહોંચી ગયા હતા. પરંતુ હજુ પર્વતનો ઢોળાવ પૂરો થયો નહોતો. ઉપરથી જોતાં હજુ જંગલની તળેટી ખૂબ દૂર લાગતી હતી. કોઈના પણ મોબાઈલમાં નેટવર્ક આવતું નહોતું.

મેં મોબાઈલમાં જોયું તો બપોરના ૨ વાગ્યાનો સમય થયો હતો. અમે બધા હજુ અજગરની વાત કરી રહ્યા હતા કે માંડ બચ્યા એ અજગરથી.

આશિષ : " 'જનાબ' તને કાકડી કરવાનો વિચાર કેમ આવ્યો અને બાકસ તેં ક્યાંથી કાઢી?

મેં કહ્યું, " મોટેભાગે જંગલના પ્રાણીઓ આગથી ડરતાં હોય છે. સિંહ અને વાઘ પણ આગથી ડરે છે. આ બધું 'ડીસ્કવરી ચેનલ'મા બતાવતા હોય છે. હું જ્યારે ઘરેથી નિકળ્યો ત્યારે મેં બાકસ, બેટરી એવી અમુક વસ્તુઓ સાથે લઈ લીધી હતી કારણકે સંકટ સમયે આવી નાની-નાની વસ્તુઓ ખૂબ કામ લાગતી હોય છે.

કલ્પેશ: " આપણી સાથે અહીં આવ્યા પછી ઘણી બધી ઘટનાઓ બની એ જોતાં એવું લાગે છે કે આપણે આજના દિવસે અહીં આવવું જોઈતું નહોતું. કારણકે અમે જ્યારે ઘરેથી નીકળતા હતા ત્યારે મનોજ અચાનક પગથિયાં પર પડી ગયો હતો અને આશિષની ડાબી જમણી આંખ ફરકતી હતી એના ઉપરથી લાગ્યું કે આપણી સાથે કંઈક અજુગતું બનવાનું છે."

કલ્પેશભાઈની વાત સાંભળીને મારા પગ ત્યાં જ થંભી ગયા. મને ઊભેલો જોઈને બધા પણ ઊભા રહી ગયા. અને ઊભી જવાનું કારણ પૂછ્યું.

મેં કહ્યું, " કલ્પેશની વાત સાંભળીને મને એક વાત યાદ આવી ગઈ એટલે હું થંભી ગયો કારણ કે તમને લોકોને જ આવો અનુભવ થયો એવું નથી મને પણ ઘરેથી નીકળતી વખતે એક ડરામણો અનુભવ થયો હતો. "

બધાએ પૂછ્યું, કેવો અનુભવ?? એ પછી મેં બધાને ઘરેથી નીકળતી વખતે જે કાળી બિલાડીનો અનુભવ થયો હતો એની બધી માંડી ને વાત કરી.

" તો તે પહેલાં આ વાત કરી કેમ નહીં? " આશિષે ડરતાં ડરતાં કહ્યું.

" મને એમ કે કદાચ તમે આને અંધશ્રદ્ધા ગણશો કે પછી મારો ખાલી એવો વહેમ હશે એવું માની મેં વાત નહોતી કરી અને સાચું કહું તો એ વાત મારા મગજમાં પાછી આવી જ નહીં." મેં કારણ બતાવતાં કહ્યું.

હવે બધાને ખરેખર ડર લાગ્યો હતો અને પેલા નાગા સાધુએ પણ એક રહસ્યમય વાત કરી હતી કે જે દૂરથી સુંદર લાગે એ કદાચ ખતરનાક પણ હોય. અને એ મુજબ જ અમે ઉપરનું લોકેશન અને સૌંદર્ય જોઈ ફસાયા હતા.

રાહુલ : " આપણે અહીં ઊભા રહીને વાતો કરવા કરતાં આગળ વધવું જોઈએ જે થશે એ જોયું જશે. "

જેવી પરિસ્થિતિ હતી એ પ્રમાણે અમને બધાને એની વાત યોગ્ય લાગી અને અમે આગળ ચાલવા લાગ્યા. ભાવેશ અને મનોજ સૌથી આગળ ચાલી રહ્યા હતા. આશિષને ચાલવામાં થોડી તકલીફ થતી હોવાથી અમે સૌથી છેલ્લે ધીમે ધીમે ચાલી રહ્યા હતા.

હવે એકદમ ગીચ જંગલ શરૂ થઈ ગયું હતું. જાત જાતના પક્ષીઓના અવાજથી બપોરના સમયે અંદરનું વાતાવરણ ડરામણું લાગતું હતું. દૂરથી ગીરનારની બીજી તરફની સીડી અમને દેખાઈ રહી હતી અને ત્યાં લોકો પણ હતા પણ એ ખૂબ જ દૂર હતી. ચાલતી વખતે વૃક્ષોના સુકાયેલા પાંદડાઓ પર પગ પડવાથી અવાજ થઈ રહ્યો હતો અને એ જંગલની શાંતિને ભંગ કરી રહ્યો હતો.

એવામાં ઝાડીઓમાંથી મનોજ અને ભાવેશનો અવાજ સંભળાયો અહીં આવો બધા. અમે ઝડપથી ત્યાં પહોંચીને જોયું તો ભાવેશ અને મનોજ પાસે બે નાના બચ્ચા હતાં. બચ્ચા ખૂબજ નાનાં હતા અને એ એક બે દિવસ પહેલાં જ જન્મ્યા હોય એવું લાગતું હતું. દેખીતી રીતે તો એ બિલાડીના બચ્ચા હોય એવું લાગતું હતું.

" મનોજભાઈ આ બચ્ચાં ક્યાંથી મળ્યા? અને આ બચ્ચાં કોના છે? " મેં અધીરાઈ પૂર્વક કહ્યું.

" આ બચ્ચાં અહીં ઝાડીઓ પાસે હતાં જો કદાચ શિયાળ કે જંગલી કૂતરાં આવશે તો આને મારી નાંખશે." મનોજભાઈ એ બચ્ચાંના માથે હાથ ફેરવતાં કહ્યું.

આ સુંદર અને રૂપાળા બચ્ચાંઓને જોઈને બધા એને રમાડવા લાગ્યા. રાહુલ અને કલ્પેશ પણ બચ્ચાંઓને હાથમાં લઈને જોવા લાગ્યા.

મેં કહ્યું , " મનોજભાઈ આપણી પાસે અત્યારે બચ્ચાંઓને રમાડવાનો સમય નથી. આપણે જેમ બને તેમ જલદી અહિંથી નીકળી જવું જોઈએ. "

એટલામાં અમારા બધાના આશ્ચર્ય વચ્ચે દૂરથી એક નાનકડી છોકરીએ અમને બધાને બૂમ મારી. " તમે લોકો કોણ છો? અને અહીં અત્યારે શું કરો છો? તમે જલદી અહિંથી નીકળી જાવ. આ વિસ્તારમાં એક દીપડી વિયાણી છે. "

એ નાનકડી છોકરીને જોઇને પહેલાં તો અમે ડરી ગયા કે અત્યારે આ જંગલમાં આ છોકરી શું કરે છે ? પણ પછી અમે એને પૂછ્યું કે તું કોણ છે અને અહીં ક્યાંથી ?? અમે તો બધા ભૂલા પડ્યા છે.

પરંતુ તે અમારી વાતનો જવાબ આપ્યા વિના જ ઝડપથી ચાલી ગઈ. અમને થયું કે કદાચ આસપાસ કોઈ રહેતું હશે એની છોકરી હશે. અમારે એ બાજુ જવું જોઈએ.

અચાનક જ મારા મગજમાં એક ઝબકારો થયો. એ છોકરીએ કહ્યું કે આ વિસ્તારમાં દીપડી વિયાણી છે. અને એક રીતે જોઈએ તો દીપડો અને બિલાડી એક જ કુળનાં પ્રાણી ગણાય એટલે નાના હોય ત્યારે તે ઘડીકમાં ઓળખી શકાતાં નથી.

મેં બચ્ચાંને હાથમાં લઈને કહ્યું, " મનોજભાઈ કદાચ આ દીપડીના બચ્ચાં તો નથી ને?"

મનોજભાઈ કંઈ બોલે તે પહેલાં તો સામેની ઝાડીઓમાં સળવળાટ થયો. અમે બધાએ ડરીને તે બાજુ જોયું અને જે દ્રશ્ય અમે જોયું તે જોઈને અમારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. ત્યાં ઝાડીઓમાંથી એક દીપડી અમારી તરફ આવી રહી હતી......( વધુ આવતા અંકે )

એ છોકરી કોણ હતી ? અને આ જંગલમાં તે શું કરી રહી હતી? શું અમે દીપડીના બચ્ચાં પકડ્યાં હતાં?‌ દીપડીથી અમે બચી શકીશું? જાણવા માટે વાંચતા રહો આ રહસ્યમય ગેબી યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.